આ આમંત્રણ સ્વીકારવું કે નહિ તેનો વિચાર કરવાનો પણ મારે માટે બહુ થોડો વખત હતો. બે જ ક્ષણમાં મેં વિચાર કરી લીધો. એ ભયંકર પ્રાણીને નજરોનજર જોવાની તક ઘેર બેઠાં મળે છે તો જતી શા માટે કરવી ? ઊપડવાનો મેં નિશ્ચય કરી લીધો અને ઘંટડી મારીને મેં મારા નોકરને બોલાવ્યો. મારો નોકર કૉન્સીલ બહુ જ વિચિત્ર હતો; પણ મને તેની વિચિત્રતા એવી ગમતી હતી કે મેં તેને મારો મિત્ર જ બનાવ્યો હતો અને ખરેખર, તે મારા મિત્ર કરતાં પણ વધારે હતો. મારી લાંબી અને કંટાળાભરેલી મુસાફરીમાં મને વડીલ જેમ એક બાળકને સાચવે તેમ તે સાચવતો; જોકે ઉંમરમાં તે મારાથી નાનો હતો. મારા કોઈ પણ વિચિત્ર હુકમ સાંભળીને તે જરાય કડવું મોટું કરતો નહિ તેમ નવાઈ પણ પામતો નહિ. મારી સાથેના સહવાસથી તે થોડુંઘણું પ્રાણીશાસ્ત્ર જાણતો થઈ ગયો હતો, પણ તેને એક ભારે કુટેવ હતી. મારી સાથે વાત કરતી વખતે તે મને ‘આપ’ કહીને બોલાવતો; 'તમે' કહીને કોઈ દિવસ ન બોલાવતો. મેં તેને ઘણું ઘણું સમજાવ્યો પણ તેની એ ટેવ ગઈ જ નહિ.
કૉન્સીલને તાબડતોબ મુસાફરીનો સામાન તૈયાર કરવાનું કહી દીધું. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, વગેરે કશું પૂછવા સિવાય ‘જેવો આપનો હુકમ' – એમ કહીને તે સામાન બાંધવા મંડી પડ્યો. મેં મારી સાથેના વધારાના સામાનને હોટેલના મૅનેજર મારફત ફ્રાન્સ મોકલાવી દેવાની વ્યવસ્થા કરી દીધી.
થોડી વારમાં બધી તૈયાર થઈ ચૂકી. હોટેલ પાસેથી પસાર થતી એક ગાડીને ઊભી રાખી અમે બંને તેમાં સામાન સહિત ચડી બેઠા. ગાડી બંદર તરફ પુરપાટ ઊપડી.
અમે બંદરે પહોંચ્યા ત્યાં અબ્રાહમ લિંકન પોતાનું લંગર ઉપાડીને ઊપડવાની તૈયારી જ કરતી હતી. લોકોનું મોટું ટોળું ત્યાં ઊભું હતું તેની વચ્ચેથી માંડમાંડ જગ્યા કરીને અમે સ્ટીમર આગળ પહોંચ્યા. મારા આવવાની ખબર પડતાં જ સ્ટીમરનો કેપ્ટન કૅબિનમાંથી બહાર આવીને મને લેવા સામો આવ્યો અને થોડી. વારમાં જ અમે બંને મિત્રો બની ગયા. કૉન્સીલે મારો સામાન મારા માટેની ઓરડીમાં ગોઠવી દીધો.
સ્ટીમર ઊપડી. ત્યાં ઊભેલા લોકોના ટોળાએ મોટેથી સ્ટીમરની અને અમેરિકાના રાજ્યની જય બોલાવી. સ્ટીમર ઉપર ૩૯ તારાના ચિહ્નવાળો મોટો વાવટો ફરકવા લાગ્યો. સ્ટીમર ઉપરના ખલાસીઓ તથા અમે બધા કેટલીય વાર સુધી લોકોના ટોળા તરફ જોઈ રહ્યા. ફરી વાર આ બધું જોઈશું કે નહિ તેની શંકા સહુના મનમાં હતી. સ્ટીમરના પેટમાં મશીનનો ભયંકર ઘરઘરાટ ચાલુ થઈ ગયો અને સ્ટીમર ધીમે ધીમે બારામાંથી આગળ વધવા લાગી. જેમ જેમ સ્ટીમર આગળ વધતી ગઈ તેમ તેમ તેની ઝડપ પણ વધવા લાગી, જોતજોતામાં અમેરિકાનો કિનારો દેખાતો બંધ થવા લાગ્યો અને આટલાંટિક મહાસાગરનાં કાળાં પાણી અમારી સ્ટીમરને ઘેરી વળ્યાં. અબ્રાહમ લિંકન ઉપર ચાળીસથી પચાસ માણસો હતા; તેમાંનો મોટો ભાગ તો સ્ટીમરના ખલાસીઓ તથા એન્જિનિયરોનો હતો. પણ આ બધાથી જુદો તરી આવે એવો એક માણસ અમારી સાથે હતો. તેનું નામ નેડલેન્ડ. અમેરિકામાં વ્હેલ માછલીઓના શિકારીઓનો તે ‘રાજા' ગણાતો. અમેરિકાના રાજ્ય આ પ્રસંગને માટે જ કૅનેડાથી ખાસ આમંત્રણ આપીને તેને બોલાવ્યો હતો, અને નેડલેન્ડ પણ શિકાર કરવાનો આવો અવસર જવા દે એવો ન હતો. સ્ટીમરના કૅપ્ટન મારફત તેની સાથે ઓળખાણ થઈ ને જોતજોતામાં અમે મિત્રો બની ગયા. નેડલૅન્ડનું શરીર જોઈને મને તેની ઈર્ષા આવી. પૂરા છ ફૂટની તેની ઊંચાઈ હતી. તેનું સ્નાયુબદ્ધ શરીર, મોટી તેજસ્વી આંખો અને ઊપસેલાં હાડકાંવાળાં જડબાં જોઈને બિચારી વ્હેલ માછલી પણ ડરી જાય એવું હતું ! અમે આખો દિવસ કૅપ્ટનની કેબિનમાં બેઠા બેઠા. દરિયાની જ વાતો કર્યા કરતા હતા. નેડલેન્ડ પોતાના શિકારનાં સાહસોની વાતો જ્યારે લડાવીને કહેતો ત્યારે અમારાં રોમાંચ પણ ખડાં થતાં અને સાથેસાથ વ્હેલ માછલી અમારી સામે આવીને ઊભી હોય એમ લાગતું. નેડલૅન્ડ ઉપરની મારી શ્રદ્ધા ધીમે ધીમે વધતી ગઈ.
પણ નેડલૅન્ડમાં એક ભારે કુટેવ હતી. વાતવાતમાં તે બહુ તપી જતો અને વાતવાતમાં શાંત પણ થઈ જતો. તે એમ માનતો કે દુનિયામાં વ્હેલથી મોટી માછલી થઈ નથી અને થશે જ નહિ ! પણ. એક વાર મારી અને તેની વચ્ચે આ બાબતમાં ખૂબ ચર્ચા થઈ. મેં તેને એક પછી એક દલીલોથી મહાત કરવા માંડ્યો. તેની પાસે સામે દલીલ નહોતી, પણ તે માત્ર ના જ પાડ્યા કરતો. તે એમ જ કહેતો કે આવી મોટી સ્ટીમરને ગાબડું પાડી દે એટલું બળ માછલીમાં હોય જ નહિ. મેં તેને સમજાવ્યો કે ‘જે પ્રાણી દરિયાની નીચે ઠેઠ તળિયા. સુધી એટલે લગભગ ૩૦,૦૦૦ ફૂટ ઊંડે જઈ શકે તે પ્રાણીની ચામડી લગભગ ૯ કરોડ રતલ વજન ખમી શકે તેટલી મજબૂત હોય, તો જ તે જીવી શકે. જે પ્રાણી આટલું વજન ઝીલી શકે તે પ્રાણી એક સ્ટીમરને ઉડાડી દે એમાં નવાઈ શી છે ?” આ દલીલથી તે મૂંગો થઈ ગયો, પણ પોતે કબૂલ થયો છે એમ તેણે ન કહ્યું અને પછી તો મેં તેને વધારે ચીડવવું છોડી દીધું.
સ્ટીમર ઝપાટાબંધ આગળ ચાલી જતી હતી. ત્રીજે દિવસે કેપ્ટને એમ જાહેર કર્યું કે આ સ્ટીમરમાંથી પહેલો જે પ્રાણીને બતાવશે તેને બે હજાર ડૉલર ઇનામ મળશે. આખો દિવસ સ્ટીમરના કઠેડા ઉપર ખલાસીઓ તથા અમે પેલા પ્રાણીના દેખાવાની રાહ જોતાં બેસી રહેતા. દરેકને મનમાં હતું કે બે હજાર ડૉલર પોતાને જ મળશે. ખલાસીઓ પોતાના કામમાંથી ગાપચી મારીને પણ ડેક ઉપર છાનામાના ઊભા રહેતા. આખી સ્ટીમર ઉપર ધમાલ. મચી રહેતી. દિવસોના દિવસો આ પ્રમાણે ખોટી રાહ જોવામાં ચાલ્યા ગયા અને ધીમે ધીમે સહુ કંટાળવા લાગ્યા. સ્ટીમર પણ અમેરિકાની દક્ષિણે થઈને પાસિફિક મહાસાગરમાં આવી પહોંચી. આવડા મોટા દરિયામાં ફક્ત બસો ફૂટ જગ્યા રોકનારું પ્રાણી શોધી કાઢવું તેમાં ધીરજની ખરી કસોટી હતી. સ્ટીમર ધીમે ધીમે જાપાન તરફ આગળ જતી હતી. લગભગ બસો માઈલને છેટે. જાપાનનો કિનારો હતો.
એક દિવસ સાંજનો વખત હતો. ધીમે ધીમે દરિયામાં ભૂરાં પાણી ઉપર કાળો અંધકાર છવાતો જતો હતો. હું તથા મારો નોકર તૂતક ઉપર ખુરશી નાખીને દરિયાની ઠંડી હવા લેતા હતા. કૉન્સીલની નજર ક્ષિતિજ ઉપર ચોટેલી હતી, તેની આંખો વધતા. જતા અંધકારમાં પેલા પ્રાણીને શોધવા મથતી હતી. મેં કૉન્સીલને કહ્યું : 'બે હજાર ડૉલર માટે તને ઠીક તાલાવેલી થઈ લાગે છે !'
‘આપને જે ઠીક લાગે તે ખરું, બાકી આ સ્ટીમર ઉપર મારા જેવા બે હજાર ડૉલરની વાટ જોનાર કોણ નહિ હોય એ સવાલ છે !' કૉન્સીલે કહ્યું.
‘આ અંધારું થવા માંડ્યું, તે બરાબર ન થયું. જ્યાં સુધી પેલું પ્રાણી ન જડે ત્યાં સુધી સૂરજ ન આથમે એવી કોઈ વ્યવસ્થા થઈ શકે તો બહુ સારું !' મેં હસતાં હસતાં કહ્યું.
‘એ આપના જેવા વિજ્ઞાનશાસ્ત્રીઓનું કામ છે. કદાચ એટલા માટે જ અમેરિકાના રાજ્ય આપને આ સ્ટીમરમાં સાથે જવા...'
કૉન્સીલનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ નેડર્લન્ડની ગર્જનાથી આખી સ્ટીમર ગાજી ઊઠી : ‘જુઓ દેખા... ય !'