Exotic aquatic - 3 in Gujarati Thriller by Jules Gabriel Verne books and stories PDF | સાગરસમ્રાટ - 3

Featured Books
Categories
Share

સાગરસમ્રાટ - 3

હુમલો


બૂમ પડતાંની સાથે જ સ્ટીમરના એકેએક ખૂણેથી લોકો દોડતાં દોડતાં આવીને નેડર્લન્ડ ફરતા વળ્યા. બૉઈલરમાં કોલસા નાખનાર મજૂરો હાથમાં પાવડો લઈને ઉપર દોડી આવ્યા; રસોડામાં વાસણો સાફ કરતા છોકરાઓ પણ ઠામડાં પડતાં મૂકીને દોડી આવ્યા. સ્ટીમરનો કેપ્ટન તથા અમે પણ નેડલૅન્ડ પાસે આવીને ઊભા રહ્યા. નેડલૅન્ડની બાજ જેવી આંખો દૂર ચોટેલી હતી. બધાની નજર તે બાજુ વળેલી હતી. લગભગ દોઢેક માઈલને અંતરે દરિયાની. અંદરથી 'સર્ચ લાઈટ' જેવો પ્રકાશ પાણીને વીંધીને બહાર આવતો હતો. અમે બધા આશ્ચર્યથી સ્તબ્ધ થઈને ઊભા રહ્યા ! મેં એ પ્રકાશને બરાબર તપાસ્યો, તો તે પ્રકાશ વીજળીનો લાગ્યો. વીજળીના પ્રકાશવાળું પ્રાણી કેવું અદભૂત હશે એનો હું વિચાર કરતો હતો તેવામાં તો તે પ્રકાશ હલવા લાગ્યો. ‘જુઓ, જુઓ; આ તો પેલું પ્રાણી આપણા તરફ જ આવે છે !'

‘ચલાવો ! એન્જિનને ખૂબ જોરમાં ચાલુ કરી દો અને સ્ટીમરને પાછી ફેરવો.' કૅપ્ટને હુકમ છોડયો !

જોતજોતામાં પેલું પ્રાણી અમારી પાસે ને પાસે આવતું લાગ્યું. અમારી સ્ટીમર પોતાની વધારેમાં વધારે ઝડપથી પાછી ફરતી હતી; તેને તે પ્રાણી પહોંચી વળ્યું; એટલું જ નહિ પણ તેનાથી આગળ નીકળી જઈ એક ચક્રાવો મારીને સ્ટીમરની તદ્દન પડખે આવીને ઊભું રહ્યું. ગાઢ અંધકારની અંદર દરિયાનાં પાણી ઉપર ઝગઝગાટ કરતો પ્રકાશનો લાંબો પટ્ટો જોવામાં, જો અમારા મનમાં ભય ન હોત તો કેટલી મજા પડત !

તે પ્રાણી પણ અમારી બીકની જાણે વિડંબના કરતું હતું. ઘડીક તે દેખાતું સાવ બંધ થઈ જતું હતું, તો ઘડીક વળી અમારી સ્ટીમરને બીજે પડખે આવીને ઊભું રહેતું. સ્ટીમરનો કેપ્ટન ખરેખર ગભરાયો. કઈ ઘડીએ તે પ્રાણી સ્ટીમરને ધક્કો મારશે તે કહેવાય એમ ન હતું. લગભગ રાતના બાર વાગ્યા સુધી આ પ્રમાણે તે પ્રાણીએ અમને હેરાન કર્યા; તે પછી તે દેખાતું બંધ થઈ ગયું. સ્ટીમરના મોટા ભાગના માણસો ખડે પગે અને થરથરતે હૈયે સ્ટીમરના કઠેડા ઉપર ઊભા રહ્યા હતા. નેડલૅન્ડના ક્રોધનો પાર નહોતો. આ પ્રાણીનો શિકાર નેડલૅન્ડ સિવાય બીજું કોઈ કરી શકે તેમ ન હતું. વારે વારે બધા નેડલેન્ડને તેનો શિકાર કરવાનું કહ્યા કરતા હતા, પણ તે પ્રાણી કોઈ રીતે શિકારના લાગમાં આવતું નહોતું. ઊલટું જબરા ઘુઘવાટા કરીને જાણે નેડલૅન્ડને ચીડવતું હતું.

બાર વાગે પ્રાણી દેખાતું બંધ થયા પછી પાછું ઠેઠ બે વાગે લગભગ પાંચ માઈલને અંતરે તે દેખાયું. આટલે દૂરથી પણ તેનો શ્વાસોચ્છવાસ સંભળાતો હતો : જાણે કોઈ મોટું એંજિન વરાળ છોડતું હોય !

દિવસ ઊગતાં સુધી સ્ટીમર ઉપર પેલા પ્રાણીના શિકારની તૈયારીઓ થવા લાગી. નેડલેન્ડ એકલો બેઠો બેઠો દાંત ભીંસીને પોતાનું વજ્ર જેવું હારપૂન ઘસી રહ્યો. સવાર પડી. સ્ટીમરની આસપાસ ચારે તરફ ઘાટું ધુમ્મસ છવાઈ રહ્યું હતું, તેને વીંધીને બધાની નજર પેલા પ્રાણીને શોધવાનો પ્રયત્ન કરતી હતી. વળી પાછો નેડલેડ ગાજી ઊઠ્યો : 'જુઓ દેખા...ય !'

ઓસરતા જતા ધુમ્મસની અંદર લગભગ દોઢેક માઈલને છેવટે એક મોટો કાળો પદાર્થ દરિયાની સપાટીથી ઊંચે લગભગ ત્રણેક ફૂટ બહાર દેખાતો હતો. તેની પૂંછડીના ભાગ પાસે દરિયાનાં પાણી ખળભળી રહ્યાં હતાં. સ્ટીમર છાનીમાની તે પ્રાણીની નજીક જઈ પહોંચી. મેં પાસે જઈને જોયું તો તે વિચિત્ર જળચરની લંબાઈ દોઢસો ફૂટથી વધારે નહોતી. હું તેને જોઈ રહ્યો હતો. અમે લગભગ અર્ધા ફર્લાંગને છેટે હશું ત્યાં સુધી તેના છાંટા અમને ઊડતા હતા. કૅપ્ટને તે પ્રાણીને બરાબર જોઈને હુકમ છોડ્યો : ‘એંજિન જોસમાં ચાલુ કરો અને ઝડપ મૂકી શકાય તેટલી મૂકો.’ આખી સ્ટીમર ઉપર હર્ષના પોકારો ઊઠ્યા. સ્ટીમરના મોટા ભૂંગળામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. સ્ટીમરે તે પ્રાણી ઉપર ધાસારો કર્યો.

કૅપ્ટને નેડલેન્ડને કહ્યું : 'હવે તો એ પ્રાણી કોઈ પણ રીતે પકડાવું જોઈએ. તમે કહો તો સ્ટીમર ઉપરથી શિકારને માટે નાની. હોડીઓ ઉતારું.'

નેડલેન્ડે કહ્યું : “કેપ્ટન સાહેબ ! એની કશી જરૂર નથી; કારણ કે એ પ્રાણીને એની મરજી હશે તો જ આપણે પકડી શકશું એમ લાગે છે. તોપણ તમે નિરાશ ન થતા. હું મારી બધી શક્તિ વાપરીને તેને માત કરવાનો પ્રયત્ન કરીશ. આપણી સ્ટીમર તેની સાવ નજીક પહોંચશે તે દરમિયાન હું સ્ટીમરના લંગરવાળા ભાગ ઉપર જઈને બેસું છું. ત્યાંથી લાગ જોઈને મારું નિશાન તાકીશ. તમે. તે દરમિયાન સ્ટીમર જેટલી વધારેમાં વધારે ઝડપ લઈ શકે તેટલી ઝડ૫માં મૂકી દો.'

વળી કૅપ્ટને એંજિનિયરને ઝડપ વધારવાનું કહ્યું. એજિનનું એકેએક યંત્ર ધણધણી ઊઠ્યું. સ્ટીમર કલાકના સાડા અઢાર માઈલની ઝડપે જતી હતી, છતાં તે પ્રાણી અને સ્ટીમર વચ્ચેનું અંતર એટલું ને એટલું જ રહેતું હતું. કૅપ્ટન અકળાયો. અમેરિકાની સૌથી વધારેમાં વધારે ઝડપવાળી સ્ટીમરના કૅપ્ટનની આબરૂ આમ એક માછલું લઈ લે, એ તેને મન મરવા જેવું થઈ પડ્યું. સ્ટીમર ઉપરના ખલાસીઓ પણ પગ પછાડવા લાગ્યા. ફરી પાછો કૅપ્ટને એંજિનિયરને બોલાવી ધમકાવ્યો : ‘હજુ વધારે ઝડપ વધારો. બૉઈલર અને સ્ટીમર ફાટી ન જાય ત્યાં સુધી ઝડપ મૂકો !'

ઝડપ વધી. મૅનોમિટર દસ ડિગ્રીએ આવીને ઊભું રહ્યું; કલાકના ઓગણીસ માઈલની ઝડપે સ્ટીમર ચાલવા માંડી છતાં પણ. તે પ્રાણી અને સ્ટીમર વચ્ચેનું અંતર એનું એ જ રહેતું હતું !

હવે શું કરવું ? પ્રાણી પણ ખરેખર જાણે અમને ચીડવવા જ માગતું હતું ! કોઈ કોઈ વાર અમારી સાવ નજીક આવી જતું હતું, અને નેડલેન્ડ પોતાનું હારપૂન તાકે ન તાકે ત્યાં પાછું દૂર નીકળી જતું હતું !

આ પ્રમાણે આખો દિવસ તેની અને અમારી વચ્ચે શરત ચાલી. અમને થયું કે હવે તે પ્રાણી થાકવું જોઈએ; પણ સાંજ સુધી તેની અને અમારી વચ્ચેનું અંતર જરાયે ઘટ્યું નહિ. અબ્રાહમ લિંકને પણ આજે રંગ રાખ્યો. તેના કૅપ્ટને સ્ટીમરને આજે બરાબર કામમાં લીધી. આખો દિવસ કૅપ્ટન ધૂંવાંપૂવાં થઈ સ્ટીમરની ડેક ઉપર ફર્યા કરતો હતો. જ્યારે તે પ્રાણીને પહોંચી વળવાનો સંભવ ઓછો. દેખાયો ત્યારે તેને એક બીજો વિચાર આવ્યો. બપોરના લગભગ બે થયા હતા. કેપ્ટને તે પ્રાણીને જીવતું પકડવાનો વિચાર છોડી દઈને તેને તોપને ગોળ ઉડાડી મૂકવાનો નિશ્ચય કર્યો. નિશ્ચય થયા પછી. તેનો અમલ કરતાં તે વાર લગાડે એમ ન હતું. એકાએક સ્ટીમર ઉપર તોપનો ધડાકો થયો અને એમાંથી છૂટેલો ગોળો. તે પાણીથી પણ થોડો વધારે દૂર પાણીમાં જઈ પડ્યો. કૅપ્ટન વધારે ખિજાયો. એક બુઢો ખલાસી બહાર પડ્યો. તેણે તે પ્રાણીને વીંધી નાંખવાનું માથે લીધું. તોપનું મોઢું બરાબર તે પ્રાણી ઉપર તાકીને તોપ ફોડી. નિશાન બરાબર તેના સ્થાને પહોંચ્યું. બધા હર્ષનો પોકાર કરી ઊઠ્યા, પણ બીજી જ ક્ષણે તેમણે જોયું તો તોપનો ગોળો પેલા પ્રાણીની પીઠ ઉપર અથડાઈને પાછો પાણીમાં પડ્યો હતો અને પ્રાણીની ગતિમાં કશો ફેર પડ્યો નહોતો. બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. આટલો જોસથી છૂટેલો તોપનો ગોળો પણ જે પ્રાણીને કાંઈ ન કરી શક્યો તે પ્રાણીનું ચામડું કઈ ધાતુનું હશે ?

રાત પડી અને પેલું પ્રાણી દેખાતું બંધ થયું. અમે નિરાશ થઈ ગયા. અમારી બે દિવસની મહેનત છેવટે બરબાદ થઈ ગઈ, એમ. અમને લાગ્યું, પણ તેમાં અમારી ભૂલ હતી. ફરી લગભગ રાતના અગિયાર વાગે ત્રણેક માઈલને અંતરે વીજળીનો પ્રકાશ દેખાયો. અત્યારે તે પ્રાણી સ્થિર હતું. કદાચ આખો દિવસ લાગેલા થાકથી થાકી ગયું હશે. આ ક્ષણે શિકારનો બરાબર લાગ હતો. કૅપ્ટને સ્ટીમર અવાજ ન કરે એ રીતે ધીમે ધીમે તે પ્રાણી તરફ હંકારી. નેડલૅન્ડ લંગર પાસેની પોતાની જગાએ હારપૂન લઈને બેસી ગયો. સ્ટીમર ઉપર ભયાનક શાંતિ ફેલાઈ ગઈ. તે પ્રાણીમાંથી નીકળતા. પ્રકાશથી અમારી આંખો અંજાઈ જતી હતી. જોતજોતામાં સ્ટીમર ને પ્રાણી વચ્ચે માંડ વીશ ફૂટનું અંતર રહ્યું. પ્રાણી હજુ ઊંઘતું જ હતું નેડલેન્ડ જરાક ઊંચો થયો અને તાકીને પોતાનું હારપૂન તે પ્રાણીની ઉપર જોરથી ફેંક્યું. હારપૂન જાણે કોઈ ધાતુ સાથે અથડાયું હોય એવો અવાજ થયો પણ તુરત પ્રાણીમાંથી નીકળતો પ્રકાશ એકદમ બંધ થઈ ગયો અને પાણીના બે મોટા ફુવારા જોસબંધ અંદરથી છૂટ્યા. જોતજોતામાં સ્ટીમરનું તુતક અને એની ઉપરના બધા માણસો. તરબોળ થઈ ગયા. બીજી જ ક્ષણે એક ધક્કો લાગ્યો. હું કઠેડા પર પગ મૂકીને ઊભો હતો; પડખેનું દોરડું પકડી લઉં તે પહેલાં તો એ ધક્કાના જોરથી હું દરિયામાં પડ્યો !