શું આપણો ભૂતકાળ સિત્તેર હજાર વર્ષ જૂનો છે?
પ્રસિદ્ધ સંશોધક નિલેશ ઓકના જણાવ્યા અનુસાર રામાયણ અને મહાભારતની ખરી તારીખો
સરસ્વતી નદીનું ભૌગોલિક સત્ય અને વેદોમાં છુપાયેલા હિમયુગના પુરાવાઓ
ભારતવર્ષનો ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓની તવારીખ કે યુદ્ધોની વાર્તાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે પૃથ્વીના નિર્માણ અને માનવ સંસ્કૃતિના વિકાસની એક અવિરત અને ભવ્ય ધારા છે. નાનપણથી આપણને શાળાના પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું છેકે, ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ થાય છે અને આર્યો બહારથી આવ્યા હતા. પરંતુ, શું આ વાત સો ટકા સાચી છે? શું આપણા રામાયણ અને મહાભારત માત્ર કવિઓની કલ્પના છેકે, પછી તે કોઈ ચોક્કસ સમયે ઘટેલી વાસ્તવિક ઘટનાઓ છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તાજેતરમાં સ્ટ્રાઇકિંગ થોટ્સ પોડકાસ્ટમાં પ્રસિદ્ધ સંશોધક અને લેખક નિલેશ ઓક સાથે એક ઐતિહાસિક સંવાદ યોજાયો હતો. નિલેશ ઓકે આધુનિક વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રના આધારે જે તથ્યો રજૂ કર્યા છે, તે આપણા ઇતિહાસના પુસ્તકોમાં ભણાવવામાં આવતા સમયગાળાને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેમના મતે, આપણે જેને ૩૦૦૦ કે ૫૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ માનીએ છીએ, તે વાસ્તવમાં એના કરતા પણ વધારે વર્ષો જૂનો છે અને તેના સજ્જડ વૈજ્ઞાનિક પુરાવાઓ આપણી પાસે મોજૂદ છે.
સૌથી મોટો અને મૂળભૂત પ્રશ્ન એછેકે વેદો, રામાયણ અને મહાભારત ખરેખર ક્યારે રચાયા હશે? સામાન્ય રીતે ઇતિહાસકારો મહાભારતને ઈ.સ. પૂર્વે ૧૦૦૦ આસપાસ મૂકે છે, પરંતુ નિલેશ ઓક આ માન્યતાને ધરાર નકારી કાઢે છે. તેઓ કોઈ અટકળોના આધારે નહીં, પરંતુ ગણિત અને ખગોળશાસ્ત્રના પ્લેનેટોરિયમ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સાબિત કરે છેકે, મહાભારતનું યુદ્ધ આશરે ૫૫૬૧ ઈ.સ. પૂર્વે એટલે કે આજથી લગભગ ૭,૫૦૦ વર્ષ પહેલાં લડાયું હતું. તેવી જ રીતે, રામાયણનો સમયકાળ ૧૨,૨૦૯ ઈ.સ. પૂર્વે એટલે કે આજથી લગભગ ૧૪,૦૦૦ વર્ષ પહેલાનો હોવાનું તેઓ દૃઢપણે માને છે.
આ આંકડા સાંભળીને સામાન્ય માણસને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે, પરંતુ નિલેશ ઓક આ માટે આપણા ગ્રંથોમાં લખાયેલી આકાશીય સ્થિતિઓનો આધાર લે છે. વાલ્મીકિ રામાયણ અને મહાભારતમાં જે નક્ષત્રો, ગ્રહો અને ઋતુઓનું વર્ણન છે, તે ચોક્કસ કયા વર્ષે આકાશમાં દેખાયા હતા, તેનું ગણિત માંડતા આ તારીખો મળે છે. ઉદાહરણ તરીકે, રામાયણ સમયે બ્રહ્મ રાશિ (વેગા સ્ટાર) ધ્રુવ તારા તરીકે હતો, જે સ્થિતિ આજથી ૧૪,૦૦૦ વર્ષ પહેલાં જ શક્ય હતી. જો આપણે આ સમયગાળાને સ્વીકારીએ તો આપણા પુરાણો અને ઇતિહાસના અનેક વણઉકેલ્યા કોયડાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે.
આ સંવાદમાં સૌથી રોમાંચક વિષય રહ્યો લુપ્ત થયેલી સરસ્વતી નદીનો. આપણે સૌ જાણીએ છીએ કે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ પ્રયાગરાજમાં થાય છે, પણ સરસ્વતી નદી આજે દેખાતી નથી. આધુનિક ઇતિહાસકારો તેને માત્ર એક કલ્પના માને છે, પરંતુ નિલેશ ઓક સેટેલાઇટ ઈમેજરી અને હાઈડ્રોલોજીના રિપોર્ટ્સ સાથે દાવો કરે છેકે, સરસ્વતી એક સમયે ઉત્તર ભારતની સૌથી વિશાળ અને બારેમાસ વહેતી નદી હતી. તેમના સંશોધન મુજબ, સરસ્વતી નદી છેલ્લા ૨ લાખ વર્ષથી અવિરત વહી રહી હતી.
તે સમયે સતલજ અને યમુના નદીઓ સરસ્વતીની સહાયક નદીઓ હતી, જેના કારણે સરસ્વતીનો પ્રવાહ અત્યંત વિશાળ હતો. અમુક જગ્યાએ તો આ નદીનો પટ ૨૨ કિલોમીટર જેટલો પહોળો હતો! પરંતુ કાળક્રમે થયેલા ભૂસ્તરીય ફેરફારો અને ધરતીકંપોને કારણે યમુના નદી પૂર્વ તરફ વળીને ગંગાને મળી ગઈ અને સતલજ નદી પશ્ચિમ તરફ વળી ગઈ.
આમ, મુખ્ય સ્ત્રોત બંધ થવાથી સરસ્વતીનો પ્રવાહ ધીમે ધીમે સુકાઈ ગયો. મહાભારત કાળમાં પણ સરસ્વતી નદી લુપ્ત થવાના આરે હતી અને તે રેતીમાં સમાઈ રહી હતી તેવું સ્પષ્ટ વર્ણન ગ્રંથોમાં મળે છે, જે નિલેશજીની ૭,૫૦૦ વર્ષ પહેલાની ડેટિંગ સાથે એકદમ સુસંગત છે.
વેદોની વાત કરીએ તો તેની પ્રાચીનતા આપણી કલ્પના બહારની છે. નિલેશ ઓકના મતે ઋગ્વેદના અમુક સુક્તો તો ૨૧,૦૦૦ વર્ષ જૂના કે તેથી પણ વધુ પ્રાચીન હોઈ શકે છે. તેઓ આપણને ૭૦,૦૦૦ વર્ષ પાછળના ઇતિહાસમાં લઈ જાય છે. તે સમયે ઇન્ડોનેશિયામાં થયેલા ટોબા જ્વાળામુખીના પ્રચંડ વિસ્ફોટની અસર ભારતીય ઉપખંડ પર પણ થઈ હતી. તે સમયના પર્યાવરણીય ફેરફારો અને માનવ વસ્તી પર થયેલી અસરોનો આછેરો ઉલ્લેખ વેદોમાં મળે છે, જે સાબિત કરે છે કે આપણા ઋષિઓ તે પ્રલયકારી સમયના સાક્ષી હતા.
ઋગ્વેદમાં શત વર્ષ હિમ એટલે કે સો વર્ષ સુધી ચાલેલા હિમવર્ષાનો ઉલ્લેખ છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છેકે, પૃથ્વી પર આઈસ એજ હતો. નિલેશ ઓક સમજાવે છેકે, ભારતમાં યુરોપ જેવો બરફ નહોતો જામ્યો, પણ વાતાવરણ ઠંડુ અને ખુશનુમા હતું, જેના કારણે અહીં માનવ સંસ્કૃતિ અને ખેતીનો વિકાસ અન્ય દેશો કરતા વહેલો થયો હતો.
વિશ્વના અન્ય ભાગોમાં થયેલા આધુનિક સંશોધનો પણ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતાને ટેકો આપે છે. તુર્કીમાં મળેલું ગોબેકલી ટેપે જેવું ૧૨,૦૦૦ વર્ષ જૂનું મંદિર હોય કે દક્ષિણ અમેરિકામાં મળેલા હજારો વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા, આ બધું દર્શાવે છેકે, માનવ સંસ્કૃતિ માત્ર થોડા હજાર વર્ષ જૂની નથી.
નિલેશ ઓક એક ખૂબ જ રસપ્રદ ભાષાકીય તથ્ય રજૂ કરે છે. તેઓ કહે છેકે, વિશ્વની અનેક ભાષાઓના મૂળમાં સંસ્કૃત શબ્દો મળી આવે છે. ઉદાહરણ તરીકે, સ્પેનિશ કે અંગ્રેજીમાં મધર માટે માતૃ પરથી મા, સ્ટેબલ માટે સંસ્કૃત શબ્દ સ્થિર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ દર્શાવે છે કે એક સમયે વૈશ્વિક સ્તરે જ્ઞાનનું આદાન-પ્રદાન થતું હતું અને તેનું કેન્દ્ર કદાચ ભારત વર્ષ હતું. જેને આપણે આદિમાનવ કહીએ છીએ, તે કદાચ આપણા કરતા પણ વધુ સમજદાર અને પ્રકૃતિની નજીક હતા.
વિશ્વ પ્રસિદ્ધ સંધોષ્ક નીલેશ ઓક સાથેની સમગ્ર ચર્ચાનો સાર એછેકે, ભારતવર્ષની સંસ્કૃતિ સનાતન છે અને તે માત્ર કોઈ એક પુસ્તક કે વિચારધારા પર આધારિત નથી. તે કાળના અનેક થપેડાઓ ખાઈને, અનેક આક્રમણો સહન કરીને પણ અડીખમ ઊભી છે કારણ કે તેના પાયામાં સત્ય, વિજ્ઞાન અને જ્ઞાનનું સિંચન થયેલું છે.
નિલેશ ઓક જેવા સંશોધકો આ જ્ઞાનના વારસાને આધુનિક વિજ્ઞાનની એરણ પર ચકાસીને ફરીથી આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આજના યુવા વર્ગ માટે આ જ્ઞાન ગર્વનો વિષય છે. આપણે માત્ર પશ્ચિમી ઇતિહાસકારો દ્વારા લખાયેલા ઇતિહાસ પર આંધળો વિશ્વાસ ન કરતા, આપણા મૂળ સ્ત્રોતો અને આધુનિક સંશોધનોને જોડીને સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. રામાયણ અને મહાભારત આપણને શીખવે છેકે, આપણો ઇતિહાસ ભવ્ય હતો અને આપણું ભવિષ્ય પણ એટલું જ ઉજ્જવળ બની શકે છે, જો આપણે આપણા મૂળિયાં સાથે જોડાયેલા રહીએ.