Tirupati
આગળના દિવસે bhudevi કોમ્પલેક્ષ પર થી દિવ્ય દર્શન નું ટોકન લઈ લીધું જેમાં તમારે શ્રીવારી મેટ્ટુથી પગથિયા ચડીને જવાનું હોય છે , આમ તો સર્વદર્શન ના ટોકન લેવાનો પ્લાન હતો પણ આમ જ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી આંટા મારતા મારતા કોમ્પલેક્ષ ગયા અને બસ તરત જ token મળી ગયું . બપોરના 1 વાગ્યાનો રિપોર્ટિંગ સમય હતો .
તિરુમાલા જે શેષચલમના પહાડો પર આવેલું એક નાનું નગર છે જ્યાં પ્રભુ વેંકટેશ્વર સ્વામી નું મંદિર આવેલું છે .જે તિરુપતિથી 30 km દૂર છે . આ મંદિરમાં એટલો જનસમૂહ ઉમટતો હોય છે કે એનું સરખું સંચાલન કરવા માટે મંદિર સંસ્થા એટલે TTD/ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા જુદા જુદાં પ્રકારના દર્શન પદ્ધતિઓ દાખલ કરવામાં આવ્યા છે , સ્પેશીયલ દર્શન જે ઓનલાઇન બુક કરવાના હોય છે પણ એ ૧ મહિના અગાઉ જ સ્લોટ ફુલ થઈ જાય છે ને સર્વદર્શન જે નિશુલ્ક છે પણ ભૂદેવી કોમ્પલેક્ષ થી આગળના દિવસે લાઇનમાં ઊભા રહીને ટોકન મેળવવાનું રહે છે .આ બંને token લઈને તમે સરકારી બસ દ્વારા તિરુમાલા પહોંચીને દર્શન કરી શકો છો .એના સિવાય શ્રીવારી મેટ્ટુ જે દિવ્ય દર્શન તરીકે ઓળખાય છે એમાં ૨.૧ કિમી જેટલું પગથિયા દ્વારા ઉપર પહોંચવાનું હોય છે જેમાં ૨૨૮૦ જેટલા પગથિયાં છે .
અમે સવારે નાસ્તો કરીને શ્રીવારી મેટ્ટુ થી ચડવાનું નક્કી કર્યું હતું , અલીપીરી સર્કલ થી બસમાં બેસીને પ્રવેશદ્વાર પર પહોંચ્યા જ્યાંથી અમે ચડવાના શરૂ કરતા પહેલા એક કપડાની બેગમાં અમારા શૂઝ રાખી દીધા કેમ કે એ રસ્તા ને પવિત્ર માનવામાં આવે છે , પ્લાસ્ટિક ની બોટલ પણ માન્ય નથી તેથી અમે બધી સાવધાની સાથે ચડવાનું શરૂ કર્યું , પહેલા ૪૦૦ પગથિયા કેમ જતા રહ્યા ખબર જ ના રહી ત્યાંથી આગળ અમે ધીરે ધીરે ચડતા રહ્યાં, અહીં થોડું ભેજવાળું વાતાવરણ હતું અને ગરમી પણ હતી પણ પતરા ની છત દ્વારા આખી ચડાઈ માં છાંયડો કરવામાં આવ્યો છે એટલે યાત્રાળુઓ ને સહેજ પણ મુશ્કેલી ના અનુભવાય પણ છતાં પાણી ની વ્યસ્થા છે એટલે થોડી વારે પીવું જોઈએ , ૧૨૦૦ માં સ્ટેપ પર તમારા ટોકન ને સ્કેન કરવામાં આવે છે જ્યાંથી આગળ પગથિયા થોડા આકરા થતા જાય છે , જો શ્વાસ , હૃદય સંબંધિત બીમારી કે ડાયાબિટીસ હોય તો આ ચઢાઈ ટાળવી હિતાવહ છે , પગથિયાની સતત અને વળાંકોના લીધે થોડો શ્વાસ ચડી શકે એટલે થોડી વાર આરામ કરતા કરતા ચઢાઈ અમે શરૂ રાખી.
આજુબાજુમાં તિરુમાલા નું જંગલ છે જ્યાં દીપડા , વાંદરાઓ, હરણ વગેરે પ્રાણીઓ રહે છે અને નીચે જોતા તિરુપતિનું શહેર દેખાય છે , આજુબાજુ બસ વૃક્ષો ક્યાંક થોડા નાના એવા ધોધ પણ વહેતા દેખાયા .અમે અમારી ચડાઈ પૂરી કરીને ATGS સર્કલ પહોચ્યા ત્યાંથી અમે કલ્યાણકટ્ટા પહોંચ્યા અમારા વાળ દાન કરવા જ્યાં અમે મૂંડન કરાવ્યું , એમાં પણ token અને બ્લેડ લઈને હોલ માં જવાનું હોય છે , નહાવા માટે બાથરૂમ નું સુવિધા અહીં ઉપલબ્ધ છે .
અમે અમારા સમયે લાઈન માં લાગી ગયા , ધીરે ધીરે અલગ અલગ કોરીડોરમાં થઈને અમે મંદિરના નજીકના વેટિંગ કમ્પર્ટમેન્ટ માં બેઠા ત્યાં મંદિર દ્વારા અન્ન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.ત્યાં ૩ કલાક ની રાહ બાદ અમારું કૉમ્પ્લેક્સ નો દરવાજો ખોલ્યો અને ત્યાંથી અમે મંદિર ની નજીક પહોંચ્યા.
આજુબાજુમાં બધા જ ગોવિંદા પ્રભુ ના જયકાર કરી રહ્યા હતા, પ્રભુને મળવાની બધાને તાલાવેલી હતી બધા આટલી બધી રાહ બાદ પ્રભુના મંદિરમાં જવા ઉતાવળમાં હતા.મંદિર નું બાંધકામ ઘણી સદીઓ જૂનું છે આશરે ૯-૧૦ સદીઓ જૂનું , ગોપુરમ ઘણું ભવ્ય છે અને શ્વેત રંગનું છે .ત્યાંથી સાંકડા પ્રાચીન પ્રવેશદ્વાર દ્વારા બધા દાખલ થયાં, બસ થોડી ક્ષણો બાદ અમે પ્રભુ ની સમીપ હતા.
માત્ર ૧૦ સેકન્ડ માટે પ્રભુના દર્શન થઈ રહ્યા હતા , વેંકટેશ્વર સ્વામીની શ્યામ રંગની મૂર્તિ અને વિવિધ આભૂષણો અને ચંદનના લેપ સાથે સજાવવામાં આવેલું એમનું સ્વરૂપ અત્યંત મનમોહક હતું .અમે પ્રભુના દર્શન બાદ મંદિરની પ્રદક્ષિણા બાદ બહાર નીકળીને લાડુ પ્રસાદ લેવા માટે ગયા જ્યાં ઘણા કાઉન્ટર બનાવવામાં આવ્યા છે , અહીંના લાડુ ને GI એટલે ભૌગોલિક ઓળખ મળેલી છે જે અમે આરોગીને ભોજન પ્રસાદ લેવા માટે અન્નક્ષેત્ર ગયા ત્યાં ભાત અને સંભારને આરોગ્યુ.
પછી સાંજે માડા શેરી માં જઈને પ્રભુની યાત્રા જે જિયાંગર દ્વારા કાઢવામાં આવે છે એના દર્શન કર્યાં, પ્રાચીન પરંપરાના પર્યાય સમા આ મંદિર અને પરિસર માં સમય ગાળીને અમે તિરુપતિ જવા નીકળી ગયા.