Sanatan Dharmni Vaato - 17 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 17 - જગન્નાથ પુરી : અકલ્પનીય સત્ય

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 17 - જગન્નાથ પુરી : અકલ્પનીય સત્ય

પાંચસો વર્ષ જૂની ભવિષ્ય માલિકાની ભયાનક આગાહીઓ

કલ્કિ અવતારનું ગુપ્ત સ્થાન અને મૂર્તિની અંદર ધબકતા બ્રહ્મ પદાર્થના વણઉકેલ્યા રહસ્યોની વાત

 

ભારતવર્ષની પાવન ભૂમિ પર એવા અનેક તીર્થસ્થાનો છે જે માત્ર શ્રદ્ધાના કેન્દ્રો નથી, પરંતુ રહસ્યોના ગઢ છે. તેમાંથી સૌથી મોખરે અને અગ્રેસર નામ એટલે ઓડિશાનું જગન્નાથ પુરી. આધુનિક વિજ્ઞાન ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયું છે, પરંતુ આજે પણ પુરીના મંદિરના ગુંબજ નીચે ઘટતી ઘટનાઓના તાર્કિક જવાબો કોઈની પાસે નથી. તાજેતરમાં પ્રસિદ્ધ હેરિટેજ એક્સપ્લોરર અને સંશોધક સૂર્યા રોયે સુપરટોક્સ પોડકાસ્ટના માધ્યમથી જગન્નાથ સંસ્કૃતિના એવા ગૂઢ પાસાઓ ઉજાગર કર્યા છે, જે સાંભળીને સામાન્ય માનવીનું મન આશ્ચર્યના મહાસાગરમાં ડૂબી જાય. સદીઓ પુરાણી હસ્તપ્રતો, ભવિષ્યવાણીઓ અને કલ્કિ અવતાર સાથે જોડાયેલા આ તથ્યો માત્ર દંતકથા નથી, પણ એક જીવંત ઈતિહાસનો પુરાવો છે.

જગન્નાથ પુરીની વાત નીકળે એટલે સૌથી પહેલા ચર્ચા ભવિષ્ય માલિકાની થાય છે. સામાન્ય રીતે લોકો માને છે કે આ કોઈ એક પુસ્તક છે, પરંતુ સૂર્યા રોયના સંશોધન મુજબ આ હકીકત જુદી છે. લગભગ ૫૦૦ વર્ષ પહેલાં ઓડિશાના પાંચ મહાન સિદ્ધ સંતો, જેમને પંચસખા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે મળીને હજારોની સંખ્યામાં તાડપત્રો પર ભવિષ્યવાણીઓ લખી હતી. આ ગ્રંથોની સંખ્યા ૧૮,૦૦૦થી પણ વધુ હોવાનું મનાય છે અને તે જુદા જુદા મઠોમાં સચવાયેલા છે.

આ ભવિષ્ય માલિકામાં લખાયેલી વાતો આજે અક્ષરસઃ સાચી પડી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું છેકે, જ્યારે કળિયુગનો પ્રકોપ વધશે અને ધરતી પર પાપનો ભાર વધી જશે, ત્યારે કુદરતી હોનારતો અને વિચિત્ર ઘટનાઓ બનશે. મંદિરમાં થયેલી તાજેતરની કેટલીક ઘટનાઓ, જેવી કે મંદિરના શિખર પર ગીધ કે બાજ પક્ષીનું બેસવું, તેને આ ભવિષ્યવાણી સાથે જોડવામાં આવે છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે મંદિરના ધ્વજ પર આવા પક્ષીઓ બેઠા છે, ત્યારે ત્યારે દેશમાં કોઈ મોટી હોનારત કે સંકટ આવ્યું છે, પછી તે કોવિડની મહામારી હોય કે કોઈ મોટા નેતાનું અવસાન. ભવિષ્ય માલિકા તો ત્યાં સુધી કહે છેકે, જ્યારે અધર્મ તેની પરાકાષ્ઠાએ હશે, ત્યારે ભગવાન જગન્નાથ તેમનું આ ભવ્ય મંદિર છોડીને અન્યત્ર પ્રસ્થાન કરશે.

આ વાત સાંભળીને પ્રશ્ન થાય કે જો ભગવાન પુરી છોડશે તો ક્યાં જશે? આ પ્રશ્નનો ઉત્તર પણ ઓડિશાની ભૂમિમાં જ છુપાયેલો છે. પુરીથી થોડે દૂર છતિયા નામનું એક ગામ છે, જ્યાં એક વિશેષ જગન્નાથ મંદિર આવેલું છે. દુનિયાભરના મંદિરોમાં આપણે ભગવાન જગન્નાથને ગોળ આંખો અને હાથ-પગ વિનાના કિમકાર સ્વરૂપમાં જોઈએ છીએ, પરંતુ છતિયાના મંદિરમાં દૃશ્ય કંઈક અલગ જ છે. ત્યાં ભગવાન ઘોડા પર સવાર છે અને તેમના હાથમાં તલવાર છે.

ભક્તો અને સંશોધકોનું માનવું છેકે, આ સ્વરૂપ ભગવાન વિષ્ણુના આવનારા દસમા અવતાર કલ્કિનું પ્રતીક છે. એવી લોકવાયકા છે કે ભવિષ્યમાં જ્યારે દરિયાની સપાટી વધશે અને પુરીનું મુખ્ય મંદિર જળમગ્ન થશે અથવા ભગવાન લીલા સંકેલશે, ત્યારે તેઓ છતિયામાં બિરાજમાન થઈને કલ્કિ અવતાર સ્વરૂપે અધર્મનો નાશ કરશે. આ મંદિરના નિર્માણ અને ત્યાંની વ્યવસ્થામાં પણ એક પ્રકારની લશ્કરી શિસ્ત અને રહસ્યમયતા જોવા મળે છે જે આ દાવાને વધુ મજબૂત બનાવે છે.

જગન્નાથ પુરીનું સૌથી મોટું અને અત્યંત ગુપ્ત રહસ્ય એટલે નવકલેવરની વિધિ. દર ૮, ૧૨ કે ૧૯ વર્ષે જ્યારે જ્યોતિષીય યોગ બને છે, ત્યારે ભગવાનની જૂની લાકડાની મૂર્તિઓને સમાધિ આપવામાં આવે છે અને નવી મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પરંતુ આ માત્ર મૂર્તિ બદલવાની પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા દરમિયાન જૂની મૂર્તિના હૃદય સ્થાનેથી એક અજ્ઞાત વસ્તુ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, જેને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે. આ પદાર્થ શું છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કોઈ તેને ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય માને છે, તો કોઈ તેને તાંત્રિક યંત્ર માને છે. જ્યારે આ વિધિ થાય છે ત્યારે સમગ્ર પુરી શહેરની વીજળી ગુલ કરી દેવામાં આવે છે, મંદિરની ચારે બાજુ સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે અને જે પૂજારીઓ (દૈતાપતિઓ) આ કાર્ય કરે છે, તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે અને હાથ પર જાડા કપડાં વીંટાળી દેવામાં આવે છે જેથી તેઓ તે પદાર્થને જોઈ કે સ્પર્શ કરીને અનુભવી ન શકે.

કહેવાય છેકે, આ પદાર્થમાં એટલી પ્રચંડ કિરણોત્સર્ગી ઊર્જા છે કે જો કોઈ ખુલ્લી આંખે તેને જુએ તો તેનું મૃત્યુ થઈ શકે છે. ૧૯૭૮માં જ્યારે રત્નભંડારની ગણતરી થઈ હતી ત્યારે એક સુવર્ણકારે અનુભવ્યું હતું કે, ત્યાં રહેલા હીરા અને મણિઓ પૃથ્વીના નથી, પણ કોઈ અન્ય લોકના હોય તેવું તેજ ધરાવે છે.

આ ઉપરાંત, મંદિરના સ્થાપત્ય સાથે જોડાયેલા ચમત્કારો પણ વિજ્ઞાનને પડકાર ફેંકે છે. સૂર્યા રોયે તેમના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, દિવસના કોઈપણ સમયે, સૂર્ય ગમે તે દિશામાં હોય, મુખ્ય મંદિરના શિખરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી. આ એન્જિનિયરિંગનો કયો નમૂનો છે તે સમજવું મુશ્કેલ છે. તે જ રીતે, મંદિર સમુદ્ર કિનારે હોવા છતાં, જેવા તમે સિંહદ્વાર (મુખ્ય પ્રવેશદ્વાર) ની અંદર પગ મૂકો છો, દરિયાના મોજાંનો ગર્જના કરતો અવાજ એકદમ બંધ થઈ જાય છે. જાણે કોઈએ સ્વિચ ઓફ કરી દીધી હોય! અને જેવા તમે બહાર પગ મૂકો, ફરીથી અવાજ શરૂ થઈ જાય છે. આ ઉપરાંત મંદિરની ઉપર સ્થાપિત નીલ ચક્રની બનાવટ એવી છે કે કોઈ પક્ષી કે વિમાન તેની ઉપરથી ઉડી શકતું નથી. આને માત્ર ચમત્કાર માનવાને બદલે તેને પ્રાચીન ભારતના ઉન્નત ધ્વનિ અને વાસ્તુ વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે જોવું જોઈએ.

સૂર્યા રોયે એક અંગત અને હૃદયસ્પર્શી કિસ્સો પણ જણાવ્યો હતો જે રામાયણ કાળની ઔષધિઓ આજે પણ હાજર હોવાની સાબિતી આપે છે. ઓડિશાના અંતરિયાળ જંગલોમાં પ્રવાસ દરમિયાન તેમના નાના પુત્રને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. ત્યારે ત્યાંના એક સ્થાનિક પૂજારીએ જંગલમાંથી કોઈ પાંદડા લાવીને તેની લુગદી બનાવી ઘા પર લગાવી દીધી. આશ્ચર્યજનક રીતે થોડી જ મિનિટોમાં લોહી બંધ થઈ ગયું અને ઘા એવી રીતે રુઝાઈ ગયો જાણે ત્યાં કંઈ વાગ્યું જ નહોતું!

પૂજારીએ જણાવ્યું હતું કે, આ વિશલ્યકરણી છે - એ જ સંજીવની બુટીનો એક પ્રકાર જેનો ઉલ્લેખ રામાયણમાં હનુમાનજી જ્યારે લક્ષ્મણજી માટે ઔષધિ લેવા ગયા હતા ત્યારે આવે છે. આ ઘટના સાબિત કરે છે કે આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ અને વનસ્પતિ વિજ્ઞાન કેટલું સમૃદ્ધ હતું, જે આજે લુપ્ત થવાના આરે છે.

અંતમાં, જગન્નાથ પુરી માત્ર એક મંદિર નથી, પરંતુ તે ભારતીય સનાતન પરંપરાનો એક જીવંત શ્વાસ છે. ઇતિહાસ સાક્ષી છે કે આ મંદિર પર ૧૮ વખત વિદેશી આક્રમણો થયા, લૂંટફાટ થઈ, છતાં આજે પણ આ મંદિર અડીખમ ઊભું છે અને તેની ધજા શાનથી લહેરાય છે. તેનું કારણ માત્ર પથ્થરોની મજબૂતી નથી, પણ કરોડો લોકોની શ્રદ્ધા અને કોઈ અદ્રશ્ય દૈવી શક્તિનું રક્ષણ છે. આજના યુગમાં જ્યારે આપણે પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણમાં આપણો વારસો ભૂલી રહ્યા છીએ, ત્યારે આવા સંશોધનો આપણને યાદ અપાવે છેકે, આપણી પાસે જે જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મનો ખજાનો છે તે વિશ્વમાં બીજે ક્યાંય નથી. જગન્નાથજીની આ લીલાઓ મનુષ્યને અહંકાર છોડીને પરમ શક્તિ સામે નતમસ્તક થવાની શીખ આપે છે.