"અરે ના ના વડીલ. આપને જરૂર કંઈક ગેરસમજ થાય છે. " નવનીત ગભરાઈ ગયો.
"મને ન સમજાવ. મેં તને ફોનમાં મહેચ્છા વિષે વાતચીત કરતા પકડી પાડયો. " મધુકર મોહન કહે છે.
" મહેચ્છા થી જ પુછી લો. " નવનીત કહે છે.
"હા તો ક્યાં દૂર જવાની જરૂર છે?" મધુકર પણ નવનીત નો હાથ પકડી કોલેજ તરફ લઈ જાય છે.
આજુબાજુના યુવાનો પણ આમ નવનીત ને ઢસડીને લઈ જતા જોઈ જરૂર કોઈ ગંભીર ઘટના બની હશે એમ વિચાર કરે છે. નવનીત પણ જરાય વિરોધ નથી કરતો કારણ કે તેને તો મહેચ્છા થી મળવું હતું.
આ તરફ મહેચ્છા હજી તો ક્લાસમાં પ્રવેશ જ કરી રહી હતી કે તેની સખીઓએ તેના નામની બુમરાણ કરી મૂકી. મહેચ્છા હજી તો કંઈ સમજી શકે એ પહેલાં જ તેની સખીઓ તેની પાસે પહોંચી તેને કોલેજ ની બહાર ની તરફ લઈ જવા માટે પ્રયત્ન કરે છે.
"અરે શું થયું?" મહેચ્છા પુછે છે.
"તારા પપ્પા કોઈ યુવાન ને લઈને તને શોધતા ક્લાસ તરફ આવી રહ્યા છે." સખીઓ કહે છે.
"હે ભગવાન!!" મહેચ્છા સમજી જાય છે.
ત્યારે જ સામેથી મધુકર મોહન નવનીત ને હાથથી ખેંચી લેતો આવે છે. આ તરફ નવનીત મહેચ્છા ને જોઈ ખુશ થઈ જાય છે.
"પપ્પા પપ્પા આ શું કરો છો?" મહેચ્છા દૂર થી કહે છે.
" આ જ યુવાન છે કે જે તારી સાથે પ્રેમ ની રમત રમી રહ્યો છે. પોતાની તો છેલ્લી જ તક છે પણ તારી એ જીંદગી બગાડવા માંગે છે." મધુકર કહે છે.
" અરે ના પપ્પા. તમે સમજી નથી શકતા.એ મારી સાથે વાતચીત જ નથી કરતો. હું પણ નથી કરતી." મહેચ્છા કહે છે.
મહેચ્છા નો જવાબ સાંભળી મધુકર નો હાથ ઢીલો પડી જાય છે. એ પોતાનું મોઢું નીચું કરી જાણે નવનીત ની માફી માંગી રહ્યો હોય એમ કંઈ કહેવા જાય છે એ પહેલાં જ મહેચ્છા કહે છે:
" આઈ એમ સોરી નવનીત."
નવનીત પણ તરત જ આ તક ની જાણે રાહ જોઈ રહ્યો હતો. એ તરત કહે છે:
" અરે મહેચ્છા એ તો અંકલ ને ગેરસમજ થઈ હતી. "
"ઠીક છે. હવે હું જાઉં. તમે બન્ને આ કોલેજ વચ્ચે તમાશો ન કરો. " મહેચ્છા થોડા ગુસ્સા સાથે નીકળી જાય છે.
મધુકર મોહન પણ નવનીત ની સામે હાથ જોડીને પાછા જવા માટે ઈશારો કરે છે. નવનીત પણ એ વખતે તો પરિસ્થિતિ ને સમજી નીકળી જાય છે. આ તરફ મહેચ્છા ને આજે ક્લાસમાં બધા જ જોઈ રહ્યા હતા જાણે કે મહેચ્છા કોઈ સેલિબ્રિટી હોય?
મધુકર મોહન પણ ઘરે પહોંચી સરિતા ને સમગ્ર ઘટનાક્રમ વિષે માહિતી આપે છે તો સરિતા ને મધુકર ની આ વાત ન ગમી. આખી કોલેજમાં મહેચ્છા વિષે કેવી કેવી અટકળો થશે એ વિષે વિચાર કર્યો છે?
આ તરફ નવનીત પોતાના રૂમ પર પાછો પહોંચી ગયો. પણ તેના મનમાં અને આંખોમાં હજી પણ મહેચ્છા જ હતી. એ જ કઠોર અને ભાવશુન્ય ચહેરા સાથે કેવી રીતે મહેચ્છા નવનીત ની સામે માફી માંગી પોતાની ક્લાસ તરફ નીકળી જાય છે.
નવનીત નું મન ન લાગતા એ સીધો જ દિનકર દાસગુપ્તાને મળવા પહોંચી જાય છે. નવનીત સવારે બની ચૂક્યા સમગ્ર ઘટનાક્રમ વિષે માહિતી આપી પછી દિનકર દાસગુપ્તાને મહેચ્છા તરફથી કેટલા સમયે તૈયારી કરવા આવવા નું છે એ જાણવા માટે વિનંતી કરે છે.
"જો નવનીત હું તને એક તક આપી શકું છું. પણ ગમે તેમ તારે આ તક ઝડપવી જ પડશે. બીજી વખત મહેચ્છા મારી વાત પણ નહીં માને. " દિનકર દાસગુપ્તા સ્પષ્ટતા કરે છે.
"અરે તમે ચિંતા ન કરો. હું ગમે તેમ મહેચ્છા ને મનાવી લઈશ. " નવનીત જણાવે છે.
આ જ પ્લાન પ્રમાણે મહેચ્છા દિનકર દાસગુપ્તાને સાંજ ની બેચમાં બીજા બધા ની સાથે આવવા માટે જણાવે છે. દિનકર દાસગુપ્તા પણ માની જાય છે. નવનીત ને પણ જણાવી દેવાય છે.
"શું નવનીત તું તૈયાર છે ને?" દિનકર દાસગુપ્તા પુછે છે.
"હા ." નવનીત કહે છે.
પણ હજી તો કંઈ થાય એ પહેલાં જ મહેચ્છા પાછળ થી તાળીઓ પાડી આગળ વધી. નવનીત અને દિનકર દાસગુપ્તા મહેચ્છા ને જોઈ હતપ્રભ બની જાય છે.દિનકર દાસગુપ્તા તો મહેચ્છા ની સામે જોઈ રહ્યા અને પછી કહે છે.
"જો જે પણ પ્લાન હતો એ નવનીત નો હતો." આટલી વાત કરીને જ દિનકર દાસગુપ્તા નીકળી જાય છે.
"હવે શું તકલીફ છે?" મહેચ્છા કહે છે.
"બસ મારી ગઈકાલની હરક્ત માટે માફી માંગવી છે. મારે બધા ની વચ્ચે આમ કહેવા ની જરૂર ન હતી. " નવનીત કહે છે.
"પણ મને તમારી સાથે કોઈ તકલીફ નથી." મહેચ્છા કહે છે.
"બસ આ જ વાત બધાની સામે મોકળા મને કહી દો એટલે હું તમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર છું." મહેચ્છા કહે છે.
"પણ બધાની વચ્ચે.." નવનીત નો પુરુષ અહં ઘવાય છે.
" જો મને બધા ની વચ્ચે જ ઉતારી પાડી હતી તો તમારી ભૂલ પણ બધા ની વચ્ચે જ માનવી પડે ને?" મહેચ્છા કહે છે.
"હા પણ હું તૈયાર છું." નવનીત માની જાય છે.
દિનકર દાસગુપ્તા આ જ જોઈ રહ્યો હતો. કલાસ ના બીજા વિધાર્થીઓ ભેગા થતા નવનીત બધા ની વચ્ચે જ મહેચ્છા ની માફી માંગી પછી પોતાની બેચમાં ભેગા અભ્યાસ કરવા માટે સમજાવે છે.
નવનીત નું આ નવું રૂપ જોઈને તો મહેચ્છા પણ હતપ્રભ બની જાય છે.પણ દિનકર દાસગુપ્તા ને ગમે તેમ તો મહેચ્છા ના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. એ દિવસે તો થોડીવાર જ અભ્યાસ કર્યો પછી નવનીત અને મહેચ્છા નીકળી જાય છે.
રાત્રે સૂતી વખતે જ નવનીત ને મનમાં શું વિચાર આવે છે કે એ રાત્રે જ મહેચ્છા ની સાથે વાતચીત કરવા માટે મેસેજ કરે છે. એ જ વખતે મહેચ્છા મધુકર સાથે ભારતીય ઈતિહાસમાં હડપ્પા સંસ્કૃતિના યોગદાન વિષે વાતચીત કરી રહી હતી.
મહેચ્છા નો ફોન બે ત્રણ વખત વાગતા જ મધુકર નું ધ્યાન જાય છે. પણ મહેચ્છા ને ખબર ન હતી કે નવનીત જ મેસેજ કરી રહ્યો હતો. એ સાંજ ના લોકસભા ના ચર્ચા સત્રના પ્રતિભાવ મેસેજ રૂપે મોકલી રહ્યો હતો.
મધુકર ફોન હાથમાં લઈ લે છે. મહેચ્છા નું તો ધ્યાન પણ ન હતું. મધુકર લોકસભા સત્ર ની બધી માહિતી જોઈ ખુશ થાય છે. મધુકર આમ તો સવાર પછી પોતાની ભુલ સમજી ગયો હતો અને એટલે જ મહેચ્છા ને કહે છે:
" આ યુવાન આ વખતે ખરેખર આઈ.એ.એસ બનીને જ બતાવશે એમ લાગે છે. જો ને કેટલી ઝીણવટથી નોટ્સ બનાવી તને મોકલી રહ્યો છે. હું તેને ખોટો સમજી બેઠો."
"કોણ મેસેજ કરે છે નવનીત?" મહેચ્છા પુછે છે.
"હા. તું પણ એમ જ મુદ્દાસર ઊંડાણમાં જવાબ આપજે. આમ જ કેટલી બધી તૈયારી થઈ જાય." મધુકર કહે છે.
"અરે આ મહેચ્છા જવાબ કેમ નથી આપતી?" નવનીત મોબાઈલ સામે જોઈ રહે છે.