Badlo - 13 - Last Part in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 13 (છેલ્લો ભાગ)

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બદલો - ભાગ 13 (છેલ્લો ભાગ)

૧૩. અસલી ગુનેગાર અને અંત

અમિત તથા કાલિદાસ અત્યારે જેલના મુલાકાત ખંડમાં બેઠા હતા. કાલિદાસના ચહેરા પર દારૂણ વ્યથાના જ્યારે અમિતના ચહેરા પર નફરતના હાવભાવ છવાયેલા હતા. કાલિદાસની આંખોમાં આંસુ ચમકતા હતા. તે અશ્રુભરી નજરે અમિતના ચહેરા સામે તાકી રહેતા ગળગળા અવાજે બોલ્યો. 'કોઈકે સાચું જ કહ્યું છે કે કુદરતની લાઠી અવાજ રહીત હોય છે. એનો માર પડે છે ત્યારે બિલકુલ અવાજ નથી થતો. મને ફાંસી થવામાં પાંચ છ કલાક જ બાકી રહ્યા છે, ત્યારે મેં અંતિમ ઈચ્છા રૂપે તને અહીં બોલાવ્યો છે. તારા વારંવાર પૂછવા છતાંય હું મારા જે ગુના વિશે તને જણાવવાની હિંમત નહોતો દાખવી શક્યો એ જણાવવા માટે જ બોલાવ્યો છે. જો હું તને મારા એ દુશ્મનનું નામ જણાવત તો માત્ર નામ જાણીને જ તું ચૂપ ન બેસી રહેત. તને સંતોષ ન થાય તો જરૂર એની સાથેની મારી દુશ્મનાવટનું કારણ જાણવાનો પણ પ્રયાસ કરત અને કારણ જાણ્યા પછી મારા ગુનાઓથી નારાજ થઈને તું સુધા સાથે લગ્ન કરવાના તારા નિર્ણયને બદલી નાખીશ એવો ભય મને લાગતો હતો. આ એક જ કારણસર મેં તને કશું નહોતું જણાવ્યું. મારો અંતિમ સમય નજીક આવી રહ્યો છે. હું તને બધું જ જણાવી દેવા માંગુ છું. પરંતુ એ પહેલા તારે મને વચન આપવું પડશે કે મારા ગુનાઓ વિશે જાણ્યા પછી પણ તું સુધાને અપનાવી લઈશ.'

'આવું કોઈ વચન આપવાની મને જરૂર નથી લાગતી.' અમિતે નારાજગી મિશ્રિત રૂક્ષ અવાજે કહ્યું. 'આમાં તમારા પડછાયામાં આવવું એ પણ પાપ છે. તમારી કોઈ વાત સાંભળવાનું પણ મને જરાય મન નથી થતું. માત્ર તમારી અંતિમ ઈચ્છાને માન આપવાના હેતુથી જ મારે ન છૂટકે અહીં આવવું પડ્યું છે.'

'ના દીકરા.. ના..' કાલિદાસ કરગરતા અવાજે બોલ્યો. 'બધાની જેમ તું પણ ગેરસમજનો શિકાર બની ગયો છે. હું ખૂની છું એ વાત હું કબૂલ કરું છું. પરંતુ ગીતા તથા રાકેશના ખૂનમાં મને જાણી જોઈને જ ફસાવવામાં આવ્યો છે.'

'તો મરતી વખતે પણ તમે ખોટું બોલવાનું નથી છોડ્યું એમ ને?'

'મારા પર ભરોસો રાખ દીકરા..' કાલિદાસના અવાજમાં દારૂણ વ્યથાની સાથે સાથે લાચારીનો પણ સૂર હતો. 'મરતો માણસ ક્યારેય ખોટું ન બોલે એટલું તો તું પણ સમજતો હોઈશ. કાયદો પણ મરતા માણસની જુબાનીને હંમેશા સાચી જ માને છે. ઉપરાંત આવા માણસને ખોટું બોલવાથી લાભ પણ શું થઈ શકે તેમ હોય છે? મૃત્યુ પછી તેને પોતાની ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા કે શરમ સંકોચનો ભય તો હોતો નથી.'

'ઓહ.. તો કોઈકે ષડયંત્ર રચીને તમને ફાંસીની સજા કરાવી છે એમ તમે કહેવા માંગો છો?'

'હા, હું એમ જ કહેવા માગું છું.' કાલિદાસ ધીમેથી માથું હલાવતા બોલ્યો. 'પરંતુ સાથે જ હું તથા રાકેશ નિર્દોષ હતા એમ પણ હું નથી કહેતો. ચોક્કસ જ અમે બંને ફાંસીની સજાને હકદાર હતા. પરંતુ ગીતાના ખૂનના આરોપસર નહીં, પણ અમારા એ ગુના બદલ કે જે પાંચ છ વર્ષ પહેલાં અમે કર્યો હતો. આજે હું તને એ ગુના વિશે જણાવું છું. એ જાણ્યા પછી તને ખબર પડી જશે કે આ ષડયંત્ર પાછળ કોનો હાથ છે. પરંતુ એ પહેલાં તારે મને વચન આપવું પડશે કે તું સુધા સાથે લગ્ન કરીને હંમેશા તેને ખુશ રાખીશ. તમારા આ સવાલનો હું એક વખત જવાબ આપી ચૂક્યો છું.' અમિતે રૂક્ષ અવાજે કહ્યું. 'આમાં સુધાનો કંઈ વાંક નથી તો પછી હું તેને અપનાવવાની શા માટે ના પાડું?'

'બસ દીકરા.. બસ..' કાલિદાસ પ્રસન્ન પરંતુ ગળગળા અવાજે બોલ્યો. 'હવે મને મારા મૃત્યુનો કોઈ અફસોસ કે દુઃખ નથી. આવું કહીને તે પાપી પરોપકાર કર્યો છે. એટલું જ નહીં, તારી મહાનતાનો પરિચય પણ આપ્યો છે. હું હવે તને મારા તથા રાકેશના ગુના વિશે જણાવું છું. હું શરૂઆતથી જ કહું છું, જેથી કંઈ ગેરસમજ ન થાય. હું જ્યારે પહેલીવાર આ શહેરમાં આવ્યો ત્યારે મારી પાસે નહોતા પૈસા કે નહોતી માથું છુપાવવાની જગ્યા. અહીં એક કાપડ મિલ ધરાવતા શેઠ ઉત્તમચંદે મને નોકરી તથા રહેવા માટે પોતાના બંગલામાં જ જગ્યા આપી. મેં તેમના બંગલાના નોકર તરીકે મારી કારકિર્દી શરૂ કરી. અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ જીતીને મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન મેં સુશીલા નામની એક યુવતિ સાથે લગ્ન કરી લીધા હતા. સુધાના જન્મ પછી એક વર્ષ સુધી બીમાર રહ્યા બાદ સુશીલા મૃત્યુ પામી. રાકેશ તથા સુધાના ભવિષ્ય ખાતર મેં બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામવાસનાથી પીડાઈને હું અવળા માર્ગે વળી ગયો હતો. મારો પગાર શરાબ તથા શબાબમાં વેરાઈ જતો હતો. જરૂર પડે હું પેઢીના હિસાબમાં પણ ગરબડ કરવા લાગ્યો હતો. ઉત્તમચંદને મારા આ ગોટાળાની ખબર પડે તે પહેલાં જ એક દિવસ..' ત્યારબાદ કાલિદાસે ઉત્તમચંદના આકસ્મિક મોતથી માંડીને તેની દીકરી હેમાની આબરૂ લૂંટીને તેનું ખૂન કર્યું, ભાડુતી ગુંડા પાસે હેમાના ભાઈ અમરનું ખૂન કરાવ્યું, વિગેરે બધી જ હકીકત કહી સંભળાવી.

અમિત ધ્યાનથી તેની વાત સાંભળતો રહ્યો. 'બસ દીકરા.. આ હતો અમારો ગુનો. અમરનો મૃતદેહ તો મળ્યો હતો પરંતુ તે ઓળખાય એવી હાલતમાં નહોતો રહ્યો. એના ગજવામાંથી મળેલ હોસ્ટેલનો પાસ, હાથમાં પહેરેલી વીંટી અને કાંડા ઘડિયાળના આધારે જ મૃતદેહની ઓળખ થઈ શકી હતી. પરંતુ હવે હું દાવા સાથે કહું છું કે અમર જીવતો રહી ગયો હતો. જે મૃતદેહની ઓળખ અમે કરી હતી તે કોઈક બીજાનો હતો. અમર આ શહેરમાં જ મોજુદ છે. એટલું જ નહીં તે પોતાની બહેન હેમા પર થયેલા અત્યાચારનો બદલો પણ લઈ ચૂક્યો છે. રાકેશને તો એણે ફાંસીના માંચડે લટકાવી દીધો છે. આજે હું પણ લટકી જઈશ. એણે જે કંઈ કર્યું છે તેમાં કશું જ ખોટું નથી કર્યું. મૃત્યુની અંતિમ પળોમાં આ વાત હું સાચા હૃદયથી કબુલ કરું છું. એણે અમને બાપ દીકરાને જે સજા કરી કે કરાવી છે એ તો ખૂબ જ ઓછી છે. અમારા જેવા શેતાનોને તો જીવતા જ જમીનમાં દાટી દેવા જોઈએ.' કહીને કાલિદાસ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એના ચહેરા પર પશ્ચાતાપ અને આત્મગ્લાનીના હાવભવ છવાયેલા હતા.'

'તમે ફાંસીની સજાના હકદાર છો એ વાત હું કબૂલ કરું છું.' એની બધી વાતો ધ્યાનથી સાંભળ્યા બાદ અમિત ગંભીર અવાજે બોલ્યો. 'પરંતુ અમરે જે રીતે કાયદા સાથે ચાલબાજી રમી છે એ તેનો સૌથી મોટો ગુનો છે. ફાંસીની સજા સાંભળ્યા પછી તમારા ચહેરા પર જે હાવભાવ છવાયા હતા અને તમે જે રીતે બેભાન થઈ ગયા હતા એ જોયા પછી જ હું એવા પરિણામ પર આવ્યો હતો કે જરૂર મારી ક્યાંક કંઈક ગેરસમજ થઈ છે. ત્યારબાદ મેં તમારા ભૂતકાળમાં પાના ઉથલાવ્યા તો હેમાનો આપઘાત તથા અમરની ભાળ મળ્યાની વાત મારી સામે આવી. હું પણ તમારી જેમ જ માનતો હતો કે અમર જીવતો છે. આ શક્યતા નજર સામે રાખીને એને શોધવા માટે મેં આકાશ પાતાળ એક કરી નાખ્યા. અને મને સફળતા પણ મળી. પરંતુ તમારે એની સાથે શું દુશ્માવટ છે એ જાણવાનો પ્રયાસ કરતો હતો. ત્યાં જ તમારું તેડું આવ્યું એટલે હું અહીં ચાલ્યો આવ્યો.' કહીને અમિત ઊભો થયો. ત્યારબાદ ગજવામાંથી એક કાગળ કાઢીને કાલિદાસ સામે લંબાવતા એણે કહ્યું, 'આ લો.. આ કાગળમાં મેં મારી તપાસની બધી વિગતો લખી છે.' કાલિદાસે તેના હાથમાંથી કાગળ લઈ લીધો. કાગળ આપ્યા પછી અમિત તરત જ ત્યાંથી વિદાય થયો.

‌   *******

એક કલાક પછી

અમિતે વગાડેલી ડોરબેલના જવાબમાં સુધાએ દરવાજો ઉઘાડ્યો.

'આવ અમિત..' એ દરવાજા પરથી એક તરફ ખસીને બોલી. 'હું ક્યારની તારી રાહ જોતી હતી.'

'કેમ?' અમિતેતે અંદર પ્રવેશીને વિચિત્ર નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. 'આજે કોઈ ખાસ વાત છે?'

'હા..' સુધા એક સોફા પર બેસીને પૂર્વવત રીતે ગભરાયેલા અવાજે બોલી. 'બે ત્રણ દિવસથી મારો જીવ ગભરાતો હતો. પણ મેં એ પ્રત્યે બહુ ધ્યાન નહોતું આપ્યું. પરંતુ આજે કેટલીયે વાર ઉલ્ટીઓ થયા પછી મેં ડોક્ટરને બતાવ્યું. ત્યારે એણે જે જણાવ્યું તે સાંભળીને હું બેભાન થતા થતા રહી ગઈ.'

'કેમ? એમાં બેભાન થવા જેવું શું હતું? બહુ બહુ તો ડોક્ટરે એમ જણાવ્યું હશે કે તું મા બનવાની છો.'

'હા..' સુધા નર્યા અચરજથી તેની સામે જોતા બોલી. 'અને તું એમ પૂછે છે કે આમાં બેભાન થવા જેવું શું હતું? કોઈ કુંવારી છોકરી મા બને ત્યારે આપણો સમાજ તેને શું કહે છે એની તને ખબર છે?'

'હા, મને બરાબર ખબર છે.' અમિત છત સામે તાકી રહેતા બોલ્યો. 'કુંવારી માતાના પેટમાં ઉછરતા બાળકને સમાજ પાપ કહે અને કુંવારી માતાને ચારિત્રહીન..' સહસા એનો અવાજ એકદમ કઠોર બની ગયો હતો.

'આ.. આ તું શું કહે છે અમિત?' સુધા એની વિચિત્ર વાતથી થોથવાતા અવાજે બોલી. 'મેં તારા સિવાય કોઈ બીજા પુરુષ સામે ઊંચી આંખ કરીને પણ નથી જોયું. એ વાત તું બરાબર રીતે જાણે છે અને સમજે છે. અને તેમ છતાંય તું મારે માટે ચરિત્રહીન જેવો ઘૃણિત શબ્દ વાપરે છે?'

'આવું હું નથી કહેતો સુધા..' અમિતના મોંમાંથી હિંસક પશુના ઘૂરકાટ જેવો અવાજ નીકળ્યો. 'તો?'

'આ શબ્દો તારા શેતાન બાપના છે. એણે આ જ શબ્દોનો ઉપયોગ મારી બહેન હેમા માટે કર્યો હતો.' અમિતની વાત સાંભળીને પોતાના દિમાગમાં બોમ્બ ફૂટ્યો છે એવો સુધાને ભાસ થયો. તે હેરતથી ફાટી આંખે અમિતના ચહેરા સામે તાકી રહી.

'આ.. આ.. તું શું કરે છે?' છેવટે એના મોંમાંથી અચરજ મિશ્રિત અવિશ્વાસ ભર્યો ધ્રુજતો અવાજ નીકળ્યો. 'હેમા... તારી બહેન હતી? ના...ના.. તું અમર હોઈ શકે જ નહીં. શું હું એને નહોતી ઓળખતી? ના, જરૂર મને મૂરખ બનાવવા માટે તું આમ કહે છે. પ્લીઝ અમિત, મજાક છોડ. ચાલ, આપણે તાબડતોબ લગ્ન કરી લઈએ. નહીં તો લોકો આપણું જીવવું હરામ કરી નાખશે.'

'હા.. હા.. હા..' વળતી જ પળે અમિતના મોંમાંથી ભયંકર અટ્ટહાસ્ય નીકળીને રૂમની દીવાલો વચ્ચે પડઘા પડતું ગુંજી ઉઠ્યું.

'બેવકૂફ છોકરી..' છેવટે અટ્ટહાસ્ય બંધ કરીને એ કર્કષ અવાજે બોલ્યો. 'હજુ પણ તું મારી વાતને મજાક માને છે? હવે કમ સે કમ આ જન્મમાં તારા લગ્ન મારી સાથે તો શું કોઈની સાથે નહીં થઈ શકે. લગ્નને બદલે હવે તારા અંતિમ સંસ્કાર જ થશે. હું અમિત નહીં પણ અમર છું. હેમાનો ભાઈ, શેઠ ઉત્તમચંદનો દીકરો. અત્યાર સુધી મારી બહેન પર થયેલા અત્યાચારનું વેર વાળવા માટે જ હું જીવતો રહ્યો છું. લે, મારો અસલી ચહેરો જોઈ લે એટલે મને ઓળખવામાં તારી આંખો થાપ ન ખાય.' વળતી જ પળે એણે પોતાના ચહેરા પરથી ફેસ માસ્ક કાઢી નાખ્યો. હવે ત્યાં અમિતને સ્થાને એનાથી પણ વધુ આકર્ષક યુવાન ઉભો હતો. પરંતુ એનો ગોરોચીટ્ટો ચહેરો અત્યારે ક્રોધના અતિરેકને કારણે અંગારાની જેમ ભભૂકતો હતો.

'સુધા..' જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવો કર્કશ અને તીવ્ર અવાજ અમિત ઉર્ફે અમરના ગળામાંથી નીકળ્યો. 'હું તારા નીચ બાપને એક કાગળ પર લખીને જણાવી આવ્યો છું કે અમિત નામનો માણસ બીજું કોઈ નહીં પણ તેને તથા તેના દીકરા રાકેશને ફાંસીના માંચડે પહોંચાડનાર અમર છે. એ પત્ર દ્વારા મેં તેને એ વાત પણ જણાવી દીધી છે કે હું તારી શી હાલત કરીશ.. જે રીતે મારી બહેનના પેટમાં ઉછરતા રાકેશના પાપના બીનો લાભ ઉઠાવીને એ શૈતાનોએ તેના ખૂનને આપઘાત પુરવાર કર્યો હતો. આજે કુદરતે મને પણ એમની જ તક આપી છે. તારી સાથે એ બધું કર્યા પછી જ વર્ષોથી વેરની આગમાં ભભૂકતા મારા કલેજાને ઠંડક મળશે. તારા ખૂનને આપઘાત પુરવાર કરવા માટે હું એ રાક્ષસોની જેમ તારી સાથે છળકપટ કે બળજબરી નહીં કરું. પરંતુ તેમ છતાંય કાયદો મારું કશું જ નહીં બગાડી શકે. કારણ કે મને સજા કરી શકાય એવો કોઈ પુરાવો તેમને અહીંથી નહીં મળે. તને ફાંસીએ લટકાવતા પહેલા મેં તારા નીચ બાપ અને ભાઈને તેમની કરણીની સજા શા માટે ને કેવી રીતે કરી એ જણાવી દેવાનું મને જરૂરી લાગે છે.' સુધા નર્યા ભય અને અચરજથી જડવત બની ગઈ હતી. ભયથી ત્રસ્ત બની ગયેલી એની આંખો અમિત ઉર્ફે અમરના ચહેરા પર જ મંડાયેલી હતી. એ બોલવા માંગતી હતી પરંતુ ભયને કારણે એની જીભ તાળવે ચોંટી ગઈ હતી. આ દરમિયાન અમિત ઉર્ફે અમર દરવાજાની સ્ટોપર ચડાવી ચૂક્યો હતો. ત્યારબાદ તેણે પીઠ ફેરવીને સુધા સામે જોયું.

'સુધા..' એના મોંમાંથી હાડોહાડ થીજવાતો ઠંડો પણ ક્રૂર અવાજ નીકળ્યો. 'તારું મોત નિશ્ચિત છે. દુનિયાની કોઈ તાકાત હવે તને બચાવી શકે તેમ નથી. પરંતુ મારતા પહેલા હું તારા બાપ તથા ભાઈને જે હકીકત નથી સંભળાવી શક્યો એ તને સંભળાવવા માંગુ છું. તું પણ સાંભળ કે કઈ રીતે એ રાક્ષસોએ મારી માસુમ અને ભલી ભોળી બહેનને લૂંટી હતી. પછી કઈ રીતે તેની સાથે ચાલબાજી રમીને તેનું ખૂન કરી નાખ્યું હતું.'

'અમર...' સુધા ભયથી કંપતા અને કરગરતા અવાજે બોલી.

'બોલ..' કહીને અમર પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

'અમર.. મેં તો તારું કંઈ નથી બગાડ્યું ને?'

'તો મારી બહેન હેમાએ પણ એ શેતાનોનું શું બગાડ્યું હતું? એ બિચારીનો વાંક માત્ર એટલો જ હતો કે પોતાના ભોળપણને કારણે એ તારા નીચ ભાઈના હાથે લૂંટાઈ ગઈ હતી. તારા કપટી અને શૈતાન બાપની વાસનાનો ભોગ બની હતી.' અમિત ઉર્ફે અમરના મોંમાંથી જાણે કે શબ્દરૂપી અંગારા નીકળતા હતા. 'આટલા અત્યાચાર પછી પણ એ શેતાનોને સંતોષ ન થયો હોય એમ તેમણે કપટ રચીને એ બિચારીને મારી નાખી. ના સુધા ના.. મને લાગણીના પૂરમાં ખેંચીને તું તારી જાતને નહીં બચાવી શકે. અમે કદાચ તને માફ કરી દેત પરંતુ એક ભાઈ તને હરગીઝ માફ કરી શકે તેમ નથી. એ ભાઈ કે જે જાણે છે કે એની સામે ઊભેલી છોકરી શેતાન રાકેશની બહેન છે. રાક્ષસ જેવા કાલિદાસની દીકરી છે. એ શૈતાનોની સગી છે કે જેમણે એ ભાઈની બહેનની આબરૂ લૂંટીને તેને મારી નાખી હતી.'

'ના.. ના..' સુધા કંપતા અવાજે બોલી. 'તું ખોટું બોલે છે.'

'હું ખોટું બોલું છું?'

'કેમ?'

'મારો ભાઈ તથા ડેડી એવા હોય જ નહીં.'

'સત્ય હંમેશા કડવું જ હોય છે સુધા.. એ સહેલાઈથી કોઈના ગળે નથી ઉતરતું. તને મારી વાત પર ભરોસો નહીં બેસે એની મને ખબર જ હતી. એટલે જ્યારે તારા નીચ બાપનું તેડું આવ્યું ત્યારે કદાચ અંતિમ પળોમાં એ પોતાના કાળા કરતૂતો વિશે જણાવીને મનનો ભાર હળવો કરવા માંગે છે એમ વિચારીને હું ચોરીછૂપીથી મારી સાથે એક પોકેટ રેકોર્ડર લઈ ગયો હતો. એટલે સાંભળી લે તારા બાપના અવાજમાં જ તેના કાળા કરતુતોની વિગત.' વળતી જ પળે અમિત ઉર્ફે અમરે ગજવામાંથી એક ટેપ રેકોર્ડર કાઢીને તેની સામે સ્ટૂલ પર મૂકી દીધું. સુધાએ અવિશ્વાસ ભરી નજરે પહેલા અમિતના રોષથી તમતમતા ચહેરા સામે અને પછી ટેપ રેકોર્ડર સામે જોયું. ત્યારબાદ એ ટેપ રેકોર્ડર માંથી કાલિદાસનો અવાજ ગુંજી ઉઠ્યો. અમિત તથા કાલિદાસ વચ્ચેની વાતો તેમાં ટેપ થયેલી હતી. સહસા સુધાએ ટેપ ઉંચકીને જોરથી તેનો જમીન પર ઘા કર્યો પછી ક્રોધ અને નફરતથી તમતમતા અવાજે બોલી. 'આવા નીચ માણસોના તો ટુકડે ટુકડા કરીને જંગલી કૂતરાઓને ખવડાવી દેવા જોઈએ. ઉફ.. મારી જાતને એવા પાપી માણસની દીકરી તરીકે ઓળખાવતા પણ મને શરમ આવે છે. આ બધું સાંભળતા પહેલા હું મરી શા માટે ન ગઈ?'

'સુધા, મારી પાસે સમય બહુ ઓછો છે. આ રીતે તારા બાપ પર બનાવટી ક્રોધ દર્શાવીને તું તારી જાતને મારા કોપથી નહીં બચાવી શકે.'

'મેં આપેલો પત્ર વાંચ્યા પછી તારો બાપ જેલમાં હોબાળો મચાવી ચૂક્યો હશે. એટલે જો કોઈ પોલીસ વાળો અહીં આવી ચડશે તો હું મારા હેતુમાં સફળ નહીં થઈ શકું. મરતા પહેલા તું સાંભળી લે કે મેં તારા બાપ તથા ભાઈને કેવી રીતે મારા ષડયંત્રમાં ફસાવ્યા હતા. કાલિદાસે હેમાના ખૂન પછી મારી પાછળ ભાડુતી બદમાશને લગાવ્યો ત્યારે એને મારો પીછો કરતો જોઈને હું તરત જ સમજી ગયો કે હું હેમાને આપઘાત માટે લાચાર કરનાર માણસ સુધી પહોંચું એમ તે નથી ઈચ્છતો. પરિણામે હું એક દિવસ એ ભાડુતી બદમાશને મારી પાછળ પાછળ લઈ ગયો ત્યારે મેં એનો ખૂન કરી નાખ્યું. જોગાનુજોગ એનો શારીરિક બાંધો મારા જેવો જ હતો. માત્ર ચહેરામાં જ ફરક હતો. મેં એના વસ્ત્રો કાઢીને પહેરી લીધા અને મારા વસ્ત્રો તેને પહેરાવી દીધા. મારા વસ્ત્રોના ગજવામાં હોસ્ટેલનો પાસ પડ્યો જ હતો. ત્યારબાદ મેં તેને મારી વીંટી તથા કાંડા ઘડિયાળ પહેરાવી દીધા. અને તેનો ચહેરો છુંદી નાખ્યો. આટલું કર્યા પછી મેં એના મૃતદેહને એક નદીમાં પધરાવી દીધો. પછી મેં એક મેકઅપનો સામાન વેંચતી દુકાનમાંથી નકલી દાઢી મૂછ કાઢીને મારા ચહેરા પર લગાવી લીધા .દાઢી મુછને કારણે મારો દેખાવ એકદમ બદલાઈ ગયો હતો. કોણ જાણે કેમ મને એવું લાગતું હતું કે હેમાના ખૂનનું કારણ તેના રૂમમાંથી જ જાણવા મળી શકે તેમ છે. પરિણામે એક રાત્રે હું ચોરી છૂપીથી હેમાના રૂમમાં દાખલ થયો. અને તલાશી દરમ્યાન એક ડાયરીમાંથી મને કારણ પણ જાણવા મળી ગયું. એ ડાયરીમાં હેમાએ રાકેશ સાથેના પ્રેમ સંબંધોની તથા કાલિદાસ દ્વારા લૂંટાયેલી પોતાની આબરૂની વિગતો લખી હતી. હેમાને બરબાદ કરનાર બીજું કોઈ નહીં, પણ હું જેને ભાઈ તથા અંકલ કહીને બોલાવતો હતો, એ નીચ કાલિદાસ તથા રાકેસ છે તે જાણ્યા પછી મારા ક્રોધનો પાર નહોતો રહ્યો. એ બંનેના રાય રાય જેટલા ટુકડા કરી નાખવાની તીવ્ર લાલસા મારા રોમેરોમમાં ફરી વળી હતી. એ શેતાનો કરતાય મને કાયદા પર વધુ રોષ ચડ્યો હતો કારણ કે એણે આંખે પાટા બાંધીને હેમાના આપઘાતની તપાસ કરી હતી. મેં એ શેતાનોને કાયદાને હાથે જ સજા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.' કહીને અમિત ઉર્ફે અમર થોડી પળો માટે અટક્યો. થોડીવાર બાદ એક ઊંડો શ્વાસ લઈને એણે પોતાની વાત આગળ લંબાવી. 'પ્રતિજ્ઞા પૂરી કરવા માટે મારે કાયદાના દાવ પેચ અને તેની કલમો વિશે જાણવું જરૂરી હતું. એટલે મેં બીજા શહેરમાં જઈને એલએલબીનો અભ્યાસ શરૂ કરી દીધો. પરંતુ માત્ર ડિગ્રી મેળવવાથી જ મારું કામ નહોતું પતી જવાનું. મારે એવા જ્ઞાનની પણ જરૂર હતી કે જે કાયદાની કલમોમાં તિરાડ શોધી શકે અને જેમાં ફસાયા પછી મારો દુશ્મન હરગીઝ ન બચી શકે. એટલે ડિગ્રી મેળવ્યા પછી મેં કાયદાના તમામ ગ્રંથો ઉથલાવી નાખ્યા. કાયદાનું જ્ઞાન મેળવ્યાયા પછી મને અપરાધ જગતની માહિતી મેળવવાની ધૂન ચડી. પરંતુ આ માહિતી પુસ્તકનો કીડો બનીને મેળવી શકાય તેમ નહોતી. પરિણામે મેં અપરાધીઓ સાથે રહીને અપરાધનુ જ્ઞાન મેળવ્યું. આમ કરતી વખતે હું કેટલીયે વાર પકડાતા પકડાતા બચી ગયો હતો. મારા નસીબે દરેક વખતે મને સાથ આપ્યો હતો. હું પૂરેપૂરી તૈયારી સાથે આ શહેરમાં આવવા માંગતો હતો. પરંતુ આ શહેરમાં આવતા પહેલા મારે મારા ચહેરાની વ્યવસ્થા પણ કરવાની હતી. મારી મુશ્કેલી મારા એક ગુનેગાર મિત્ર ફેસ માસ્ક બનાવડાવીને દૂર કરી આપી. આ ઉપરાંત મારી વકીલાતની ડિગ્રીમાં અમરના સ્થાને અમિત લખાવવામાં પણ એણે મને મદદ કરી હતી. ત્યારબાદ પૂરી તૈયારી સાથે હું અહીં આવી પહોંચ્યો. અહીં પ્રેક્ટિસ શરૂ કરતાની સાથે જ મેં રાકેશ સાથે મિત્રતા કેળવવાના પ્રયાસો શરૂ કર્યા અને ટૂંક સમયમાં જ મને સફળતા પણ મળી ગઈ. પરંતુ એ વખતે તેમની સાથે વેર લેવાની કોઈ યોજના મારા મગજમાં નહોતી બની શકી. તેમની સાથે કેવી રીતે બદલો લઈ શકાય તેમ છે એ જાણવાના હેતુથી જ મેં રાકેશ સાથે દોસ્તી કરી હતી. સમય જતા અમારી મિત્રતા ગાઢ બનતી ગઈ. કાલિદાસ પણ મારા પર અતૂટ ભરોસો કરવા લાગ્યો હતો. અને જ્યારે તું મારી તરફ આકર્ષાય ત્યારે આ સફળતાને કારણે મારા આનંદનો પાર નહોતો રહ્યો. હવે મારે માત્ર અનુકૂળ તકની જ રાહ જોવાની હતી અને પછી એક ખૂબસૂરત કોલગર્લને જોઈ ને મને તક મળી ગઈ. મેં પૈસાની લાલચ આપીને તેને મારી યોજના જણાવી દીધી અને તેનો અમલ શરૂ કરી દીધો. મારી યોજના મુજબ એ પોતાનું નામ ગીતા રાખીને જાણે પોતે કોઈ ઓફિસમાં કામ કરતી સીધી સાદી છોકરી હોય એ રીતે રાકેશને મળી. રાકેશ સૌંદર્યનો રસિયો છે એટલે તે ખૂબસૂરત છોકરી પ્રત્યે સહેલાઈથી આકર્ષાઈ જશે એ વાત હું જાણતો હતો. અને થયું એમ જ. એ કોલ ગર્લ અર્થાત ગીતાને અમે કડક સૂચના આપી હતી કે એણે પોતાના તરફથી કોઈ પ્રયાસ નથી કરવાનો. રાકેશ જ્યારે પોતે જ તેને આકર્ષે ત્યારે, તેના રૂપની જાળમાં ફસાઈ જાય ત્યારે તે એના દેહને પામવામાં સફળ ન થઈ શકે એ વાત ગીતાએ ખાસ ધ્યાન રાખવાનું છે. એણે રાકેશ સામે લગ્નની શરત મૂકવાની છે અને પરિણામે ગીતા રાકેશની પત્ની બની ગઈ. એને મેળવવા માટે રાકેશ પાસે તેની સાથે લગ્ન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. આટલું થયા પછી હું મારી એક કાંકરે બે પંખી મારવાની યોજનાનો અમલ કરવા માંગતો હતો. સૌથી પહેલા મેં કાલિદાસના ચહેરાનો ફેસ માસ્ક તૈયાર કરાવ્યો. એક કાંકરે બે પંખી મારવાની યોજના તો હું બનાવી ચૂક્યો હતો. રાકેશના મનમાં શંકા ઉપજે એવી વર્તણૂક કરવાનું મેં જ ગીતાને કહ્યું હતું. એ તો તું પોતે સમજી જ ગઈ હોઈશ અને ગણતરી મુજબ ગીતાએ વાંધો પણ ઉઠાવ્યો કે જો તેની આ વર્તણૂકથી નારાજ થઈને રાકેશ તેને મારકૂટ અથવા તો મારી નાખવાનો પ્રયાસ કરશે તો? ત્યારે મેં તેને એવું આશ્વાસન આપ્યું કે એને જરા પણ ગભરાવાની જરૂર નથી. આવો કોઈ વખત આવશે એ પહેલા રાકેશ સ્વધામ પહોંચી ગયો હશે. મારી વાત સાંભળીને તેને સંતોષ થઈ ગયો. એ બિચારીને થોડી જ ખબર હતી કે હું રાકેશને હાથેથી એને જ ઈશ્વરના દરબારમાં પહોંચાડી દેવાનો હતો. ત્યારબાદ હું અગાઉથી જ બનાવી રાખેલો કાલિદાસનો ફેસ માસ્ક પહેરીને ગીતાનો ફેસ માસ્ક બનાવવા માટે રોશનલાલ પાસે ગયો. મેં તેને મારું નામ શંભુ પ્રસાદ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મારે જે દિવસે રાકેશને ફાંસીના માંચડે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની હતી એ દિવસે મેં કાલિદાસ બનીને બનવારીને તેની માની બીમારીના ખોટા સમાચાર જણાવીને ગામડે રવાના કરી દીધો. બનવારીને મોકલવાથી મને બે લાભ હતા. એક તો એની ગેરહાજરીમાં હું નિશ્ચિંત બનીને મારુ કામ કરી શકું તેમ હતો અને બીજું રાકેશને સજા થઈ ગયા પછી એની જુબાનીના આધારે કાલિદાસ વધુ શંકાની પરિધિમાં આવી શકે તેમ હતો. એ વખતે રાકેશ ગીતા બનેલી દક્ષાનું ખૂન કરવા માટે બંગલામાં ગયો ત્યારે હું તકની રાહ જોતો નકાબપોશના રૂપમાં ત્યાં જ છુપાઈને બેઠો હતો. ત્યારબાદ રાકેશને બેભાન કરી રિવોલ્વર લઈને આવી પહોંચ્યો. રાકેશ કમ સે કમ બે કલાક સુધી ભાનમાં નહીં આવે એ વાતની મને પૂરી ખાતરી હતી. હવે મારે અહીં એવા સંજોગો ઊભા કરવાના હતા કે રાકેશના હાથેથી ગીતાનું ખૂન થઈ જાય તથા આ ખૂનમાં રાકેશ તથા કાલિદાસ બંને સામેલ છે એની સાક્ષી આપી શકે તેવો કોઈક માણસ પણ હાજર હોય. સાથે જ આ માણસ પોતાના ફસાઈ જવાના ભયથી પોલીસ પાસે જવાની હિંમત ન દાખવી શકે, એનું પણ મારે ધ્યાન રાખવાનું હતું. આ સાક્ષીની વ્યવસ્થા મેં મનોજ જોશીને મૂરખ બનાવીને કરી લીધી હતી.' થોડી પળો માટે ચૂપ થઈને પોતાની અસર જાણવા માટે અમિત ઉર્ફે અમરે સુધા સામે જોયું. સુધાનો ચહેરો ભાવહીન હતો. તે એકીટશે તેના ચહેરા સામે જ તાકી રહી હતી.

'સુધા..' અમિત ઉર્ફે અમર ગંભીર સ્મીત ફરકાવતા બોલ્યો. 'આજે જે રીતે તું મારી સામે જુએ છે એ જ રીતે મારી બહેન હેમાએ પણ તારા નીચ ભાઈ સામે જોયું હશે. પણ તેને પોતાની આંખો પર ભરોસો નહીં બેઠો હોય. તે પોતે જે માણસને તનમનથી દેવતાની ખુરશી પર બેસાડયો છે એ જ માણસ યમરાજનું રૂપ ધારણ કરીને તેનો જીવ પણ લઈ શકે છે. અરે, મારી પાસે સમય બહુ ઓછો છે, એ તો હું સાવ ભૂલી જ ગયો. ખેર, હવે હું મુદ્દાની વાત પર આવું છું. હું રાકેશને મળવા માટે અવારનવાર તેની ઓફિસે જતો હતો. એટલે મનોજ તથા તેની પ્રેમિકા સંગીતા સાથે બનેલા બનાવ વિશે હું જાણતો જ હતો. મનોજ મનોમન રાકેશ તથા કાલિદાસ પ્રત્યે વેરની ભાવના રાખે છે એ વાતની તો મને ખબર હતી. હું મનોજને મારા અસલી ચહેરામાં અર્થાત અમરના રૂપમાં મળ્યો હતો. મેં તેને મારો પરિચય કાલિદાસના નવા મેનેજર તરીકે આપી કાલ્પનિક 25 લાખ રૂપિયા વિશે જણાવીને તેને કાલિદાસને ત્યાં ચોરી કરવા માટે તૈયાર કરી લીધો. રાકેશના બે કલાક સુધી બેભાન રહ્યા બાદ અહીં પહોંચવાની આશા હતી. એની ગણતરી કરીને મેં મનોજને અહીં આવવાનો સમય પણ જણાવી દીધો. સમયની બાબતમાં મનોજ બેદરકારી ન કરે એટલા માટે મેં તેને એવી ચેતવણી આપી દીધી હતી કે જો તે સમયસર પહોંચવાનું ચૂકી જશે અને પાછળથી કોઈ ગરબડ ઊભી થવાને કારણે પકડાઈ જશે તો પછી એ જવાબદારી મારી નહીં રહે. જ્યારે મનોજ ચોક્કસ સમયે અહીં આવી પહોંચ્યો ત્યારે હું એની જ રાહ જોતો હતો. હું તરત જ કાલિદાસનો ફેસ માસ્ક પહેરીને ગીતાના રૂમમાં ગયો. એટલે ગીતા પહેલેથી જ ત્યાં પહોંચી ચૂકી હતી. મને અર્થાત કાલિદાસને પોતાના રૂમમાં જોઈને તે ચમકી ગઈ. મેં સંકેતથી તેને ચૂપ રહેવાનું જણાવ્યું. અને બારી પાસે જઈ પાઇપ વડે ઉપર ચડતા મનોજનું ધ્યાન આકર્ષે એવા અવાજો કર્યા. ત્યારબાદ મનોજને એ રૂમ તરફ આવતો જોઈને હું ગીતા પર ધસી ગયો. ગીતા કશું સમજે એ પહેલા જ મારા બંને હાથના પંજા તેની ગરદન પર જકડાઈ ગયા. પાછળથી મેં એ બધું કર્યું કે જે મનોજે પોતાની જુબાનીમાં જણાવ્યું હતું. મેં જાણી જોઈને જ ગીતા બેભાન થઈ જાય એટલે સુધી જ તેનું ગળું દબાવ્યું હતું. મનોજ બિચારો એમ જ માની બેઠો હતો કે કાલિદાસે ગીતાનું ગળું દબાવ્યું છે અને રાકેશે તેના કપાળમાં ગોળી ઝીંકી છે. મનોજ બાકીના બધા કામ પડતા મૂકીને પોલીસ પાસે નહીં જાય એવી મારી ધારણા બિલકુલ ખોટી પડી હતી. એટલું જ નહીં એ મારી જબરદસ્ત ભૂલ પણ પુરવાર થઈ હતી. પોતાની જાતને બચાવવા માટે મનોજ પોલીસને ફોન કરીને આ બનાવ વિશે જણાવી દેશે એવું યોજના બનાવતી વખતે મેં નહોતું ધાર્યું. અલબત્ત એણે ગુમનામ રીતે પોલીસને ફોન કર્યો હતો. મારી આ ભૂલને કારણે જ મારે ત્યાંથી ગીતાના મૃતદેહને પણ ખસેડવો પડ્યો હતો. જો મનોજના ફોનથી ઇન્સ્પેક્ટર વામનરાવ તપાસમાં આવત તો મારી યોજના પર પાણી ફરી વળત. પરંતુ રજા પર હોવાને કારણે અમરજી જ આવ્યો હતો. ત્યારબાદ મનોજ તથા રઘુને કેવી રીતે ભરમાવીને મારી જાળમાં ફસાવ્યા એની વિગતો તો તું કોર્ટમાં સાંભળી જ ચૂકી છે. પછી જાણે હું તમારો સાચો શુભેચ્છક હોઉં એ રીતે મેં ગીતાનો મૃતદેહ ઠેકાણે પાડવામાં તમને સાથ આપ્યો. બાકી ઇન્સ્પેક્ટર વામનરાવ સહેલાઈથી બધું સમજી જશે એવું જાણતો જ હતો. પરંતુ મારા સદનશીબ ને તમારા કમ નસીબ કે આ કેસની તપાસ ભારતમાં અગ્રગણ્ય બુદ્ધિશાળી જાસૂસોમાં જેની ગણના થાય છે તે સીઆઇડી ઇન્સ્પેક્ટર મેજર નાગપાલે હાથમાં લીધી. કોઈ ત્રીજો માણસ પણ આ ઘટનામાં સંડોવાયેલો છે એવું નાગપાલના મગજમાં ફસાવવા માટે જ મેં અહીં ટેબલના પાયા નીચે ગીતાનું ઝાંઝર છુપાવ્યું હતું. નાગપદના મગજમાં આવું ઠસાવ્યા પછી જ હું તેની શંકાની સોઈને કાલિદાસ તરફ ફેરવી શકું તેમ હતો. એ વખતે રઘુને મૂરખ બનાવીને મેં તેની શંકાને સમર્થન આપી દીધું હતું. ઘરેણાં ગુમ થવાનો શું ભેદ હતો એ પણ જાણી લે. જે વખતે કુંડામાં ઘરેણાં છૂપાવવામાં આવ્યા ત્યારે અચાનક પોલીસના આગમનથી બધા બંગલા તરફ દોડી ગયા હતા. અને હું પાછળ રહી ગયો હતો. એ તો તને યાદ જ હશે. હું ત્યાં છુપાયેલા દયાશંકરનો ચહેરો તો નહોતો જોઈ શક્યો. પરંતુ કોઈ છુપાયું છે એટલું તો જરૂર સમજી ગયો હતો. મને ઘરેણાની પોટલી કૂંડામાંથી કાઢી લેવામાં જરા પણ મુશ્કેલી ન પડી. એ‌ ઘરેણાં હું સહેલાઈથી પોલીસના હાથમાં પહોંચવા દેવા નહોતો માંગતો. કારણ કે મારે માત્ર રાકેશને જ નહીં કાલિદાસને પણ ફસાવવાનો હતો. અહીં એક વાતનો ખુલાસો કરી લઉં કે રઘુની પત્ની ગાયત્રી વિશે મેં તેને જે કંઈ જણાવ્યું હતું એ માત્ર તમમારો એક તુક્કો હતો. મારો તુક્કો તીર બનીને આબાદ નિશાન પર ચોંટી ગયો હતો. રઘુએ મારી વાતને સાચી માનીને મારા જણાવ્યા મુજબ જ બધું કામ કર્યું હતું. મેં એને ગાયત્રીનો જે પત્ર આપ્યો હતો તે વાસ્તવમાં ગાયત્રીનો લખેલો હતો જ નહીં. મેં ગાયત્રીને જોઈ જ નહોતી તો પછી પત્ર લખવાની વાત તો ક્યાં રહે છે? આ પત્ર તો મેં એક બહુ ઓછું ભણેલી સ્ત્રી પાસે પૈસા આપીને લખાવ્યો હતો. પછી..' અમિત ઉર્ફે અમર અટકયો. સુધા પૂર્વવત રીતે તેની સામે તાકી રહી હતી. થોડી પળો વીતતા અમિત ઉર્ફે અમરે પોતાની વાત સંભળાવી. 'રાકેશને ફાંસીના માંચડે પહોંચાડવાના ષડયંત્રની સાથે જ હું કાલિદાસને પણ એ જ માર્ગે ધકેલવા માટે તેની વિરુદ્ધ પુરાવાઓની જાળ તૈયાર કરવા લાગ્યો. ખેર, રાકેશ તો ફાંસીના માંચડે લટકી ગયો ત્યારબાદ કાલિદાસ પ્રત્યેની શંકા વધુ મજબૂત બનાવવા માટે આપણે જે હોટલમાં અવારનવાર મળતા હતા એ હોટલમાં તને બોલાવી. ત્યાં અચાનક જ આપણા રૂમનો દરવાજો ઉઘાડીને ગીતાએ ડોકિયું કર્યું હતું. એ બનાવ તો તને યાદ હશે જ. વાસ્તવમાં એ યુવતી ગીતા નહીં પણ ગીતાનું ફેસમાસ્ક પહેરીને આવેલી દક્ષા જ હતી. દક્ષાએ ફેસ માસ્કનો નાશ નથી કર્યો એને મને ખબર હતી. જો હું કદાચ ફેસ માસ્ક પાછો માંગવા જઉં તો બાકીની રકમ વસૂલ કરી શકાય એવા હેતુથી એણે કદાચ તેનો નાશ નહોતો કર્યો. પરંતુ હું ફેસ માસ્ક લેવા માટે ન ગયો એટલે એણે તેનો ઉપયોગ પોતાના ધંધામાં કરવા માંડ્યો. એ લોકોને મૂરખ બનાવતી હતી. ગીતાનો ફેસ માસ્ક તો તેની પાસે હોવાને કારણે તે એક સાથે બે જણની પ્રેમિકાઓનો પાઠ ભજવતી હતી. એ વખતે તે રેખાના નામથી અજય નામના એક યુવાનની અને ગીતાનો ફેસ માસ્ક પહેરીને કંચનના નામથી સુધીર નામના યુવાનની પ્રેમિકા બનેલી હતી. મેં તેને સુધીરના નામથી ફોન કરી કીમતી ભેટની લાલચ આપીને થ્રી સ્ટાર હોટલમાં આપણે જે રૂમમાં હતા એ રૂમનો નંબર જણાવીને ત્યાં બોલાવી હતી. હવે એક બીજી વાતનો ખુલાસો કરી લઉં. કોર્ટમાં સરકારી વકીલે એક ફોટો રજૂ કર્યો હતો. આ ફોટામાં ગીતાનો ફેસ માસ્ક પહેરેલી યુવતી એક યુવાન સાથે બગીચામાં બેઠી હતી. બગીચામાં અન્ય મોજુદ લોકોની વચ્ચે કાલિદાસ દેખાતો હતો. કાલિદાસની નજર દક્ષા ઉર્ફે ગીતા અને તેની સાથેના યુવાન સામે જ સ્થિર થયેલી હતી. આ ફોટાની વાત યાદ છે તને?'

સુધાએ ધીમેથી હકારમાં માથું હલાવ્યું. તો 'તારી જાણ માટે સાંભળી લે કે તે માણસ કાલિદાસ નહીં પણ હું હતો. હું જ ત્યાં કાલિદાસનો ફેસ માસ્ક પહેરીને ઉભો હતો. આવું મારે શા માટે કરવું પડ્યું અએ સવાલ તને અકળાવતો હશે એટલે સાથે સાથે એનો જવાબ પણ સાંભળી લે.' અમિત ઉર્ફે અમર ગર્વ ભર્યું સ્મિત ફરકાવતા બોલ્યો, 'એ ફોટો જોયા પછી કોઈપણને કાલિદાસ પર જ શંકા જાય એટલા માટે જ મેં આમ કર્યું હતું.

ફેસ માસ્કનો ભંડો ફૂટતા જ પોલીસ પ્રાઇવેટ ડિટેક્ટીવ શ્રીકાંત સુધી જરૂર પહોંચશે, એ હું જાણતો જ હતો. દક્ષા પાસે કામ કરાવનાર નકાબપોશ કામ બરાબર થાય છે કે નહીં એ જાણવા માટે ત્યાં મોજુદ હશે અને કદાચ ફોટામાં તેનો પણ સમાવેશ થઈ ગયો હશે એમ વિચારીને પોલીસ શ્રીકાંત પાસે એણે પાડેલા ફોટા જરૂર માગશે. એની કલ્પના હું કરી જ ચૂક્યો હતો. મારી ગણતરી બિલકુલ સાચી પડી. ફોટામાં કાલિદાસને જોઈને નાગપાલની શંકા વધુ મજબૂત બની અને એણે તરત જ કાલિદાસની ધરપકડ કરી લીધી. ત્યારબાદ જે કંઈ બન્યું એની તને ખબર છે. અને ખબર નથી એનું અનુમાન તું પોતે જ કરી શકે એમ છે.

'એક વાત કહું અમર?'

'બોલ.. પણ તારી વાત ટૂંકમાં પતાવજે. મારી પાસે સમય બહુ ઓછો છે.'

'તારી બહેન પર મારા ભાઈ તથા બાપે અત્યાચાર કર્યો હતો અને એની તે તેમને જે સજા કરી છે એ બહુ ઓછી છે ખરેખર તેમના જેવા શેતાનોનો આવો જ અંજામ આવવો જોઈએ. પણ..'

'પણ શું?'

'પણ એમાં મારો તો કંઈ વાંક નથી ને? મેં તને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. અને મારા પેટમાં ઉછરતું બાળક આપણા બંનેના પવિત્ર પ્રેમની નિશાની છે. એ વાતનો પણ તું ઇનકાર કરી શકે તેમ નથી. શું તું એટલો બધો ક્રૂર છો કે તારા હાથેથી જ આ નિશાનીનો નાશ કરી નાખીશ?'

'હા..' અમિત ઉર્ફે અમર ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો. 'હું એટલો બધો ક્રૂર છું. જો તું એમ માનતી હોય કે તારી આવી વાતોથી ફોસલાઈને હું લાગણીના પૂરમાં તણાઈ છે તો એ તારી મોટામાં મોટી ભૂલ છે. અત્યારે મને મારી બહેન હેમાનો માસુમ ચહેરો અને ફાંસીના માંચડે લટકતા બે શેતાનો સિવાય બીજું કશું જ નથી દેખાતું. હું તને માફ કરી શકું તેમ નથી. મારી ઈચ્છા હોવા છતાંય માફ કરી શકું તેમ નથી. કારણ કે અત્યારે તારી સામે તારો ભાવી પતિ અમિત નહીં પણ તારા ભાઈ તથા બાપના અત્યાચાર અને અન્યાયનો ભોગ બની ચૂકેલી હેમાનો ભાઈ અમર ઊભો છે. અમિત તને માફ કરવા માટે તૈયાર છે પરંતુ અમર નહીં. તારે મરવું જ પડશે. ચાલ, મરવા માટે તૈયાર થઈ જા.' વાત પૂરી કરીને એણે ગજવામાંથી રિવોલ્વર કાઢી. સુધા નર્યા ભય અને ગભરાટથી તેની સામે તાકી રહી.

એ જ વખતે એક સાથે બે કામ થયા. ધડામ્ અવાજ સાથે બાજુના રૂમનો દરવાજો ઉઘડ્યો. અને વિષમ શોર મચાવતી ગોળી છૂટીને અમિતના હાથમાંથી રિવોલ્વર ઉડાડતી ચાલી. એણે ચમકીને એ તરફ જોયું. ત્યાં નાગપાલ ઊભો હતો. નાગપાલના હાથમાં જકડાયેલી રિવોલ્વર માંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો. નાગપાલની સાથે સબ ઇન્સ્પેક્ટર અમરજી, બે સિપાહીઓ, સીટી મેજીસ્ટ્રેટ તથા સરકારી વકીલ દીનાનાથ આ બધા પણ મોજૂદ હતા.

'અમિત ઉર્ફે અમર..' નાગપાલ કઠોર નજરે તેની સામે તાકી રહેતા બોલ્યો. 'તું તારું વેર પૂરું નહીં કરી શકે, એ વાતનો મને ખૂબ જ અફસોસ છે. કાલિદાસની ધરપકડ કરતી વખતે જ મને લાગ્યું હતું કે જરૂર ક્યાંક કંઈક ગરબડ છે. આટલા મજબૂત પુરાવાઓ હોય હોવા છતાં પણ તે એક જ વાતનો કક્કો ઘૂંટતો હતો કે પોતે નિર્દોષ છે. અને આ વાત જ મને ખૂંચતી હતી. કોઈ માણસ પોતાનો ભાંડો ફૂટી ગયા પછી કોર્ટમાં ભલે ફરી જાય પરંતુ કમ સે કમ પોલીસ સામે તે આવી હિંમત નથી દાખવી શકતો. તે કાલિદાસ વિરુદ્ધ પુરાવાઓની એવી જાળ પાથરી હતી કે હું પણ તેમાં ગૂંચવાઈ ગયો હતો. છતાંય ક્યાંક ખરેખર જ કોઈ તેને ફસાવવાના પ્રયાસો તો નથી કરતું ને એ જાણવા માટે મેં મારા પ્રયાસો શરૂ કરી દીધા હતા. શંકાસ્પદ માણસોની યાદીમાં સૌથી પહેલું નામ મને તારું જ દેખાયું. કારણ કે તારી બહેનના આપઘાત પછી તે જે પ્રતિજ્ઞા લીધી હતી એના કેટલાય લોકો સાક્ષી છે. ઉપરાંત તારો જે મૃતદેહ મળી આવ્યો હતો એ પણ શંકાસ્પદ હતો. ત્યારબાદ તારા ફોટાના આધારે મેં તને શોધવાના પ્રયાસો કર્યા. પરંતુ મને સફળતા ન મળી. શા માટે ન મળી એ હવે જ મને સમજાય છે. તારી જાણ માટે સાંભળી લે કે તે જ્યારે કાલિદાસને બચાવવાને બદલે કોર્ટમાં ઊલટું તેની વિરુદ્ધ ઝેર ઓકવાનુ શરૂ કરી દીધું હતું ત્યારે તારા અમિતના રૂપ ઉપર પણ મને શંકા ઉપજી હતી. પરંતુ તે પહેરેલા અમિતના ફેસ માસ્કને કારણે કાલિદાસ સાથે તારે શું દુશ્મનાવટ છે એ મને નહોતું સમજાતું. એ વખતે હું એમ જ માનતો હતો કે કદાચ ખરેખર જ તને ગુનેગારો પ્રત્યે સખત નફરત છે. કારણ કે તું હંમેશા નિર્દોષ લોકોના જ કેસ લડતો હતો. પરંતુ તેમ છતાંય હું તારી પ્રત્યેક હિલચાલ પર નજર રાખતો હતો. અને જ્યારે તું કાલિદાસને મળવા માટે જેલમાં ગયો ત્યારે કદાચ એના જીવનની અંતિમ પળો આવી ગયેલી જોઈને કદાચ તેને તારો ભેદ જણાવી દઈશ એવા આશયથી ત્યાં માઇક્રોફોન ફીટ કરાવી દીધું હતું. પરંતુ ત્યાં પણ તે ચાલાકી વાપરીને મોંએથી કશું ન જણાવતા કાલિદાસને એક પત્ર આપી દીધો. તે પત્રમાં શું લખ્યું છે એ જાણવા માટે હું ત્યાં ગયો. મેં જોયું તો કાલિદાસ બેભાન થઈ ગયો હતો. તે આપેલો કાગળ એના હાથમાં જ હતો. મેં એ પત્ર વાંચ્યો અને તરત જ આ બધાને લઈને અહીં આવી પહોંચ્યો. તું રિવોલ્વર લેવા માટે તારે ઘેર ગયો એ દરમિયાન હું અહીં બધી વ્યવસ્થા સાથે પહોંચી ગયો હતો. હમણાં તે જે કંઈ કહ્યું છે તે ન્યાયાધીશ સાહેબ વિગેરેએ તો સાંભળ્યું જ છે. સાથે સાથે તેને વીડિયો ફિલ્મ પણ ઉતરી ગઈ છે. છેવટે તું ફસાઈ જ ગયો અમર.. તારી કોઈ ચાલાકી હવે તને ફાંસીના ગાળિયામાંથી નહીં બચાવી શકે.'

અમર ઉર્ફે અમિતના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાઈ ગયા. આ નિરાશા હતી વેર પૂરું ન કરી શક્યો તેની.

નાગપાલના સંકેતથી અમરજીએ આગળ વધીને તેના હાથમાં હથકડી પહેરાવી દીધી. જ્યારે સુધા અશ્રુભરી આંખે હથકડી પહેરેલા અમર ઉર્ફે અમિત સામે તાકી રહી હતી.

 

સમાપ્ત