Challenge - 8 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચેલેન્જ - 8

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 8

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ

હેમલતા નામની આ સ્ત્રી ખરેખર જ કોઈક ચસકેલ ભેજાંની છે, કે પછી તે બાધેભરમે મજાક કરે છે, એ વાત મહેન્દ્રસિંહ નક્કી કરી શક્યો નહીં. બીજી તરફ ગુલાબરાય પણ તેને માટે માથાના દુઃખાવા જેઓ બની ગયો હતો. શહેરના ઉચ્ચ કક્ષાના આગેવાનો અને રાજકીય નેતાઓનું પીઠબળ ધરાવતો ગુલાબરાય ખુબ જ ભારાડી, પાકો ફરંદો અને માથાભારે માણસ છે તે હકીકત જાણતો હોવાથી એ એણે સ્પષ્ટ શબ્દોમાં, કેસમાં દરમિયાનગીરી કરતો અટકાવી શકે તેમ નહોતો. કંઈક વિચારીને તેણે ફરીથી વાતનો દોર પોતાના હાથમાં લીધો.

‘જુઓ મેડમ…! અહીં આ ફ્લેટમાં એક નિર્દોષ યુવતીનું ખૂન થઇ ગયું છે અને તેની તપાસનું કામ મને સોંપવામાં આવ્યું છે. ખુનનો બનાવ કંઈ સામાન્ય ન જ ગણાય! માટે મહેરબાની કરીને તમે ગંભીર થાઓ તો એ તમારે માટે લાભદાયક છે. પોલીસતપાસમાં ઢંગધડા વગરના જવાબો આપશો તો પાછળથી કદાચ પસ્તાવું પડશે. સ્પષ્ટ શબ્દોમાં તમને કહું તો હું તમને આ માણસનું નિરિક્ષણ પ્રેમી-પ્રેમિકાની નજરે કરવાનું નથી કહેતો પણ બીજી જ નજરે કહું છું, અને મારા કહેવાનો અર્થ તમે સમજી શકતા ન હો એટલા બધા ભોટ તમે લગતા નથી.’

‘સ..સોરી…સાહેબ…’ હેમલતાએ સહેજ ગભરાઈને કહ્યું, ‘સાંભળો, ત્યારે ત્યાં અંધારું હતું એટલે આ વિષે હું ખાતરી પૂર્વક કહી શકું તેમ નથી. અંધકારને કારણે હું એ માણસને બરોબર જોઈ શકી નહોતી.’

દિલીપે મનોમન છુટકારાનો શ્વાસ લીધો.

એ જ વખતે હોટલની બાલ્કનીમાંથી જમાદાર દલપતરામ આરતી જોશીની બાલ્કનીમાં કુદી આવ્યો અને પછી એ ખંડમાં દાખલ થયો. એના એક હાથમાં છાપાની પસ્તીમાં વીંટાળેલી કોઈ ચીજ હતી અને જને એકાએક જ ભારતના રાષ્ટ્ર્પત્તી સાથે હાથ મિલાવવાની તક મળી હોય એ રીતે તેનો ચહેરો ચમકતો હતો.

‘સાહેબ, જરા અહીં એક તરફ આવો..’ દિલીપ પર ઉડતી નજર ફેંક્યા પછી તે ગુલાબરાયને ઉદ્દેશીને બોલ્યો.

બંને એ જ ખંડના એક ખૂણામાં જઈને ઉભા રહ્યા. થોડી પળો સુધી બંને વચ્ચે ધીમા અવાજે વાતો ચાલી. બંને એક-બીજાના ચહેરા સામે જોઇને ગુસપુસ કરતા હતા. પછી ગુલાબરાય મહેન્દ્રસિંહ પાસે આવ્યો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ ગુલાબરાય મહેન્દ્રસિંહ સામે જોઇને સમ્માન્સુચક અવાજે બોલ્યો. જો કે એમાં કુત્રીમતા હતી.

‘બોલો…’

‘તમને વાંધો ન હોય તો હું કેપ્ટનને થોડા સવાલો પૂછવા માંગુ છું. દલપતરામને એક ખુબ જ અગત્યની માહીતી મળી છે.’

કચવાતે મને મહેન્દ્રસિંહે હા પાડી.

એની મોટી, લીંબુની ફળ જેવી આંખો સ્થીરતાથી દિલીપના ચહેરા પર મંડાઈ.

‘કેપ્ટન, આજે રાત્રે સવા નવ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચેના બે કલાકનાં ગાળામાં તમે ક્યાં હતા.’

‘લગભગ સાડા આઠ વાગ્યે તમારા બે વાટકાઓ...સોરી..ભૂલ્યો, માફ કરજો, તમારા બે ચમચાઓ, જેમાંથી દલપતરામને ચમચાની જગ્યાએ વાટકો કહી શકાય તેમ છે. ખેર...બંનેએ મારા પર નશો, હુમલો, મારામારી, બખેડો વિગેરે ઢંગધડા વગરના ચાર-પાંચ આરોપો મૂકી, મને અટકમાં લઈને કસ્ટડીમાં પૂરી દીધો હતો.

‘ત્યાંથી તમે કેટલા વાગ્યે છુટ્યા?’

‘લગભગ દસ ને પચાસ મીનીટે...અગિયાર વાગવામાં અંદાજે સાત-આઠ મીનીટો બાકી હતી.’

‘દલપતરામે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લીધી છે.’ ગુલાબરાયે કહ્યું, ‘રજીસ્ટરમાં લખ્યા પ્રમાણે તમને બરોબર દસને ચાલીસ મીનીટે છોડવામાં આવ્યા હતા.’ કહીને એ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ તરફ ફર્યો, ‘તમારી માન્યતા પ્રમાણે આરતી જોશીનું ખુન અંદાજે કેટલા વાગ્યે થયું હશે?’

‘ચોક્કસ સમય કેવી રીતે કહી શકાય!’ મહેન્દ્રસિંહ ઘડિયાળમાં નજર કરતો બોલ્યો, ‘પણ આ યુવતીનું મૃત્યુ દસ અને અગિયારની વચ્ચે જ થયું હશે એ તો ચોક્કસ છે.’

‘કેપ્ટન…’ ગુલાબરાયે દિલીપ સામે જોઇને કહ્યું, ‘તમે અહીં અંદાજે સવા અગિયાર કે એથી ઉપર પાંચ-સાત મીનીટે અગિયારને વીસ મીનીટ આસપાસના ગાળાના સમયમાં આવ્યા હતા એમ આરતી જોશીની બાજુમાં રહેતાં હેમલાતાબેને કહ્યું છે. તમે એ જ સમયમાં હેમલતાબેનના ફ્લેટની ઘંટડી વગાડી હતી. હેમલાતાબેનની વતોમાંથી એ સ્પષ્ટ થાય છે કે તમે એ વખત્તે કોઈક એલીબી મેળવવાના ચક્કરમાં હતા! એવી એલીબી કે જે પાછળથી કહી શકે કે એની હાજરીમાં જ લાશ વિષે અમને ખબર પડી હતી. એ પહેલાં એ કશુયે નહોતાં જાણતા. કેપ્ટન, ખોટી સાક્ષી ઉભી કરવા માટે જ તમે હેમલતાબેનના ફ્લેટની ઘંટડી વગાડી હતી અન ઈરાદાપૂર્વક જ એમના સંપર્કમાં આવ્યા હતા. વાસ્તવમાં તો આરતી જોશી મૃત્યુ પામી છે, એ તમે પહેલાથી જ જાણતા હતા. કેવી રીતે? તો સ્પષ્ટ છે કે એનું ખૂન તમે પોતે જ કર્યું હતું...’

દિલીપ મુક બનીને સ્થિર નજરે ગુલાબરાયને તાકી રહ્યો.

‘આરતી જોશીનું ખૂન કર્યું હોવાનો તમે ઇનકાર કરો છો?’

‘હાં…’ દિલીપે મક્કમ અવાજે ગુલાબરાયને જવાબ આપ્યો.

‘તો પછી દસ ને ચાલીસ મિનિટથી અગિયાર ને વીસ મિનીટ વચ્ચેના ગાળામાં તમે ક્યાં હતાં અને શું કરતા રહ્યા હતા એ કહેશો?’

‘કસ્ટડીમાંથી છૂટ્યા પછી બહાર નીકળીને હું એક હોટલમાં ગયો હતો અને ત્યાં કોફી પીધી હતી.’

‘હોટલનું નામ…’

‘સુપ્રીમ હોટલ…’

‘હું…’ હુંકાર કર્યા પછી ગુલાબરાયે કહ્યું, ‘અને તમારા લઘરવઘર, ચીંથરેહાલ કપડાં બદલાવવા, ફ્રેશ થવા માટે તમે ક્યાં ગયા હતાં?’

‘તમે કહેવા શું માંગો છો?’

‘માયા હોટલનાં કાઉન્ટર કલાર્કે દલપતરામની પૂછપરછના જવાબમાં કહ્યું છે કે તમે સાંજે બહાર નીકળ્યા પછી હોટલમાં હજુ સુધી પાછા જ નથી ફર્યા. અને એટલે જ હું જાણવા માંગુ છું કે તમે ફ્રેશ ક્યાં થયા ? ફાટી ગયેલાં કપડાં ક્યાં બદલ્યા?’

‘ગુલાબરાય…’ દિલીપે જવાબ આપવાને બદલે સામો સવાલ પૂછ્યો, ‘તમે ક્યાંક એમ તો નથી માનતા ને કે હું હોટલની મારી રૂમની બાલ્કનીમાંથી કુદીને અહીં આવ્યો અને આરતીનું ખૂન કરીને ચુપચાપ પાછો ચાલ્યો ગયો.’

‘કેમ…? એમ નથી બન્યું?’ ગુલાબરાયે કુત્રિમ આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘ઓ..તારી...માળુ, આ હવે ભારે કૌતુક થયું કહેવાય…! કેપ્ટન, હું તો ખરેખર જ સોએ સો ટકા એમ જ માનતો હતો કે તમે જ આ રીતે આવીને ખૂન કરીને પલાયન થઇ ગયા છો. પણ જવા દો. ભલે મારી માન્યતા ખોટી ઠરી! બીજુ શું થાય? વારુ, તો પછી એમ ન બન્યું હોય તો કેમ બન્યું છે, એ કહેશો તમે?’

‘તમારી માન્યતાનો હું વિરોધ કરું છું.’ દિલીપ મક્કમતાથી બોલ્યો, ‘હું બાલ્કનીમાંથી ક્યારેય અહિં આવ્યો નથી. મેં ખૂન કર્યું નથી. હોટલના કાઉન્ટર ક્લાર્કનો જવાબ જ મારી વાતની સાક્ષી પૂરે છે કે હું સાંજે બહાર ગયા પછી પાછો જ નથી આવ્યો…’ દિલીપના હોઠનાં ખૂણા પર હળવું સ્મિત ફરકી ગયું, ‘હવે તમે પોતે જ કહો કે હું હોટલમાં પાછો ગયો જ નથી તો મારી રૂમમાં કેવી રીતે પહોંચ્યો? જાદુના જોરથી હવામાં છલાંગ લગાવીને ત્રીજા માળ પર આવેલી મારી રૂમમાં કે બાલ્કનીમાં પહોંચી ગયો હતો? બોલો, શું કહેવાં માંગો છો તમે?’

‘એનો સાચો જવાબ તો તમારે જ આપવાનો છે કેપ્ટન…’ ગુલાબરાયે દલપતરામ તરફ ફરીને આદેશાત્મક અવાજે કહ્યું, ‘દલપતરામ આને પેલી વસ્તુ બતાવ!’

દલપતરામે જાદુગર જેવા હાવભાવ સાથે છાપાની પસ્તીમાં વીંટાળેલો, ઠેક-ઠેકાણે લોહીના ડાઘવાળો ટુવાલ બહાર કાઢ્યો. એ જોઇને દિલીપના મનોમન જ છક્કા છૂટી ગયા, કારણ કે એ ટુવાલ એનો પોતનો જ હતો.

‘આ ટુવાલ તમારો છે કેપ્ટન…’

‘હા…’ પ્રત્યક્ષમાં એ સ્વસ્થ અવાજે બોલ્યો.

‘ઇન્સ્પેકટર સાહેબ…’ મહેન્દ્રસિંહ તરફ ફરીને ગુલાબરાયે કહ્યું, ‘લાશની હાલત જોતા સ્પષ્ટ થાય છે કે મરનારના જમના લમણાં પર કોઈક નક્કર, વજનદાર વસ્તુના ઉપરાઉપરી ઘા કરવામાં આવ્યા હતા અને એમ કરતાં ખૂનીના કપડાં પર પણ લોહીના છાંટા જરૂર ઉડ્યા હતાં. આ છાંટા બનતી ઝડપે સાફ કરી નાખવાની ખૂનીને ઉતાવળ હોય એ તો સ્વાભાવિક જ છે. હવે તમે બરાબર સાંભળજો...આ ટુવાલ કેપ્ટન દિલીપનો છે, અને તે એની જ રૂમનાં બાથરૂમમાંથી દલપતરામને મળી આવ્યો છે. કેસના બધા જ પાસાને તમે તપાસશો તો તરત જ સમજી શકશો કે મરનારનું ખૂન બીજા કોઈએ નહીં પણ ખુદ કેપ્ટન દિલીપે પોતેજ કર્યું છે. એ જ આરતી જોશીનો ખૂની છે.’

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ આ વખતે ગુલાબરાયની વાતથી પ્રભાવિત થયેલો દેખાયો. એણે ધ્યાનથી ટુવાલ જોયો. પછી દિલીપ સામે નજર કરી.

‘તમે તમારો ગુનો કબુલો છો?’

‘કયો ગુનો…? મહેન્દ્રસિંહ સાહેબ, મેં કોઈ ગુનો કર્યો જ નથી તો પછી આમાં કબુલ કરવાની વાત જ ક્યાં આવી? સાચી વાત તો એ છે કે તમે ગુલાબરાયની વાતોની અસરમાં આવવાને બદલે દરેક પાસાને. દરેક હકીકતને તમારાં પોતાના દ્રષ્ટિકોણથી જુઓ…! ગુલાબરાય સાથે જૂની અદાવત છે અને એ કારણસર જ તે મને સંડોવી દેવાનો પ્રયાસ કરે છે.’

‘આ ટુવાલ વિષે તમે શું ખુલાસો કરો છો?’

‘એ જ કે આરતીના ખુનીએ મારી ગેરહાજરીનો આબાદ લાભઃ ઉઠાવ્યો છે. ખૂની જે કોઈ હોય તે...પણ એ ખૂન કર્યા પછી ચુપચાપ અહીં આવ્યો...બાથરૂમમાં ગયો ને લોહીના ડાઘા દુર કરવા માટે ટુવાલનો ઉપયોગ કર્યો. ટુવાલ મારો છે એટલે મેં જ ખૂન કર્યું છે એવું થોડું પુરવાર થાય છે?’

‘સરકારી લેબોરેટરીમાં ટુવાલની રાસાયણિક પરિક્ક્ષા કરીને એ પણ જાણી શકાય છે મિસ્ટર દિલીપ.’

‘કબુલ…’ દિલીપે કહ્યું, ‘પણ એથી ટુવાલ પરનું લોહી કયા ગ્રુપનું હતું, એ જ જાણી શકાશે. જો આરતીનું લોહી પણ એ જ ગ્રુપનું હશે તો પણ તેથી તમે કશું યે પુરવાર નહીં કરી શકો...ને કરી શકો તો ફક્ત એટલું જ કે ટુવાલ પરથી મળી આવેલું લોહી આરતીનું હોઈ શકે છે. માની લો કે મરનાર અને મારનાર...બંનેના લોહીનું ગ્રુપ એક જ હોય તો તમે શું કરી શકશો? ખૂની પકડાયા પછી પણ ઇનકાર કરશે. એ જાતજાતનાં બહાનાં કાઢીને કહેશે કે એ લોહી તો મારું છે...મને આંગળીમાં કે બીજે ક્યાંક વાગી ગયું હતું. અથવા તો કહેશે કે મારી નસકોરી ફૂટી હતી એટલે મેં જ એ ટુવાલનો ઉપયોગ કર્યો હતો. બોલો, પછી તમે શું કહેશો?’

‘લોહીના ટેસ્ટ ઉપરાંત પણ ઘણાં ટેસ્ટ હોય છે.’ મહેન્દ્રસિંહ શાંત અવાજે બોલ્યો, ‘દાખલા તરીકે સ્પાઈરેશન એટલે કે પરસેવાની ચકાસણી…! કહેવાનો અર્થ એ છે કે લોહીના ડાઘા દુર કરવા માટે આ ટુવાલનો ઉપયોગ તમે કર્યો હતો કે કોઈ બીજાએ તે રાસાયણિક પરિક્ષાથી જાણી શકાય છે. તમારા ટુવાલ પર તમારો જ પરસેવો હોય એણે તો તમે ઇનકાર કરી શકો તમે નથી. કેપ્ટન, લેબોરેટરીમાં ચકાસણીમાં જો બીજા કોઈનાં પરસેવાનાં ચિહ્નો ન મળી આવે તો સ્પષ્ટ છે કે ટુવાલનો ઉપયોગ તમે જ કર્યો હતો.’

‘કબુલ છે...હું માની લઉં છું તમારી વાત…!’ દિલીપે સહેજ રુક્ષ અવાજે કહ્યું, ‘પણ તમે જરા એટલો તો વિચર કરો કે હું એક સરકારી ગુપ્તચર છું. મેં આનાથીયે વધારે જટિલ ખુન કેસો ઉકેલ્યા છે. શું હું એટલો બધો બેવકૂફ અને અક્કલ વગરનો લાગુ છું કે ખૂન કાર્ય પછી, હું પકડાઈ જવા મે મારી પાછળ ગુલાબરાયે કહેલાં પુરાવાઓ મુકતો જાઉં? મેં જ ખૂન કર્યું હોય, કરીને ટુવાલનો ઉપયોગ કર્યો હોય તો શું હું તે મારા હાથમાં બેડી પહેરવા માટે ટુવાલને બાથરૂમમાં મુકતો જાઉં એમ તમે માનો છો? માફ કરજો ઇન્સ્પેક્ટર! પણ મને કહેવા દો કે ગુલાબરાય મને યેન કેન પ્રકારે જૂની અદાવતને કારણે આ ખૂન કેસમાં સંડોવી દેવા માંગે છે. હું ધારું તો ઘડીના છઠ્ઠા ભાગમાં ગુલાબરાયના હાથમાં સમપાતર પકડાવી દઉં એટલી મારી હેસિયત છે અને આ વાત ગુલાબરાય પણ જાણે જ છે છતાં યે તે પોતાની ઠેકડી માંથી ઊંચા નથી આવતા. વાસ્તવમાં હું કેફી પદ્દાર્થો વેચનારાઓની પાછળ પડી ગયો છું એ તેને હરગીજ નથી ગમતું. અને ગમે પણ ક્યાંથી? બદમાશી અને ગુંડાગીરી બધું એની મીઠી નજર નીચે જ આ શહેરમાં ચાલે છે અને પોતાની પોલ છતી ન થાય, પોતાનો ભાંડો ફૂટી ન જાય એટલા માટે એ મને આ ખુન કેસમાં સંડોવી દેવા માંગે છે. ખેર, આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. સાચી વાત તો એ છે ઇન્સ્પેક્ટર સાહેબ કે તમે નાહક જ મારી પાછળ તમારો સમય વેડફો છો. આ ફ્લેટમાં ખૂન થઇ ગયું છે એ વાત હું અહીં આવ્યા પહેલાં જાણતો જ નહોતો. હું આરતી જોશીને મળવા આવવાનો હતો પણ અહીં આવ્યા પહેલાં મારે મારા ચહેરા પરના ઉઝરડા અને લોહીથી ખરડાયેલો ચહેરો સાફ કરવાની જરૂર હતી એટલે હું મારી રૂમમાં ગયો હતો અને બાથરૂમમાં પડેલા આ ટુવાલનો પણ મેં જ ઉપયોગ કર્યો હતો. ગુલાબરાયના મોંએ ચડાવેલા દલપતરામ સાથે મારે ઝપાઝપી થઇ ગઈ હતી અને ચહેરા પર ઉઝરડાં થયા હતા એ તો કહેવાની મારે જરૂર જ નથી. બીજા શબ્દોમાં ટુવાલ પર પડેલા ડાઘા મારા પોતાના જ છે અને આ વાત લેબોરેટરીની ચકાસણીમાં પુરવાર થઇ જશે અને જો કદાચ આરતી જોશીનું લોહી પણ મારા જ ગ્રુપનું નીકળ્યું તો એથી યે ખાસ કોઈ વાત પુરવાર નથી થતી. એક જ ગ્રુપનું લોહી, એક-બે નહીં હજારો માણસોનું હોઈ શકે.’ કહીને દિલીપ ચુપ થઇ ગયો.

‘તો તમે પહેલાં એમ શા માટે કહ્યું હતું કે હું મારા રૂમમાં ગયો જ નથી?’ ગુલાબરાય આંખો કાઢતો જોરથી તાડૂક્યો, ‘તમે પહેલાં જુઠ્ઠું શા માટે બોલ્યા હતાં?’

‘તો બીજું શું કરું…?’ દિલીપ પણ એટલા જ જોરથી બોલ્યો, ‘મને મારો બચાવ કરવાનો પુરેપુરો હક છે ગુલાબરાય! આ ફ્લેટની બાલ્કનીમાંથી કુદીને પલાયન થઇ જનારો માણસ જ ખૂની હતો. પણ સંજોગોએ મને જ આ બખેડામાં ફસાવી દીધો છે. ગુલાબરાય, અનાયાસે જ સાંપડેલી તકનો લાભ લઈને તમ મને ખૂની તરીકે પુરવાર કરવા માટે ઠેકડા મારો છો, એ હું બરાબર સમજુ છું એટલે જ મેં, મારી રૂમમાં ગયો જ નથી એમ તમને કહ્યું હતું.’

‘બરાબર છે...બરાબર છે…’ ગુલાબરાયના અવાજમાં ભારોભાર કટાક્ષ હતો, ‘પણ હવે કેપ્ટન સાહેબ, મને એ સમજાવવાની કૃપા કરશો કે તમે તમારી રૂમમાં ગયા હતા તો કાઉન્ટર કલાર્કે તમને જોયા કેમ નહીં? એ તો કહે છે કે તમે હોટલમાં પાછા આવ્યા જ નથી.’

‘એની વાત સાચી છે.’ દિલીપે ખુલાસો કરતાં કહ્યું, ‘લોકઅપમાંથી છૂટ્યા પછી હું હોટલવાળી ગલીના ખૂણા પર પહોંચ્યો હતો. એ વખતે મારો દેખાવ એકડા અસ્ત-વ્યસ્ત હતો. દલપતરામ સાથેની ઝપાઝપીમાં મારા ચહેરા પર ઉઝરડા થયા હતા. વાળ વીંખાઈ ગયા હતા એટલે મને હોટલના મુખ્ય માર્ગેથી નંદર જવાનું યોગ્ય ન લાગ્યું, એથી હું પાછળના ભાગમાંથી હોટલમાં દાખલ થયો હતો અને ત્યારે ત્યાં કોઈ જ નહોતું. હું ચુપચાપ સીડી ચડીને મારી રૂમમાં પહોંચી ગયો.’

‘તો પહેલાં તમે જુઠ્ઠું શા માટે બોલ્યા હતા કેપ્ટન?’

‘એનો જવાબ એક વાર હું આપી ચુક્યો છું ગુલાબરાય.’

અને હજુ પણ જુઠ્ઠું નથી બોલતા એની શી ખાતરી?’ ગુલાબરાય ક્રોધથી ધુઆપુઆ થતો બોલ્યો, ‘સાંભળો કેપ્ટન, તમે કહો છો તેમ તમે પાછલા ભાગેથી દાખલ થઈ, તમારી રૂમમાં પહોંચ્યા હતા ખરું ને?’

‘હા…’

‘અને પછી તમારી બાલ્કનીમાંથી કુદીને તમે અહીં આવ્યા, આરતીનું ખૂન કર્યું, આવ્યા હતા એ જ રીતે બાલ્કની કુદીને તમારી રૂમમાં જતા રહ્યા બરાબર ને?’

‘હરગીઝ નહીં…’

‘આગળ સાંભળો…’ ગુલાબરાય એના વિરોધ તરફ ધ્યાન આપ્યા વગર આગળ કહેતો ગયો, ‘ખૂન કરી, તમારી રૂમમાં પાછા જઈ આવ્યા હતા એ રીતે જ હોટલના પાછલા ભાગમાંથી નીકળી ગયા અને પછી તમારી જાતને નીર્દ્દોષ પુરવાર કરવા માટે માયા ભુવનના ત્રીજા માળ પર આરતીના ફ્લેટ પાસે પહોંચ્યા. અંદર આરતીની લાશ પડી છે એ તો તમે જાણતા જ હતા છતાં યે જાણે તદ્દન અજાણ્યા હો એ મ સાક્ષી ઉભી કરવા માટે ઘંટડી વગાડી. પછી નાટકના બીજા ચરણ પ્રમાણે હેમલતાના ફ્લેટની ઘંટડી વગાડી. તેની સાથે વાતચીત કરીને તેને વિશ્વાસમાં લીધી અને પછી પહેલી જ વાર આરતીના ફ્લેટમાં પગ મુકતા હો એવા હાવભાવથી હેમલતા સાથે અંદર દાખલ થયા. આમ ખુબ જ સિફતથી તમે લાશ પડી હોવાની જાહેરાત કરી દીધી. હવે કેપ્ટન...મુખ્ય સવાલ એ છે કે તમે આવું બધું નાટક શા માટે કર્યું? મરનાર યુવતી આરતી જોશી કોણ હતી? અને ઉસ્માનપુરાના મારા પોલીસ સ્ટેશનમાં તમે મને આરતી જોશી વિષે જે ઉપજાવી કાઢેલી વાતો કરી હતી એની પાછળ તમારો મુખ્ય ધ્યેય શું હતો?’

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ ગુલાબરાયને જવાબ આપવાની પરવાહ કર્યા વગર મહેન્દ્રસિંહ તરફ ફરીને દિલીપ બોલ્યો, ‘ઉસ્માનપુરા વિસ્તારમાં ખૂનકેસની તપાસ શું આ રીતે કરવામાં આવે છે? અગાઉ બે વખત હું કહી ચુક્યો છું કે આ માણસ સાથે મારે જૂની અદાવત છે એટલે તે મને આરતીના ખૂનમાં સંડોવી દેવા માંગે છે.’

‘કેપ્ટન સાહેબ..’ મહેન્દ્રસિંહના ભવા સંકોચાયા, ‘તમારા વગર હજુ સુધી આ ખૂનકેસમાં શંકાસ્પદ ગણી શકાય એવો બીજો કોઈ જ માણસ દેખાયો નથી. એક એક મુદ્દાઓ, પુરાવાઓ, બધા જ તમારી સામે આંગળી ચીંધે છે.’

‘તો એનો અર્થ એવો થયો કે ગુલાબરાયની ઢંગધડા વગરની વાતોના પ્રભાવમાં તમે પણ આવી ગયા છો. પરંતુ તમે એક વાતનો વિચાર નથી કર્યો.’

‘કઈ વાતનો?’

‘આરતી જોશીના ખુનનો હેતુ…! ધ્યેય…! મારી પાસે ખુનનો કોઈ હેતુ હોય એવું દેખાય છે તમને?’

‘એ તમે જ કહો…!’ મહેન્દ્રસિંહ બોલ્યો, ‘મરનાર આરતી જોશી સાથે તમારે શું સંબંધ હતો? રાત્રે અગિયાર વાગ્યા પછી તમે શા માટે તેને મળવા આવ્યા હતા?’

‘મરનાર આરતી જોશી સાથે મારે કોઈ ખાસ સંબંધ નહોતો…!’ ઇન્સ્પેક્ટર મહેન્ર્સિંહે પૂછેલા સવાલનો જવાબ આપતાં દિલીપે કહ્યું, ‘વાસ્તવમાં તે મારા એક મિત્રની દીકરી હતી. મારો એ મિત્ર પોતાના મિત્રને લઈને મને મળવા માટે બલરામપુર ખાતેની મારી ઓફિસમાં આવ્યો હતો. મારા મિત્રના મિત્ર સાથે પરીચય થયા પછી એણે મને કહ્યું કે મારી પુત્રી આરતી લલીતપુરમાં છે અને એની પાછળ એક બદમાશ આદું ખાઈને પડી ગયો છે, માટે મારે તેની સલામતીની વ્યવસ્થા કરવી. બસ, આ જ કારણસર લલિતપુર આવીને મેં માયા હોટલમાં-ખાસ તેની સામે આવેલાં માયા ભુવનના ત્રીજા માળ પર રહેતી આરતીના ફ્લેટ પર નજર રાખી શકાય એવી વિશેષ રૂમ પસંદ કરી હતી, અને એ ખાસ રૂમ મેળવવા માટે મારે કાઉન્ટર કલાર્કને લાંચ પણ આપવી પડી હતી. હવે જો તમે તટસ્થ રહીને વિચાર કરશો તો તમને મારી વાત અજુગતી, ખોટી કે અવાસ્ત્વિક નહીં લાગે.’

‘તમારા કહેલા દ્રષ્ટિકોણથી અમે કેસને વિચારીએ એમ કહેવા માગો છો તમે?’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે પૂછ્યું.

‘માનવું ન માનવું તમારી ઈચ્છાની વાત છે. પણ મેં જે કંઈ કહ્યું છે તે અક્ષરશ: સત્ય છે! તમને વાંધો ન હોય તો તમે મારી રૂમની બાલ્કનીની રેલીંગ તથા રૂમમાંથી પણ આંગળાની છાપ લેવડાવો! ખૂની ખૂન કર્યા પછી મારી બાલ્કનીમાં થઈને નાસી છુટયો હતો, એવી જુબાની હેમલતાએ આપી જ છે.’

‘એ તો હું અમારા વગર કહ્યે પણ કરવાનો જ હતો.’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ બોલ્યો, ‘ખેર ખૂની બાલ્કનીમાંથી રૂમમાં કેવી રીતે દાખલ થયો હશે એ વિષે તમારું કોઈ અનુમાન ખરું?’

‘બહાર જતી વખતે તાજી હવા અંદર ફેલાતી રહે એટલા માટે હું બાલ્કનીનું બારણું ઉઘાડું મુકતો ગયો હતો એટલે રૂમમાં તો તે સહેલાઈથી પહોંચી શકયો હશે!’ રૂમનું તાળું બારણામાં જ ફીટ છે અને તે અંદર-બહાર, બંને તરફથી ઉઘાડ-બંધ કરી શકાય છે. તે આરતીની બાલ્કની માંથી મારી બાલ્કનીમાં આવ્યો, રૂમમાં દાખલ થયો અને પછી ડુપ્લીકેટ ચાવીની મદદથી બારણું ઉઘાડી, બહાર નીકળી, પાછુ એ જ ચાવીથી બારણું બંધ કરીને હોટલમાંથી પલાયન થઇ ગયો.’

‘હું તમને નહોતો કહેતો…’ અચાનક ગુલાબરાય બંને પગે ઠેકડો મારીને ક્રોધથી નસકોરાં ફૂલાવતો બોલ્યું, ‘કે આ જાસુસ પાસે દરેક સવાલોના જવાબ તૈયાર જ હોય છે. હવે આ જવાબો સાચા છે કે ખોટા એ વાત જુદી છે.’

મહેન્દ્રસિંહ નિરુત્તર રહ્યો.

એણે રૂમમાં ચારે તરફ નજર દોડાવી. ફોટોગ્રાફર પોતાનું કામ પૂરું કરીને ચાલ્ય ગયો હતો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ હવે જવાની તૈયારીમાં હતો.

‘ખૂનનું હથિયાર મળ્યું?’

‘ના સાહેબ…’

થોડી વાર ચુપ રહ્યા પછી એણે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને હોટલમાં દિલીપની રૂમની બારીબારણાં તથા બાલ્કનીની ચપટી રેલીંગ પરથી આંગળાની છાપ લેવવાની સુચના આપી દીધી.

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પોતાના માણસો અને સર-સમાન સાથે આદેશનું પાલન કરવા માટે બહાર નીકળી ગયો.

પછી ઇન્સ્પેક્ટર મએન્દ્રસિંહે દલપતરામ ને મોકલીને એ જ માળ પર રહેતા બીજા બે ભાડૂતોને બોલાવ્યા અને હેમલતા સહીત એ દરેકની પાસે લાશની ઓળખ કરાવી. ત્યારબાદ એ આગળ કશી કાર્યવાહી કરે એ પહેલાં જ એક સબ-ઇન્સ્પેકટરની સાથે બે પોલીસો અને એમ્બ્યુલન્સના માણસો અંદર આવ્યા.

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે લાશને એમ્બ્યુલન્સમાં લઇ જવાની તેઓને સુચના આપ દીધી.

તેઓના ગયા પછી એણે સબ.ઇન્સ્પેક્ટરને ફ્લેટની બારીકાઈથી તલાશી લઈને એને સીલ કરાવી દેવાનો આદેશ આપ્યો.

સબ.ઇન્સ્પેક્ટર પોલીસો સાથે તલાશી લેવાના કામમમાં લાગી ગયો.

‘સાહેબ…’ હેમલતાએ તેને પૂછ્યું, ‘હવે હું જઈ શકું?’

‘જરા થોભો. મારે થોડી પૂછપરછ કરવી છે.’

‘પૂછો…’

‘મરનારની જે બહેનપણીઓ માટે તમે ડીનર તૈયાર કર્યું હતું એમણે તમે ઓળખો છો?’

‘હું ફક્ત એ બંને નામ જ જાણું છું.’

‘એ બંને રહે છે ક્યાં?’

‘એ હું નથી જાણતી.’

‘હું…’ મહેન્દ્રસિંહે ઊંડો શ્વાસ લીધો, ‘ઠીક છે. નામ કહો.’

***