શિકારનું આમંત્રણ
પાસિફિક મહાસાગર ઠેઠ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી અને એશિયાના પૂર્વ કિનારાથી અમેરિકાના પશ્ચિમ કિનારા સુધી પથરાઈ પડ્યો છે. બધા સમુદ્રોમાં તે સૌથી શાંત છે. તેના પ્રવાહો વિશાળ અને મંદ છે. તેની ભરતી પણ શાંત હોય છે. તેમાં વરસાદો પુષ્કળ પ્રમાણમાં વરસે છે. બહુ વિચિત્ર સંજોગોમાં આ મહાસાગરની અંદર અમારે ફરવાનું થયું.
પ્રોફેસર ! આપણી મુસાફરી અહીંથી શરૂ થાય છે. જુઓ, પોણાબાર થવા આવ્યા છે. હવે હું વહાણને દરિયાની સપાટી ઉપર લઈ જાઉં છું.'
એટલું બોલીને કેપ્ટન નેમોએ વીજળીની ટેકરી ત્રણ વાર વગાડી કે પંપો ચાલુ થઈ ગયા. પાણીના ટાંકાઓમાંથી પંપ વડે પાણી ઉલેચાવા લાગ્યું. સાથે મૅનોમિટરની સોય વહાણની ઉપર જતી ગતિ માપવા લાગી. થોડી વારમાં વહાણ દરિયાની સપાટી ઉપર આવી પહોંચ્યું. અમે વહાણની બરાબર વચ્ચે આવેલી સીડી ઉપર ચડ્યા અને વહાણના તૂતક ઉપર આવી પહોંચ્યા. ઉપર ચડીને જોયું તો બરાબર શાળના કાંઠલા જેવો વહાણનો આકાર સ્પષ્ટ દેખાતો હતો. દૂરથી આ વહાણને જોઈને કોઈ તેને દરિયાઈ પ્રાણી ધારે એમાં શી નવાઈ ?
તૂતકની પડખે જ એક નાની એવી હોડી તરતી દેખાઈ. વહાણને બંને છેડે બે પાંજરાં જેવી ઓરડીઓ હતી. કાચની દીવાલોથી તે મઢેલી હતી. એકમાં સુકાની બેસતો હતો અને બીજામાં સર્ચલાઇટ મૂકવામાં આવી હતી.
સમુદ્ર ખૂબ સુંદર દેખાતો હતો. આકાશ સ્વચ્છ હતું. ચારે બાજુ ક્ષિતિજમાં પાણી સિવાય કશું દેખાતું નહોતું. કૅપ્ટને આકાશમાં મધ્ય ભાગે આવેલા સૂર્ય ઉપરથી માપ કાઢીને નક્કી કર્યું કે અમારું વહાણ અત્યારે પારિસના રેખાંશને ધોરણે ૮૫° ૧૫” પશ્ચિમ રેખાંશ અને ૩૦° ૭” ઉત્તર અક્ષાંશ એટલે કે જાપાનના કિનારાથી ૩૦૦ માઈલને અંતરે છે. બરોબર આઠમી નવેમ્બરે બપોરે અમારી મુસાફરી શરૂ થઈ.
કૅપ્ટન ત્યાંથી મને એક ઓરડામાં લઈ ગયો. પુસ્તકાલયનાં. પુસ્તકો તથા નકશાઓ વગેરે બધું મને વાપરવા માટે મારા કબજામાં. મૂકયું અને ચાલ્યો ગયો. અમારું વહાણ પાછું સમુદ્રની સપાટીથી ૪૦ વામ નીચે ઊતરીને તરવા લાગ્યું.
હું એકલો પડ્યો. મારા મનમાં કૅપ્ટન નેમોના જ વિચારો. ઘોળાયા કરતા હતા. તેનું પ્રચંડ શરીર મારી આંખ આગળથી ઘડી પણ દૂર નહોતું થતું. તેના શબ્દો મારા કાનમાં ગુંજ્યા જ કરતા હતા. મનુષ્યજાતિ તરફનો તેનો આટલો બધો તિરસ્કાર મને સમજાતો નહોતો. કલાકો સુધી આ જ વિચારો મારા મનમાં ચાલ્યા કર્યા.
બ્લેક રિવરને નામે ઓળખાતા પાસિફિક મહાસાગરના. ગરમ પ્રવાહ બંગાળના ઉપસાગરમાંથી નીકળી, મલાક્કાની સામુદ્રધુની વીંધી એશિયાને કિનારે કિનારે ચડે છે અને ત્યાંથી ઉત્તર પાસિફિકમાં પ્રવેશ કરે છે. અનેક જાતની વિધવિધ વનસ્પતિઓનાં અને કપૂરનાં ઝાડનાં મોર્ટા મોટ્ય થડોને તે પોતાની સાથે ફેરવે છે. અમારું વહાણ પણ આ પ્રવાહની સાથે જ આગળ વધવા લાગ્યું. હું આ જોતો હતો ત્યાં નેડ અને કૉન્સીલ મારા ઓરડામાં આવ્યા. મારી જેમ તેઓ પણ આ વહાણનું અદ્ભુત દશ્ય જોઈને તાજુબ થઈ ગયા. તેમને મેં કેપ્ટન નેમો સાથેની મારી વાતચીત તથા વહાણમાં મેં જે કાંઈ જોયું હતું તે બધું કહી સંભળાવ્યું. નેડને વહાણના વર્ણનમાં બહુ રસ ન પડ્યો, તેણે તો કેપ્ટન નેમો કોણ છે, તે આપણને ક્યાં લઈ જવા માગે છે, આપણું શું થવાનું છે, એવા જ પ્રશ્નો મને પૂછવા માંડ્યા. મેં મારાથી આપી શકાય એવા ખુલાસા આપ્યા; પણ તેથી કાંઈ તેને સંતોષ થાય ?
અમે વાતો કરતા હતા તેવામાં એકાએક ઓરડામાં અંધારું થઈ ગયું. અમે ગભરાયા. ઓરડાની છત ઉપર જે બારી હતી તે બંધ થઈ ગઈ, પણ થોડી જ વારમાં પાછું ઓરડામાં અજવાળું આવ્યું. ઓરડાની બાજુની ભીંતે બે લંબચોરસ બારીઓ અમે જોઈ. બારીઓ જાડા કાચની હતી. તેમાંથી વહાણની બહારનો દેખાવ જોઈ શકાતો હતો. વહાણની એક મોટી વીજળીની બત્તીથી દરિયાની અંદર લગભગ એક માઈલ સુધી પ્રકાશ પડતો હતો. આ દ્રશ્ય ખૂબ અદ્દભુત હતું. દરિયાનું પાણી મીઠા પાણી કરતાં વધારે સ્વચ્છ અને પારદર્શક હોય છે. કોઈ જગ્યાએ તો પંચોતેર વામ સુધી દરિયાનું તળિયું સ્પષ્ટ જોઈ શકાય છે અને સૂર્યનાં કિરણો ૧૫૦ વામ સુધી પહોંચી શકે છે. વીજળીનો ઝળહળતો પ્રકાશ આ પાણી સાથે એવો મળી ગયો હતો કે જાણે વીજળીનો પ્રકાશ જ પ્રવાહી રૂપમાં ફેરવાઈ ન ગયો હોય !
આ પ્રકાશમાં દરિયામાં અદ્ભુત સૃષ્ટિ જોવાનો પહેલો પ્રસંગ મળ્યો. જાતજાતની માછલીઓ વહાણની આસપાસ ગેલ કરતી હતી. કેટલીક આ વિચિત્ર પ્રાણી જેવા વહાણને જોઈને નાસી જતી હતી. મને અને કૉન્સીલને આ માછલીઓનો થોડોઘણો અભ્યાસ હોવાથી એમાં ખૂબ રસ પડવા માંડ્યો. પણ નેડને તો એ માછલીઓમાં શિકાર પૂરતો જ રસ હતો. તેનો રસ અહીં પોષાય તેવું નહોતું, એટલે તે મૂંગો મૂંગો બેઠો હતો. પણ કૉન્સીલ તેને બેસવા દે તેમ નહોતું. માછલીઓ વિષેનું પોતાનું જ્ઞાન તે નેડ પાસે ઠાલવવા માંડયો ! હું તો એ માછલીઓ જોવામાં તલ્લીન હતો.
સાંજ પડી. એકાએક બને બારીઓ બંધ થઈ ગઈ. ઓરડાની ઉપરના ભાગમાંથી પાછો પ્રકાશ આવવા માંડ્યો. સમુદ્રનું દૃશ્ય એકાએક બંધ થયું ત્યારે મને લાગ્યું કે હું સ્વપ્નમાંથી જાગ્યો છું ઉપર યંત્રોમાં જોયું તો કમ્પાસ (હોકાયંત્ર) ઉપરથી માલુમ પડ્યું કે વહાણ ઇશાન ખૂણા તરફ જાય છે; મૅનોમિટર તરફ જોયું તો વહાણ ઉપર પાંચ વાતાવરણનો ભાર હતો, એટલે લગભગ ૧૦૦ વામની ઊંડાઈએ વહાણ ચાલતું હતું, અને વહાણની ઝડપ કલાકના પંદર માઈલની હતી. મને હતું કે હમણાં કૅપ્ટન નેમો આવશે પણ તે દેખાયો નહિ. નેડ અને કૉન્સીલ પોતાના ઓરડામાં ગયા. ત્યાં ખાવાનું તૈયાર હતું. ભોજન કરીને થોડી વાર મેં લખવા-વાંચવાનું કામ કર્યું અને પછી સૂઈ ગયા.
લગભગ ૧૨ કલાકની ઘસઘસાટ ઊંઘ પછી બીજે દિવસે હું જાગ્યો. કૉન્સીલ પોતાની ટેવ મુજબ મારી તબિયતના સમાચાર પૂછી ગયો. નેડ તો હજુ ઘોરતો જ હતો. ઊઠીને મેં કપડાં પહેર્યા અને સલૂનમાં ગયો. મેં ધાર્યું હતું કે કૅપ્ટન નેમો ત્યાં હશે પણ તે ખાલી હતો. સલૂનની દરિયામાં પડતી બારીઓ પણ બંધ હતી, એટલે દરિયાની અંદર કાંઈ જોઈ શકાય તેમ ન હતું. વહાણ તો પોતાની સાધારણ ગતિએ મૂળ દિશામાં જ ચાલ્યું જતું હતું. મારો બીજો દિવસ પણ આ પ્રમાણે પસાર થઈ ગયો. અમારી સરભરા બરાબર કરવામાં આવતી હતી. ખાવાનું પણ બરાબર નિયમિત આવ્યા કરતું હતું, પણ મારા મનમાં જોઈએ તેવો આનંદ નહોતો રહેતો. આખરે અમે કેદી હતા ! હું નવરો પડતો ત્યારે વાંચવા-લખવાનું અને નોંધો કરવાનું કર્યા કરતો હતો.
અગિયારમી નવેમ્બરની સવારે એકાએક આખા વહાણમાં તાજી હવા ફેલાઈ ગઈ. અમારું વહાણ તાજી હવા લેવા માટે દરિયાની સપાટી ઉપર આવ્યું. હું દરિયાનાં દર્શન કરવા માટે વહાણના તૂતક ઉપર ચડ્યો. સવારના છ થયા હતા. આકાશમાં વાદળાં હતાં. દરિયો શાંત હતો. મને હતું કે કૅપ્ટન અહીં મળશે, પણ મેં પેલા કાચના પાંજરામાં ફક્ત સુકાન સાચવીને બેઠેલા માણસને જ જોયો. હું તો બેઠો બેઠો દરિયાની ખુશનુમા હવા ધરાઈ ધરાઈને પીવા લાગ્યો. થોડી વારે આછાં વાદળાંઓને ચીરીને સૂર્યનાં બાલકિરણો પાણી ઉપર નાચવા લાગ્યાં. એટલામાં એક માણસ ઉપર આવ્યો. મને જાણે જોયો જ ન હોય તેમ મારી પડખે ઊભા રહીને દૂરબીન માંડીને તેણે આસપાસ નજર નાખી અને પછી કાંઈક વિચિત્ર ભાષામાં તે એક વાક્ય બોલ્યો. એ વાક્ય જોકે પછી તો હું રોજ સાંભળતો; પણ હજુ સુધી તેનો અર્થ હું સમજી શક્યો નથી. પેલો માણસ નીચે ચાલ્યો ગયો. હું પણ મારા ઓરડામાં ગયો.
પાંચ દિવસ આ પ્રમાણે પસાર થઈ ગયા. રોજ અમારે વખત કંટાળાભરેલી રીતે પસાર થતો. કેપ્ટન નેમો મને ક્યાંયે દેખાયો નહિ. હવે તો મારે જ તેને મળવા જવું એમ મેં નક્કી કર્યું. ત્યાં એક દિવસે ૧૬મી નવેમ્બરે મારા ઓરડામાં દાખલ થતાં જ મેં ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડેલી જોઈ. મેં તે ખોલી. ચિઠ્ઠી મોટા અને ચોખ્ખા અક્ષરે લખેલી હતી
“પ્રોફેસર ઐરોના !
આવતી કાલે સવારે ક્રસ્પોના બેટમાં આવેલા જંગલની અંદર શિકાર કરવા માટે કેપ્ટન નેમો આપને આમંત્રણ આપે છે; અને આશા છે કે તેમાં આપને વાંધો નહિ હોય. આપના સાથીઓ પણ જો આપની સાથે આવશે તો વિશેષ આનંદ થશે.”