Badlo - 2 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 2

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

બદલો - ભાગ 2

૨. ગીતાનું ખૂન

પાંચ વર્ષ પછી.. અત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ઠંડી પડતી હતી. કડકડથી ઠંડીને કારણે વિશાળગઢના આલીશાન રાજમાર્ગ રોડ પર સાડા નવ વાગ્યામાં જ સોંપો પડી ગયો હતો. પરંતુ આવી ઠંડીની પરવાહ કર્યા વગર એક માનવી ઝડપભેર મહારાજા રોડની બંને તરફ આવેલા બંગલાઓનું નિરીક્ષણ કરતો ચાલ્યો જતો હતો. એક બંગલા સામે પહોંચીને તે અટક્યો. બંગલાના ગ્રીલ વાળા ફાટકના અંદરના ભાગમાં તાળું મારેલું જોઈને બંગલો ખાલી હોય એવું લાગતું હતું. ફાટક પાસે પળભર માટે અટકીને એ માનવી સ્ફૂર્તિથી પાછળના ભાગમાં પહોંચ્યો અને પાંચ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ પર ચઢીને અંદર કૂદી પડ્યો. કમ્પાઉન્ડમાં ઘાસ ઉગેલું હોવાને કારણે એના કૂદવાનો અવાજ નહોતો થયો. ત્યાં સળગતા એક માત્ર બલ્બના સીમિત અજવાળામાં પણ એ માનવીને સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેમ હતો. એ હતો કાલિદાસ નો દીકરો રાકેશ. રાકેશ દબાતે પગલે એક સહેજ ઉઘાડી દેખાતી બારી પાસે પહોંચ્યો. એણે એ સહેજ ઉઘાડા ભાગમાંથી અંદર નજર કરી વળતી જ પળે એનો ચહેરો ક્રોધથી લાલઘૂમ થઈ ગયો. એના બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ અને જડબા સખતાઈથી પીસાઈ ગયા.

અંદર એની પત્ની ગીતા એક અપરિચિત યુવાન સાથે એવી હાલતમાં હતી કે જે જોઈને કમજોરમાં કમજોર પતિનું લોહી પણ ઉકળી ઊઠે તેમ હતું. એણે ધીમેથી જરા પણ અવાજ ન થાય એની પૂરેપૂરી સાવચેતી રાખીને બારીના પટ ઉઘાડ્યાં. ત્યારબાદ એણે પોતાના ક્રોધથી કંપતા દેહને એટલા જોરથી આંચકો માર્યો કે એ બારીમાંથી પસાર થઈને અંદર રૂમમાં જઈ પડ્યો. અવાજ સાંભળીને પ્રેમમાં મગ્ન યુગલના કંઠમાંથી તીણી ચીસ સરી પડી. પછી સામે ઊભેલા રાકેશના હાથમાં કાળના દૂત સમી રિવોલ્વર ચમકતી જોઈને તેમની ચીસ ગળામાં જ ગૂંગળાઈને રહી ગઈ.

'નીચ.. કમજાત..' રાકેશ લોહિયાળ નજરે ગીતાના ચહેરા સામે તાકી રહેતા હિંસક અવાજે બોલ્યો.

'તો આ છે તારું અસલી રૂપ અને આ છે તારી બીમાર-બહેનપણી કે જેને મળવાનું બહાનું કાઢીને તું અત્યાર સુધી મારી આંખોમાં ધૂળ નાખતી હતી? તારા આ કાળા કરતુતોની મને ક્યારેય ખબર નહીં પડે એમ તું માનતી હતી? ખેર, આજે તો હું તમને બંનેને એવા મોતે મારીશ કે તમારી લાશો જોનારાઓના કાળજાં પણ કંપી ઉઠશે.'

'કોણ છો તું?' ઘણા પ્રયાસો પછી ગીતાની સાથે રહેલા યુવાનના મોંમાંથી થોથવાતો અવાજ નીકળ્યો. અલબત્ત એણે દેખાવ ખાતર હિંમતપૂર્વક આ વાત ઉચ્ચારી હતી. બાકી, એનો દેહ તો હિસ્ટિરિયાના રોગીની જેમ કંપતો હતો. ગીતાની હાલત તો એના કરતાં પણ વધુ ખરાબ હતી. એના રુંવાડા ઊભા થઈ ગયા હતા. જાણે સમગ્ર લોહી નીચોવી લેવામાં આવ્યું હોય એમ એનો ચહેરો ધોળો પુણી જેવો થઈ ગયો હતો. પરંતુ તેમ છતાં થોડી હિંમત દાખવીને એણે પોતાના દેહ પર ચાદર જરૂર વીંટાળી લીધી હતી.

'વાહ, વેરી ગુડ.. નીચ..' રાકેશ રિવોલ્વર તાકીને પલંગ તરફ આગળ વધતા જોરથી બબડ્યો.

'હવે પતિવ્રતા બનવાનો પ્રયાસ કરે છે એમ ને?'

'હું.. હું..' બાકીના શબ્દો ગીતાના ગળામાં જ અટવાઈને રહી ગયા.

'હવે મારી સામે તને શરમ આવે છે એમ ને?' રાકેશ પૂર્વવત અવાજે બોલ્યો. 'આ નાલાયક સાથે ઐયાશી કરતી વખતે તને શરમ ન આવી? હું તારા રાઈ રાઈ જેટલા ટુકડા કરીને જંગલી કૂતરાઓને ન ખવડાવી દઉં તો મારું નામ પણ રાકેશ નહીં. ચાલો તમે બંને હવે મરવા માટે તૈયાર થઈ જાઓ.' વાત પૂરી કરીને એણે પોતાનો રિવોલ્વર વાળો હાથ સીધો કર્યો. એની આંગળી ટ્રિગર પર પહોંચી પરંતુ તે ટ્રિગર દબાવી શકે એ પહેલા જ આંખના પલકારામાં બે કામ થઈ ગયા. એક તો રૂમમાં સળગતો બલ્બ બુઝાઈ ગયો અને બીજું વળતી જ પળે રાકેશના માથા પર કોઈક વજનદાર વસ્તુનો પ્રહાર થયો. પ્રહાર એટલો જોરદાર હતો કે રાકેશ અવળા મોંએ જમીન પર જઈ પડ્યો. રિવોલ્વર એના હાથમાંથી છટકીને અંધકારમાં ક્યાંક સરકી ગઈ. બેભાન થતાં પહેલાં રાકેશ માત્ર એટલું જ વિચારી શક્યો હતો કે રૂમમાં કોઈ ત્રીજો માણસ પણ મોજુદ હતો અને એણે જ બલ્બ બુઝાવીને પ્રહાર કર્યો હતો. ત્યારબાદ તે કશું જ ન વિચારી શક્યો. એ બેભાન થઈ ગયો.

*************

આસમાની રંગના સલવાર કમીઝમાં સજ્જ થયેલી ગોરો ચિઠ્ઠો દેહ ધરાવતી એ યુવતી પહેલી જ નજરે કોઈનું પણ ધ્યાન પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ધરાવતી હતી. અત્યારે તે હઠીસિંહ રોડ પર આવેલી એક ત્રણ માળની જુનવાણી ઇમારતના એક ફ્લેટ સામે ઊભી હતી. ફ્લેટના દરવાજા પર મનોજ જોશીના નામની નેમ પ્લેટ ચમકતી હતી. સહસા કંઈક વિચારીને એણે ડોરબેલ દબાવવા માટે લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો અને કી હોલ પર આંખ માંડી. અંદરનું દ્રશ્ય જોતા જ એની આંખો નર્યા ભય, હેરત અને અચરજથી ફાટી પડી.

રૂમમાં દરવાજા તરફ પીઠ ફેરવીને એક રહસ્યમય દેખાતો માનવી ઊભો હતો. આશરે સાડા પાંચ ફૂટની ઊંચાઈ તથા મજબૂત શારીરિક બાંધો ધરાવતો એ માનવી કાળા કલરના પેન્ટ શર્ટ, માથા પર એવા જ રંગની ફેલ્ટ હેટ અને હાથમાં હાથ મોજાં પહેરીને ઉભો હતો. એને કબાટમાંથી રિવોલ્વર કાઢીને પોતાના વસ્ત્રોમાં છુપાવતો જોઈને જ બહાર ઊભેલી યુવતી ચમકી હતી. કી હોલ પર આંખો જમાવી રાખીને એ ધીમે ધીમે બબડી. 'ક્યાંક મારી નજર થાપ તો નથી ખાતી ને? પણ આવું કેવી રીતે બને? આ તો મનોજ જ છે. તો પછી આ એણે કેવો દેખાવ ધારણ કરી રાખ્યો છે?' માનવી કબાટ બંધ કરતો હતો. ત્યાં જ તેને ડોરબેલનો અવાજ સંભળાયો. વળતી જ પળે જાણે સાપ વીંટળાયો હોય એમ તે ઉછળી પડ્યો. એના માથા પરથી ફેલ્ટ હેટ સરકીને જમીન પર જઈ પડી. જાણે ડોરબેલનો નહીં પણ પોલીસનો અવાજ સાંભળ્યો હોય એ રીતે એણે પીઠ ફેરવીને દરવાજા સામે જોયું. એના ચહેરા પર નજર પડતા જ યુવતીએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી દરવાજો ઉઘડવાની રાહ જોવા લાગી. બે મિનિટ પછી દરવાજો ઉઘડ્યો. દરવાજો ઉઘાડનારના ચહેરા પર અત્યારે ગભરાટને બદલે કૃત્રિમ આળસ દેખાતી હતી. એના દેહ પર અત્યારે કાળા રંગના પેન્ટ શર્ટ નહીં પણ સુતરાઉ ગાઉન હતો.

'સંગીતા.. તું?' જાણે પલંગ પરથી ઉતરીને દરવાજો ઉઘાડવા માટે આવ્યો હોય એમ એણે ચમકીને આંખો પટપટાવતા આગંતુક યુવતીને ઉદ્દેશીને પૂછ્યું.

'હા ડીયર..' યુવતી અર્થાત સંગીતા મોહક સ્મિત ફરકાવીને વિચિત્ર નજરે મનોજ સામે તાકી રહેતા બોલી.

'પણ તું તો જાણે મારે બદલે ભૂત જોયું હોય એ રીતે ગભરાય છે!'

'ના..ના..' મનોજે થોથવાતા અવાજે કહ્યું.

'હું તો તને આટલી મોડી રાત્રે આવેલી જોઈને ચમક્યો હતો.'

'શું વાત છે ડીયર મનોજ?' સંગીતા પૂર્વવત્ રીતે એના ગભરાયેલા ચહેરા સામે તાકી રહેતા કટાક્ષ ભર્યું સ્મિત ફરકાવીને બોલી.

'આજે તો તું વાત વાતમાં ચમકી જાય છે! હું કંઈ આજે પહેલી જ વાર આ સમયે અહીં નથી આવી. તને યાદ છે? એક દિવસ હું અહીં રાત્રે બે વાગ્યે આવી હતી. એ દિવસે તો તે મને કશુંય બોલવાની તક આપ્યા વગર જ અંદર ખેંચી લીધી હતી અને આજે તો હજુ 11:00 વાગ્યા છે ત્યાં જ તું આ રીતે ચમકે છે.'

'સોરી સંગીતા..' મનોજ દરવાજા પરથી એક તરફ ખસીને સ્મિત ફરકાવવાનો પ્રયાસ કરતા બોલ્યો,

'વાત એમ છે કે કાચી ઊંઘમાંથી ઉઠવાને કારણે હું થોડો નર્વસ બની ગયો હતો.'

'અરે!' ચમકવાનો શાનદાર અભિનય કરીને સંગીતા અંદર પ્રવેશતા બોલી.

'કેટલી વિચિત્ર વાત કહેવાય? સૂતો હતો તું અને સપનું જોતી હતી હું.'

'સ.. સપનું?' દરવાજો બંધ કરીને પીઠ ફેરવતા મનોજે પૂછ્યું. એના ચહેરા પર પુનઃ ગભરાટના હાવભાવ ફરી વળ્યા હતા.

'હા મનોજ.. મેં એક ખૂબ જ વિચિત્ર સપનું જોયું છે.'

'શું જોયું છે?'

'હવે હું તને શું કહું? આ સપનાઓ પણ કેટલા વિચિત્ર અને ભયંકર હોય છે!' કહેતી વખતે સંગીતાની આંખો મનોજના ચહેરા પર જ મંડાયેલી હતી.

'સાંભળ..' સપનામાં મેં જોયું કે હું તારા આ રૂમમાં ઊભી છું અને મારી તરફ પીઠ રાખીને એક કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો એક રહસ્યમય માનવી ઉભો છે. પછી જોતજોતામાં જ એણે તારો કબાટ ઉઘાડી તેમાંથી રિવોલ્વર કાઢીને પોતાના વસ્ત્રોમાં છુપાવી દીધી. હું ગભરાઈને બૂમ પાડવા જતી હતી. ત્યાં જ મેં જોયું તો એ રહસ્યમય માનવી બીજું કોઈ નહીં પણ તું પોતે જ હતો.' સંગીતાની વાત સાંભળીને મનોજના માથા પર જાણે કે વીજળી ત્રાટકી. એનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

'તે.. તે..' એણે આશ્ચર્યથી સંગીતા સામે તાકી રહેતા થોથવાતા અવાજે પૂછ્યું.

'કી હોલમાંથી જોયું હતું?'

'હા..' કહેતા કહેતા સંગીતાનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો. 'તારી પ્રત્યેક ચાલ હું કી હોલમાંથી જોઈ ચૂકી છું. એટલે હવે મને ભરમાવવાનો કે મુરખ બનાવવાનો પ્રયાસ કર્યા વગર જે હોય તે સાથે સાચું કહી નાખ.'

'બેસ..' મનોજ એક ઊંડો શ્વાસ લઈને ત્યાં મોજૂદ બેસવાના તથા સુવાના એકમાત્ર સાધન પલંગ પર બેસતા બોલ્યો.

'યોગ્ય સમય પહેલા હું તને મારા હેતુ વિશે જણાવવા નહતો માંગતો.'

'ક્યો હેતુ?'

'એ હેતુ કે છે જ્યારે રાકેશ નામના શૈતાને તને પોતાની વાસનાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જ મારા મનમાં જન્મ લઈ ચૂક્યો હતો.

'શું? તું હજુ સુધી એ બનાવને નથી ભૂલી શક્યો?' સંગીતા આશ્ચર્યના હાવભાવ સાથે પલંગ પર તેની બાજુમાં બેસતા બોલી. 'રાકેશે જે કર્યું હતું એની સજા તો તે એ વખતે જ એને આપી દીધી હતી અને હવે જ્યારે આપણે તેની સાથે કંઈ સંબંધ નથી રહ્યો તો પછી અકારણ જ શા માટે જૂની વાતો યાદ કરીને તારું મગજ ખરાબ કરે છે?'

'ના સંગીતા..' મનોજ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો.

'એ બનાવ એવો છે કે જેને હું ઈચ્છા હોવા છતાંય ભૂલી શકું તેમ નથી. એ બનાવે માત્ર તારા જ નહીં મારા જીવનમાં પણ ઝેર ઘોળી નાખ્યું છે. મારા હાથનો માર ખાધા પછી રાકેશ નામના એ શૈતાને આપણા પર ચોરીનો આરોપ મૂકી ઓફિસના તમામ કર્મચારીઓ સામે અપમાનિત કરીને આપણને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. કદાચ સાચી હકીકત સાંભળીને ન્યાય મળશે એવી આશાએ હું એ કમજાતના બાપને મળ્યો હતો. પરંતુ બાપ તો દીકરા કરતાંય નીચ નીકળ્યો. એ નાલાયકે શું જવાબ આપ્યો હતો એની તને ખબર છે? સાંભળ. એણે કહ્યું હતું, મનોજ.. મારા દીકરા પર હાથ ઉપાડતા પહેલા તારે તારી હેસિયત જોઈ લેવી જોઈતી હતી એણે કોઈ ખોટું કામ તો કર્યું નહોતું. જુવાન છે. થોડી છેડતી કરી તો એવો કયો મોટો ગુનો થઈ ગયો કે જેના કારણે તે એના પર હાથ ઉપાડ્યો? ઉપકાર માન મારો કે તમને બંનેને માત્ર નોકરીમાંથી જ કાઢી મૂકવામાં આવ્યા છે. મારે સ્થાને કોઈ બીજો શેઠ હોત તો તમને બંનેને જેલના સળિયા ગણાવ્યા વગર ન રહેત.' સંગીતા ચુપચાપ તેની સામે તાકી રહી.

'સંગીતા..' મનોજ પૂર્વવત્ અવાજે બોલ્યો. 'એ કમજાતે જ્યારે આ વાત ઉચ્ચારી ત્યારે એનું ગળું દબાવી દેવાની મારી ઈચ્છા ને મેં કેવી રીતે રોકી રાખી હતી તે તો મારું મન જ જાણે છે. અને મેં ત્યારે જ પ્રતિજ્ઞા લીધી હતી કે ભવિષ્યમાં તે ક્યારેય કોઈ લાચારની જિંદગીમાં ઝેર નહીં ઘોળી શકે. પરંતુ હવે મારો વિચાર થોડો બદલાઈ ગયો છે. પહેલાં હું એ બંને બાપ દીકરાને હંમેશને માટે આ સંસારમાંથી વિદાય કરી દેવા માંગતો હતો. પરંતુ હવે મને લાગે છે કે જો હું આવું કરીશ તો એ શૈતાનોને તેમના પાપોમાંથી સહેલાઈથી છુટકારો મળી જશે. એ નાલાયકોને તો એવી સજા થવી જોઈએ કે તેઓ જીવતા જીવત મરી જાય. અને આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે મેં એ નાલાયકો માટે એવી સજા વિચારી છે કે જેના કારણે બંગલામાંથી વાટકો લઈને સડક પર ભીખ માંગવા માટે ઉભા રહી જશે.'

'તું.. તું શું કરવા માંગે છે?'

'ચોરી.' સંગીતાનું મોં નર્યા અચરજથી ઉઘાડું જ રહી ગયું. મનોજ એક એક શબ્દ પર ભાર મુકતા બોલ્યો.

'મારી આ ચોરીથી એ શેતાનોનું પૈસાનું અભિમાન તૂટી જશે. એટલું જ નહીં, તેમની હાલત સડક પર ભીખ માંગતા ભિખારી જેવી થઈ જશે. માત્ર ચોરી કરવાથી તેઓ ભિખારી કેવી રીતે બની જશે? અથવા તો હું ગાંડો થઈ ગયો છું એવો વિચાર તને આવતો હશે પરંતુ આ એક હકીકત છે. જો હું તેમની તિજોરીમાં પડેલા 25 લાખ રૂપિયા ચોરી લઉં તો તેઓ બરબાદ થઈ જશે. આ ૨૫ લાખ રૂપિયા તેમણે પોતાની ફેક્ટરી અને બંગલો ગીરો મૂકીને મેળવ્યા છે. આ રકમ તેમને પોતાના લેણદારોને ચૂકવવાની છે. જો તેઓ કાલે આ રકમ નહીં ચૂકવે તો લેણદારોએ તેમનો બંગલો અને ફેક્ટરી વેચાવી નાખવાની ધમકી આપી છે. તેમના પર દેણું હશે એ વાત પર કદાચ તને ભરોસો નહીં બેસતો હોય. પરંતુ આ વાત બિલકુલ સાચી છે અને બીજા વેપારીઓનું એટલું બધું કરજ થઈ ગયું છે કે લાચારીવશ તેમને પોતાની બધી મિલકત ગીરો મૂકવી પડે છે.'

'પણ આ બધી વાતોની તને કેવી રીતે ખબર પડી?' સંગીતા બોલી.

'ખેર, ગમે તે રીતે પડી હોય પણ હું તને ત્યાં નહીં જવા દઉં. જો તું ચોરી કરતા પકડાઈ જઈશ તો? ના મનોજ.. તેમની સાથે વેર લેવાની ભાવના તારા મનમાંથી કાઢી નાંખ. તેમના પાપોની સજા આપમેળે તેમને મળી જશે. આ દુનિયામાં તારા સિવાય મારું બીજું કોઈ નથી એની તો તને ખબર જ છે. જો તને કંઈ થઈ જશે તો મારું..' કહેતા કહેતા તેનો અવાજ રૂંધાઈ ગયો.

'અરે ગાંડી..' મનોજે સ્નેહથી એના ગાલ પર હળવી ટાપલી મારતાં આત્મવિશ્વાસ ભર્યા અવાજે કહ્યું. 'તને મારા પર ભરોસો નથી? આજ સુધીમાં મેં જે કામમાં હાથ નાખ્યો છે એમાં ક્યારેય મને નિષ્ફળતા નથી મળી એ તો તું જાણે જ છે. પહેલા તું મારી યોજના સાંભળી લે. પછી તને પોતાને જ ખાતરી થઈ જશે કે મારો વાળ પણ વાંકો નહીં થાય. હું મારું કામ પૂરું કરીને બે કલાકમાં જ હેમખેમ પાછો આવી જઈશ. ત્યાં સુધી તું અહીં જ મારી રાહ જો. મેં સવારે ચાર વાગ્યાના પ્લેનમાં મુંબઈ જવા માટે બે ટિકિટ બુક કરાવી લીધી છે. મુંબઈ પહોંચીને થોડા દિવસો આનંદ કરીશું. પછી તારી ઈચ્છા હશે તો ત્યાં જ, નહીં તો બીજા કોઈ શહેરમાં જઈને સ્થાયી થઈ જશું. બોલ હવે તો તું ખુશ ને?' પરંતુ સંગીતાના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો. એ હજુ પણ ભય મિશ્રિત શંકાશીલ નજરે મનોજના ચહેરા સામે તાકી રહી.

'અરે તું કેમ સમજતી કેમ નથી?' એને ચૂપ જોઈને મનોજ ધૂંધવાતા અવાજ સાથે બોલ્યો. 'આ કામમાં ફેક્ટરીનો મેનેજર પણ મને સાથ આપે છે. એણે જ મને ત્યાં સુધી પહોંચવાની અને તિજોરીમાંથી 25 લાખ રૂપિયા ચોરવાની યોજના સમજાવી છે. એટલે આ કામમાં જોખમ જેવું કશું જ નથી.' વાત પૂરી કરીને એ કબાટમાંથી કાળા વસ્ત્રો કાઢીને પહેરવા લાગ્યો. એની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ જ્યારે સંગીતાના ધબકારા કોઈક અજાણી આશંકાથી એકદમ વધી ગયા હતા.

**********

રાકેશ પોતાના બંગલે પહોંચ્યો. એના વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોઈને તેની બહેન સુધા એકદમ ચમકી ગઈ.

'અરે રાકેશ.. આ લોહી કેવી રીતે નીકળ્યું?' એણે ગભરાયેલા અવાજે પૂછ્યું. પરંતુ રાકેશ તેની સામે નજર સુદ્ધાં કર્યા વગર પોતાના રૂમ તરફ આગળ વધી ગયો.

'તું કંઈ બોલતો કેમ નથી? તને આ ઈજા કેવી રીતે પહોંચી?' સુધાએ ફરીથી પૂછ્યું. ચહેરા પર ક્રોધ અને અપમાનની આગ સાથે અચાનક પીઠ ફેરવી. એના ચહેરા પર નજર પડતાં જ સુધા અવાક બની ગઈ. જે ભાઈના ચહેરા પર એને હંમેશા સ્મિત ફરકતું જોયું હતું. આજે એ જ ચહેરો ક્રોધના અતિરેકને કારણે વિકૃત બની ગયો હતો.

'મને કશું જ નથી થયું સુધા.' રાકેશે માંડ માંડ પોતાની જાત પર કાબુ મેળવતા કહ્યું. 'એમ જ પગ લપસી જવાને કારણે મામુલી ઈજા થઈ છે. હમણાં ડ્રેસિંગ કરાવી લઈશ. સવાર સુધીમાં મટી જશે.'

'તું ખોટું બોલે છે રાકેશ..' સુધા તેના તરફ આગળ વધતા બોલી. 'જરૂર તારે કોઈકની સાથે ઝઘડો થયો છે. આટલું બધું લોહી નીકળ્યું છે અને એને તું મામુલી ઈજા કહે છે? તું રૂમમાં ચાલ હું ડોક્ટરને ફોન..'

'મેં કહ્યું તો ખરું કે મામુલી ઈજા થઈ છે.' રાકેશે રૂક્ષ અવાજે કહ્યું. 'જા જઈને તારા રૂમમાં સુઈ જા.' વાત પૂરી કરીને રાકેશ ઉતાવળા પગલે પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. પછી દરવાજો ઉઘાડીને એણે અંદર પગ મુક્યો કે તરત જ જાણે જમીનમાં ઇલેક્ટ્રીક કરંટ વહેતો હોય એમ ચમકીને તે ઉછળી પડ્યો.

એ ક્રોધ, નફરત અને અવિશ્વાસના મિશ્રિત હાવ ભાવ સાથે સામે બેઠેલી પત્ની ગીતા સામે તાકી રહ્યો. ગીતા આરામદાયક ખુરશી પર બેસીને એક કાગળ પર કશુંક લખતી હતી. દરવાજા તરફ પીઠ હોવાને કારણે અથવા તો લખતા લખતા કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી હોવાને કારણે તેને રાકેશના આગમનનો જરા પણ આભાસ નહોતો મળ્યો. રાકેશને તેની સામે ટેબલ પર પોતાની રિવોલ્વર પડેલી દેખાઈ. આ એ જ રિવોલ્વર હતી કે જે લઈને તે મહારાજ રોડ પરના બંગલામાં ગયો હતો. અને જે ભાનમાં આવ્યા પછી ઘણી શોધ કર્યા પછી પણ તેને નહોતી મળી.

એનો સુષુપ્ત બની ગયેલો ક્રોધ ગીતાને જોતા જ દાવાનળમાં માફક ભભૂકી ઉઠ્યો. આટલું થવા છતાં આ બંગલામાં પગ મુકવાની ગીતાની હિંમત કેવી રીતે ચાલી? એ વિચારે એનું રોમે રોમ સળગી ઊઠ્યું. પછી ટેબલ પર પડેલી રિવોલ્વર અને પત્ર લખવાનું કારણ સમજાતા જ એ હરણફાળ ભરતો ટેબલ પાસે પહોંચ્યો. અને એણે રિવોલ્વર ઉચકી લીધી.

'બંધ કર તારું આ નાટક.' એ જોરથી બરાડ્યો. 'તારા આ આપઘાતના નાટકથી હું તને માફ કરી દઈશ એમ તું માને છે? ના, હરગીઝ નહીં. તારા વિશ્વાસઘાતની સજા હું મારા હાથેથી જ તને કરીશ.' વાત પૂરી કરીને એણે તરત જ ટ્રિગર દબાવી દીધું. વળતી જ પળે રીવોલ્વરમાંથી ભીષણ શોર મચાવતી આગનો લીસોટો વેરતી ગોળી છૂટીને ગીતાના કપાળમાં ચોંટી ગઈ. એનો સુંદર ચહેરો લોહી અને માંસના લોચામાં ફેરવાઈ ગયો. ગોળી છૂટવાનો ધડાકો અને ગીતાના મૃતદેહે થોડી પળો માટે પરશુરામનો અવતાર બનીને ક્રોધમાં ભાન ભૂલી બેઠેલા રાકેશને એટલો બધો નર્વસ કરી નાખ્યો કે એનો સમગ્ર દેહ સૂકા પાંદડાની જેમ થરથરવા લાગ્યો. જે ક્રોધ અને ઝનૂનની હાલતમાં એણે ગોળી છોડી હતી એનું હવે ક્યાંય નામો નિશાન પણ નહોતું દેખાતું. એના ચહેરા પર અત્યારે એક જ વાત દેખાતી હતી. ફાંસીનો ખોફ. એના કંપતા હાથમાંથી રિવોલ્વર છટકીને ટન અવાજ સાથે જમીન પર જઈ પડી.

'શું થયું? કોણે ગોળી છોડી?' કહેતા કહેતા કાલિદાસ આંધીની જેમ રૂમમાં ધસી આવ્યો. પછી ગીતાના મૃતદેહ પર નજર પડતા જ એના પગ જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. એની આંખો નર્યા અચરજ સાથે ગીતાના મૃતદેહ સામે જ ખોડાઈ ગઈ. ગોળી છૂટવાનો અવાજ સાંભળીને સુધા પણ ત્યાં આવી પહોંચી હતી. ગીતાનો મૃતદેહ જોઇને એના કંઠમાંથી ભયપૂર્ણ ચીસ સરી પડી. ચીસ એટલી જોરદાર હતી કે કાલિદાસ તથા રાકેશના કાળજા કંપી ઉઠ્યા. તેમણે ચમકીને પીઠ ફેરવી પરંતુ આ દરમિયાન સુધા બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી.

***********

સંગીતા પલંગ પર સુતી હતી. મનોજના ગયા પછી વિચારતા વિચારતા જ એને ઝોકું આવી ગયું હતું. સહસા ધડામ અવાજ સાથે દરવાજો ઉઘડ્યો. દરવાજો ઉઘડવાનો આટલો જોરદાર અવાજ સાંભળીને સંગીતા સફાળી પલંગ પર બેઠી થઈ ગઈ. એણે હેબતાઈને દરવાજા સામે જોયું તો તેના ધબકારા એકદમ વધી ગયા. દરવાજા પર મનોજ ઉભો હતો. જાણે ઘોડાની રેસમાં ભાગ લઈને આવ્યો હોય એમ તે હાંફતો હતો. એના કાળા વસ્ત્રો ઠેક ઠેકાણેથી ધૂળ અને માટીથી ખરડાયેલા હતા.

'શ.. શું થયું મનોજ?' સંગીતાએ માંડ માંડ પોતાના ધબકારા પર કાબુ મેળવતા થોથવાતા અવાજે પૂછ્યું .જવાબ આપતા પહેલા મનોજનો દેહ એકવાર જોરથી કંપી ઉઠ્યો.

'ખ.. ખૂન થઈ ગયું.' એના મોમાંથી અસ્પષ્ટ અવાજ નીકળ્યો.

'શુ?' સંગીતાએ ચમકીને પૂછ્યું.

ચોરી કરતી વખતે મનોજના હાથેથી કોઈકનું ખૂન થઈ ગયું છે એમ એણે માન્યું. મનોજ લથડતા પગે આગળ વધીને પલંગ પર અથડાઈ પડ્યો અને પોતાની જાત પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો.

'તું બોલતો કેમ નથી?' સંગીતાએ તીવ્ર અવાજ પૂછ્યું.

'કોનું ખૂન કરી નાખ્યું છે?'

'ન.. ના..' મનોજે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એના ગળામાંથી ખૂબ ધીમો અને ગભરાયેલો અવાજ નીકળ્યો. 'મેં કોઈનું ખૂન નથી કર્યું.'

'તો પછી તું ખૂન .. ખૂનની બૂમો શા માટે પાડે છે?'

'ખૂન તો ખરેખર થયું છે. પરંતુ એ મેં નથી કર્યું એને તું ખાતરી રાખજે સંગીતા.'

'પણ કોનું ખૂન થયું છે એ તો કહે..' પોતાની જાત પર કાબુ મેળવી ચૂકેલી સંગીતાએ રૂક્ષ અવાજ પૂછ્યું.

'રાકેશની પત્નીનું.'

'રાકેશની પત્નીનું?' સંગીતાના ચહેરા પર આશ્ચર્ય હતું જ્યારે એના અવાજમાં ક્રોધ અને નફરતનો સૂર હતો. એ બિચારીએ તારું શું બગાડ્યું હતું? આપણી સાથે જે અન્યાય કર્યો હતો એ રાકેશ અને તેના બાપ કાલિદાસે કર્યો હતો નહીં કે રાકેશની નિર્દોષ તથા માસુમ પત્નીએ. મનોજ તું આટલી નીચતા સુધી જઈશ એવું મેં નહોતું ધાર્યું. મને મૂરખ બનાવવા માટે તે ચોરીની ઉપજાવી કાઢેલી વાત સંભળાવી દીધી જ્યારે રિવોલ્વર લઈને ત્યાં જવાનો તારો વાસ્તવિક હેતુ બંને બાપ દીકરાના ખૂન કરીને તારા હૃદયમાં સળગતા વેરના દાવાનળને શાંત કરવાનો હતો. પરંતુ એ બંનેને મારવામાં તને સફળતા ન મળી એટલે તે એક નિર્દોષને તારા વેરની આગમાં હોમી દીધી. અને હવે..'

'બંધ કર તારો આ બકવાસ..'મનોજ વચ્ચેથી જ તેને અટકાવીને જોરથી તાડૂક્યો. 'મારા પર અવિશ્વાસ દાખવીને તારો પ્રેમ ખોટો અને શોભાના ગાંઠીયા જેવો હતો એ વાત તે પુરવાર કરી દીધી છે. જો તને મારા પ્રત્યે જરા પણ પ્રેમ હોય તો હું સાચું બોલું છું કે ખોટું એ વાત તું મારા પહેલા જ પોતાની જાતે સમજી જાત.'

'તો પછી તું આટલો ગભરાયેલો શા માટે છે?' સંગીતાએ મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતા પૂછ્યું.

'તારા વસ્ત્રો ધૂળ અને માટીથી શા માટે ખરડાયેલા છે?'

'ઓહ્ તો આ બંનેના કારણે તે એમ માની લીધું કે હું ખૂની છું?' મનોજ નફરત ભર્યા અવાજે બોલ્યો. 'તારી આંખો પર અવિશ્વાસનો જે પાટો બાંધ્યો છે એને દૂર કરીને તે જોયું હોત તો એનું કારણ આપોઆપ જ તને સમજાઈ જાત. મારે બદલે જો તું ગઈ હોય અને તારી નજર સામે જ કોઈનું ખૂન કરી નાખવામાં આવે તો તું ચોરી કરવાના હેતુથી ગઈ હોવા છતાં પણ તારા ગળામાંથી ચીસ ન નીકળી જાય? તો ચોરી કરવાનો વિચાર માંડી વાળીને તાબડતોબ ત્યાંથી નાસી ન છૂટે? આવા સંજોગોમાં તારી હાલત પણ મારા જેવી ન થઈ જાય?'

'સોરી ડિયર..' મનોજની વાત સમજતાં જ સંગીતા પશ્ચિતાપભર્યા અવાજે બોલી. 'તારો ગભરાટ જોઈને જ હું આમ માની બેઠી હતી. ખેર, રાકેશની પત્ની નું ખૂન કોણે કર્યું અને ગભરાટને કારણે પોલીસને તારા પર શંકા ઉપજે એવો કોઈ પુરાવો તો તું ત્યાં નથી મૂકી આવ્યો ને?'

'ઉફ..' મનોજ કપાળ કૂટતા વ્યાકુળ અવાજે બોલ્યો. 'એના કારણે જ તો મારી આવી હાલત થઈ છે.'

'એટલે?' સંગીતાએ ચમકીને તેની સામે જોતા પૂછ્યું. ગભરાટ અને ઉતાવળના કારણે હું ત્યાં એક એવો પુરાવો મૂકી આવ્યો છું કે જેના વડે એ ખુનનો આરોપ સહેલાઈથી મારા માથા પર ઓઢાડી શકાય તેમ છે. કોઈક ચોર બંગલામાં આવ્યો હતો એ વાતની તેમને ખબર પડે એટલી જ વાર છે. તેઓ તરત જ એવી વાત ઉપજાવી કાઢશે કે રાકેશની પત્નીએ ચોરને જોઈને બૂમો પાડવાનો પ્રયાસ કર્યો. પરિણામે પકડાઈ જવાના ભયથી એ ચોર તેને ગોળી ઝીંકીને નાસી છૂટ્યો. પછી પછી ...' કહેતા કહેતા ફરીથી એક વખત મનોજનો દેહ જોરથી કંપી ઉઠ્યો.

'પરંતુ તું એવો તે કયો પૂરાવો ત્યાં મૂકી આવ્યો છે કે જેના કારણે પોલીસ તેમની વાત પર ભરોસો કરી લેશે?'

'હાથ મોજું.'

'હાથ મોજું?' એ વળી ત્યાં કેવી રીતે પડી ગયું?'

'મારી નજર સામે જ ખુન થતું જોઈને હું એટલો બધો ગભરાઈ ગયો હતો કે ત્યાં એક મિનિટ પણ રહેવા માં મને સો ટકા જોખમ લાગ્યું. એટલે ઉતાવળને કારણે પાઇપ દ્વારા ઉતરતી વખતે મારા એક હાથમાંથી હાથ મોજૂ નીકળીને કોણ જાણે ક્યાં જઈ પડ્યું હતું. હું એટલો બધો ગભરાઈ ગયો હતો એનું અનુમાન તું એ વાત પરથી જ કરી શકે છે કે જમીન પર પહોંચતા પહેલા જ મારા હાથમાંથી પાઇપ છટકી ગયો હતો. હું આઠ દસ ફૂટ ઉપરથી જમીન પર પટકાયો હતો. જમીન પર પટકાવાના અવાજથી મારી રહી સહી હિંમત પણ ઓસરી ગઈ હતી. ત્યાં હાથ મોજું શોધવું એ મને હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું કામ લાગ્યું હતું. જેમ બને તેમ જલ્દી ત્યાંથી વંજો માપી જવામાં જ મને મારું કલ્યાણ દેખાયું. પરિણામે હું તાબડતોબ ત્યાંથી નાસી છૂટ્યો હતો.'

'પરંતુ તું તો સૌથી પહેલા કાલિદાસના રૂમમાં જવાનો હતો ને? કેમ કે તિજોરી એના જ રૂમમાં છે.'

'હા..'

'તો પછી તું રાકેશના રૂમ સુધી કેવી રીતે પહોંચી ગયો?'

'ત્યાં જ તો મારાથી ભૂલ થઈ ગઈ. ઉપર ચડતી વખતે કોઈકનો ઊંચો બરાડો સાંભળીને એનું કારણ જાણવા માટે હું એ રૂમ તરફ ન ગયો હોત તો અત્યારે મારી આવી હાલત ન થાત. પરંતુ એ વખતે મને કોણ જાણે શું થયું કે હું પ્રોજેક્શન પર નમીને ચાલતો ચાલતો રાકેશના રૂમ સુધી જઈ પહોંચ્યો અને ત્યારબાદ મનોજે ત્યાં બનેલા બનાવની વિગતો તેને કહી સંભળાવી.

'ઓહ..' એની વાત સાંભળ્યા પછી સંગીતા ઊંડો શ્વાસ લેતા બોલી. 'તો એમાં તું આટલો શા માટે ગભરાય છે?'

'ગભરાવ નહીં તો શું કરું?'

'તારે બધી વાતો પોલીસને સ્પષ્ટ રીતે જણાવી દેવી જોઈએ એમ હું માનું છું.'

'શું?'

'હા..'

'તું ગાંડી તો નથી થઈ ગઈ ને? આ રીતે તો હું હાથે કરીને મારા ગળામાં ફાંસીનો ગાળિયો ભરાવી દઈશ. આ પરિસ્થિતિમાં મારે ત્યાં મારી હાજરીનું શું કારણ જણાવવાનું? ઘડીભર માટે માની લે કે હું ત્યાં કોઈ ખોટા કામસર ત્યાં નહોતો ગયો. એ વાત પોલીસના ગળે ઉતરાવી દીધી તો પણ જ્યારે ત્યાંથી મારું હાથ મોજું મળશે ત્યારે તેઓ નહીં સમજી જાય કે હું તેમને મૂરખ બનાવું છું? આવા સંજોગોમાં મારા ખોટા બોલવાનું કારણ તેઓ એમ જ સમજે કે આ બધું મેં જ કર્યું છે એ પણ બનવા જોગ છે. ના સંગીતા..' મનોજે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. 'હું પોલીસ પાસે જઈ શકું તેમ નથી. જો જઈશ તો મારા ટાંટિયા મારા જ ગળામાં ભેરવાઈ જશે.' 'મનોજ તું સમજતો કેમ નથી?'

'શું સમજું?'

'જો તું પોલીસ પાસે જઈને સાચી વાત નહીં કબૂલે તો ભવિષ્યમાં આપણા પર કોઈ મોટી ઉપાધિ આવી પડશે. તું ત્યાં ચોરી કરવાના હેતુથી જરૂર ગયો હતો પરંતુ તે ચોરી નથી કરી તો પછી એમાં આટલા ડરવાની કે ગભરાવાની શું જરૂર છે?'

'તું નહીં સમજે સંગીતા..' મનોજ વ્યાકુળ અવાજે બોલ્યો. 'એટલા માટે નહીં સમજે કે પોલીસ શું ચીઝ છે તેની હજુ તને ખબર નથી. પોલીસ પોતાના સગા બાપ પર પણ ભરોસો નથી કરતી. જેવી તેમને ખબર પડશે કે હું ચોરી કરવાના હેતુથી ત્યાં ગયો હતો અને કાલિદાસ સાથે મારે દુશ્મનાવટ છે તો તેઓ મારી એકેય વાત પર ભરોસો નહીં કરે. મારી હાજરીનું તેઓ એક જ પરિણામ કાઢશે કે હું ત્યાં ખૂન કરવાના હેતુથી જ ગયો હતો. ઉપરાંત હમણાં થોડીવાર પહેલા તને પોતાને પણ મારી વાત પર ભરોસો નહોતો બેઠો જ્યારે આ તો પોલીસ છે. તેમની પાસેથી આવી આશા રાખવી મૂર્ખાઈ ભરેલી છે. હવે મારે કોઈક એવી યુક્તિ વિચારવી પડશે કે જેના કારણે પોલીસને મારા પર રજ માત્ર પણ શંકા ના ઉપજે. અને એ બંને નાલાયકો પણ ખુનના આરોપમાંથી ન બચી શકે.'

'એવું થઈ શકે તેમ છે?'

'જરૂર થઈ શકે તેમ છે. પરંતુ કેવી રીતે કરવું એ જ નથી સમજાતું. જો પોલીસ ગમે તે રીતે અત્યારે જ ત્યાં પહોંચી જાય તો કંઈક થઈ શકે તેમ છે. કારણકે ખૂનની હેબતમા થોડીવાર સુધી તો તેઓ પોતાના બચાવમાં કોઈ ઉપાય નહીં વિચારી શક્યા હોય. જે રિવોલ્વર થી રાકેશે પોતાની પત્નીનું ખૂન કર્યું છે એ હજુ ત્યાં જ પડી હશે. જો સમય વીતી જશે તો તેઓ એને ઠેકાણે પાડી શકે તેમ છે. હે ઈશ્વર.. પોલીસ પાસે જાઉં તો પણ ફસાઉં છું અને ન જાવ તો પણ ફસાઉં છું.'

'મનોજ.. આપણે અહીંથી નાસી છૂટીએ તો? આપણી પાસે મુંબઈ જનારા પ્લેનની ટિકિટ તો છે જ. જો મુંબઈ પહોંચીને આપણને ખબર પડશે કે પોલીસ તારા પર શંકા કરે છે તો તું તારું નામ બદલી નાંખજે. પછી આપણે ત્યાં જ સ્થાયી થઈ જશું.'

'બરાબર છે.. પણ મુંબઈ બેઠા બેઠા આપણને કેવી રીતે ખબર પડશે કે પોલીસને કોના પર શંકા છે?'

'અખબાર મારફત.. બીજી કેવી રીતે?'

'પણ આ રીતે નાસી જવાથી તો ઉલ્ટું પોલીસની શંકા વધુ મજબૂત બનશે. પાછળથી આપણે માટે આપણું બચાવ કરવાનું કામ મુશ્કેલ બની જશે. મને કાંઈક વિચારવા દે. વિચારવાથી આ ઉપાધિમાંથી છુટકારો મળી જાય એવી કોઈક વ્યક્તિ સુધી આવે તે બનવા બનવા જોગ છે.' મનોજ આંખો બંધ કરીને પલંગ પર આડો પડ્યો.

'તું વિચાર ત્યાં સુધીમાં હું તારે માટે ચા બનાવી લાવું છું.' સંગીતાએ કહ્યું.

સંગીતા પલંગ પરથી ઉતરીને કિચન તરફ આગળ વધી ગઈ, જ્યારે મનોજ આંખો બંધ કરીને કોઈક ઉંડા વિચારમાં ડૂબી ગયો હતો.