The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હશે નૈનથી નૈન મળ્યા ઘણાં. ને દિલથી દિલ હળ્યા ઘણાં. થૈ જાગૃત લાગણી ભીતર, સુકૃત પૂર્વના એ ફળ્યા ઘણાં. નૈ ખબર પ્રસંગ કે અવસર, ગોળથીય લાગ્યાં ગળ્યા ઘણાં. હતા અંતરાયો મિલનમાંને, વિનસ નજરે એ ટળ્યા ઘણાં. ના પડી ખબર સમો કેમ ગયો? જુદાઈના જનાજે રડ્યાં ઘણાં. હતાં દીધેલ વચન મળવાનાને, આશ્વસને એ તો સાંભર્યાં ઘણાં. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
રોજરોજ નૈં તો કૈં નૈં ક્યારેક મળવાનું રાખો. છે નિશાની તમારીને ક્યારેક સંભારવાનું રાખો. મારી શેરીમાં છે ઘર તમારું કે તમારીમાં મારું? જે હોય તે ભલે પણ ક્યારેક નિહાળવાનું રાખો. ચાલ્યું આવે છે ગતાનુગત્ આદમના વખતથી, વસીને ઉરે અમારા કયારેક સળવળવાનું રાખો. આપણે તો ૠતુવત્ ગીત ગાનારાં પંખીડાંને, અવરના આહ્લાદાયક ક્યારેક સાંભળવાનું રાખો. એમ તો મારેય છે મારું પોતાનું સ્વ પોકારતુંને, તાલમેલની નિતિથી ક્યારેક પંપાળવાનું રાખો. જેવા સાથે તેવા ના થઈએ અમુક હદ લગીએ, નિર્બળમાં ખપાવે તો ક્યારેક ઊકળવાનું રાખો. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
હૃદયના ઘાવ કોઈને દેખાડવાના નથી હોતા. કાળજાના ડાઘ કોઈને કહેવાના નથી હોતા. હસતો ચહેરો દુનિયા માને સુખની નિશાની, વિષ પાયાં જગતે તે વર્ણવાના નથી હોતા. નમક હોવાનું દરેક પાસે, મલમ ક્યાં રાખે છે? ભાવ પૂછનારા કૈં ઈલાજ કરવાના નથી હોતા. હોય છે દાંત હાથીના મધુ જબાને બોલનારા, અણીના વખતે સાથે કૈં ઊભવાના નથી હોતા. શિરસ્તા સઘળા સ્વાર્થની બુનિયાદે નભનારા, ગરજ સરતાં કોઈ કદીએ ટકવાના નથી હોતા. ઓફર કરે સમયે માથું આપવાની વાતવાતમાં, માગી જો ખિસ્સામાં હાથ નાખવાના નથી હોતા. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
સમદરની નજીકમાં વસતું ગામ લાગે મઝાનું. બળવંત હોય બોખીરા એ નામ લાગે મઝાનું. સુવાસ સુદામાને ગાંધીની વાયરા સાથે આવે, ઘાટ અશ્માવતીને દરિયો તમામ લાગે મઝાનું. દૂધ વહેંચતા માલધારીઓને ખમીરવંતા ખેડૂ, ગામના ચોરે શિવ હનુને શ્રીરામ લાગે મઝાનું. દાંડિયારાસ મહેરજ્ઞાતિનો જગવિખ્યાત જાણે, હોળીના પડવે રમતા સૌનું કામ લાગે મઝાનું. પ્રવેશ કરતા ઝાંપામાં રામદર્શન જે કરાવનારું, ફળિયાં અટક મુજબનાંને આમ લાગે મઝાનું. વતન મારું વૈભવશાળી વૈંકુઠ વામણું મને લાગે, નિવૃત્તિમાં બેઠા અમે ઠરીને ઠામ લાગે મઝાનું. જન્મભૂમિને જનની જ્યાં સ્વર્ગ સૂનું જણાતું, ભૂમિની માટી મહિમાવંત પ્રણામ લાગે મઝાનું. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
ઘવાયેલી લાગણીની બાબત છે. કરાયેલી માગણીની બાબત છે. લૈને શું બેઠા છો એક જ ગજને, ગણાયેલી માપણીની બાબત છે. મનોમંથને કૂચો ખાંડ્યો છે ઘણો, બજાયેલી વાંસળીની બાબત છે. એ બની ગયા મોટા વક્તા પછી, મનાયેલી કામળીની બાબત છે. એ શું ગઝલ લખવાના કદી પણ, ટેવાયેલી આંગળીની બાબત છે. ધૃત ખાધું હશે શૈશવમાં એણે કદી, ભરાયેલી તાંસળીની બાબત છે. કેમ વરતે છે એ કઠોર આટઆટલા, તણાયેલી ચાસણીની બાબત છે. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
મુસીબતમાં મારગ ચીંધનાર " મા " તું હતી. પરિવારને પોતાનો માનનાર " મા " તું હતી. સંસારના સંતાપથી અકળાઈ ઊઠતા જ્યારે, ધીરજ, હિંમત, આશા દેનાર " મા " તું હતી. હોય કોઈ સભ્યને તકલીફ પરિવારમાં ત્યારે, અગડ લઈ પોતે માનતા કરનાર " મા " તું હતી. ખૂબ વેઠ્યો સંઘર્ષ આજીવન સહન કરીકરીને , પોતે તાપ સહી શીતળતા બક્ષનાર " મા " તું હતી. કદીએ ના ભૂલાય, ના વિસરાય એવું વ્યક્તિત્વ, હારેલાંને દૈ હૈયારી અશ્રુ લૂંછનાર " મા " તું હતી. આજે પુણ્યતિથિએ પ્રાર્થે છોરૂ પરમેશને પ્રેમથી, ૠણ ના ચૂકવાતું, ક્ષમા આપનાર " મા " તું હતી. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
એકદા આસ્થા મારી ફળશે જરૂર. જે ઝંખ્યાં રોમેરોમે એ મળશે જરૂર. કસોટી ધીરજની કેટકેટલી હોવાની, મનની મુરાદ હનુમંત કળશે જરૂર. પ્રશ્નો અંતરમને સળવળતા નિતનવા, સામાધાન શ્રીહરિનુંને ટળશે જરૂર. એ જ રામ છે જે શબરીને મળનારા, અહલ્યાને ઉદ્ધારનારા આવશે જરૂર. એળે ન જાય કોઈની ઈબાદત કદીએ, મળવાને હનુમત સંગ નીકળશે જરૂર. હશે ભલામણ મહાવીરની; કામ થશે, ધનુર્ધારી સીતાસમેત સાંભળશે જરૂર. - ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.
કામ માનવતાનાં કરતા જોઈને હરિવર હરખે. નિજજન પોતાના જાણીને રહેતા એની પડખે. જનેજનમાં જુએ જનાર્દન જનસેવા કરનારા, હરિ ગણી એને હેત કરે ત્યાં તો હરિવર હરખે. રામનામને રામકામનો સમન્વય જીવનમાં આવે, સાચા બંદા નિહાળીને શ્રીપતિ કેવા એ તો મરકે. કામ હરિનું કરનારાને હરિવર પોતાના ગણી રાખે, ભક્ત શોધવા જવા ન પડતા એમાં જ એ તો પરખે. અત્ર,તત્ર, સર્વત્ર વ્યાપે છે હરિવર એટલું જે સમજે, દીનદુઃખી કરી સહાય નિ:સ્વાર્થ હરિને એ તો નોતરે. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
મારું સમગ્ર જીવન હો મહાદેવના ચરણે. કોટિકોટિ એને નમન હો મહાદેવના ચરણે. હાલતાં, ચાલતાં, કામ કરતાંને શ્વસતાં, શિવ નામનું વસન હો મહાદેવના ચરણે. પંથ કપાતો ડગલેપગલે યાદ શિવને કરી, નેહ નીતરતાં નયન હો મહાદેવના ચરણે. ના રહે રાગ કે દ્વેષ કોઈના પ્રતિ ક્યારેય, સ્મરણે ઉર ધડકન હો મહાદેવના ચરણે. રહે સામીપ્ય નિતનિત સદાશિવ શંકરનું, રંગાયેલ ભક્તિમાં મન હો મહાદેવના ચરણે. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
આફતવેળા આવજોને ભક્તવત્સલ શ્રીહરિ. વેદવચન તમે પાળજોને ભક્તવત્સલ શ્રીહરિ. મકરગ્રાસથી ગજ ઉગાર્યો, જ્યાં એ ઉરભાવે પોકાર્યો. વસમીવેળા તમે ટાળજોને ભક્તવત્સલ શ્રીહરિ. દ્રૌપદીનાં ચિર પૂરનારા, પ્રહલાદને ઉગારનારા. આપદા મારી નિવારજોને ભક્તવત્સલ શ્રીહરિ. ઉર તમારું નવનીત ભૂલાવે, સાદ કરું જ્યાં સત્વરે આવે. ગરુડગામી પધારજોને ભક્તવત્સલ શ્રીહરિ. નાથ દયાનિધિ અંતરયામી, હાજર થૈ દેજો હાથ થામી. અંતર આવકારે આવજોને ભક્તવત્સલ શ્રીહરિ. મારે એક ભરોસો છે ભારી, કૃપાદ્રષ્ટિ તમે કરો ખરારી. પ્રતિક્ષા મારી તમે મીટાવજોને ભક્તવત્સલ શ્રીહરિ. ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser