Badlo - 5 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બદલો - ભાગ 5

૫. બ્લેકમેઇલર..

એનું નામ દયાશંકર હતું. પરંતુ તેનામાં નામ પ્રમાણેનો એકેય ગુણ નહોતો. તે એક બ્લેકમેઇલર હતો. એનો મુખ્ય ધંધો જ લોકોને બ્લેકમેઇલ કરવાનો હતો. આવા આ દયાશંકરનો હાથ પોતાના ફલેટના દરવાજાના કી હોલમાં ચાવી ભરાવવાનો પ્રયાસ કરતો કરતો લપસી જતો હતો. એ નશામાં ચકચૂર હોવાને કારણે જ કદાચ કામ થતું હતું. ઘણા પ્રયાસો પછી એને સફળતા મળી. દરવાજો ઉઘાડીને તે અંદર પ્રવેશ્યો. એણે દીવાલ પર હાથ ફંફોળીને સ્વીચ દબાવી. વળતી જ પળે રૂમમાં ટ્યુબલાઇટનો પ્રકાશ છવાઈ ગયો. દયાશંકરની આંખો તીવ્ર પ્રકાશને કારણે અંજાઈ ગઈ પરંતુ તે અટક્યો નહીં.

એ લથડતા પગે આગળ વધ્યો. પરંતુ નશાના અતિરેકને કારણે તે એક વાત પર ધ્યાન નહોતો આપી શક્યો. રૂમમાં અગાઉથી જ મોજુદ એક નકાબપોશ તેની પ્રત્યેક હિલચાલ જોતો હતો. દયશંકર શયનખંડ તરફ આગળ વધી ગયો.

'મિસ્ટર દયાશંકર ઉર્ફે બ્લેકમેલર મને નહીં મળે?' એને શયનખંડ તરફ આગળ વધતો જોઈને નકાબપોશે ભારે ભરખમ અને કર્કશ અવાજે પૂછ્યું. નશામાં હોવા છતાંય જાણે સાક્ષાત યમરાજનો અવાજ સાંભળ્યો હોય એમ દયાશંકર ચમક્યો. નશા અને ભયથી ધ્રુજતા પગલે એણે પીઠ ફેરવી.

'ક.. કોણ છો તું?' એણે અવિશ્વાસભરી નજરે નકાબ પોશ તરફ તાકી રહેતા થોથવાતા અવાજે પૂછ્યું.

'દયાશંકર.. હું કોણ છું એ જાણતાં પહેલાં તું આરામથી બેસી જા.' નકાબ પોશ આરામથી બોલ્યો. 'હું અહીં તારી પાસે કંઈ લેવા માટે નહીં પણ તને કંઈક આપવા માટે આવ્યો છું. પરંતુ એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે. તારી કોઈ પણ જાતની ચાલાકી કે તીડી બાજી મારાથી સહન નહીં થાય. જે માણસ તારી રજા વગર તારા ફ્લેટમાં ઘુસવાની હિંમત દાખવી શકતો હોય તે પોતાની સલામતી પ્રત્યે બિલકુલ બેદરકાર ન જ હોય એટલું તો તું પણ બરાબર રીતે સમજતો જ હોઈશ.'

નકાબ પોશની ધમકી ભરી વાત સાંભળીને દયાશંકર પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો. એ આજ્ઞાંકિત બાળકની જેમ આગળ વધીને સામે પડેલા સોફા પર બેસી ગયો.

'શાબાશ.. તારા જેવા આજ્ઞાંકિત માણસો મને ખૂબ ગમે છે. પરંતુ તારી એક મૂર્ખાઈ મને નથી ગમી.'

'ક.. કેવી મૂર્ખાઈ?' દયાશંકરે હેબતાઈને પૂછ્યું.

'મારો પરિચય જાણવાની મૂર્ખાઈ. તું મારો પરિચય જાણવા માટે આતુર છો એ તારી મૂર્ખાઈ જ છે. સમજદાર માણસ માત્ર કેરી ખાવાથી જ નિસ્બત રાખે છે. તેઓ વૃક્ષ ગણવા નથી બેસતા. તારે માટે એટલું જ જાણવું પૂરતું છે કે હું તને મદદ કરવા માટે અહીં આવ્યો છું.'

'મદદ?' દયાશંકરે પોતાની જાત પર કાબુ મેળવતા પૂછ્યું.

'હા..'

'કેવી મદદ?'

'આર્થિક મદદ.'

'એ..આર્થિક મદદ? કહેતા કહેતા દયાશંકરનું ઠેકાણે આવેલું માથું ફરીથી ભમવા લાગ્યું હતું.

'હા..આર્થિક મદદ. અર્થાત પૈસાની મદદ.. તું એક મશહૂર અને બદનામ બ્લેકમેલર હોવા છતાં પણ અત્યારે તારે ખૂબ કડકાઈ ચાલે છે એની મને ખબર છે. અને આનું કારણ એ છે કે તું જે પુરાવાઓને આધારે લોકોને બ્લેકમેઇલ કરતો હતો એ પુરાવાઓ તારી પાસેથી ચોરાઈ ગયા છે.' દયાશંકર એકદમ હેબતાઈ ગયો.

'પહેલા મારી વાત પૂરી સાંભળી લે.' નકાબ પોશ સહેજ કઠોર અવાજે બોલ્યો. 'હા તો મેં કહ્યું તેમ પુરાવાઓ ચોરાઈ જવાને કારણે તારી હાલત રોડપતિ જેવી થઈ ગઈ છે. તારી વર્ષોની મહેનત પર એ પુરાવા ચોર મોજ કરે છે અને તું જ્યાં ત્યાં ફીફાં ખાંડે છે. ખેર, હવે તારે જરા પણ હેરાન થવાની કે ચિંતા કરવાની જરૂર નથી. મેં તારે માટે એવી મુર્ગી શોધી છે જે કેટલાય દિવસો સુધી તને સોનાના ઈંડા આપતી રહેશે.'

'એટલે? હું સમજ્યો નહીં. દયાશંકરે મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું. અલબત્ત એનું દિમાગ ઝપાટા બંધ વિચાર કરવા લાગી ગયું હતું.

'આમાં ન સમજાય કે સમજવામાં મુશ્કેલી પડે એવી કોઈ વાત નથી. સીધી ને સ્પષ્ટ વાત છે. અત્યારે તને પૈસાની ખૂબ જ જરૂર છે અને પૈસા માટે એક શિકાર મારી નજરમાં છે.'

'ઓહ.. તો તેનું નામ જણાવવાના બદલામાં એની પાસેથી મળનારી રકમમાંથી તારે પણ ભાગ જોઈએ છે ખરું ને?' દયાશંકરે પૂછ્યું. એનો સવાલ સાંભળીને નકાબ પોશ ખડખડાટ હસી પડ્યો.

'ના દયાશંકર..' છેવટે હસવાનું બંધ કરીને એ બોલ્યો, 'તારું આ અનુમાન બિલકુલ ખોટું છે.'

'તો?'

'પૈસાની મને જરા પણ લાલચ નથી. હું તને શિકારનું નામ જ નહીં, સાથે સાથે એનો એ ભેદ પણ જણાવીશ કે જેના બદલામાં તું એની પાસેથી અઢળક પૈસા મેળવી શકીશ. મારી બાતમી પરથી તું સહેલાઈથી પૈસા મેળવી શકીશ એ વાત તારા મગજમાં બરાબર રીતે ઉતરી ગઈ હશે એવી મને આશા છે.'

'પણ..'

'પણ શું?'

'સ્વાર્થ વગર તો સગો બાપ પણ દીકરાને મદદ નથી કરતો.' કહેતા કહેતા અચાનક દયાશંકર નકારાત્મક ઢબે માથું હલાવતા બોલ્યો. 'ના.. ના.. તારી કોઈ ચાલ બાજીમાં નહીં ફસાઉં. પૈસાની લાલચ બનાવીને તું જરૂર મને કોઈક બખેડામાં ફસાવવા માંગે છે.'

'સાંભળ હું નથી તારો બાપ કે નથી તું મારો દીકરો. હું તને કોઈક બખેડામાં ફસાવવા માંગુ છું એમ વિચારીને તું તારું જ નુકસાન કરે છે.'

'કેમ?'

'સૌથી પહેલા તો તારે એમ વિચારવું જોઈએ કે હું શા માટે કરું? આપણી વચ્ચે દુશ્મનાવટ તો એક તરફ રહી, આપણે એકબીજાને સરખી રીતે ઓળખતા પણ નથી. તો મારે આવું કરવાની શું જરૂર પડી? ઘડીભર માટે તારી વાતને સાચી માની લઈએ તો પણ જે કાર્ય પદ્ધતિથી તું ટેવાયેલો છો એ જ કાર્ય પદ્ધતિથી હું તને ફસાવવાનો પ્રયાસ શા માટે કરું? કોઈને બ્લેકમેલ કરવું તારે માટે ચપટી વગાડવા જેવું સહેલું કામ છે તો પછી તું મારી કોઈ ચાલબાજીમાં શા માટે એને કેવી રીતે ફસાઈ શકે તેમ છે? અલબત્ત, તારી એ વાત હું કાન પકડીને કબૂલ કરું છું કે આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ કોઈનું કામ નથી કરતું. આ મારો પણ જરૂર સ્વાર્થ છે. મારો મુખ્ય હેતુ તારા હાથેથી બ્લેકમેલ થનારા માણસને માત્ર આર્થિક નુકસાન પહોંચાડવાનો જ છે. હવે જો તને મારી વાત પર ભરોસો ન હોય તો હું તારા જેવા કોઈક બીજા બ્લેકમેલરને શોધી કાઢીશ. એ ભલે મેં આપેલી બાતમીને કારણે પૈસાદાર બની જાય. તારા નસીબમાં કદાચ પૈસા નહીં લખ્યા હોય. બીજું શું?' દયાશંકર તેની વાતથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો.

'એક વાતનો જવાબ આપ.' એ ખમચાતા અવાજે બોલ્યો. રહસ્યમય નકાબપોશની પ્રશ્નાર્થ ભરી આંખો તેના ચહેરા પર મંડાઈ.

'તું જે ભેદ મને જણાવીશ એ ભેદ મારા મોંએથી સાંભળીને તે શિકાર પોલીસ પાસે નહીં જાય અને શી ખાત્રી છે? દયાશંકરે પૂછ્યું.

'હવે તું મારા એક સવાલનો જવાબ આપ.'

'બોલ..'

'આજ સુધીમાં તે કેટલા લોકોને બ્લેકમેઇલ કર્યા છે?'

'ઘણાને..'

'એમાંથી કોણ પોલીસ પાસે ગયું છે?'

'લગભગ કોઈ નહીં.'

'બસ.. પછી? ઉપરાંત આ ભેદ જ કંઈક એવો છે..' નકાબપોશ રહસ્યમય અવાજે બોલ્યો. 'તું પોલીસ પાસે જવાની વાત કરે છે? અરે તે તો પોલીસનું નામ પણ પોતાની જીભે લાવવાની હિંમત નહીં દાખવે.'

'તો પછી ઠીક છે. પરંતુ એક વાત પર હજુ પણ મને ભરોસો નથી બેસતો.'

'કઈ વાત પર?'

'એ જ કે એની પાસેથી મળનારી રકમ માં તું ભાગ નહીં માંગે.'

'આ બાબતમાં તું બિલકુલ બેફિકર રહે. એની રકમમાંથી મારે પાંચ પૈસા પણ નથી જોઈતા. જે કંઈ મળે એ તારું પોતાનું જ છે. મને પૈસાની લાલચ નથી, એ હું તને થોડી વાર પહેલા પણ કહી ચૂક્યો છું. મારે કશું જ નથી જોઈતું. હું તો બસ તે આર્થિક રીતે બરબાદ થઈ જાય એમ જ ઇચ્છું છું.'

'તો પછી હવે તું તાબડતોબ એ શિકારનું નામ અને એનો ભેદ જણાવી દે. જેથી હું મારી આર્થિક ભીડ દૂર કરી શકું.' દયાશંકર પ્રસન્ન અવાજે બોલ્યો.

'ઠીક છે, પહેલા એનું નામ સરનામું લખી લે. એનું નામ કાલિદાસ છે અને તે સરદાર જય સિંહ રોડ પર 15 નંબરના બંગલામાં રહે છે.'

'આ કાલિદાસ વિશે તો હું જાણું છું.' દયાશંકરે કહ્યું.

'કેવી રીતે?' નકાબપોશે ચમકીને પૂછ્યું.

'મિસ્ટર નકાબપોશ..' દયાશંકર સ્મિત કરતા બોલ્યો. હું જે બિઝનેસ સાથે સંકળાયેલો છું તેમાં શહેરમાં વસતા ધનાઢ્ય લોકો વિશે પ્રાથમિક માહિતી રાખવી મારા માટે જરૂરી છે.'

'એના વિશે તું શું જાણે છે?'

'એટલું જ કે તેને કાપડની મીલ છે, શાનદાર બંગલો છે, કાર છે અને તેની પાસે અઢળક પૈસા છે.'

'વેરી ગુડ.. હવે હું તને એ ભેદ જણાવું છું કે જેના આધારે તું કાલિદાસને બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા મેળવી શકે તેમ છે.' ત્યારબાદ નકાબ પોશ તેને ગીતાના ખૂનની વિગતો કહેવા લાગ્યો. એ જેમ જેમ કહેતો જતો હતો તેમ તેમ દયાશંકરની આંખોમાં વધુને વધુ ચમક પથરાતી જતી હતી.

અને થોડીવાર પછી..

'તને બધું સમજાઈ ગયું છે ને?' નકાબપોશે પૂછ્યું.

'હા.. પરંતુ એ રિવોલ્વર ક્યાં છે?'

'એ રિવોલ્વર મેં રાકેશના શયનખંડમાં પડેલા કબાટના તળિયા વાળા ભાગમાં ટેપની મદદથી સરખી રીતે ચોંટાડી દીધી છે. પરંતુ તારે એને હાથ પણ નથી લગાવવાનો. જો તું આવો કોઈ પ્રયાસ કરીશ તો ગીતાના ખુનનો આરોપ આવે તારા માથા પર પણ આવી શકે તેમ છે. માટે તારું કામ બ્લેકમેઇલીન્ગ સુધી જ સીમિત રાખજે.' દયાશંકરે સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું.

'મારી શુભેચ્છાઓ તારી સાથે જ છે.' કહીને નકાબપોશ દરવાજા તરફ આગળ વધી ગયો. ત્યારબાદ તે દરવાજો ઉઘાડીને બહાર નીકળી ગયો. એની પાછળ ઓટોમેટીક દરવાજો બંધ થઈ ગયો. દયાશંકર ચુપચાપ દરવાજા સામે તાકી રહ્યો. એના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા હતા. આજે ઘણા વખત પછી તેને આવો સરસ મજાનો શિકાર મળ્યો હતો. ત્યારબાદ તે શિકારને નીચોવવાની યોજના બનાવવા લાગ્યો.

*********

અમિતે રાકેશના શયનખંડમાંથી મળેલો અજ્ઞાત મદદગારનો કોયડાવાળો પત્ર પહેલા કાલિદાસને અને પછી સુધાને બતાવ્યો. કાલિદાસ તો કશું ન સમજાતા બંને હાથે માથું પકડીને બેસી ગયો હતો. જ્યારે સુધા આંકડાની ઇન્દ્રજાળનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરતી હતી. સહસા તે આગળ વધીને રાઇટીંગ ટેબલ પાસે પહોંચી. એણે એક કોરા કાગળ પર પત્રમાં દર્શાવેલા આંકડાઓ લખ્યા અને પછી વિચારવા લાગી. અમિત, રાકેશ તથા કાલિદાસ ઉત્સુક મિશ્રિત આશા ભરી નજરે તેની સામે તાકી રહ્યા હતા.

'કંઈ સૂઝે છે?' કાલિદાસે વ્યાકુળ અવાજે પૂછ્યું.

'હું કોયડાનો ભેદ ઉકેલવાનો જ પ્રયાસ કરું છું.' સુધાએ જવાબ આપ્યો.

'તો જલ્દી કર. આપણી પાસે સમય બહુ ઓછો છે.' સુધા ફરીથી વિચારમાં ડૂબી ગઈ. થોડીવાર સુધી વિચાર્યા બાદ અચાનક જ એણે માથું ઊંચું કર્યું. એની આંખોમાં ચમક પથરાઈ ગઈ હતી. એ ઝડપભેર આંકડાઓની નીચે કશુંક લખવા માંડી.

'મેં ભેદ ઉકેલી નાખ્યો છે.' એ પ્રસન્ન અવાજે બોલી.

'શું?'

'હા.'

'મૃતદેહ ક્યાં છે તેની તને ખબર પડી ગઈ છે?' રાકેશે આશ્ચર્યસહ પૂછ્યું.

'હા.'

'ક્યાં છે?'

'સ્ટોર રૂમમાં.'

'સ્ટોર રૂમમાં?'

'હા.. આ જુઓ..' કહીને સુધાએ પોતે લખેલા આંકડા વાળો કાગળ તેમને બતાવ્યો. તેમણે જોયું તો સુધાએ દરેક આંકડાની નીચે અંગ્રેજી મૂળાક્ષરનો એક એક અક્ષર લખ્યો હતો જે આ મુજબ હતો:

19 20 15 18 5  18 15 15 13

S.  T.  O. R. E.  R. O. O. M

'કમાલ કહેવાય! જે ભેદ આપણે ન ઉકેલી શક્યા તે સુધાએ ઉકેલી નાખ્યો છે.' અમિત આશ્ચર્યથી બોલ્યો. તમને મૃતદેહ શા માટે નહોતો મળ્યો એ વાત હવે જ મને સમજાય છે.'

'શા માટે?'

'એટલા માટે કે તમે સ્ટોર રૂમમાં તપાસ જ નહોતી કરી. તમે લોકોએ તો જે રૂમો ઉઘાડા હતા ત્યાં જ તપાસ કરી હતી. ખરું ને?'

'હા.' રાકેશે સહમતિ સૂચક ઢબે માથું હલાવતા કહ્યું.

'તો પછી મૃતદેહ તે રૂમમાં જ હોવો જોઈએ.' 'રાકેશ..' સહસા કાલિદાસ બોલ્યો.

'તું જઈને સ્ટોર રૂમમાં તપાસ કરી આવ.' રાકેશ ઉતાવળા પગલે સ્ટોર રૂમ તરફ આગળ વધી ગયો. બે મિનિટમાં જ એ પાછો ફર્યો. ગીતાને ગોળી ઝીંક્યા પછી એના ચહેરા પર છવાઈ ગયા હતા બિલકુલ એવા જ હાવ ભાવ અત્યારે તેના ચહેરા પર હતા.

'મ..મ.. મૃતદેહ ત્યાં જ છે. જુના ગાલીચામાં વીંટાળેલો છે.' એ થોથવાતા અવાજે બોલ્યો.

મૃતદેહના નામ માત્રથી જ સુધા મનોમન ગભરાઈ ગઈ. પરંતુ એણે પોતાના મનના ભાવ ચહેરા પર ન આવવા દીધા. એ બંને દંત પંક્તિઓ વચ્ચે નીચલો હોઠ દબાવીને પોતાના મનોભાવ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવા લાગી.

'હ.. હવે શું કરવું છે?' રાકેશે પૂર્વવત્ અવાજે પૂછ્યું.

'હવે મૃતદેહને ઠેકાણે પાડવાનો છે. કંઈ તેની પૂજા નથી કરવાની.' કાલિદાસે તેને વડકું ભરતા કહ્યું.

'પણ કેવી રીતે?'

'અમિત.. તું જ કોઈક ઉપાય વિચાર દીકરા..' કાલિદાસ અમિત સામે જોઈને કરગરતા અવાજે બોલ્યો. જવાબમાં અમિત કોઈ ઉમદા વિચારમાં ડૂબી ગયો.

'વેરી ગુડ.. મળી ગયો.' થોડી પળો સુધી વિચાર્યા બાદ અચાનક જ તે ચપટી વગાડીને પ્રસન્ન અવાજે બોલ્યો.

'શું મળી ગયો?' રાકેશ એટલો બધો ગભરાયેલો હતો કે અમિતના કથનનો અર્થ પણ તે નહોતો સમજી શક્યો.

અલબત્ત તમને લાભની કોઈક વાત છે એવી આશાએ તેના ચહેરા પર ચમક જરૂર પથરાઈ ગઈ હતી.

'મૃતદેહ ઠેકાણે પાડવાનો અને તેને બચાવવાનો ઉપાય!'

'શું?'

'પરંતુ એને માટે મૃતદેહને અહીંથી ખસેડીને એ સહેલાઈથી નજરે ચડી જાય એવા કોઈ સ્થાને પહોંચાડવો પડશે.' અમિત વિચાર વશ અવાજે બોલ્યો.

'એનાથી શું લાભ થશે?' સુધાએ મોં મચકોડતા કહ્યું. 'ઉલટું મૃતદેહ મળતાની સાથે જ પોલીસ રાકેશની ધરપકડ કરવા માટે અહીં દોડી આવશે. આપણા પર તેમને શંકા તો ઉપજી જ ચૂકી છે.'

અણસમજુ બાળકની વાત સાંભળીને વડીલના ચહેરા પર જે સ્મિત ફરકે બરાબર એવું જ સ્મિત સુધાનું કથન સાંભળ્યા પછી અમિતના ચહેરા પર ફરક્યું.

'સુધા..' એ ગંભીર થતાં બોલ્યો. 'શંકાને કારણે જ તો મૃતદેહ મળે જ નહીં, એ રીતે તેને ગુમ કરવાનું હું નથી કહેતો.'

'કેમ?' સુધાએ મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું.

'એટલા માટે કે આ સંજોગોમાં ગીતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા પછી તે ગુમનામ ફોનને કારણે પોલીસને પૂરી ખાતરી થઈ જશે કે ગીતાનું ખૂન કરીને તેની લાશને ફેંકી દેવામાં આવી છે. આપણા પર શંકા ઉપજતા જ તેઓ આ ખૂનનો ભેદ જાણવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. આ સંજોગોમાં તેઓ કઠોર વલણ અપનાવે એ પણ બનવા જોગ છે. અને જો આમ થશે તો આપણામાંથી કોઈકને કોઈક જરૂર ભાંગી પડશે. એટલે મેં શંકાને કોઈ સ્થાન જ ન રહે એવી એક યોજના બનાવી છે. મૃતદેહ ફેંકતા પહેલા આપણે એ સ્થળે તપાસ કરનારને આ લૂંટ અને ખૂનનો બનાવ જ લાગે એવી પરિસ્થિતિ ઉભી કરવી પડશે.'

'વેરી ગુડ..' કાલિદાસ બોલ્યો. આનંદના અતિરેકથી એનો અવાજ કંપતો હતો. 'પરંતુ ત્યાં શું કરવું પડશે?' જવાબ આપતા પહેલા અમિતે વારાફરતી ત્રણેય સામે જોયું.

'કામ ખૂબ જ સહેલું છે.' એણે કહ્યું. 'પરંતુ જો ઉતાવળ અને ગભરાટથી કામ કરવામાં આવશે તો મારી યોજના પર પાણી ફરી વળશે.'

'દોસ્ત અમિત..' રાકેશ બોલ્યો. 'જો આ રીતે ભૂમિકા બાંધવામાં જ સમય ગુમાવીશ તો સવાર પડી જશે. પછી તારી યોજના તારા મગજમાં જ રહી જશે અને હું ફાંસીના માંચડે લટકી જઈશ.'

'જો રાકેશ.. તે તો અત્યારથી જ ઉતાવળ શરૂ કરી દીધી છે. પાછળથી જો તારે કારણે કોઈ ભૂલ થાય તો પછી મારો વાંક કાઢીશ નહીં.' અમિતના અવાજમાં નારાજગીનો સૂર હતો. 'શું તને મારા પર ભરોસો નથી? તું ફાંસીના માંચડે લટકી જાય એવું હું ક્યારેય ઈચ્છું ખરો?'

'ના દોસ્ત.. પણ..'

'પણ શું?'

'હું તો સમય પ્રત્યે તારું ધ્યાન દોરતો હતો.'

'એ બાબતમાં પણ મારું પૂરેપૂરું ધ્યાન છે. કાર મારફત મૃતદેહ ઠેકાણે પાડવામાં માંડ 15-20 મિનિટ લાગશે.' અમિતે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતા કહ્યું. 'અને હજુ આપણી પાસે દોઢ કલાકનો સમય છે. ખેર, હવે તમે લોકો ધ્યાનથી મારી વાત સાંભળો. જેથી હું જેને જે કામ સોંપ્યું એ તે વ્યવસ્થિત રીતે પાર પાડી શકે. સૌથી પહેલા તો ગીતાના મૃતદેહ પરથી બધા ઘરેણા ઉતારી લેવાના છે. આ કામ કોઈપણ કરી શકે તેમ છે. તું કર.. ને હું કરું.. એમ ન થવું જોઈએ. એટલે હું જેનું નામ લઉં એણે જરા પણ વિરોધ કર્યા વગર તૈયાર થઈ જવાનું છે. નાહક જ વિરોધમાં સમય વેડફાશે.'

'તું બોલ તો ખરો..'

'તો સાંભળો. આ કામ રાકેશ વધુ સારી રીતે કરી શકે તેમ છે એમ હું માનું છું.'

'હ... હું ?' રાકેશે થોથવાતા અવાજે પૂછ્યું.

'હા.. અને આ ઉપરાંત એક બીજું કામ પણ તારે કરવાનું છે.'

'શું?'

'મૃતદેહ પર ઉઝરડાના નિશાન પડી જાય એ રીતે તારે ક્રૂરતા પૂર્વક ખેંચીને ઘરેણા કાઢવાના છે. આ ઉપરાંત નેઇલકટર અથવા તો બીજી કોઈ અણીદર વસ્તુથી ઈજા અને ઉઝરડા એવી રીતે બનાવવાના છે કે જોનારાને એમ જ લાગે કે એ નિશાનો ખુનીના નખના છે. પરંતુ તારે ભૂલી ચૂકે આ કામમાં તારા નખનો ઉપયોગ નથી કરવાનો. ઘરેણાને કોઈક સલામત સ્થળે છુપાવીને મૃતદેહને કારની ડીકીમાં મૂકવાનો છે. આ કામ અંકલ તથા રાકેશે ભેગા થઈને કરવાનું છે. અને હું મૃતદેહમાંથી લોહી ટપકીને ક્યાંય નથી પડતું ને એનું ધ્યાન રાખવાનું છે. આવું કંઈ થતું હશે તો હું મારી સાથે પાણીની ડોલ તથા કપડું લઈને ચાલી રહેલી સુધા મારફત લોહીના એ ડાઘ સાફ કરાવતો રહીશ. હું ફરીથી એક વખત કહું છું આપણે બધું કામ મેં જણાવ્યું છે એ મુજબ જ અને સાવચેતીથી કરવાનું છે.'

'પરંતુ દીકરા.. કાલિદાસ બોલ્યો. 'આટલું બધું કર્યા પછી પણ અમને ફસાવી શકે એવા ઘણા પુરાવાઓ અહીં બાકી રહી જાય છે.'

'એ બધું મારા ધ્યાનમાં છે. પ્લીઝ તમે વચ્ચે ન બોલો.' કાલિદાસ ચૂપ થઈને પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

'ખેર..' અમિત ફરીથી બોલ્યો. 'મૃતદેહને ડીકીમાં મૂક્યા પછી રાકેશે ડ્રાઇવિંગ સીટ પર અને સુધાએ પાછળની સીટ પર બેસવાનું છે.

'મારે?' સુધાએ ચમકીને પૂછ્યું.

'હા તારે.'

'ના..'

'શું ના?'

'હું નહીં જાઉં.' આ વખતે સુધા ઈચ્છા ન હોવા છતાં પોતાના ગભરાટ પર કાબુ નહોતી રાખી શકી. મૃતદેહ સાથે કારમાં જવાની કલ્પના કરીને ભયથી એના રુંવાડા ઊભા થઈ ગયા હતા.

'તું નાહક જ ગભરાઈ છે સુધા.. તારે કશું જ નથી કરવાનું.' અમિત તેને સમજાવતા બોલ્યો. 'તને તો હું સાવચેતી ખાતર જ સાથે મોકલું છું. આટલી મોટી રાત્રે રાકેશને એકલો જોઈને કોઈને પણ શંકા ઉપજી શકે તેમ છે. જ્યારે તું સાથે હોઈશ તો આ મુશ્કેલી નહીં પડે. સાથે સાથે રાકેશને પણ હિંમત રહેશે. જો તારે બદલે હું જઈશ તો અહીં જે કામ કરવાના છે એ તું મારા જેટલી વ્યવસ્થિત રીતે નહીં કરી શકે.'

'હવે અહીં કયું કામ બાકી છે?' રાકેશે પૂછ્યું.

'ભાઈ રાકેશ..' અમિતે ઉપેક્ષા ભરી નજરે તેની સામે જોતા કહ્યું. 'ખૂનની શંકામાં પોલીસ એક વખત અહીં આવી ચૂકી છે એ વાત તું શા માટે ભૂલી જાય છે?'

'હા, તો?'

'તો એ કે જેવી પોલીસને ખબર પડશે કે મળી આવેલો મૃતદેહ તારી પત્નીનો છે કે તરત તેઓ અહીં આવી પહોંચશે અને બીજીવાર આવેલો ઓફિસર તું જેની બેવકૂફીને કારણે બચી ગયો છે એ અમરજી જ હશે એવું માની લેવાની જરૂર નથી. તું હજુ આ વિસ્તારના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વામન રાવને નહીં ઓળખતો હોય. તે એટલો બધો ચાલાક, ચપલ, હોંશિયાર અને બુદ્ધિશાળી ઇન્સ્પેક્ટર છે કે ભલભલા ગુનેગારોની છાતીના પાટિયા એના નામ માત્રથી જ આઉટ થઈ જાય છે. જો અમરજીને બદલે વામનરાવ અહીં આવ્યો હોત તો ન તો અજ્ઞાત મદદગાર તને કોઈ મદદ કરી શકત કે ન તો હું. અત્યારે તું જેલના સળિયા ગણતો હોત સમજ્યો? આ કારણસર જ આપણે સામે વાળો ક્યાં સુધી વિચારશે એને ધ્યાનમાં રાખીને બધી તૈયારી કરવાની છે. અને તો જ તને બચાવી શકાશે. મારે આ બંગલામાં ફરીને અહીં થયેલા ખૂન તરફ આંગળી ચિંધતા હોય એવા દરેક પુરાવાઓ શોધીને તેનો નાશ કરવાનો છે. આ કામમાં અંકલ મને મદદ કરશે. મૃતદેહ ઠેકાણે પાડવાનું કામ તો તારે તથા સુધાએ જ કરવું પડશે.'

સુધા એક ઊંડો શ્વાસ લઈને રહી ગઈ.

'રાકેશ..' અમિત રાકેશ સામે જોતા બોલ્યો. 'કોઈક યોગ્ય સ્થળે તક જોઈને તારે મૃતદેહને ડીકીમાંથી બહાર કાઢવાનો છે અને તેને કારથી ઘણે દૂર લઈ જઈને ફેંકી આવવાનો છે. પરંતુ અહીં તારે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો તું જ્યાં કાર ઊભી રાખે એ જમીન પથરાળ અથવા તો એટલી કઠોર હોવી જોઈએ કે જેના પર કારના ટાયરની છાપ ન પડે. બીજું, તું જ્યાં મૃતદેહ ફેંકે ત્યાંની જમીન એટલી નરમ હોવી જોઈએ કે જેના પર સહેલાઈથી પગલાની છાપ પડી શકે. નરમ જમીન શરૂ થતા જ તારે મૃતદેહને તેના પગ પર ઉભો રાખીને એના પગલાની છાપ પડી જાય એ રીતે થોડીવાર સુધી ચલાવવાનું છે. અલબત્ત હું કબૂલ કરું છું કે આ કામ થોડું મુશ્કેલ જરૂર છે. પણ અશક્ય તો નથી જ. આમ કરતી વખતે તારે તો ઘસડાઈને જ ચાલવાનું છે જેથી તારા પગલાની છાપ ન પડે. મૃતદેહ ફેંકીને પાછા ફરતી વખતે પણ તારે એવી જ રીતે પગ ઘસડીને ચાલતા આવવાનું છે. બસ, પછી તું બચી ગયો છે એમ જ માની લે. ત્યાં સુધીમાં હું પણ મારું અહીંનું કામ પતાવી ચૂક્યો હોઈશ. પછી વામન રાવ તો ઠીક કોઈપણ ઓફિસર તને ખૂની પુરવાર નહીં કરી શકે .'કહીને અમિત ચુપ થઈ ગયો. એની વાત પૂરી થયા પછી રાકેશ તથા કાલિદાસના ચહેરા પર આશાભરી ચમક પથરાઈ ગઈ હતી, જ્યારે સુધાના ચહેરા પર પૂર્વવત રીતે ભય, ગભરાટ અને ખમચાટના ભાવ છવાઈ ગયા હતા. પરંતુ એનો વિરોધ ચાલે તેમ ન હતો. ગમે તેમ તોય આ તેના ભાઈના જીવન મરણનો સવાલ હતો. ત્યારબાદ સૌ પોતપોતાના કામે વળગી ગયા.

*************

રાકેશની કાર પુરપાટ વેગે સડક પર દોડતી હતી. નક્કી થયા મુજબ તે તથા સુધાં મૃતદેહને ઠેકાણે પાડવા માટે રવાના થઈ ગયા હતા.

'રાકેશ.. જરા સ્પીડ ઓછી કરી નાખ.'

'ચૂપચાપ બેસી રહે.' રાકેશે વિન્ડસ્ક્રીનમાંથી સામે દેખાતી ઉજ્જડ સડક સામે તાકી રહેતા કઠોર અવાજે કહ્યું. 'જોતી નથી થોડીવારમાં જ સવાર પડી જશે?'

'પણ...' કહેતા કહેતા અચાનક સુધા એકદમ ચમકી ગઈ. ભય અને ગભરાટથી એના ચહેરાનો રંગ ઉડી ગયો. એનો દેહ સૂકાં પાંદડાની જેમ થરથરવા લાગ્યો. કારણ સામે થોડે દુર સડક પર પોલીસની એક જીપ ઊભી હતી. જીપના બોનેટ પાસે ત્રણ સિપાહીઓ બીડીના કશ ખેંચતા ઉભા હતા. રાકેશની નજર પણ તેમના પર પડી ચૂકી હતી. એ ખૂબ જ ગભરાયો. ગભરાટને કારણે જ એક્સિલેટર પર એના પગનું દબાણ વધી ગયું. કારને એક જોરદાર આંચકો લાગ્યો. પછી વળતી જ પળે તે આંધીની જેમ જીપની બાજુમાંથી પસાર થઈ ગઈ. જોખમ ટળેલું જોઈને સુધાના ચહેરા પર રાહત ફરી વળી. પરંતુ કારની તોફાની રફતાર અને ડીકીમાં પહેલા ગીતાના મૃતદેહનું ભાન થતાં જ એ ફરીથી ભયભીત બની ગઈ.

'ઉફ.. પોલીસને આપણા પર શંકા ઉપજી હોય એવું લાગે છે.' રાકેશે ભય મિશ્રિત ગભરાટથી થોથવાતા અવાજે કહ્યું.

'શું?'

'હા, પોલીસની જીપ આપણો પીછો કરે છે.'

'હે ઈશ્વર..' સુધા એકદમ હેબતાઈ ગઈ. વળતી જ પળે એના કંઠમાંથી ચીસ પડી. એની ચીસ સાંભળીને રાકેશનું માત્ર કાળજું જ નહીં, સ્ટીયરીન્ગ ઉપર રહેલા એના હાથ પણ કંપી ઉઠ્યા. પરિણામે કાર ડગમગવા લાગી. પરંતુ તે સડક છોડીને ઉથલી પડે એ પહેલા જ રાકેશ એ પોતાની તમામ શારીરિક તથા માનસિક તાકાત એકઠી કરીને તેના પર કાબુ મેળવી લીધો. આ દરમ્યાન પાછળ આવતી જીપ ખૂબ જ નજીક આવી ગઈ હતી. રાકેશે બેક વ્યૂ મિરરમાંથી પાછળ આવતી જીપ સામે જોયું. પછી મન મજબૂત કરીને એણે કારની ગતિ એકદમ વધારી દીધી. સ્પીડોમીટરનો કાંટો 60 પરથી કુદકો મારીને નેવું સુધી પહોંચી ગયો હતો. હમણાં જ સ્ટેયરીંગ પરથી પોતે કાબુ ગુમાવી બેસશે એવો રાકેશને ભાસ થતો હતો. પરંતુ ભગવાન જાણે આ તેની ડ્રાઇવિંગ કરવાની દક્ષતા હતી કે પછી ફાંસીથી બચવાની જીજિવિષા કે હજુ સુધી એણે કાબુ નહોતો ગુમાવ્યો. રનવે પર દોડતા પ્લેનની જેમ એ ઉજ્જડ સડક પર ધસમસતી હતી. પાછળ આવતી જીપનો ડ્રાઇવર પણ કદાચ ડ્રાઇવિંગમાં નિષ્ણાત હતો. આટલી બધી સ્પીડ હોવા છતાં જીપ બિલકુલ નજીક આવી ગઈ હતી. સુધાનો ગભરાટ જોવાલાયક હતો. એ ભયમિશ્રિત અચરજથી ફાટી આંખે ક્યારેક એકદમ નજીક આવી પહોંચેલી જીપ સામે તો ક્યારેક સ્ટેયરીન્ગ સાથે ઝઝૂમતા પોતાના ભાઈ રાકેશ સામે તાકી રહી હતી.

'એ મિસ્ટર.. કાર ઉભી રાખો.'

સહસા હવાની સપાટીને કાપતો ચીરતો એક ઊંચો અને આદેશાત્મક અવાજ રાકેશના કાને અથડાયો. એણે ત્રાંસી નજરે અવાજની દિશામાં જોયું. જીપ હવે કારને સમાંતર જ દોડતી હતી. રાકેશના ધબકારા કોઈક અજ્ઞાત ખોફથી એકદમ વધી ગયા. છેવટે બીજો કોઈ ઉપાય ન સૂઝતા એણે અંતિમ પ્રયાસ કર્યો.

'બોલો શું વાત છે ઇન્સ્પેક્ટર સાહેબ?' એણે કારની ગતિ સહેજ ઓછી કરીને ઊંચા અવાજે કહ્યું. 'અમે જરા ઉતાવળમાં છીએ.'

'પહેલા કાર ઊભી રાખો.' રાકેશ પાસે કાર ઊભી રાખવા સિવાય છૂટકો નહોતો. એણે કાર ઊભી રાખી. પોતાના ગભરાટ પર કાબુ ન મેળવી શકવાને કારણે સુધા આંખો બંધ કરીને સીટ પર સુઈ ગઈ હતી. પહેલી નજરે તે સુતી છે એમ જ સૌ કોઈને લાગે એ રીતે તે પડી હતી. જીપમાંથી ઇન્સ્પેક્ટરની વર્ધી પહેરેલો એક માનવી નીચે ઉતરી આગળ વધીને કાર પાસે પહોંચ્યો.

'મિસ્ટર..' એણે શોધપૂર્ણ નજરે રાકેશના ચહેરા સામે તાકી રહેતા કઠોર અવાજે પૂછ્યું. 'અમને જોયા પછી પણ તમે કારની ગતિ શા માટે વધારી દીધી હતી?' જીવ બચાવવા માટે ડરપોકમાં ડરપોક માણસ પણ હિંમતવાન અને બુદ્ધિશાળી બની જાય છે. ચહેરા પર આવવા મથતા ભય અને ગભરાટને અટકાવતા રાકેશને પરસેવો વળી ગયો હતો.

'ઇન્સ્પેક્ટર સાહેબ..' એ પોતાના મનોભાવ પર કાબુ મેળવીને ક્રોધ વ્યક્ત કરતા બોલ્યો.

'તમે મને જ રોકાવા માટે કહેતા હતા એ હું ક્યાં જાણતો હતો?'

'બરાબર છે.. પરંતુ અમને જોઈને તમે કારની ગતિ એકદમ વધારી શા માટે દીધી?'

'તમારા આ સવાલનો જવાબ તો હું આપી જ ચૂક્યો છું.'

'શું?'

'એ જ કે અમારે તાબડતોબ ક્યાંક પહોંચવાનું છે.'

'ક્યાં પહોંચવાનું છે?' ઇન્સ્પેક્ટરે શંકાભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. રાકેશ મનોમન હેબતાયો. શું જવાબ આપવો એ તેને કશું ન સમજાયું. પરંતુ વળતી જ પળે એણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો.

'જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ..' એ ધૂંધવાતા અવાજે બોલ્યો. 'મારા મામાની તબિયત ખૂબ જ ખરાબ છે અને અમારે તાબડતોબ ત્યાં પહોંચવાનું છે. તમે નાહક જ અમને અટકાવો છો.'

'તો તમે તમારા મામાની તબિયતને કારણે જ આટલી સ્પીડે કાર ચલાવતા હતા?'

'હા.'

'તમારા જીવની પરવા કર્યા વગર જ?'

'હા..'

'ના મિસ્ટર ..' ઇન્સ્પેક્ટર નકારાત્મક ઢબે માથું હલાવતા બોલ્યો. 'તમે ખોટું બોલતા હો એવું મને લાગે છે. જરા કારની ડીકી ઉઘાડો.'

ડીકીનું નામ સાંભળતા જ રાકેશ જાણે કે વીજળી ત્રાટકી.

અને આંખમાં હોવાનો અભિનય કરી રહેલી સુધા તો ડીકી ઉઘાડવાની વાત સાંભળીને હળવી ચીસ સાથે સીટ પર સફાળી બેઠી જ થઈ ગઈ.

'આ કોણ છે?' ઇન્સ્પેક્ટરે પૂછ્યું. પછી વળતી જ પળે ચમકીને બોલ્યો. 'અરે સુધા તું?'

'હા હું..' સુધાએ હેબતાઈને ઇન્સ્પેક્ટર સામે જોયું. એ તરત જ તેને ઓળખી ગઈ. ઇન્સ્પેક્ટર બીજું કોઈ નહીં, પણ તેની સાથે અભ્યાસ કરતો યોગેશ હતો.

'યોગેશ તું?' તે ફિક્કું સ્મિત કરતા ભોઠપ ભર્યા અવાજે બોલી. 'પોલીસની વર્દીમાં હું તને ઓળખી જ નહોતી શકી. આ શહેરમાં હોવા છતાંય તું ક્યારેય મને મળવા પણ ન આવ્યો.'

'સોરી સુધા.. અહીં બદલી થયા પછી હું એટલો વ્યસ્ત બની ગયો હતો કે મને ફુરસદ જ નહોતી મળી. ખેર, કંઈ વાંધો નહીં. પછી ક્યારેક આવી જઈશ. અરે, હું તો નાહક જ તમારો સમય બગાડુ છું. તમારે તાબડતોબ તમારા મામા ને ત્યાં પહોંચવાનું છે ને?'

'મા..મા.. હા..' ગભરાટને કારણે સુધાએ ફરકાવેલું સ્મિત ખૂબ જ હાસ્યાસ્પદ લાગતું હતું. જ્યારે રાકેશે મામાની કાલ્પનિક બિમારીની વાત જણાવી હતી ત્યારે ગભરાટના અતિરેકને કારણે એ તેની વાત પ્રત્યે બહુ ધ્યાન નહોતી આપી શકી.

'ઠીક છે, હવે મને રજા આપો. મારે પણ મારી ડ્યુટી સંભાળવાની છે.' વાત પૂરી કરીને ઇન્સ્પેક્ટર જીપ તરફ આગળ વધી ગયો. રાકેશે છુટકારાનો એક ઊંડો શ્વાસ લીધો. ફાંસીનો ગાળિયો ભેરવાઈ ગયેલા ગુનેગારને અચાનક જ નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવે અને એ વખતે એના ચહેરા પર પ્રસન્નતાના જે હાવભાવ છવાય, બિલકુલ એવા જ હાવભાવ અત્યારે ચહેરા પર ફરી વળ્યા હતા. ઇન્સ્પેક્ટરની જીપ આવી હતી એ જ તરફ પાછી ચાલી ગઈ હતી. રાકેશે પણ કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.