Challenge - 7 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચેલેન્જ - 7

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 7

ગુલાબરાયની અવળચંડાઈ…!

‘પછી…?’ દિલીપે પૂછ્યું.

‘મને પારકી પંચાયત ગમતી નથી એટલે એ માણસને મગજમાંથી કાઢી નાખીને હું ફરીથી સુઈ ગઈ અને ત્યારબાદ તમે આવી, ઘંટડી વગાડીને અને જગાડી દીધી.’

‘આરતીની એ બંને બહેનપણીઓ કોણ હતી તે તમે કહી શકશો?’

‘હવે હું તમારા કોઈ જ સવાલોના જવાબો આપવા માંગતી નથી.’ એ સ્ત્રી દિલીપ સામે ચૂંચી નજરે તાકી રહેતી બોલી, ‘હું મારા ફ્લેટમાં જાઉં છું અને પોલીસ આવશે ત્યારે સીધેસીધું મારે જે કહેવાનું છે તે કહી નાખીશ.’

બરાબર એ જ સમયે અદ્રતની ખામોશીનો ભંગ કરતો, પોલીસ સાયરનનો અવાજ સંભળાયો. એકાદ મિનીટ પછી માયા ભુવનના પ્રવેશદ્વાર પર પોલીસ વાન આવીને ઉભી રહી.

થોડી પળો બાદ સીડી પર ઝડપથી આવતા પગલાનો અવાજ સંભળાયો.

એક સિગરેટ સળગાવીને દિલીપ એક ખૂણામાં જઈને ઉભો રહ્યો.

થોડી વાર પછી ઉઘાડા બારણામાંથી માતેલા આખલાની જેમ ઇન્સ્પેક્ટર ગુલાબરાય અંદર આવ્યો. એની પાછળ જમાદાર દલપતરામનો પગ પડ્યો એ તેની પાછળ એક વધુ ઇન્સ્પેક્ટર અંદર આવ્યો.

તેઓમાંથી એકેયનું ધ્યાન દિલીપ તરફ ગયું નહીં.

ગુલાબરાય સીધો જ મૃતદેહ પાસે જઈને ઉભો રહ્યો. એણે પગથી માથા સુધી નજર ફેરવી. પછી લાશને સ્પર્શ કર્યો. ત્યારબાદ તે પલંગ પાસે ઉભેલી પેલી આધેડ સ્ત્રી સામે ફર્યો.

‘કોણ છો તમે?’

‘મારું નામ હેમલતા છે.’

‘આ ખૂન વિષે તમે શું જાણો છો?’

‘કંઈ નહીં…’

‘ખૂનના સમાચાર તમે જ ફોન પર પોલીસને આપ્યા હતા?’

‘ના રે ના…’ હેમલતા નામની એ આધેડ સ્ત્રી છણકો કરતા બોલી. પછી એણે ખૂણામાં ઉભેલા દિલીપ તરફ આંગળી ચીંધી દીધી.

ગુલાબરાય, દલપતરામ અને એ બંનેની સાથે આવેલાં એક અન્ય ઈન્સ્પેકટરે ચમકીને ખૂણામાં નજર કરી.

‘અરે...તમે…?’ ગુલાબરાય ધીમા પણ સુસવતા અવાજે બોલ્યો, ‘હુંય સાવ અડબંગ જ છું ને? તમે આ મામલામાં સંડોવાયેલા હશો એ મારે પહેલેથી જ કલ્પી લેવાની જરૂર હતી.’

‘એવી ખોટી કલ્પના તમે નથી કરી એ જાણીને મને આનંદ થયો છે ગુલાબરાય.!’ દિલીપે બેફિકરાઈથી સિગરેટ ફૂંકતા કહ્યું.

‘તમે આ યુવતીનું ખૂન શા માટે કર્યું કેપ્ટન…?’ ગુલાબરાય તેની સામે આંખો તતડાવતાં બોલ્યો.

‘મેં એનું ખૂન નથી કર્યું અને આ વાત તમે પોતે પણ મનમાં બરોબર સમજો જ છો!’ દિલીપે મક્કમ અવાજે કહ્યું.

‘વારુ, તમે અહીં શા માટે આવ્યા છો?’

‘એ મારી અંગત વાત છે. પણ ખૂન કરવા તો નહોતો જ આવ્યો.’

‘બહુ ફિશિયારી રહેવા દો કેપ્ટન, નહીં તો આ વખતે તમને ભારે પડી જશે.’ ગુલાબરાય ઊંચા અવાજે બરાડ્યો, ‘બોલો અહીં શા માટે આવ્યા હતા.’

‘ગુલાબરાય…’ દિલીપ એનાથી પણ વધુ ઊંચા અવાજે તાડૂક્યો, ‘હું તમને કોઈ પણ સવાલના જવાબ આપવા માટે બંધાયેલો નથી. હવે જો તમને એમ લાગતું હોય કે આ યુવતીનું ખૂન મેં કર્યું છે તો મને હથકડી પહેરાવીને કસ્ટડીમાં પૂરી દો. પણ હું જાણું છું કે તમે એમ કરી શકવાના નથી એટલે હવે તમારા સંતોષ ખાતર જવાબ આપું છું તે સાંભળી લો. આરતી જોશીએ મને અહીં મળવા માટે બોલાવ્યો હતો અને અમારી આ મુલાકાત્ત અગાઉથી જ ગોઠવાઈ ગઈ હતી. પણ રસ્તામાં તમારા આ દલપતરામ તથા તેના સાથીઓએ મને અટકાવી દીધો.’ દિલીપે ચહેરાના ઉઝરડા પર હાથ ફેરવ્યો, ‘હું એ જ કારણસર અહીં આવવામાં મોડો પડ્યો.પરિણામે ખૂની મારી પ્હેલા જ અહીં આવીને આરતીને ઠેકાણે પાડી ગયો.’

‘આરતી જોશી…? આ નામ મરનાર યુવતીનું છે?’

‘હાં…’

‘તે તમારી મિત્ર હતી?’

‘મારા એક મિત્રની પુત્રી હતી. મારે અહીં આવીને તેને મળવું એટલે કે આરતીને મળવું એવી સુચના મને આરતીના પિતાએ આપી હતી.’

‘જુઓ કેપ્ટન…!’ ગુલાબરાય સહેજ કઠોર અવાજે બોલ્યો, ‘તમે કદાચ એમ કહેશો કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે આ આરતી જોશી અગાઉથી જ મરેલી પડી હતી પણ તમારો આ જવાબ મારે ગળે ઉતરવાનો નથી એટલે તમારી ઈચ્છા હોય તો એનાથી વધુ સારી, વધુ સાચી ને વધુ નક્કર લાગે એવવી બીજી કોઈક કાલ્પનિક વાત ઉપજાવી કાઢજો.’

‘ગુલાબરાય…!’ દિલીપે એની આંખો સામે સ્થિર નજરે જોતા કહ્યું, ‘આવી બધી કાલ્પનિક વાતો ઉપજાવી કાઢવાનો ઈજારો તો પોલીસ ભાઈઓનો જ છે. નિર્દોષોને પકડવાં અને તેઓને ઢોરમાર મારવા, જુગારના અડ્ડાઓ તરફ આંખ આડા કાન કરવા અને બહુ જ લિજ્જતથી હપ્તાઓ ઉઘરાવવા વિગેરેના ઈજારાઓ પણ તમારા જ છે, એટલે કમળો હોય એણે પીળું જ દેખાય એ કહેવત મુજબ મારી દરેક સાચી વાત તમને ખોટી ને ઉપજાવી કાઢેલી જ લાગશે. પણ હવે એનો મારી પાસે કોઈ ઉપાય નથી. છતાં તમે પૂછ્યું એટલે કહું છું કે બરાબર જેમ તમે કહ્યું એમ જ આ કિસ્સામાં જોગાનુજોગ બન્યું છે. ખાતરી ન થતી હોય તો પૂછો આ હેમાબાઈને...ઓહ સોરી...હેમલતાબહેનને!’ કહીને દિલીપ પેલી આધેડ સ્ત્રી તરફ ફરીને બોલ્યો, ‘કેમ, મેડમ! મેં બરાબર કહ્યું ને? આપણે જયારે અહીં આવીને ઘંટડી વગાડી વગાડીને બુમો પડી પાડીને થાક્યા ત્યારે પણ બારણું નહોતું ઉઘડ્યું ને?’

‘સબૂર...સબૂર….’ ગુલાબરાય જોરથી બોલી ઉઠ્યો, ‘તમે ક્યાં રહો છો મેડમ…?’

‘હું બાજુના ફ્લેટમાં જ રહું છું.’

‘અહીં શા માટે આવ્યા હતા?’

‘લે, કર વાત! સાહેબ તમે તો કંઈ પોલીસમાં નવા નવા ભરતી થયા છો કે શું? હું કંઈ મારી મેળે નથી આવી. મને તો આ…’ એણે દિલીપ તરફ આંગળી ચીંધી, ‘જબરદસ્તી લઇ આવ્યા હતા.’

‘તમે જરા વિગતથી વાત કરો…’ ગુલાબરાયે કહ્યું, ‘એ પહેલાં મગજમાં એક વાત નોંધી રાખો મેડમ, કે હું પોલીસની નોકરીમાં નવો હોઉં કે જુનો હોઉં પણ છેવટે છું તો હું પોલીસ જ! એ વાત હવે પછી ભૂલશો નહીં.’

‘કેમ…? તમે પોલીસ છો એટલે મારે તમને યાદ રાખવાં એવું તમને કોણે કહ્યું? ઇન્સ્પેક્ટર સાહેબ, પોલીસ એટલે જાણે કે મારી જાતને વાઘ-દીપડા સમજી બેઠા લાગો છો. સામાન્ય માણસની જેમ હું પણ તમારાંથી ડરી જઈશ એમ માનશો નહીં. કારણ કે હિન્દુસ્તાનના બંદર પર તમારા નામનો કોઈ પણ જાતનો વાવટો નથી ફરકતો એ હું જાણું છું. ખેર, હું તમારી સાથે ખોટી લમણાંઝીંકમાં ઉતરવા નથી માગતી. મેં કહ્યું તેમ આ મને પોતાની સાથે લઇ આવ્યા હતા અને જે કંઈ મેં એમના વિષે જણાવ્યું છે તેનાથી વિશેષ હું કશું જ નથી જાણતી.’

‘એને જે કહ્યું હતું તે મને પણ કહો' ગુલાબરાય સહેજ ઢીલા અવાજે બોલ્યો.

હેમલતા ધીમા અવાજે કહેવા લાગી. પછી જયારે એમણે કહ્યું કે મેં આરતીની બાલ્કનીમાંથી એક માણસને સામે આવેલી હોટલની બાલ્કનીમાં કુદી પડતો જોયો હતો ત્યારે ગુલાબરાયની આંખોમાં ચમક પથરાઈ ગઈ અને એણે હાથનાં સંકેતથી હેમલતાને આગળ બોલતી અટકાવી દીધી. પછી તે દલપતરામ સામે ફર્યો.

‘દલપતરામ, બહાર બાલ્કનીમાં જઈને તપાસ કર!’

‘જી…’ કહીને એ બાલ્કનીમાં ચાલ્યો ગયો.

‘બાલ્કનીમાંથી નાસી જતા માણસનું તામે વર્ણન કરી શકશો?’ ગુલાબરાયે હેમલતા તરફ જોઇને પૂછ્યું.’

‘ના…! બહાર અંધારું હોવાથી હું એને બરાબર જોઈ શકી નહોતી.’

‘આ વાતને કેટલો સમય થઇ ગયો હશે?’

‘અંદાઝે એક કલાક થયો હશે. એ વખતે મેં કાંડા ઘડિયાળ નહોતી જોઈ.’

‘સાહેબ…’ અચાનક દલપતરામે પાછા આવીને કહ્યું, ‘અ બાલ્કનીમાંથી સામે આવેલી હોટલની બાલ્કનીમાં ખુબ સહેલાઈથી જઈ શકાય છે.’

‘હોટલની એ બાલ્કનીવાળી રૂમની તપાસ કરો. ત્યાં કયો આસામી ઉતર્યો છે એનો પત્તો મેળવ.’

‘જરૂર સાહેબ...એ પત્તો તો મારા ડાબા પગનું..સ...સોરી ડાબા હાથનું કામ છે.’ કહીને દલપતરામ બેવકુફની જેમ આંખો પટપટાવતો બહાર નીકળી ગયો.

આ દરમિયાન ગુલાબરાય સાથે આવેલો બીજો ઇન્સ્પેક્ટર પોલીસ ફોટોગ્રાફર અને ફિંગર પ્રિન્ટના નિષ્ણાંતોને ફોન કરી દીધા પછી ખુબ જ બારીકાઈથી આરતીના મૃતદેહનું અને એ ઓરડાનું નિરિક્ષણ કરતો હતો.

‘આ યુવતીનું ખૂન આશરે એકાદ કલાકથી દોઢ કલાક વચ્ચેના ગાળામાં થયું હશે એવું મને લાગે છે.’ એ ઇન્સ્પેક્ટરે ગુલાબરાય સામે જોતા કહ્યું.

‘વાંધો નહીં મહેન્દ્રસિંહ…’ ગુલાબરાય ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહના ખભા પર હાથ મુકતા બોલ્યો, ‘આ તમારો કેસ છે. પણ તમે જોઈ લેજો. હું હમણાં જ તેનો ઉકેલ લઇ આવીશ.’ કહીને એણે દિલીપ સામે આંગળી ચીંધી દીધી, ‘આ માણસ હમણાં જ તમારી સામે પોપટની જેમ પઢવા માંડશે કે આ યુવતીનું ખૂન મેં જ કર્યું છે. તમે જોઈ લેજો. હું એના મોંએથી કબુલાત કરાવીને જ રહીશ.’

‘જુઓ ગુલાબરાય…’ દિલીપના ઠાવકા અવાજમાં પરખાઈ ન આવે એવી મશ્કરીની છાંટ હતી, ‘તમે નાહક જ મારા મોંએથી કબુલાત કરાવવાની જહેમત ઉઠાવો છો. અરે, તમે રાજી રહેતા હો તો લાવોને સ્ટેમ્પ પેપર! આ છોકરીનું ખૂન મેં કર્યું છે એવું લખાણ જ સીધું કરી દઉં તમને…! બોલો, પછી છે કંઈ?’

‘કેપ્ટન, તમે...તમે મારી ઠેકડી ઉડાડો છો?’ કહેતા કહેતા કાળઝાળ ક્રોધને કારણે ગુલાબરાયનો ચહેરો લાલઘુમ બની ગયો.

‘ઇન્સ્પેક્ટર ગુલાબરાય…’ દિલીપનો અવાજ બરછીની ધાર જેવો થયો, ‘ઠેકડી તો તમે મારી ઉડાવો છો. તમે આ ઇન્સ્પેક્ટર સાહેબને મારી પાસે કબુલાત કરાવવાની ખાતરી આપો છો. આ છોકરીનું ખૂન મેં જ કર્યું છે એવા કયા પુરાવાઓ છે તમારી પાસે? કોણે મને ખૂન કરતો નજરોનજર જોયો છે? છે કોઈ સાક્ષી તમારી પાસે? છે કોઈ નક્કર દસ્તાવેજી પુરા તમારી પાસે? ફીફાં ખાંડવાનું છોડી દો ગુલાબરાય, નહીં તો એક દિવસ અચાનક જ અણધારી રીતે તમે પહેરેલી વર્દી તમારે પોતાના જ હાથેથી ઉતારી નાખવાનો વારો આવશે. અને પછી ફૂટપાથ પર ફેરી કરવાનો વારો આવશે માટે ખોટી તુમાખી છોડીને શાંતિથી મારી જ કંઈ ઉલટતપાસ તમારે કરવી હોય તે કરો. જવાબ આપવવાની મારી ના નથી. અલબત્ત, એ જવાબો તમારે ગળે ઉતરે છે કે નહીં એ હવે જુદી વાત છે. તમે ગમે ત્તેમ તો પ્રજાના રક્ષક છો અને કોઈ પણ માણસ તમારો જરખરીદ ગુલામ નથી કે જેમ તમે કહો તેમ કબુલ કરતો આવે. તમે બરાબર જાણો છો કે હું ગુપ્તચર વિભાગનો એક ઓફિસર છું અને છતાં પણ તમે જાણે હું કોઈ છાપેલું કાટલું (રીઢો ગુનેગાર) હોઉં એ રીતે વર્તો છો તો પછી સામાન્ય માણસની તમે કેવી હાલત કરતા હશો એની કલ્પના સહેજેય કરી શકાય તેમ છે. પણ તમારી પોલીસ ફરજમાં હું કોઈ રુકાવટ કરવા નથી માંગતો. તમારે જે કંઈ કરવું હોય, પૂછવું હોય પૂછી શકો છો...કરી શકો છો.’

‘કેપ્ટન…’ ગુલાબરાયનો અવાજ હજુ એવો ને એવો કઠોર હતો, ‘આ ખૂન ચોક્કસ તમે જ કર્યું છે. અને તમે જોજો મારી વાત હું પુરવાર કરીને બતાવીશ.’ કહીને એણે એક વિજેતાની અદાથી પોતાના કથનનો કેવોક પ્રભાવ પડ્યો છે એ જાણવા માટે મહેન્દ્રસિંહના ચહેરા પર નજર દોડાવી.

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહનો ચહેરો હતો એવોને એવો જ ભાવહીન હતો. એની આંખો ગુલાબરાયની વાત સાથે સહમત નથી એવી ચાડી ખાતી હતી. ને આ વાત દિલીપ પણ પારખી શક્યો. બંનેની જીભાજોડી દરમિયન એણે કોઈ પણ જાતની દરમિયાનગીરી કરી નહોતી. બલકે મુક પ્રેક્ષક બની રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એક પરગજુ, કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર હતો. એના ચહેરા પરથી બુદ્ધિમત્તા ટપકતી હતી.

ગુલાબરાયની વર્તણુંક એને જરાય ગમતી નહોતી પણ ગુલાબરાયના હાથ ખુબ લાંબા છે, એ હકીકત તે જાણતો હતો.

‘છેલ્લા દોઢ કલાકમાં તમે ક્યાં ક્યાં હતા કેપ્ટન?’ ગુલાબરાયે દિલીપને પૂછ્યું.

‘કેમ…? મારે કોઈ સાક્ષીની જરૂર પડશે એમ તમે માનો છો?’

‘હા…’

‘પણ હું એમ નથી માનતો. જયારે જરૂર પડશે ત્યારે સાક્ષીને રજુ કરી દઈશ.’ જવાબ આપીને દિલીપે પૂછ્યું, ‘કાયદેસર રીતે આ કેસની તપાસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહને સોંપવામાં આવી હોય એવું તમારી વાત પરથી લાગે છે. અને જો આ વાત સાચી હોય તો તમે શા કારણ વગર જ આ કેસમાં માથું મારો છો, કાઠીયાવાડી ભાષામાં કહું તો-ભોયની પટલાઇ કરોછો એ મને નથી સમજાતું.’ કહેતી વખતે દિલીપના હોઠ પર હળવું હાસ્ય છવાયું હતું.

રોષ, ચીડ, અને આવેશના હાવભાવ ગુલાબરાયના ચહેરા પર પથરાયા.

દિલીપને કાચો ને કાચો ફાડી ખાવો હોય એવી હિંસાત્મક રેખાઓ આંખોમાં ફેલાઈ ગઈ. એની નજર અને દિલીપ સામે ક્રોધના તીર વરસાવતી હતી.

‘કેપ્ટન…’ જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવો અવાજ ગુલાબરાયના ગળામાંથી નીકળ્યો, ‘તપાસ ભલે ગમે તે કરે…!’ સહેજ અટકીને એણે દાંત કચકચાવ્યા, ‘હું અમારી સાથે હવે કશીયે જીભાજોડીમાં ઉતારવા નથી માંગતો પણ હવે તમે બચશો નહીં એ લખી રાખજો.’ વાત પૂરી કરીને તે મશીનની જેમ હેમલતા તરફ ફર્યો.

‘અને મેડમ…! તમે પણ કાન ખોલીને સાંભળી લો! વાત વાતમાં કાનુન કે કાનુનના રક્ષકની મજાક ઉડાડવાનું હવે બંધ જ કરજો. જો હવે પછી તમે મારા એક પણ સવાલોનો જવાબ આપવામાં તીડીબાજી કરી છે તો ખાતરી રાખો. સૌથી પહેલાં તો આ છોકરીના ખૂનના શંકાસ્પદ આરોપી તરીકે તમને જ ગણીને કસ્ટડીમાં પૂરી દઈશ.

‘મેં…’ એ આધેડ સ્ત્રી ગુલાબરાયની ધમકીના પ્રભાવમાં આઈ જતા જ થોથવાઈ, ‘મેં કોઈ મજાક નથી કરી, તમારે જે પૂછવું હોય એ પૂછો. હું જેટલું જાણતી હોઈશ, બધું કહેવા તૈયાર છું.’

‘આ માણસ અહીં ક્યારે-કેટલા વાગ્યે આવ્યો હતો?’ ગુલાબરાયે દિલીપ તરફ સંકેત્ત કરતા પૂછ્યું.

‘સમય મને બરાબર યાદ નથી.’

‘કંઈક અંદાજો તો હશે ને?’

‘મને લાગે છે કે…’ આધેડ સ્ત્રી હેમલતાએ યાદ કરતા કહ્યું, ‘સવા અગિયાર તો વાગી જ ગયા હતા. કદાચ ત્યારે અગિયારને ઉપર વીસ-પચીસ મિનીટ થઇ હતી. આટલી મોડી રાત્રે તે શા માટે બીજાની ઊંઘમાં ખલેલ પાડે છે એવું જયારે મેં એણે પૂછ્યું ત્યારે એણે…’ કહીને હેમલતાએ, દિલીપે આરતીના ફ્લેટની ઘંટડી વગાડી, ત્યારબાદ પોતાના ફ્લેટની ઘંટડી વગાડી, ત્યાંથી માંડીને આરતીના ફ્લેટમાં બંને કેવી રીતે દાખલ થયા અને કેવી પરિસ્થિતિમાં આરતીનો મૃતદેહ જોયો, વિગેરે બધું જ વિસ્તારથી કહી સંભળાવ્યું. અને પછી ઉમેર્યું, ‘એણે જયારે બારણા પર જોરથી ટકોરા માર્યા ત્યારે તે અચાનક જ અંદરના ભાગમાં ઉઘડી ગયું.’

ગુલાબરાયની આંખોમાં શંકાના કુંડાળા ફેલાયા.

‘બારણું અંદરથી બંધ નહોતું.’

‘તો શું હું આ મેડમ સાથે તાળું તોડીને અહીં દાખલ થયો હતો એમ તમે માનો છો?’ દિલીપનો અવાજ તટસ્થ હતો.

કોઈક કડવા વચનો કહેવા માટે ગુલાબરાયે હઠ ફફડાવ્યા પણ પછી જમાદાર દલપતરામના આવવાથી તે ચુપ થઇ ગયો.

‘જરાક મારી સાથે ચાલો સાહેબ…!’ દલપતરામ હોમ્સની અદામાં બોલ્યો.

‘ચાલ…’

બંને બાલ્કનીમાં આવ્યા.

‘શું છે બોલ…?’

‘આ કેસ લગભગ ઉકેલાઈ ગયો છે સાહેબ…’

‘એટલે-?

‘અંદર જે માણસ સાથે આપ મગજમારી કરો છો એનું નામ કેપ્ટન દિલીપ છે?’

‘હા…’

‘તો બસ, એણે જ આ ફ્લેટમાં રહેતી છોકરીનું ખૂન કર્યું છે!’

‘દલપતરામ...ગોળ ગોળ વાતો કરવાની તારી આ કુટેવ હવે છોડી દે...અને જે કહેવું હોય તે સીધી રીતે કહી નાખ…’

‘લે, કર વાત…!’ દલપતરામ સહેજ ચીડથી બોલ્યો, ‘આમાં ગોળ ગોળ વાતો ક્યાં આવી? એક નાનું બાળક પણ સમજી શકે એવા ચોખ્ખા ને ચટ શબ્દોમાં મેં કહ્યું છે કે ખૂની બીજું કોઈ નહીં પણ આ કેપ્ટન દિલીપ જ કે! આપ તો જાણો જ છો સાહેબ કે આપનો આ અદનો સેવક દલપતરામ ક્યારેય પુરાવા વગર વાત કરતો જ નથી.’

‘એમ...કે…’ ગુલાબરાયે એની સામે આંખો કાઢતાં કહ્યું, ‘શું પુરાવા છે તારી?’

‘આ બાલ્કનીની સામે આવેલી હોટલની બાલ્કનીવાળા રૂમમાં ઉતારનાર પેસેન્જર બીજું કોઈ નહીં પણ આ કેપ્ટન દિલીપ પોતે જ છે સાહેબ…! હું હોટલનું રજીસ્ટર પોતે જ ચેક કરીને આવ્યો છું. આ માણસ ગઈ સાંજે અહીં આવીને આ હોટલની આ જ રૂમમાં ઉતર્યો છે.’

‘પણ એથી શું થાય?’ ગુલાબરાય વાતનો તાગ લેવા માટે બોલ્યો. એ જાણતો હતો કે દલપતરામને વચ્ચે ટોકવાથી નાહક જ વાત લંબાવીને વતેસર કરશે એટલે તે દેખાઈ ન આવે એવી અધીરાઈથી બોલ્યો હતો.

‘સાહેબ, આ મકાનનું નામ માયા ભુવન અને હોટલનું નામ માયા હોટલ છે. આ છોકરીના ફલેટનો નંબર પંદર છે. કેપ્ટન દિલીપે હોટલના કાઉન્ટર કલાર્કને કહ્યું હતું કે માયા ભુવનનાં ત્રીજા માળ પર આવેલાં પંદર નંબરના ફ્લેટની બરાબર એકદમ સામે હોટલની જે રૂમ પડતી હોય, એ મને આપી દો. આ રૂમ મેળવવા માટે એણે કલાર્કને લાંચ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પોતે લાંચ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી એમ ક્લાર્ક કહે છે. મેં તેને પૂછ્યું કે મફતના રૂપિયા મળતા હતા તો પછી તમે શા માટે ન લીધા તો એણે જવાબ આપ્યો કે મારે એવી કોઈ રકમની જરૂર નથી. અલબત્ત રૂમ ખાલી હોવાથી એણે કેપ્ટન દિલીપને આપી દીધો હતો.’ કહીને દલપતરામ ચુપ થઇ ગયો.

‘બીજું કંઈ?’

‘ના, હવે હું એ રૂમની તલાશી લેવા જાઉં છું.’

‘તો જા હવે…’ એની વાત પૂરી થતાં જ ગુલાબરાય તાડૂક્યો, ‘અહીનું કામ હું પતાવું છું.’

‘ભલે સાહેબ…’ કહેતા દલપતરામે માથા પરની ટોપીને સહેજ ત્રાંસી કરી. પછી તે ત્યાંથી ચાલ્યો ગયો.

ગુલાબરાય અંદર પાછો ફર્યો.

‘કેપ્ટન…’ ગુલાબરાય કટાક્ષમાં બોલ્યો, ‘દલપતરામે કહેલી વાતો તો તમે સાંભળી જ હશે?’

‘હા...’

‘તો એની વાતોનો શું જવાબ છે તમારી પાસે?’

‘આ જ સવાલ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ મને પૂછશે ત્યારે એમને જવાબ આપી દઈશ.’

‘ક્રોધાવેશથી પગ પછાડતો ગુલાબરાય એકદમ દિલીપ સામે પહોંચીને બરાબર તેની સામે ઉભો રહ્યો.

‘બરાબર એ જ વખતે બારણામાં પગરવ સંભળાયો.

પછી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ફોટોગ્રાફર બંને અંદર આવ્યા.

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે સહેજ છુટકારાનો શ્વાસ લઈને એ બંનેને તેમની કામગીરી સમજાવી દીધી.

તેઓ તરત જ પોતાના કામે વળગી ગયા.

મહેન્દ્રસિંહે ગુલાબરાય સામે જોયું.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ એ ગુલાબરાયને ઉદ્દેશીને બોલ્યો, ‘હવે આ કેસ હું હાથમાં લઇ શકું?’

‘જરૂર…’ ગુલાબરાયે લુચ્ચું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘અમે તમારે બેધડક કોઈની યે શેહ-શરમ રાખ્યા વગર ખૂનના આરોપસર દિલીપને અટકમાં લઇ શકો છો. આ છોકરીનું ખૂન એણે જ કર્યું છે.’

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ મહેન્દ્રસિંહ બોલ્યો, ‘આવા ગંભીર મામલામાં હું ક્યારેય ઉતાવળ નથી કરતો એ તો તમે જાણો જ છો.’ એના અવાજમાં ખમચાટ હતો, ‘તે ખૂની કેપ્ટન દિલીપ જ પુરવાર થશે તો કેસની બધી જ ક્રેડીટ હું તમને આપીશ.’

‘એટલે…?’ ગુલાબરાયના ભવાં સંકોચાયા, ‘દિલીપ ખૂની છે એમાં હજુયે તમને શંકા છે?’

‘ના, પણ હું જરા મારા પોતાના દ્રષ્ટિકોણથી કેસના સમગ્ર પાસા તપાસવા માંગુ છું.’ કહીએ મહેન્દ્રસિંહે દિલીપ તરફ સંકેત કર્યા બાદ હેમલતાને પૂછ્યું, ‘મેડમ…! આ માણસને ધ્યાનથી જોઈ લો. પછી મને જવાબ આપો કે માણસને તમે બાલ્કનીમાંથી કુદીને નાસી જતો જોયો હતો તે આ જ હતો કે કોઈ બીજો? જવાબ આપતાં પહેલાં તમે અ માસને બરાબર ધ્યાનથી નીરખી લેજો.’

‘નહીં નીરખું…!; એ બોલી, ‘એ નાહક જ કોઈક અવળો અર્થ કરીને મારે વિષે ખોટી માન્યતા બાંધી બેસશે. મારાથી એમ કંઈ કોઈ પુરુષને નીરખાય નહીં…!’

ગુલાબરાયે ક્રોધથી પગ પછાડ્યા.

આંખો વડે જ કોઈની કતલ થઇ શકતી હોય તો સોએ સો ટકા હેમલતા ક્યારનીયે મારી ગઈ હોત, એટલી બધી ભયંકર નજરે ગુલાબરાય હેમલતાને તાકી રહ્યો.

***