Rahashyjaal - 2 in Gujarati Short Stories by Kanu Bhagdev books and stories PDF | રહસ્યજાળ-(૨) કરણીનું ફળ

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

રહસ્યજાળ-(૨) કરણીનું ફળ

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

કરણીનું ફળ

મનોજ આજકાલ કરતાં ઘણા સમયથી પૈસાદાર બનવાના સપનાં જોતો હતો. એનું ખટપટિયું મગજ સહેલાઈથી પરસેવો પડ્યા વગર ક્યાંથી ને કેવીરીતે પૈસા મેળવવા એના વિચારોમાં જ હંમેશા અટવાયેલું રહેતું હતું. તે મુંબઈમાં ફોર્ટ સ્થિત ડૉ. દાદાભાઈ નવરોજી રોડ પર આવેલ એક રેડીમેડ વસ્ત્રોનાં ભવ્ય અને આલીશાન શોરૂમમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. શોરૂમમાં પાંચ સેલ્સમેનો ઉપરાંત એક હેડ કેશિયર પણ નોકરી કરતાં હતાં. શોરૂમમાં પ્રવેશતાં જ જમણા હાથે આવેલા કાઉન્ટર પાછળ શોરૂમના માલિક જમનાદાસની ઓફિસ હતી.

શોરૂમનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિનાં ૮:૩૦ સુધીનો હતો.

હેડ કેશિયર પીતાંબર શોરૂમ બંધ થયા પછી રાત્રે નવ વાગ્યે હિસાબ કિતાબ લઈને માલિક જમનાદાસની ઓફિસમાં ચાલ્યો જતો. ત્યાં એ પંદર-વીસ મિનીટ રોકાતો. પછી નવ વાગ્યે એક નાની સુટકેસમાં તે આખા દિવસના વેપારની રકમ લઈને બહાર નીકળતો અને રાતના દસ વાગ્યા સુધી કામકાજ કરતી બેંકમાં જમા કરાવી આવતો. બેંકમાં પૈસા જમા કરાવ્યાની રસીદ તે બીજે દિવસે સવારે આવીને ફાઈલમાં મૂકી દેતો હતો. કેશિયરનો આ ક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ હતો.

મનોજ દરરોજ આ બધી હિલચાલ જોતો. એણે લગભગ દરરોજ પાંચ-સાત સ્ત્રી-પુરુષોને પોતાનાં શેઠની ઓફિસમાં જુદા જુદા સમયે જતાં અને અડધો કલાક-કલાક રોકાઈને ચૂપચાપ ત્યાંથી પાછા ફરતા જોયા હતાં.

તેમની આ આવ-જા મનોજને ખૂબ જ રહસ્યમય અને શંકાસ્પદ લગતી હતી.

ક્યારેક હેડ કેશિયર પીતાંબર પણ દિવસના ભાગે જઈને શેઠ જમનાદાસને મળી આવતો.

શોરૂમનો દરરોજનો વેપાર લગભગ ત્રીસ-ચાલીસ હજાર જેટલો થતો હતો અને આ વકરાની રકમ જ પીતાંબર બેંકમાં જમા કરાવવા જાય છે એ વાત પણ મનોજ જાણતો હતો.

ઘડીભર તો પૈસાદાર થવાની પોતાની યોજનામાં પીતાંબરને ભેળવવાનો વિચાર પણ મનોજને આવ્યો હતો. પરંતુ પછી તરત જ તેને આ વિચાર માંડી વાળવો પડ્યો. કારણકે પીતાંબર ખૂબ જ ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ હતો. પોતાનાં શેઠ સાથે તે કોઈ સંજોગોમાં વિશ્વાસઘાત કરવા તૈયાર થાય તેમ નહોતો.

છેવટે મનોજના ખટપટિયા મગજમાં એક ભયંકર યોજના એ આકાર લીધો.

અને એ યોજના હતી રાત્રે પીતાંબર બેંકમાં રકમ જમા કરાવવા જાય ત્યારે તેને લૂંટી લેવાની...!

એક દિવસ સવારે એણે પીતાંબરને પૂછ્યું:

‘કાકા, એક વાતનો જવાબ આપશો...?’

‘બોલ...’ પીતાંબરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘કાકા, હું ઘણા સમયથી જોઉં છું કે દરરોજ આપણા શેઠની ઓફિસમાં પાંચ-સાત સ્ત્રી-પુરુષો રહસ્યમય રીતે આવ-જા કરે છે...!’

‘હા, તો...?’

‘કાકા, તમને આ બધું વિચિત્ર નથી લાગતું...?’

‘જો ભાઈ મનોજ...!’ પીતાંબર ગંભીર અવાજે બોલ્યો, ‘આપણે રહ્યા નોકર માણસ...! એ લોકો શા માટે આવે છે, એની પંચાત આપણે શા માટે કરવી જોઈએ...? આપણે તો આપણા કામ સાથે જ નિસ્બત રાખવી જોઈએ...! આ જ સલાહ હું તને પણ આપું છું...!’

‘ભલે...હું તો અમસ્તો ઉત્સુકતા ખાતર જ પૂછતો હતો. બાકી તમે સાવ સાચું કહો છો ! કોઈ શેઠની ઓફિસમાં શા માટે આવ-જા કરે છે એનું આપણે શું કામ છે ?’

‘એ જ તારે માટે વધુ યોગ્ય રહેશે...!’ પીતાંબરના અવાજમાં આડકતરો ઠપકો હતો.

મનોજ ધીમેથી માથું હલાવીને રહી ગયો.

ત્યાર બાદ એણે પોતાની યોજનાનો અમલ કેવીરીતે કરવો એ વિષે વિચારવા માંડ્યું.

ધીમે ધીમે એણે વિચારેલી યોજનાના તાણાવાણા ગૂંથાતા ગયા.

યોજનાના અમલ માટે એણે શનિવારની રાત નક્કી કરી.

શુક્રવારની રાત્રે એણે પીતાંબર બેંકમાં રકમ જમા કરાવવા માટે બહાર નીકળ્યો ત્યારે તેનો પીછો કર્યો.

એણે જોયું – પીતાંબર નવ વાગ્યે શોરૂમમાંથી બહાર નીકળ્યો અને પગપાળા જ આગળ વધી સામેની એક સૂનસાન અને ઉજ્જડ ગલી વટાવીને ગલીની બીજી તરફ મેઈન રોડ પર સામેના ભાગે આવેલી બેંકમાં પહોચી ગયો. બેંકમાં જવા માટે આ ગલી ટૂંકો રસ્તો હતો. પીતાંબર બેંકમાં જલદી પહોંચી શકાય એ માટે હંમેશા આ ગલીનો જ ઉપયોગ કરતો હતો. આ ગલીમાં સાંજના સાત વાગ્યા પછી ભાગ્યે જ કોઈ આવ-જા કરતુ હતું.

શુક્રવારે પીતાંબર રાબેતા મુજબ બેંકમાં રકમ જમા કરાવીને પોતાને ઘેર ચાલ્યો ગયો.

મનોજ તેની આ હિલચાલ જોઈ આવ્યો હતો અને બીજે દિવસે એટલે કે શનિવારે એણે યોજનાના અમલનો નિર્ણય પણ કરી લીધો.

બીજે દિવસે યોજના મુજબ બપોરે તે રિસેસમાં લોખંડનો એક વજનદાર હથોડો તથા રેકઝિનનો એક મોટો ચેનવાળો ફોલ્ડિંગ થેલો લઈને ઉજ્જડ ગલીમાં પહોચી ગયો. ગલીમાં જોગાનુજોગ એ વખતે કોઈ અવરજવર નહોતી. એણે ત્યાં પડેલા કચરાનાં ડ્રમમાં કચરા નીચે ફોલ્ડિંગ થેલો મૂકી દીધો. જયારે હથોડાને ડ્રમ પાછળ છુપાવ્યો. આટલું કર્યા પછી તે ચૂપચાપ શોરૂમમાં પાછો ફર્યો.

હવે તે વ્યાકુળતાથી રાત પડવાની રાહ જોતો હતો.

ધીમે ધીમે સમય પસાર થતો ગયો.

રાત્રે સાડા આઠ વાગ્યે શોરૂમ બંધ થયા પછી પીતાંબર રાબેતા મુજબ શેઠ જમનાદાસની ઓફિસમાં ચાલ્યો ગયો અને પંદર-વીસ મિનીટ બાદ હાથમાં બ્રીફકેસ સાથે પાછો ફર્યો.

સામે એના બહાર નીકળવાની રાહ જોઈ રહેલો મનોજ મનોમન ખુશ થતો હતો કારણકે આજે શોરૂમમાં પૂરા પંચ્યાશી હજારનો વકરો થયો હતો.

પીતાંબર બહાર નીકળીને ધીમે ધીમે પેલી ગલી તરફ આગળ વધ્યો. જયારે મનોજ તેની પહેલાં જ ઉતાવળા પગલે ચાલીને ગલીમાં પહોંચી ગયો. ગલીમાં પહોચતા જ એણે કચરાનાં ડ્રમ પાછળ છુપાવેલો હથોડો ઊંચકી લીધો અને ડ્રમમાં સંતાડેલો રેકઝિનનો થેલો પણ કાઢી લીધો.

પાંચેક મિનીટ પછી આછું અજવાળું ધરવતી ગલીમાં પીતાંબરના પગલાંનો અવાજ ગૂંજી ઊઠ્યો. પોતાનાં પર આવનારા મોતથી બેખબર બનીને એ આગળ વધતો હતો.

મનોજ શાક્ષાત યમદૂતના રૂપમાં હાથમાં હથોડા સાથે ડ્રમ પાછળ છુપાયેલો હતો.

પીતાંબર ડ્રમ પાસેથી પસાર થઈને બે ડગલાં આગળ વધ્યો ત્યાં જ પાછળ બિલ્લીપગે આવી પહોંચેલા મનોજે પૂરી તાકાતથી એના માથા પર વજનદાર હથોડાનો તોતિંગ ફટકો ઝીંકી દીધો.

પીતાંબરને તમ્મર આવી ગયા. આ અણધાર્યા હુમલાના આઘાતમાંથી તે બહાર નીકળે એ પહેલા જ એના માથા પર એક વધુ પ્રહાર થયો. મનોજનો આ પ્રહાર ખૂબ જ વજનદાર હતો. પીતાંબરના મોમાંથી ચીસ નીકળી ગઈ. એના હાથમાંથી બ્રીફકેસ સરી પડી. એનું માથું, ચહેરો વગેરે લોહીલુહાણ થઈ ગયા.

થોડી પળોમાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું.

મનોજે પળનોય વિલંબ કર્યા વગર હથોડો કચરાનાં ડ્રમમાં ફેક્યો અને પીતાંબરના હાથમાંથી છટકેલી બ્રીફકેસને રેકઝિનના થેલામાં મૂકીને થેલાની ચેઈન બંધ કરી દીધી.

અલ્પ પળોમાં બની ગયેલા આ બનાવનું કોઈ સાક્ષી નહોતું. કોઈએ આ બનાવ નહોતો જોયો.

મનોજ થેલો ઊંચકીને તાબડતોબ ફરીથી ડી. એન. રોડ પર આવ્યો અને ઝડપભેર વી.ટી. સ્ટેશનમાં દાખલ થઇ ગયો. સ્ટેશનમાં ઝાકઝમાળ રોશનીને કારણે દિવસ જેવું અજવાળું હતું. અત્યારે મનોજના મગજમાં એક જ વિચાર હતો – ગમે તેમ કરીને બનતી ત્વરાએ જ પહેલી લોકલ ટ્રેન મળે તે પકડીને આ વિસ્તારથી દૂર જવાનો...!

સ્ટેશનમાં પહોચ્યા પછી થોડી પળો માટે થોભીને એણે પોતાનાં ઉખડેલા શ્વાસ પર કાબૂ મેળવ્યો અને પછી ફરીથી પ્લેટફોર્મ તરફ ડગ માંડ્યા. ત્યાં અચાનક જ એના ખભા પર કોઈકનો હાથ પડ્યો. ચમકીને એણે પીઠ ફેરવી. એની સામે ચાલીસેક વર્ષનો રુઆબદાર વ્યક્તિત્વ ધરાવતો એક માનવી ઊભો હતો. મનોજે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

‘ક્યાંથી આવો છો...?’ એ માનવીએ પગથી માથા સુધી તેનું નિરિક્ષણ કરતાં પૂછ્યું.

‘શોરૂમેથી...!’ કહીને મનીજે તેને શોરૂમનું સરનામું તથા પોતે ત્યાં નોકરી કરે છે એ બાબતમાં જણાવી દીધું.

‘શોરૂમેથી આવતી વખતે તમે રસ્તામાં ક્યાંય રોકાયા હતાં અથવા તો તમારે કોઈને સાથે ઝગડો થયો હતો ?’

‘ના...પણ તમે કોણ છો ને આ બધી પૂછપરછ શા માટે કરો છે એ કહેશો ?’ મનોજે હિંમત ભેર પૂછ્યું.

જરૂર...મારું નામ હીરાલાલ છે અને હું રેલવે-પોલીસનો ઇન્સ્પેકટર છું.’ એ માનવીએ પોતાનો પરિચય આપતા કહ્યું, ‘હવે હું શા માટે પૂછપરછ કરું છું એ પણ સાંભળી લો. જરા તમારા શર્ટ તથા ચહેરા પર નજર કરો. બંને લોહીથી ખરડાયેલા છે. જો તમે રસ્તામાં ક્યાંય નથી રોકાયા કે તમારે કોઈની સાથે ઝગડો નથી થયો તો પછી આ લોહી ક્યાંથી આવ્યું ? આનો સીધો અર્થ એવો થયો કે તમે પોતે જ કોઈક ખોટું કામ કર્યું છે અને એ ખોટું કામ કરવા જતાં તમારા વસ્ત્રો તથા ચહેરા પર લોહીના છાંટા ઊડ્યા છે અને આ...’ એણે શંકાશીલ રીતે રેકઝિનના થેલા સામે આંગળી ચીંધતા પૂછ્યું, ‘આ થેલામાં શું છે...? ચાલો, જરા ઉઘાડો જોઈએ...!’

‘એમાં કઈ નથી સાહેબ...!’ મનોજ થોથવાતા અવાજે બોલ્યો. નાસી છૂટવાની ઉતાવળને કારણે લોહીથી ખરડાયેલા ચહેરા તથા વસ્ત્રો પ્રત્યે તો એનું ધ્યાન જ નહોતું હતું, ‘પ્લીઝ, મને જવા દો...! મારી ટ્રેન ચુકાઈ જશે.’

‘વાંધો નહીં...! હું તમને જીપમાં મૂકી જઈશ...! ટ્રેન કરતાં તમારે જ્યાં જવું હશે ત્યાં જીપમાં વહેલા પહોંચી જઈશું. ચાલો, જલદી કરો...!’ હીરાલાલના અવાજમાં આદેશનો સૂર હતો.

ત્યાર બાદ પંચની હાજરીમાં થેલામાંથી બ્રીફકેસ કાઢીને તેને ઉઘાડવામાં આવી. અંદર જે વસ્તુ પડી હતી તે જોઇને મનોજ સહીત ત્યાં મોજુદ સૌ કોઈની આંખો નર્યા અચરજથી ફાટી પડી. અંદર ઠાંસી ઠાંસીને પાંચસો તથા એક હજાર રૂપિયા વાળી નોટોના બંડલો અને લોહી થી ખરડાયેલી એક છુરી પડી હતી.

હીરાલાલે તરત જ પોતાનાં સહકારીઓને બોલાવીને મનોજની આકરી પૂછપરછ કરી. મનોજ તેના એકેય સવાલનો સંતોષકારક જવાબ ન આપી શક્યો. પોતે પીતાંબર પાસેથી લૂંટેલી બ્રીફકેસમાં લોહીવાળી છૂરી તથા કમસે કામ પંદર લાખ જેટલી રકમ ક્યાંથી આવી એ સવાલ તેને પણ અકળાવતો હતો.

છેવટે એણે કબૂલી લીધું કે પોતે પીતાંબરનું ખૂન કરીને બ્રીફકેસ લૂંટી લીધી છે. ઇન્સ્પેકટર હીરાલાલ તેને લઈને પહેલા ઉજ્જડ ગલીમાં પહોંચ્યો. ત્યાં લોહોલુહાણ હાલતમાં પીતાંબરનો મૃતદેહ પડ્યો હતો. બે સિપાહીઓને ત્યાંની કામગીરી સોંપીને તે મનોજને શોરૂમમાં લઇ ગયો.

એના ભારે અચરજ વચ્ચે શોરૂમની ઓફિસમાં તેના માલિક જમનાદાસની પણ લાશ પડી હતી. એનું પણ ખૂન થઇ ગયું હતું. ઓફિસની તિજોરી ઉઘાડી અને ખાલીખમ દેખાતી હતી.

આ દ્રશ્ય જોઇને મનોજ હેબતાઈ ગયો. શેઠનું ખૂન કોણે કર્યું ? પછી અચાનક જ તેને બ્રીફકેસમાં પડેલી રકમ યાદ આવી. તે સમજી ગયો કે પોતાની જાતને કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર તરીકે ઓળખાવતા પીતાંબરે જ શેઠનું ખૂન કરીને તિજોરીનો માલ બ્રીફકેસમાં ભર્યો હતો. એટલું જ નહી, ખૂન કરવા માટે વાપરેલી છૂરી પણ એણે બ્રીફકેસમાં જ મૂકી દીધી હતી. શેઠને મારી નાખ્યા પછી પીતાંબર માલમત્તા લઈને જતો હતો અને એ જ વખતે પોતે તેનું ખૂન કરીને બ્રીફકેસ લૂંટી લીધી હતી.

પરંતુ ઇન્સ્પેકટર હીરાલાલના મગજમાં જુદી જ વાત હતી. શોરૂમનું દ્રશ્ય જોયા પછી એણે મનોજને પોતાની જે માન્યતા જણાવી તે સાંભળીને મનોજના છક્કા છૂટી ગયા.

‘સાંભળ...!’ હીરાલાલે કહ્યું, ‘તેં તથા પીતાંબર નામના હેડ કેશિયરે અગાઉથી જ શેઠ જમનાદાસને લૂંટવાની યોજના ઘડી કાઢી હતી. યોજના મુજબ તમે બંનેએ ભેગા થઈને જમ્નાદાસનું ખૂન કરી નાખ્યું અને તિજોરીનો માલ બ્રીફકેસમાં ભરીને રવાના થઇ ગયા. ત્યાર બાદ લૂંટની રકમ એકલા જ હજમ કરી જવાના હેતુથી ઉજ્જડ ગલીમાં પહોંચતા જ લાગ જોઇને તે પીતાંબરનું કાસળ પણ કાઢી નાખ્યું અને બ્રીફકેસને રેકઝિનના થેલામાં મૂકીને ચાલતી પકડી, પરંતુ પીતાંબરનું ખૂન કરતી વખતે તારા વસ્ત્રો તથા ચહેરા પર લોહીના છાંટા પડ્યા હતાં તેના પ્રત્યે તારું ધ્યાન નહોતું ગયું. સ્ટેશનમાં અચાનક જ મારી નજર તારા ચહેરા તથા વસ્ત્રો પર પડી અને મને શંકા ઊપજવાથી મેં થેલો ઉઘડાવ્યો અને આ ભાંડો છતો થઇ ગયો. હવે તું સીધી રીતે કબૂલી લે કે શેઠ જમનાદાસના ખૂનમાં પણ તારો હાથ હતો.’

મનોજના મોતિયા મારી ગયા. જે ગુનો એણે નહોતો કર્યો તે પણ એને કબૂલ કર્યા વગર છૂટકો નહોતો. કારણકે બધાં પુરાવાઓ તેની જ વિરુદ્ધમાં જતાં હતાં. એણે પોતાનાં બચાવ માટે ઘણી દલીલો કરી પણ તેનું કંઈ ના ચાલ્યું.

આમ પોતાની સાથે સાથે પીતાંબરે કરેલા ગુનાની સજા પણ તેને ભોગવવી પડી.

***

- કનુ ભગદેવ

Facebook Page: Kanu Bhagdev-Fans/Facebook

Feedback: Whatsapp no. 8469141479