Bazi - 3 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બાજી - 3

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

બાજી - 3

બાજી

કનુ ભગદેવ

3 - આશાનું કિરણ....!

અમીચંદ નિરાશ વદને બંગલાના ડાયનિંગ રૂમમાં દાખલ થયો.

કુટુંબના અન્ય સભ્યો અગાઉથી જ ત્યાં બેસીને તેની રાહ જોતાં હતા.

અમીચંદે એક ખુરશી પર બેસીને સૌની સામે જોયું.

‘ ગોપાલ ક્યાં છે...?’ ગોપાલને ગેરહાજર જોઈને એણે પૂછ્યું.

‘ તે આજે બપોરે જ પોતાના મિત્રો સાથે ફરવા માટે ચંદનપુર ગયો છે!’ ગાયત્રીએ જવાબ આપ્યો.

ત્યારબાદ તેઓ ચૂપચાપ ડીનર કરવા લાગ્યા.

ડીનર લીધા પછી તેઓ ડ્રોંઈગરૂમમાં આવીને બેઠાં.

સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

અમીચંદે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...!’ એણે કહ્યું.

‘ હું ભરતપુરથી ચમનલાલ બોલું છું. મિસ્ટર અમિચંદ...’

‘ ઓહ...નમસ્તે જૈન સાહેબ...!’ કહેતાં કહેતાં તેના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

એના મોંએથી ચમનલાલ જૈનનું નામ સાંભળીને મહેશ, રાકેશ અને સારિકાના કાન સરવા થયા.

‘ કેમ છે...?’

‘ બસ, મજામા છું...આપ કેમ છો...?’

‘ ઉપરવાળાના આશીર્વાદ છે!’

‘ શું સુલોચના દિકરી આવી ગઈ છે જૈન સાહેબ...?’

‘ હા...એ ધાર્યા કરતાં વહેલી આવી ગઈ છે...!’

‘ તો આપ એને લઈને ક્યારે પધારો છો ?’

‘ મામલો એકદમ ગૂંચવાઈ ગયો છે!’

‘ એટલે...?’ અમીંચદે એકદમ ચમકી ગયો.

કોઈક અજ્ઞાત આશંકાથી એના ધબકારા એકદમ વધી ગયા. ક્યાંક ચમનલાલ સુલોચનાના લગ્ન ગોપાલ સાથે કરવાની ના ના પાડી દે એવા ભયથી તેનુ કાળજું કંપી ઊઠ્યું.

‘ મિસ્ટર અમીચંદ, હું દિલગીર છું...મને માફ કરી દો...’

‘ કે, શું થયું...?’

‘ સુલોચનાએ અમેરિકામાં જ સ્થિત એક ભારતીય યુવાન સાથે લગ્ન કરી લીધાં છે...! આ વાતની ખબર મને તેના આગમન પછી જ પડી છે.’

‘ શું...?’ અમીંચદનો રિસીવરવાળો હાથ કંપવા લાગ્યો.

પળભર માટે એની આંખો સામે અંધકાર ફરી વળ્યો. દિમાગ ક્રિયા શૂન્ય થઈ ગયું.

‘ હા...તમે ગોપાલ માટે કોઈક બીજી કન્યા શોધી લેજો....હું પણ ધ્યાનમાં રાખીશ...’

‘ જી...’ અમીચંદ માત્ર આટલું જ બોલી શક્યો.

એની હાલત માત્ર એક જ દાવમાં સર્વસ્વ હારી ચુકેલા જુગારી જેવી થઈ ગઈ હતી.

સામે છેડેથી સંબંધ કપાઈ ગયો તો એના હાથમાંથઈ રિસીવર છટકી ગયું.

એ પથ્થરના પૂતળાની જેમ સ્થિર ઊભો હતો.

‘ જૈન સાહેબ સાથે શું વાત થઈ પિતાજી...?’

મહેશના અવાજતી તે જાણે કે ભાનમાં આવ્યો.

‘ આપણી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે...!’ એણે નિરાશા ભર્યા અવાજે કહ્યું.

‘ શું જૈન સાહેબે સુલોચનાના લગ્ન ગોપાલ સાથે કરવાની ના પાડી દીધી છે ? રાકેશે પૂછ્યું

‘ ના...’

‘ તો પછી...?’

‘ સુચોલનાએ અમેરિકામાં જ સ્થિત એક ભારતીય સાથે લગ્ન કરી લીધાં છે!’

અમીચંદનો જવાબ સાંભળીને સારિકાના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

જ્યારે ગાયત્રી અને સરોજના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા હતા.

‘ આપણે શું વિચાર્યું હતું ને શું થઈ ગયું...?’ અમીચંદ ઉદાસ અવાજે બોલ્યો, ‘ આપણને હવે બરબાદ થતાં હવે દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે એવું મને લાગે છે.’

‘ હવે શું થશે પિતાજી...?’ મહેશે નિરાશાભર્યા અવાજે પૂછ્યું.

‘ ઈશ્વરને મંજુર હશે એમ જ થશે દિકરા...!’

‘ શું આપણે આમ ને આમ ભગવાનના ભરોસે જ બેસી રહેવાનું છે. પિતાજી ?’ રાકેશે ઉત્તેજીત અવાજે પૂછ્યું.

‘ એ સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ તેમ છીએ રાકેશ ?’

‘ આમને આમ બેસી રહેવાથી કંઈ જ નહીં વળે પિતાજી...!’સારિકા બોલી, ‘ જો આપણે પ્રયાસ કરીશું તો જરૂર કોઈ ને કોઈ માર્ગ નીકળી આવશે.’

‘ અત્યારે હું ખૂબ જ મુંઝાઈ ગયો છું... આ બાબતમાં મગજ ઠંડો રાખીને વિચારશું.’ કહીને અમીચંદે પોતાના ખંડ તરફ આગળ વધી ગયો.

મહેશ તથા સારિકા પણ પોતાના ખંડમાં ચાલ્યા ગયા.

‘ હવે આપણા ડૂબતા વહાણને કોઈ નહીં બચાવી શકે મહેશ...!’ સારિકા બોલી.

‘ સારિકા...!’ મહેશના અવાજમાં વિરોધ મિશ્રિત નારાજગીનો સૂર હતો.

‘ શું હું ખોટું કહું છું. ? આપણી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે મહેશ! કાદવમાં હાથ-પગ પછાડવાથી ડૂબતાં બચી નથી શકાતું... મારું માનો અને કંપની વેચી નાખો...! કમ સે કમ દેવું તો ચૂકતે થઈ જશે ? આમે ને આમ સમય પસાર થતો રહેશે તો મૂળ રકમ કરતાં વ્યાજ વધી જશે. પાંચ ટકા વ્યાજ કંઈ ઓછું ન કહેવાય! જો તાબડતોબ આપણા માથા પરથી કરજનો ભાર નહીં ઊતરે તો પછી આપણી પાસે રહેવા માટે આ બંગલો પણ નહીં રહે! આપણે ફૂટપાથ પર પહોંચી જશું.

‘ જો કંપની વેચાઈ જશે તો આપણી આબરૂ શું રહેશે ?’ મહેશે પૂછ્યું.

‘ અને જ્યારે કંપનીની સાથે સાથે આ બંગલાની પણ હરરાજી થશે તો શું આબરૂ રહેશે ? આબરૂના ખોટા ભયથી બચ...! પિતાજીને સમજાવ...! એમને કંપની વેચી નાખવા માટે તૈયાર કર...! જે માણસ જાણી જોઈને ખોટનો વેપાર કરે, એ દુનિયાનો સૌથી મોટો મૂરખ માણસ ગણાય છે ?’

મહેશે કંઈ જવાબ ન આપ્યો.

શું કરવું ને શુ નહીં, એ તેને નહોતું સમજાતું.

બીજી તરફ સરોજ પોતાના ખંડમાં રાકેશને સમજાવતી હતી.

‘ આટલી જલદી નિરાશ થઈ જવું કે હિંમત હારી જવી ખરાબ વાત છે રાકેશ!’

‘ નિરાશ ન થઉં તો શું કરું સરોજ...? આપણા સંજોગો જ એવા છે કે, આપણે ટૂંક સમયમાં જ કંગાળ બની જશું... ભિખારી થઈ જશું એવું મને લાગે છે...! પિતાજીએ આપણને ક્યાંયના ન રાખ્યા...! તેઓ અમારા બાપ નહીં પણ મોટા દુશ્મન છે...!’ રાકેશ કડવા અવાજે બોલ્યો.

‘ રાકેશ...! સરોજે રોષભર્યા અવાજે કહ્યું, પિતાજી વિશે આવું કહેતાં તને શરમ નથી આવતી ?’

‘ હું જે કંઈ કહું છું. તે ખોટું નથી કહેતો!’ રાકેશ પૂર્વવત અવાજે બોલ્યો, ‘ જે બાપ પોતાના સંતાનોનો વિચાર ન કરે...તેમના ભવિષ્યનો વિચાર ન કરે...એ બાપ, બાપ નહીં પણ પોતાનાં સંતાનોનો દુશ્મન જ હોય છે! પિતાજીએ હાથે કરીને જ ઘરની બરબાદી નોતરી છે...!’

‘ રાકેશ...!’ સરોજ ફાટી આંખે તેની સામે તાકી રહી.

રાકેશ પોતાના સગા બાપ વિશે આવા વેણ ઉચ્ચારશે એવું એણે નહોતું ધાર્યુ.

રાકેશ મનોમન ક્રોંધનો ઘૂંટડો ગળે ઊતારવાનો પ્રયાસ કરતો દાંત કચકચાવતો હતો.

‘ રાકેશ...!’ સરોજ તેને સમજાવતાં બોલી, ‘ પિતાજીથી જે ભૂલ થઈ છે. એ તેમણે જાણી-જોઈને નથી કરી.’

‘ આ જાણી જોઈને નથી તો બીજું શું છે ?’

‘ તું સમજતો કેમ નથી ?’

‘ હું શું સમજું...?’

‘ વેપારમાં નફો-નુકસાન તો ચાલ્યે જ રાખે છે...! જો કંપનીએ નુકસાન કર્યું છે. તો એક દિવસ તે નફો પણ કરી બતાવશે. આપણે હિંમત અને ધીરજ રાખવી જોઈએ. ધીરજનાં ફળ હંમેશા મીઠા હોય છે.!’

રાકેશ ધીમેથી ગળું હલાવીને રહી ગયો.

  • ***
  • એના ચહેરા પર ગાંડપણના હાવભાવ છવાઈ ગયા હતા.

    ‘ શંકર...!’ અમીચંદ માઉથપીસ પર માંડ માંડ આટલું બોલી શક્યો. જાણે કોઈ કે તેનું ગળું દબાવી રાખ્યુ. હોય એવું એની હાલત પરથી લાગતું હતું.

    સામે છેડેથી શંકરનુ અટ્ટહાસ્ય તેને સંભળાયું. ‘ તારી હાલત જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તારું વહાણ ટૂંક સમયમાં જ ડૂબી જવાનું છે, એવું મેં સાભળ્યું છે. તું ફૂટપાથ પર બેસીને ભીખ માંગીશ ત્યારે મને ખૂબ જ મજા આવશે... એ વખતે હું ખોટી આઠ આની આપીને તારી મજાક ઉઠાવીશ કમજાત...!’

    ‘ મારી લાચારીનો ગેરલાભ ન લે શંકર...! તને આપવા માટે મારી પાસે હવે કશું જ નથી. હું તને બે વખત પાંચ પાંચ લાખ રૂપિયા આપી ચૂક્યો છું. હવે મારી પાસે પૈસા ક્યાંતી હોય ? અમીચંદે રડમસ અવાજે કહ્યું.

    ‘ સાત લાખ રૂપિયા તો તારે આપવા જ પડશે.’

    ‘ પણ હું ક્યાંથી લાવું ?

    ‘ એ તારા માથાનો દુ:ખાવો છે. કાલે સાંજ સુધીમાં મને સાત લાખ રૂપિયા મળી જવા જોઈએ. નહી મળે તો હું શું કરીશ એ તો તું જાણે જ છે.

    ‘ તું મારી હાલત કેમ નથી સમજતો શંકર ? આ તલમાં હવે તેલ નથી રહ્યું.!’

    ‘ મને બધી ખબર છે કમજાત...! હું તારા એક એક શ્વાસનો પણ હિસાબ રાખું છું. હજુ આ તલમાં ઘણું તેલ છે... જ્યાં સુધી હું એ તલનું છેલ્લું ટીપું નહીં નીચોવી લઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે!’

    ‘ શું તને મારા પર જરા પણ દયા નથી આવતી ?’

    ‘ દયાહિન પર દયા આવવાની તારી વાત જ મૂર્ખાઈભરી છે અમીચંદ ?’ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    અમીચંદ રિસીવર મૂકીને હાંફવા લાગ્યો.

  • ***
  • વિલાસરાય કોલેજની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હતી.

    સુજાતા પરીક્ષા આપીને ઘેર જતી હતી. એના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાયેલા હતા કારણ કે આજે તેનું પેપર બહુ સારું ગયું હતું. આજ સુધી તે દરેક વર્ષે કોલેજમાં સૌથી વધુ માર્ક મેળવીને પ્રથમ નંબરે પાસ થતી હતી. એમ.કોમના પહેલાં વર્ષના એણે રાજ્યભરમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

    એ સુખદ્ ભવિષ્યની કલ્પના કરતી ચાલી જતી હતી.

    સહસા એક કારનું હોર્ન સાંભળીને એની વિચારધાર તૂટી.એણે પીઠ ફેરવીને જોયું તો શાનદાર કેડીલેક કારમાંથી વંદના નીચે ઊતરતી તેને દેખાઈ.

    ‘ હલ્લો વંદના...!’ એણે સ્મિત ફરકાવતાં કહ્યું. પરંતુ એન મનમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે વંદનાને ગોપાલ ગમે છે. અને તે એની સાથે લગ્ન કરવા માગે છે. એ વાત તેનાથી છૂપી નહોતી.પરંતુ એને પોતાના ગોપાલ પર પૂરો ભરોસો હતો... પોતાના પ્રેમનો અતૂટ શ્રદ્ધા હતી.

    ‘ મારી સાથે આવ સુજાતા...!’ વંદના સામે દેખાતા બગીચા તરફ સંકેત કરતાં બોલી, ‘ મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.’

    ‘ પણ હું...’

    તું ફિકર ના કર...! હું તારો વધુ સમય નહીં બગાડું.

    સુજાતા અનિચ્છાઓ તેની સાથે બગીચામાં પહોંચી. બંને બે બેંચ પર સામસામે બેસી ગયા.

    ‘ ગોપાલને ભૂલી જા સુજાતા...!’ વંદના સીદી મુદ્દાની વાત પર આવતાં બોલી, ‘ એને ભૂલી જવામાં જ તારું હિત છે.’

    ‘ એમ...?’ જાણે તેની મજાક ઉડાવતી હોય એવા અવાજે સુજાતાએ કહ્યું, પરંતુ એનુ હૃદય કોઈક અજ્ઞાત ભયથી ધબકતું હતું.

    ‘ જમીન પર ઊભા ઊભા આકાશમાંથી તારા તોડવાનો પ્રયાસ મૂર્ખાઈ સિવાય બીજું કશું જ નથી સુજાતા...! તમારા બંનેના લગ્ન ક્યારેય નહીં થાય!’

    ‘ કેમ...?’

    ‘ એટલા માટે કે હું ગોપાલને પ્રેમ કરું છું...!’

    ‘ બરાબર છે... પરંતુ ગોપાલને તું નથી ગમતી એનું શું ?’

    ‘ હું તેની સાથે લગ્ન કરી લઈશ તો તેને મને પસંદ પણ કરવા લાગશે. હું પણ તારાથી કંઈ ઓછી ખૂબસૂરત નથી.’

    ‘ વાત સુંદરતાની નહીં પણ હૃદયની છે વંદના...! એમ બંને એકબીજાને સાચા હૃદયથી પ્રેમ કરીએ છીએ...મારા કરતાં તો તું જ ગોપાલને ભૂલી જા. કારણ કે એ મરી જશે તો પણ તારી સાથે લગ્ન નહીં કરે!’

    ‘ તું મને ધમકી આપે છે ?’

    ‘ ના, સાચી અને સારી સલાહ આપું છું.’

    ‘ મારે તારી કોઈ સલાહની જરૂર નથી. તું ગોપાલની જિંદગીમાંથી હંમેશને માટે ખસી જા...’

    ‘ અને જો હું ન ખસું તો...?’

    ‘ તો તાર પસ્તાવું પડશે સુજાતા...! કારણ કે હું કોઈ પણ સંજોગોમાં ગોપાલને મેળવીને જ જંપીશ!’

    ‘ તું મારું ખૂન કરી નાખીશ ?’

    ‘ ના...હું લોહી રેડવામાં નથી માનતી નહીં તો અત્યાર સુધીમાં તું ક્યારની યે મરી ચૂકી હોત!’

    ‘ તો તું ગોપાલને બળજબરીથી મેળવવા માગે છે એમને ?’ સુજાતાએ કઠોર અવાજે પૂછ્યું.

    ‘ હા...જે વસ્તુ મને સહેલાઈથી નથી મળતી એને હું બળજબરીથી મેળવી લઉં છું. મારા પિતાજી કેટલા પૈસાદાર છે, એની તને ખબર જ છે! તેઓ પોતાની એકની એક દિકરીને અડધું વિશાગઢ ખરીદીને આપી શકે તેમ છે. મારે જે કહેવાનું હતું, એ હું કહી ચૂકી છું’ કહીને વંદના ઝડપભેર ત્યાંથી ચાલી ગઈ.

    સુજાતા ફરીથી આંખે તેને જતી તાકી રહી.

  • ***
  • અમીચંદની કંપનીને તાળું લાગી ગયું હતું. ફેકટરીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. અને એમાં કામ કરતાં આઠસો કર્મચારીઓ બેકાર થઈ ગયા હતા.

    છેલ્લા શ્વાસે ખેંચતી કંપનીમાંથી સત્તર લાખ રૂપિયા કાઢીને અમીચંદ શંકરને આપી ચૂક્યો હતો.

    બીજી તરફ હુકમચંદની કંપનીને પણ તાળુ લાગી ગયું હતું કારણકે એની હાલત પણ અમીચંદ જેવી જ હતી.

    શું કરવું ને શું નહીં, એ અમીચંદને કંઈ સૂઝતું નહોતું.

    આ બાબતમાં ગોપાલને બાદ કરતા તેઓ કુટુંબનમાં સૌ કોઈને જણાવી ચૂક્યા હતા.

    અત્યારે ગોપાલને બાદ કરતા બાકીના સભ્યો એના શયનખંડમાં ભેગા થયા હતા.

    સૌ પોતે-પોતાની રીતે વિચારતા હતા.

    ‘ પિતાજી... આપણી કંપની આટલી જલદી ભાંગી પજશે, એવી મેં આશા નહોતી રાખી.’ મહેશ બોલ્યો.

    ‘ મહેશ, જે થઈ ગયું છે, એને યાદ કરવાથી શું લાભ થવાનો છે ? હવે શું એ જ આપણે વિચારવાનું છે.’ રાકેશે કહ્યું.

    ‘ જો તમને લોકોને મારી વાત ગળે ઉતરતી હોય તો કંપની વેચી નાખો!’ સારિકા બોલી.

    ‘ કરોડીમલની મંજૂરી વગર આપણે કંપની વેચી શકીએ તેમ નથી. કંપનીની ફાઈલ તેની પાસે ગિરો પડી છે.’ સરોજે કહ્યું.

    ‘ તારો શું અભિપ્રાય છે ગાયત્રી...? અમીચંદે ગાયત્રી સામે જોતાં પૂછ્યું.

    ‘ હું શું અભિપ્રાય આપું ? આપણે દાગીના તથા કાર વેચીને માંડ માંડ રકમની વ્યવસ્થા કરી હતી. પરંતુ તેમ છતાં ય ઉત્પાદન ન થયું ? કંપનીને તાળું કેવી રીતે લાગી ગયું એ જ મને તો નથી સમજાતું. તમે કોઈક બીજી ખોટ પૂરી કરવા માટે કંપનીમાંથી પૈસા ઉપાડ્યા હોય એવું મને લાગે છે.’

    અમીચંદની આંખો સમક્ષ શંકરનો ચહેરો તરવરી ઊઠ્યો.

    ‘શું મારી વાત ખોટી છે. ?’

    અમીચંદ નીચું જોઈ ગયો. ગાયત્રીના સવાલનો કોઈ જવાબ તેની પાસે નહોતો.

    ‘ હમણાં હમણાં તમારા પર શંકરના બહુનો ફોન આવશે.’ ગાયત્રી બોલી, ‘ ક્યાંક તમે...’

    ‘ ચૂપ...અમીચંદે જોરથી બરાડ્યો, ‘ તારામાં અક્કલ છે કે નહીં ગાયત્રી...?’ પછી કંઈક વિચારીને એ ચૂપ થઈ ગયો. એના ચહેરા પર પશ્ચાતાપના હાવભાવ છવાઈ ગયા. મહેશ, રાકેશ, સારિકા અને સરોજ શંકર વિશે જાણે એમ તે નહોતો ઈચ્છતો.

    ગાયત્રીને પણ પોતાની ભુલ સમજાઈ ગઈ હતી.

    એ તરત જ ઊભી થઈને પોતાના ખંડમાં ચાલી ગઈ.

    દિકરા-વહુ સામે પોતે શંકરનું નામ નહોતું ઉચ્ચારવું જોઈતું!

    પરંતુ કમાનમાંથી છૂટેલું તીર અને મોંમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી ફરતા એ મુજબ તે કંઈ જ કરી શકે તેમ નહોતી.

    મહેશ, રાકેશ, સારિકા અને સરોજ શંકર કોણ હશે એનો જ વિચાર કરતા હતા.

    ક્યાંક પિતાજીએ કંપનીની પૈસા શંકરને તો નથી આપી દીધા ને ?

    પરંતુ ઘણું વિચાર્યુ બાદ પછી પણ તેઓ કોઈ નિર્ણય પર ન પહોંચી શક્યા!

  • ***
  • અમીચંદ ચિંતાતુર હાલતમાં શરાબના ઘૂંટડા ઉતારતો હતો.

    ટેલિફોનની ઘંટડીનો અવાજથી એની વિચારધારા તૂટી.

    એ ખુરશી પરથી ઊભો થઈને ટેલિફોન પાસે પહોંચ્યો.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

    ‘ સાહેબ...જોરાવર બોલું છું....મારા માણસોએ શંકરને પકડી લીધો છે.’

    ‘ શું...? ખરેખર તારા માણસોએ શંકરને પકડી લીધો છે ?

    ‘ હા, સાહેબ...! અત્યારે શંકર મારા કબજામાં છે એ પોતાના પગ પર પણ ઊભો ન રહી શકે એવી હાલત મેં તેની કરી નાંખી છે...!’

    ‘ એ કમજાતની ખબર હું લઈશ જોરાવર...!’ એણે મને બ્લેકમેઈલ કરીને જે સત્તર લાખ રૂપિયા મેળવ્યા છે, એના એક એક પૈસાનો હિસાબ હું તેની પાસેથી લેવા માગું છું. તું એને વાડીએ લઈ જા... હું બે કલાકમાં જ ત્યાં પહોંચુ છું. અને સાંભળ, તારે એકલાંએ જ એને લઈને પહોંચવાનું છે.’

    ‘ ભલે સાહેબ...!’

    અમીચંદે રિસીવર મૂકી દીધું.

    પરંતુ એક વાતથી તે અજાણ હતો. એની સાથે કંપની વેચવા બાબત ચર્ચા કરવા આવેલી સરોજે વાચતીત સાંભળી લીધી હતી. શંકર કોણ છે ને એણે શા માટે અમીચંદને બ્લેકમેઈલ કર્યો, એ અમીચંદનો ક્યો ભેદ જાણે છે ? આ બધા સવાલોના જવાબ મેળવવાનું તે નક્કી કરી ચૂકી હતી.

    અમીચંદે રિસીવર મૂક્યું કે તરત જ એ તેને મળ્યા વગર, બારણા પાસેથી જ પાછી ફરી ગઈ।

    બે કલાક પછી

    શંકર વાડીના બંગલાના ગુપ્ત ભોંયરામાં એક થાંભલા બંધાયેલો હતો. જોરાવરે મારી મારીને તેને અધમૂઓ કરી નાંખ્યો હોવા છતાં પણ એના ચહેરા પર ભય કે ગભરાટની આછી-પાતળી રેખા પણ નહોતી ફરકતી.

    અમીંચદે એના વાળ પકડીને તેનો ચહેરો ઊંચો કરતાં ક્રૂર અવાજે કહ્યું, ‘ હજુ પણ સમય છે શંકર...! મારા સત્તર લાખ રૂપિયા મને સોંપી દે. બદલામાં હું તને જીવતો છોડી મૂકીશ...’

    ‘ એમ...?’ શંકરના મોંમાંથી અટ્ટહાસ્ય નીકળ્યું, ‘ તું મને જીવતો છોડી મૂકીશ ખરું ને...? તું મને મૂરખ માને છે...? હું તારી નસેનસથી પરિચિત છું. કમજાત...તું એક નંબરનો ધૂર્ત અને બેઈમાન છે...! જે માએ તને ઉછેરવા માટે પોતાના દેહનો વેપાર કર્યો, એને જ તે મારી નાખી...! મને પૈસાની લાલચ આપીને એના ખૂનમાં આરોપમાં ફસાવી દીધો... મારી પ્રેમિકા અને તેની માને એક લાખ રૂપિયાને બદલે મોતને હવાલે કરી દીધી...! તું માણસ નહીં પણ શયતના છે. અમીચંદ...! હું આવતા સાત ભવમાંય તારો ભરોસો કરી શકું તેમ નથી.’

    ભોંયરાની સીડી પર ઊભેલી સરોજે શંકરની વાત સાંભળી ત્યારે એનું દિમાગ ચકરાવે ચડી ગયું.

    એના મગજમાં પોતાના પિતાજીની વાત ગુંજવા લાગી-દિકરી અમીચંદનુ કુટુંબ સારું નથી. આ વાત યાદ આવતાં જ એના ચહેરા પર પશ્ચાત્તાપના હાવભાવ છવાઈ ગયા.

    પોતે એક ખૂની કુટુંબમાં વહુ બનીને આવી છે કે જ્યાં માણસની જિંદગીનું કોઈ મહત્વ નથી...માણસની જિંદગીને પૈસાની ફૂટપટ્ટીથી માપવામા આવે છે.!

    ‘ તો તે સત્તર લાખ રૂપિયા ક્યાં છૂપાવ્યા છે, એ તારે નથી જ કહેવું એમ ને ? અમીચંદે પૂછ્યું.

    ‘ ના...’ શંકરનો અવાજ મક્કમ હતો.

    જોરાવર હિંસક નજરે તેની સામે તાકી રહ્યો હતો.

    સહસા અમીચંદે પોતાના ગજવામાંથી રિવોલ્વર ખેંચી કાઢી.

    ‘ શંકર...હું તને છેલ્લી વાર પૂછું છું...બોલ, રકમ ક્યાં છે...? નહીં તો નાહક જ તારે મરવું પડશે!’

    ‘ મારું મોત નક્કી છે, એ તો હું તારા માણસોના હાથે પકડાયો ત્યારે જ સમજી ગયો હતો અમીચંદ! દુનિયાની કોઈ તાકાત મને બચાવી શકે તેમ નથી. મારું મોત નક્કી જ છે તો પછી હું તને શા માટે જણાવું કે મેં રકમ ક્યાં છુપાવી છે ?’

    ‘ મારા પર ભરોસો રાખ શંકર...! હું તને મારવા નથી માંગતો!’

    ‘ ખોટા આશ્વાસન આપવાનું રહેવા દે ને તારે મારી જે હાલત કરવી હોય તે કર!’

    ‘ તો તારે નથી જ કહેવું એમને ?’

    ‘ અમીચંદ...તું મુરખ છે... અને એટલે જ ક્યારનો ય એક જ વાતનો કક્કો ઘુંટે છે!’

    ‘ શંકર...!’ અમીચંદે ચીસ જેવા અવાજે કહ્યું.

    ‘ બૂમો ન પાડ નાલાયક...મારી પાસેથી તું કંઈ જ નહીં જાણી શકે...!’ વાત પૂરી કરીને શંકર જોરથી અમીચંદના ચહેરા પર થૂંક્યો.

    હવે અમીચંદ પોતાના મગજ પરથી કાબુ ગુમાવી બેઠો.

    એની આંગળી આપોઆપ જ ટ્રેંગર પર દબાઈ ગઈ.

    રિવોલ્વરમાંથી આગનો લીસોટો વેરતી, ભયંકર શોર મચાવતી એક ગોળી છૂટીને શંકરની છાતીમાં પ્રવેશી ગઈ.

    શંકરના મોંમાંથી એક કાળજગરી ચીસ સરી પડી.

    બીજી તરફ સીડી પર ઊભેલી સરોજનાં મોંમાંથી નીકળેલી ચીસ શંકરની ચીસના અવાજમાં દબાઈ ગઈ હતી.

    શંકરની છાતીમાંથી લોહીનો ફૂવારો ઊડ્યો હતો.

    સરોજની આંખો વિસ્મયથી ફાટી પડી હતી. જિંદગીમાં આજે પહેલી વાર જ એણે આવું ર્દશ્ય જોયું હતું.

    એ તરત જ લથડતા પગે ધીમે ધીમે ઉપર પહોંચી ગઈ.

    ‘ આ આપે શું કર્યું સાહેબ...?’ જોરાવરે આશ્ચર્યથી અમીચંદ સામે જોતાં પૂછ્યું, ‘ શંકરને મારીને આપે સત્તર લાખ ગુમાવી દીધા છે. આપણે એ કમજાતને જીવતો રાખીને એકને એક દિવસ જરૂરની રકમ મેળવી લેત!’

    ‘ સોરી જોરાવર...એ કમજાત મારા પર થૂંક્યો તો હું મગજ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો...’

    ‘ આ કમજાત આપને ઉશ્કેરવા માટે જ આપના પર થૂક્યો હતો.’

    એ જ વખતે શંકરના દેહને એક આંચકો લાગ્યો.

    વળતી જ પળે તેની ગરદન એક તરફ નમી ગઈ.

    એ મૃત્યુ પામ્યો હતો.

    ‘ હું ખરેખર જ થાપ ખાઈ ગયો જોરાવર ?’ અમીચંદે પ્રશ્ચાત્તાપભર્યા અવાજે કહ્યું.

    ‘ આ કમજાતના મૃતદેહને વાડીમાં જ ક્યાંક દાટી દેવો પડશે સાહેબ!’

    ‘ તને જેમ યોગ્ય લાગે તેમ કર...! પરંતુ કોઈનેય શંકરના ખૂનની ગંધ ન આવે એ વાતનું ખાસ ધ્યાન રાખજે.’

    ‘ આપ બેફિકર રહો સાહેબ...! હું બધું સંભાળી લઈશ!’ જોરાવરે કહ્યું.

    ‘ હું જઉં છું...’

    ‘ ભલે...જાઓ...’

    અમીચંદ ઉપરના હોલમાં પહોંચ્યો, ત્યારે ત્યાં સરોજને બેઠેલી જોઈને એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

    ‘ સરોજ, તું...?’

    ‘ હા, પિતાજી...? સરોજ સ્મિત ફરકાવવાનો પ્રયાસ કરતાં બોલી, ‘ હું ફરવા માટે આવી હતી.’

    ‘ રાકેશ પણ તારી સાથે આવ્યો છે ?’

    ‘ ના, પિતાજી...એકલી જ આવી છું. પરંતુ અહીં તો એક પણ નોકર નથી દેખાતો. બધા ક્યાં ચાલ્યા ગયા છે ?’

    ‘ આજે દેવજીના દિકરાના લગ્ન છે એટલે બધા તેને ઘેર ગયા છે.’ અમીચંદે ખોટું બોલતાં કહ્યું. બાકી વાસ્તવમાં તો એણે પોતે જ નોકરોને કામનું બહાનું કાઢીને બહાર મોકલી દીધા હતા.

    ‘ ઓહ...’ સરોજ બબડી.

    ‘ તું બંગલે જાય છે સરોજ...!’ એને ટાળવાના હેતુથી અમીચંદે પૂછ્યુ.

    ‘ હા, પિતાજી...કંઈ કામ છે...?’

    ‘ હા...મહેશને અહીં મોકલી આપજે...’

    ‘ ભલે...’ કહીને સરોજ ખુરશી પરથી ઊભી થઈ.

    એને ઊભી થયેલી જોઈને અમીચંદ ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

    સરોજ વાડીના ફાટક તરફ આગળ વધી ગઈ.

    પોતાની પાછળ, વાડીની ઈમારતમાં માણસ નહીં. પણ કોઈક શયતાન ખૂની ઊભો છે. એવો ભાસ તેને થતો હતો.

    થોડી વારમાં જ એ ઘેર પહોંચી ગઈ.

    એણે આ હકીકત ગાયત્રી, સારિકા, મહેશ, ગોપાલ તથા રાકેશને જણાવી દીધી.

    અમીંચદની વાસ્તવિકતા જાણ્યા પછી રૂમમાં તોફાન પછીની શાંતિ પથરાઈ ગઈ.

    આંતરિક ભોંઠપના કારણે સૌ એકબીજાથી નજર છૂપાવતા હતા.

  • ***
  • અમીંચદની કાર વિશાળગઢના મહારાજા રોડ પર સ્થિત શેઠ નરોત્તમ ઝવેરીના આલિશાન બંગલાના ફાટક પાસે પહોંચીને ઊભી રહી.

    ફાટક પર બે ચોકીદારો ઊભા હતા. એમણે તેને સલામ ભરીને ફાટક ઉઘાડ્યું.

    અમીચંદ લાલ રેતી પાથરેલી સડક પર આગળ વધીને બંગલાની મુખ્ય ઈમારત પાસે પહોંચ્યો.

    નરોત્તમ ઝવેરીએ પોતાને અહીં શા માટે બોલાવ્યો છે, એ તેને નહોતું સમજાતું. કારણ કે સ્વાર્થ વગર નરોત્તમ ન તો કોઈને બોલાવતો કે ન તો કોઈની સાથે સીધી રીતે વાત કરતો!

    વિચારોના વમળમાં અટવાતો અમીચંદ ડ્રોંઈગરૂમમાં પ્રવેશ્યો.

    સોફા પર બેઠેલા નરોત્તમે ઊભા થઈ ને તેની સામે હાથ મીલાવ્યા.

    ‘ બેસો, અમીચંદ સાહેબ...!’ નરોત્તમે તેને સોફા પર બેસવાનો સંકેત કર્યો.

    તે બેસી ગયો.

    ‘ બોલો...શું પીશો...? ઠંડુ કે ગરમ...?’

    ‘ આપની જે ઈચ્છા હોય તે...!’

    નરોત્તમે નોકરને કોફી બનાવી લાવવાનો આદેશ આપ્યો. પછી તે એક સિગારેટ સળગાવીને ધીમેધીમે કસ ખેંચવા લાગ્યો.

    ‘ ફરમાવો સાહેબ...? આજે શા માટે મારા જેવા ગરીબ માણસને યાદ કરવો પડ્યો ? અમીચંદે પૂછ્યું.

    ‘ અમીચંદ સાહેબ...તમને કરોડો રૂપિયાની લોટરી લાગવાની છે એમ જ માની લો...! કોઈકે સાચું જ કહ્યું છે કે ભગવાન આપે છે, ત્યારે છાપરૂં તોડીને આપે છે....! તમારો સિતારો ચમકવાની તૈયારીમાં જ છે...! તમારા નસીબ આડેથી હવે પાંદડું ખસી ગયું છે. અમીચંદ સાહેબ...!’

    ‘ એટલે...? હું સમજ્યો નહીં નરોત્તમ સાહેબ...! આપ કહેવા શું માંગો છો ?’ અમીચંદે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

    ‘ તમારું દેવાળું નીકળતાં બચી ગયું છે મિસ્ટર અમીંચદ...! નરોત્તમે અર્થસૂચક સ્મિત ફરકાવતાં કહ્યું.

    ‘ આપ ગોળ ગોળ વાતો કરવાને બદલે જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાખો તો મને આનંદ થશે નરોત્તમ સાહેબ...!’ અમીચંદના ધબકારા ઉત્સુકતાવશ વધી ગયા હતા. એના દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યુ હતું.

    ‘ મિસ્ટર અમીચંદ...!’ નરોત્તમ ગંભીર અવાજે બોલ્યો, ‘ મારી એકની એક દિકરીને તમારો ગોપાલ ખૂબ જ ગમે છે અને...’

    ‘ અને, શું...?’

    ‘ એ તેની સાથે લગ્ન કરવા માંગે છે.’

    ‘ શું...?’ અમીચંદ એકદમ ઉછળી પડ્યો.

    એના ચહેરા પર અચરજ મિશ્રિત અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

    મનોમન એ ખૂબ જ ખૂશ થઈ ગયો હતો. પરંતુ એણે મનના ભાવ ચહેરા પર ન આપવા દીધા.

    ‘ કદાચ તમને મારી વાત પર ભરોસો નથી બેઠો ખરું ને મિસ્ટર અમીચંદ...?’

    ‘ હા...મને હજુ પણ એમ જ લાગે છે કે આપ મારી મશ્કરી કરો છો...!’

    ‘ ના, મિસ્ટર અમીચંદ..હું મજાક નથી કરતો પણ સાચું જ કહું છું...!’ નરોત્તમનો અવાજ બેહદ ગંભીર હતો, ‘ વંદના મારી એકની એક દિકરી છે...! એને રાજી રાખવા માટે હું કોઈ કસર બાકી નથી રાખતો.’

    ‘ આ તો આપની મહાનતા છે નરોત્તમ સાહેબ...! બાકી મારી પરિસ્થિતિથી તો આપ વાકેફ જ છો!’

    ‘ હા...મને ખબર છે...! તમે હા પાડી દો...હું તમારું તમામ કરજ ચુકવવા ઉપરાંત પચીસ લાખ રૂપિયા રોકડા અને કરીવરનો બાકીનો સમાન અલગ આપીશ...!’

    ‘ મારા તરફથી તો હા જ છે નરોત્તમ સાહેબ...! અમીચંદના આનંદનો પાર નહોતો.

    ‘ એમ ઉતાવળીયો નિર્ણય લેવાની જરૂર નથી. તમે બરાબર વિચારી લો...’

    ‘ મારે આમાં વિચારવા જેવું કશું જ નથી.’

    ‘ ઓહ...તો એનો અર્થ એ થયો કે તમે સાચી વાત નથી જાણતા લાગતા!’

    ‘ એટલે...?’

    ‘ એટલે એમ કે ગોપાલ સુજાતા નામની એક છોકરીને પ્રેમ કરે છે, એ વાતની તમને ખબર નથી લાગતી.’

    નરોત્તમની વાત સાંભળીને તેની પાસેથી મળનારી રકમ કોઈક અજાણી શક્તિ પોતાના હાથમાંથી આંચકી લેતી હોય એવો ભાસ અમીચંદને થયો.

    ‘ શું...?’ એના મોંમાંથી આશ્યર્યોદ્દગાર સરી પડ્યો.

    ‘ હા...’

    ‘ આ સુજાતા કોણ છે ?’

    ‘ દામોદર ત્રિવેદીની પુત્રી...!’

    ‘ દામોદર ત્રિવેદી...એટલે કે જે મજૂર યુનિયનનો નેતા હતો અને જેનું અમુક બદમાશોએ ખૂન કરી નાંખ્યુ હતું, એની જ આપ વાત કરો છો ?’ અમીચંદે પૂછ્યું. બાક વાસ્તવમાં તો એણે જ આઠ વર્ષ પહેલાં જોરાવરના સાથીદારો મારફત તેનું ખૂન કરાવ્યું હતું.

    ‘ હા...સુજાતા એ દામોદારની જ દિકરી છે!’

    ‘ ગોપાલ સાથે એનાં લગ્ન હરગીઝ નહીં થાય નરોત્તમ સાહેબ!’ અમીચંદ મક્કમ અવાજે બોલ્યો.

    ‘ પહેલાં તમે ગોપાલને મળીને તેનો અભિપ્રાય જાણી લો...!’

    ‘ ગોપાલ મારો આજ્ઞાંકિત પુત્ર છે...! એ ક્યારેય મારી ઈચ્છા વિરૂદ્ધનુ કોઈ કામ ન જ કરે!’

    ‘ બરાબર છે... પરંતુ માણસના મગજ પર જ્યારે પ્રેમનું ભૂત સવાર થાય છે, ત્યારે તે ઈચ્છા કે અનિચ્છા નથી જોતું!’

    ‘ આપ બેફિકર રહો નરોત્તમ સાહેબ...!’

    ‘ તો હું વાત નક્કી સમજું ?’

    ‘ હા...ગોપાલના લગ્ન હું કહીશ ત્યાં જ થશે...!’

    ‘ ઠીક છે...ગોપાલ અને વંદનાના લગ્નને દિવસે જ તમારું બધું દેવું ચુકવાઈ જશે અને કંપનીની ફરીથી શરૂ કરવા માટે તમને કરિયાવરના રૂપમાં પચીસ લાખ રૂપિયા રોકડા પણ મળી જશે.’

    એ જ વખતે નોકર કૉફીની ટ્રે સાથે ડ્રોંઈગરૂમમાં આવ્યો. બંને કોફી પીવા લાગ્યા.

    પરંતુ અમીચંદનુ મગજ તો ક્યાંક બીજે જ દોડતું હતું.

    જો ગોપાલ સુજાતા સાથે લગ્ન કરવાની હઠ નહીં છોડે તો પોતે સુજાતાને સ્વધામ પહોંચાડી દેશે એવો નિર્ણય પર તે આવ્યો હતો.

    પંદર મિનિટ પછી એ પોતના બંગલે જવા માટે રવાના થયો, ત્યારે એનો ચહેરો હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકતો હતો.

    ***