Challenge - 10 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 10

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ચેલેન્જ - 10

ચેલેન્જ

કનુ ભગદેવ

(10)

અજીત મર્ચન્ટનો ખુલાસો

પોલીસ સ્ટેશનમાં કેપ્ટન દિલીપ, જમાદાર દલપતરામ. ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ અને અજીત બેઠા હતા.

મહેન્દ્રસિંહ સામે રાઈટીંગ પેડ પડ્યું હતું અને હાથમાં બોલપેન હતી.

‘મિસ્ટર અજીત...તમારું પૂરું નામ લખાવો.’

‘અજીત મર્ચન્ટ…! હું…’

‘તમારે ફક્ત સવાલોના જવાબ આપવાના છે. તમારી ઉંમર?’

‘બેતાળીસ વર્ષ?’

‘બીઝનેસ કરો છો?’

‘પાસપોર્ટ એજન્ટ છું.’

‘સરનામું..?’

‘મીરા કોટેજ, ખંડેરાવ માર્કેટ સામે, રાજમહેલ રોડ, વડોદરા..! અહીં હું ડીલક્સ હોટલમાં ઉતર્યો છું.’

‘મરનારને તમે ઓળખાતા હતા?’

‘હા…’

‘છેલ્લી વાર તમે ક્યારે એને જીવતી જોઈ હતી?’

‘ઘણાં મહિનાઓ થઇ ગયા.’

‘અહીં તમે ખાસ એને જ મળવા માટે આવ્યા હતા.’

‘હા...હા...હા...નહીં...નહીં...ખેર એમ જ સમજી લો ને.’

‘તમે એને મળવાનો પ્રયાસ કર્યો હતો?’

‘હા...પણ એ ક્યાં રહેતી હતી એ હું જાણતો ન હોવાથી મુલાકાત થઇ શકી નહોતી.’

‘તો પછી તમે માયા ભુવન પાસે કેવી રીતે આવી પહોંચ્યા?’ મહેન્દ્રસિંહે બોલપેનને ટેબલ પર ટપટપાવતા વેધક નજરે તેની સામે જોઈને પૂછ્યું.

‘આજે એણે જ ટેલીફોન કરીને પોતાનું સરનામું જણાવ્યું હતું. પણ આ ફોન મારી ગેરહાજરીમાં આવ્યો હોવાથી હું તેની સાથે વાતચીત નહોતો કરી શક્યો. મને તો પાછળથી મેસેજ મળ્યો હતો.’ કહીને અજીતે પોતાના ગજવામાંથી એક કાગળ કાઢી, ઘડી ઉકેલતા કહ્યું, ‘એનો સંદેશો હોટલના કાઉન્ટર કલાર્કે લગભગ દસને વીસ મીનીટે રીસીવ કરીને તરત જ લખી લીધો હતો.’

‘અત્યારે બે ને ઉપર પાંચ મિનીટ થઇ છે.’ મહેન્દ્રસિંહે અજીતના હાથમાંથી કાગળ લઈને ઘડિયાળમાં નજર કરીને કહ્યું, ‘આ સંદેશો આવ્યાને અંદાજે પોણા ચાર કલાક થઇ ગયા ખરું ને?’

‘હા...પણ મને તો પોણો-એક કલાક પહેલાં જ હોટલમાં પહોંચ્યો ત્યારે જ મળ્યો છે.’

‘મરનારે તમને મળવા માટે બોલાવ્યા છે એવું તો આ સંદેશમાં લખ્યું જ નથી.’ મહેન્દ્રસિંહે તેની સામે જોતા કહ્યું, ‘તો પછી ફોન કર્યા બાદ લગભગ ત્રણ કલાક પછી મધરાતે, ક-સમયે તે પોતાના ફ્લેટ પર તમારી રાહ જોતી હશે એવું તમે શા પરથી માની લીધું. લાશને જયારે એમ્બ્યુલન્સમાં મોકલવાની તૈયારી થતી હતી બરાબર તે જ વખતે તમે માયા ભુવન પાસે પહોંચ્યા હતા એનો કંઈ ખુલાસો છે તમારી પાસે?’

‘એનો સંદેશો વાંચ્યા પછી હું ચિંતામાં પડી ગયો હતો. ચોક્કસ એને મારું કોઈક જરૂરી કામ ઓય એવું મને લાગ્યું હતું એટલે મેં તરત જ તેને મળવા જવાનું નક્કી કરી લીધું હતું.’

‘અરે, વાહ…!’ મહેન્દ્રસિંહ તેની સામે હાથ નચાવતો, કટાક્ષભર્યા અવાજે બોલ્યો, ‘અને તમારી એ ચિંતા એટલીબધી હદ સુધી તમને મધરાત પછી માયા ભુવન ખેંચી ગઈ ખરું ને? જે છોકરીને તમે મહિનાઓથી મળ્યા નહોતાં એના સંદેશ પછી મળવા જતા પહેલાં મુલાકાત માટે એક ફોન કરીને પૂછવાનું તમને કદાચ નહીં સુઝ્યું હોય તો યોગ્ય નહીં લાગ્યું હોય ખરું ને? મુલાકાત માટે અનુકુળતા છે કે નહીં એ પૂછ્યા વગર તમે સીધા જ માયા ભુવન ખાતે ટેક્સીમાં દોડી આવ્યા.

‘ના…’ મહેન્દ્રસિંહ સામેથી નજર ખસેડીને અજીતે થોથવાતા અવાજે કહ્યું, ‘હું હોટલની બહર નીકળી, ટેક્સી કર્રીને સીધો માયા ભુવન આવ્યો હતો.’

‘કેમ…? કેમ નહોતું સુઝ્યું…?’

‘જવાબ આપવાને બદલે બેચેનીપુર્વક અજીત મર્ચન્ટે ખુરશી પર પાસું બદલ્યું.

‘તમે હોટલમાં પાછા કેટલા વાગ્યે પહોંચ્યા હતા?’

‘બરાબર સમયનો ખ્યાલ નથી. પણ એક તો વાગી જ ગયો હશે. ઉપર થોડી મીનીટો થઇ હશે.’

‘હું...અને આ એક ને ઉપર થોડી મીનીટો પહેલાના સમયમાં તમે ક્યાં હતા?’

‘હ...હ...હું ફરવા ગયો હતો.’ અજીતે દિલીપ સામે ત્રાંસી આંખે જોતા કહ્યું.

‘ક્યાં…?’

‘તમે મને આ સવાલો શા માટે પૂછો છો સાહેબ?’ અજીતના અવાજમાં પારાવાર વ્યાકુળતા હતી, ‘હું કોઈ ચોર, ગુંડો કે મવાલી નથી કે અમુક સમયે ક્યાં હતો અને અમુક સમયે ક્યાં હતો તેવી સાક્ષી રાખવી પડે. મારે આવી કોઈ સાક્ષીની જરૂર નથી.’

‘જરૂર છે મિસ્ટર અજીત મર્ચન્ટ…’

‘શા માટે…?’

‘ખૂનના આરોપમાંથી બચવું હોય તો તમારે એક-એક મીનીટનો હિસાબ આપવો જ પડશે.’

‘શું બકો છો સાહેબ…?’ કહેતો આવેશથી અજીત મર્ચન્ટ પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો, ‘હું મારી ભત્રીજીનું ખૂન શા માટે કરું?’

ઇન્સ્પેક્ટર અને દિલીપ જોરથી ચમકી ગયા. પળભર બંનેની નજર એકબીજાને મળી. પછી એમની આંખો અવિશ્વાસથી અજીતના ચહેરા પર જડાઈ ગઈ.

‘તમારી ભત્રીજી…?’ ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

‘હા…’ એ બોલ્યો, ‘હું રાજેશ્વરીનો અંકલ છું.’

‘કેપ્ટન…’ ઈન્સ્પેક્ટરે દિલીપ સામે જોઇને કહ્યું, ‘આ માણસ અને એ છોકરીનો જે સંબંધ છે, એની સાથે તમારી કાલ્પનિક વાતોનો શું ખુલાશો છે તમારી પાસે?’

‘હું પણ એ જ જાણવા માંગુ છું.’ દિલીપ જવાબ આપે તે પહેલાં જ અજીત ઊંચા અવાજે બરાડયો. એની આગ વરસાવતી આંખો સીધી જ દિલીપની આંખોમાં પરોવાઈ ગઈ, ‘તમે કઈ અને કોની વાડીના મૂળા છો એ મને કહેશો? હું એક ખતરનાક અને ભયંકર માણસ છું એવું કહેવાનો તમને શું હક છે?’ વાત પૂરી કરીને તે પાછો ધમ કરતો ખુરશી પર બેસી ગયો.

‘મેં કોઈ કાલ્પનિક વાત કરી નથી.’ અજીત તરફ ધ્યાન આપવાને બદલે દિલીપે ઇન્સ્પેકટરને કહ્યું, ‘પણ આ માણસ…’ એણે અજીત તરફ આંગળી ચીંધી, ‘હળાહળ જુઠું બોલે છે. આ જ એ માણસ છે અને બધું જ વર્ણન આબેહુબ તેને લાગુ પડે છે. એક જ દેખાવના, એકસરખા વર્ણનના બે માણસો હોય એ વાત શક્ય છે. પણ બંને એક જ સમયે લલીતપુરમાં હાજર હોય એ માનવા હું તૈયાર નથી. અને ખુબીની વાત તો એ છે કે બંને રાજેશ્વરીને શોધતા હતા. હકીકતમાં આ માણસના પેટમાં કંઈક પાપ છે અને એ છતું થઇ જશે એવા ભયથી તે એટલો બધો ગભરાઈ ગયો છે કે ખોટું પકડાઈ ન જાય એવું જુઠ્ઠાણું પણ નથી ચલાવી શક્યો. રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી પોતાની ભત્રીજી થાય છે એવું જુઠ્ઠાણું નહીં ટકી શકે એટલો વિચાર પણ તેને નથી આવ્યો.’ દિલીપ ચુપ થઇ ગયો.

‘મિસ્ટર..’ ક્રોધથી થરથરતી હાલતમાં ફરી એક વાર અજીત મર્ચન્ટ ઉભો થઇ ગયો. એની આંખો ચકળવકળ થતી હતી અને પગ ધ્રુજતા હતા. એના ચહેરા પર એક ભાવ આવીને સ્થિર થાય તે પહેલાં જ વિદાય થઇ જતો અને તેના સ્થાને નવો જ ભાવ ફરકવા લાગતો હતો, ‘તમે છો કોણ અને શા માટે બળજબરીથી મને ખૂનના મામલામાં સંડોવો છો એ હજુ પણ મને નથી સમજાતું.’ દિલીપ પરથી નજર ખસેડીને એણે ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘ખુનનો ભોગ બની ગયેલી છોકરી મારી ભત્રીજી હતી. એણે આજે રાત્રે મને, મારી ગેરહાજરીમાં ફોન કર્યો હતો એ એનો સંદેશો મળતાં જ હું એને મળવા માટે ટેક્સીમાં આવ્યો હતો. શું ફક્ત આટલા ખાતર જ મને તમે ખૂની માનો છો?’

‘ના...પણ ખૂનના સમયે તમે ક્યાં હતાં, એનો તમે સંતોષકારક જવાબ આપી શક્યા નથી એટલા માટે પોલીસને તમારા પર શંકા છે.’

‘પણ સવાલ તો એ છે કે…’ અજીતે રોષભર્યા અવાજે કહ્યું, ‘તમારા આવા પ્રશ્નો મને જ શા માટે પૂછો છો? આ જ પ્રશ્નો તમારા આ કેપ્ટનને પૂછો ને! ખૂનના સામે તેઓ પોતે કયું સ્થળ પાવન કરતાં હતા?’

‘બોલો, કેપ્ટન…’ ઈન્સ્પેક્ટર દિલીપ સામે જોતા બોલ્યો,’ આ એટેક સીધો તમારા પર કરે છે, જ્યારે તમે તો એને મરનાર યુવતીના અંકલ માનવાને પણ તૈયાર નથી.’

‘આ બખેડામાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક જબરદસ્ત ગોટાળો થયો લાગે છે.’ દિલીપે વિચારવશ અવાજે કહ્યું, ‘મને છૂટાછવાયા છેડાઓ આંખ સામે નાચતા દેખાય છે. સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાય એવો છેડો હાથમાં નથી આવતો. ખેર, મેં તો જે કંઈ મારી હકીકત હતી તે તમામ તમને વિગતવાર કહી દીધી છે. મરનાર છોકરીના ભયંકર દુશ્મન તરીકે મને આ માણસનું વર્ણન આપવામાં આવ્યું હતું જે મિસ્ટર અજીતને બંધબેસતું આવે છે તો એણે હું દિવંગતા યુવતીનો અંકલ કેવી રીતે માની શકું?’ કહીને તેણે અજીત સામે જોયું અને બોલ્યો, ‘જુઓ મિસ્ટર,અંગત રીતે મારે તમારી સાથે કશી યે દુશ્મનાવટ નથી. પણ જે કંઈ બને છે એણે માટે તમે પોતે જ જવાબદર છે!’

‘હું...પ..પણ કેવી રીતે?’

‘તેમે નશાકારક દ્રવ્યોનું સેવન કરો છો અને બીજાઓને પણ રવાડે ચવો છો. અગાઉ તમે એક વખત મરનાર રાજેશ્વરીને તમારી જાળમાં ફસાવી હતી અને એમાંથી તેને ઉક્ત કરવા ઈચ્છતા નહોતાં. એને મારી નાંખવાની પણ તમે એક વખત ધમકી આપી હતી પરંત એ તમારાથી દુર નાસી ગઈ. પછી જયારે બીજી વાર તમે એણે શોધી કાઢી ત્યારે એણે કેફી દ્ર્રાવ્યો લેવનો ઇનકાર કર્યો એથી રોષે ભરાઈને તમે એનું ખૂન કરી બેઠાં અને...અને..’

‘પ..પ..પણ તમે..મારી વાત તો સાંભળો.’ અજીતે થોથવાતા અવાજે કહ્યું.

‘તમારે વિષે હું બધું જાણું છું એટલે મારે તમારી કોઈ વાત સંભાળવાની જરૂર નથી. તમે પહેલાં મારી વાત સાંભળી લો. પુરાવાઓ બધા જ તમારી વિરુદ્ધમાં છે અને તમારે મેં જે કંઈ કહ્યું છે તે પુરવાર કરી બતાવવા હું તૈયાર છું.’

‘ઇન્સ્પેક્ટર…’ અજીત મર્ચન્ટ થાકેલા અવાજે બોલ્યો, ‘આ માણસ કાં તો પાગલ તી ગયો છે અથવા તો પછી તે પોતાના કોઈ અંગત સ્વાર્થ માટે ખોટું બોલે છે. અને રાજેશ્વરી સાથે મારે શું સંબંધ હતો તે હું પુરવાર કરી શકું તેમ છું.’

ઈન્સ્પેક્ટરે સિગરેટ સળગાવીને દિલીપ સામે જોયું. પછી અજીતને ઉદ્દેશીને કહ્યું, ‘ઠીક છે. તો કરો પુરવાર…’

જવાબમાં એણે પોતાના ગજવામાંથી થોડાં વીઝીટીંગ કાર્ડ, ટ્રાવેલર ચેકો, ચેક બુક, ડ્રાઈવીંગ લાઇસન્સ વગેરે કાઢીને તેની સામે ટેબલ પર મૂકી દીધા. પછી ચેલેન્જ્ભર્યા અવાજે બોલ્યો, ‘ઇન્સ્પેક્ટર, આ બધી વસ્તુઓ જોઇને હું કોણ છું એની ખાતરી કરી લો.’

ઈન્સ્પેક્ટરે ધ્યાનથી એ બધી વસ્તુઓનું નિરિક્ષણ કર્યું. પછી કહ્યું, ‘ઠીક છે...તમે પોતે જ અજીત છો એ પુરવાર થઇ ગયું છે. પરંતુ તમે રાજેશ્વરીના અંકલ છો એ વાત આ વસ્તુઓ પરથી પુરવાર નથી થતી.’ કહીને એણે દિલીપ સામે જોયું, ‘કેપ્ટન, તમે એ છોકરીના અજીત નામના કોઈ અંકલ વિષે જાણો છો?’

‘ના…’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘તમારાં મિત્રના મિત્ર એટલે કે મરનાર રાજેશ્વરીના પિતાએ અજીત નામના કોઈ માણસ વિષે તમને કંઈ જણાવ્યું હતું?’

‘એણે માત્ર તેના દેખાવનું વર્ણન જ કર્યું હતું. નામ નહોતું જણાવ્યું.’ કહીને દિલીપે અજીત સામે જોયું, ‘મિસ્ટર અજીત, તમે રાજેશ્વરીના અંકલ કઈ રીતે થાઓ છો તેનો સ્પષ્ટ ખુલાસો કરો.’

‘તો સાંભળો, મારી પત્ની રાજેશ્વરીની ફઈબા થાય છે એટલે તે રાજેશ્વરીના પિતાની સગી બહેન છે સમજ્યા? અને રાજેશ્વરીના પિતાને એક જ સગી બહેન છે.’

દિલીપ મનોમન ચમક્યો. પછી એણે કંઈક યાદ કરતાં પૂછ્યું, ‘તમારી પત્ની અહીં તમારી સાથે જ છે?’

‘ના..મારી પત્ની અત્યારે વડોદરા છે.’ અજીતે જવાબ આપ્યો, ‘એ ખુબ બીમાર હોવાથી અત્યારે પથારીવશ છે.’

‘તમે છેલ્લે ક્યારે તમારી પત્નીના ખબર-અંતર પૂછ્યા હતા?’ દિલીપે ઊંડો શ્વાસ લઈને કહ્યું.

‘ત્રણ દીવસ પહેલાં...હું વડોદરા થી નીકળ્યો ત્યારે!’

‘તમે વડોદરાથી અહીં આવવા માટે નીકળ્યા ત્યારે તમારી પત્નીની હાલત એકદમ નાજુક હતી અને તેના બચવાની કોઈ આશ નહોતી.’ કહીને દિલીપે પૂછ્યું, ‘તમે અહીં આવ્યા છો એની તમારી પત્નીને ખબર છે? તમે અહીં કઈ હોટલમાં ઉતર્યા છો એ તે જાણે છે?’

‘મારી પત્ની ઘણાં દિવસથી બીમાર છે અને તેના રોગની કોઈ જ દવા નથી. હું વડોદરાથી નીકળ્યો ત્યારે હું અહીં આવવાનો છું એવી કોઈ વાતચીત કરવા જેવી હાલતમાં તે નહોતી. ડોકટરના કહેવા મુજબ હવે તે થોડાં દિવસ જ જીવશે.’

‘તમે ય બાકી કમાલ કરો છો મિસ્ટર અજીત!’ દિલીપ ભાવહીન અવાજે બોલ્યો, ‘તમારી પત્ની મૃત્યુના આરે ઉભી હોવા છતાં પણ તમે એને છોડીને અહીં આવ્યા?’

‘એ મારો અંગત મામલો છે. એની સાથે તમારે કે બીજા કોઈને કશુયે લાગતું-વળગતું નથી.’

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ દીલીપ મહેન્દ્રસિંહ સામે જોતા બોલ્યો, ‘આ માણસ કેટલો ખોટો અને સ્વાર્થી છે એ તમે જોયું ને? દીનાનાથની બહેન એટલે કે જે સ્ત્રીને આ માણસ પોતાની પત્ની તરીકે ઓળખાવે છે એ આજે સાંજે વડોદરામાં જ મૃત્યુ પામી છે એની પણ તેને ખબર નથી.’

ઈન્સ્પેક્ટરે તિરસ્કારભરી નજરે અજીત સામે જોયું.

અજીત શંકાથી દિલીપ સામે જોતો હતો.

‘મારી પત્ની આજે સાંજે મૃત્યુ પામી છે?’ એના અવાજમાં શંકા હતી, ‘મિસ્ટર દિલીપ, તમારી વાત મારે ગળે નથી ઉતરતી. કહીને એણે દયામણી નજરે ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, આ માણસનો…’ એણે દિલીપ સામે સંકેત કર્યો, ‘મુખ્ય હેતુ શો છે એ તો હું નથી જાણતો પરંતુ તે મને આ ખૂન કેસમાં સંડોવવા માંગે છે એ તો નક્કી જ છે.’

‘કેપ્ટન…’ ઈન્સ્પેક્ટરે દિલીપ સામે જોતા પૂછ્યું, ‘મિસ્ટર અજીતની પત્ની મૃત્યુ પામી છે એની તમને કઈ રીતે ખબર પડી?’

‘દીનાનાથ પાસેથી…!’ દિલીપે જવાબ આપ્યો, ‘અહીં આવી, એની દીકરી રાજેશ્વરી ઉર્ફે આરતી સાથે સંપર્ક સાધ્યા પછી મેં દીનાનાથને બલરામપુર ફોન કર્યો હતો. દીનાનાથને પણ મેં ફોન કર્યો એની થોડી વાર પહેલાં જ પોતાની બહેનના મૃત્યુના સમાચાર મળ્યા હતા અને તે વડોદરા જવાની તૈયારી જ કરતો હતો. અને આ માણસ કે જે એ સ્ત્રીનો પતિ હોવાનો દાવો કરે છે એને મેં કહ્યું કે તે પહેલાં પોતાની પત્નીનાં મૃત્યુની ખબર પણ નહોતી. અને એ પુરવાર કરે છે કે આ માણસની બધી વાતો ખોટી અને પાયા વગરની છે.’

‘મિસ્ટર અજીત, આ બાબતમાં હવે તમે શું ખુલાસો કરો છો?’ ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

અજીત માથું નીચું કરીને બેઠો હતો. એની આંખો બંધ હતી. કોઈક પ્રાર્થના કરતો હોય એમ તેના હોઠ ફફડતા હતા. એના ચહેરા પર દુઃખ અને ઉદાસીના હાવભાવ છવાયેલાં હતા. ઇન્સ્પેક્ટરના સવાલની તેના પર કંઈ જ અસર થઇ નહોતી.

‘તમે મારા સવાલનો જવાબ આપ્યો નહીં મિસ્ટર અજીત?’ ઈન્સ્પેક્ટરે ફરીથી પૂછ્યું.

અજીતે માથું ઊંચું કરીને આંખો ઉઘાડી. એની આંખો ભરાઈ આવી હતી.

‘મૃત્યુના સમાચાર હમેશા દુઃખ ભરેલા જ હોય છે.’ તે પીડાભર્યા અવાજે બોલ્યો, ‘કોઈને ય મૃત્યુની વાત માનવામાં નથી આવતી હોતી.’

‘મિસ્ટર અજીત…’ ઈન્સ્પેક્ટરે કઠોર અવાજે કહ્યું, ‘તમને તમારી પત્નીના સમાચાર તરત શા માટે નહોતાં આપવામાં આવ્યા એ હું જાણવા માંગુ છું.’

‘એ હું તમને જણાવું છું ઇન્સ્પેક્ટર!’ અજીતે જવાબ આપ્યો, ‘કાલે અહીં લલીતપુરમાં આવીને ડીલક્સ હોટલમાં ઉતર્યા બાદ મેં મારી પત્નીને પત્ર લખ્યો હતો. એ પત્ર હજુ ત્યાં પહોંચ્યો નહીં હોય. એટલે મારા અહીંના ઠેકાણાની ખબર ન હોવાને કારણે મને એના મૃત્યુના સમાચાર નહીં આપી શકાયા હોય!’

ઈન્સ્પેક્ટરે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું.

‘આ માણસ..’ દિલીપે કહ્યું, ‘જરૂર પડે તો પોતાનો સંપર્ક ક્યાં સાધવો એ જણાવ્યા વગર, પોતાની પત્નીને મૃત્યુને આરે ઉભેલી જોઇને પણ અહીં ચાલ્યો આવ્યો અને આવ્યે તો ભલે આવ્યો. પણ અહીં આવ્યા બાદ પોતે ક્યાં ઉતર્યો છે એની જાણ કરવા માટે ફોન કે તાર કરવાને બદલે પત્ર લખીને જણાવવાનું વધારે યોગ્ય માન્યું. મને તો તેની એકેય વાત સમજાતી નથી.’

‘તો પછી જે રીતે તમે તમારી વાત સમજાવવાનો પ્રયત્ન કરો છો એ રીતે તેની વાત સમજવાનો પ્રયાસ કરો કેપ્ટન…!’ ઈન્સ્પેક્ટરે કહ્યું.

‘એટલે…? તમે કહેવા શું માંગો છો?’ દિલીપે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘તમે જે વાતો કરી છે તેને સાચી કરવા માટે તમારી પાસે કોઈ પુરાવાઓ છે?’

‘ના...અત્યારે તો કોઈ જ પુરાવો નથી. રાજેશ્વરીનો, દીનાનાથે મને આપેલો ફોટો પણ નથી.’ કહીને દિલીપ, અજીત તરફ ફર્યો, ‘રાજેશ્વરીનું ખૂન કર્યા બાદ એ ફોટાનું તમે શું કર્યું?’

‘ફોટો…?’ અજીતે પીડા ભર્યા અવાજે પૂછ્યું, ‘કોનો ફોટો?’

‘મિસ્ટર અજીત…!’ આ રીતે અજાણ બનવાથી કંઈ જ લાભ નથી થવાનો!’ દિલીપે ઘૂરકતા અવાજે કહ્યું. પછી તે મહેન્દ્રસિંહ તરફ ફર્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, આ અજીત એ જ માણસ છે કે જેને વિષે દીનાનાથે મને અગાઉથી જ સાવચેત કરી દીધો હતો. જો એ રાજેશ્વરીના ફુઆ છે તો…’ એણે પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું.

‘દીનાનાથ મને નફરત કરે છે.’ અજીતનો અવાજ ધીમો હતો, ‘મેં એની બહેન સાથે લગ્ન કર્યા ત્યારથી તેને મારા પ્રત્યે નફરત થી ગઈ છે. જો તમારી વાત સાચી હોય તો એણે મારી સાથે કેવી અને શા માટે મજાક કરી છે એ મને સમજાતું નથી. હું અહીં રાજેશ્વરીને મળવા આવ્યો હતો એ કબુલ કરું છું. અમુક અંગત કારણસર દીનાનાથ મને અને રાજેશ્વરીને, એકબીજાને મળવા દેવા નહોતો માંગતો. એણે મને રાજેશ્વરીનું સરનામું આપવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી. મારી પત્ની રાજેશ્વરીને પોતાની સગી દીકરી સમાન જ માનતી હતી અને વર્ષો સુધી તેને મા જેવો જ પ્રેમ આપ્યો હતો. પરંતુ દીનાનાથને બધું ગમતું નહોતું. રાજેશ્વરી અને મારી પત્ની વચ્ચેનો ફૈબા-ભત્રીજીનો સંબંધ માત્ર ઔપચારિકતા પુરતો જ રહે એમ તે ઈચ્છતો હતો. એણે જ મારી વિરુદ્ધ રાજેશ્વરીના કાન ભંભેર્યા હશે એની મને પૂરી ખરી છે અને કદાચ આ જ કારણસર મારી પત્નીની બીમારી દરમિયાન રાજેશ્વરી તેના ખબર-અંતર પૂછવા નહોતી આવી.’ કહીને તેણે ઊંડો શ્વાસ લીધો, ‘ખેર, હવે તો એ બંને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.’ તે બંને હથેળી વચ્ચે ચહેરો છુપાવીને ધ્રુસકાં ભરવા લાગ્યો.

ઇન્સ્પેક્ટર અને દિલીપ ચુપચાપ તેની સામે તાકી રહ્યા.

‘મિસ્ટર અજીત…!’ થોડી પળો બાદ ઈન્સ્પેક્ટરે સહાનુભુતિ ભર્યા અવાજે કહ્યું, ‘જે થવું હતું તે થઈ ગયું. તમારે એક જ રાતમાં બબ્બે આઘાતો સહન કરવા પડ્યા છે. હવે હું તમને વધુ વખત અહિં નહીં રોકું. તમે હવે તમારી હોટલમાં જઈને આરામ કરો. પરંતુ હાલ તુરત આ શહેર છોડીને જવાની રાજા હું તમને આપી શકું તેમ નથી.’

‘ઓહ...તો હું મારી પત્નીના અંતિમ સંસ્કાર નહીં કરી શકું?’ અજીતે કરુણ અવાજે પૂછ્યું.

‘એ માટે હું દિલગીર છું મિસ્ટર અજીત…!’ ઈન્સ્પેક્ટરે ખમચાઈને જવાબ આપ્યો.

‘ઠીક છે…’ અજીત ઉભો થતા બોલ્યો, ‘તમારી લાચારી હું સમજું છું. છેલ્લી વાર પણ મારી પત્નીનું મોઢું જોવાનું કદાચ મારા નસીબમાં નહીં લખ્યું હોય. ખેર, સહાનુભુતિ માટે આભાર!’ કહીને તે ત્યાંથી બહાર નીકળી ગયો.

‘દલપતરામ…’ અત્યાર સુધી ચુપ રહેલા દલપતરામને ઉદ્દેશીને ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘તું હમણાં જે માણસ એટલે કે અજીત અહીંથી બહાર નીકળ્યો છે તેનો પીછો કર. તે ડીલક્સ હોટલમાં ઉતર્યો છે. તારે એની એકએક હિલચાલ પર નજર રાખવાની છે. અને કદાચ જો એ હોટલ માંથી ફોન કરે તો એણે કરેલા ફોનની વિગતો નોંધી લેવાની સુચના હોટલના ટેલીફોન ઓપરેટરને આપી દેજે. બીજું, રાજેશ્વરીએ તેને ક્યારે ફોન કર્યો હતો તેની પણ તપાસ કરી લેજે.’

‘ભલે સાહેબ!’ કહીને દલપતરામ બહાર નીકળી ગયો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ દિલીપે સિગરેટ સળગાવતા પૂછ્યું, ‘અજીતની વાતો પરથી તમે કયા પરિણામ પર આવ્યા છો?’

‘મને તો એ સાચું બોલતો હોય એવું લાગે છે.’ ઈન્સ્પેક્ટરે ચીડાયેલા અવાજે જવાબ આપ્યો.

‘ઓહ...તો હું ખોટું બોલું છું એમ તમે માનો છો?’

‘એ જ મને નથી સમજાતું.’ ઈન્સ્પેક્ટરે પૂર્વવત અવાજે કહ્યું, ‘તમારા બેમાંથી એક ખોટું બોલે છે એ તો નક્કી જ છે. પરંતુ ખોટું બોલવાથી શું લાભ થવાનો છે એ મને સમજાતું નથી. અજીત જો રાજેશ્વરી સાથે પોતાને શું સંબંધ હતો એ વાત પુરવાર કરી શકે તેમ ન હોય તો આવો ખોટો દાવો કરવાનની મૂર્ખાઈ તો ન જ કરે, કારણ કે આવી ખોટી વાતો સહેલાઈથી પકડાઈ જાય છે. અને આ જ વાત તમને પણ લાગુ પડે છે. તમારા વિષે હું જે કંઈ જાણું છું તેના પરથી હું એવા પરિણામ પર આવ્યો છું કે તમે પણ આવી કોઈ વાત ઉપજાવી કાઢવાનો પ્રયાસ ન જ કરો!’

‘એવું માનવા માટે આભાર!’ દિલીપ બોલ્યો.

‘માત્ર આભાર માનવાથી કંઈ જ નહીં વળે. આ કેસની વિગતો મને કહો.’

‘હું જે કંઈ જાણતો હતો એ તો તમને જણાવી જ ચુક્યો છું. ખેર, આ અજીત તમને કેવોક માણસ લાગ્યો?’

‘કઈ બાબતમાં?’

‘નશાકારક પદાર્થોની બાબતમાં?’

‘નશાકારક પદાર્થોના ઉપયોગની બાબતમાં?’

‘હા…’

‘એ નશાખોર નથી એમ હું માનું છું. અલબત્ત, ક્યારેક નશો કરતો હોય તો એ જુદી વાત છે.’

‘એ નશાકારક પદાર્થોનો ધંધો કરતો હોય એવું બને ખરું?’

‘બનવાજોગ છે. પણ આવો ધંધો કરતો હોય એવું મને નથી લાગતું.’

‘હે ઈશ્વર, આ હું કયા બખેડામાં ફસાઈ ગયો.’ દિલીપ ધૂંધવાઈને બોલ્ય્યો, ‘તો શું દીનાનાથ ખોટું બોલ્યો હતો? પરંતુ ખોટું બોલવાથી એને શું લાભ થવાનો હતો?’

‘એ તો હવે તમે એને જ પૂછી લેજો.’

‘હાં...મારે એમ જ કરવું પડશે.’

‘તો પછી કરતાં શા માટે નથી?’

‘એ બલરામપૂરથી વડોદરા જવા માટે ટ્રેનમાં રવાના થઇ ચુક્યો છે.’

‘એનું વડોદરાનું સરનામું છે તમારી પાસે?’

‘હાં…’

‘કોઈ ફોન નંબર?’

‘એ પણ છે.’

‘તો પછી વાંધો શું છે?’

‘વાંધો કંઈ નથી.’ દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. પોણા ત્રણ વાગ્યા હતા. પછી એ બોલ્યો, ‘પરંતુ હજી તો તે રસ્તામાં જ હશે.’

‘તો એમાં શું થઇ ગયું?’

‘એની સાથે સંપર્ક કેવી રીતે સાધવો?’

‘એ તમે મારા પર છોડી દો. હું અધવચ્ચે જ તેને અટકાવીને અહીં બોલાવી લઈશ.’ કહીને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે સ્મિત ફરકાવ્યું.

***