Chithra - 2 in Gujarati Motivational Stories by Mansi Desai Shastri books and stories PDF | ચીથરા - ભાગ 2

Featured Books
Categories
Share

ચીથરા - ભાગ 2

ભાગ - ૨: શણગારેલા પિંજરા અને મૌનનો ચિત્કાર
​અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલો વિદેહિતાનો આલીશાન થ્રી-બીએચકે ફ્લેટ બહારથી કોઈ સપના જેવો લાગતો હતો, પણ અંદરની હવા પથ્થર જેવી ભારે હતી. લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે વિદેહિતાના પગ સીસાના બનેલા હોય તેમ જમીન પર પછડાતા હતા. તેની સિલ્ક સાડીનો ફાટેલો છેડો હજુ પણ તેના ખભા પર લટકતો હતો—એક જીવતા જખમની જેમ. તેણે એ સાંધવાની તસ્દી નહોતી લીધી. તેને જોવું હતું કે તેના ઘરની ચાર દીવાલોમાં એ 'ચીથરા'ને ઓળખવાની કોઈનામાં હિંમત છે કે નહીં.
​તેણે દરવાજો ખોલ્યો. ડ્રોઈંગ રૂમમાં માત્ર એક નાનો લેમ્પ ચાલુ હતો, જેની પીળી રોશની ઈટાલિયન માર્બલ પર પડીને ધૂંધળી થઈ જતી હતી. સુમિત સોફા પર બેઠો હતો, હાથમાં લેપટોપ હતું અને બાજુમાં ગ્રીન ટીનો કપ પડ્યો હતો. તેણે વિદેહિતા તરફ જોયું પણ નહીં.
​"૧:૩૦ થઈ ગયા, વિદેહિતા. તારા ફોનનું શું હતું? ઓફ હતો?" સુમિતનો અવાજ ઠંડો અને સપાટ હતો. તેમાં ચિંતા ઓછી અને સત્તા વધુ હતી.
​વિદેહિતા કશું જ બોલ્યા વગર તેની સામે આવીને ઉભી રહી. તેણે ઈચ્છ્યું કે સુમિત તેની આંખોમાં જુએ, તેના ચહેરા પરનો ઉઝરડો અને તેની સાડીનો એ ફાટેલો ભાગ જુએ. પણ સુમિતની નજર તેના લેપટોપની સ્ક્રીન પર જ હતી. તે એક મલ્ટિનેશનલ બેંકમાં મોટું પદ સંભાળતો હતો, તેના માટે શિષ્ટાચાર અને સમય એ પરમ સત્ય હતા.
​"મેં પૂછ્યું, ફોન કેમ ઓફ હતો? વિક્રમનો ફોન આવ્યો હતો... તે કહેતો હતો કે તું પાર્ટીમાંથી અચાનક નીકળી ગઈ છે. વોટ વોઝ ધેટ?" સુમિતે હવે નજર ઊંચી કરી.
​વિદેહિતાના હોઠ પર એક કટાક્ષભર્યું હાસ્ય આવ્યું. "વિક્રમનો ફોન આવ્યો હતો? તેણે એ કહ્યું કે તેણે બધાની વચ્ચે શું કર્યું? તેણે મારા સન્માનના ચીથરા ઉડાડ્યા એનું વર્ણન કર્યું તેણે?"
​સુમિતે લેપટોપ બંધ કર્યું અને ઊભો થયો. તે વિદેહિતાની નજીક આવ્યો, પણ તેને સાંત્વના આપવા માટે નહીં. તેણે વિદેહિતાના ખભા પર લટકતા ફાટેલા છેડાને જોયો. તેની આંખોમાં સહાનુભૂતિને બદલે કંટાળો હતો. "વિદેહિતા, પ્લીઝ... હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં આ બધું 'કેઝ્યુઅલ' હોય છે. વિક્રમ થોડો નશામાં હશે. એનો મતલબ એ નથી કે તું સીન ક્રિએટ કરીને નીકળી આવે. આપણે એની સાથે બિઝનેસ રિલેશન્સ સાચવવાના છે. મારું નવું ઇન્વેસ્ટમેન્ટ પણ એની સાથે જોડાયેલું છે."
​વિદેહિતા સ્તબ્ધ થઈ ગઈ. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના કાનમાં સીસું રેડ્યું હોય. જે પુરુષને તે પોતાનો 'આધાર' માનતી હતી, તે તેને સાચવવાને બદલે 'બિઝનેસ રિલેશન્સ'ની દુકાન ખોલીને બેઠો હતો.
​"કેઝ્યુઅલ? સુમિત, એણે મારો છેડો ખેંચ્યો છે! એણે મને બધાની વચ્ચે એક બજારુ સ્ત્રીની જેમ ટ્રીટ કરી છે!" વિદેહિતાનો અવાજ હવે ચીસમાં ફેરવાઈ રહ્યો હતો.
​"ચૂપ થા! પાડોશીઓ સાંભળશે," સુમિતે દાંત કચકચાવીને કહ્યું. "તું હંમેશા વાતનું વતંગેડ કરે છે. તારે જો વાઈસ પ્રેસિડેન્ટ બનવું હોય તો આ બધું 'મેનેજ' કરતા શીખવું પડશે. દુનિયા આદર્શોથી નથી ચાલતી, વિદેહિતા. અને તું કઈ દૂધે ધોયેલી છે? તું અહીં સુધી કેવી રીતે પહોંચી છે એ મને ખબર નથી?"
​વિદેહિતાને લાગ્યું કે તેના અસ્તિત્વના બીજા કેટલાક ચીથરા અત્યારે આ રૂમમાં ઉડી રહ્યા છે. સુમિતનો આ વરવો ચહેરો તેણે પહેલા પણ જોયો હતો, પણ આજે એ વધુ ક્રૂર લાગતો હતો. જે સ્ત્રી પોતાની કરિયર માટે થોડું 'કોમ્પ્રોમાઈઝ' કરે છે, તેને તેનો જ પતિ કાયમ માટે 'ગુનેગાર'ના પાંજરામાં પૂરી દે છે.
​"તારો મતલબ છે કે મારે આ બધું સહન કરી લેવું જોઈએ, કારણ કે મેં પહેલા ભૂલ કરી છે?" વિદેહિતાએ પૂછ્યું, તેનો અવાજ હવે ધ્રૂજી રહ્યો હતો.
​"મારો મતલબ છે કે તારે પ્રેક્ટિકલ થવું જોઈએ. કાલે સવારે ઓફિસે જઈને વિક્રમની માફી માંગજે અને મામલો શાંત પાડજે. મારે એની સાથે આવતા અઠવાડિયે ડીલ ફાઈનલ કરવાની છે," સુમિત આટલું કહીને બેડરૂમ તરફ ચાલવા માંડ્યો.
​વિદેહિતા અંધારા ડ્રોઈંગ રૂમમાં એકલી ઉભી રહી. તેને યાદ આવ્યું કે નાનપણમાં જ્યારે તેના પિતા દારૂ પીને આવતા અને તેની માતાને મારતા, ત્યારે તેની માતા પણ મૌન રહેતી. આજે તે પોતે આટલી ભણેલી-ગણેલી અને પાવરફુલ હોવા છતાં, એ જ 'મૌન'ના પિંજરામાં કેદ હતી.
​તે બેડરૂમમાં ગઈ. સુમિત મોઢું ફેરવીને સૂઈ ગયો હતો. વિદેહિતાએ અરીસા સામે ઉભા રહીને પોતાની જાતને જોઈ. તેની આંખો લાલ હતી, પણ એ આંસુઓની લાલચોળ નહોતી—એ તો પ્રતિશોધની જ્વાળા હતી. તેણે ધીમેથી પોતાની સાડી ઉતારી અને એ ફાટેલા 'ચીથરા'ને પોતાના હાથમાં લીધું.
​તેના મનમાં એક નકારાત્મક પણ મક્કમ વિચાર પાંગર્યો—'જો મારો પતિ મને એક સોદાની વસ્તુ માનતો હોય અને મારો બોસ મને એક રમકડું, તો ભલે... હવે હું એ રમત રમીશ જે આ બંનેમાંથી કોઈએ વિચારી પણ નહીં હોય. હું માફી નહીં માંગુ, સુમિત. હું એવો બદલો લઈશ કે તારા ઇન્વેસ્ટમેન્ટ અને વિક્રમના અહંકાર બંનેના ચીથરા અમદાવાદના રસ્તાઓ પર રઝળશે.'
​તેણે કબાટ ખોલ્યો અને એક કાળો ડ્રેસ બહાર કાઢ્યો. આવતીકાલની સવાર વિદેહિતા માટે સૂર્યોદય નહીં, પણ એક ભયાનક અંધકારની શરૂઆત હતી, જે આ આખી સિસ્ટમને ગળી જવાની હતી.