Bazi - 7 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 7

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

બાજી - 7

બાજી

કનુ ભગદેવ

7 - ફરિયાદ અને ધમકી...!

બીજે દિવસે સવારના પહોરમાં મોતીલાલ અમીચંદને ત્યાં પહોંચી ગયો.

એને અણધાર્યા આવી ચડેલો જોઈને અમીચંદ, મહેશ, સારિકા અને રાકેશ એકદમ ચમકી ગયો. મનોમન તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. પરંતુ તરત જ તેમણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવી લીધો.

‘ આવો...મોતીલાલ શેઠ...! સરોજ અને ગુડ્ડી નથી આવ્યા...?’ અમીચંદે સ્મિત ફરકાવીને સ્વસ્થ અવાજે પૂછ્યું.

મોતીલાલે ક્રોધથી સળગતી નજરે અમીચંદે સામે જોયું.

‘ સમજ્યો...સરોજ આપની પાસે થોડા દિવસ રોકવા માંગે છે ખરું ને ?’

‘ ચૂપ...!’ મોતીલાલ જોરથી બરડ્યો. એની આંખોમાંથી જાણે કે તણખા ઝરતા હતા.

‘ કેમ...? શું થયું...?’

‘ મિસ્ટર અમીચંદ...! સરોજ ક્યાં છે...?’ મોતીલાલે એક એક શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું.

‘ આ આપ શું કહો છો...? શું સરોજ આપની પાસે નથી આવી ? પરંતુ અહીંથી તો એ આપની પાસે જવાનું કહીને નીકળી હતી...’ અમીચંદના અવાજમાં કૃત્રિમ ચિંતાનો સૂર હતો.

‘ એ મારી પાસે નથી આવી...! કાલે રાત્રે મારા પર ઈન્સ્પેકટર વામનરાવનો ફોન આવ્યો હતો. એના કહેવા મુજબ સરોજ આઠ દિવસથી અહીં નથી...! જો અહીં નથી તો ક્યાં છે ?’

‘ આ બાબતમાં જેટલું આપ જાણો છો, એટલું જ અમે જાણીએ છીએ.

‘ બકવાસ બંધ કરીને સીધી રીતે મારા સવાલોના જવાબ આપો. બોલો...મારી દિકરી ક્યાં છે....? તમે એને કાઢી મૂકી છે કે પછી એનું ખૂન કરી નાખ્યું છે ?’

‘ મિસ્ટર મોતીલાલ...બકવાસ તો તમે કરો છો...!’ અમીચંદ રોષભર્યા અવાજે બોલ્યો, ‘ શું તમે અમને ખૂની માનો છો ?’

‘ હું તમારી નસેનસથી વાકેફ છું...તમે કોણ છો ને શું છો એની મને ખબર છે. બોલો, ક્યાં છે સરોજ ?’

‘ અમે નથી જાણતા...?’

‘ આ તમારો છેલ્લો જવાબ છે ?’

‘ હા...’

‘ ઠીક છે... તમે લોકોએ સરોજ અને ગુડ્ડીનાં ખૂનો કરી નાંખ્યા હોય એવું મને લાગે છે. હું હમણાં જ પોલીસ હેડકવાર્ટર જઈને તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું.’

મોતીલાલ ક્રોધથી પગ પછાડતો ચાલ્યો ગયો.

અમીચંદ વિગેરે સર્વાંગે કંપી ઊઠ્યો.

તેમને મોતીલાલના અણસાર સારા નહોતા દેખાયા.

તેમની નજર સામે ઈન્સ્પેકટર વામનરાવનો ચહેરો તરવરી ઊઠ્યો.

શું કરવું ને શું નહીં, એ તેમને કંઈ સમજાતું નહોતું.

થોડી વારમાં જ જોરાવર આવી પહોંચ્યો.

અમીચંદે તેને મોતીલાલના આગમન વિશે જણાવી દીધું. પછી ઉમેર્યું, જોરાવર, મોતીલાલે પોલીસમાં અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની ધમકી આપી છે. એ જરૂર અમે સરોજનું ખૂન કર્યું છે. એવી ફરિયાદ નોંધાવશે!’

‘ તો ભલને નોંધાવે...! તમે સરોજનું ખૂન કર્યું છે એવો કોઈ પૂરાવો તેની પાસે ક્યાં છે ? પૂરાવા વગર પોલીસ તમારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી.’

‘ જોરાવર...તું ઈન્સ્પેકટર વામનરાવને તો ઓળખતો જ હોઈશ...! એ ખૂબ ચાલાક હોવા છતાં પણ સાત ભાવમાંય અમને સરોજ અને ગુડ્ડીના ખૂની પૂરવાર કરી શકે તેમ નથી. પરંતુ સરોજની તપાસ દરમિયાન એ આ બંગલાની તલાશી તો જરૂર લઈ શકે તેમ છે. એ તલાશી લેવા માટેનું કોઈક બહાનું જ શોધતો હોય એવું મને લાગે છે. મોતીલાલની ફરિયાદ પરથી તેને તલાશી લેવાનું બહાનું મળી જશે. એ તાબડતોબ સર્ચ વોરંટ કઢાવીને બંગલાની તલાશી લેવા માટે આવી પહોંચશે.’

‘ તો ભલેને આવે...તલાશી લઈને વિલા મોંએ પાછો ચાલ્યો જશે...!’

‘ જોરાવર...ફ્રીઝમાં હજુ ગાયત્રીનો મૃતદેહ પડ્યો છે, એ વાત તું શા માટે ભૂલી જાય છે. ? તલાશી દરમિયાન ગાયત્રીનો મૃતદેહ તેને મળી આવશે અને પછી અમારી શી હાલત થશે, એ તું કલ્પના કરી લે!’

‘ ના પિતાજી...એવું ન થવું જોઈએ...!’ મહેશ થોથવાતા અવાજે બોલ્યો.

‘ આપણે એ કમજાતને ફ્રીઝની તલાશી લેતાં અટકાવી શકીશું ખરા ?’ અમીચંદે રડમસ અવાજે કહ્યું.

‘ પિતાજી, જો મમ્મીનો મૃતદેહ નહીં ખસેડીએ તો આપણે ફાંસીના માંચડે લટકવું પડશે!’ રાકેશ બોલ્યો.

‘ સાહેબ...જો આપણને આજની રાત જેટલો સમય મળી જાય, તો આપણે મૃતદેહને ઠેકાણે પાડી દેશું.!’ જોરાવરે કહ્યું.

‘ બંગલા પર પોલીસ નજર રાખે છે તેમ છતાં ય...?’

‘ હા...’

‘ શું તારી પાસે મૃતદેહને ઠેકાણે પાડવાનો કોઈ ઉપાય છે. જોરાવર ?’અમીચંદે પૂછ્યું.

‘ હા, સાહેબ...એ ઉપાય હમણાં જ મને સૂઝ્યો છે.’

‘ શું ?’

‘ આપણે મૃતદેહના ટૂકડા કરવા પડશે...ત્યારબાદ એક એક કરીને એક ટૂકડાઓને દૂર ફેંકી આવીશું! આ રીતે મૃતદેહને ઠેકાણે પડી જશે અને પોલીસને રજ માત્ર પણ શંકા નહીં ઉપજે!’

‘ તારી યોજના સારી છે, પણ...’

‘ પણ, શું...?’

‘ અત્યારે આપણી સામે જે ઉપાધિ જડબું ફાડીને ઊભી છે, એનો કોઈ ઉપાય છે તારી પાસે ? વામનરાવ કોઈપણ ઘડીએ તલાશી લેવા માટે આવી શકે છે...!’

જોરાવરે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

પછી સહસા કંઈક વિચારીને એની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

બીજી તરફ અમીચંદને ત્યાંથી નીકળીને મોતીલાલ સીધો પોલીસ હેડક્વાર્ટરે ઈન્સ્પેકટર વામનરાવ પાસે પહોંચી ગયો.

એણે તેની પાસે સરોજ તથા ગુડ્ડીનું ખૂન થઈ ગયાની શંકા વ્યક્ત કરી.

‘ મિસ્ટર મોતીલાલ...!’ વામનરાવે શોધપૂર્ણ નજરે તેની સામે જોતાં પૂછ્યું, ‘ સરોજ અને ગુડ્ડીનું ખૂન થઈ ગયું છે, એવું તમે ક્યાં આધારે કહો છો ?’

‘ એ લોકોની વાતો પરથી તો મને એવું જ લાગે છે. ઈન્સ્પેકટર સાહેબ!’ કહીને મોતીલાલે અમીચંદ સાથે થયેલી વાતચીતની વિગત વામનરાવને જણાવી દીધી.

‘ તમારી આ માન્યતા ખોટી પણ હોઈ શકે છે મિસ્ટર મોતીલાલ...!’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો.

‘ ના, ઈન્સ્પેકટર સાહેબ...!’ મોતીલાલન અવાજ મક્કમ હતો, ‘ મારી શંકા ખોટી હોય જ નહીં! એ લોકોનો ગભરાટ જોઈને તેઓ ખૂની છે, તે વાતનું અનુમાન કોઈ પણ માણસ ખૂબ સહેલાઈથી કરી શકે તેમ છે.એ શયતાનોએ સરોજ તથા ગુડ્ડીને મારી નાંખીને તેમનાં મૃતદેહો બંગલામાં જ ક્યાંક છૂપાવી રાખ્યા હોય એવું મને લાગે છે. પોલીસ કોઈપણ ઘડીએ તલાશી લેવા માટે આવી શકે તેમ છે, એવી શંકા પણ તેમને છે.’

‘ ઓહ...’ વામનરાવ બબડ્યો.

મોતીલાલની વાત સાંભળીને, અમીચંદના કુટુંબમાં કંઈક અજુગતુ થઈ રહ્યું છે. એવી તેની શંકા વધુ મજબૂત બની.

મોતીલાલનુ અનુમાન તેને સાચું લાગતું હતું.

ખરેખર જ સરોજ તથા ગુડ્ડીને મારીને તેમના મૃતદેહોને બંગલામાં જ ક્યાંક છૂપાવી દેવાય છે. એવા નિર્ણય પર છેવટે તે આવ્યો.

‘ મિસ્ટર મોતીલાલ...તમે અમીચંદની વિરુદ્ધ શંકાના આધારે ફરિયાદ નોંધાવી દો. હું અત્યારે જ તમારી સાથે એના બંગલે આવું છું.’

મોતીલાલ ફરિયાદ નોંધાવવા બહાર ચાલ્યો ગયો.

આ દરમિયાન વામનરાવે કમિશ્નર સાહેબને મળીને તલાશીનું વોરંટ કઢાવી લીધું હતું.

દસ મિનિટ પછી વામનરાવની જીપ અમીચંદના બંગલા તરફ દોડતી હતી.

જીપમાં મોતીલાલ ઉપરાંત સબ ઈન્સ્પેક્ટર અમરજી અને ચાર સિપાહીઓ પણ હતા.

થોડી વારમાં જ તેઓ અમીચંદના બંગલે પહોંચી ગયા.

તેઓ સૌ ડ્રોંઈગરૂમમાં જ બેઠા હતા.

વામનરાવ તથા મોતીલાલને જોઈને તેમના ચહેરાનો રંગ ઊડી ગયો.

‘ મિસ્ટર અમીચંદ, હું તારા બંગલાની તલાશી લેવા માગું છું.’ વામનરાવે મુદ્દાની વાત પર આવતાં કહ્યું.

‘ શું...?’ અમીચંદે આગ્નેય નજરે વામનરાવ તથા મોતીલાલ સામે તાકી રહેતા પૂછ્યું. ‘ તમે મારા બંગલાની તલાશી લેવા માંગો છો ?’

‘ હા...’

‘ કેમ...?’ શા માટે...? મેં એવો તે કયો ગુનો કર્યો છે. કે જેના કારણે તમારે તલાશી લેવાની જરૂર પડી છે ?’

મહેશ, રાકેશ અને સારિકાના ચહેરા પર બાર વાગી ગયા હતા.

જ્યારે જોરાવરનો ચહેરો એકદમ ભાવહીન હતો.

‘ મિસ્ટર અમીચંદ...’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, ‘ તમે સરોજ અને ગુડ્ડીનું ખૂન કરીને તેમના મૃતદેહોને બંગલામાં જ ક્યાંક છૂપાવી રાખ્યા છે, એવી શંકા વ્યક્ત કરીને મિસ્ટર મોતીલાલે તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને હું કંઈ એમ ને એમ ઊંટની જેમ ગરદન ઊંચી રાખીને નથી આવ્યો. તલાશી લેવાનું વોરંટ મારી પાસે...! તમે કહેતા હો તો બતાવું!’

વામનરાવ આટલી જલદી તલાશી લેવા માટે આવી પહોંચશે એવી કલ્પના અમીચંદે નહોતી કરી.

જો ગાયત્રીનો મૃતદેહ પોલીસને મળી જશે તો ? તો પોતાને ફાંસીના માંચડેથી દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે એવું તેને લાગતું હતું.

મહેશ, રાકેશ એના સારિકાની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.

તેમની નજર સામે ફ્રીઝમાં પડેલો ગાયત્રીનો મૃતદેહ તરવરતો હતો.

‘ તમે રાજી-ખુશીથી તલાશી લેવા માટે મંજૂરી આપો છો કે પછી અમારે બળનો ઉપયોગ કરવો પડશે ᣃ?’ વામનરાવે પૂછ્યું.

અમીચંદના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

એણે હકારમાં માથું હલાવીને તલાશી લેવાની રજા આપી દીધી.

અનેત્યારબાદ વામનરાવ સંકેતથી અમરજી તથા સિપાહીઓ બંગલાના એક એક ખૂણામાં ફરી વળ્યા.

પરંતુ એમને નિરાશ થવું પડ્યું.

પણ વામનરાવ આટલી જલ્દી પોતાની હાર કબૂલવા માટે તૈયાર નહોતો.

એની વેધક નજર બંગલાની એક એક વસ્તુઓ પર ફરતી હતી.

અમીચંદ, જોરાવર, સારિકા, રાકેશ અને મોતીલાલ વામનરાવની સાથે જ હતા.

વામનરાવ ગોપાલના ખંડમાંથી બહાર નીકળતો મહેશના રૂમમાં પ્રવેશ્યો તો મોતાલીલ અને જોરાવરને બાદ કરતાં બાકીના સૌના ધબકારા એકદમ વધી ગયા.

ફ્રીજની મોટર ચાલુ જોઈને અમીચંદને જોરાવર પર ખૂબ જ ક્રોધ ચડ્યો. કારણ કે થોડીવાર પહેલાં જ્યારે તેઓ ડ્રોંઈગરૂમમાં બેઠા હતા. ત્યારે જોરાવર ફ્રીઝની ચાવી લઈને પાંચેક મિનિટ માટે ચાલ્યો ગયો હતો. જોરાવર ઠંડીની ઋતુમાં ફ્રીઝની મોટર ચાલુ રાખવા જેવી મૂર્ખાઈ કરશે એવી આશા એણે નહોતી રાખી.

શિયાળામાં ફ્રીઝ ચાલુ જોઈને વામનરાવને શંકા ઉપજી શકે તેમ હતું.

અને અમીચંદનો ભય સાચો પડ્યો.

વામનરાવ, શિયાળામાં પણ ફ્રીઝ શા માટે ચાલુ છે, એનો જ વિચાર કરતો હતો.

પછી કંઈક વિચારીને એની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

વામનરાવે ફ્રીઝમાં મૃતદેહ હોવાની ગંધ આવી ગઈ છે, એ વાત તરત જ અમીચંદ, મહેશ રાકેશ અને સારિકા સમજી ગયાં હતા.

હવે...?

હવે એ ફ્રીઝ ઉઘાડ્યા વગર નહીં રહે! ગાયત્રીનો મૃતદેહ મળતાંની સાથે જ એ પોતાને હાથકડી પહેરાવી દેશે.

તેમની નજર સામે પોલીસ કસ્ટડી, કોર્ટ અને ફાંસીનો ગાળીયો તરવરી ઉઠ્યો.

‘ આ ફ્રીઝમાં શું છે...?’ પોતાની વાતની શું અસર થાય છે, એ જાણવા માટે વામનરાવે અચાનક જ પૂછ્યું.

પળભર માટે ચારેય એકદમ હેબતાઈ ગયા.

પરંતુ પછી તરત જ તેઓ સ્વસ્થ થઈ ગયા.

‘ તમે મારા સવાલોના જવાબ ન આપ્યો મિસ્ટર અમીચંદ...?’ વામનરાવે વેધક નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘ ફ્રીઝમાં શું હોય છે, એ તમે નથી જાણતા ઈન્સ્પેકટર સાહેબ ?’ અમીચંદ માંડ માંડ આટલું બોલી શક્યો. એના ધબકારા એકદમ વધી ગયા હતા.

વામનરાવ તેમના મનની હાલત પારખી ગયો હતો.

‘ ફ્રીઝની ચાવી ક્યાં છે...?’એણે પૂછ્યું.

‘ લો, ઈન્સ્પેક્ટર સાહેબ...!’ જોરાવરે ગજવામાંથી ફ્રીઝની ચાવી કાઢીને તેની સામે લંબાવતા કહ્યું.

અમીચંદે ક્રોધિત નજરે જોરાવર સામે જોયું. તો એ સ્મિત ફરકાવીને રહી ગયો.

અમીચંદ તેના આ સ્મિતનો અર્થ નહોતો સમજી શકતો.

મહેશ, સારિકા અને રાકેશને પણ જોરાવર પર ખૂબ જ ક્રોધ ચડ્યો હતો.

સારિકાની આંખો સમક્ષ અંધકાર ફરી વળ્યો.

એના પગ લથડયા.

મહેશે તેને પકડી લીધી. પછી બોલ્યો, ‘ તારી તબિયત સારી નથી તો તું આટલી દોડાદોડી ન કર...! ચાલ જઈના આરામ કર!’

સારિકા, મહેશની સાથે બારણાં તરફ આગળ વધી ગઈ.

બંને રૂમમાંથી બહાર નીકળી ગયા.

‘ સારિકા...તું ગભરાઈશ નહીં...! જે ઉપાધિ આવી છે, તે ટાળી શકાય તેમ નથી.તું ગોપાલના રૂમમાં જઈને આરામ કર...! મહેશે ધીમા અવાજે કહ્યું.

સારિકા લથડતા પગે આગળ વધીને ગોપાલના રૂમમાં પ્રવેશી ગઈ.

એની હાલત પરથી જાણે હમણાં જ તે રડી પડશે એવું લાગતું હતું.

મહેશ પાછો પોતાના શયનખંડમાં પહોંચ્યો ત્યારે વામનરાવને ફ્રીઝના તાળાના છેદમાં ચાવી ભરાવતો જોઈને એનું હૃદય બે-ત્રણ ધબકારા ચુકી ગયું.

પરંતુ ફ્રીઝ ઉઘાડતાં જ અમીચંદ, મહેશ અને રાકેશ ત્રણેય એકદમ ચમકી ગયા એટલું જ નહીં., જાણે દુનિયાના આઠમી અજાયબી જોતા હોય એવા નર્યા અચરજનો હાવભાવ તેમના ચહેરા પર છવાઈ ગયા.

ફ્રીઝમાં ગાયત્રીના મૃતદેહને બદલે રોજીંદા વપરાશની ચીજ-વસ્તુઓ પડી હતી.

કદાચ જોરાવર મૃતદેહને ફ્રીઝમાંથી કાઢી લીધા હશે એવા વિચારે તેમણે એની સામે જોયું.

જવાબમાં જોરાવરે હળવું સ્મિત ફરકાવીને ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

પરંતુ ક્યાંક હજુ પણ ગાયત્રીનો મૃતદેહ પોલીસની નજરે ચડી જશે એવા ભયથી તેમના હૃદય ધબકતાં હતા.

વામનરાવે ફ્રીઝનો દરવાજો પૂર્વવત્ રીતે બંધ કરી દીધો.

એના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી.

તે આખા બંગલમાં ફરી વળ્યો હતો. પરંતુ તેને કંઈ જ નહોતું મળ્યું.

‘ મિસ્ટર અમીચંદ...!’ છેવટે તે ગંભીર અને ઉદાસ અવાજે બોલ્યો, ‘ તમને જે તકલીફ પડી છે, એ બદલ હું દિલગીર છું. પરંતુ હું ફરજ પાસે લાચાર હતો. તમારી મોટામાં મોટી ભૂલ એ થઈ કે, સરોજ અને ગુડ્ડી, મિસ્ટર મોતીલાલને ત્યાં ન પહોંચી તો તમારે એના ગુમ થયાની ફરિયાદ નોંધાવી દેવી જોઈતી હતી.’

‘ ઈન્સ્પેકટર સાહેબ...!’ અમીચંદે રૂક્ષ અવાજે કહ્યું. ‘ અમને ક્યાં ખબર હતી કે સરોજ અને ગુડ્ડી મોતીલાલ શેઠને ત્યાં નથી પહોંચી...? જો મોતીલાલ શેઠે આ બાબતની ચોખવટ ન કરી હોત તો આજે પણ અમને ખબર નહોતી પડવાની! સરોજ તેમની પાસે છે એમ જ અમે માનત! રહી વાત ફરિયાદ નોંધાવ્યાની , તો અમે તેની તૈયારી કરતા હતા, ત્યાં જ તમે તલાશી લેવા માટે આવી પહોંચ્યા. વહેમની દવા હજુ સુધી કોઈ નથી શોધી શક્યું ઈન્સ્પેકટર સાહેબ! હું સોગંદ ખાઈને કહું છું. કે અમે સરોજ કે ગુડ્ડીનું ખૂન નથી કર્યું.’

‘ મને તમારા એકેય સોગંદ પર ભરોસો નથી રહ્યો અમીચંદ...!’ મોતીલાલના ક્રોધિત અવાજમાં નફરતનો સૂર હતો, ‘ તમે એક નંબરના ધૂર્ત અને ચાલાક છો....તમારા દિકરા તો, તમનેય સારા કહેવડાવે એવા છે! તમે તમારા સ્વાર્થ સાધવા માટે ગમે તેવી હલકી કોટિનું કામ કરી શકો તેમ છો. સરોજ અને ગુડ્ડી તો ઠીક, તમે તમારા આખા કુટુંબને પણ મોતના મોંમાં ધકેલી શકો છો...’

‘ મોતીલાલ...તમે મારા પર ખોટો આરોપ મૂકીને મારું અપમાન કરો છો...!’ અમીચંદ કાળઝાળ રોષથી બબડયો.

‘ શાંત થાઓ પિતાજી...!’ મહેશ બોલ્યો.

‘ મહેશ સાચું કહે છે પિતાજી...!’ વાત ન વણસે એટલા ખાતર રાકેશ કહ્યું. ‘ આપણે અંદરોઅંદર ઝઘડવાને બદલે સરોજ તથા ગુડ્ડીને શોધવા જોઈએ. એ બંને કોણ જાણે ક્યાં ને કેવી હાલતમાં હશે...? તેમના પર શું વીતતી હશે...!’

મોતીલાલ, જાણે અમીચંદનો કાચો ને કાચો ફાડી ખાવો હોય એવી નજરે તેની સામે તાકી રહ્યો હતો.

અમીચંદ વિગેરેએ સરોજ તથા ગુડ્ડીને મારી નાખીને તેમના મૃતદેહને ઠેકાણે પાડી દીધા છે, એ વાત તેના મગજમાં ઘર કરી ગઈ હતી.

‘ ઈન્સ્પેક્ટર સાહેબ, મમ્મી અને સુજાતાનો પત્તો લાગ્યો ?’ મહેશે પૂછ્યું.

‘ ના મિસ્ટર સાહેબ...! તેમને શોધવાના અમારા પ્રયાસો ચાલું જ છે. તેમની સાથે સાથે હું સરોજ તથા ગુડ્ડીને શોધવાની સૂચના પણ આપી દઈશ.

‘ ઈન્સ્પેકટર સાહેબ...! મૃતદેહો શોધવાથી નથી મળતા! મોતીલાલે કટાક્ષભર્યા અવાજે કહ્યું.

‘ મિસ્ટર મોતીલાલ, આ લોકોએ સરોજ અને ગુડ્ડીનું ખૂન કરી નાંખ્યુ છે, એવો કોઈ પુરાવો છે તમારી પાસે ?’ વામનરાવે પૂછ્યું.

‘ ઈન્સ્પેકટર સાહેબ...મારી પાસે પુરાવાઓ હોત તો આ લોકો અત્યારે અહીં નહીં પણ પોલીસ હેડક્વાર્ટરમાં હોત!’

‘ મિસ્ટર અમીચંદ...હવે અમને રજા આપો...!’

ત્યારબાદ એ અમરજી તથા સિપાહીઓ સાથે વિદાય થઈ ગયો.

અમીચંદના પાડોશીઓ પણ પોત-પોતાના ઘરના બારી બારણામાંથી ડોકિયા કરીને આ તમાશો જોતાં હતા.

‘ અમીચંદ...! હું ચૂપ બેસી રહીશ, એમ તમે માનશો નહીં...! મારા હાથ છેક દિલ્હી સુધી પહોંચે છે...! આ કેસની તપાસ હું સી.આઈ.ડી. વિભાગના ચીફ ઈન્સ્પેકટર નાગપાલ સાહેબ પાસે કરાવીશ! જો તમને લોકોને ફાંસીના માંચડે ન પહોંચાડું તો મારું નામ મોતીલાલ નહીં?’

અમીચંદ સહિત સૌનાં કાળજા કંપી ઊઠ્યાં.

ત્યારબાદ મોતીલાલ એ સૌ પર ક્રોધભરી નજર ફેંકીને ચાલ્યો ગયો.

દસ મિનિટ પછી સૌ અમીચંદના શયકંડમાં બેઠાં હતાં.

સારિકા પણ ત્યાં પહોંચી ગઈ.

‘ તું અહીં શા માટે આવી છો સારિકા...?’ મહેશે કઠોર અવાજે પૂછ્યું.

‘ તારી આ ટેવ બહુ ખરાબ છે મહેશ...!’ રાકેશ તેને ઠપકો આપતાં બોલ્યો, ‘ વાતવાતમાં તું ભાભી પર ક્રોધ ઠાલવે છે એ સારું નથી.

‘ સારિકા પોલીસને જોઈ ને ખૂબ જ ગભરાઈ જાય છે રાકેશ...! એ પોતાની સાથે સાથે આપણને પણ ડૂબાડી દેશે એવું એ લાગે છે.’

‘ તો શું હું સૂરજને લઈને મારા માતા-પિતાને ત્યાં ચાલી જઉં ?’ સારિકાએ મોં મચકોડતાં પૂછ્યું.

‘ હા...ચાલી...જા...’

‘ મહેશ...ભાભી અત્યારે ત્યાં જાય એ યોગ્ય નથી...! આપણા કુટુંબના ચાર સભ્યો અત્યારે ગેરહાજર છે. જો ભાભી અને સૂરજ પણ ચાલ્યા જશે તો વામનરાવ શું વિચારશે ?’

‘ હા, મહેશ...! રાકેશની વાત સાચી છે! સારિકાએ ક્યાંય નથી જવાનું...! મને વામનરાવના અણસાર સારા નથી લાગતા. એ પોલીસ હેટક્વાર્ટરે જઈને ચૂપ નહીં બેસી રહ્યો હોય! એ જરૂર આપણી વિરુદ્ધ પુરાવાઓ શોધતો હશે. આપણે કોઈ પણ રીતે શંકાની પરિધિમાંથી બહાર નીકળી જવાનું છે.’

એ જ વખતે દીવાલ પર લટકતી ઘડિયાળમાં પાંચ વાગ્યાના ડંકા પડ્યા.

‘ જોરાવર...’

‘ જી, સાહેબ...!’

‘ ગાયત્રીનો મૃતદેહ ક્યાં છે...?’

‘ બંગલામાં જ છે સાહેબ...!’

‘ એટલે...?’

‘ ગાયત્રીનો મૃતદેહ કંપાઉન્ડમાં ઊભેલી કારની ડીકીમાં પડ્યો છે!’

‘શું...?’ બધા એકદમ ચમક્યા.

‘ હા, સાહેબ...! જો મૃતદેહને બીજે ક્યાંક છૂપાવવામાં આવત તો એ વામનરાવની નજરે ચડ્યા વગર ન રહેત! એટલા માટે મેં મૃતદેહને પહેલાં ગેરેજમાં લઈ જઈને કારની ડીકીમાં છૂપાવી દીધો અને પછી કારને કંપાઉન્ડમાં ઊભી રાખી દીધી અને અહીં જ વામનરાવ થાપ ખાઈ ગયો. મૃતદેહ ખુલ્લા કંપાઉન્ડમાં ઊભેલી કારની કારમાં હશે એવી તો કોઈનેય ગંધ આવે તેમ નહોતી.’

‘ તે ફ્રીઝની મોટર શા માટે ચાલુ રાખી હતી ?’

‘ વામનરાવનું ધ્યાન દોરવા માટે...ફ્રિઝમાં મૃતદેહ હોઈ શકે છે, એવી શંકા તેને આવે એટલા માટે...! પરંતુ ફ્રિઝમાંથી મૃતદેહ ન મળ્યો. ત્યારે એની શંકા દૂર થઈ ગઈ અને તે પોતાના લાવ-લશ્કર સાથે વિદાય થઈ ગયો.’

‘ આજે તો તેં ખરેખર કમાલ કરી છે જોરાવર...! જો તે મૃતદેહની સમયસર વ્યવસ્થા ન કરી હોત તો આજે ચોક્કસ જ અમારા હાથમાં બેડી પડી જવાની હતી.

‘ આપણે આજે રાત્રે કોઈપણ સંજોગોમાં મૃતદેહ ઠેકાણે પાડી દેશું સાહેબ...!’

‘ શું તેં કોઈ યોજના ઘડી કાઢી છે ?’

‘ હા...આમ તો વામનરાવ આ બંગલા પર નજર રાખતા પોતાના માણસોને પાછા બોલાવી દેશે. કદાચ નહીં બોલાવે તો પણ હું આગળના ચોકમાં મારા માણસો મારફત અંદરોઅંદર ઝઘડો કરાવીશ...! આ બંગલામાંથી ચોક બહુ દૂર નથી એટલે અહીં નજર રાખતા માણસોનું ધ્યાન જરૂર એ તરફ પડશે અને તેઓ ત્યાં જશે...! આપણા માટે આટલો સમય પૂરતો છે. આપણે કારને દોડાવી મુકીશું અને દેવગઢના જંગલમાં મૃતદેહોને દાટી દેશું ‘

‘ તારી યોજના ખૂબ જ શાનદાર છે...! ખરેખર તારી બુદ્ધિને દાદ આપવી પડશે.’ અમીચંદે પ્રશંસાભર્યા અવાજે કહ્યું.

મહેશ, રાકેશ અને સારિકાના ચ્હેરા પર પણ રોનક ફરી વળી હતી.

જ્યારે જોરાવરના હોઠ પર હળવું સ્મિત ફરકતું હતું.

  • ***
  • વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને સિગારેટના કસ ખેંચતો સરોજ અને ગુડ્ડી વિશે વિચારતો હતો. પરંતુ કોઈ નક્કર પરિણામે પર નહોતો પહોંચી શકતો.

    જો અમીચંદ અને તેના કુટુંબીજનોએ સરોજ તથા ગુડ્ડીને નથી મારી નાંખ્યા, તો પછી તેઓ શા માટે આટલા ભયભીત છે. એ તેને નહોતું સમજાતું. એ લોકોથી એવો તે ક્યો ગુનો થયો છે. કે જેના કારણે તેઓ પોલીસથી ગભરાય છે ?

    સહસા ટેલિફોનની ઘંટડીમાં અવાજથી તેની વિચારધારા તૂટીં.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં ક્હયું.

    ‘ સર...હું અમરજી બોલું છું. સર...!’

    ‘ બોલ...શું રિપોર્ટ છે ?’

    ‘ સર...તમારા ગયા પછી થોડીવાર બાદ જોરાવરે પણ બંગલામાંથી વિદાય લીધી છે. અમીચંદનું કોઈ કુટુંબીજન પણ સવારથી બહાર નથી નીકળ્યું.

    ‘ હું...’ વામનરાવના ગળામાંથી હૂંકાર નીકળ્યો.

    ‘ હવે મારે માટે શું હુકમ છે ?’

    ‘ અમરજી...પોલીસને હવે ત્યાંથી કોઈ સૂત્ર મળે એવું મને નથી લાગતું. એક વાતનો જવાબ આપ!’

    ‘ કઈ વાતનો ?’

    ‘ પોલીસ નજર રાખે છે, એ વાતની તેમને શંકા આવી ગઈ છે ?’

    ‘ ના,સર...મને તો એવું નથી લાગતું.’

    ‘ તો પછી ત્યાંથી પહેરો ખસેડી લે!’

    ‘ ઓ.કે...સર...!’

    ‘ હવે તો તેઓ કોઈક આડું-અવળું કામ કરે, તો જ આપણા ઝપાટે ચડી શકે તેમ છે.’

    ‘ આપની વાત સાચી છે સાહેબ!’

    ‘ તું તારી સાથે આવેલા સિપાહીઓને સાથે રાખીને સરોજ અને ગુડ્ડીને શોધવાનો પ્રયાસ કર!

    ‘ યસ સર...!’

    વામનરાવે રિસીવર મૂકી દીધું.

  • ***
  • સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ ડિપાર્ટમેન્ટનો ચીફ ઈન્સ્પેકટર મેજર નાગપાલ લેડી વિલાસરાય રોડ સ્થિત પોતાના આલિશાન બંગલા, ‘ કિરણ સદન’ ના ઓફિસરૂમમાં પાઈપ ફૂંકતો કોઈક કેસની ફાઈલ વાંચવામાં મશગુલ હતો.

    તાજેતરમાં જ એણે વિશાળગઢની અંધારી આલમમાં નાગરાજના સામ્રાજ્યનો અંત આણ્યો હતો.

    ‘ સા’બ...!’ સહસા હકલો ઓફિસરૂમમાં આવ્યો.

    ‘ બોલ...’ નાગપાલે કહ્યું અલબત્ત, એની નજરે ફાઈલમાં જ હતી.

    ‘ આપને મળવા માટે કોઈક મિસ્ટર મોતીલાલ આવ્યા છે!’

    ‘ શું કામ છે...’

    ‘ એ તેઓ આપને જ કહેવા માંગે છે...!’

    ‘ ઠીક છે...તેમને મોકલ...!’

    હકલો ચાલ્યો ગયો.

    થોડી પળો બાદ મોતીલાલ ઓફિસમાં પ્રવેશ્યો.

    ‘ નમસ્તે નાગપાલ સાહેબ...!’ એણે શિષ્ટાચારભર્યા અવાજે કહ્યું.

    ‘ નમસ્તે...! બેસો...!’ નાગપાલે ફાઈલને બંધ કરીને ટેબલ પર મૂકતાં સામે પડેલી ખાલી ખુરશી તરફ સંકેત કર્યો.

    મોતીલાલ બેસી ગયો.

    ‘ બોલો...’ કહીને નાગપાલ પ્રશ્નાર્થે નજરે તેની સામે તાકી રહ્યો.

    ‘ નાગપાલ સાહેબ...મને આપની મદદમી ખૂબ જ જરૂર છે...!’ પોતાનો પરિચય આપ્યા બાદ મોતીલાલ બોલ્યો.

    ‘ કઈ બાબતમાં...?’

    ‘ મારી દિકરી સરોજ અને તેની પુત્રી આજે આઠ દિવસનથી પોતાના સાસરેથી ગુમ થઈ ગઈ છે. તેમનો સસરાના કહેવા મુજબ સરોજ ગુડ્ડીને લઈ ને, મારે ત્યાં જવાનું કહીને ઘેરથી નીકળી હતી.’

    ‘ તો સરોજ તમારી પાસે નથી પહોંચી ?’ નાગપાલે ખુરશી પર ટટ્ટાર થતાં પૂછ્યું.

    ‘ ના...પહોંચી હોત તો હું આપને તકલીફ આપવા માટે આવત જ શા માટે...?’

    ‘ ઓહ...સરોજ આઠ દિવસથી ગુડ્ડી સાથે ગુમ થઈ ગઈ છે. એમ જ તમે કહેવા માંગો છો ખરું ને ?’

    ‘ હા...પણ...’

    ‘ પણ શું...?’

    ‘ સરોજના સસરા એટલે કે અમીચંદ તથા તેના કુટુંબીજનોએ ભેગા થઈને સરોજ અને ગુડ્ડીને મારી નાખીને તેમના મૃતદેહને સગેવગે કરી નાખ્યા છે. એવી મને શંકા છે...’

    ‘ આ શંકાને સાચી પુરવાર કરે એવો કોઈ પુરાવો છે તમારી પાસે ?’ નાગપાલે ભાવહીન અવાજે પૂછ્યું.

    ‘ પુરાવો એટલો જ છે કે અમીચંદ તથા તેના કુટુંબીજનો કંઈ શરીફ કે ખાનદાન નથી. તેઓ સ્વાર્થી અને લાલચું છે. એક માત્ર પૈસા જ તેમનો ઈમાન, ધર્મ અને પરમેશ્વર છે! પૈસા માટે તેઓ કોઈ પણ જાતનું હલકી કોટિનું કામ કરી શકે તેમ છે.’

    નાગપાલે હકલાને બોલાવીને તેને કોફી બનાવી લાવવાનો આદેશ આપ્યો.

    ‘ મિસ્ટર મોતીલાલ...સૌથી પહેલાં તો તમે મને અમીચંદના કુટુંબીની વિગત જણાવો.’

    મોતીલાલે ટૂંકમાં તેને અમીચંદના કુટુંબની વિગત જણાવી દીધી.

    આ દરમિયાન હકલો આવીને કોફીના બે કપ મૂકી ગયો હતો.

    ‘ લો...કોફી પીઓ...’ નાગપાલે એક કપ તેની સામે સરકાવતાં કહ્યું.

    મોતીલાલે કપ ઊંચંકી લીધો.

    ‘ તમારી પાસે સરોજને કોઈ ફોટો છે ?’ નાગપાલે પાઈપને ટેબલ પર મૂકી, પોતાનો કપ ઊંચકીને તેમાંથી એક ઘૂંટડો ભરતાં પૂછ્યું.

    ‘ હા..હું સરોજ અને ગુડ્ડી, બંનેના ફોટાઓ લઈ આવ્યો છું. મોતીલાલે કોટના ગજવામાંથી પોસ્ટકાર્ડ સાઈઝના બે ફોટાઓ કાઢીને તેની સામે લંબાવતાં કહ્યું.

    નાગપાલે બંને ફોટાઓ ઊંચકીને તેનું અવલોકન કર્યું.

    પછી એણે ફોટાઓને ટેબલનું ખાનું ઉઘાડીને તેનાં મૂકી દીધા.

    ‘ વારૂ,હવે બીજુ કંઈ પૂછવું છે આપને ?’ મોતીલાલે કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં કહ્યું.

    ‘ ના...’

    ‘ આપની ફી...?’

    ‘ ફી...?’

    ‘ હા...’

    ‘ કઈ વાતની ફી...?’

    ‘ આપ ફી નથી લેતા...?’

    ‘ મિસ્ટરે મોતીલાલ, હું માત્ર મારા શોખ ખાતર જ આવા પ્રાઈવેટ કેસ હાથ પર લઉં છું. પૈસા મેળવવા માટે નહીં! ઈશ્વરની કૃપાથી વિભાગ તરફથી મને જે પગાર મળે છેં, એમાં મારું ગુજરાન આરામથી ચાલે છે. હું ફી લઈને કામ પૂરું કામ કરું છું, એવું તમને કોણે કહ્યું....’

    ‘ કોઈએ નહીં...!’

    ‘ ઓહ...’

    ‘ તો હવે મને રજા આપો...’ મોતીલાલ ઊભો થતાં બોલ્યો.

    ‘ એક મિનિટ...’

    મોતીલાલ પુન: બેસી ગયો.

    ‘ સરોજ તથા ગુડ્ડીના ગુમ થવા વિશે તમે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે ?’

    ‘ હા...’

    ‘ એ કેસની તપાસ કોણ કરે છે...?’

    ‘ ઈન્સ્પેક્ટર વામનરાવ...પરંતુ નાગપાલ સાહેબ, તે આ કેસમાં કશુંય ઉકાળી શકે એવું મને નથી લાગતું.

    ‘ કેમ...?’

    ‘ ફરિયાદ નોંધાવ્યાને આજે બે દિવસ વીતી ગયા છે, પરંતુ તેમ છતાંય કંઈ પરિણામ નથી આવ્યું.

    ‘ તમે માનો છો એવું નથી મિસ્ટર મોતીલાલ...!’

    મોતીલાલે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોયું.

    ‘ જો આ કેસની તપાસ વામનરાવના હાથમાં હોય, તો એ ખરેખર જ યોગ્ય માણસ છે...! મિસ્ટર મોતીલાલ, વામનરાવ એક ખૂબ જ બાહોશ, હોંશિયાર અને કર્તવ્યનિષ્ઠ ઈન્સ્પેકટર છે...!’

    ‘ પણ તેમ છતાંય આપ આ કેસ હાથ પર લઈને તપાસ કરો એમ હું ઈચ્છું છું...’

    ‘ એ તો હું કરીશ જ...’

    ‘ તો હવે હું જઉં...?’

    નાગપાલે હકારમાં માથું હલાવ્યું.

    મોતીલાલ તેનો આભાર માનીને વિદાય થઈ ગયો.

    ***