Badlo - 12 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 12

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

બદલો - ભાગ 12

૧૨. કોર્ટ રૂમના દાવ પેચ

કોર્ટ રૂમ ચિક્કાર હતો. પગ મુકવાની પણ જગ્યા નહોતી. કંપાઉન્ડમાં લોકોની ચિક્કાર ભીડ એકઠી હતી. જે પ્રત્યેક મિનિટે વધતી જતી હતી. પોલીસ ફોર્સ ભીડને અંદર જતી અટકાવવાનો પ્રયાસ કરતી હતી. અને આ ભીડનું કારણ એક જ હતું. કોર્ટમાં આજે એક એવા ગુનેગારને રજુ કરવાનો હતો કે જેના ષડયંત્રમાં ફસાઈને કોર્ટે એક નિર્દોષ માનવીને ફાંસીના માંચડે લટકાવી દીધો હતો. એ જ વખતે પોલીસની એક બંધ ગાડી આવીને ઊભી રહી. ભીડમાં શોરબકોર મચી ગયો. ગાડીમાંથી ઉતરનાર ગુનેગારનો ચહેરો જોવા માટે લોકો એકબીજાને ધક્કા મારતા આગળ વધવા લાગ્યા. ભીડને દૂર રાખવા માટે પોલીસને ન છૂટકે લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો. લાઠીચાર્જ થતાં જ ભીડ વીખેરાઈ ગઈ. પછી ગુનેગારને કોર્ટમાં પહોંચાડી દેવામાં આવ્યો. ન્યાયધીશ સાહેબ આવીને પોતાની ખુરશી પર બેઠા અને તેમણે કોર્ટનું કામકાજ શરૂ કરવાનો આદેશ આપ્યો. ગુનેગારને આરોપીના પાંજરામાં ઉભો રાખવામાં આવ્યો. 'અરે..' એને ઓળખીને ભીડમાંથી કોઈક ઓછા અવાજ સાથે બોલ્યું, 'આ તો કાલિદાસ છે..'

'રાકેશ નો બાપ..' બીજાએ કહ્યું.

'આ તો શેતાનને પણ સારો કહેવડાવે એવો નીકળ્યો.' ત્રીજાએ મમરો મુક્યો. 'લોકો તો પોતાના સંતાન માટે પ્રાણ સુદ્ધાં આપી દે છે જ્યારે આ રાક્ષસ તો પોતાના જ દીકરાનો કોળિયો કરી ગયો.' ભીડનો શોર વધે એ પહેલા જ ન્યાયાધીશ સાહેબે હથોડી પછાડીને સૌને શાંત રહેવાનું કહ્યું.

સરકારી વકીલ દીનાનાથ પોતાના સ્થાનેથી ઊભો થઈને આરોપીના પાંજરા પાસે પહોંચ્યો. 'યોર ઓનર..' એણે ગળું ખંખેરીને કાલિદાસ સામે જોતાં કહ્યું. 'અત્યારે આરોપીના પાંજરામાં જે માણસ ઉભો છે એના ગુનાની કલ્પના માત્રથી જ કાળજું થથરી ઊઠે છે. આ માણસ પોતાની નિર્દોષ પુત્રવધુનો ખૂન, એટલું જ નહીં આ માણસના ષડયંત્રમાં ફસાઈને કાયદાએ તેના નિર્દોષ દીકરાને પણ ફાંસીએ લટકાવી દીધો છે.'

'ઓબ્જેક્શન યોર ઓનર..' વકીલની વર્દીમાં સજ્જ થયેલો અમિત ઉભો થઈને ઉગ્ર અવાજે બોલ્યો. 'જ્યાં સુધી આરોપીનો ગુનો પુરવાર ન થઈ જાય ત્યાં સુધી મિસ્ટર દીનાનાથ કે બીજા કોઈપણ વકીલને ગુનેગારને ખૂની તરીકે સંબોધવાનો કોઈ હક નથી.' 'ઓબ્ઝેક્શન સસ્ટેન્ડ' ન્યાયાધીશે આટલું બોલ્યા પછી સરકારી વકીલને ઉદ્દેશીને કહ્યું, 'આરોપી માટે આપ જે કોઈ શબ્દનો ઉપયોગ કરો તે કાયદાની કલમોને ધ્યાનમાં રાખીને જ કરો.'

'જી યોર ઓનર.. હા તો હું એમ કહેતો હતો કે અત્યારે આરોપીના પાંજરામાં કાલિદાસ નામનો જે માણસ ઉભો છે તેના પર એની પુત્ર વધુનું ખૂન કરવાનો આરોપ છે. એણે એ એટલા માટે કરાવ્યું કે ઘણા પ્રયાસો પછી પણ એ તેની આબરૂ લૂંટવામાં સફળ નહોતો થયો. એટલું જ નહીં યોર ઓનર.. એના પર એવો આરોપ પણ છે કે આ ખૂનનો આરોપ પોતાના દીકરાના માથા પર ઓઢાડવા માટે એણે આવું ષડયંત્ર રચ્યું. તેનો નિર્દોષ દિકરો ફાંસીના માંચડે લટકી ગયો એટલે કોર્ટ એને બબ્બે ખૂનનો આરોપી માનીને પોતાની કામગીરી શરૂ કરે એમ હું ઈચ્છું છું.'

'બબ્બે ખૂનનો આરોપી?'

'હા, ગીતા અને રાકેશના ખૂનનો આરોપી.'

'તો પછી હું એમ કહીશ મિસ્ટર દીનાનાથ..' અમિત તેની સામે તાકી રહેતા બોલ્યો. 'કે આપનો આરોપ પાયામાંથી જ ખોટો છે. તો પછી આપ એને ધૂળ પુરવાર કરવાના હતા? અતિરેકને કારણે આપ એ વાત પણ ભૂલી ગયા કે રાકેશનું ખુન નહોતું થયું. પણ તેને કાયદાએ ફાંસી આપી હતી. અને ફાંસી એટલા માટે આપવામાં આવી હતી કારણ કે કોર્ટે તેને તેની પત્નીના ખૂનનો ગુનેગાર માન્યો હતો. હવે જો કોર્ટ દ્વારા કરવામાં આવેલી ફાંસીની સજાને તમે ખૂન ગણતા હો તો હું એમ કહું છું કે આ ખૂન કાયદાએ પોતે કર્યું હતું. ખૂની કાયદો છે. સજા એને થવી જોઈએ, નહીં કે મારા ક્લાયન્ટ મિસ્ટર કાલિદાસને..'

અમિતના શબ્દોએ કોર્ટમાં મોજુદ સૌ કોઈના ધબકારા વધારી દીધા હતા. ટાંકણી પડે તો તેનો અવાજ પણ સ્પષ્ટ રીતે સંભળાય એ રીતે સન્નાટો કોર્ટ રૂમમાં છવાઈ ગયો. કિકર્તવ્યવિમૂઢ જેવી હાલતમાં ઉભેલા દીનાનાથે પરિસ્થિતિનું ભાન થયું ત્યારે તે ઉગ્ર અવાજ બોલ્યો, 'મિસ્ટર અમિત લાગણીના પૂરમાં એટલા બધા તણાઈ ગયા છે કે પોતે આવું બોલીને કાયદાનું અપમાન કરે છે એ પણ તેમને ભાન નથી. પોતાના ક્લાયન્ટને બચાવવા ખાતર તેઓ કાયદા માટે ખૂની જેવા ઘૃણિત શબ્દનો ઉપયોગ કરે છે.'

'મિસ્ટર અમિત..' ન્યાયાધીશ સાહેબે ગંભીર અવાજે કહ્યું, કાયદાને ખૂની કહીને આપે કોર્ટ અને કાયદો બંનેનું અપમાન કર્યું છે. એટલે કોર્ટ આપને ચેતવણી આપે છે. કાં તો આપ માફી માંગીને આપના શબ્દો પાછા ખેંચી લો અથવા તો જે કંઈ કહ્યું છે તેને પુરવાર કરી બતાવો.' 'યોર ઓનર..' અમિતના અવાજમાં લેશમાત્ર ગભરાટ કે ખમચાટ નહોતો. 'મારા ક્લાયન્ટ પર મિસ્ટર દીનાનાથે બે ખૂનનો જે આરોપ મૂક્યો છે એ જો તેઓ પાછો ખેંચી લે તો હું કોર્ટના આદેશનું પાલન કરવા માટે તૈયાર છું.'

'કેવી રીતે પાછો ખેંચી લઉં?' દીનાનાથે કહ્યું. 'આરોપ તો આરોપ છે.'

'તો પછી મારે પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે મેં કાયદા પર જે આરોપ મૂક્યો છે તે પોતાના સ્થાને બિલકુલ વ્યાજબી અને યોગ્ય છે.' અમિત બોલ્યો.

'કેવી રીતે યોગ્ય છે?'

'કેવી રીતે શું? યોગ્ય યોગ્ય છે.' અમિતનો જવાબ સાંભળ્યા પછી દીનાનાથના ચહેરાની હાલત જોઈને કોર્ટ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. શાંતિ સ્થાપવા માટે ફરીથી એકવાર ન્યાયાધીશ સાહેબને હથોડીનો ઉપયોગ કરવો પડ્યો.

'મિસ્ટર અમિત..' તેમણે કહ્યું. 'હવે આપ કાયદાની મર્યાદા ઓળંગો છો. કોર્ટ આપને ફરીથી ચેતવણી આપે છે કે તાબડતોબ આપના કથનને પુરવાર કરો અથવા તો માફી માંગી લો.'

'યોર ઓનર..' અમિત તીવ્ર અવાજે બોલ્યો. 'આ મારો હેતુ નહોતો કાયદાનું અપમાન કરવાનો કે નહોતો તેને ખૂની કહેવાનો. મિસ્ટર દીનાનાથે મારા ક્લાયન્ટ પર બબ્બે ખૂનોનો આરોપ મૂક્યો એટલે ન છૂટકે લાચારીવશ જ મારે આ શબ્દનો ઉપયોગ કરવો પડ્યો છે. તેમનો આરોપ પાયામાંથી જ ખોટો છે. કારણ કે આ કોર્ટમાં જ પુરવાર થયું હતું કે ગીતાનું ખૂન રાકેશના હાથે છૂટેલી ગોળીથી થયું હતું. આ વાતના પુરાવા રૂપે કોર્ટમાં જે રિવોલ્વર વડે ખૂન થયું હતું એ રિવોલ્વર તથા તેના પરથી મળી આવેલી રાકેશના આંગળાની છાપનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બાકીના પુરાવાઓની સાથે સાથે રાકેશના કબુલાતનામા પરથી પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે પોતાની પત્ની ગીતાનું ખુન એણે જ કર્યું હતું. પરિણામે કોર્ટે તેને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવી હતી. આ સંજોગોમાં મારા ક્લાયન્ટ પર બબ્બે ખૂનોનો આરોપ મૂકી જ કેવી રીતે શકાય? ઘડીભર માટે માની લઈએ કે ગીતાનું ખુન રાકેશે નહીં પણ મારા ક્લાયન્ટ મિસ્ટર કાલિદાસે કર્યું હતું, એવા પુરાવાઓ સરકારી વકીલ સાહેબ પાસે છે તો પણ આ સચ્ચાઈ તો પોતાના સ્થાને અડગ જ રહેવાની છે. હવે જો રાકેશની ફાંસીને ખૂન કહેવાતું હોય તો કોર્ટ પોતે જ વિચારી શકે તેમ છે કે મારા કથનમાં શું ભૂલ હતી?'

'ભૂલ હતી મિસ્ટર અમિત..' ન્યાયાધીશ સાહેબે ગંભીર અવાજ કહ્યું.

'શું?'

'એ ભૂલ વિશે જણાવતા પહેલા હું આપને એક સવાલ પૂછવા માગું છું.'

'સવાલ?'

'હા..'

'પૂછો.'

'ઘડીભર માટે માની લો કે અત્યારે જ કોઈક ખૂંખાર અપરાધી કોર્ટમાં આવી અહીં ઊભેલા ઇન્સ્પેક્ટરની રિવોલ્વર આંચકીને એ જ રિવોલ્વર વડે સરકારી વકીલ મિસ્ટર દીનાનાથનું ખૂન કરી નાખે તો આપ કોને ખૂની કહેશો?' તેમની વાત સાંભળીને દીનાનાથ હેબતાઈ ગયો જ્યારે કોર્ટ રૂમમાં મોજુદ સૌ કોઈના દીમાગ ચકરાવે ચડી ગયા હતા.

અમિત પણ ડઘાઈ ગયો હતો.

'યોર ઓનર..' એણે કહ્યું. 'આમાં સવાલ જેવું તો કંઈ છે જ નહીં. તો પછી હું શું જવાબ આપું?'

'કેમ? સવાલ શા માટે નથી? મેં એમ પૂછ્યું છે કે આપ કોને ખૂની કહેશો?'

'આ સવાલનો જવાબ તો અહીં ઉપસ્થિત નાનું બાળક પણ આપી શકે તેમ છે.'

'શું?'

'એ જ કે મિસ્ટર દીનાનાથનું ખૂન કરનાર જ ખૂની છે.'

'રાઈટ.. પરંતુ હું કહું છું કે એ ખૂની નથી.' ન્યાયાધીશ સાહેબ સ્મિત ફરકાવતા બોલ્યા.

'શું?' અમિતે ચમકીને પૂછ્યું.

'હા'

'તો પછી ખૂની કોણ છે?'

'રિવોલ્વર..'

'રિવોલ્વર?'

'હા, એ રિવોલ્વર કે જેના વડે મિસ્ટર દીનાનાથનું ખૂન થયું છે.'

'પણ યોર ઓનર ..' અમિત ડઘાઈને બોલ્યો. 'આપ આવું કેવી રીતે કહી શકો?'

'કેમ? શા માટે ન કહી શકું?'

'એટલા માટે કે રિવોલ્વર માત્ર એક માધ્યમ જ છે તો પછી આ ખૂન માટે તેને જવાબદાર કેવી રીતે ગણી શકાય?'

'તો મિસ્ટર અમિત..' ન્યાયાધીશ સાહેબે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. 'આપ આપના આ જવાબ પરથી જ સમજી ગયા હશો કે આપના કથનમાં શું ભૂલ હતી? જે રીતે આપ રિવોલ્વરને ખૂન માટે જવાબદાર નથી ગણી શકતા તેમ કાયદાને પણ કોઈના ખૂન માટે ગુનેગાર ગણી શકાય તેમ નથી. કાયદો કોઈ જીવિત પ્રાણીનું નામ નહીં પણ એક એવા હથિયારનું નામ છે કે જે લાચાર લોકોને તેમનો હક અપાવવા માટે તથા તેમને સતાવનાર ગુનેગારોને સજા કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ હથિયારનો ઉપયોગ કરવા માટે કોર્ટ, દેખરેખ માટે પોલીસ અને તેનો સાચી રીતે ઉપયોગ થાય છે કે નહીં એને તપાસ માટે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. હવે જો કોઈ માણસ પોતાની ચાલાકીથી કોર્ટને અવળે માર્ગે દોરીને કાયદારૂપી હથિયાર વડે કોઈનું ખૂન કરી નાખે તો આપ કોને ખૂની ગણશો? કાયદાને, કોર્ટને કે પછી એ ચાલાક માણસને?'

અમિત કેટલીયે વાર સુધી કશું જ ન બોલી શક્યો.

'યોર ઓનર..' છેવટે કંઈક વિચારીને એ બોલ્યો. 'આપણો કાયદો કમજોર છે અને તેની સાથે કોઈપણ મન ફાવે તેમ વર્તી શકે છે એમ આપ કહેવા માંગો છો?'

'એવું તો મારાથી ન જ કહેવાય પરંતુ એટલું હું જરૂર કહીશ કે આપણા કાયદામાં હજુ ઘણી ત્રુટીઓ છે અને આ ત્રુટિઓનો લાભ ઉઠાવીને લોકો ક્યારેક કાયદા રૂપી આ હથિયારથી પોતાની જાતને બચાવી લે છે. એટલું જ નહીં એના પ્રહારથી કોઈક નિર્દોષને મારવામાં સફળ પણ થઈ જાય છે. હવે કોર્ટનો ઘણો સમય બગડ્યો છે એટલે આરોપી પર મૂકવામાં આવેલા આરોપોને પુરવાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે.'

'યસ યોર ઓનર..' કહીને દીનાનાથ કાલિદાસ પાસે પહોંચ્યો. 'હવે મિસ્ટર કાલિદાસ.. તમારી પુત્રવધુ ગીતાને કોઈકની સાથે અનૈતિક સંબંધ હતો એ વાત તમે જાણતા હતા?' કાલિદાસનું માથું યંત્રવત રીતે ઊંચું થયું. એના ચહેરા પર દુઃખ, અપમાન અને પશ્ચાતાપના મિશ્રિત ભાવભાવ છવાયેલા હતા.

'હા..' એ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો. 'આ વાત રાકેશે મને જણાવી હતી.'

'ક્યારે? ગીતાનું ખૂન થયું એ પહેલા કે પછી?'

'પછી..'

અર્થાત્ ગીતાનું ખૂન થયું એ પહેલા તેના ચારિત્રહીન હોવાની વાત તમે નહોતા જાણતા ખરું ને?'

'ના..'

'ખોટું.. બિલકુલ ખોટું.' દીનાનાથે કહ્યું. ત્યારબાદ ન્યાયાધીશ સાહેબને ઉદ્દેશીને બોલ્યો, 'યોર ઓનર, મિસ્ટર કાલિદાસની આ વાતની નોંધ લેવામાં આવે.' ત્યારબાદ એ ઝડપભેર પોતાના ટેબલ પાસે ગયો અને તેના પર પડેલો એક ફોટો ઊંચકીને પુનઃ કાલિદાસ પાસે પહોંચ્યો. આ એ જ ફોટો હતો કે જે પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંતે પાડ્યો હતો અને જે નાગપાલ એ ફેસમાસ્કના કારીગર રોશનલાલને બતાવીને પૂછપરછ કરી હતી. આ ફોટામાં કોઈ બગીચામાં એક યુવાન સાથે પ્રેમિકાની જેમ હાથ પર હાથ મૂકીને બેઠી હતી. ફોટામાં દેખાતા યુવાન પર આંગળી મૂકીને કાલિદાસને બતાવીને પછી પૂછ્યું, 'ગીતાની સાથે દેખાતા યુવાનને તમે ક્યારેય જોયો છે?'

'ના..' કાલિદાસે ફોટાનું નિરીક્ષણ કર્યા બાદ જવાબ આપ્યો.

'ઉતાવળ કરવાની જરૂર નથી મિસ્ટર કાલિદાસ.. બરાબર જોઈને જવાબ આપો.'

'જી ના.. હું નથી જાણતો.' કાલિદાસે ફરીથી ફોટાનું નિરીક્ષણ કરતા કહ્યું.

'યોર ઓનર..' દીનાનાથે પીઠ ફેરવીને ન્યાયાધીશ સામે જોતા બોલ્યો. 'આ વાતની પણ નોંધ લેવામાં આવે. આ ફોટામાં મિસ્ટર કાલિદાસ પોતે પણ છે અને તેમની નજર ગીતા તથા તેની સાથેના યુવાન તરફ જ સ્થિર થયેલ છે.' વાત પૂરી કરી આગળ વધીને એણે ન્યાયાધીશના ટેબલ પર ફોટો મૂકી દીધો. ન્યાયાધીશ સાહેબે ફોટાનું નિરીક્ષણ કર્યા પછી ફાઇલમા કંઈક લખ્યું. ત્યારબાદ દીનાનાથને ફોટો પાછો આપ્યો. અમિત પોતાના સ્થાનેથી ઉભો થયો. એણે દીનાનાથના હાથમાંથી ફોટો લઈને તેનું નીરીક્ષણ કર્યું. એમાં ઘણે દૂર ઊભેલા કાલિદાસની નજર ગીતા તથા તેની સાથેના યુવાન સામે જ જડાયેલી હતી.

'યોર ઓનર..' દીનાનાથને ફોટો પાછો આપ્યા બાદ તે વિચારવશ અવાજે બોલ્યો. 'આ ફોટા પર ભરોસો મૂકી શકાય તેમ નથી. આજના આધુનિક યુગમાં ફોટોગ્રાફિ ક્ષેત્રે કોઈપણ જાતની છેતરપિંડી થઈ શકે તેમ છે.'

'યોર ઓનર..' દીનાનાથે તેની વાત પર ધ્યાન આપ્યા વગર કહ્યું, 'હવે હું આરોપી મિસ્ટર કાલિદાસના ષડયંત્રનો નજરે જોયાનો સાક્ષી છે એવા એક માણસને રજુ કરું છું. એનું નામ મનોજ જોષી છે.' મનોજ સાક્ષીના પાંજરામાં આવ્યો. સાચું બોલવાના સોગંદ લીધા પછી દીનાનાથના સવાલનો જવાબ આપતા એણે કહ્યું,

'યોર ઓનર.. થોડા દિવસો પહેલા હું કાલિદાસની ઓફિસમાં નોકરી કરતો હતો. મારી પ્રેમિકા સંગીતા પણ ત્યાં જ કામ કરતી હતી. એક દિવસ રાકેશે સંગીતાની છેડતી કરી. ત્યારે ક્રોધાવેશમાં હું તેના પર હાથ ઉપાડી બેઠો હતો. પરિણામે કાલિદાસે મારા તથા સંગીતા પર ચોરીનો ખોટો આરોપ મૂકીને અમને નોકરીમાંથી કાઢી મૂક્યા. મેં એ જ વખતે આ અપમાનનું વેર વાળવાનું નક્કી કરી લીધું હતું. અને પછી એક દિવસ ચોરીનો ખોટો આરોપ મૂકનાર કાલિદાસના બંગલામાં ખરેખર જ ચોરી કરવી એવા વિચાર સાથે હું ચૂપચાપ તેના બંગલામાં દાખલ થયો. અને પાઇપ મારફત ઉપર પહોંચ્યો. સહસા એક રૂમમાંથી અવાજ આવતો જોઈને હું અટકી ગયો અને અવાજનું કારણ જાણવા માટે બારીમાંથી અંદર નજર કરી.'

'શું એ વખતે બારી પર પડદો નહોતો?' સહસા અમિતે ઊભા થઈને પૂછ્યું.

'પડદો તો હતો પરંતુ એક છેડેથી તે સહેજ ખસી ગયો હતો. જેના કારણે બારીના પારદર્શક કાચમાંથી અંદરનું દ્રશ્ય સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.' મનોજના અવાજમાં જરા પણ ખમચાટ ન હતો. 'અંદરનું દ્રશ્ય જોઈને ઘડીભર તો મને મારી આંખો પર ભરોસો જ ન બેઠો. મેં જોયું તો કાલિદાસ ગીતાના પેટ પર બેસીને બંને હાથે તેનું ગળું દબાવતો હતો અને તેની પકડમાંથી છૂટવા માટે ગીતા તરફડિયા મારતી હતી. થોડી જ પળોમાં ગીતાનું શરીર ઢીલું થઈ ગયું. કાલિદાસે તેના દેહને ઊંચકીને ખુરશી પર બેસાડી દીધો. ત્યારબાદ એણે તેના એક હાથમાં બોલપેન પકડાવી અને બીજો હાથ ટેબલ પર પડેલા કાગળ પર ગોઠવી દીધો. આટલું કર્યા પછી કાલિદાસે ગજવામાંથી એક રિવોલ્વર કાઢી. અહીં એક વાતનો ખુલાસો કરી લઉં કે કાલિદાસના બંને હાથમાં હાથ મોજાં ચડાવેલા હતા. ત્યારબાદ તે ગીતાના લમણાં પર રિવોલ્વરની નળી ગોઠવવા જતો હતો ત્યાં જ અચાનક કોણ જાણે શું થયું કે એ રિવોલ્વર ટેબલ પર જ મૂકીને તાબડતોબ ઉતાવળા પગલે રૂમમાંથી બહાર નીકળી ગયો. એના ગયાને થોડી પળો જ વીતી હતી ત્યાં જ રાકેશ રુમમાં પ્રવેશ્યો. એણે કંઈક બબડાટ કરીને ગીતાના કપાળ પર ગોળી ઝીંકી દીધી. આ દ્રશ્ય જોઈને હું એકદમ ભયભીત બની ગયો. મારા ગભરાટનો પાર નહોતો રહ્યો. હું તાબડતોબ ત્યાંથી નાસી છૂટ્યો હતો.'

'તમે આ ખુનના સમાચાર પોલીસને શા માટે નહોતા આપ્યા મિસ્ટર મનોજ..' અમિતે તેની નજીક પહોંચીને પૂછ્યું.

'એટલા માટે કે હું ચોરી કરવાના હેતુથી ત્યાં ગયો હતો. પોલીસ કદાચ હું જ ખૂની છું એમ માનીને મારી ધરપકડ કરી લેશે એવો ભય પણ મને એ વખતે લાગ્યો હતો. ઉપરાંત મેં પોલીસને જાણ નહોતી કરી એવું આપ ક્યા આધારે કહો છો? મેં ગુમનામ ફોન કરીને પોલીસને આ બનાવના સમાચાર આપી દીધા હતા.'

'શું તમે ફોન પર પોલીસને તમારી આ જ જુબાની આપી હતી?'

'ના, મેં માત્ર એક ખૂન થયું હોવાની વાત જણાવી હતી.'

'કેમ? તમે બધી હકીકત શા માટે ન જણાવી?' 'હું નાહક જ પોલીસના લફડામાં ફસાવવા નહોતો માંગતો. જો પોલીસ ત્યાં તાબડતોબ પહોંચશે તો તેને મૃતદેહની સાથે સાથે જે રીવોલ્વરમાંથી ગીતા પર ગોળી છોડવામાં આવી હતી એ રિવોલ્વર પણ મળી જશે અને તેના પર રહેલા આંગળાની છાપના આધારે રાકેશની ધરપકડ કરવામાં આવશે. પછી રાકેશ પોતે જ બધું કબૂલી લેશે એમ મેં વિચાર્યું હતું.'

'તો શું તમારા ફોન પછી પોલીસ મિસ્ટર કાલિદાસના બંગલે પહોંચી હતી?' અમિતે કટાક્ષ ભર્યું સ્મિત ફરકાવતા પૂછ્યું.

'જી હા, મારા ફોન પછી પોલીસ પહોંચી તો હતી પરંતુ ખાલી હાથે પાછી ફરી હતી.'

'આ વાતની તમને કેમ ખબર પડી?'

'આ વાત મને એક રહસ્યમય નકાબપોશે જણાવી હતી.'

'રહસ્યમય નકાબપોશે?'

'હા, મારા એક હાથનું હાથ મોજું કાલિદાસના બંગલામાં જ ક્યાંક પડી ગયું હતું. આ હાથ મોજું જ પાછું આપવા માટે નકાબપોશ મારી પાસે આવ્યો હતો.'

'વાહ.. શું વાત કહી છે!' અમિતના અવાજમાં પૂર્વવત્ રીતે કટાક્ષ હતો. 'કોઈક નકાબપોશ તમને તમારું હાથ મોજું આપવા માટે તમારી પાસે આવ્યો. વાહ.. વેરી ગુડ.. ઘડીભર માટે માની લઈએ કે તમારી વાત સાચી છે તો પણ તેણે આવું શા માટે કર્યું એ કહેશો?'

'એટલા માટે કે હું ત્યાં હાજર હતો, એવું જાણી અવળે માર્ગે દોરાઈને પોલીસ અસલી ખૂનીને બદલે મારી તરફ આગળ વધે એમ તે નહોતો ઇચ્છતો. એણે એવી એવી દલીલો કરી હતી કે જો હું તે વખતે પોલીસ પાસે જવાનો વિચાર કરત તો પણ મારી વાત પર ભરોસો કરવાને બદલે પોલીસ મને જ ખૂની માનત તે બનવાજોગ હતું.'

'તો પછી તમે આટલા દિવસો પછી પોલીસ પાસે શા માટે ગયા?'

'રાકેશની ફાંસીના સમાચાર અખબારમાં વાંચ્યા પછી હું વ્યાકુળ બની ગયો કારણકે ગીતાના ખૂનમાં બાપ દીકરો બંને સામેલ હતા તો પછી માત્ર રાકેશને જ ગુનેગાર કેવી રીતે માની લેવામાં આવ્યો? એની ધરપકડ પછી મેં એમ માન્યું હતું કે પોલીસ તેની સખ્તાઈથી પૂછપરછ કરશે ત્યારે એ મોં બંધ નહીં રાખી શકે અને ગીતાના ખૂનમાં પોતાનો બાપ કાલિદાસ પણ સામેલ હતો એ વાત કબૂલી લેશે. પરંતુ જ્યારે મેં દક્ષા નામની યુવતીની ધરપકડ તથા ગીતાના ફેસ માસ્ક વિશે જાણ્યું ત્યારે હું આશ્ચર્ય ચકિત થઈ ગયો. ક્યાંક કાલિદિસે જ પોતાના દીકરા રાકેશને ફસાવવા માટે આવું ષડયંત્ર તો નથી રચ્યું ને, એવો વિચાર પણ મને આવ્યો. અને મારી સગી આંખે જોયેલી કાલિદાસની ગીતાનું ગળું દબાવવાની વાત મગજમાં આવતાં જ મને પૂરી ખાતરી થઈ ગઈ કે અસલી ગુનેગાર કાલિદાસ જ છે. રાકેશ સાથે મને કોઈ સહાનુભૂતિ નહોતી. પરંતુ ગીતાનો અસલી ખૂની સ્વતંત્ર રહી એમ પણ હું નહોતો ઇચ્છતો. પોલીસ પાસે મારા પર શંકા કરવા માટે કોઈ આધાર નહોતો રહ્યો. એટલે મેં તેની પાસે જઈને બધી હકીકત જણાવી દીધી.'

'ના.. ના.. આ માણસ ખોટું બોલે છે યોર ઓનર..' કાલિદાસે ચીસ જેવા અવાજે કહ્યું. 'તે મારી સાથે નોકરીમાંથી કાઢી મુકવાનું વેર વાળે છે. એની વાત પર ભરોસો કરશો નહીં. મને ફસાવવા માટે એ ખોટું બોલે છે.'

'મહેરબાની કરીને તમે ચૂપ રહો મિસ્ટર કાલિદાસ..' ન્યાયાધીશ સાહેબ બોલ્યા. 'તમને પણ તમારા બચાવની પૂરેપૂરી તક આપવામાં આવશે.'

'યોર ઓનર..' અમિતે વિરોધ કરતા ઉગ્ર અવાજે કહ્યું. 'મિસ્ટર મનોજની જુબાની બિલકુલ ખોટી અને પોલીસે શીખવાડેલી લાગે છે. આ વાત તેના પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે મિસ્ટર મનોજના કહેવા પ્રમાણે ગીતાનું ખૂન મિસ્ટર કાલિદાસે ગળું દબાવીને કર્યું હતું, જ્યારે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે ગીતાનું મોત ગોળી વાગવાને કારણે નિપજ્યું હતું. મિસ્ટર મનોજને મારા ક્લાયન્ટ મિસ્ટર કાલિદાસ સાથે અંગત વેર હતું. એટલા ખાતર પણ તેમની જુબાનીને શંકાની નજરે જોવી જોઈએ. આ ઉપરાંત મુદ્દાની વાત તો એ છે કે રાકેશને ફાંસી થઈ ગયા પછી જ મિસ્ટર મનોજ સાચી વાતની ચોખવટ કરવા માટે પોલીસ પાસે પહોંચ્યા. તેઓ પહેલાથી જ શા માટે ન ગયા? એટલે આ કારણસર મિસ્ટર મનોજની જુબાનીને અમાન્ય ગણવામાં આવે એવી હું નામદાર કોર્ટને વિનંતી કરું છું.'

'આઈ ઓબ્જેક્શન યોર ઓનર..' દીનાનાથે ઉગ્ર અવાજે કહ્યું. 'મિસ્ટર અમિતની આ વાત સામે હું સખત વાંધો ઉઠાવુ છું. મારા સાક્ષી મિસ્ટર મનોજે પોલીસ પાસે જવાનું જે કારણ હમણાં જણાવ્યું છે એ તેમણે જણાવેલા સંજોગોને અનુકૂળ હતું. કોઈ પણ માણસ પોતે ફસાતો હોય તો બીજાઓને ફસાવવાની હિંમત ન જ દાખવી શકે. પોતે કોઈપણ સંજોગોમાં નહીં ફસાઈ એને પૂરી ખાતરી થઈ ગયા પછી જ તે આ જાતની હિંમત દાખવી શકે તેમ છે. મિસ્ટર મનોજે પણ એમ જ કર્યું અને અંગત દુશ્મનાવટને કારણે મિસ્ટર મનોજની જુબાનીને અમાન્ય ગણવામાં આવે એમ મિસ્ટર અમિત કહે છે તો આવું કાયદાની કઈ કલમમાં લખ્યું છે?જો મિસ્ટર મનોજ ખોટું બોલે છે એ વાત પુરવાર થાય તો જ તેમની જુબાનીને અમાન્ય ગણી શકાય. રહી વાત પોસ્ટમોર્ટમના રિપોર્ટની, તો મિસ્ટર કાલિદાસે દબાવેલા ગળાને કારણે જ ગીતાનુ મોત નિપજ્યું હતું એવો દાવો સાક્ષીએ નથી કર્યો. એમણે માત્ર એટલું જ કહ્યું છે કે ગીતાનું શરીર ઢીલું થઈ ગયું હતું. મિસ્ટર કાલિદાસે દબાવેલા ગળાને કારણે ગીતા માત્ર બેભાન જ થઈ ગઈ હોય અને રાકેશે છોડેલી ગોળીને કારણે એનું મોત નિપજ્યું હોય એ બનવા જોગ છે. શરીરનું ઢીલું પડી જવું એ બેભાન થવાનું તથા મૃત્યુ પામવાનું બંનેના લક્ષણ છે.'

ન્યાયાધીશ સાહેબે સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું.

'હવે હું મારા બીજા સાક્ષી મિસ્ટર રોશનલાલને રજૂ કરું છું.' પોતાના ચશ્મા વ્યવસ્થિત કરતો રોશનલાલ સાક્ષીના પાંજરામાં આવીને ઊભો રહ્યો. એણે પ્રશ્નાર્થ નજરે દીનાનાથ સામે જોયું.

'મિસ્ટર રોશનલાલ..' સોગંદ વિધિ પૂરી કરાવ્યા પછી દીનાનાથે પૂછ્યું. 'શું તમે નકલી ચહેરા અર્થાત ફેસ માસ્ક બનાવો છો?'

'જી હા..'

'શું આ યુવતીનો ફેસ માસ્ક તમે જ બનાવ્યો હતો?' દીનાનાથે તેને ગીતાનો ફોટો બતાવતા પૂછ્યું.

'જી હા..'

'આ ફેસ માસ્ક તમારી પાસે કોણે બનાવડાવ્યો હતો?'

'શંભુપ્રસાદે.'

'કોણ શંભુપ્રસાદ? શું તમે તેમને ઓળખો છો?તેઓ અહીં હાજર છે?'

'જી હા, બહુ સારી રીતે ઓળખું છું. સામેના પાંજરામાં મિસ્ટર શંભુપ્રસાદ જ ઊભા છે.' રોશનલાલે આરોપીના પાંજરામાં ઊભેલા કાલિદાસ સામે આંગળી ચીંધતા કહ્યું.

'મિસ્ટર રોશનલાલ.. તમારી નજર થાપ ખાય છે.' અમિત ઊભો થતાં બોલ્યો. 'તેઓ શંભુપ્રસાદ નહીં પણ મારા ક્લાયન્ટ મિસ્ટર કાલિદાસ છે.

'તેઓ ભલે ગમે તે દાસ હોય પણ હું તો તેમને શંભુપ્રસાદના નામે જ ઓળખું છું.'

'જે લોકો સાથે તમારી એકાદ વખત મુલાકાત થઈ હોય એ બધાને તમે ઓળખી લો છો?' અમિતે શંકાભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'દરેક જણને તો હું નથી ઓળખી શકતો સાહેબ.. પરંતુ મારા દરેક ગ્રાહકોના ચહેરા મને બરાબર યાદ છે કારણ કે તેમની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી ઓછી છે. ઉપરાંત આ સાહેબની મુલાકાતને તો છ મહિના પણ નથી વીત્યા.'

'ના..' કાલિદાસ ચીડ, અપમાન અને લાચારીના મિશ્રિત હાવભાવ સાથે જોરથી બરાડ્યો. 'આ.. આ માણસ ખોટું બોલે છે સાહેબ.. મારા પર ભરોસો રાખો. હું આને ઓળખતો પણ નથી. જરૂર કોઈકની ઉશ્કેરણીથી આ માણસ મારી વિરુદ્ધ ઝેર ઓકે છે.'

'ગુનેગારના પાંજરામાં ઉભેલો દરેક માણસ બૂમો પાડી પાડીને આમ જ કહે છે.' દીનાનાથે કટાક્ષ ભર્યા અવાજે કહ્યું. 'કે પોતે નિર્દોષ છે. પોતાને જાણી જોઈને ફસાવવામાં આવે છે.'

'ઓબ્જેક્શન યોર ઓનર..' અમિત તીવ્ર અવાજે બોલ્યો. 'મારા ક્લાયન્ટ મનોમન ભાંગી પડે એટલા માટે મિસ્ટર દીનાનાથ જાણી જોઈને જ તેમના પર માનસિક દબાણ લાવવા માંગે છે.'

'સત્ય હંમેશા કડવું જ હોય છે મિસ્ટર અમિત..' ન્યાયાધીશ સાહેબે ફરીથી એકવાર હથોડી પછાડી. ત્યારબાદ દીનાનાથે દક્ષાને બોલાવી. એણે પોતાની એ જ જુબાનીનું પુનરાવર્તન કર્યું કે જે તે નાગપાલને જણાવી ચૂકી હતી. રઘુ તથા દયાશંકરે પણ એ જ જુબાની આપી કે જે તેઓ અગાઉ આપી ચૂક્યા હતા. આ દરમિયાન કોર્ટનો સમય પૂરો થઈ ગયો હતો. ન્યાયાધીશ સાહેબ કેસ ચલાવવા માટે બીજા દિવસની તારીખ આપીને ઊભા થયા.

*******

અમિત તથા સુધા અત્યારે કાલિદાસના બંગલાના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા.

'આ.. આ.. બધું શું થાય છે અમિત?' સુધા રડમસ અવાજે બોલી. 'હું ગાંડી થઈ જઈશ એવું મને લાગે છે. પહેલા રાકેશના હાથે ગીતા ભાભીનું ખૂન, પછી રાકેશને ફાંસી અને હવે આ ષડયંત્ર માટે ડેડીને ગુનેગાર માનવામાં આવે છે. મને તો કશું જ સમજાતું નથી.'

'આજ વાતે મારા દિમાગને પણ ચકરાવે ચડાવી દીધું છે.' અમિતે લાચારી ભર્યા અવાજે કહ્યું. 'અંકલ ગુનેગાર નથી તો પછી તેમની વિરુદ્ધ મળેલા પુરાવાઓ આટલા મજબૂત શા માટે છે એ મને નથી સમજાતું? મારા ઘણા પ્રયાસો પછી પણ આ પુરાવાઓને ખોટા પાડવાનું મને અશક્ય લાગે છે. જો આ બધા પુરાવાઓ અને સાક્ષીઓ કોઈકના ષડયંત્રનું પરિણામ હોય તો પછી સવાલ એ ઉભો થાય છે કે આવું ષડયંત્ર રચનાર કોણ છે? જો અંકલ કબુલ કરી લે કે તેમને આવો કોઈક દુશ્મન છે તો એને શોધી, કાયદાને હવાલે કરીને આ મામલો ઉકેલી શકાય તેમ છે. પરંતુ અફસોસ કે મારા વારંવાર પૂછવા છતાં અંકલ કશું જ જણાવવા માટે તૈયાર નથી.'

'તો શું ડેડી ખરેખર ગુનેગાર છે? એટલે જ તેમની વિરુદ્ધ મળેલા પુરાવાઓ આટલા મજબૂત છે, એમ તું કહેવા માંગે છે?' સુધાએ ઉત્તેજિત અવાજે પૂછ્યું.

'ના સુધા ના..' અમિત ધૂંધવાતા અવાજે બોલ્યો. 'જો મારો એવો કોઈ હેતુ હોત તો હું તેમનો કેસ લડત જ શા માટે? અત્યાર સુધીમાં મેં માત્ર એવા જ કેસો હાથમાં લીધા છે કે જેમાં મારા ક્લાયન્ટના નિર્દોષ હોવાની મને પૂરેપૂરી ખાતરી હોય છે. અને આ વાત તું પણ બરાબર રીતે જાણે છે. પરંતુ અંકલ નિર્દોષ હોવા છતાં પણ હું શા માટે તેમની વિરુદ્ધ મળેલા પુરાવાઓને તથા તેમની વિરુદ્ધ જુબાની આપતા સાક્ષીઓની જુબાનીને ખોટા પુરવાર નથી કરી શકતો એ મને કેમેય નથી સમજાતું. શું મારી બુદ્ધિને કાટ ચડી ગયો છે? કે પછી હું કોઈ નિર્દોષનો કેસ લડવા માટે યોગ્ય નથી રહ્યો?'

'એ હું કશું નથી જાણતી અમિત.. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે જે બાપ પોતાના દીકરાને જીવ કરતાંય વધુ વહાલો માનતા હતા એને જ ફાંસીના માંચડે પહોંચાડવા માટે તે આટલું મોટું ષડયંત્ર કેવી રીતે રચી શકે? રાકેશને ફાંસીની સજા થઈ છે એવા સમાચાર સાંભળ્યા પછી રડી રડીને ડેડીની આંખો સૂજી ગઈ હતી. જમવાની વાત તો એક તરફ રહી તેમણે બે દિવસ સુધી તો પાણીનું ટીપું પણ ગળા નીચે નહોતું ઉતાર્યું. તું જ બોલ.. કોઈ બાપ આવું નીચ કામ કરે ખરા?' જવાબ આપવાની બદલે અમિત કોઈક ઉંડા વિચારમાં ડૂબી ગયો. પછી અચાનક જ જાણે વિંછીએ ડંખ માર્યો હોય એમ તે ઉભો થઈ ગયો. 'આ વાતનો નિર્ણય અત્યારે જ થઈ શકે તેમ છે.' એ કંપતા અવાજે બોલ્યો.

'કઈ વાતનો?' સુધાએ નર્યા અચરજથી તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'અંકલ ગુનેગાર છે કે નિર્દોષ એ વાતનો..' અમિતે જવાબ આપ્યો.

'કેવી રીતે?'

'સુધા, જ્યારે બનવારી ગામડેથી પાછો ફર્યો ત્યારે તે કોઈને કશુંય જણાવ્યા વગર શા માટે ચાલ્યો ગયો હતો એમ અંકલે તેને પૂછ્યું હતું ખરું ને?'

'હા, મને યાદ છે.' સુધા સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલી.

'એ વખતે બનવારીએ શું જવાબ આપ્યો હતો તે તને યાદ છે?'

'હા..'

'શું તને યાદ નથી?'

'મને યાદ છે પણ હું તારા મોંએથી સાંભળવા માગું છું.'

'તો સાંભળ.. બનવારીના કહેવા મુજબ ડેડીએ જ તેને એની માની બીમારીના સમાચાર જણાવીને ગામડે જવાની સલાહ આપી હતી. પણ..'

'પણ શું?'

'પરંતુ એ વખતે બનવારીએ પોતાની ભૂલ કબૂલ પણ કરી લીધી હતી.' સુધા મૂંઝવણ ભર્યા અવાજે બોલી.

'હા, જરૂર કરી લીધી હતી પરંતુ જ્યારે અંકલ તેના પર નારાજ થયા ત્યારે જ કરી હતી.' અમિતે એક એક શબ્દ પર ભાર મુકતા ગંભીર અવાજે કહ્યું.

'બરાબર..' સુધા તેની વાતને સમર્થન આપતા બોલી.

'બનવારીએ અચાનક વાતને ફેરવી તોડી એટલે મને એમના પર શંકા તો ઉપજી હતી પરંતુ કદાચ ખરેખર તેની જ ભૂલ હશે એમ માનીને મેં એ વખતે કોઈ ખાસ ધ્યાન નહોતું આપ્યું. હવે જો ખરેખર જ ભૂલ થઈ હતી તો હું એમ માનીશ કે મારી શંકા નિરાધાર હતી પરંતુ જો..' વાત અધૂરી મૂકીને એણે સુધા સામે જોયું. પછી બેહદ ગંભીર અવાજે બોલ્યો,

'સુધા, જો આ બાબતમાં તને કોઈ વાંધો ન હોય તો હું બનવારીની ફરીથી પૂછપરછ કરવા માંગુ છું.'

'પૂછપરછ?'

'હા..'

'આ તો કોઈને અપમાનિત કરીને તેની માફી માંગવા જેવી વાત થઈ.' સુધા ક્રોધથી તમતમતા અવાજે બોલી. 'જો તને ડેડી પર ભરોસો હોત તો તેમના પર શંકા કરવાનો સવાલ જ ઉભો નહોતો થવો જોઈતો. તારી આ વાત પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તને ડેડી ગુનેગાર દેખાય છે અને ડેડી પર શંકા કરવી એ મારા પર શંકા કરવા બરાબર છે..'

'પ્લીઝ સુધા..'

'શું પ્લીઝ?'

'સુધા, કોઈ શંકાસ્પદ વાતની તપાસ કરવાનું જો તું આવું પરિણામ તારવતી હોય તો એ તારી મોટામાં મોટી ભૂલ કહેવાશે. હું તારું અપમાન નથી કરતો. તમારો એવો કોઈ હેતુ છે પણ નહીં. આવું વિચારીને તો ઊલટું તે મારા પ્રેમ પર તમાચો માર્યો છે. મારું અપમાન કર્યું છે. બનવારીને ફરીથી એકવાર પૂછી લેવામાં શું વાંધો છે? ખેર..'

અમિતે ઉંડો શ્વાસ લીધો. 'જો તારી ઈચ્છા ન હોય તો મારે પણ એની કંઈ જરૂર નથી.'

'કેમ? શા માટે જરૂર નથી?' સુધા પૂર્વવત અવાજે બોલી.

'બોલાવ બનવારીને.. અને તેને પૂછીને ખાતરી કરી લે.'

'ના, હવે એની કંઈ જરૂર નથી.'

'કેમ?'

'તને ભરોસો છે તો મને પણ છે.'

'ગીતાનું ખૂન કરીને તેના આરોપમાં રાકેશને ફસાવવાના ષડયંત્રમાં બનવારીને કારણે કોઈ અડચણ ઊભી ન થાય એટલા ખાતર ડેડીએ તેને ગામડે મોકલી આપ્યો હતો, એમ જ તું કહેવા માંગે છે ખરું ને? ઠીક છે તો આ વાત તું અત્યારે જ બનવારીને બોલાવીને પુરવાર કર.' 'આ તને શું થઈ ગયું છે સુધા? હું તો..'

'તું બોલાવે છે કે નહીં?'

'પણ..'

'બનવારી..' અમિતની વાત પૂરી થાય એ પહેલાં જ સુધાએ જોરથી બૂમ પાડી. અમિત એકદમ હેબતાઈ ગયો. થોડી પળો સુધી તો તે કશું જ ન બોલી શક્યો. પછી પોતાની હેબત પર કાબુ મેળવીને તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ બનવારી આવી પહોંચ્યો.

'જી મેમસાબ.. આપે મને બોલાવ્યો?' એણે પ્રશ્નાર્થ નજરે સુધા સામે તાકી રહેતા પૂછ્યું.

'હા..' સુધા ઝેરી નાગણના ફૂંફાડા જેવા અવાજે બોલી. 'હું તને જે કંઈ પૂછું એનો જો તું સાચો જવાબ નહીં આપે તો તારે નોકરીમાંથી હાથ ધોઈ નાખવા પડશે. એટલું જ નહીં હું તારી હાલત ધોબીના કુતરા જેવી કરી નાખીશ તું નહીં ઘરનો રહે કે નહીં ઘાટનો. માટે મારા સવાલનો સાચો જ જવાબ આપજે. સુધાનું રૌદ્ર સ્વરૂપ જોઇને બનવારીના છક્કા છૂટી ગયા. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. કોઈક અજાણી આશંકાથી ધબકારા એકદમ વધી ગયા.

'મેમસાબ.. હથેળીથી કપાળ પર વળેલો પરસેવો લુછીને થોથવાતા અવાજે પૂછ્યું, 'મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?'

'ભૂલના દિકરા.. ગામડેથી પાછા ફર્યા પછી તે ડેડીને એવું શા માટે કહ્યું હતું કે તને ગામડે જવાની સલાહ તેમણે જ આપી હતી? સુધાએ ક્રોધથી તમતમતા અવાજે પૂછ્યું. 'એ મારાથી ભૂલ થઈ ગઈ હતી મેમસાબ.…'

'કેવી રીતે?' સુધાએઓ દાંત કચકચાવતા પૂછ્યું, 'તારાથી આટલી મોટી ભૂલ થઈ જ કેવી રીતે?'

'હ.. હું ઘણા પ્રયાસો પછી પણ..' બાકીના શબ્દો બનાવીને મોંમાં જ અટવાઈ ગયા.

'બોલ જવાબ આપ..' સુધા જોરથી બરાડી. એના બરાડો સાંભળીને બનવારી પગથી માથા સુધી ઉઠ્યો. 'કહું છું મેમસાબ..' એ કંપતા અવાજે બોલ્યો.

'જલ્દી બોલ..'

'તો સાંભળો.. મેં સાચું જ કહ્યું હતું.' બનવારીનું કથન સાંભળીને સુધા જડવત બની ગઈ.

'શું? તારું મગજ તો ઠેકાણે છે ને?' છેવટે એણે પૂછ્યું.

'હા મેમસાબ.. મારું મગજ ઠેકાણે જ છે. બનવારી પોતાના ગભરાટ પર કાબુ મેળવતા બોલ્યો. 'મારી મા બીમાર હોવાના સમાચાર મારા ગામમાં રહેતો વનરાજ લાવ્યો હતો. એ વાત કાલિદાસ શેઠે જ મને જણાવી હતી. શેઠે મને કહ્યું હતું બનવારી તારી મા બીમાર છે એટલે હું તને તારે ગામ જતા નહીં અટકાવું. તારે જવું જ જોઈએ. પરંતુ અત્યારે વિશ્વાસુ માણસો મળવા બહુ મુશ્કેલ છે. એ તો તું જાણે જ છે. કદાચ આવો કોઈ માણસ મળે તો પણ કામને વ્યવસ્થિત રીતે સમજવામાં એને ઘણો સમય લાગી જાય તેમ છે. ઉપરાંત તારી ગેરહાજરીમાં બધું કામ સુધાએ સંભાળવું પડશે. પરિણામે એ તથા રાકેશ મારા પર બૂમો પાડશે કે બીજા કોઈ માણસની વ્યવસ્થા કર્યા વગર મેં તને શા માટે જવા દીધો? આનો એક જ ઉપાય છે. તું પાછો આવે ત્યારે હું તને પૂછીશ કે તું કોઈને કશું જણાવ્યા વગર શા માટે ચાલ્યો ગયો હતો? મારા આ સવાલના જવાબમાં એમ જ કહેજે કે મારી માની બીમારીના સમાચાર સાંભળીને મારાથી રહેવાયું નહીં. એટલે તું તાબડતોબ ગામડે જવા માટે રવાના થઈ ગયો હતો. પરંતુ હું પાછો આવ્યો ત્યારે કાલિદાસ શેઠની વાત મારા મગજમાંથી નીકળી ગઈ હતી. એ વખતે મારા મગજમાં એક જ વાત હતી કે હું તેમના કહેવાથી મારે ગામ ગયો હતો. એટલે ઉતાવળના કામે મારા મોંએથી સાચી વાત નીકળી ગઈ. અરે હા..' અચાનક કંઈ યાદ આવ્યું હોય એમ એણે ચમકીને કહ્યું. 'એક વાત કહેવાની તો સાવ ભુલાઈ જ ગઈ. હું મારા ગામ પહોંચ્યો ત્યારે મને જાણવા મળ્યું કે વનરાજ ગામમાં જ હતો. ઉપરાંત મારી મા પણ બિલકુલ સ્વસ્થ હતી. તો પછી સાહેબને મારી માના બીમાર રહેવાના સમાચાર કોણે આપ્યા? હું તો એ વખતે જ અહીં પાછો આવી જવાનો હતો. પરંતુ મારા ભાઈની દીકરીના લગ્નને કારણે માએ મને ન આવવા દીધો.' કહીને બનવારી ચૂપ થઈ ગયો. એની વાત સાંભળીને સુધાનું માથું ઘૂમવા લાગ્યું. પછી વળતી જ પળે એ બેભાન થઈને સોફા પર ઢળી પડી. અમિત નર્યા અચરજથી ક્યારેક બનવારી તરફ તો ક્યારેક સુધાના બેભાન દેહ સામે તાકીરહ્યો.

**********

બીજા દિવસે કોર્ટમાં -

સરકારી વકીલ દીનાનાથનો ગંભીર અવાજ ગુંજતો હતો. 'યોર ઓનર.. આજે હું કોર્ટ સમક્ષ એવા પુરાવાઓ રજૂ કરું છું કે જે આરોપી મિસ્ટર કાલિદાસના ષડયંત્રનો ભાંડો ફોડી નાખશે.' કહીને એણે ટેબલ પરથી કાળો નકાબ, લાંબોચોગો અને હાથ મોજા ઉચકીને ન્યાયાધીશને બતાવ્યા. પછી બોલ્યો, 'યોર ઓનર.. આ બધી વસ્તુઓ મિસ્ટર કાલિદાસના કપડા રાખવાના અંગત કબાટમાંથી મળી આવી છે.'

'મિસ્ટર કાલિદાસ, પોલીસે આ બધી વસ્તુઓ તમારે ત્યાંથી કબજે કરી છે, એ વાત સાચી છે?' ન્યાયાધીશે આરોપીના પાંજરામાં ઉભેલા કાલિદાસ સામે જોતા પૂછ્યું.

લાચારીની મૂર્તિ બનેલા કાલિદાસે ધીમેથી માથું ઊંચું કર્યું પછી એ કશુંય બોલ્યા વગર પુનઃ નીચું જોઈ ગયો.

'જવાબ આપો મિસ્ટર કાલીદાસ..' ન્યાયાધીશ સાહેબે ગંભીરા અવાજે કહ્યું. 'નહીં તો કોર્ટ તમારી ચુપકીદિને સહમતી માની લેશે.' છાતી પર નમેલું કાલિદાસનું માથું યંત્રવત ઊંચું થયું. પછી એના મોંમાંથી ધીમો અવાજ નીકળ્યો, 'યોર ઓનર.. આ વાત સાચી છે પરંતુ આ બધી વસ્તુઓ ત્યાં કોણે મૂકી એ હું નથી જાણતો. કોર્ટને ફરીથી એકવાર અવળે માર્ગે દોરવામાં આવતી હોય એવું મને લાગે છે. રાકેશની જેમ હું પણ ફાંસીના માંચડે લટકી જાઉં એમ કદાચ મારી વિરુદ્ધ ષડયંત્ર રચનાર ઇચ્છે છે અને હું જોઈ રહ્યો છું કે તે પોતાના હેતુમાં સફળ પણ થતો જાય છે.'

'કોર્ટને અવળે માર્ગે દોરવાનો પ્રયાસ તો તમે કરો છો મિસ્ટર કાલિદાસ..' દીનાનાથ તીવ્ર અવાજે બોલ્યો. 'આટલા મજબૂત પુરાવાઓને કોઈનું ષડયંત્ર જણાવીને તમે એક એવું જુઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કરો છો કે જે કોઈના ગળે ઉતરી શકે તેમ નથી.' કહી પીઠ ફેરવીને એણે ન્યાયાધીશ સાહેબ સામે જોયું. 'યોર ઓનર.. સાચી વાત તો એ છે કે બધા પ્રયાસો નિષ્ફળ ગયા પછી મિસ્ટર કાલિદાસ પાસે માત્ર એક જ માર્ગ બાકી રહે છે. અને આ માર્ગ છે પોતાના અભિનયના જોરે પુરાવાઓ અને સાક્ષીઓને ખોટા પાડવાનો પ્રયાસ કરવાનો.'

'મિસ્ટર કાલિદાસ.. તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે?' ન્યાયાધીશ સાહેબે પૂછ્યું.

'મારે માત્ર એક જ વાત કહેવી છે યોર ઓનર..' કાલિદાસ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

'શું?'

'એ જ કે હું નિર્દોષ છું. બસ આ સિવાય મારે બીજું કશું જ નથી કહેવાનું.'

'મિસ્ટર અમિત..' ન્યાયાધીશ સાહેબે પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠેલા અમિત સામે જોતા કહ્યું, 'શું વાત છે? આજે તો તમે પ્રેક્ષકોની વચ્ચે બેઠા છો? તમારા ક્લાયન્ટના બચાવમાં તમારે કશું નથી કહેવું?' અમિત ક્રોધથી તમતમતા ચહેરે ઉભો થઈને વચ્ચે આવ્યો. એની આંખો અંગારાની જેમ ચમકતી હતી. જડબાં સખતાઈથી ભીંસાઈ ગયા હતા.

'યોર ઓનર..' એ રોષ ભર્યા અવાજે બોલ્યો. 'હું માત્ર નિર્દોષ હોય છે એવા જ લોકોના કેસ લડું છું, એ વાત સૌ કોઈ જાણે છે. આજ સુધીના ક્યારેય કોઈ ગુનેગારનો કેસ હાથમાં નથી લીધો. ગુનો અને ગુનેગાર આ બંને પ્રત્યે મને સખત નફરત છે. પૈસા ખાતર મેં ક્યારેય કાયદા સાથે કાવાદાવા રમવાનો પ્રયાસ નથી કર્યો. અને ધારત તો ગુનેગારોના કેસ હાથ પર લઈને ઘણું નામ અને પૈસા મેળવી ચૂક્યો હોત. પરંતુ મને નામ કે પૈસામાં બિલકુલ રસ નથી. ઈશ્વરની કૃપાથી આજે આ બંને મારી પાસે છે. આજના જમાનામાં ગુનેગારોના કેસ લેવા માટે તો સૌ કોઈ તૈયાર થઈ જાય છે. પરંતુ નિર્દોષનો કેસ હાથમાં લેતા પહેલા બધા વિચાર કરે છે. એક જ વાતનો વિચાર કે જો આ કેસમાં પોતે હારી જશે તો પોતાની પ્રતિષ્ઠા પર પાણી ફરી વળશે. ઉપરાંત નિર્દોષ માણસનો કેસ લડવામાં પૈસા પણ ઓછા મળે જ્યારે ગુનેગારના કેસમાં તો જોઈએ તેટલી રકમ મળી શકે તેમ છે. પરંતુ મેં આજ સુધીમાં ક્યારેય આમ નથી વિચાર્યું અને નિર્દોષ લોકોના જ કેસ હાથ પર લીધા છે. નિર્દોષ લોકો તથા ન્યાયની તરફેણ અને ગુનાનો વિરોધ કર્યો છે. અને આ માણસ..' કહેતા કહેતા અમિતે સ્ફૂર્તિથી પીઠ ફેરવી અને આરોપીના પાંજરામાં ઉભેલા કાલિદાસ સામે આંગળી ચીંધીને ક્રોધથી તમતમતા અવાજે કહ્યું. 'આ માણસ વિશે મને જબરદસ્ત ગેરસમજ થઈ હતી. આ ગેરસમજ હતી તેના નિર્દોષ હોવાની. પરંતુ હવે મને ખબર પડી ગઈ છે કે આ એક માણસ ખાઉં શેતાન છે. એણે પોતાના પુત્ર અને પુત્રવધુનો જ કોળિયો કરી નાખ્યો છે. આવા નીચ અને પાપી માણસને તેના ગુના માટે જેટલી સજા કરવામાં આવે તેટલી ઓછી છે.'

અમિતની વાત સાંભળીને કોર્ટમાં મોજુદ પ્રેક્ષકો જ નહીં, સરકારી વકીલ અને ન્યાયાધીશ સાહેબ સ્તબ્ધ બની ગયા. બચાવ પક્ષનો વકીલ જ પોતાના ક્લાયન્ટને ગુનેગાર ઠરાવતો હતો. આવું તો તેમણે પહેલી જ વાર જોયું હતું.

'અમિત.. દીકરા.. આ તું શું કહે છે? કાલિદાસ નર્યા અચરજ અને અવિશ્વાસથી અમિતના ક્રોધથી તમતમતા ચહેરા સામે તાકી રહેતા થોથવાતા અવાજે બોલ્યો.

'ખામોશ..' અમિત જોરથી બરાડ્યો. 'તારી ગંદી જીભે મારું નામ લેવાનો પ્રયાસ પણ કરીશ નહીં નીચ માણસ.. તારા પાપનો ભાંડો હવે ફૂટી ગયો છે. મને તારા ષડયંત્રની જાળમાં ફસાવીને તું શું એમ માનતો હતો કે હું તને નિર્દોષ માની લઈશ? પોલીસે રજૂ કરેલા પુરાવાઓ તથા સાક્ષી પર શંકા કરવાનું કોઈ કારણ ન હોવા છતાંય મને તેના પર ભરોસો નહોતો બેસતો. કારણ કે આ તને ફસાવવાની તારા કોઈક દુશ્મનની ચાલબાજી છે એમ હું માનતો હતો. પરંતુ બનવારીને તેના ગામ મોકલવાની તારી ચાલબાજીની મને ખબર પડી ગઈ છે એટલે હું ડંકાની ચોટ પર કહું છું કે તું શેતાન છે, ખૂની છે.'

કોર્ટમાં મોજુદ સૌ કોઈના ધબકારા એકદમ વધી ગયા હતા. સૌની નજરો અમિતો સામે જ મંડાયેલી હતી. અમિતનો ચહેરો પૂર્વવત રીતે રોષથી ભભૂકતો હતો. વાતાવરણ શાંત હતું. છેવટે અમીતે જ આ સન્નાટાનો ભંગ કર્યો.

'યોર ઓનર.. હવે હું આ શેતાનના બધા કરતુતો વિશે ખુલાસા સાથે જણાવું છું. જેથી શંકાની કોઈ શક્યતા જ ન રહે. કાલિદાસ નામનો આ માણસ માણસ નહીં પણ વાસના ભૂખ્યો વરુ છે. આ વાત એક નહીં પણ કેટલાય લોકોની જુબાની પરથી જાણી શકાય છે. કાલિદાસને ઓળખતા દરેક માણસનું કહેવું છે કે આ માણસને જે છોકરી ગમી જતી હતી એને તે પૈસાની લાલચ, છળકપટ કે વિશ્વાસઘાતથી મેળવવાનો પ્રયાસ કરતો. પરંતુ જ્યારે એમાં તેને નિષ્ફળતા મળતી ત્યારે એ તેને બળજબરીથી મેળવવાનો પ્રયાસ કરતા પણ નહોતો અચકાતો. અને પછી એક દિવસ જ્યારે આ શેતાનની આંખોએ એક બેહદ ખૂબસૂરત યુવતી ગીતાને પોતાની પુત્રવધુના રૂપમાં પોતાના બંગલામાં પગ મુકતી જોઈ ત્યારે એના મનમાં રહેલો વાસનાનો કીડો તેને પામવા માટે સળવળી ઉઠ્યો. પુત્રવધુ જેવડી ઉંમરની પોતાની એક દીકરી પણ છે એ વાત તે ભૂલી ગયો. પરંતુ જ્યારે એણે જોયું કે પોતે કોઇપણ જાતની તિકડમ ભીડાવીને ગીતાને નહીં પામી શકે ત્યારે એણે બળજબરી પૂર્વક તેને પામવાનો નિર્ણય કર્યો. પરંતુ આમાં એક ભય હતો. ગીતા દ્વારા રાકેશને તેના કાળા કરતૂતો વિશે જણાવી દેવાનો ભય. અને ગીતા આવું ન કરી શકે એટલા માટે એણે એક એવી યોજના બનાવી કે જો કદાચ જોગાનુજોગ અથવા તો કોઈ ભૂલને કારણે એ તેની વાસનાનો શિકાર બનતી બચી જાય અથવા તો બની જાય તથા આ વાત રાકેશને જણાવી દે તો પણ એ ગીતાની વાત પર ભરોસો ન કરે. અને પછી જ્યારે ગીતા પોતાની બીમાર બહેનપણીને ઘેર જવા લાગી ત્યારે આ શેતાનને પોતાની યોજના મુજબ ગીતા પ્રત્યે રાકેશના મનમાં શંકાનું બી વાવવાની તક મળી. હવે તેને માત્ર રાકેશની શંકાને ખાત્રીનું રૂપ આપવાની જ જરૂર હતી. આ કામે ગીતાનો ફેસ માસ્ક બનાવડાવીને દક્ષાના માધ્યમથી પૂરું કર્યું. ગીતાને પર પુરુષ સાથે શરમજનક હાલતમાં જોયા પછી રાકેશ તેની કોઈપણ વાત પર ભરોસો નહીં કરે એમ તે માનતો હતો. પોતાની યોજના મુજબ જે દિવસે કાલિદાસે નિર્ણય કર્યો હતો એ જ દિવસે એણે પોતાના નોકર બનવારીને તેની માની બીમારીના ખોટા સમાચાર આપીને ગામડે મોકલી દીધો. જેથી એના કાળા કરતૂતમાં કોઈ જાતની અડચણ ઊભી થવાની શક્યતા ન રહે. અને પછી જ્યારે રાકેશને પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંત દ્વારા જાણવા મળ્યું કે એની પત્ની કોઈ પર પુરુષ સાથે એક બંગલામાં મોજુદ છે ત્યારે એ ક્રોધે ભરાઈને ત્યાં પહોંચી ગયો. વાસ્તવમાં પર પુરુષ સાથે મોજુદ ગીતા નહીં પણ ગીતાનો ફેસમાસ્ક પહેરેલી દક્ષા હતી. પરંતુ રાકેશ આ વાત સમજતો નહોતો. એ તો તેને ગીતા જ માની બેઠો હતો. એ ગીતા અર્થાત દક્ષાને ગોળી મારવાનો હતો કે અચાનક જ નકાબપોશના રૂપમાં છુપાયેલા આ શેતાને તેને બેભાન કરી નાખ્યો. અને રિવોલ્વર લઈને પોતાના બંગલામાં એવા હેતુથી પાછો ફર્યો કે જો આટલી માથાકૂટ પછી પણ ગીતા કાબુમાં નહીં આવે તો બળજબરીથી આબરૂ લુટ્યા પછી પોતે રિવોલ્વરથી તેને ગોળી ઝીંકીને એના ખુનને આપઘાતનું રૂપ આપી દેશે. પરંતુ આ વાતનું એણે માત્ર અનુમાન જ કર્યું હશે. ફેસમાસ્ક પહેરેલી દક્ષાના શરમજનક ફોટા જોઈને ગીતા પોતે જેમ નચાવશે તેમ નાચવા માટે તૈયાર થઈ જશે અને પછી પોતે કેટલાય દિવસો સુધી તેને ભોગવતો રહેશે એમ આ શૈતાન માનતો હતો. પરંતુ જ્યારે આ શેતાને એ શરીફ યુવતી સામે પોતાની ગંદી શરત મૂકી ત્યારે ચોક્કસ જ તેણે તેનો વિરોધ કર્યો હશે. ગીતાને પામવાના પોતાના દરેક પ્રયાસો નિષ્ફળ જતા જોઈને વાસનામાં અંધ બનેલો આ માણસ સાક્ષાત શેતાન બની ગયો. અને એણે ગળું દબાવીને ગીતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો. આ વાત મિસ્ટર મનોજ જોશીની જુબાની પરથી પુરવાર થઈ ગઈ છે. પરંતુ જોગાનુજોગ કહો કે રાકેશનું કમનસીબ કે ગળું દબાવવાથી ગીતા મૃત્યુ ન પામી પણ મરણતોલ હાલતમાં પહોંચી ગઈ હતી. જ્યારે કાલિદાસે જોયું કે પોતાના હાથેથી એક ખૂન થઈ ગયું છે. ત્યારે એનું ખટપટીયુ દિમાગ તેની પૂર્વ નિર્ધારિત યોજના પર કામ કરવા લાગ્યું. રાકેશ તથા પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંતની નજરે તો તે ગીતાને ચારિત્રહીન પુરવાર કરી જ ચૂક્યો હતો. એટલે ગીતાના ખુનને આપઘાતનું રૂપ આપવા માટે તેના મરણતોલ હાલતમાં પહોંચી ગયેલા બેભાન દેહને ઊંચકીને ખુરશી પર બેસાડ્યો અને કાગળ તથા બોલપેન હાથમાં પકડાવ્યા પછી ગીતાના લમણામાં ગોળી ઝીંકીને એના હાથમાં રિવોલ્વર પકડાવવા માટે ગજવામાંથી રિવોલ્વર કાઢી. એણે હાથ મોજા પહેર્યા હતા એ વાત તો મિસ્ટર મનોજની જુબાની પરથી સ્પષ્ટ થઈ જ ગઈ છે.' કહીને અમિત પળભર માટે અટક્યો. સૌ શ્વાસ રોકીને ઉત્સુકતાથી તેનો ખુલાસો સાંભળતા હતા. થોડી પળો ‌બાદ એક ઊંડો શ્વાસ લઈને પોતાના વાત આગળ લંબાવી.

'પરંતુ કાલિદાસ આ કાર્યવાહી પૂરી કરી શકે એ પહેલા જ કોઈકનો પગરવ સાંભળીને અથવા તો બારીની બહાર કોઈકની હાજરીનો આભાસ મેળવી ગભરાઈને રિવોલ્વરને ટેબલ પર મૂકીને તે તાબડતોબ ત્યાંથી નાસી છૂટ્યો. અને રાકેશની નજરે ન ચડી જવાય એટલા માટે બાજુના સ્ટોર રૂમમાં છુપાઈ ગયો. પરંતુ રાકેશે ગીતાના કપાળમાં ગોળી ઝીંકીને તેના ખૂનને આપઘાત પુરવાર કરવાની કાલિદાસની યોજના પર પાણી ફેરવી દીધું. કારણ કે કપાળ પર ગોળી વાગેલી જોઈને પોલીસ તરત જ સમજી જાય તેમ હતી કે ગીતાનો ખૂન કરવામાં આવ્યું હતું. હવે રાકેશ કરતા કાલિદાસને પોતાની જાતને બચાવવાની વધુ ફિકર થવા લાગી. તે જ વખતે એને પાઇપ પરથી ઉતરતા મનોજને જોયો. મનોજ તેની ઓફિસમાં કામ કરતો હોવાને કારણે એ તેને બહુ સારી રીતે ઓળખતો હતો. હવે જો કાલિદાસ એનું મોં બંધ ન કરે તો એની જુબાનીના આધારે તે ફસાઈ જાય તેમ હતો. એટલે કાલિદાસે નકાબપોશનું રૂપ ધારણ કરીને એવી હિલચાલ શરૂ કરી દીધી કે જેથી ક્યારેય એના પર શંકા ઉપજે તો એ પોતાના દોષનો ટોપલો રઘુના માથા પર ઓઢાડી શકે. ત્યારબાદ એણે ગીતાના મૃતદેહને સ્ટોર રૂમમાં છુપાવી દીધો. અને આ કામ કોઈ બ્લેકમેલરનું છે એવું પુરવાર કરવા માટે તેને દયાશંકરના રૂપમાં બલિનો એક બકરો સહેલાઈથી મળી ગયો.

પરંતુ જ્યારે કાલિદાસે જોયું કે આ કેસની તપાસ કરી રહેલા નાગપાલ સાહેબને આ મામલામાં કોઈ ત્રીજો માણસ સંડોવાયો હોવાની ગંધ આવી ગઈ છે, જ્યારે તેને લાગ્યું કે જ્યાં સુધી પોતે પોતાના સ્થાને કોઈ બીજા રહસ્યમય શખ્સને નાગપાસાહેબ પાસે નહીં પહોંચાડે ત્યાં સુધી તેઓ ચૂપ નહીં બેસે અને તપાસ ચાલુ જ રાખશે. પરિણામે એણે રઘુને ફોસલાવી, પટાવીને પોલીસ સમક્ષ રજૂ કરી દીધો. કદાચ કાલિદાસનો ભાંડો ક્યારેય ન ફૂટત , પરંતુ એના કમનસીબે અથવા તો તેની ભૂલને કારણે દક્ષાને આપેલા ગીતાના ફેસ માસ્ક વિશે તે બિલકુલ બેદરકાર બની ગયો હતો. દક્ષાએ સૂચના મુજબ તેનો નાશ કર્યો છે કે નહીં એ જાણવાનો એણે જરા પણ પ્રયાસ ન કર્યો એટલે આ ફેસ માસ્કને કારણે જ કાલિદાસનો ભાંડો ફૂટી ગયો. યોર ઓનર, આ શેતાનને કારણે જ મારા ભાઈ સમાન મિત્રને ફાંસીના માંચડે લટકી જવું પડ્યું છે. બસ હવે મારે માત્ર એટલું જ કહેવું છે કે આ શેતાનને ફાંસીની નહીં, પણ એનાથી વધુ કઠોર જો કોઈ સજા હોય તો એ સજા કરવામાં આવે. જેથી ભવિષ્યમાં બીજું કોઈ માણસ કાલિદાસ બનવાની હિંમત ન દાખવી શકે. બસ યોર ઓનર..' કહીને અમિત ચૂપ થઈ ગયો. એના ચૂપ થયા પછી પણ કેટલીયે વાર સુધી કોર્ટ રૂમમાં ચુપકીદી છવાયેલી રહી. છેવટે ન્યાયાધીશ સાહેબના ગંભીર અવાજે આ ચુપકીદીનો ભંગ કર્યો.

'આરોપી મિસ્ટર કાલિદાસ પર મૂકવામાં આવેલા આરોપો અને એમને પુરવાર કરતાં મળેલા પુરાવાઓ તથા સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં રાખીને કોર્ટ એ નિર્ણય પર આવી છે કે આરોપી મિસ્ટર કાલિદાસે પોતાની પુત્રવધુ ગીતાનું ખૂન કર્યું છે અને પોતાના નિર્દોષ દીકરા રાકેશને ષડયંત્ર રચીને કાયદા દ્વારા ફાંસીની સજા કરાવી છે. એટલે કોર્ટ આવા ઘૃણિત અને અસામાજિક ગુનેગારને કોઈ જાતની રાહતની હકદાર નથી સમજતી. અને આઇપીસી 302 મુજબ આરોપી મિસ્ટર કાલિદાસને દેહાંત દંડની સજા ફરમાવે છે.'

'ના... ના..' કાલિદાસના મોંમાંથી કાળજગરી ચીસ સરી પડી. વળતી જ પળે તે બેભાન થઈને ઢળી પડ્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં મોજુદ એક માનવીની આંખો વિચારવશ હાલત સંકોચાઈને ઝીણી બની. એ માનવી બીજું કોઈ નહીં પણ નાગપાલ જ હતો.