Bazi - 5 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 5

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

બાજી - 5

બાજી

કનુ ભગદેવ

5 - બ્લેક ટાઈગર...!

અમીચંદ, ગાયત્રી, સારિકા, રાકેશ અને બંગલાના ત્રણ-ચાર નોકરો ગભરાયેલી હાલતમાં ઓપરેશન થિયેટરની સામે બેંચ પર બેઠાં હતા.

ઈન્સ્પેક્ટર વામનરાવ ખૂંખાર નજરે અમીચંદ તથા કુટુંબના અન્ય સભ્યોની સામે તાકી રહ્યો હતો. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે સુજાતાને જોઈને ઝેર આપવામાં આવ્યું છે. પરંતુ પૂરાવાના અભાવે એ હાલતુરત તેમને કંઈક જ કરી શકે તેમ નહોતો.

અમીચંદ સારિકા અને રાકેશમાં વામનરાવ સાથે નજર મેળવવાની હિંમત નહોતી. કારણ કે તેમના મનમાં ચોર હતો. કોઈકે સાચું જ કહ્યું કે માણસ બધા કરતાં પોતાના મનમાં ચોરથી વધુ ગભરાય છે.!

વામનરાવ વિશે તેમણે અવારનવાર અખબારોમાં વાંચ્યું હતું. વામનરાવની તિક્ષણ નજરથી બચવું એ આકાશમાંથી તારા તોડવા જેટલું મુશ્કેલ કામ છે, તે વાત તેઓ જાણતાં હતા.

સહસા લોબીની દિવાલ પર લટકતી ઘડિયાળમાં વહેલી સવારના પાંચ વાગ્યાના ડંકા પડ્યા.

થોડી પળો બાદ ઓપરેશન થિયેટરનું બારણું ઉઘાડીને ડૉક્ટર બહાર નીકળ્યો.

અમીચંદ બેંચ પરથી ઊભો થઈને ઝડપથી તેની પાસે પહોંચ્યો.

‘ સુજાતાને હવે કેમ છે. ડૉક્ટર થરથરતું હતું.

‘ એની હાલત ગંભીર જ છે. મિસ્ટર અમીચંદ એટલે અત્યારે કંઈ જ કહી શકાય તેમ નથી.’

‘ શું સુજાતા ભાનમાં આવી ગઈ છે. ડૉક્ટર સાહેબ...?’ વામનરાવે પૂછ્યું.

‘ ના, ઈન્સ્પેકટર સાહેબ...! આપની ફરજ હું સમજું છું. પરંતુ અત્યારે એની હાલત જુબાની આપી શકે તેવી નથી. એના બચવાની આશા બહુ ઓછી છે... હવે આપ પોતે જ વિચારી લો...!

‘ ઓહ....સોરી...’

ડૉક્ટર ત્યાંથી ચાલ્યો ગયો.

એ જ વખતે મહેશ ત્યાં આવી પહોંચ્યો. વામનરાવ પર નજર પડતાં જ એના ચહેરાનો રંગ ઊડી ગયો. પરંતુ પછી તરત જ તે સ્વસ્થ થઈ ગયો.

‘ પિતાજી...સુજાતાની તબિયત હવે કેવી છે ?’ એણે અમીચંદને ઉદ્દેશીને પૂછ્યું.

‘ અત્યારે આ બાબતમાં કશું જ કહી શકાય તેમ નથી એવું ડૉક્ટર સાહેબે હમણાં જણાવ્યું છે!’ અમીચંદે નિરાશાભર્યા અવાજે બોલ્યો.

‘ ઓહ...’

‘ તમારું નામ શું છે મિસ્ટર...?’ વામરનાવે મહેશ પાસે પહોંચીને પૂછ્યું.

‘ જી, મહેશ...!’

‘ અત્યારે તમે ક્યાંથી આવો છો...?’

‘ મારા એક મિત્રની ત્યાંથી...! હું આખી રાત તેની પાસે જ રોકાયો હતો. સુજાતાની તબિયત લથડયાના સમાચાર મળતાં જ હું સીધો અહીં આવ્યો છું. સુજાતાને ઝાડા-ઊલટી થઈ ગયાં છે, એમ પિતાજીએ મને ફોન પર જણાવ્યું હતું.

‘ મિસ્ટર મહેશ...સુજાતાને અમસ્તાજ ઝાડા-ઊલટી નથી થયાં.! એણે ઝેર પીધું છે. અથવા તો પછી કોઈકે તેને પીવડાવ્યું છે.’

‘ શું...?’ મહેશે નર્યા અચરજથી પૂછ્યું છે, તેની રસાયણીક તપાસ પરથી ખબર પડી જશે.’

સહસા એક નર્સ ત્યાં આવી પહોંચી.

‘ ઈન્સ્પેક્ટર સાહેબ...!’ એણે વામનરાવ સામે જોતાં કહ્યું, ‘ આપને માથુર સાહેબ ઓફિસમાં બોલાવે છે.’

વીસેક મિનિટ પછી તે પાછો આવ્યો ત્યારે એનો ચહેરો બેહદ ગંભીર હતો.

‘ મિસ્ટર અમીચંદ...!’ એણે ગંભીર અવાજે કહ્યું, ‘ સુજાતાની ઉલટીની રાસાયણિક તપાસનો રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ તેમાંથી ગરોળીનુ ઝેર મળી ગયું છે. ખાવા-પીવાની કોઈક વસ્તુમાં ગરોળી પડી ગઈ હોય એવું લાગે છે.’

‘ પરંતુ આવું કેવી રીતે બને ઈન્સ્પેક્ટર સાહેબ ?’ ગાયત્રીએ પૂછ્યું.

‘ કેમ...? શા માટે ન બને ?’

‘ ઈન્સ્પેક્ટર સાહેબ...રાત્રે અમે બધાએ સાથે જ ભોજન કર્યું હતું. હવે જો ખાવાની કોઈ ચીજ વસ્તુમાં ગરોળી પડી હોત તો અત્યારે અમારી હાલત પણ સુજાતા જેવી જ હોત!’

‘ આપની વાતમાં વજન છે ગાયત્રીદેવી!’ વામનરાવે કહ્યું. પછી એ અમીચંદને ઉદ્દેશીને બોલ્યો, ‘ મિસ્ટર અમીચંદ હું આપને ત્યાં રાત્રે બનાવવામાં આવેલા ભોજનના નમૂના લેવા માગું છું.’

‘ જરૂર...મને કંઈ વાંધો નથી. ચાલો...’

રાતે બનાવેલા ભોજનના નમૂનાથી છૂટકારો મળી જશે, એવા વિચારે અમીચંદ, મહેશ, રાકેશ અને સારિકાના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

ત્યારબાદ બે નોકરોને ત્યાં જ હાજર રહેવાની સૂચના આપીને સૌ અમીચંદના બંગલે પહોંચ્યા.

વામનરાવે રાત્રે બનાવેલા ખાદ્ય પદાર્થોના નમૂના જુદી જુદી ચાર-પાંચ ડબ્બીઓમાં ભરી લીધાં.

આટલું કાર્ય પછી એણે ગંભીરે અવાજે કહ્યું, ‘ હું સુજાતાના શયનખંડમાં તપાસ કરવા માગું છું.’

‘ જરૂર...ચાલો...’

અમીચંદ તેને સુજાતાના શયનખંડમાં લઈ ગયો. કુટુંબના બાકીના સભ્યો પણ તેની સાથે હતા.

વામનરાવે બારીકાઈથી શયનખંડનું નિરીક્ષણ કર્યું.

‘ શું સુજાતા રાત્રે અહીં જ સૂતી હતી. ?’ છેવટે એણે પૂછ્યું.

‘ ના, ઈન્સ્પેક્ટર સાહેબ!’ સારિકાએ જવાબ આપ્યો, ‘ એ મારી પાસે સૂતી હતી.’

‘ કેમ...!’

‘ પોતાન રૂમમાં એકલી સૂતાં તેન ભય લાગતો એટલે તે સૂવા માટે મારા રૂમમાં ચાલી આવી હતી.’

‘ સુજાતાના પતિ એટલે કે મિસ્ટર ગોપાલ ક્યાં છે ?’

‘ એ બે દિવસથી ભરતપુર ગયા છે ઈન્સ્પેક્ટર સાહેબ!’ અમીચંદ બોલ્યો.

‘ તેઓ શા માટે ગયા છે ?’

‘ એક પાર્ટી પાસે પૈસા ફસાઈ ગયા છે...!’

‘ ઓહ...તો ઉઘરાણીએ ગયા છે એમને ?’

‘ હા...’

‘ પરંતુ ગોપાલ સિવાય પણ આપના બે પુત્રો છે...એ બંનેને બદલે માત્ર ગોપાલ જ શા માટે ગયો ?’

અમીચંદનુ દિમાગ ચકરાવે ચડી ગયું.

વામનરાવ પાણીમાંથી પૂળા કાઢે એવો ઈન્સ્પેક્ટર છે, એ વાત તરત જ તેને સમજાઈ ગઈ.

‘ ખેર, એ વાતને પડતી મૂકો... એ તમારો અંગત મામલો છે ને એમાં માથું મારવાની મને જરૂર નથી લાગતી.’ કહીને વામનરાવ સારિકા તરફ ફર્યો, ‘ મેડમ...હું તમારા રૂમમાં નજર કરવા માગું છું.’

‘ ચાલો...!’ સારિકાએ પોતાના કપાળ પરથી પરસેવો લૂછતાં પૂછ્યું.

એનો ગભરાટ જોઈને અમીચંદ, મહેશ અને રાકેશ મનોમન ધૂંધવાયા. કારણ કે એના ગભરાટથી વામનરાવની શંકા વધુ મજબૂત બની શકે તેમ હતી.

જ્યારે ગાયત્રી અને સરોજને મામલાનું ધડ-માથું જ નહોતું સમજાતું.’

વામનરાવ, અમીચંદના કુટુંબીઓ સાથે સારિકાના શયનખંડમાં પ્રવેશ્યો.

એ બારીકાઈથી શયનખંડની એક એક વસ્તુનું નિરિક્ષણ કરવા લાગ્યો.

પછી ફરતી ફરતી વખતે એની નજર ટેબલ પર પડેલા ગ્લાસ પર સ્થિર થઈ ગઈ.

એણે આગળ વધીને ગ્લાસમાં નજર કરીતો, અંદર પડેલી, ગરોળી તેને દેખાઈ.

શું બન્યું હશે એનું અનુમાન એણે તરત જ કરી લીધું.

‘ આ ગ્લાસમાં ગરોળી કેવી રીતે આવી ?’

‘ ગરોળી...?’ સૌએ ચમકીને પૂછ્યું.

‘ હા...ગ્લાસમાં મૃત્યુ પામેલી ગરોળી પડી છે...! કદાચ ગરોળી પડેલું પાણી પીવાથી જ સુજાતાની આવી હાલત થઈ છે. પરંતુ પાણી પીતી વખતે સુજાતાનું ધ્યાન ગરોળી પર શા માટે નહીં. પડ્યું હોય,એ સવાલ મને અકળાવે છે.’

રાત્રે લાઈટ નહોતી ઈન્સ્પેક્ટર સાહેબ!’ સારિકા બોલી, ‘ રાત્રે બધા રૂમમાં માત્ર મીણબત્તી જ સળગાવવામાં આવી હતી. મીણબત્તીના આછા અજવાળામાં સુજાતાને કદાચ ગરોળી નહીં દેખાઈ હોય!’

‘ લાઈટ જવા પાછળ કંઈક કારણ તો હશે જ ને ?’

‘ રાત્રે અચાનક જ લાઈટ ગુલ થઈ ગઈ હતી ઈન્સ્પેક્ટર સાહેબ! અમીચંદે કહ્યું.

વામનરાવે આગળ વધીને સ્વીચ બોર્ડ પર રહેલી બંધી સ્વીચો ઓન કરી નાખી. પરંતુ ટ્યુબલાઈટ કે પંખો ચાલું ન થયો.

‘ અત્યારે પણ લાઈટ નથી લાગતી મિસ્ટર અમીચંદ...!’

‘ હા...’

‘ શું તમે રાત્રે આ બાબતમાં વિદ્યુત બોર્ડની ઓફિસે ફરિયાદ નથી નોંધાવી ?’ વિદ્યુત બોર્ડનો ફરિયાદ વિભાગ તો ચોવીસેય કલાક ઉઘાડો રહે છે.’

‘ મને ખબર છે...અમે વિદ્યુત બોર્ડની ઓફિસે ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન બગડી ગયો હોવાને કારણે ફરિયાદ નહોતા નોંધાવી શક્યાં.’

વામનરાવ વિચારમાં ડૂબી ગયો.

યોજનાબદ્ધ રીતે સુજાતાના ખૂનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ વાત તરત જ તેના મગજમાં આવી ગઈ હતી.

ત્યારબાદ એ સૌની રજા લઈને તે ચાલ્યો ગયો.

બીજે દિવસે બપોરે તે ફરીથી હોસ્પિટલે પહોંચ્યો.

‘ ડૉક્ટર સાહેબ...સુજાતાની તબિયત કેવી છે ?’ એણે પૂછ્યું.

‘ સારી છે...’

‘ એ હવે જુબની આપી શકે તેમ છે ?’

‘ હા...’

વામનરાવે સ્પેશિયલ વોર્ડના પ્રાઈવેટ ખંડમાં પ્રવેશ્યો.

સુજાતા પલંગ પર સૂતી હતી. એની આંખો છત સામે જકડાયેલી હતી. એની બાજુમાં જ એક નર્સ ઊભી હતી.

એ આગળ વધીને પલંગ પાસે પહોચ્યો.

‘ સિસ્ટર...!’ એણે નર્સને ઉદ્દશીને નરમ અવાજે કહ્યું,

‘ મારે સુજાતા મેડમ સાથે થોડી જરૂરી વાત કરવી છે. શું તમે થોડી વાર માટે બહાર જશો?’

‘ જરૂર...’ કહીને નર્સ બહાર ચાલી ગઈ.

‘ હવે તમને કેમ છે મેડમ..?’ વામનરાવે સ્મિત ફરકાવીને સુજાતા સામે જોતાં પૂછ્યું.

‘ સારું છે...પરંતુ મારો જીવ હજુ પણ ગભરાય છે...! મગજ પર ભાર લાગે છે.!’

‘ હવે હું તમને થોડા સવાલો પૂછવા માગું છું. આશા છે, આપ મારા સવાલિના સાચા જવાબ આપશો.’

‘ ઈન્સ્પેકટર સાહેબ, હું આપના સવાલોના ખોટા જવાબ આપીશ એવું આપે કઈ રીતે માની લીધું ?’

‘ તમારા લગ્નને કેટલો વખત થયો છે ?’

‘ એક મહિનો ને આઠ દિવસ!’

‘ તમારી સાથે કુટુંબના બાકીના સભ્યોના સંબંધ કેવો છે ?’

‘ ખૂબ જ મધુર...!’

‘ અને વર્તણૂંક...?’

‘ બહુ સારી...!’

‘ તમે સાચું કહો છો ?’

‘ કમાલ કહેવાય..આપને મારી વાત પર ભરોસો નથી ?’

‘ એવું કંઈ નથી મેડમ...! ખેર, મિસ્ટર અમીચંદે તમારા પતિને ભરતપુર મોકલ્યો, એ વાત તમને અટપટી નહોતી લાગી ?’

‘ ના...’

‘ જરા વિચારો...તમારા લગ્નને હજુ બહુ ઓછો સમય પસાર થયો છે. આ સંજોગોમાં મિસ્ટર અમીચંદ તમારા પતિને ન મોકલતાં મહેશ અથવા તો રાકેશને પણ મોકલી શકે તેમ હતા.’

‘ જરૂર મોકલી શકે તેમ હતા. પરંતુ શા માટે ન મોકલ્યા, એ બાબતમાં હું કશું જ નથી જાણતી.’

‘ તમે કાલે રાત્રે સારિકાના શયનખંડમાં શા માટે સૂતાં હતાં ?’

‘ મને ભય લાગતો હતો’

‘ તમારા પતિના ભરતપુર ગયા પછી તમે બે દિવસ સુધી એકલાં જ સૂતાં હતા. આ બે દિવસ રાત્રે તમને ભય ન લાગતા અને ત્રીજી રાત્રે શા માટે લાગ્યે.

‘ કાલે રાત્રે ડીનર પછી રાકેશે ભૂત-પ્રેતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભૂત જોયું હોવાનો અનુભવ સંભળાવ્યો હતો. હું ગભરાઈ ગઈ. પછી અચાનક જ લાઈટ ગુમ થઈ ગઈ જતાં મારો ગભરાટ એકદમ વધી ગયો. મહેશ ઘેર નહોતો એટલે હું સારિકા ભાભીની રૂમમાં જઈને સૂઈ ગઈ.’

‘ તમારી આવી હાલત કેવી રીતે થઈ, એની તમને ખબર છે ?’

‘ ના...’

‘ તમે ગરોળી પડેલું પાણી પી લીધું હતું.

‘ શું...?’ સુજાતાએ ચમકીને પૂછ્યું.

‘ હા...અને પ્રાથમિક તપાસના અંતે હું એવા પરિણામ પર પહોંચ્યો. છું કે ગરોળીનું ઝેર આપીને તમારા ખૂનનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’

‘ ના...!’ કહેતાં કહેતાં સુજાતા એકદમ ભયભીત થઈ ગઈ, ‘ એવું બને જ નહીં, ઈન્સ્પેક્ટર સાહેબ...! કુટુંબના દરેક સભ્યોને મારા પ્રત્યે ખૂબ જ લાગણી છે...તો પછી તેઓ મને મારી નાંખવાનો પ્રયાસ શા માટે કરે ?’

‘ કારણ ગમે તે હોઈ શકે છે...! તમે મગજ ઠંડુ રાખીને વિચારો...તમારા પતિનું ભરતપુર જવું...તમને ભૂતની વાતોથી ગભરાવવા...લાઈટ ગુલ થઈ જવી...તમારું સારિકાના શયનખંડમાં સૂવું અને પછી ગરોળીનું ઝેર ભેળવેલું પાણી પીવું...શું આ બધું તમારા ખૂનના પ્રયાસ તરફ સંકેત નથી કરતું ?’

‘ મને હજુ પણ આ વાત પર ભરોસો નથી બેસતો ઈન્સ્પેક્ટર સાહેબ!’

‘ જરૂર નહીં બેસતો હોય...પરંતુ તમે જ વિચારો...જોઠંડા પાણીમાં કોઈ ગરોળી પડીને મૃત્યુ પામે, તો પણ તેનું ઝેર એટલું બધું નથી ફેલાતું. ઉપરાંત, તમે જ્યારે પાણી પીધું, ત્યારે તમારા હોઠ પર ગરોળીનો સ્પર્ષ ન થાત! જો થયો હોત તો તમે પાણી ન પીતા...! કોઈ પણ જીવજંતુ જો પાણીમાં પડીને મૃત્યુ પામે તો એનું મૃત શરીર ડૂબતું નથી પણ તરે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જ્યારે તમે પાણી પીધું, ત્યારે ગ્લાસમાં ગરોળી નહીં, પણ માત્ર તેનું ઝેર જ હતું. તમે ઝેર ભેળવેલું પાણી પી લીધું. ત્યાર પછી જ ગ્લાસમાં મરેલી ગરોળી મૂકવામાં આવી હતી. જેથી કરીને આ ખૂનનો બનાવ આપઘાતમાં પલટાઈ જાય!’

તેમની વાતો સાંભળી રહેલા મહેશને પોતાના પગ નીચેથી જમીન સરકતી લાગી.

વામનરાવ નામનો આ ઈન્સ્પેકટર કેટલો હોશિયાર અનેચાલાક છે, એનો તે વિચાર કરતો હતો.

જો તેને કોઈ પુરાવો મળશે તો એ પોતાને માફ નહીં કરે...ઘટતાં ફેજે પહોંચાડીને જ જંપશે એવું તેને લાગતું હતું.

એ સુજાતાને મળવા માટે આવ્યો હતો.

‘ પરંતુ વામનરાવની વાત સાંભળીને એને મળવાનો વિચાર માંડી વાળીને તે તરત જ ત્યાંથી રવાના થઈ ગયો.

એ તાબડતોબ ઘેર પહોંચ્યો.

એણે વામનરાવે સુજાતા પાસે કરેલી વાતચીતની વિગતો અમીચંદ, રાકેશ અને સારિકાને જણાવી દીધી.

બધી વિગત સાંભળ્યા પછી એ ત્રણેયનાં ચહેરા પર ભય, ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા.

‘ મહેશ...તું અમારી મશ્કરી તો નથી કરતો ને ?’ રાકેશે પૂછ્યું.

‘ ના...તમને લોકોને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો પણ હું સાચું જ કહું છું. મેં મારા સગા કાને તેમની વચ્ચે થયેલી વાતચીત સાંભળી છે. પિતાજી...આપણે સુજાતાને ખૂનનો પ્રયાસ કર્યો છે. એ વાતની ગંધ વામનરાવે આવી ગઈ છે. એ કમજાત એક વખત જેની પાછળ પડી જાય છે. તેને છોડતો નથી તે તો તમે જાણો જ છો.! અત્યારે તેની પાસે આપણી વિરુદ્ધ કોઈ પૂરાવો નથી. નહીં તો ક્યારનાયે તે આપણી ધરપકડ કરી ચૂક્યો હોત!’

‘ હવે શું થશે મહેશ ?’

‘ હવે આપણે ભવિષ્યમાં સુજાતાનું ખૂન નહીં કરી શકીએ. જો કરીશું તો વામનરાવને સીધી આપણા પર જ શંકા જશે...એ લબાડ આપણને ફાંસીના માંચડે પહોંચાડીને જ જંપશે...!’

‘ મહેશ સાચું કહે છે.પિતાજી...!’ રાકેશે મહેશની વાતનો સમર્થન આપતાં કહ્યું, ‘ ભવિષ્યમાં જો આપણે સુજાતાના ખૂનનો પ્રયાસ કરીશું તો તરત જ આપણી ગરદનમાં ફાંસીનો ગાળીયો ભેરવાઈ જશે.’

‘ પિતાજી...આપણાં નસીબ ફૂટી ગયાં...ભવિષ્યમાં નહીં સુજાતાનું ખૂન થાય કે નહીં ગોપાલના લગ્ન વંદના સાથે થાય! આપણા નસીબમાં ફૂટપાથ પર પહોંચવાનું જ લખ્યું છે.’ સારિકા નિરાશા ભર્યા અવાજે બોલી.

‘ મને તમારા બંધની મૂર્ખાઈ પર ખૂબ જ ક્રોધ ચડે છે. પિતાજી..!’

‘ એટલે...?’

‘ મેં કેવી શાનદાર યોજના બનાવી હતી...પરંતુ તમે લોકોએ મારી યોજના પર પાણી ફેરી દીધું છેં. જો તમે સુજાતાને હોસ્પિટલે લઈ જવામાં થોડું મોડું કર્યું હોત તો તે ન બચી શકત. એ મૃત્યુ પામત અને આપણે બરબાદ ન થવું પડત!’

‘ હા...ખેરખર અમારી આ બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે મહેશ!’ અમીચંદે પશ્ચાત્તાપભર્યા અવાજે કહ્યું, ‘ તું ફરીથી કોઈક આવી જ શાનદાર યોજના ઘડી કાઢ!’

‘ તમે લોકો મારી યોજનાનો સરખી રીતે અમલ જ નથી કરતાં તો હું શું ધૂળ યોજના બનાવું ?’ મહેશ ધૂંધવાતા અવાજે બોલ્યો.

‘ આ વખતે અમારાથી કોઈ ભૂલ નહીં થાય!’

‘ આપણે હવે સુજાતાના ખૂનની વાતને ભૂલી જવી જોઈએ એમ હું તો માનું છું.’ સારિકા બોલી.

મહેશે ક્રોધથી સળગતી નજરે સારિકા સામે જોયું.

‘ તું ચૂપ રહે...! આ વખતે તેને યોજનામાં સામેલ કરવામાં નહીં આવે! જો તું ગભરાઈ ન હોત તો વામનરાવે આપણા પર કોઈ જાતની શંકા ન આવત!’

‘ ગભરાઈ તો તું પણ ગયો હતો મહેશ!’

‘ શટ અપ...? મારું માથું ન ફેરવ...!’

‘ મહેશ...અંદરોઅંદર લડવાથી કંઈ લાભ નહીં થાય ? આમાં કોઈનીયે ભૂલ નહોતી. સુજાતાની જિંદગી બાકી હતી અથવા તો પછી કુદરતને આમ જ મંજૂર હતું.’

પરંતુ એક વાતથી તેઓ સાવ અજાણ હતા.

સરોજે તેમની વચ્ચે થયેલી બધી વાતચીત સાંભળી લીધી હતી.

તેમની વાત સાંભળ્યા પછી એનો ચહેરો ક્રોધથી લાલઘુમ થઈ ગયો હતો.

એ ભારે હૈયે પોતાના ખંડ તરફ આગળ વધી ગઈ.

એ ચારેયે ભેગા થઈને સુજાતાના ખૂનનો પ્રયાસ કર્યો છે. એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.

એ ચારેય તેને માણસ નહીં પણ સાક્ષાત શયતાન જેવા લાગતા હતા.

પોતે ખૂનીઓની ટોળી વચ્ચે આવી ગઈ છે, એવો ભાસ તેને થતો હતો. કાશ...પોતે પિતાજીની સલાહ માનીને રાકેશ સાથે લગ્ન ન કર્યાં હોત તો સારું હતું.

એ શયતાનો પોતાનો સ્વાર્થ સાધવા માટે સુજાતાનું તો શુ, પોતાનું પણ ખૂન કરી શકે તેમ છે.

પોતાના મૃત્યુની કલ્પના માત્રથી જ એના રૂંવાડા ઊભા થઈ ગયા.

ભયથી એનો દેહ સૂકા પાંદડાની જેમ થરથરવા લાગ્યો.

  • ***
  • ગાયત્રીએ બીજે દિવસે સવારે સરોજના શયનખંડના બારણાં પર ટકોરા માર્યાં.

    એ બંને સ્નાનાદિથી પરવારીને સાથે જ ભગવાનની પૂજા કરતા હતા.

    પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે એણે બારણાને ધક્કો માર્યો તો તે અંદરના ભાગમાં ઉઘડી ગયું.

    શયનખંડ ખાલી હતો.

    રાકેશ રાત્રે ઘેર નહોતો આવ્યો.

    પરંતુ સુજાતા અને ગુડ્ડી ખંડમાં જ હોવા જોઈતા હતા.

    કોઈક અજ્ઞાત આશંકાથી ગાયત્રીના ધબકારા વધી ગયા.

    એ ખંડમાં પ્રવેશી.

    પછી અચાનક જ એની નજર સ્ટૂલ પર બોલપેન નીચે દબાવેલા કાગળ પર સ્થિર થઈ ગઈ.

    એણે કાગળ ઊંચકીને વાંચ્યો તો જાણે એના પર વીજળી ત્રાટકી.

    એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.

    એને પોતાની આંખો પર ભરોસો નહોતો બેસતો.

    એણે ફરીથી કાગળનું લખાણ વાંચ્યું.

    મિસ્ટર રાકેશ...

    તમારા કુટુંબ વિશે જાણીને મને જે દુ:ખ અને અફસોસ થયા છે, એનું વર્ણન કરવા જેવી મારી હાલત નથી. બલકે તમારા કુટુંબ માટે મારી પાસે હલકી કક્ષાના શબ્દો નથી.

    તમે, મહેશ સારિકા અને પિતાજી તમારી જાતને કંગાળ થતી બચાવવા માટે નિર્દોષ સુજાતાના ખૂનનો પ્રયાસ કરશો એવી કલ્પના મેં નહોતી કરી.

    સારિકા, એક સ્ત્રી થઈને પણ સ્ત્રીના મનને ન સમજી શકી. આ વાતની મને ખૂબ જ નવાઈ લાગે છે. એણે પોતે જ પાણીના ગ્લાસમાં ઝેર ભેળવ્યું. તમે લોકો તમારા સ્વાર્થ ખાતર તેને પણ મારી શકો છો.એવો વિચાર પણ એણે ન કર્યો.

    ખેર, જે થવાનું હતું તે થઈ ગયું રાકેશ ? સુજાતાનો જીવ બચાવવા બદલ હું ઈશ્વરનો ઉપકાર માનું છું. પરંતુ તમે તે માસૂમને જીવતી નહીં જ રાખો...! તમારો હેતુ સુજાતાને મારીને ગોપાલના લગ્ન વંદના સાથે કરવાનો છે. જેથી કરીને તમને વંદનાના કરોડપતિ બાપ પાસેથી મોટી રકમ ઉપરાંત કરિયાવર મળી શકે અને તમે કંગાળ થતાં બચી જાઓ.

    આ બધી વાતોની મને કેવી રીતે ખબર પડી એવો વિચાર તને આવતો હશે. તો સાંભળ, મેં તારી, મહેશ, સારિકા અને પિતાજી વચ્ચે કાલે રાત્રે થયેલી વાતો સાંભળી લીધી હતી.

    રાકેશ, મારી નજરમાં તારું કુટુંબ દુનિયાનું સૌથી વધુ નીચ અને હલકી કોટીનું છેં...? હું તારા કુટુંબની વહુ કહેવાઈ એ બદલ મને જિંદગીભર અફસોસ રહેશે.

    કાશ ? મેં મારા પિતાજીની વાત માનીને તારી સાથે લગ્ન ન કર્યા હોત તો આજે મારે આવો દિવસ ન જોવો પડત.!

    હું હંમેશને માટે તારા નીચ કુટુંબ છોડી જઉં છું...! ગુડ્ડીને હું મારી સાથે જ લઈ જઉં છું....! જો ગુડ્ડીના ભવિષ્યનો વિચાર ન આવ્યો હોત તો મેં ક્યારની યે આપઘાત કરીને મારી જિંદગી ટૂંકાવી નાંખી હોત! પરંતુ એ માસૂમની જિંદગી મારી સાથે જોડાયેલી છે. એટલે ઈચ્છા હોવા છતાં પણ હું આપઘાત કરી શકું તેમ નથી.

    મારી સાથે સાથે ગુડ્ડી તારી પણ દિકરી છે....એની નસોમાં તારું હલકું લોહી વહે છે, એ વાત હું કબૂલ કરું છું. મારે તેને સાથે નહોતી લઈ જેવી જોઈતી. પરંતુ ગમેતેમ તો ય હું મા છું. એ મને મારા પ્રાણથી યે વધુ વહાલી છે. જો તું ગુડ્ડીને મારી પાસેથી આંચકવાનો પ્રયાસ કરીશ તો આવો કોઈ પ્રયાસ કરતાં પહેલાં એ તારી દિકરી છે એટલું યાદ રાખજે તારી પાસે એનું ભવિષ્ય સલામત નથી. તેમ છતાં ય જો એનું ભવિષ્ય તેને સલામત લાગતું હોય તો હું જ્યાં જઈશ ત્યાંથી તને પત્ર લખીને મારું સરનામું જણાવી દઈશ. તુ આવીને ગુડ્ડીને લઈ જજે.

    મારા તરફથી તું સ્વતંત્ર છો રાકેશ! તારી મરજી પડે એ છોકરી સાથે લગ્ન કરી લેજે. હું જરા પણ વાંધો નહીં ઉઠાવું.

    આપણા પતિ-પત્નિ તરીકેના સંબંધો પૂરા થઈ ગયા છે.

    હવે કદાચ તું સુધરી જઈશ તો પણ હું તને પતિ તરીકે કબૂલ નહીં કરું.

    આવતા સાત જન્મમાંય મને તારા જેવો પતિ ન મળે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરુ!

    લિ. સરોજ.

    ‘ હે ઈશ્વર...?’ ગાયત્રીએ પત્રને મુઠ્ઠીમાં જકડીને બંને હાથે પોતાનું માથું પકડી લીધું.

    એની આંખો સમક્ષ અંધકાર ફરી વળ્યો.

  • ***
  • અમીચંદ, મહેશ અને રાકેશ ડીલકસ હોટલના એક રૂમમાં બેસીને સુજાતાન ખૂનની યોજના બનાવતા હતા.

    આ યોજનામાં તેઓ કુટુંબના બીજા કોઈ સભ્યોને સામેલ કરવા નહોતા માંગતા.

    કુટુંબના કોઈ સભ્યોને યોજનાની ગંધ ન આવે એટલા માટે તેમણે ડીલકસ હોટલમાં નકલી નામથી એક રૂમ ભાડે રાખી લીધો હતો.

    પરંતુ હજુ સુધી તેઓ કોઈ નજર યોજના નહોતા બનાવી શક્યા.

    સહસા ટેલિફોનની ઘંટડીના અવાજથી તેમની વાતોનો ક્રમ તૂટી ગયો હતો.

    ત્રણેયે પરસ્પર પ્રશ્નાર્થ નજરે એકબીજાની સામે જોયું.

    ત્રણેય ને માત્ર બે જ વાતનો વિચાર આવતો હતો.

    પોતે ત્રણેય આ હોટલના રૂમમાં બેઠા છે એ વાતની કોઈને કેવી રીતે ખબર પડી ?

    ક્યાંક ઈન્સ્પેકટર વામનરાવ પોતાના પર નજર તો નથી રાખતો ને ?

    વામનરાવનો વિચાર આવતાં જ તેમના ધબકારા વધી ગયા.

    ટેલિફોનની ઘંટડી હજુ પણ સતત રણકી હતી.

    છેવટે અમીચંદે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

    ‘ હલ્લો...કોણ ...?’

    ‘ અમીચંદ...!’ સામે છેડેથી બરફ જેવો ઠડો સ્વર તેને સંભળાયો, ‘ તારા કુટુંબની બરબાદીનો સમય આવી ગયો છે કમજાત...!’

    એ અવાજ પુરુષનો માનો તો સ્ત્રીનો અને સ્ત્રીનો માનો તો પુરુષનો લાગે એવો વિચિત્ર હતો.

    ‘ ક...કોણ છે તું...?’

    ‘ હું તારા આખા કુટુંબનો કાળ છું...!’

    ‘ આ તું શું બકે છે...?’ અમીચંદે જોરથી બરાડ્યો.

    ‘ હું બકતો નથી પણ સાચું જ કહું છું કમજાત...!’

    ‘ તું...’

    ‘ મારું નામ બ્લેક ટાઈગર છે અમીચંદ....!’

    ‘ બ્લેક ટાઈગર ?’ અમીચંદ સ્વગત બબડ્યો. બ્લેક ટાઈગર નામનો આ માનવી તેને ખૂબ જ રહસ્યમય લાગતો હતો.

    ‘ હા, કમજાત...! બ્લેક ટાઈગર...! તેં ઢંગલાબંધ માણસોને માર્યા છે...તમાશો ઊભો કર્યો છે...! હવે હું તારો તમાશો દુનિયા આખીને બતાવીશ!’

    ‘તું...તું શું ઈચ્છે છે બ્લેક ટાઈગર...?’

    ‘ તારી બરબાદી...તારા કુટુંબના દરેક સભ્યનું મોત...! બોલ, મારી આ ઈચ્છા તું સ્વેચ્છાએ પૂરી કરી શકીશ ?’

    ‘ ન...ના...’

    ‘ મને ખબર જ હતી કે તું ના પાડીશ. પણ કંઈ વાંધો નહીં...! મારી આ ઈચ્છા હું જાતે જ પૂરી કરી દઈશ. તને બરબાદ કરતાં દુનિયાની કોઈ તાકાત મેં નહીં અટકાવી શકે!’

    ‘ પણ...પણ તારે વળી મારે સાથે શું દુશ્મનાવટ છે ?’

    ‘ અમીચંદ... મારી દુશ્મનાવટ, માણસાઈને નેવે મૂકી દેનારા તારા જેવા દરેક માણસ સાથે છે. હું તારે વિશે ઘણું બધું જાણું છું...તારી નસેનસથી વાકેફ છું. સમજ્યો ?’

    ‘ એટલે...?’

    ‘ એટલે એમ કે તું કૉલગર્લ નો દિકરો છે...!’

    ‘ શું...?’

    ‘ તું...તું ક્યાંક શંકરનો કોઈક સાથીદાર તો નથી ને ?’

    ‘ ના, અમીચંદ...! શંકર સાથે મારે કશીયે નિસ્બત નથી તું તારી કોલગર્લ માનો ખૂની છે. એની મને ખબર છે. સાથે જ તેં શંકરની પ્રેમિકા અને તેની માને મારી નાખ્યા છે...શંકરને તેં જ સ્વધામ પહોંચાડ્યો છે...અને છેલ્લે કંઈ કસર બાકી રહી ગઈ હોય એમ તેં તારા નાના દિકરા ગોપાલની પત્નીને પણ ન છોડી! તારામાં દયા કે રહેમ જેવી કોઈ ચીજ નથી. તું શયતાન કરતાં ય હલકી કોટીનો છે....! ડાકણ પણ એક ઘર છોડી દે છે...પરંતુ તેં તો તારા ઘરને પણ ન છોડ્યુ...! એક વખત ભગવાન ભલે તને માફ કરી દે, પણ હું કોઈ કાળે માફ નહીં કરું...!’

    સામે છેડેથી કહેવાયેલી વાત સાંભળીને અમીચંદનો રિસીવરવાળો હાથ કંપી ઊઠ્યો.

    એનો દેહ હિસ્ટીરીયના રોગીની જેમ ધ્રુજતો હતો.

    ચહેરો એકદમ નિસ્તેજ થઈ ગયો હતો.

    એની આંખોમાં નર્યા-નિતર્યા ભય, ગભરાટ અને આશ્ચર્યના હાવભાવ છવાઈ ગયાહતા.

    બ્લેક ટાઈગર નામધારી માનવીને આ બધી વાતોની કેવી રીતે ખબર પડી એ તેને નહોતું સમજાતું.

    ‘ હલ્લો સાંભળે છે ને...?’ સામે છેડેથી પૂછવામાં આવ્યું એના અવાજથી અમીચંદની તંદ્રા તૂટી.

    ‘ હા...હા...બોલ...’ એણે નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

    ત્યારબાદ બીજા હાથેથી રૂમાલ કાઢીને એણે કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો.

    ‘ અમીચંદ... મારી પાસે તારા એક એક પરાક્રમોના પુરાવાઓ છે. હું ધારું તો ઘડીના છઠ્ઠા ભાગમાં તને ફાંસીના માંચડા સુધી પહોંચાડી શકું તેમ છું. પણ, ના...! હું તને સહેલું મોત આપી શકું તેન નથી બલ્કે આપવા નથી માંગતો. હું તને પ્રત્યેક પળે રીબાવી રીબાવીને મારવા માંગુ છું. કમજાત..!’

    ‘ બ્લેક ટાઈગર...તારે બે-પાંચ લાખ રૂપિયા જોઈતા હોય તો લઈ લે, પણ મહેરબાની કરીને મારો પીછો છોડી દે!’

    ‘ પૈસા તું તારી પાસે જ રાખ કમજાત...! તારા અંતિમ સંસ્કારમાં કામ લાગશે.’

    વળતી જ પળે સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

    અમીચંદે ધૂંધવાઈને રિસીવર ક્રેડલ પર પટક્યું.

    ‘ આ બ્લેક ટાઈગર કોણ છે પિતાજી...?’ મહેશે પૂછ્યું.

    ‘ ભગવાન જાણે...! હું એને નથી ઓળખતો...!’

    ‘ શું કહેતો હતો...?’ રાકેશે પૂછ્યું.

    જવાબમાં અમીચંદે બ્લેક ટાઈગર સાથે ફોન પર થયેલી વાત ચીતની વિગત તેમને જણાવી દીધી.

    ‘ આવું...આવું કેવી રીતે બને પિતાજી...?’ અમીચંદની વાત સાંભળ્યા પછી બંને એકી સાથે બોલી ઊઠ્યા, ‘ એ કમજાતને આપણા વિશે આટલી બધી વાત ક્યાંથી જાણવા મળી ?’

    ‘ શું ખબર પડે...’

    ‘ મને તો એ શંકરનો જ કોઈક સાથીદાર હોય એવું લાગે છે.’ મહેશે પોતાની શંકા વ્યક્ત કરી.

    ‘ અને મને તો આ પેલા વામનરાવની જ કોઈક ચાલબાજી હોય એવું લાગે છે. આપણે ગભરાઈને કોઈક ખોટું પગલું ભરી બેસીએ એટલા માટે એણે આવું નાટક કર્યું. હોય એ બનવાજોગ છે.’ રાકેશ બોલ્યો.

    ‘ ના, રાકેશ...’

    ‘ કેમ...?’

    ‘ વામનરાવે આપણા પર શંકા છે અને તે જરૂર આવી ચાલબાજી રમી શકે તેમ છે. પરંતુ મેં મારી મા અને શંકર, શંકરની પ્રેમિકા, તેની માતા વિગેરેના ખૂન કર્યા છે એ વાતની તો તેને ગંધ સુધ્ધાં આવી શકે તેમ નથી. બ્લેક ટાઈગર આ વામનરાવ નહીં,પણ બીજું જ કોઈક છે...’

    એની વાત સાંભળીને મહેશ તથા રાકેશ વિચારમાં ડૂબી ગયા.

    બંનેના દિમાગમાં એક જ સવાસ હથોડાની માફક ઝીંકાતો હતો.

    બ્લેક ટાઈગર નામધારી માનવી વાસ્તવમાં કોણ છે...?

    પરંતુ આ સવાલનો હાલ તુરત તેમની પાસે કોઈ જવાબ નહોતો.

    ***