Rahasyjaal - 7 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | રહસ્યજાળ-(૭) વિસ્ફોટ

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

રહસ્યજાળ-(૭) વિસ્ફોટ

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

વિસ્ફોટ !

સાંજના સાડા સાત વાગ્યા હતા.

રાજકોટનાં રેસકોર્સ ચોકમાં આવેલ ‘ડ્યુડ્રોપ’ રેસ્ટોરન્ટમાં ખૂણાના ટેબલ પર પાંત્રીસેક વર્ષનો એક યુવાન તથા ત્રીસેક વર્ષની એક યુવતી બેઠાં હતાં.

બંનેની સામે ટેબલ પર કોફીના કપ પડ્યા હતાં.

યુવાનનું નામ જુગલકિશોર હતું જયારે યુવતીનું નામ સુરભી...!

જુગલકિશોરના ચહેરા પર માનસિક તાણના હાવભાવ છવાયેલા હતાં. એના હાથમાં સિગારેટ જકડાયેલી હતી, જેમાંથી એ રહી રહીને કસ ખેચી લેતો હતો.

‘તો તેં શો નિર્ણય કર્યો...?’ સહસા સુરભીએ પૂછ્યું.

‘કઈ બાબતમાં...?’

‘તારી પત્ની માયાને છૂટાછેડા આપવાની બાબતમાં...!’

જુગલકિશોરના ચહેરા પર છવાયેલા તાણના હાવભાવ વધુ ગાઢ બન્યા. એની નજર શૂન્યમાં જડાઈ ગઈ.

‘તેં મારા સવાલનો જવાબ ન આપ્યો...?’ સુરભીએ ફરીથી પૂછ્યું.

‘હં...’ જુગલકિશોરની તંદ્રા તૂટી. પછી એ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘સુરભી, માયા છૂટાછેડા આપવા માટે તૈયાર નથી ! ભગવાન જાણે એ કઈ માટી થી ઘડાયેલી છે કે આપણા સંબંધો વિશે જાણતી હોવા છતાંય મને છોડવા માટે તૈયાર નથી ! છૂટાછેડા લેવાની બાબતમાં અમારી વચ્ચે અવારનવાર ચકમક ઝરે છે અને બોલાચાલી થાય છે, પરંતુ દરેક વખતે તે એક જ જવાબ આપે છે કે- જુગલ તું મારો પતિ છે... લગ્ન પછી કોઈ પણ પતિવ્રતા સ્ત્રી માટે પતિ જ સર્વસ્વ હોય છે...એક દિવસ જરૂર તને તારી ભૂલ સમજાશે ! સુરભી પ્રત્યે તારું આકર્ષણ નાશ પામશે અને એ વખતે તને ફરીથી મારી જરૂર પડશે. હું એ સમયની રાહ જોઉં છું ! તને તારી ભૂલનું ભાન થાય ત્યારે મારી પાસે આવી જજે... હું હસતાં મોંએ તારું સ્વાગત કરીશ !’

‘તો હવે તેં શું નક્કી કર્યું છે ?’ સુરભીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘તારે કાં તો મને છોડવી પડશે અથવા તો તારી પત્નીને !’

‘શું કરવું એ જ મને તો કંઈ સમજાતું નથી !’

‘તેં મારી પાસે વિચારવા માટે આઠ દિવસનો સમય માંગ્યો હતો અને આજે આઠમો દિવસ છે.’

‘બરાબર છે...પણ...’ કહેતાં કહેતાં જુગલકિશોર ચૂપ થઈ ગયો. એની નજર ડ્યુડ્રોપના દરવાજામાંથી અંદર પ્રવેશી રહેલી માયા પર પડી.

માયાની નજર રેસ્ટોરન્ટમાં ફરી વળી. એ જુગલકિશોર તથા સુરભીને જોઈ ચૂકી હતી. વળતી જ પળે એ આગળ વધીને તેમના ટેબલ પાસે પહોંચી.

જુગલકિશોર તથા સુરભીના ચહેરા કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા હતા. એથી વિપરિત માયાનો ચહેરો બિલકુલ શાંત અને ગંભીર હતો.

‘માયા, તું...’ છેવટે જુગલકિશોર માંડ-માંડ બોલ્યો.

‘હા...હું...’ માયાએ ટુંકો જવાબ આપ્યો.

‘તું...તું અહીં કેવી રીતે...?’ જુગલકિશોરે થોથવાતા અવાજે પૂછ્યું.

‘અમસ્તી જ...હું બજારમાં કામે નીકળી હતી...આ રેસ્ટોરન્ટની બહાર તારી કાર ઊભેલી જોઈ એટલે મને થયું કે તું કદાચ કોઈક વેપારી સાથે આવ્યો હોઈશ ! એ વેપારી કોણ છે તે જાણવાની ઉત્સુકતા મને અહીં ખેંચી લાવી. ખેર, તમારા બંનેના આનંદમાં વિક્ષેપ પાડવા બદલ માફી માગું છું.’

‘બેસ...’

‘ના...મારે હજુ શોપિંગ બાકી છે, પરંતુ જતાં જતાં એટલું જરૂર કહીશ કે એક પત્ની પ્રેમિકા જેવું સુખ આપી શકે છે, પણ એક પ્રેમિકા ક્યારેય પત્ની જેવું સુખ નથી આપી શકતી. એનું ધ્યાન હંમેશા પ્રેમીના પર્સ તરફ જ હોય છે.’

વાત પૂરી કરતાંની સાથે જ માયા પીઠ ફેરવીને દરવાજા તરફ આગળ વધી ગઈ. જુગલકિશોર તથા સુરભી કેટલીયે પળો સુધી જડવત બનીને બેસી રહ્યાં.

‘સાંભળ્યું તેં...? શું મારી નજર તારા પર્સ પર છે...? હું બેવફા નીવડીશ એવું તને લાગે છે ?’ સુરભીએ ઉકળતા અવાજે પૂછ્યું.

‘ના...ના...’ જુગલકિશોર તરત જ બોલી ઊઠ્યો, ‘એવું તો હું સપનામાંય વિચારી શકું તેમ નથી. ભગવાનને ખાતર ભવિષ્યમાં કદાપિ આવા શબ્દો ઉચ્ચારીશ નહીં...! મને મારી જાત કરતાં પણ તારા પર વધુ ભરોસો છે. રહી વાત માયાની... તો મને માત્ર પાંચ દિવસનો સમય આપ !’

‘કેમ...? શું પાંચ દિવસમાં કોઈ એવો ચમત્કાર થઈ જશે કે જેથી કરીને માયા સામેથી જ તને છૂટાછેડા આપી દેશે ?’

‘હા...’ જુગલકિશોર પોતાનાં મનોભાવ છુપાવતા બોલ્યો.

‘શો ચમત્કાર થવાનો છે ?’

‘એ તો તું ચમત્કાર થાય ત્યારે જ જોઈ લેજે ! મને મારી જાત કરતાં પણ તારા પર વધુ ભરોસો છે. હું એ ચમત્કાર બતાવીને તને એકદમ આશ્ચર્યચકિત કરી મુકવા માગું છું.’

‘ભલે...પાંચ દિવસમાં તો આ વાતનો ઉકેલ આવી જશે ને...?’

‘ચોક્કસ...’ જુગલકિશોર મક્કમ અવાજે બોલ્યો, ‘હવે આપણે પાંચ દિવસ પછી જ મળીશું.’

બંને ઊભા થયાં.

*

જુગલકિશોર પોતાનાં બંગલાના ડ્રોઈંગરૂમમાં બેઠો હતો. ચાર દિવસ વીતી ગયા હતા અને આજે પાંચમો દિવસ હતો.

સવારના નવ વાગ્યા હતા.

એના હાથમાં આજનું તાજું અખબાર જકડાયેલું હતું.

એ જ વખતે માયા ચાના કપ ભરેલી ટ્રે સાથે ડ્રોઈંગરૂમમાં પ્રવેશી. જુગલકિશોરે અખબાર એક તરફ મુકીને માયા સામે જોયું.

માયાનો ચહેરો એકદમ શાંત હતો.

‘માયા...’ સહસા જુગલકિશોર સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘આજે સાતમી જુલાઈ, તને ખબર છે ?’

‘હા...’ માયાએ સ્ટૂલ પર ટ્રે મૂકતાં કહ્યું, ‘પાંચ વર્ષ પહેલા સાતમી જુલાઈએ જ આપણા લગ્ન થયાં હતાં તથા આપણે લગ્નની વર્ષગાંઠની રાત આપણા ગોંડલ વાળા બંગલામાં વિતાવીએ છીએ એ પણ મને યાદ છે.’

‘તો તું સાંજે તૈયાર થઈ જજે...આપણે સાત વાગ્યે ગોંડલ જવા માટે રવાના થઈ જઈશું.’

જુગલકિશોર તૈયાર થઈને ઓફિસે ચાલ્યો ગયો. દિવસ દરમિયાન એણે માયાનું કાટલું કાઢી નાખવાની તૈયારી કરી. સાંજે બરાબર છ વાગ્યે એણે ઘરે ફોન કર્યો. પછી સામે છેડેથી માયાનો સ્વર સાંભળતા જ કહ્યું, ‘ડિયર...! હું જુગલકિશોર બોલું છું.’

‘બોલ...’

‘તું ઝડપથી ગોંડલ જવા માટે તૈયાર થઈ જા.’

‘હા...પણ...’

‘જો માયા...આજે હું બીજું કંઈ સાંભળવા નથી માગતો.’

‘પણ મારી વાત તો...’

‘મેં કહ્યું ને કે મારે કશુંય સાંભળવું નથી. સાંભળ...અત્યારે છ વાગ્યા છે. તું કાર લઈને ગોંડલ જવા માટે નીકળી જા...મારે અહીં બેંગ્લોરથી એક પાર્ટી આવી છે એ તો તું જાણે જ છે, બપોરે તેઓ આપણે ઘેર જમ્યાં હતાં. કદાચ તેમની સાથે મારું કામ પૂરું થતાં થોડી વાર લાગી જશે. હું દસેક વાગ્યા સુધીમાં અહીંથી સીધો ગોંડલ પહોચી જઈશ. તું અત્યારે જ નીકળી જા...કાર લેતી જજે. મારી પાસે તો કાર છે જ !’

‘પણ મારી વાત તો સાંભળ...’

‘મારે કશુંય સાંભળવું નથી...તું બસ, રવાના થઈ જા...’ કહી જવાબની રાહ જોયા વગર જ જુગલકિશોરે રિસીવર મૂકી દીધું.

ત્યાર બાદ એણે પોતાનાં કલ્પનાચક્ષુ સમક્ષ ઘડિયાળમાં દસ વાગતાં અને ગોંડલના બંગલામાં બોંબ-વિસ્ફોટમાં માયાના દેહના ફુરચા ઊડતા જોયા.

એના હોઠ પર ઝેરીલું સ્મિત ફરકીને વિલીન થઈ ગયું.

‘માયા...’ એ સ્વગત બબડ્યો, ‘તું ગોંડલ પહોંચીશ તો ખરી, પણ ત્યાંથી જીવતી પાછી નહીં આવી શકે ! મેં બરાબર દસ વાગ્યે ફાટે એ રીતે ટાઈમ સેટ કરીને ગોંડલના બંગલામાં ટાઈમબોંબ ગોઠવી દીધો છે.

આટલું બબડ્યા પછી એ હસ્યો...ખડખડાટ હસ્યો...

ત્યાર બાદ રાતના પોણા દસ વાગ્યે એ પોતાનાં ફ્લેટનો દરવાજો ઊઘાડી અંદર પ્રવેશ્યો. એના ભારે અચરજ વચ્ચે બેડરૂમની લાઈટ ચાલુ હતી.

કદાચ જતી વખતે માયા લાઈટ ઓફ કરવાનું ભૂલી ગઈ હશે એમ એણે માન્યું.

એ બેડરૂમમાં પ્રવેશ્યો. પરંતુ ત્યાનું દ્રશ્ય જોતાં જ એના પગ ધરતી સાથે જડાઈ ગયા. એનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો.

એની આંખો નર્યા ભય, ખોફ અને દહેશતથી ફાટી પડી.

કારણ...? કારણ,કે પલંગ પર માયાની લાશ પડી હતી ! એના મોંમાંથી ફીણ નીકળેલું હતું. એના તકિયા પાસે ઝેરની એક બોટલ પડી હતી !

પલંગની બાજુમાં ટેબલ પર બોલપોઈન્ટ પેન નીચે દબાયેલો એક ફૂલસ્કેપ સાઈઝનો કાગળ પડ્યો હતો.

ફાટી આંખે થોડી પળો સુધી માયાની લાશ સામે તાકી રહ્યા બાદ જુગલકિશોર કંપતા પગલે આગળ વધીને ટેબલ પાસે પહોંચ્યો.

એણે ધ્રુજતા હાથે કાગળ ઊંચક્યો.

એની નજર કાગળના લખાણ પર ફરવા લાગી. એમાં લખ્યું હતું –

પ્રિય જુગલકિશોર,

આ પત્ર તને મળશે ત્યારે હું તારાથી દૂર ચાલી ગઈ હોઈશ; એટલી દૂર કે જ્યાંથી કદાપિ કોઈ પાછું નથી ફરી શકતું. સુરભી પ્રત્યેનું તારું આકર્ષણ અસ્થાયી હશે અને એક ને એક દિવસ તું જરૂરથી મારી પાસે પાછો આવી જઈશ એમ હું માનતી હતી, પરંતુ એ મારો ભ્રમ હતો એનું આજે જ મને ભાન થયું છે, પરંતુ તું ગમે તેવો તોય મારો પતિ છે. તારી ખુશીમાં જ મારી ખુશી છે ! તું સુરભી સાથે ખુશ છે એ હું જાણું છું. એટલે જતાં જતાં પણ તારી ખુશીને મેં ધ્યાનમાં રાખી છે. સાંજે તારા ફોન પછી હું તરત જ સુરભીને મળવા ગઈ. મેં તને છોડવાના મારા નિર્ણય વિશે સુરભીને જણાવી દીધું છે. એટલું જ નહીં, તારી ખુશીને નજર સામે રાખીને હું પોતે સુરભીને કારમાં સાડા આઠ વાગ્યે ગોંડલવાળા બંગલે મૂકી આવી છું. આપણા લગ્નની વર્ષગાંઠની રાત તું મારે બદલે સુરભી સાથે પસાર કરે એવી મારી આંતરિક ઈચ્છા હોવાને કારણે જ મેં આ પગલું ભર્યું છે. હું એક પતિવ્રતા સ્ત્રી છું અને મારી લાશ નીકળશે તો પતિના ઘરેથી જ....

અલવિદા.

તારી જ

માયા...

જુગલકિશોર ફાટી આંખે પત્ર સામે તાકી રહ્યો.

એ જ વખતે દીવાલ પર લટકતી ઘડિયાળમાં દસ ડંકા વાગ્યા. જુગલકિશોરની નજર અનાયાસે જ ઘડિયાળ પર ગઈ. બરાબર દસ વાગ્યા હતા.

એણે પોતાનાં કલ્પનાચક્ષુ સમક્ષ ગોંડલના બંગલામાં બોંબ-વિસ્ફોટમાં સુરભીના દેહના ફુરચા ઊડતા જોયા.

***

- કનુ ભગદેવ

Facebook Page: Kanu Bhagdev/Facebook

Feedback: Whatsapp no. 8469141479