આ બધું વીજળીની ઝડપથી બની ગયું. મારા મનમાંથી ભયનો એક ચમકારો પસાર થઈ ગયો. બધે અંધારું હતું. સાંકડી સીડી ઉપરથી અમને નીચે ઉતારવામાં આવ્યા. એક બારણું ઊઘડ્યાનો અવાજ આવ્યો અને અમને તે બારણાની અંદર પેલા માણસો લઈ ગયા અને ત્યાં મૂકીને બારણું બંધ કરીને ચાલ્યા ગયા. આ બધું એટલી ઝડપથી બન્યું કે ઓરડામાં પુરાયા પછી જ અમને અમારા શરીરનું ભાન આવ્યું. અમે કોઈ ઓરડામાં છીએ એની ખાતરી કરવાનું સાધન અમારા હાથ જ હતા. ઓરડામાં એટલું બધું અંધારું હતું કે તેનો ખ્યાલ અમને અત્યારે પણ આવી શકતો નથી. થોડી વાર પછી અમે ભેગા મળી વિચાર કરવા લાગ્યા : આ બધું શું હશે ? આપણને પકડનાર માણસો જંગલી માણસખાઉ માણસો હશે, કે કોઈ ભેદી બહારવટિયા હશે, કે કોઈ ચમત્કારિક જાદુગરો હશે ? અમે કશું નક્કી કરી શક્યા નહિ.
નેડલેન્ડે તો નક્કી કરી રાખ્યું હતું કે ભલે જાન જાય તોપણ આ માણસોને આપણું બળ બતાવી દેવું. પણ અહીં અમારું કાંઈ ચાલે તેમ નહોતું. ભેદી અંધકારથી ભરેલા વીસ ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા ઓરડામાં કશા હથિયાર વગર અને ભૂખથી પીડાતા અમે પડ્યા હતા. અમારો બચવાનો આધાર અમને કેદ કરનાર માણસો જ હતા.
અરધો કલાક આમ ને આમ પસાર થઈ ગયો. એવામાં એકાએક પ્રકાશનો જાણે મોટો ધોધ ઉપરના ભાગમાંથી છૂટ્યો. આખા ઓરડામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો ! આટલા વખત સુધી અંધારામાં રહેલી આંખો આ પ્રકાશના મારથી થોડીક ક્ષણ તો આંધળીભીંત થઈ ગઈ. પછી અમે નજર નાખી તો ઓરડાની છતમાં વીજળીનો મોટો પોટો મૂકેલો દેખાયો. તેમાંથી જ આ પ્રકાશ આવતો હતો.
'હાશ ! આખરે બીજું કાંઈ નહિ તોપણ અજવાળું તો આવ્યું !' કૉન્સીલ બોલ્યો.
નેડલૅન્ડ તો પોતાના ખિસ્સામાંથી મોટું ધારવાળું ચપ્પુ બહાર કાઢીને બારણું ઊઘડવાની રાહ જોતો જ ઊભો રહ્યો. મેં ચારે તરફ નજર નાખી તો ઓરડામાં વચ્ચે એક ટેબલ ને ચારપાંચ ખુરશીઓ પડી હતી. ઓરડાની દીવાલો લોઢાનાં પતરાંની લાગતી હતી. પ્રકાશ થયા પછી લગભગ પાંચેક મિનિટે બારણું ઊઘડ્યું અને બે માણસો અંદર આવ્યા. તેમાંનો એક માણસ સાદા નોકર જેવો લાગતો હતો અને બીજો ઊંચો અને પ્રભાવ પાડે તેવો માણસ, મોટો અધિકારી, હોય એમ જણાતું હતું. તેનું પડછંદ શરીર, વિશાળ કપાળ અને ઝીણી કાળી બે આંખો તેનામાં રહેલી શક્તિ બતાવતાં હતાં. ‘નેડલેન્ડનું શરીર પણ તેની પાસે નાનું લાગતું હતું. તેની ઝીણી આંખો અમને વીંધી નાખશે એવું લાગતું હતું. તેમણે બંનેએ પહેરેલાં કપડાં ખાસ ધ્યાન ખેંચે તેવાં હતાં. તે દરિયાની વનસ્પતિના રેસાઓમાંથી બનાવેલાં હતાં. ઓરડામાં પેસીને બંનેએ પ્રથમ અંદર અંદર કાંઈક વિચિત્ર ભાષામાં વાત કરી. પછી તે અધિકારી લાગતા માણસે મારા સામે જોઈને મને જાણે કાંઈ પૂછતો હોય એવો અભિનય કર્યો. મેં તેને ફ્રેંચ ભાષામાં અમારી વીતકકથા મારાથી બની શકે તેટલી સ્પષ્ટતાથી અને કરુણ રીતે કહી સંભળાવી, તે એકધ્યાને સાંભળતો ઊભો રહ્યો. મારું કહેવું તે સમજ્યો હોય એમ તેના મોઢા ઉપરથી લાગ્યું નહિ. મેં મારી વાત પૂરી કરી પણ તે એમ ને એમ જ ઊભો રહ્યો. મને લાગ્યું કે તે ફ્રેંચ ભાષા સમજતો નથી. એટલે મેં નેડલૅન્ડને અમારી હકીકત અંગ્રેજી ભાષામાં કહી સંભળાવવા કહ્યું. નેડલૅન્ડ તો તૈયાર જ હતો. એની એ વાત તેણે અંગ્રેજીમાં કહી અને વધારામાં ઉમેર્યું કે અમે ભૂખથી અધમૂઆ થઈ ગયા છીએ. નેડલેન્ડના બોલવાની પણ મારા જેવી જ અસર થઈ. હવે શું કરવું તેનો હું વિચાર કરવા લાગ્યો ત્યાં તો કૉન્સીલે એની એ વાત ભાંગીતૂટી જર્મન ભાષામાં શરૂ કરી દીધી. કૉન્સીલની વાત પણ તેને સમજાઈ હોય એમ લાગ્યું નહિ. છેવટે મેં ભાંગીતૂટી લેટિન ભાષામાં એક ઠોઠ નિશાળિયાની જેમ બોલવા માંડ્યું. એ પણ નકામું ગયું. અમે નિરાશ થઈ ગયા. પેલા બે જણા તો અંદર અંદર કાંઈક ગુસપુસ કરીને ચાલ્યા ગયા અને બહારથી બારણું બંધ કરતા ગયા.
‘આ તે શો જુલમ ! દુનિયાની બધી ભાષામાં આપણે તેમને વાત કહી તોપણ હરામખોરો આપણને જવાબ આપવાયે નવરા નથી !' નેડલેન્ડે પોતાનો ચપ્પુ હવામાં ઉછાળ્યો.
'તું જરા ટાઢો પડ. ગુસ્સે થઈશ તેમ વધારે હેરાન થઈશ.’ મેં કહ્યું.
‘પ્રોફેસર સાહેબ ! અહીં આમ ને આમ ભૂખના માર્યા કમોતે મરી જશું, તોય આ બદમાસો આપણી સામે જુએ એમ લાગતું નથી !' નેેેડે કહ્યું.
'તો પછી આપણે આપણાથી બની શકે ત્યાં સુધી તત્ત્વજ્ઞાનની ચર્ચા કરીને વખત કાઢીએ.' કૉન્સીલે કહ્યું.
હું એ વિચાર કરતો હતો કે આ માણસો કયા દેશના હશે? એમના શરીર ઉપરથી કે એમની ભાષા ઉપરથી કંઈ પણ અનુમાન બાંધી શકાય એમ નહોતું. નેડલેન્ડ તો ભૂખ્યા વરુની જેમ બૂમો પાડ્યા કરતો હતો અને જોરજોરથી બારણા ઉપર પાટા મારીને ' ખાવાનું લાવો ! ખાવાનું લાવો !' એમ બરાડતો હતો.
થોડી વારે ફરી બારણું ઊઘડ્યું. એક માણસ અંદર આવ્યો. તેના ખભા ઉપર અમારે માટે આણેલાં કપડાં હતાં અને તેના હાથમાં મોટો થાળ હતો. નેડ તો તરત તે માણસ તરફ ધસ્યો અને તેના હાથમાંથી થાળ ઝૂંટવી લીધો. પેલો માણસ પણ કપડાં નીચે મૂકીને ઝડપથી ચાલ્યો ગયો અને બારણું બહારથી દેવાઈ ગયું.
કપડાં પહેરવાનું કામ ખાધા પહેલાં કોઈ કરે તેમ નહોતું. પહેલાં અમે ત્રણે જણા ભોજન ઉપર તૂટી પડ્યા. વાનગીઓ બહુ વિચિત્ર પ્રકારની હતી. દરિયાની જાતજાતની માછલીઓની તે બનાવવામાં આવી હતી. સ્વાદમાં તે કોઈ પણ રીતે ઊતરે તેવી નહોતી. દરેક વાનગી તથા રકાબી અને વાસણ ઉપર અંગ્રેજી 'એન' (N) લખેલું હતું. નેડ અને કૉન્સીલનું ધ્યાન આ અક્ષર ઉપર નહોતું ગયું, કારણ કે તેઓ ખાવામાં મશગૂલ હતા. ખાઈને ઊઠ્યા પછી અત્યાર સુધીનો થાક બહાર આવવા લાગ્યો. મારા બંને સાથીઓ તો ખાઈને તરત જ નીચે પડેલી સાદડી ઉપર ઊંઘી ગયા. મને પણ. થોડી વારમાં ઊંઘ આવી ગઈ.