Badlo - 4 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બદલો - ભાગ 4

૪. રહસ્યમય માનવી

મનોજ આંધીની જેમ પોતાના ફ્લેટમાં દાખલ થયો. એને જોઈને સંગીતા પલંગ પરથી નીચે ઉતરી. 'ચાલ સંગીતા..' મનોજ ખુશ ખુશાલ અવાજે બોલ્યો. 'ફટાફટ તૈયાર થઈ જા. પોલીસ એ નાલાયકોના બંગલામાં પહોંચી ગઈ છે. હું મારી સગી આંખે જોઈ ચૂક્યો છું. હવે એ શેતાનો કોઈ કિંમતે પોતાની જાતને કાયદાથી નહીં બચાવી શકે.'

'પણ જવું છે ક્યાં એ તો કહો..' સંગીતાએ મૂંઝવણ ભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'લે કર વાત.. તુંય બાકી કમાલ કરે છે! પ્લેન ઉપડવાને માત્ર એક જ કલાકની વાર છે અને તું પૂછે છે કે ક્યાં જવું છે? ટિકિટ લઈ જ લીધી છે તો મુંબઈ ફરી આવીએ.'

'શું હજુ પણ તને તારા ફસાઈ જવાનું જોખમ લાગે છે?'

'ના, જોખમ જેવું તો હવે કશું જ નથી રહ્યું.' મનોજે જવાબ આપ્યો. 'ત્યાં ગીતાની લાશ અને રિવોલ્વર મળતા જ એ બંને નાલાયકો કોઈ કાળે પોલીસને થાપ નહીં આપી શકે. હવે મારું હાથ મોજું કે તેમની જુબાનીથી મારી ત્યાંની હાજરી વિશે પોલીસને કદાચ ખબર પડી જાય તો પણ રિવોલ્વર પર રહેલી આંગળાની છાપ તેમના જૂઠાણાનો ભાંડો ફોડી નાખશે. મારા ગુમનામ ટેલીફોન પરથી પોલીસ જાતે જ સમજી ગઈ હશે કે કોઈક ચોર ત્યાં ચોરી કરવાના હેતુથી આવ્યો હશે. પરંતુ ખૂન થતું જોઈને એ નાસી છૂટ્યો અને નાસી છૂટવાને કારણે એનું હાથ મોજું ત્યાં જ પડી ગયું તથા આ ખૂનના આરોપમાં પોતે સંડોવાય ન જાય એટલા માટે એણે તરત જ ફોન કરીને આ ખૂન વિશે પોલીસને બાતમી આપી દીધી. ઓહ્ હું નાહક જ સમય વેડફતો હતો. ચાલ, જલ્દી કર. ફટાફટ તૈયાર થઈ જા. આપણે તાબડતોબ રવાના થઈ જવાનું છે.'

વાત પૂરી કરીને વસ્ત્રો કાઢવા માટે મનોજ ઉતાવળા પગલે કબાટ તરફ આગળ વધી ગયો. સંગીતાએ કંઈક કહેવા માટે મોં ઉઘાડ્યું. ત્યાં જ સહસા ડોરબેલ રણકી ઉઠી. આ દરમિયાન મનોજ કબાટ ઉઘાડી તેમાંથી વસ્તુઓ કાઢીને સૂટકેસમાં ભરવા લાગ્યો હતો. ડોરબેલનો અવાજ સાંભળીને એના હાથ સ્થિર થઈ ગયા.

'અત્યારે વળી કોણ હશે?' એના મોંમાંથી ધીમો બડબડાટ નીકળ્યો. સંગીતા શું જવાબ આપે? એની નજર દરવાજા સામે જ સ્થિર થઈ ગઈ હતી. મનોજ બિલ્લી પગે આગળ વધીને દરવાજા પાસે પહોંચ્યો અને કી હોલ પર આંખ માંડી. પરંતુ તેને બહાર ઉભેલા માણસના કાળા પેન્ટ સિવાય બીજું કશું જ ન દેખાયું. પળભર વિચાર્યા બાદ મનોજ દબાતે પગલે પાછો ફરીને કબાટ પાસે પહોંચ્યો. ત્યારબાદ કબાટમાંથી પોતાની રિવોલ્વર કાઢીને એ પુનઃ દરવાજા પાસે આવ્યો. પછી એણે ધીમેથી સ્ટોપર નીચે સરકાવીને એટલા જોરથી દરવાજો પોતાની તરફ ખેંચ્યો કે બહાર દરવાજાની લગોલગ ઉભેલો માનવી લથડીને અંદર આવી પડ્યો. એ માનવીનો દેખાવ જોઈને મનોજ એકદમ ચમકી ગયો. પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા એ માનવીએ ચહેરા પર નકાબ પહેરી રાખ્યો હતો. નકાબ ઉપર આંખ તથા નાકના સ્થાને છેદ હતા.

છેદમાંથી દેખાતા એની આંખોના ચમકદાર ડોળા હિંસક પશુને જેમ તગતગતા હતા. એણે બેહદ સ્ફૂર્તિનો પરિચય આપીને પોતાની જાતને પડતી બચાવી લીધી હતી. 'કોણ છો તું?' મનોજે તેની સામે રિવોલ્વર તાકતા કઠોર અવાજે પૂછ્યું.

'આ રમકડાને તમારા ગજવામાં મૂકી દો મિસ્ટર મનોજ જોશી..' નકાબપોશના મોંમાંથી ભારે ભરખમ અને કર્કશ અવાજ નીકળ્યો. 'આ રમકડાથી રમવા માટે તેનું લાયસન્સ લેવું જરૂરી છે અને તારી પાસે લાયસન્સ નથી. વગર લાયસન્સના આ રમકડાની રમત તને મોંઘી પડી શકે તેમ છે.'

'ત..તું મને કેવી રીતે ઓળખે છે?'

'આ સિવાય પણ હું તારા વિશે ઘણું બધું જાણું છું. જો તું રજા આપે તો અંદર આવીને જણાવું.' નકાબપોશ પૂર્વવત્ અવાજે બોલ્યો. અલબત્ત આ વખતે એણે મનોજને એક વચનમાં સંબોધ્યો હતો.

'પણ તું છે કોણ?'

'કહું છું..પેલા અંદર તો આવવા દે.' કહેતા કહેતા નકાબપોશ મનોજના હાથમાં જકડાયેલી રિવોલ્વરની જરા પણ પરવા કર્યા વગર બેધડક અંદર દાખલ થઈ ગયો. ત્યારબાદ પગ વડે દરવાજો બંધ કરતા બોલ્યો. 'મનોજ, હું જે કોઈ પણ હોઉં તે, પણ તને બહુ સારી રીતે ઓળખું છું. તારે મારાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. હું તારું કોઈ અહિત કરવા માટે નહીં પણ લાભ માટે આવ્યો છું.

',મનો...જ ...'આ એક રહસ્યમય નકામ પોશને આ રીતે અંદર આવેલો જોઈને સંગીતા એટલી હેબતાઈ ગઈ હતી કે સવાલ પૂછવા માટે એના મોંમાંથી માટે નીકળેલા શબ્દો થોથવાટમાં બદલાઈ ગયા હતા.

'મનોજ આને સમજાવ..'

મનોજે કટાક્ષ ભર્યા અવાજે કહ્યું, 'હું તને ઓળખતો પણ નથી અને તેમ છતાંય તું તારી જાતને મારા મિત્ર તરીકે ઓળખાવે છે? અને મિત્રને મળવાની પદ્ધતિ તથા સમય પણ તે યોગ્ય જ પસંદ કર્યા છે! સાંભળ.. આટલી મોડી રાત્રે, આ રીતે મોં છૂપાવીને આવનારને કોઈ મૂરખમાં મૂરખ માણસ પણ મિત્ર ન સમજે. તું કોણ છો એ વાત સીધી રીતે ડાચાં માંથી ભસી મર. નહીં તો નછૂટકે મારે ટ્રિગર દબાવવા માટે મારી આંગળીઓને તકલીફ આપવી પડશે.'

'એમ?' નકાબપોશે ઠાવકા અવાજે પૂછ્યું.

'હા.'

'મારા પર ગોળી છોડીને તું મારા માટે એક વધુ મુસીબત ઊભી કરે એટલો મૂરખ તો તું મને નથી લાગતો.' કહીને નકાબપોશ હસ્યો.

'એટલે?' મનોજે ચમકીને પૂછ્યું.

'એટલે એમ કે અત્યાર સુધી તો તને માત્ર તું જે હાથ મોજું કાલિદાસના બંગલામાં પાડી આવ્યો હતો એની જ ફિકર હતી. પરંતું મારું ખૂન કરવાથી તને મારો મૃતદેહ ઠેકાણે પાડવાની અને વગર લાયસન્સ ની રિવોલ્વર રાખવાનું કારણ જણાવવાની ફિકર પણ થવા માંડશે. ઉપરાંત ગોળી છૂટવાના અવાજથી આ ઈમારતમાં રહેતા લોકો પણ અહિં દોડી આવશે. આ ઇમારતમાં કાળા માથાના માનવીઓ જ રહે છે. કંઈ પંખીઓ નથી રહેતા કે ગોળી છૂટવાનો અવાજ સાંભળીને ઉડી જશે! હવે તારે ગોળી છોડવી હોય તો ખુશીથી છોડી શકે છે. પરંતુ ગોળી છોડવાનું શું પરિણામ આવશે એની કલ્પના પણ તારી આંગળીને ટ્રિગર દબાવવાની તકલીફ આપતા પહેલા કરી લેજે.' નકાબપોશના અવાજમાં કટાક્ષ, મજાક, ધમકી, ચેતવણી બધું જ હતું.

'આ.. આ.. બધી વાતોની તને કેવી રીતે ખબર પડી?' નકાબપોશની વાત સાંભળીને મનોજ આશ્ચર્યચકિત અવાજે બોલી ઉઠ્યો. 'અને તું કોણ છો?'

'મારે વિશે તો હું તને કહી જ ચૂક્યો છું. છતાંય ફરીથી સાંભળી લે. હું તારો દુશ્મન નહીં, પણ મિત્ર જ છું.'

'અહીં શા માટે આવ્યો છે ?'

'હું ખરેખર તારો મિત્ર છું એ વાતનો પુરાવા આપવા માટે.'

'એટલે તું કહેવા શું માંગે છે?'

'મારી વાતનો અર્થ તું આના પરથી જ સમજી જઈશ.' વાત પૂરી કરીને નકાબપોશે પોતાના ગજવામાંથી એક વસ્તુ કાઢીને તેની સામે ફેંકી. મનોજ ક્રિકેટરની જેમ એ વસ્તુને હવામાં જ પકડી લીધી.

'આ.. આ.. આ..' એ વસ્તુ પર નજર પડતા જ તે એકદમ હેબતાઈ ગયો અને બાકીના શબ્દો તેના ગળામાં જ અટવાઈને રહી ગયા. તે આશ્ચર્યથી ફાટી આંખે હાથમોજાં સામે તાકી રહ્યો. આ એ જ હાથ મોજું હતું કે જે કાલિદાસના બંગલામાં તેના હાથમાંથી પડી ગયું હતું.

'મનોજ..' નકાબપોશ તેની સામે તાકી રહેતા બોલ્યો. 'આ એ જ હાથ મોજું છે કે જે કાલિદાસના બંગલામાંથી નાસતી વખતે તારા હાથમાંથી સરકી ગયું હતું. જો આ હાથ મોજું પોલીસના કબજામાં પહોંચી ગયું હોત તો તારે માથે મોટી ઉપાધિ આવી પડત. ત્યાં ગયો હોવા છતાં પણ ગીતાના ખૂનમાં તારો કોઈ હાથ નહોતો એ વાત તું કોઈ રીતે પોલીસ ના ગળે ન ઉતરાવી શકત. તું ચોરી કરવાના હેતુથી ત્યાં ગયો હતો એવી તારી દલીલ પોલીસ હરગીઝ ન માનત કારણ કે ત્યાં સુધીમાં ગીતાના ખૂનનો આરોપ તારા માથા પર ઓઢાડવા માટે હાથ મોજાના રૂપમાં તેમને એક જબરદસ્ત પુરાવો તેમના હાથમાં આવી ગયો હોત.

'પણ..'

'પહેલા મારી વાત પૂરી સાંભળી લે પછી તારે જે કંઈ કહેવું હોય તે કહેજે.' નકાબપોશ વચ્ચેથી જ તેને અટકાવીને બોલ્યો. 'કાલિદાસ તથા તેના દીકરા રાકેશ સાથે તારે દુશ્મનાવટ હોવાની વાત બહાર આવતાં જ કોર્ટ સોએ સો ટકા તને ગુનેગાર માનીને ફાંસીની સજા ફટકારત એમાં તો શંકા ને કોઈ સ્થાન જ નથી. પરંતુ તારો શુભેચ્છક હોવાને નાતે આવું થાય એમ હું જરા પણ નહોતો ઇચ્છતો. આ કારણસર જ મારો જીવ જોખમમાં મૂકીને આ પુરાવો તને સોંપવા માટે અહીં આવ્યો છું. પરંતુ તું તો જાણે હું તારો હડહડતો દુશ્મન હોઉં એ રીતે મારી સામે રિવોલ્વર તાકીને ઉભો છે. મારો આભાર માનવો તો એક તરફ રહ્યો ઉલટું મને મારી નાખવાની ધમકી આપે છે?' નકાબ પોશની વાત સાંભળીને મનોજ સહેજ નર્વસ બની ગયો. પરંતુ પછી તરત જ એણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો અને સ્વસ્થ અવાજે બોલ્યો.

'તું આટલું બધું જાણે છે તો પછી તને એ વાતની પણ ખબર હશે કે જે રિવોલ્વર વડે ગીતાનું ખૂન કરવામાં આવ્યું છે તે હજુ ત્યાં મોજુદ જ છે.'

'હા કદાચ..'

'કદાચ નહીં સોએ સો ટકા બોલ.' મનોજે ઉત્તેજિત અવાજે કહ્યું. 'જો કોઈ ચોરના આગમનની અને તેના દ્વારા ગીતાનું ખૂન કર્યાની વાત ઉપજાવી કાઢી શકાય તેમ છે એ વાત તેમના મગજમાં આવી હોત તો જ તેઓ રિવોલ્વરને ઠેકાણે પાડવાનો પ્રયાસ કરત. પરંતુ મેં તેમને આવી કોઈ તક જ નથી આપી. પોલીસ ક્યારની ત્યાં પહોંચી ગઈ છે એટલે હવે તું પોતે જ સમજી શકે છે કે મને તારી મદદની કોઈ જરૂર નથી. પરંતુ એક વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે તું જે કોઈ હોય તે પરંતુ જરૂર એ નાલાયકોની હેરાનગતિનો ભોગ બની ચૂક્યો છે અને હું માનું છું ત્યાં સુધી તું પણ આવા જ કોઈ હેતુથી એ નાલાયકોના બંગલામાં ગયો હતો.'

'મનોજ, અહીં જ તારી ભૂલ થાય છે. તારી એકેય શક્યતાઓમાં કંઈ દમ નથી.'

'એટલે?'

'પોલીસ અત્યાર સુધીમાં એ બંનેને હાથકડી પહેરાવી ચૂકી હશે એવા ભ્રમમાં તું રાચે છે. પરંતુ વાસ્તવમાં તું માને છે એવું કશું જ નથી બન્યું. જો તું ઉતાવળથી ચાલ્યો આવવાને બદલે ત્યાં થોડીવાર રોકાયો હોત અને તારી સગી આંખે જોયું હોત તો તને ખબર પડી જાત કે પોલીસ કોઈનીયે ધરપકડ કર્યા વગર ચૂપચાપ પાછી ચાલી ગઈ છે.'

'શું?' મનોજને જોરદાર આંચકો લાગ્યો.

'હા.'

'પણ આવું કેવી રીતે બને? ગીતાની લાશ અને રિવોલ્વર મળ્યા પછી પણ એ શેતાનોને પોલીસે શા માટે ન પકડ્યા? ઓહ..' સહસા કંઈક વિચારીને એ કઠોર અવાજે બોલ્યો. 'સમજ્યો.. જરૂર એ જ વાત છે.. હા એમ જ બન્યું હશે.'

'શું બન્યું હશે? અત્યાર સુધી ચૂપચાપ તેમની વાતો સાંભળી રહેલી સંગીતાએ ઉત્સુક અવાજે પૂછ્યું.

'એ નાલાયકોએ પોલીસને ખરીદી લીધી હશે.' મનોજે તેની સામે જોતા જ જવાબ આપ્યો. 'તેઓ પૈસાના જોરે ફરીથી એક વખત કાયદા સાથે રમત રમવા માંગે છે. પણ ના.. હું હરગીઝ આમ નહીં થવા દઉં.'

'તું શું કરી લઈશ?' નકાબપોશે પૂછ્યું.

'હું પોતે પોલીસના ઉચ્ચ ઓફિસરોને મળીને તેમને સાચી હકીકત જણાવીશ અને..'

'અને તેઓ તરત જ આંખો મીંચીને તારી વાત પર ભરોસો કરી લેશે એમ તું માને છે?' નકાબપોશે વચ્ચેથી જ તેની વાતને કાપી નાંખતા તીવ્ર અવાજે કહ્યું. 'જો તું આમ માનતો હોય તો એ તારી મોટામાં મોટી ભૂલ છે. સાચી હકીકત કહેવા માટે તારે, તું એ વખતે ત્યાં હાજર હતો એ વાત જણાવવી પડશે. અને આ વાતની તેમના પર શું અસર થશે એનો વિચાર તે કર્યો છે ખરો? સાંભળ, તેઓ એમ જ માનશે કે તું કાલિદાસ તથા રાકેશ સાથે વેર લેવા માંગતો હતો. તું એ બંનેના ખૂન કરવાના હેતુથી એ બંગલામાં ગયો. ત્યાં અચાનક તારા પર ગીતાની નજર પડી ગઈ અને એણે બૂમો પાડવાનો પ્રયાસ કર્યો. પરિણામે તે પકડાઈ જવાના ભયથી ગોળી ઝીંકીને હંમેશ માટે તેનું મોં બંધ કરી દીધું. તારી વાત સાંભળ્યા પછી પોલીસ આવી જ માન્યતા પર આવશે. સમજ્યો?'

'ના..' મનોજ વિરોધ ભર્યા અવાજે બોલ્યો. 'તેમને મારી વાત પર ભરોસો કરવો જ પડશે.'

'કેવી રીતે?'

'જે રિવોલ્વર વડે ગીતાનું ખૂન કરવામાં આવ્યું છે એ રિવોલ્વર પરથી ગુનેગારના આંગળાની છાપ મળતા જ તેમને મારી વાતની ખાતરી થઈ જશે.'

'એમ?'

'હા..'

'જો તને એમ લાગતું હોય કે પોલીસ પાસે જવાથી મામલો ઉકેલાઈ જશે તો તું તારે ખુશીથી જા. હું તને જરા પણ નહીં અટકાવુ. પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચવા માટે તારી પાસે ટેક્સી ભાડાના પૈસા ન હોય તો એ પણ હું તને આપીશ.' નકાબ પોશ ઉપેક્ષાભર્યા અવાજે બોલ્યો. 'પરંતુ આમ કર્યા પછી પાછળથી તારે પસ્તાવું પડશે. જે રિવોલ્વરના જોરે તું આટલી ઉછળકૂદ કરે છે એ રિવોલ્વર જ જો તેઓ ગુમ કરી દેશે અથવા તો પછી તેના પરથી આંગળાની છાપ ભૂંસી નાખશે તો પછી કોઈપણ દલીલ તને ફાંસીના ગાળિયામાંથી નહીં ઉગારી શકે.'

'ઓહ..' નકાબપોશના કથનનો અર્થ સમજાતા જ મનોજનો ચહેરો પંચર પડેલા ટાયરની જેમ ઢીલો થઈ ગયો. એના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાઈ ગયા.

'મારી વાત સમજી ગયો છે ને તું?'

'હા..' મનોજે જવાબ આપ્યો. પછી કશુંક વિચારીને એણે નકાબ પોશની આંખોમાં પોતાની આંખો પરોવતા પૂછ્યું,

'જો તું ખરેખર જ મારો શુભેચ્છક છો અને મારું અહિત થાય એમ નથી ઇચ્છતો તો પછી તારે તારો ચહેરો છુપાવવાની શું જરૂર છે?' જવાબમાં નકાબપોશ ધીમેથી હસીને બોલ્યો, 'જરૂર વગર કરવામાં આવેલા કોઈપણ કામને મૂર્ખાઈ ગણવામાં આવે છે. અને હું તને મૂરખ તો નહીં જ લાગતો હોઉં. ખેર, હાલ તુરંત હું મારો ચહેરો છુપાવવાનું કારણ જણાવી શકું તેમ નથી. તારે માટે એટલું જ પૂરતું છે કે તારી વસ્તુ તને મળી ગઈ છે એટલે કે...' એણે વસ્તુ શબ્દ પર ખાસ ભાર મૂક્યો હતો. વાત પૂરી કરીને તે દરવાજા તરફ આગળ વધી ગયો.

'પરંતુ તે મને શા માટે મદદ કરી છે એ તો કહેતો જા.' દરવાજા પાસે પહોંચી ચૂકેલા નકાબ પોશે પીઠ ફેરવીને તેની સામે જોયું. પછી એ પૂર્વવત રીતે હસીને બોલ્યો,

'બસ એટલું જાણી લે કે મને એક બીમારી લાગુ પડી ગઈ છે. મુશ્કેલીમાં મુકાયેલા નિર્દોષ લોકોને મદદ કરવાની બીમારી..' કહેતાની સાથે જ એ દરવાજો ઉઘાડીને સ્ફૂર્તીથી બહાર નીકળી ગયો. મનોજ તથા સંગીતા નર્યા અચરજથી મોં વકાસીને પરસ્પર એકબીજાને સામે તાકી રહ્યા.

આ વળી કઈ જાતની બીમારી છે એ ન સમજાતું હોય એવા હાવભાવ તેમના ચહેરા પર છવાઈ ગયા હતા. તેમની નજર સામે રહી રહીને તે નકાબપોશ તરવરતો હતો.

************

આશરે સવા છ ફૂટની ઊંચાઈ ધરાવતો ખૂબસૂરત અને આકર્ષક યુવાન એડવોકેટ અમિત આશ્ચર્ય અને અવિશ્વાસ ભરી નજરે રાકેશ સામે તાકી રહ્યો હતો.

'શું કહ્યું? લાશ ગુમ થઈ ગઈ?' એણે ફરીથી પૂછ્યું.

'હા દીકરા, આ વાત સાચી છે.' રાકેશને બદલે કાલિદાસે જવાબ આપતા કહ્યું, 'આ બધો શું બખેડો છે એ જ મને તો કંઈ નથી સમજાતું.' એની વાત સાંભળીને અમિત વિચારમાં ડૂબી ગયો.

'શું માત્ર મૃતદેહ જ ગુમ થયો છે?' થોડી પળો સુધી વિચાર્યા બાદ અમિતે પૂછ્યું.

'ના..'

'તો?'

'મૃતદેહની સાથે સાથે રીવોલ્વર પણ ગુમ થઈ ગઈ છે. અમે આખા બંગલામાં ફરી વળ્યા છીએ પરંતુ નથી લાશનો પતો લાગ્યો કે નથી રિવોલ્વરનો.'

'હું માનું છું ત્યાં સુધી આવું એક જ રીતે બની શકે તેમ છે.' સુધા વિચારવશ અવાજે બોલી. અત્યારે એના ચહેરા પર ભય કે ગભરાટનું નામોનિશાન પણ નહોતું. કદાચ એ પોતાના ભાવિ પતિની હાજરીમાં પોતાની જાતને ડરપોક દર્શાવવા નહોતી માંગતી.

'કેવી રીતે?' અમિતે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'અમે..' સુધાએ કાલિદાસ તથા રાકેશ સામે એક નજર ફેંકીને જવાબ આપ્યો. 'ગીતા ભાભીને માત્ર લોહી લુહાણ હાલતમાં પડેલી જોઈ હતી. તે ખરેખર જ મૃત્યુ પામી હતી કે માત્ર ઘાયલ થઈ હતી એ જાણવાનો અમારામાંથી કોઈએ પ્રયાસ નહોતો કર્યો.

'હા તો?'

'ગીતા ભાભી માત્ર બેભાન જ હોય અને ભાનમાં આવ્યા પછી પોતાની આવી હાલત કરનારાઓ સાથે વેર લેવાના હેતુથી રિવોલ્વર લઈને ચૂપચાપ ચાલી ગઈ હોય એ બનવા જોગ છે.'

'તારું માથું તો નથી ભમી ગયું ને સુધા?' રાકેશે ધુંધવાતા અવાજે પૂછ્યું.

'કેમ?'

'કપાળ પર ગોળી વાગ્યા પછી કોઈ કેવી રીતે જીવતું રહી શકે?'

'કેમ? શા માટે ન રહી શકે? જો ગોળી અંદર ઘુસવાને બદલે ત્રાંસી ફંટાઈને બહાર નીકળી જાય તો જરૂર જીવતા રહી શકાય તેમ છે.'

'તું તો મૃતદેહ જોતાંની સાથે જ ચીસ નાખીને બેભાન થઈ ગઈ હતી. પરંતુ હું અને ડેડી કેટલીયવાર સુધી ત્યાં રોકાયા હતા. ગીતા સોએ સો ટકા મૃત્યુ પામી હતી એ વાત હું પૂરી ખાતરીથી કહું છું.'

અમિતે પીઠ ફેરવીને પ્રશ્નાર્થ નજરે કાલિદાસ સામે જોયું.

'રાકેશ સાચું કહે છે.' એની નજરનો અર્થ પારખીને કાલિદાસ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલ્યો. 'ગીતાના દેહમાં જીવનના કોઈ લક્ષણો કે ચિહ્નો નહોતા દેખાતા.'

'જો ખરેખર જ ગીતાભાભી મૃત્યુ પામી હતી..' સુધાએ વિરોધ ભર્યા અવાજે કહ્યું. 'તો શું તેના ખૂનનો આરોપ રાકેશને ફાંસીના માંચડે ન લટકાવી દે એટલા ખાતર એના આત્માએ તેનો મૃતદેહ ગુમ કરી દીધો?'

રાકેશે આગ્નેય નજરે સુધા સામે જોયું.

એ કોઈ કઠોર વાત કહેવા જતો હતો ત્યાં જ અમિત હાથ ઊંચો કરીને તેને શાંત કરતા બોલ્યો,

'જો દોસ્ત, અત્યારે તું જે બખેડામાં ફસાયો છો એમાં એકબીજા પર ક્રોધ ઠાલવવાથી કે નારાજ થવાથી કશું નહીં વળે. મગજ પર કાબુ રાખીને જ આ મુસીબતમાંથી છુટકારો મેળવી શકાય તેમ છે. જો ખરેખર જ તારા હાથેથી છૂટેલી ગોળીને કારણે ગીતા મૃત્યુ પામી હતી તો આ રીતે તેનો મૃતદેહ ગુમ થઈ જવો એક અજાયબ ભરી વાત છે પણ..'

'શું પણ?'

'પણ જો પોલીસને આટલી જલ્દી અહીં પહોંચી જવાની વાત પર ધ્યાન આપવામાં આવે તો આ કોયડો આપોઆપ જ ઉકેલાઈ જાય છે.'

'કેવી રીતે?'

'એક જ વાતને કારણે. અને તે એ કે મૃતદેહ ગુમ નથી થયો પણ તેને ગુમ કરવામાં આવ્યો છે.'

'શું કહ્યું? મૃતદેહને ગુમ કરવામાં આવ્યો છે?' ત્રણેયના મોંમાંથી આશ્ચર્યમાં ડૂબેલો એક જ સવાલ નીકળ્યો.

'હા, મૃતદેહને ગુમ કરવામાં આવ્યો છે.' અમિતે એક એક શબ્દ પર ભાર મુકતા કહ્યું.

'પણ કેવી રીતે?'

'હું માનું છું ત્યાં સુધી..' અમિત મક્કમ અવાજે બોલ્યો. 'જ્યારે રાકેશ તથા ગીતા વચ્ચે રિવોલ્વર માટે ખેંચતાણ ચાલતી હતી એ વખતે રૂમમાં અથવા તો રૂમની આજુબાજુમાં કોઈક ત્રીજો માણસ પણ હાજર હતો. એણે પોતાની નજરો નજર રાકેશના હાથે ગીતાનું ખૂન થતું જોયું હતું. આ બનાવ જોઈને એણે મળેલી તકનો લાભ લેવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તમે બંને બહાર નીકળ્યા કે તરત જ એ રૂમમાં દાખલ થયો અને રિવોલ્વર કબજે કરીને ગીતાના મૃતદેહને કોઈપણ રીતે ત્યાંથી ખસેડી નાખ્યો હશે. ત્યારબાદ તેણે પોલીસને ફોન કરીને અહીં મોકલી આપી.

'કેમ? પોલીસને મોકલવાની એને શું જરૂર હતી?' કાલિદાસે પૂછ્યું.

'તમને શક્ય એટલા વધુ ભયભીત કરી મૂકવા માટે..'

'પણ અમિત આવું કેવી રીતે બને?' રાકેશના અવાજમાં વિરોધનો સૂર હતો.

'કેમ શા માટે ન બને?' અમિતે પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'તારા કહેવા મુજબ જો ખરેખર ત્યાં કોઈ ત્રીજો માણસ હાજર હતો તો એ મને જરૂર દેખાયો હોત. છતાંય હું માની લઉં છું કે બારીની બહારના પ્રોજેક્શન પર અથવા તો બાલ્કનીમાં આવો કોઈક માણસ હાજર હતો. તો શું મારા હાથેથી આજે ગીતાનું ખૂન થવાનું છે એ વાતનું શું તેને સપનું આવ્યું હતું? ઉપરાંત અમને માત્ર ભયભીત જ કરી મુકવાથી તેને શું લાભ થવાનો છે?' રાકેશના અવાજમાં પૂર્વવત્ રીતે વિરોધનો સૂર હતો.

'મારી વાત પ્રત્યે તે કદાચ ધ્યાન નથી આપ્યું લાગતું.'

'શું?'

'આ બનાવ બન્યા પછી પોલીસ જે આશ્ચર્ય જનક રીતે અહીં પહોંચી હતી એના પર ઊંડાણથી વિચાર કર્યા બાદ તું પણ આ શક્યતાનો ઇનકાર કરી શકે તેમ નથી. તું પોતે જ વિચાર, અહીં ગોળી છૂટવાના અવાજની સાથે સાથે એક સ્ત્રીની ચીસ પણ ગુંજી હતી એ વાતની પોલીસને કેવી રીતે ખબર પડી? ઉપરાંત જે કોઈએ તને ગીતાનું ખૂન કરતો જોયો હતો. તેની હાજરી વિશે એક જ પરિણામ તારવી શકાય છે.'

'શું?'

'એ જ કે તે કોઈક ચોર હતો અને ચોરી કરવાના હેતુથી અહીં આવ્યો હતો.' અમિત ગંભીર અવાજે બોલ્યો.

'આ બધા સૂત્રોને એક તાંતણામાં બાંધતા જે વાત સામે આવે છે એ હવે હું જણાવું છું. સાંભળો.. ગીતાનું ખૂન થયું ત્યારે કોઈક ચોર અહીં હાજર હતો. એણે રાકેશના હાથે ગીતાનું ખૂન થતું જોયું અને બ્લેકમેલ કરવાના હેતુથી રિવોલ્વર પોતાના કબજે લઈને મૃતદેહને ગુમ કરી દીધો. આટલું કર્યા પછી એણે પોલીસને ફોન કરીને આ બનાવ વિશે માહિતી આપી દીધી. તમે લોકો તેનાથી વધુમાં વધુ ભયભીત બની જાઓ અને ભવિષ્યમાં તેની દરેક માંગણીઓ પૂરી કરતા રહો એટલા ખાતર જ એણે આમ કર્યું લાગે છે. હું માનું છું ત્યાં સુધી અત્યાર સુધીમાં તે ગીતાના મૃતદેહને એ સહેલાઈથી પોલીસને મળી જાય એવા કોઈ સ્થળે ફેંકી ચૂક્યો હશે. પછી પોસ્ટમોર્ટમ અને બેલેસ્ટિક એક્સપર્ટના રિપોર્ટ પરથી પુરવાર થઈ જશે કે ખૂન તારી જ લાઇસન્સ યુક્ત રિવોલ્વર વડે થયું છે.'

'શું?' કહેતા કહેતા ભયથી રાકેશના રુંવાડા ઊભા થઈ ગયા. એના કલ્પના ચક્ષુઓ સમક્ષ ફાંસીનો ગાળિયો તરવરવા લાગ્યો.

'હા, પરંતુ કોર્ટમાં આ મુશ્કેલીથી પણ બચી શકાય તેમ છે.'

'કેવી રીતે?' રાકેશે આશા ભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'કોર્ટમાં એવી દલીલ કરી શકાય એમ છે કે તારે ગીતા સાથે ઝઘડો થયા પછી તે કોઈને કશું જ જણાવ્યા વગર રિવોલ્વર લઈને ચૂપચાપ ઘરેથી નીકળી ગઈ હશે. અને રસ્તામાં કોઈ ગુંડાઓથી બચવા માટે એણે રિવોલ્વર કાઢી હશે ત્યારે એ રિવોલ્વરથી જ ગુંડાઓએ તેનું ખૂન કરી નાખ્યું હશે. જ્યાં સુધી પોલીસને એ રિવોલ્વર ન મળે ત્યાં સુધી જ તું સલામત છો. અને આ બધી વાતોની કલ્પના એ ચોર પણ જરૂર કરી ચૂક્યો હશે.'

'હે ઈશ્વર.. કાલિદાસ વ્યાકુળ અવાજે બોલી ઉઠ્યો. આ તો ઉલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવું થયું. જો તારી શક્યતા સાચી પુરવાર થશે તો જ્યાં સુધી અમે બ્લેક મેલરની માગણી પૂરી કરવામાં સમર્થ હશું ત્યાં સુધી બ્લેકમેલિંગ રૂપી તલવાર અમારા માથા પર લટકતી રહેશે. જો અમે તેની માંગણી પૂરી નહીં કરીએ તો તે રિવોલ્વર પોલીસને સોંપીને રાકેશને ફાંસીના માંચડા સુધી પહોંચાડી શકે તેમ છે.'

'હા, એ તો છે.'

'પરંતુ જ્યાં સુધી સાચી હકીકત જાણવા ન મળે ત્યાં સુધી આ રીતે કલ્પનાના ઘોડા દોડાવવાથી શું લાભ થવાનો છે?' સુધા ઉત્તેજિત અવાજે બોલી.

'એટલે? તું કહેવા શું માંગે છે?'

'હું એમ કહેવા માગું છું કે જો ખરેખર જ આ કામ કોઈ બ્લેકમેલરનું હોત તો અત્યાર સુધીમાં તે આપણી સામે પોતાની માંગણી રજૂ કરી ચૂક્યો હોત. પરંતુ હજી સુધી એણે આવી કોઈ માંગણી નથી કરી.'

'એણે પોતાની માગણી રજૂ કરી દીધી હોય તે બનવા જોગ છે.' અમિતે કહ્યું.

'કેવી રીતે?'

'જે રૂમમાંથી ગીતાનો મૃતદેહ ગુમ થયો છે ત્યાં તમે લોકોએ કોઈ પત્ર વગેરે શોધવાનો પ્રયાસ કર્યો છે?' અમિતે વારાફરતી ત્રણેય સામે જોતા પૂછ્યું.

'ના.' કાલિદાસે જવાબ આપ્યો. 'મૃતદેહ ગુમ થઈ જવાથી અમે એટલા હેબતાઈ ગયા હતા કે આ બાબતમાં વિચારવાનો અમને સમય જ નથી મળ્યો. એટલે જો ત્યાં આવો કોઈ પત્ર પડ્યો હશે તો પણ એ તરફ અમારું ધ્યાન નથી ગયું.'

'ઓહ..' અમિતે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. 'આ એક સ્વાભાવિક બાબત છે. તમારા સ્થાને બીજું કોઈ હોત તો તે પણ સૌથી પહેલા મૃતદેહ અને રિવોલ્વર ગુમ થઈ જવા વિશે જ વિચારત.'

'પરંતુ અમિત એક વાત મને નથી સમજાતી.' રાકેશ વિચારવશ અવાજે બોલ્યો.

'કઈ વાત?' અમિતે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

'એ બ્લેકમેલર પત્ર દ્વારા જ અમારો સંપર્ક સાધશે એવું તું કયા આધારે કહે છે?'

'આ માત્ર મારું અનુમાન જ છે.' અમિત બોલ્યો. 'મારું આ અનુમાન ખોટું હોઈ શકે છે. વિચારવા જેવી વાત તો એ છે કે જેણે પણ આવું કર્યું છે એણે પોતાના કોઈક લાભ માટે જ કર્યું હશે. આ સંજોગોમાં એ જરૂર કોઈકને કોઈક રીતે તારો સંપર્ક સાધશે. બ્લેકમેઇલર પોતાની સલામતી જળવાઈ રહે એટલા ખાતર પોતાના ટેલિફોન અથવા તો પત્રથી સંપર્ક સાધે છે એ તો સામાન્ય માણસને પણ સમજાય તેવી વાત છે. હવે જો એણે હજુ સુધી ફોન દ્વારા સંપર્ક નથી સાધ્યો તો સ્પષ્ટ છે કે જરૂર એણે પોતાની માંગણી પત્ર દ્વારા રજૂ કરી હશે. આવું તે એમ વિચારીને પણ કરી શકે છે કે તું ફરીથી એ રૂમમાં જઈશ ત્યારે એણે મુકેલો પત્ર સહેલાઈથી તારી નજરે ચડી જશે.'

'જો ખરેખર બ્લેકમેલરે આવો પત્ર એ રૂમમાં મૂક્યો હશે તો પણ એ હવે ત્યાં નહીં હોય એની મને પૂરી ખાતરી છે.' સુધા વિચારવશ અવાજે બોલી.

'કેમ? શા માટે નહીં હોય?' રાકેશે ચમકીને પૂછ્યું.

'એ હું જણાવુ છું. પત્ર ત્યાં હોય એવો દાવો સુધા એટલા માટે કરે છે કે એની માન્યતા મુજબ એ પત્ર તલાશી લેવા માટે આવેલા સબ ઇન્સ્પેક્ટર અમરજીના કબજામાં પહોંચી ગયો હશે. મારી વાત સાચી છે ને સુધા?' કહીને એણે પ્રશ્નાર્થ નજરે સુધા સામે જોયું.

'હા..' સુધાએ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા કહ્યું.

'રાકેશ.. હવે હું પૂરી ખાતરીથી કહું છું કે એ વખતે સબ ઇન્સ્પેક્ટર અમરજી પણ તારી માફક મૃતદેહની શોધમાં જ હતો.'

'કેમ?' એટલા માટે કે જો અહીં થયેલા ખૂનની તે ગંધ પારખત તો જ એને કાગળ પત્રો પ્રત્યે ધ્યાન આપવાની જરૂર લાગત. એનું મગજ તો મૃતદેહ શોધવામાં જ કેન્દ્રિત થયેલું હતું. પરંતુ તેના આ રીતે નિરાશ થઈને જવાથી સ્પષ્ટ થઈ જાય છે કે તેને અહીં થયેલા ખૂનની કોઈ કડી નથી મળી.'

'અરે..' સહસા કાલિદાસ ધૂંધવાતા અવાજે બોલ્યો. 'તમે લોકો તો શક્યતાઓ દર્શાવવામાં જ સમય વેડફો છો! તમે એક વખત ત્યાં જઈને જોઈ શા માટે નથી લેતા?'

'હા, ડેડી સાચું કહે છે.' રાકેશે ઉપર લઈ જતી સીડી તરફ આગળ વધતા કહ્યું. 'આમેય મને ફાંસીના માંચડે પહોંચાડી શકે એવો કોઈ પુરાવો ત્યાં બાકી તો નથી રહી ગયો ને, એની તપાસ પણ કરી લેવી જોઈએ. આવું હું એટલા માટે કહું છું કે આજે નહીં તો કાલે ગીતાના ગુમ થયાની ફરિયાદ તો નોંધાવવી જ પડશે ને! અને ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ કદાચ એ રુમની તલાશી લેશે.'

'હા.. હું નહીં આવું.' સુધા ભયભીત અવાજે બોલી. પછી અમિતની હાજરીનું ભાન થતાં જ એણે ફેરવી તોળતા કહ્યું, 'ત્યાં આવું કંઈ છે જ નહીં તો નાહક ચિંતા કરવાથી શું લાભ?'

'તને સાથે આવવાનું કહે છે પણ કોણ?' રાકેશે તેને વડકું ભરતા કહ્યું. પછી અમિતને ઉદ્દેશીને બોલ્યો. 'અમિત તું પણ એ રૂમમાં એક નજર ફેંકી લે. તું વકીલ છે એટલે કોઈ નાનામાં નાની ભૂલ પણ તારા ધ્યાનમાં આવી શકે તેમ છે.' અમિત પણ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા સીડી તરફ આગળ વધી ગયો. બંને ઉપર પહોંચ્યા. રાકેશે દરવાજો ઉઘાડ્યો.

'એ રહ્યો..' રૂમમાં પ્રવેશતા તે બોલી ઉઠ્યો. ત્યારબાદ એ લાંબા લાંબા ડગલા ભરતો સામે દેખાતા ટેબલ પાસે પહોંચી ગયો. એ ટેબલ પર પેપર વેઇટની નીચે એક કાગળ દબાવેલો હતો. અમિત નજીક પહોંચ્યો ત્યાં સુધીમાં રાકેશ એ કાગળ ઉંચકીને તેનું લખાણ વાંચવા લાગ્યો હતો. અમિત રૂમનું નિરીક્ષણ કરવા લાગ્યો. રૂમની જમીન પર ખૂબ જ કિંમતી ગાલીચો પાથરેલો હતો. ઊંધી પડેલી ખુરશી પાસે ગાલીચા પર એક નાનકડું ધાબુ દેખાતું હતું. અમિતે આગળ વધીને જોયું તો તે ધાબુ લોહીનું હતું. એણે ખુરશીને સિધી કરી તો એના પર પણ તેને લોહીના ડાઘ દેખાયા. બાજુમાં જ એક બોલપેન પડી હતી. એણે પીઠ ફેરવીને રાકેશને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. પરંતુ રાકેશની હાલત તો પહેલા કરતા પણ વધુ ખરાબ થઈ ગઈ હતી. એ ભયભીત નજરે ક્યારેક પત્ર સામે તો ક્યારેક અમિત સામે તાકી રહ્યો હતો. પોતાના હાથમાં પત્ર નહીં પણ કાળોતરો સર્પ પકડ્યો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

'શું થયું રાકેશ?' એની આવી હાલત જોઈને અમિતે ચમકીને પૂછ્યું.

'એ.. એ.. લાશ..' રાકેશ થોથવાયો.

'લ..લાશ?'

'હા..'

'ક્યાં છે?'

'એ અહીં જ છે.' જાણે જન્મથી જ મૂંગો માણસ અચાનક જ બોલી ઉઠ્યો હોય એવો અવાજ રાકેશના મોંમાંથી નીકળ્યો.

'ક્યાં છે?' અમિતે નજીક પહોંચી એના ખભા પકડીને હચમચાવતા પૂછ્યું.

જવાબમાં રાકેશે ચૂપચાપ એ હાથમાં પત્ર પકડાવી દીધો. અમિતની આંખો લખાણ પર ફરવા લાગી એમાં લખ્યું હતું.

મિસ્ટર કાલિદાસ.. પોલીસ તમારા બંગલામાંથી ગીતાનો મૃતદેહ નથી મેળવી શકી, એવા વિચારે અત્યારે તમે ખુશ થતા હશો. સાથે જ તમને એ વાતની પણ નવાઈ લાગતી હશે કે ગીતાનો મૃતદેહ ક્યાં ગુમ થઈ ગયો? પરંતુ માફ કરજો કારણ કે મેં હજુ સુધી તમને મારો પરિચય નથી આપ્યો. હું એક મદદગાર છું. એવો કે જેને મુસીબતમાં મુકાયેલા લોકોને મદદ કરવાની બીમારી લાગુ પડી ગઈ છે. હા તો, હું કહેતો હતો કે ગીતાના મૃતદેહ ગુમ કરવા પાછળ મારો જ હાથ છે. આવું મેં શા માટે કર્યું એ કહેવાની મને જરૂર નથી લાગતી. આ વાત તો તમે મારા પરિચય પરથી સમજી ગયા હશો. પરંતુ આવું વિચારવાને બદલે જો તમે એમ વિચારશો કે મારું આવું પગલું ભરવાથી તમને શું લાભ થયો છે તો ઈચ્છતા ન હોવા છતાં પણ તમારે કબૂલ કરવું પડશે કે મારે કારણે તમારી ડૂબતી હોડી થોડીવાર માટે કિનારે પહોંચી ગઈ છે. થોડીવાર એટલા માટે લખું છું કે તમારા માથા પર લટકતી જોખમની તલવાર હજુ પૂરેપૂરી દૂર નથી. કારણ કે ગીતાનો મૃતદેહ હજુ પણ તમારા બંગલામાં જ મોજુદ છે. મેં ધાર્યું હોત તો મેં જે રીતે મૃતદેહને રૂમમાંથી ખસેડ્યો એ જ રીતે બંગલામાંથી પણ બહાર કાઢી શક્યો હોત. પરંતુ પછી મને વિચાર આવ્યો કે કોલસાની દલાલીમાં મારે નાહક જ શા માટે મારા હાથને વધુ પડતા કાળા કરવા જોઈએ? જેટલા કર્યા છે તેટલા જ બસ છે. અર્થાત ખૂન તમારા સુપુત્ર રાકેશે કર્યું છે તો પછી મારે શા માટે આવું જોખમ ખેડવું જોઈએ? મૃતદેહ પોલીસની નજરે ચડતો બચી ગયો છે એ શું ઓછું છે? માફ કરજો મારાથી સહેજ ખોટું કહેવાય ગયું છે. એને બચાવવામાં માત્ર મારો જ નહીં તમારા નસીબનો પણ હાથ હતો. આ નસીબ વળી ક્યાંથી ટપકી પડ્યું એમ તમે વિચારતા હશો. પરંતુ હું સાચું જ કહું છું. ઇન્સ્પેક્ટર બુદ્ધિશાળી હોત તો તે તરત જ સમજી જાત કે અહીં જરૂર કોઈકનું ખૂન થયું છે કારણ કે ઉતાવળમાં મેં અહીંથી ગીતાના મૃતદેહને તો ખસેડી નાખ્યો હતો. પરંતુ અહીં કોઈકનું ખૂન થયું છે એમ પોકારી પોકારીને કહેતા પુરાવાઓનો નાશ નહોતો કરી શક્યો. દાખલા તરીકે ખુરશી પર ચોંટેલું લોહી અને ગાલીચા પર પડેલો લોહીનો ડાઘ. આ પુરાવા ઉપર મારું પણ ધ્યાન ગયું જ હતું. ખેર, આ બધી વાતોમાં સમય ગુમાવવાને બદલે હવે હું તમને જણાવી દઉં છું કે ગીતાનો મૃતદેહ અત્યારે ક્યાં પડ્યો છે? પરંતુ સ્પષ્ટ રીતે ન જણાવતા હું તમારી પરીક્ષા કરવા માંગુ છું. જો તમે આ પરીક્ષામાં પાસ થશો તો હું માનીશ કે મેં એક બુદ્ધિશાળી અને યોગ્ય માણસને મદદ કરી છે. જો નાપાસ થશો તો તમારે તમારી કરણીને સજા ભોગવી પડશે. મૂર્ખાઓને મદદ કરવી એને હું મારી જાત માટે અપમાન સમજુ છું. આ પત્રની નીચે મેં થોડા આંકડાઓ લખેલા છે એ આંકડાઓમાં જ મૃતદેહનો ભેદ છુપાયેલો છે. આ ભેદ તમારે ઉકેલવાનો છે. પરંતુ આ ભેદ ઉકેલવા માટે તમારી પાસે સવાર સુધીનો સમય છે. જો સવાર થતા પહેલા તમે મૃતદેહ શોધીને તેને ઠેકાણે પાડવામાં નિષ્ફળ જશો તો હું એમ માનીશ કે મેં ખોટા માણસને મદદ કરી છે. આ સંજોગોમાં ન છૂટકે મારે પોલીસને એક ગુમનામ ફોન કરીને જણાવી દેવું પડશે કે તમે મૃતદેહ ક્યાં છુપાડ્યો છે. અલબત્ત એવો વખત નહીં આવે એવી મને આશા છે. અરે હા.. એક વાત કરતા તો હું સાવ ભૂલી જ ગયો. તમારી લાઇસન્સ યુક્ત રિવોલ્વર કે જેના વડે તમારા સુપુત્ર રાકેશે પોતાની પત્ની ગીતાનું ખૂન કરવાનું પરાક્રમ કર્યું હતું એ હું લઈ જાઉં છું. પણ લઈ જઈને એક રીતે હું તમારા પર ઉપકાર જ કરું છું. આ રિવોલ્વર મારે માટે કામની છે પરંતુ તમારા સુપત્ર માટે ફાંસીનો ગાળિયો છે. આશા છે આ બાબતમાં તમને ખાસ કોઈ ચિંતા નહીં હોય. બસ નીચે આપેલા આંકડાનો ભેદ ઉકેલીને મૃતદેહ શોધી કાઢો અને એને ઠેકાણે પાડી દો.

લી‌. તમારો એક મદદગાર.

નીચે થોડા આંકડાઓ લખેલા હતા, જે આ મુજબ હતા. 19, 20, 15, 18, 5, 18, 15, 13 દરેક આંકડાની નીચે લીટી દોરેલી હતી. પત્ર વાંચ્યા પછી અમિતે માથું ઊંચું કર્યું. એના ચહેરા પર મૂંઝવણ મિશ્રિત વ્યાકુળતાના હાવ ભાવ છવાઈ ગયા હતા.

'કમાલ કહેવાય!' તે આશ્ચર્યથી બોલ્યો. 'આ પત્ર લખનારો પણ માથાફરેલ લાગે છે.'

'કેમ?'

'એક તરફ તો તે મદદગાર દાવો કરે છે અને બીજી તરફ પોલીસની ધમકી આપે છે. પરંતુ સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે મદદ કરવાના બદલામાં એ શું ઈચ્છે છે એ જાણી શકાય એવું આખા પત્રમાં એણે કશું જ નથી લખ્યું.'

'અરે યાર..' રાકેશ રડમસ અવાજ બોલ્યો. 'અત્યારે આશ્ચર્ય વ્યક્ત કરવાનો કે એ માથા ફરેલા માણસનો સ્વાર્થ જાણવાનો સમય નથી. અત્યારે આપણી સામે સૌથી મોટી ઉપાધિ તો મૃતદેહ શોધવાની છે. જો સવાર પડતા પહેલા આપણે મૃતદેહ નહીં શોધી કાઢીએ તો એ નાલાયક મને ફાંસીના માંચડે પહોંચાડી દેશે.'

'હા, પરંતુ મૃતદેહ માટે આપણે આંકડાની ઇન્દ્રજાળનો ભેદ ઉકેલવો પડશે.' કહી અમિત ચિંતાતુર નજરે એ પત્રમાં લખેલા આંકડાઓ સામે તાકી રહ્યો. ત્યારબાદ ઘણી માથાકૂટ કર્યા પછી એ ફરીથી બોલ્યો.

'સાલુ... કંઈ સમજાતું નથી. આ આંકડાઓ દ્વારા તે કયા સ્થળ તરફ સંકેત કરવા માંગે છે? મને તો આ પાજી વરલી મટકાનો જુગારી હોય એવું લાગે છે. આ કારણસર તેને આંકડા લખવાનું સૂઝ્યું છે. ખેર, શું તમે આખા બંગલામાં તપાસ કરી લીધી છે?'

'હા, અમે જાણે સોય શોધવી હોય એ રીતે બંગલાના એક એક ખૂણામાં ફરી વળ્યા છીએ.'

'તો તો પછી આંકડાની ઇન્દ્રજાળનો ભેદ ઉકેલ્યા વગર મૃતદેહ શોધવો લગભગ અશક્ય છે.' અમિત નિરાશાથી માથું ધુણાવતા બોલ્યો.

'અરે તો પછી ઉકેલ ને..' રાકેશ ઉત્તેજિત થઈને ચીસ જેવા અવાજે બોલ્યો, પરંતુ પછી તરત જ પોતાની જાત પર કાબુ મેળવીને એણે કરગરતા અવાજે કહ્યું, 'અમિત.. દોસ્ત.. મારા ભાઈ.. તું જ મને બચાવી શકે તેમ છે. પ્લીઝ આ કોયડાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર. નહીં તો તારો આ મિત્ર ફાંસીના માંચડે લટકી જશે.'

'હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી.' અમિત તેનો ખભો થપથપાવતા આશ્વાસન ભર્યા અવાજે બોલ્યો. 'હિંમત રાખ દોસ્ત.. આપણે જરૂર મૃતદેહ શોધી કાઢીશું. હું આ કોયડો અંકલ તથા સુધાને બતાવી જોઉં છું. તેમનામાંથી કોઈક આ કોયડાનો ભેદ સમજી શકે તે બનવા જોગ છે. ચાલ..' વાત પૂરી કરીને અમિત દરવાજા તરફ આગળ વધી ગયો. રાકેશ પણ તેની પાછળ જ હતો.

વાચક મિત્રો, તમે પણ આ કોયડાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી જુઓ અને હા, જો આ ભેદ ઉકેલાઈ જાય તો મહેરબાની કરી કાલિદાસ વગેરેને કહશો નહીં. તેમને પણ થોડો પરસેવો પાડવા દો.