Rahasyjaal - 19 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | રહસ્યજાળ-(19) સુરાગ

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

રહસ્યજાળ-(19) સુરાગ

સુરાગ

તારીખ ત્રીજી માર્ચ, ૧૯૬૫નો દિવસ...! એ દિવસે બપોરે ત્રણેક વાગ્યે મુંબઈ સ્થિત મહાલક્ષ્મી રેસકોર્સની નજીક વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબની દીવાલ સામે પડેલા મોટા મોટા પાઈપના ઢગલા પરથી પોલીસને એક વૃદ્ધ પારસી સદગૃહસ્થનો મૃતદેહ મળી આવ્યો. તપાસનીશ પોલીસ અમલદારોની સાથે સી.આઈ.ડી. વિભાગના લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારી ઇન્સ્પેક્ટર ખરાત, તેમના સહકારી સબ-ઇન્સ્પેક્ટર શેઠ અને હવાલદાર નરસિંહ પણ જોડાયા હતા. આર.ટી.ઓ. ઓફિસ અને વિલિંગ્ડન ક્લબ જવા માટે જ આ ગલીનો મોટે ભાગે ઉપયોગ થતો હતો. અન્ય કોઈ ખાસ અવરજવર નહોતી. લાશના બંને હાથ આગળના ભાગમાં બંધાયેલા હતા અને મોંમાં કાપડનો ડૂચો મારવામાં આવ્યો હતો. હાથ દોરીથી નહીં, પણ ચીકણા અને કાળાં ધાબા પડી ગયેલા કપડાના ટુકડાથી બાંધવામાં આવ્યા હતા અને એ જ રીતે મોંમાં પણ મેલા કાપડનો ડૂચો મારવામાં આવ્યો હતો.

સબ ઇન્સ્પેક્ટર શેઠે બંને ટુકડા કાઢીને સરખાવ્યા તો બંને ટુકડા એક જ કપડામાંથી ફાડીને તેના બે ભાગ કરવામાં આવ્યા હોય એ રીતે બંધબેસતા થઈ ગયા. શેઠને નવાઈ એ વાતની લાગી કે આ કપડું કોઈ રૂમાલ કે ટુવાલનું નહીં, પણ એકદમ મેલુંઘેલું અને ચીકણું હતું. આવું કપડું કોની પાસે હોઈ શકે એ વિચારવાનું હાલતુરત પડતું મૂકીને મરનાર કોણ છે ? ખૂન ક્યાં અને કેવી રીતે થયું છે ? એની માહિતી મેળવવા માટે લાશના ગજવામાંથી મળેલી ચીજવસ્તુઓનું તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. પૈસા તો નહોતા, પણ મુંબઈની ખૂબ જ પ્રખ્યાત લીચ એન્ડ બેબોર્ની વોશિંગ કંપનીના નામ-સરનામાવાળા કાગળપત્રો, બીલબુક વગેરે હતું. એમણે તરત જ વોશિંગ કંપનીની હેડઓફિસમાં ફોન દ્વારા કંપનીના માલિક આર. દેવને ઘટનાથી વાકેફ કર્યા અને તેમને રૂબરૂ બોલાવ્યા. દેવે તરત જ મૃતદેહને ઓળખ્યો. એના જણાવ્યા પ્રમાણે મરનારનું નામ પેસ્તનજી હતું અને તેઓ એમની વોશિંગ કંપનીમાં બીલ કલેક્ટર તરીકે નોકરી કરતા હતા. મુંબઈમાં કંપનીની ઘણી બધી શાખાઓ હતી. પેસ્તનજી ફોર્ટ અને દાદર વિસ્તારની શાખાઓમાં જઈને આગલા દિવસની જમા થયેલી રકમ અને રસીદ કલેક્ટ કરીને હેડઓફિસમાં જમા કરાવી દેતા હતા. સવારથી બપોર સુધી એમનો આ જ ક્રમ હતો અને તેઓ બસમાં આવ-જા કરતા હતા.

બનાવના દિવસે તેઓ સૌથી પહેલાં કઈ શાખામાં ગયા એ જાણવા મળ્યું નહીં. તેમની લાશ કેટલા વાગ્યે અને કયા વાહનમાં લાવવામાં આવી હતી એ વિગતો જાણવા માટે શેઠે ત્યાં ઝુંપડીઓમાં રહેનારાઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અઢી વાગ્યા સુધી કોઈએ લાશ નહોતી જોઈ. એટલે અઢી અને સવા ત્રણની વચ્ચે તે ફેંકી જવામાં આવી છે એવું અનુમાન શેઠે કર્યું. પેસ્તનજીનું ખૂન ગળું દબાવીને કરવામાં આવ્યું હતું. એમણે પહેરેલા કાળા બૂટના તળિયાના રબ્બરના સોલ અને ચામડાની વચ્ચે કોઈક લાલ-પીળા રંગના ડાઘા દેખાયા, પરંતુ આ રંગ બૂટના તળિયા નીચે શા માટે લાગ્યો એ તેમને સમજાયું નહીં. પંચનામા વગેરેની વિધિ થયા બાદ ડોક્ટરી તપાસ માટે લાશને હોસ્પિટલમાં મોકલી દીધા પછી શેઠ અને નરસિંહ વધુ તપાસમાં લાગી ગયા. ગલીની ઝુંપડીઓમાં અને આર.ટી.ઓ.ના ફાટક પાસે બેસતા ટાઈપિસ્ટ, મજુર વગેરેને શેઠે એક જ પ્રશ્ન પૂછ્યો કે બપોરના અઢીથી સવા ત્રણની વચ્ચે શું કોઈ વિક્ટોરિયા ગાડી (ઘોડાગાડી) આ ગલીમાંથી પસાર થતી જોઈ હતી...? આ સવાલ પૂછવાનું કારણ એટલું જ કે પેસ્તનજીના મોંમાં જે કપડાનો ડૂચો મારવામાં આવ્યો હતો, એવું કપડું ઘોડાગાડીમાં જ બંધાયેલું હોય છે. ગાડીમાં બંને તરફ બે લેમ્પના કાચ લૂછવા માટે આવું કપડું બાંધેલું હોય છે. આ મુદ્દો ધ્યાન પર આવતાં જ તેમને ખાતરી થઈ ગઈ હતી કે ઘોડાગાડીમાં જ પેસ્તનજીની લાશ લાવવામાં આવી હતી. બૂટના તળિયાનો લીલો-પીળો રંગ મુંબઈની દરેક વિક્ટોરિયા ગાડીમાં સીટ નીચે પગ રાખવાના સ્થાને રંગાયેલો હોય છે. કદાચ ઘોડાગાડીની મોટી સીટ પર બેસાડીને તેમનું ખૂન કરવામાં આવ્યું હતું. પોતાનો બચાવ કરવાના પ્રયાસમાં એમના બંને પગ સામેની સીટ નીચે ઘસડાયા હોય અથવા તો એમણે પોતે જમાવી દીધા હોય અને ચાલુ ઘોડાગાડીએ જ તેમનું ખૂન કરવામાં આવ્યું હોય એવું લાગતું હતું, કારણ કે બીજા સ્થળે ખૂન કરીને લાશને ઘોડાગાડીમાં ધોળા દિવસે ખૂની કે ખૂનીઓ લાવવા-લઈ જવાનું જોખમ કરે એની શક્યતા ઘણી ઓછી હતી. જરૂર આ કામમાં એકથી વધારે માણસોનો હાથ હતો. એટલું જ નહીં, લીચ એન્ડ બેબોર્ની કંપનીની કોઈ શાખા પાસેથી જ પેસ્તનજીને પહેલાં ઘોડાગાડીમાં ખૂનીઓએ બેસાડી દીધો હતો.

તપાસની દિશા નક્કી કરીને શેઠ વોશિંગ કંપનીના કર્મચારીઓ સાથે ઓપેરા હાઉસ, ચોપાટી, ગામદેવી, ગોવાળિયા ટેંક, કાલબાદેવી અને મહંમદઅલી રોડની શાખાઓમાં ક્રમશઃ જઈને મરનારે આ સ્થળોએથી વસુલ કરેલી રકમ, રસીદ વગેરે કબજે કરી તથા ડાયરીમાં રકમનો હિસાબ પણ નોંધી લીધો.

આ ઉપરાંત તેમણે દરેક શાખાઓની બહાર ફૂટપાથ પર બેસનારા ફેરિયાઓ વગેરેને પણ પૂછપરછ કરી કે – આજે અહીં કોઈ પારસીને બળજબરીથી ટેક્સી કે ઘોડાગાડીમાં બેસાડવામાં આવ્યા હોય કે ટંટોફિસાદ કર્યો હોય એવો બનાવ કોઈએ જોયો છે ? – પરંતુ આ બધી શાખાઓની બહાર તેમને જવાબ નકારમાં મળ્યો હતો. છેલ્લે તેઓ ભાયખલ્લા સ્થિત સોડાલિટી હાઉસ નામની ઈમારતમાં આવેલી વોશિંગ કંપનીની શાખાઓમાં પહોંચ્યા. ત્યારે બપોરે પોણા બે વાગ્યે પેસ્તનજીએ જઈને એકસો પચાસ રૂપિયા ને પાંત્રીસ પૈસા રસીદ સાથે મેળવીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે એમની પાસે કુલ રકમ રૂ. ૧૩૯૧ અને નેવું પૈસા હતી. કંપનીની તરફથી જ તેમને રકમ વગેરે રાખવા માટે ચામડાની એક બેગ અપાઈ હતી, પણ કથિત બેગ એમના મૃતદેહ પાસેથી મળી નહોતી. પેસ્તનજી પોણા બે-બેની વચ્ચે ભાયખલ્લા શાખામાંથી બહાર નીકળ્યા એનો અર્થ એવો થયો કે અઢી અને સવા ત્રણની વચ્ચે જ એમનું ખૂન થયું હતું અને પછી તેમની લાશ ક્લબ સામે ફેંકી દેવામાં આવી હતી. એમણે ભાયખલ્લા શાખાની આજુબાજુમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે લગભગ બે વાગ્યે બસસ્ટોપ નજીક એક વૃદ્ધ પારસીને ચાર-પાંચ માણસોએ ભેગા મળીને બળજબરીપૂર્વક સામે ઊભેલી વિક્ટોરિયા ગાડીમાં બેસાડી દીધા હતા. ‘બચાવો...બચાવો...’ની ચીસ સાંભળીને ચાર-પાંચ માણસો ત્યાં ધસી આવ્યા હતા, પરંતુ પારસીને લઈ જનારાઓમાંથી એકે કહ્યું હતું કે, ‘આ પારસી અડધો ગાંડો છે... અમારી કંપનીમાં જ નોકરી કરે છે અને અમે તેને કંપનીમાં લઈ જઈએ છીએ... ફિકર-ચિંતા કરવા જેવી કોઈ વાત નથી !’ એક ફેરીવાળાએ શેઠને જણાવ્યું કે તેઓ બધા ગુંડા-ટાઈપ અને મુસલમાન જેવા લાગતા હતા. ઘોડાગાડીનો નંબર કોઈએ જોયો નહોતો. પેસ્તનજીનું અપહરણ થયું હતું, એ સ્થળનું નિરક્ષણ કર્યા બાદ તેઓ એવા અનુમાન પર આવ્યા કે ઘોડાગાડી નાગપાડા, બોમ્બે સેન્ટ્રલ અને તારદેવના રસ્તે થઈને વિલિંગ્ડન ક્લબ સામે ગઈ હતી. આટલું અંતર કાપવામાં સહેજેય અડધો કલાક લાગે તેમ હતું. એટલે અઢીથી સવા ત્રણ વાગ્યાની વચ્ચે જ લાશ ત્યાં ફેંકવામાં આવી હતી એવું એમનું અનુમાન તદ્દન સાચું હતું. જે.જે. હોસ્પિટલમાં પેસ્તનજીની લાશ જોતાં જ ફેરીવાળાઓ તેમને ઓળખી ગયા અને કહ્યું કે આમને જ બળજબરીપૂર્વક ઘોડાગાડીમાં લઈ જવાયા હતા. હવે સબ ઇન્સ્પેક્ટર શેઠને આગળ વધવા માટે મુદ્દાઓ મળી ગયા હતા.

એમણે એ જ રાત્રે નરસિંહ હવાલદાર અને બીજા સહકારીઓ સાથે કમાટીપુરા તથા ભીંડીબજારમાં આવેલા ચરસના અડ્ડાની આજુબાજુમાં પોતાની જાળ પાથરી દીધી. ઉપરાંત બોમ્બે સેન્ટ્રલમાં સ્થિત ઘોડાગાડી અગાઉ જ્યાં પાર્ક થતી હતી ત્યાં પણ વોચ ગોઠવી દીધી.

ત્રીજી માર્ચની આખી રાત, ચોથી માર્ચના ચોવીસ કલાક અને પાંચમી માર્ચનો આખો દિવસ સી.આઈ.ડી.ના માણસો બિછાવેલી જાળ તરફ ધ્યાન રાખતા હતા.

અંતે પાંચમી માર્ચની રાત્રે તેમની ધીરજનું ફળ મળ્યું.

નરસિંહના ખાસ બાતમીદારે ત્યાં આવીને તેમને જણાવ્યું કે ભીંડીબજારના ચરસના અડ્ડામાં દરરોજ આવ-જા કરનારાઓમાંથી ચાર-પાંચ જણા ખુલ્લે હાથે પૈસા વાપરે છે. પોતે તેમાંથી એક જણને ઓળખે છે એમ પણ એણે જણાવ્યું.

બાતમી મળતાં જ સબ-ઈન્સ્પેક્ટર શેઠ આઠ વાગ્યે ભીંડીબજારમાં પહોંચી ગયા.

બે કલાક રાહ જોયા બાદ નરસિંહના બાતમીદારે અડ્ડામાં જઈ રહેલા એક શખ્સ સામે આંગળી ચીંધતાં અહ્યું, ‘જુઓ... તે અંદર જાય છે...!’

તાબડતોબ એ માણસને ગિરફતાર કરીને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયો. ત્યાં સારી પેઠે પૂજા કર્યા પછી પેસ્તનજીના ખૂનનું રહસ્ય બહાર આવ્યું.

અપરાધીનું નામ ભૂપત ઉર્ફે હુસેન ઈબ્રાહીમ હતું. એણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો તેમ જ પોતાના સાથીઓના નામ પણ જણાવી દીધા. અવળા હાથે હાથકડી પહેરાવીને તેને સાથે લઈને અલગ અલગ ક્ષેત્રમાંથી તેના તમામ સાથીદારોને શેઠે પકડી પાડ્યા.

એ જ રાત્રે ત્રણ વાગ્યે મોરલેન્ડ રોડ સ્થિત ઘોડાના તબેલામાં સુતેલા ઈસ્માઈલ હાજી નામના બદમાશને પણ ગિરફતાર કરવામાં આવ્યો.

આમ આખી રાત સતત દોડધામ કરી પૂરી ટોળીને સાથે લઈને વહેલી સવારે ચાર વાગ્યે શ્રી શેઠ સંપૂર્ણ આત્મસંતોષ સાથે સી.આઈ.ડી. ઓફિસે પાછા ફર્યા. ટોળીના મુખી ભૂપતને કરેલી આકરી પૂછપરછ દરમિયાન જે હકીકતો બહાર આવી તે આ પ્રમાણે હતી:

આખી ટોળી બેકાર હતી અને જ્યાં-ત્યાં ભટકીને ઠગબાજી અને લૂંટ ચલાવતી હતી. ટોળકીનો આગેવાન ભૂપત ભાયખલ્લા, ભીંડીબજાર અને નાગપાડામાં શિકારની શોધમાં દરરોજ ભટકતો રહેતો હતો. પેસ્તનજી પર ઘણા દિવસથી એની નજર હતી એટલે એણે પોતાના સાથીઓ સાથે તેમને લૂંટવાની યોજના ઘડી હતી.ઈસ્માઈલ હાજી ઘોડાગાડી ચલાવતો હતો. યોજના એવી ઘડાઈ કે ભાયખલ્લાની વોશિંગ કંપનીની શાખામાંથી પેસ્તનજી બહાર નીકળીને બસસ્ટોપ પર આવીને ઊભો રહે ત્યારે બળજબરીથી તેને ગાડીમાં બેસાડી દેવો અને કોઈ પૂછે તો કહેવું કે અમારી કંપનીનો જ માણસ છે અને અડધો ગાંડો છે. યોજના મુજબ તેઓએ પેસ્તનજીનું અપહરણ કર્યું અને પછી એને ગાડીની મોટી સીટ પર બેસાડી દીધો. તેની બંને તરફ બે બદમાશો ગોઠવાઈ ગયા હતા. પછી ગાડીમાં જ એ લોકોએ પેસ્તનજીને ગળું દબાવીને મારી નાખ્યા. તરફડિયાં મારતા પેસ્તનજીના પગ સામેની સીટના નીચેના ભાગે ઘસડાયા.

આ બધી માહિતીઓ અને ઘટનાની પૂરી વિગતો સબ ઇન્સ્પેક્ટર શેઠે ભુપતના મોંએથી કઢાવી હતી.

ખૂન કરતાં પહેલાં તેમણે પેસ્તનજી બૂમાબૂમ કે અન્ય કોઈ વિરોધ ન કરી શકે એટલા માટે ઘોડાગાડીના બંને તરફના લેમ્પના કાચ સાફ કરવાનું જે કપડું હતું તેના બે ટુકડા કરીને એમના બંને હાથે બાંધી દીધા હતા. એટલું જ નહીં, મોંમાં પણ ડૂચો મારી દીધો હતો. ખૂન કર્યા બાદ તેઓએ પેસ્તનજી પાસેની પૈસા ભરેલી ચામડાની બેગ લઈ લીધી અને તેમની લાશને વિલિંગ્ડન ક્લબની સામે આવેલા પાઈપના ઢગલા પર ફેંકી દીધી હતી. એ વખતે ગલીમાં કોઈ જ નહોતું. ત્યાર બાદ તેઓ એ જ ઘોડાગાડીમાં નાસી ગયા. હાજી ઈસ્માઈલ ઘોડાગાડીને મોરલેન્ડ રોડના તબેલામાં લઈ ગયો અને ત્યાં ગાડી ઊભી રાખી દીધી. પછી તેઓ બોમ્બે સેન્ટ્રલથી વિરાર જતી લોકલ પકડીને નાયગાંવ પહોંચ્યા. પેસ્તનજીની ખાલી કરી નાખેલી બેગ હુસેન ઈબ્રાહીમ એટલે કે ભૂપતે ભાયંદરના પુલ પર ફેંકી દીધી. લૂંટની રકમ સૌએ ભાગે પડતી વહેંચી લીધી.

તપાસ કરતાં ઘોડાગાડીમાંથી પોલીસને પેસ્તનજી તથા પકડાયેલા આરોપીઓના આંગળાની છાપ મળી આવી. આ ઉપરાંત ઘોડાગાડીમાં જે સ્થળે પેસ્તનજીના પગ ઘસાયા હતા એ સ્થળેથી પણ તેનો રંગ ઊખડી ગયો હતો. આ રંગ જ પેસ્તનજીના બૂટના તળિયામાં ચોંટ્યો હતો એ વાત લેબોરેટરીના પરિક્ષણમાં પુરવાર થઈ ગઈ.

તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

શેઠે સાક્ષીઓ અને પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધું.

ભૂપત અને તેના મહંમદ નામના સાગરીતને આજીવન કારાવાસની સજા થઈ, કારણ કે પેસ્તનજીના ગળા પરથી એ બંનેના જ આંગળાની છાપ મળી હતી. જ્યારે તેમના બાકીના સાથીદારોને સખત મજુરી સાથે નામદાર કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવી.

કોઈ પણ જાતનાં મુદ્દા વગર ફક્ત મેલાઘેલા ને ચીકણા કપડા પરથી સબ-ઇન્સ્પેક્ટર શેઠે જે બુદ્ધિચાતુર્ય વાપરીને, એક પછી એક કડીઓ મેળવીને, ત્રણ ત્રણ રાતના ઉજાગરા કરીને ગુનેગારોને શોધી કાઢ્યા એ બદલ નામદાર કોર્ટે મુક્ત કંઠે એમની પ્રશંશા કરી.

આમ, મુંબઈ સી.આઈ.ડી.ની યશકલગીમાં એક વધુ પીંછું ઉમેરાયું.

***

Feedback: Facebook.com/Kanu Bhagdev