Rahasyjaal - 15 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | રહસ્યજાળ-(15) બોરીવલી લૂંટકેસ !

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

રહસ્યજાળ-(15) બોરીવલી લૂંટકેસ !

બોરીવલી લૂંટકેસ !

(સત્ય ઘટના)

બોરીવલી(મુંબઈ) પોલીસસ્ટેશનના ચાર્જરૂમમાં તારીખ ૩-૫-૧૯૯૬નાં દિવસે બપોરે સાડા ત્રણ વાગ્યે ડ્યુટી ઓફિસર પ્રવીણ પાટીલના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

‘હેલ્લો... નમસ્તે... હું ઇન્ચાર્જ એસ.આઈ.પાટીલ બોલું છું.’ રિસીવર ઊંચકીને કાને મૂકતાં એણે કહ્યું, ‘તમે કોણ છો ?’

‘સ... સાહેબ...!’ જવાબમાં સામેથી હાંફળોફાંફળો, ત્રૂટક અને ગભરાટભર્યો અવાજ એના કાને અથડાયો, ‘જલદી... જલદી આવો સાહેબ....’

‘પણ તમે કોણ છો ને ક્યાંથી બોલો છો ?’

‘મારું નામ નરેન્દ્ર જિનાન્દ્રા છે અને ચંદાવરકર લેનમાં આવેલા બોરીવલી શોપિંગ સેન્ટરમાં અમારી સોના-ચાંદીની ગોપીનાથ જ્વેલર્સ નામની દુકાન છે. થોડી વાર પહેલાં પાંચ સશક્ત લૂંટારાઓ અમારા વોચમેનને ઘાયલ કરીને ત્રીસેક લાખનાં આભૂષણો લૂંટી ગયા છે. દુકાન લગભગ ખાલી થઈ ગઈ છે. સાહેબ... લૂંટારાઓ બધા શોકેસ ખાલી કરી ગયા છે.’ કહેતાં કહેતાં નરેન્દ્રનો અવાજ એકદમ ભરાઈ આવ્યો.

‘હે ભગવાન....’ આવડી મોટી લૂંટના સમાચાર સાંભળીને પાટીલ ડઘાઈ ગયો.

રિસીવર મૂક્યા બાદ એણે તાબડતોબ પોતાના ઉચ્ચ-અધિકારીઓને બનાવની જાણ કરી.

જોતજોતામાં જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ અને ડોગ સ્કવોર્ડ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એ પહેલાં આખાયે શહેરમાં નાકાબંધી કરીને દરેક રસ્તાઓ પર નાનાં-મોટા વાહનોનું તેમજ હોટેલો, ગેસ્ટહાઉસો, બસસ્ટેશન, રેલવેસ્ટેશન, એરપોર્ટ અને ચેકપોસ્ટ પર સામાન-ચેકીંગની સૂચનાઓ જે તે વિભાગને સોંપાઈ ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચતાં જ ત્યાંનો દેખાવ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા.

દુકાનની બહાર લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતા.

પોલીસને જોઈને ભીડ વિખેરાવા લાગી.

લૂંટારાઓ દુકાનના દરેક શોકેસમાંથી દરદાગીનાઓ લૂંટી ગયા હતા.

ડઘાઈને કિંકર્તવ્યમૂઢ બની ગયેલો વોચમેન બાઘા ચકવાની માફક ઘડીક પોલીસને તો ઘડીક ખૂણામાં ધ્રુસકાં ભરતા પોતાના શેઠને ચકળવકળ નજરે જોતો હતો.

પોલીસ ડોગને દુકાનમાં પડેલા દાગીનાના ખાલી બોક્સ સુંઘાડવામાં આવ્યાં. તાલીમી કૂતરાઓ ગંધનો પીછો કરતા બહાર સડક પર પચાસેક ફૂટ આગળ જઈને અટકી ગયા જેના પરથી બદમાશો ત્યાંથી કોઈક વાહનમાં નાસી છૂટ્યા હશે એ વાત એકદમ સ્પષ્ટ થઈ જતી હતી.

થોડી વાર પછી દુકાનના માલિક નરેન્દ્ર જિનાન્દ્રાને પોલીસે પૂછપરછ કરી.

‘સાહેબ....!’ હીબકાં વચ્ચે એણે કહ્યું, ‘ચાર-પાંચ દિવસ પહેલાં પચાસેક વર્ષનો એક માણસ મારે ત્યાંથી એક વીંટી ખરીદી ગયો હતો. દરરોજની જેમ આજે પણ બપોરના બે થી ત્રણ વાગ્યાની વચ્ચે દુકાનનો સ્ટાફ જમવા માટે બહાર ગયો હતો. આ સમયમાં વીંટી ખરીદનારો માણસ વીસેક વર્ષના એક યુવાન સાથે આવ્યો. એણે યુવાનની ઓળખ પોતાના પુત્ર તરીકે આપ્યા બાદ તેને માટે સોનાનો ચેઈન બતાવવાનું કહ્યું. દુકાનમાં હું એકલો હોવાથી સાવચેતી ખાતર વોચમેન પણ એ બંનેની પાછળ અંદર આવ્યો હતો. મેં ચેઈન બતાવવા માટે શોકેસ ઉઘાડીને હાથ લંબાવ્યો કે બરાબર એ જ વખતે બંને આગંતુકોના હાથમાં પિસ્તોલ ચમકવા લાગી. પછી એમણે કઠોર અવાજે ચૂપચાપ ઊભા રહેવાની ધમકી આપી. અમે એકદમ ગભરાઈ ગયા. પછી અચાનક જ બીજા ત્રણ યુવાનો હાથમાં છૂરીઓ ચમકાવતા અંદર ધસી આવ્યા. એક જણના હાથમાં લોખંડનું એક મોટું પાનું હતું. એના વડે એણે મારા હાથમાં ફટકો માર્યો. પછી વોચમેનને ઘાયલ કર્યો અને અમને બંનેને ધકેલીને અંદરના ભાગમાં પાર્ટીશનની પાછળ લઈ જઈને અમારા હાથ-પગ બાંધી દીધા તથા મોંએ ડૂચા મારી દીધા. ત્યાર બાદ તેઓ તરત જ ધમકીઓ ઉચ્ચારતા દુકાનમાં ગયા અને પંદર-વીસ મિનિટમાં જ દાગીનાના શોકેસ તળિયાઝાટક કરી નાખ્યા. જેમતેમ કરીને મેં હાથનાં બંધનો ખોલી નાખ્યાં અને વોચમેનને પણ બંધનમુક્ત કર્યો અને બહાર આવીને પોલીસ તેમજ સગાં-વ્હાલાંને ફોન કરી દીધા.’ કહીને નરેન્દ્રએ વાત પૂરી કરી.

વોચમેનનું સ્ટેટમેન્ટ પણ એ જ હતું.

આ દરમિયાન જમીને પાછા આવેલા સ્ટાફના માણસોનાં સ્ટેટમેન્ટો પણ લેવાઈ ગયાં.

અચાનક ડી.સી.પી. બિપિનકુમારની ચકોર નજર દુકાનના એક ખૂણામાં પડેલા કાગળ પર પડી. એમણે કાગળ ઊંચકીને વાંચ્યો. એના પર કોઈક ડોક્ટર એમ.વાય. રાવતનું નામ અને મુંબ્રાનું અધૂરું સરનામું છપાયેલું હતું. વધુમાં એક ટેબલેટ અને કોઈક મલમનું નામ લખ્યું હતું.

પૂછપરછ કરતાં દુકાનના કોઈ પણ માણસનો એ કાગળ નહોતો તેમ કોઈએ મજકૂર ડોક્ટરનું નામ પણ સાંભળ્યું નહોતું એટલે સ્પષ્ટ થયું હતું કે પ્રિસ્ક્રિપ્શન લખેલો આ કાગળ લૂંટારાઓમાંથી જ કોઇકના ગજવામાંથી ત્યાં પડી ગયો હતો.

હાથ નીચેના અફસરો અનિલકુમાર વગેરેને જરૂરી સૂચના આપીને ડી.સી.પી. બિપિનકુમારે ત્યાંથી રવાના કરી દીધા અને પોતે પણ સ્ટાફ સહિત દુકાન છોડી ગયા.

ત્યાર બાદ તેમના માર્ગદર્શન હેઠળ અપરાધીઓને પકડવા માટે એક મજબૂત જાળ તૈયાર કરવામાં આવી.

ઇન્સ્પેકટર સુશીલકુમાર અને સબ-ઇન્સ્પેકટર કદમ પોતાના ચુનંદા સહકારીઓ સાથે સાડા વેશમાં ડોક્ટર રાવતને શોધવા માટે મુંબ્રા ગયા. આવડા મોટા મુંબ્રા વિસ્તારમાં ડોક્ટર રાવતને શોધવાનું કામ સરળ નહોતું. એટલે પોલીસની ત્રણ ટુકડી વિભાજિત થઈને દરેક ડોક્ટરો અને મેડિકલ સ્ટોરમાં પૂછપરછ કરવા લાગી.

છેવટે બે દિવસ પછી ડોક્ટર રાવતનું સરનામું મળતાંની સાથે જ પોલીસ તેમના દવાખાને પહોંચી. પણ દવાખાનું બંધ હોવાથી આજુબાજુમાં પૂછપરછ કરીને ઘરનું સરનામું મેળવ્યું અને ડોક્ટરને ઘેર પહોંચી ગયા.

પોલીસનો પરિચય જાણ્યા પછી પોતે લખેલું પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર રાવત ઓળખી ગયા અને કહ્યું કે – ઈરફાન નામનાં એક યુવાનને પોતે ત્રણ-ચાર મહિના પહેલાં આ દવાઓ લખી આપી હતી. ઈરફાનનો પગ સાઈલેન્સરમાં દાઝી ગયો હતો.

ત્યાર બાદ તેમણે ઈરફાનના દેખાવનું જે વર્ણન જણાવ્યું તે ગોપીનાથ જ્વેલર્સમાં લૂંટ માટે આવેલા યુવાનો પૈકીના એકને આબાદ મળતું આવતું હતું. પોલીસે ઈરફાનના ઘરનું સરનામું પૂછ્યું તો ડોક્ટર રાવતે જવાબ આપ્યો કે, ‘સરનામાની તો મને ખબર નથી, પરંતુ તે બાજુમાં આવેલા કોસાગામમાં જ ક્યાંક રહે છે.’

ત્યાર બાદ વેશપરિવર્તન કરીને પોલીસ અધિકારીઓ કોસાગામ પહોંચ્યા અને ખાનગી રીતે તપાસ શરૂ કરી.

તેઓ પોલીસ ઓફિસરો છે એવું ત્યારે તેમનો દેખાવ જોઈને કોઈ જ કલ્પી શકે તેમ નહોતું.

તપાસ કરતાં કરતાં એક પાનવાળા પાસેથી તેમને જાણવા મળ્યું કે ઈરફાન લગભગ દરરોજ સાંજે પાન ખાવા માટે તેની દુકાને આવે છે.

પાનવાળાને ઈરફાનના ઘરનાં સરનામાની ખબર નહોતી.

આટલી માહિતી મળ્યા પછી પોલીસ અધિકારીઓ પાનવાળાની દુકાનની આજુબાજુમાં ગોઠવાઈ ગયા. તેઓ સૌ આતુર નજરે હવે ઈરફાનના આગમનની રાહ જોતા હતા.

સાંજે લગભગ સાત વાગ્યે એક દૂબળો-પાતળો અને ગોરો યુવાન રોડ પર દાખલ થઈને પૂરી બેફિકરાઈથી પાનવાળાની દુકાન તરફ આગળ વધ્યો.

એને જોઈને અધિકારીઓને ખાતરી થઈ ગઈ કે આ યુવાન જ ઈરફાન છે. પછી ઈરફાન પાસે હથિયાર હોવાની શંકા ઉપજતાં તેને ઘેરીને પકડવાનું નક્કી કરવામાં આવ્યું.

ઇન્સ્પેકટર સુશીલકુમારે પોતાના સહકારીઓને સંકેત કર્યો અને પોતે ત્રીજી તરફથી ઈરફાનને ઘેરીને આગળ વધ્યા. અત્યારે સૌના હાથમાં પોતપોતાની સર્વિસ રિવોલ્વરો ચમકતી હતી.

આ દરમિયાન ઈરફાન દુકાન પાસે પહોંચી ગયો હતો.

‘ઈરફાન....!’ આગંતુક યુવાન ઈરફાન જ છે એવી પૂરેપૂરી ખાતરી કરવાના હેતુથી સુશીલકુમારે જોરથી બૂમ પાડી.

પોતાનું નામ સાંભળીને યુવાને પીઠ ફેરવી. પછી પોતાને રિવોલ્વરથી ઘેરાયેલો જોઈને તે ચમક્યો. પળભરમાં જ તે સમગ્ર મામલો કળી ગયો અને એણે નાસી છૂટવા માટે ડાબી તરફ દોટ મૂકી. પરંતુ ત્યાં એસ.આઈ. વિજય કાંદલગાવકર મોજુદ હતા.

‘તારો ખેલ ખતમ થઈ ગયો છે, ઈરફાન....!’ કાંદલગાવકરે કઠોર અવાજે તેને ધમકી આપી, ‘ચૂપચાપ તારી જાતને પોલીસને હવાલે કરી દે. જો કોઈ જાતની ચાલબાજી રમીશ તો તારા શરીરમાં એટલી ગોળીઓ ધરબી દઈશ કે તારી લાશનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર પણ તેની ગણતરી નહીં કરી શકે.’

પોતે ફસાઈ ગયો છે એ વાત ઈરફાન સમજી ગયો. ભય અને ગભરાટથી એ ધ્રુજી ઊઠ્યો અને એણે આત્મસમર્પણ કરી દીધું.

ત્યાર બાદ તેને પોલીસસ્ટેશને લઈ જવાયો.

પોલીસે ચૌદમું રતન અજમાવતાં જ એણે ફટાફટ લૂંટમાં સામેલ થયેલા પોતાના સાથીદારોના નામ જણાવી દીધાં.

એણે આપેલી માહિતીના આધારે પોલીસે તેના સાથીદારો પ્રવીણ, નાસીર, ગોપાલ તથા લુઇસને પણ પકડીને તેમની પાસેથી લૂંટનો માલ કબજે કરી લીધો.

*

આમ માત્ર એક ડોક્ટરના અધૂરા સરનામાવાળા લખેલા પ્રિસ્ક્રિપ્શનના કાગળના આધારે જે હીકમતથી લૂંટારાઓને શોધીને પકડી પાડ્યા તે માટે ઉપરી અમલદારોએ તેમજ મુંબઈના તમામ અખબારોએ અપરાધીઓને પકડનાર પોલીસ ઓફિસરોનાં મુક્ત કંઠે વખાણ કર્યાં અને રાતોરાત લખપતિ બનવાનાં સપનાં જોતા અપરાધીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા.

(feedback: facebook.com/Kanu Bhagdev)