Rahasyjaal - 9 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | રહસ્યજાળ-(૯) અપરાધી કોણ (ભાગ:1)

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

રહસ્યજાળ-(૯) અપરાધી કોણ (ભાગ:1)

અપરાધી કોણ ? (ભાગ-૧)

આજથી પચ્ચીસેક વર્ષ પહેલાંની વાત છે.

મુંબઈ સી.આઈ.ડી. ઓફિસમાં પોતાની કેબિનમાં ઈન્સ્પેક્ટર જયદેવ પૂરી તલ્લીનતાથી એક કેસના કાગળ વાંચતો બેઠો હતો. માહીમ સ્થિત લેડી હોર્ડિંગ રોડ પર પ્રતિભા સોસાયટીના “બી” બિલ્ડીંગમાં રહેતા નિર્મલાબેન નામનાં એક ગુજરાતી વૃદ્ધાનું કોઈકે ધોળે દિવસે ખૂન કરી નાખ્યું હતું અને જયદેવ એ કેસના જ કાગળ-પત્રો, ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ, ફોટોગ્રાફ્સ વગેરે તપાસતો હતો. માહીમ પોલીસસ્ટેશને પોતાના વિસ્તારમાં થયેલા આ ખૂનની માહિતી સી.આઈ.ડી. ક્રાઈમબ્રાંચને મોકલી હતી. ૨૫ એપ્રિલ ૧૯૮૫, એટલે કે આ બનાવ બન્યો એ દિવસે જયદેવ પૂના ગયો હતો. જયારે એનો સહકારી સબ-ઈન્સ્પેક્ટર કામત એક કેસના અનુસંધાનમાં આખો દિવસ સેશન્સ કોર્ટમાં વ્યસ્ત હતો. બીજે દિવસે કામતે બે-ત્રણ સિપાહીઓ સાથે બનાવના સ્થળ તથા માહીમ પોલીસસ્ટેશનની મુલાકાત પણ લીધી હતી.

એણે કરેલી તપાસમાં જે વાતો જાણવા મળી તે આ મુજબ હતી:

માહીમ સ્થિત પ્રતિભા હાઉસિંગ સોસાયટી ખાતે “બી” ઈમારતમાં બીજા માળ પર છ નંબરના બ્લોકમાં નિર્મલા નામના એક વૃદ્ધ વિધવા બહેન રહેતાં હતાં. નિર્મલાબેનનો પુત્ર જિતેન્દ્ર પોતાની પત્ની આશા અને બાળકો સાથે નજીકમાં જ આવેલા મયૂર બિલ્ડીંગમાં રહેતો હતો.સાસુ-વહુના કંકાસથી કંટાળીને પિતાજીની હયાતીમાં તેઓ જુદા રહેવા ચાલ્યા ગયા હતા, પરંતુ આઠેક મહિના પહેલાં જિતેન્દ્રના પિતાનું હ્યદયરોગથી અવસાન થતાં જિતેન્દ્રએ પોતાને ત્યાં કામ કરતા જયંતી નામના એક ઘરઘાટી મારફત રઘુનાથ ઉર્ફે રઘુને વૃદ્ધ માની સારસંભાળ રાખવાનું કામ સોંપી દીધું. રઘુ નજીકમાં જ આવેલી સિંધી સોસાયટી સામેની ઝુંપડપટ્ટીમાં રહેતો હતો. તે પ્રતિભા સોસાયટીની આજુબાજુમાં પણ ઘણી જગ્યાએ પરચૂરણ કામ કરતો હતો. નિર્મલાબેનને ત્યાં રઘુનું કામ દરરોજ સવારે દૂધ તથા બ્રેડ લાવવાનું, દૂધ ગરમ કરવાનું, સ્નાન માટે પાણી ગરમ કરવાનું, ઘરની સાફસૂફી કરવાનું, નિર્મલાબેનને દૂધ-બ્રેડનો નાસ્તો આપવાનું તથા આગલા દિવસનું ટિફિન જિતેન્દ્રને ઘેર પાછું પહોચાડવાનું હતું.

જિતેન્દ્રની પત્ની આશા અથવા તો તેમનો ઘરઘાટી જયંતી – બે માંથી કોઈક દરરોજ અગિયાર-બાર વાગે જઈને નિર્મલાબેનને ટિફિન પહોચાડી આવતાં હતાં. જો જયંતી ટિફિન આપવા જતો તો તે નિર્મલાબેન જામી લે ત્યાં સુધી રાહ જોવાને બદલે માત્ર ટિફિન આપીને નીકળી જતો અને જો આશા ટિફિન આપવા જતી તો તે રોકાતી અને નિર્મલાબેન જમી લે ત્યાર પછી ખાલી ટિફિન લઈને પોતાને ઘેર પાછી ચાલી જતી હતી.

૨૫મી તારીખે આશા ટિફિન લઈને ગઈ. જોકે જયંતી એના ઘેર આવ્યો હતો, પરંતુ તેનું માથું દુખતું હોવાથી એ માત્ર જિતેન્દ્રના ઘરનું જ થોડું પરચૂરણ કામ પતાવીને ચાલ્યો ગયો હતો. પરિણામે એ દિવસે આશાને જ ટિફિન લઈ જવું પડ્યું હતું. એ જ્યારે નિર્મલાબેનને ત્યાં પહોંચી ત્યારે બ્લોકના બંને દરવાજા ઉઘાડા હતા. એણે અંદર પ્રવેશીને જોયું તો જમીન પર નિર્મલાબેન મૃત્યુ પામેલી હાલતમાં પડ્યાં હતાં ! બાજુમાં સ્ટૂલ પર દૂધનો કપ આડો પડ્યો હતો અને દૂધ સ્ટૂલ તથા જમીન પર ઢોળાઈ ગયું હતું. આ દ્રશ્ય જોઇને આશા એકદમ હેબતાઈ ગઈ. એણે તરત જ બહાર નીકળીને ચાર નંબરના બ્લોકમાં રહેતા પરાંજપેનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો પરાંજપેના મોટા પુત્ર પ્રકાશે ઉઘાડ્યો. પછી આશાના સંકેતથી એણે પણ છ નંબરના બ્લોકમાં જઈને નિર્મલાબેનનો મૃતદેહ જોયો. તરત જ માહીમ પોલીસસ્ટેશને આ બનાવની જાણ કરવામાં આવી. થોડી વારમાં જ પોલીસે આવીને તપાસ શરૂ કરી દીધી.

જમીન પર નિર્મલાબેનનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. તેમના પેટ પર છૂરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. મૃતદેહની બાજુમાં લોહીવાળી છૂરી તથા એક મેલું કપડું પડ્યાં હતાં. નિર્મલાબેન કાયમ જે ખુરશી પર બેસતાં હતાં તે અવળી પડી હતી. કાચની એક પ્લેટમાં બ્રેડના ચાર ટુકડા હતા તથા કપમાં પડેલું દૂધ ઢોળાઈ ગયું હતું.

મામૂલી ઝપાઝપીના ચિહ્નો દેખાતાં હતાં.

પંચનામાની વિધિ પછી ઈમારતમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન સમાચાર મળતાં જિતેન્દ્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અંદરના રૂમમાં રહેલો કબાટ ઉઘાડો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે કબાટમાંથી નિર્મલાબેનની સોનાની ચેન, ચાર બંગડી તથા છસો રૂપિયા રોકડા ચોરાયા હતા.

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તથા ફોટોગ્રાફરે પોતાની કાર્યવાહી પૂરી કરી. ત્યાર બાદ પોલીસડોગની મદદથી ખૂનીનું પગેરું મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સફળતા ન મળી.

પોલીસ-અધિકારીઓએ ફરીથી બ્લોકમાં તપાસ કરી. કબાટ સિવાય ક્યાંય કશું જ આડુંઅવળું નહોતું થયું. બધું જેમનું તેમ જ હતું. રસોડામાં બધું યથાવત્ હતું. બાથરૂમમાં પાણીની ડોલ ભરેલી પડી હતી અને ડોલમાં લીલા કલરનું પ્લાસ્ટિકનું મગ તરતું હતું. બાથરૂમની ખીંટી પર નિર્મલાબેનના વસ્ત્રો લટકતાં હતાં.

આશા પોણા-બાર વાગ્યે ટિફિન લઈને પહોંચી હતી અને મૃતદેહ પણ સૌથી પહેલા એણે જ જોયો હતો જે પરથી સ્પષ્ટ થતું હતું કે ખૂન પોણા-બાર વાગ્યા પહેલાં થયું હતું, પરંતુ ક્યારે...? કેટલા વાગ્યે...? નિર્મલાબેનને સૌથી છેલ્લે કોણે ને ક્યારે જીવિત હાલતમાં જોયાં હતાં, એ જાણવું જરૂરી હતું. પાંચ નંબરના બ્લોકમાં રહેતા ડોક્ટર કાલે સવારે સાડા-છ વાગ્યે પરિવાર સાથે પૂના ચાલ્યા ગયા હતા, જયારે પરાંજપે પરિવારના કોઈ સભ્યને નિર્મલાબેનનું કંઈ કામ નહોતું પડ્યું. બ્લોક-સિસ્ટમ હોવાને કારણે બધાંના દરવાજા હંમેશા બંધ રહેતા હતા. કામ વગર કોઈ પોતાનો દરવાજો નહોતું ઉઘાડતું.

ત્યાર બાદ પૂછપરછ દરમિયાન રઘુનું નામ સામે આવ્યું. આશાના કહેવા મુજબ સવારે આઠ વાગ્યે એને ત્યાં આવ્યો હતો અને નિર્મલાબેનને ત્યાં પડેલું આગલા દિવસનું ખાલી ટિફિન આપીને ચાલ્યો ગયો. ચોકીદાર શ્યામસિંહની જુબાની પ્રમાણે રઘુ સાત વાગ્યે ચાલ્યો ગયો હતો, અર્થાત્ તે લગભગ પોણો કલાક સુધી નિર્મલાબેનના બ્લોકમાં રોકાયો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા પછી લગભગ બે વાગ્યે રઘુને શોધવા માટે એક સબ-ઈન્સ્પેક્ટર - જિતેન્દ્ર તથા બે સિપાહીઓને સાથે લઈને તેના ઘરે પહોંચ્યો. ઘરમાં રઘુની વિધવા મા તથા નાની બહેન જાનકી હાજર હતાં. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રઘુ દરરોજની માફક નોકરીએ જવા નીકળી ગયો હતો. તે પેરેડાઈઝ સિનેમા પાસેની શેરીમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નોકરી કરતો હતો. જાનકીએ એ કારખાનું જોયું હતું. એને બીજી અગત્યની વાત પણ જાણવા મળી. સવારે નવ વાગ્યે નોકરી પર જતી વખતે રઘુ “આજે કારખાનામાં વધુ કામ હોવાથી પોતે બપોરે જમવા નહીં આવે” એવું ઘેર કહેતો ગયો હતો. જાનકીના જણાવ્યા અનુસાર રઘુ સિંધી સોસાયટીમાં દરરોજ બે-ત્રણ શેઠની કાર સાફ કરવાનું કામ પણ કરતો હતો.

જાનકીને લઈને તેઓ સિંધી સોસાયટીમાં પહોંચ્યા, પરંતુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રઘુ આજે ત્યાં કારની સાફસૂફી માટે આવ્યો જ નહોતો. રઘુ પર શંકા વધવા લાગી. કારખાને તપાસ કરતાં એ ત્યાં પણ નહોતો પહોંચ્યો. કારખાનામાં રઘુની સાથે કામ કરતા શ્રીરંગ ના કહેવા મુજબ સવારે લગભગ સાડા-આઠ વાગ્યે રઘુ એના ઘેર ગયો હતો અને આજે પોતાની તબિયત સારી નથી એટલે પોતે કારખાને નહીં આવી શકે એમ જણાવ્યું હતું. શ્રીરંગની જુબાનીથી રઘુ પરની શંકા વધુ મજબૂત બની. આઠ વાગ્યે આશાને ટિફિન આપ્યા બાદ કાર ધોવાનું કામ કરવાને બદલે રઘુ શ્રીરંગની પાસે ગયો હતો અને ત્યાંથી ઘેર પહોંચ્યા બાદ એમ કહ્યું હતું કે આજે કારખાનામાં વધુ કામ હોવાથી બપોરે પોતે જમવા માટે ઘેર નહીં આવે.

રઘુની ઓળખ માટે જાનકી સાથે હોવાથી પોલીસે જિતેન્દ્રને રજા આપી દીધી અને જાનકીને લઈને તેના ઘરે પહોંચી ત્યારે રઘુ પોતાની મા સાથે હાજર હતો. પોલીસ પોતાને શોધે છે અને જાનકીને સાથે લઈ ગઈ છે એ જાણીને તે ખૂબ ગભરાઈ ગયો હતો.

તાબડતોબ તેને માહીમ પોલીસસ્ટેશને લઈ જઈને લોકઅપમાં પૂરી દેવાયો. લોકઅપમાં પૂરતાં પહેલાં એના બંને હાથનાં આંગળાની છાપ લઈ લેવામાં આવી હતી. બીજે દિવસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા.

૨૯મી એપ્રિલે ઈન્સ્પેક્ટર જયદેવ પૂનાથી પાછો ફર્યો ત્યારે નિર્મલાબેનના ખૂનકેસમાં તેને રસ પડ્યો. સાથે સંબંધિત કાગળો તપાસ્યા બાદ તે પોતાના સહકારી કામત સાથે માહીમ પોલીસસ્ટેશને પહોંચીને તેના ઈન્ચાર્જને મળ્યો અને પૂછપરછ કરી. જવાબમાં ઈન્ચાર્જે તેને વિસ્તારથી બધી વિગતો કહી સંભળાવી અને પછી બોલ્યો, ‘હજી સુધી રઘુને પૂછપરછ કરવાનો અમને સમય નથી મળ્યો, પણ કેસ દીવા જેવો સ્પષ્ટ છે. આંગળાની છાપ પણ મળતી આવે છે. રઘુ જ ગુનેગાર છે. તે શ્રીરંગ તથા પોતાને ઘેર ખોટું બોલ્યો હતો.’

ત્યાર બાદ જયદેવના કહેવાથી એક સિપાહી રઘુને લોકઅપમાંથી લઈ આવ્યો. હાથમાં હાથકડી પહેરાવેલી હતી અને તે એકદમ ગભરાયેલો હતો.

‘કેમ ભાઈ...?’ જયદેવે રઘુ સામે જોતાં પૂછ્યું, ‘નિર્મલાબહેને તારું શું બગાડ્યું હતું કે એનું ખૂન કરી નાંખ્યું...?’

‘સ...સાહેબ...!’ રઘુએ રડતાં રડતાં જવાબ આપ્યો, ‘મેં એમનું ખૂન નથી કર્યું...! હું ખૂની નથી. હું કશુંય નથી જાણતો...!’

ત્યાર બાદ જયદેવ રઘુ, માહીમ પોલીસસ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર, જિતેન્દ્ર તથા આશાને લઈને પ્રતિભા હાઉસિંગ સોસાયટી જવા માટે રવાના થઈ ગયો. એના કહેવાથી રઘુની હાથકડી ખોલી નાખવામાં આવી હતી.

રસ્તામાં જયદેવે રઘુને થોડી પૂછપરછ કરી. રઘુના જણાવ્યા મુજબ – એની મહિનાની કુલ આવક ૪૦૦ રૂપિયા જેટલી હતી. જેમાં માંડ-માંડ ગુજરાન ચાલતું હતું, પરંતુ માહીમ પોલીસસ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરના કહેવા પ્રમાણે જયારે રઘુને અટકમાં લેવાયો ત્યારે તલાશી દરમિયાન એના ગજવામાંથી પોણા-સાતસો રૂપિયા મળ્યા હતા અને આ જ વાતે જયદેવને મૂંઝવણમાં મૂકી દીધો હતો. નિર્મલાબેનના કબાટમાંથી ઘરેણાં ઉપરાંત છસો રૂપિયા રોકડા પણ ચોરાયા હતા.

થોડી વાર પછી તેઓ નિર્મલાબેનના બ્લોકમાં મોજૂદ હતા. નિર્મલાબેનના અંતિમ સંસ્કાર ૨૬મી તારીખે જ થઈ ગયા હતા.

જયદેવની શોધપૂર્ણ નજર બ્લોકમાં ફરવા લાગી. રૂમમાં એક નાનકડા ટેબલ પાસે બે ખુરશીઓ હતી. ટેબલ પર ગુજરાતી ધાર્મિક પુસ્તકો હતાં. ખૂણામાં એક અન્ય ટેબલ પર દેવી-દેવતાઓની છબીઓ તથા પૂજાની સામગ્રી હતી. બીજા ખૂણામાં એક કોચ હતો જેની બાજુમાં એક આરામખુરશી પડી હતી, ત્યાં પણ થોડા ધાર્મિક પુસ્તકો અને નિર્મલાબેનના ચશ્માં પડ્યાં હતાં. ત્યાર બાદ જયદેવે બેડરૂમમાં નજર કરી. કબાટની ચાવીનો ઝૂડો નિર્મલાબેન પાસે જ રહેતો હતો. પછી એણે રસોડામાં તપાસ કરી. જે છૂરી વડે નિર્મલાબેનનું ખૂન કરવામાં આવ્યું હતું તે બ્રેડ કાપવાની છૂરી હતી અને કાયમ રસોડામાં જ પડી રહેતી હતી.

જયદેવ વિચારવા લાગ્યો – ખૂનીએ બ્લોકમાં પ્રવેશીને નિર્મલાબેન સાથે વાતચીત કરી. ત્યાર બાદ તે રસોડામાં જઈ છૂરી લઈને ડ્રોઈંગરૂમમાં પાછો આવ્યો હોવો જોઈએ.

પછી બાથરૂમમાં તપાસ કર્યા બાદ જયદેવ પુનઃ ડ્રોઈંગરૂમમાં રઘુ વગેરે પાસે આવ્યો. રઘુ ગમગીન ઊભો હતો. જયદેવે જિતેન્દ્ર તથા આશાને પરાંજપેના બ્લોકમાં બેસવાનું જણાવ્યું અને તેમના ગયા પછી રઘુને ઉદ્દેશીને પૂછ્યું, ‘રઘુ, તું રોજ સવારે કેટલા વાગ્યે અહીં આવતો હતો અને શું-શું કામ કરતો હતો...?’

જવાબમાં રઘુએ પોતાની કામગીરી વિશે તેને જણાવી દીધું.

‘આ બધું કામ પતાવતાં તને કેટલો સમય લાગતો હતો...?’

‘અડધો-પોણો કલાક...!’

‘પચ્ચીસમી તારીખે તું કેટલા વાગ્યે આવ્યો હતો...?’

‘લગભગ સાત વાગ્યે...’

‘એ વખતે નિર્મલાબેનની ઊંઘ ઊડી ગઈ હતી ? અર્થાત્ તેઓ જાગતાં હતાં...?’

‘ના...મારા આવ્યા પછી જ તેઓ ઉઠ્યાં હતાં...!’

‘ઓ.કે...અહીં આવ્યા પછી તેં જે જે કામ કર્યું હતું એ મને કરી બતાવ...! અત્યારે અહીં માત્ર તારા અને નિર્મલાબેન સિવાય કોઈ હાજર નથી એમ જ તું માન...!’

‘જી...મેં દૂધ ગરમ કર્યું...!’ રઘુ મૂંઝવણભર્યા અવાજે બોલ્યો.

‘એમ નહીં...કરી બતાવ...! અત્યારે તારા હાથમાં દૂધ કે બ્રેડ નથી, પણ છે એમ માની લે...જા દરવાજા પાસે ઊભો રહે...હું નિર્મલાબેન છું એમ માન...! મેં દરવાજો ઉઘાડીને તને અંદર આવવા દીધો...ત્યાર બાદ તેં શું કર્યું...?’

જવાબમાં રઘુએ કશુંક ઊંચક્યું હોય એ રીતે જમણો હાથ ઊંચો કર્યો. પછી બે ડગલાં આગળ વધીને દરવાજા પાસે ચપ્પલ ઉતાર્યા બાદ બહારના સળિયાવાળા દરવાજાને સરકાવ્યો. દરવાજો ક્લચમાં ભરાઈને બંધ થઈ ગયો. અંદરનો દરવાજો ઉઘાડો જ હતો. અર્થાત્ આ બિલ્ડીંગમાં જો કોઈ ઉપરથી નીચે આવે અથવા તો નીચેથી ઉપર જાય તો આ સળિયાવાળા દરવાજામાંથી તેને અંદરની દરેક ચીજ દેખાઈ શકે તેમ હતી. રઘુ રસોડામાં ગયો. જયદેવ એની પાછળ જ હતો. રઘુએ હાથનું કલ્પિત દૂધ અને બ્રેડ રસોડાના પ્લેટફોર્મ પર મૂક્યા બાદ પ્રશ્નાર્થ નજરે જયદેવ સામે જોયું.

‘હવે એક વાસણમાં પાણી લે અને દૂધ સમજીને તેને ગરમ કર...!’

રઘુએ તરત જ એક વાસણમાં અડધો લિટર જેટલું પાણી લઈને ગેસ પર મૂક્યું. ત્યાર બાદ વાસણમાં સ્નાન માટેનું પાણી ભરીને તેને પણ ગેસના બીજા બર્નર પર ગરમ કરવા મૂકી દીધું. પછી તે રસોડું સાફ કરવા લાગ્યો.

જયદેવ બારીકાઈથી એની એક-એક કાર્યવાહી જોતો હતો.

‘રઘુ, તું આ બધું કરતો હતો એ દરમિયાન નિર્મલાબેન શું કરતાં હતાં...?’ સહસા એણે પૂછ્યું.

‘જી, તેઓ બાથરૂમમાં જઈને બ્રશ કરતાં હતાં.’ આટલું કહ્યા બાદ કચરો સાફ કરીને રઘુ ગેસ પાસે આવ્યો અને ગેસ બંધ કર્યો.

રઘુને દૂધ ગરમ કરવામાં ને રસોડું સાફ કરવામાં કેટલો સમય લાગ્યો હશે એનું અનુમાન જયદેવ કરતો હતો.

ત્યાર બાદ રઘુએ બેડરૂમમાં જઈને સાફસૂફી કરી અને સાવરણી નીચે મૂક્યા બાદ ખભા પર પડેલા જૂના કપડા વડે કબાટ લૂછ્યો. પછી એ પુનઃ ડ્રોઈંગરૂમમાં આવ્યો. જયદેવ એની પાછળ જ હતો.

‘બ્રશ કર્યા પછી નિર્મલાબેન શું કરતાં હતાં...?’ એણે પૂછ્યું.

‘તેઓ ખુરશી પર બેસીને ધાર્મિક પુસ્તક વાંચતા હતાં...!’ રઘુએ ખૂણામાં પડેલી આરામખુરશી સામે આંગળી ચીંધતા જવાબ આપ્યો.

જયદેવે એક સિપાહીને એ ખુરશી પર બેસવાનો સંકેત કર્યો અને પછી રઘુને ઉદ્દેશીને કહ્યું, ‘ખુરશી પર નિર્મલાબેન બેઠાં છે એમ માનીને તું તારું કામ કર...!’

જયદેવ સાથેની વાતચીત દરમિયાન રઘુ ડ્રોઈંગરૂમ સાફ કરતો હતો. રઘુની વાતચીત તથા ચહેરાના હાવભાવ પરથી તે સાચું બોલે છે એની જયદેવને ખાતરી થઈ ચૂકી હતી.

ત્યાર બાદ રઘુ રસોડામાં પહોંચ્યો. સ્નાન કરવા માટેનું પાણી ગરમ થઈ ગયું હતું. ગેસ બંધ કર્યા બાદ એ સાણસી વડે વાસણ ઊંચકીને બાથરૂમમાં ગયો અને ત્યાં પડેલી એક ખાલી ડોલમાં ગરમ પાણી રેડ્યા બાદ ઠંડા પાણીનો નળ ખોલી નાંખ્યો. ડોલ ભરાઈ ગઈ ત્યાં સુધીમાં એ ગરમ પાણીના વાસણને રસોડામાં મૂકી આવ્યો. એણે દોરી પરથી નિર્મલાબેનના વસ્ત્રો તથા ટુવાલ ઊંચકીને બાથરૂમની ખીંટી પર લટકાવ્યા. પ્લાસ્ટિકનું મગ ડોલમાં મૂક્યું. ત્યાર બાદ તે ફરીથી રસોડામાં ગયો. એણે પ્લેટફોર્મ પરની કલ્પિત છૂરી ઊંચકીને બ્રેડના ટુકડા કર્યા બાદ તેને પ્લેટમાં મૂક્યા. પછી એક કપ-રકાબીમાં અધશેકું થયેલું દૂધ ભર્યું અને દૂધના વાસણને ફરીથી ગેસ પર મૂકીને ઢાંકી દીધું. ત્યાર બાદ તે એક હાથમાં કપ-રકાબી તથા બીજા હાથમાં બ્રેડની પ્લેટ લઈને ડ્રોઈંગરૂમમાં આવ્યો અને સિપાહી જે ખુરશી પર બેઠો હતો એની સામે સ્ટૂલ પર બંને વસ્તુઓ મૂકી દીધી.

‘બસ, સાહેબ...!’ એ જયદેવ સામે જોતાં બોલ્યો, ‘આટલું કામ કર્યા બાદ હું નિર્મલાબેન પાસેથી દૂધ અને બ્રેડના પૈસા લીધા પછી જો ખાલી ટિફિન પડ્યું હોય તો એ લઈને ચાલ્યો જતો હતો.’

ત્યાર બાદ જયદેવના સંકેતથી એ કાલ્પનિક ખાલી ટિફિન ઊંચકી, ચપ્પલ પહેરીને બહાર નીકળી ગયો.

પોતાના સહકારીઓને ત્યાં જ રહેવાનું જણાવીને જયદેવ પણ બહાર નીકળ્યો. રઘુ બહાર ઊભો હતો.

‘બહાર શા માટે ઊભો છે...?’ જયદેવે પૂછ્યું.

‘દરવાજો બંધ કરવાનો છે...!’ રઘુએ જવાબ આપ્યો.

‘ભલે...કરી દે...!’

રઘુએ આગળ વધીને પહેલા અંદરનો દરવાજો જોરથી ખેંચ્યો. પછી બહારનો સળિયાવાળો દરવાજો સરકાવ્યો અને ત્યાર બાદ પગથિયાં ઉતરવા લાગ્યો. બ્લોકના બંને દરવાજામાં ક્લચ હોવાના કારણે આપોઆપ તે બંધ થઈ ગયા હતા.

‘રઘુ, તું દરરોજ બંને દરવાજા બંધ કરતો હતો...?’ પગથિયાં ઊતરતાં ઊતરતાં જયદેવે પૂછ્યું.

‘હા સાહેબ...!’

બંને નીચે આવ્યા. સોસાયટીની બધી ઈમારતોમાં રહેતાં લોકો ઉત્સુક નજરે તેમની સામે જોતાં હતાં.

સોસાયટીમાંથી બહાર નીકળી સડક પર આવીને રઘુ ફૂટપાથ પર આગળ વધવા લાગ્યો. જયદેવ એની સાથે જ હતો.

થોડું ચાલ્યા પછી જયદેવે તેને અટકાવ્યો અને બંને સોસાયટીમાં પાછા ફર્યા. ઉપર નિર્મલાબેનના બ્લોકમાં પહોંચ્યા પછી જયદેવ બોલ્યો, ‘રઘુ, તું સાચું કહે છે એની મને ખાતરી થઈ ગઈ છે. હવે તું મારા અમુક સવાલોના સાચા જવાબ આપ...!’

‘પૂછો સાહેબ....! હું સાચું જ કહીશ...!’

‘પચ્ચીસમી તારીખે અહીનું કામ પતાવ્યા પછી તું ક્યાં ગયો હતો...?’

‘સાહેબ...!’ થોડી પળો સુધી ચૂપ રહ્યા બાદ રઘુએ ખમચાટભર્યા અવાજે કહ્યું, ‘અહીનું કામ પતાવ્યા પછી પેહેલાં હું જીતેન્દ્રસાહેબને ઘેર ખાલી ટિફિન આપવા માટે અને ત્યાંથી પછી મારા દોસ્ત શ્રીરંગને ઘેર ગયો હતો. ૨૫મી તારીખે મારે નોકરી કરવા નહોતું જવું એટલે મારી તબિયત સારી નથી એમ મેં તેને જણાવ્યું, હકીકતમાં મારી તબિયત સારી જ હતી, પરંતુ મારે ફિલ્મ જોવા જવું હતું. ગુરુવાર હોવાથી ફિલ્મનો છેલ્લો દિવસ હતો. બપોરે ત્રણ વાગ્યાના શોમાં મેં જિતેન્દ્ર તથા શ્રીદેવીની ફિલ્મ “હકીકત” જોઈ હતી.’

‘શ્રીરંગને મળ્યા પછી સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તું ક્યાં હતો...?’ જયદેવે વેધક નજરે રઘુના ચહેરા સામે તાકી રહેતા પૂછ્યું, ‘તને મહિને માંડ ત્રણસો-ચારસો રૂપિયા મળે છે અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલે છે એવું તેં મને જણાવ્યું હતું, પરંતુ પચ્ચીસમી તારીખે જયારે તને પકડવામાં આવ્યો ત્યારે તારા ગજવામાંથી પોણા-સાતસો રૂપિયા ક્યાંથી ને કેવી રીતે આવી ગયા...?’

(ક્રમશઃ)

(ઈન્સ્પેક્ટર જયદેવને હજુ પણ રઘુ પર આછી-પાતળી શંકા છે. તો શું ખૂની રઘુ છે...? પાંચ નંબરના બ્લોકમાં રહેતા ડોક્ટર...? પરાંજપેનો પુત્ર પ્રકાશ...? આશા...? જિતેન્દ્ર...? કે પછી...’કોઈક’ બીજું...? બસ, આવતા શનિવારે ઈન્સ્પેક્ટર જયદેવ સાચા ખૂની સાથે હાજર થઈ જશે. ત્યાં સુધી તમે વિચારતા રહો કે અપરાધી કોણ...?)

***