Sanatan Dharmni Vaato - 2 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 2 - કૈલાશ પર્વત, પુનર્જન્મ અને હિન્દુત્વના રહસ્યો

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 2 - કૈલાશ પર્વત, પુનર્જન્મ અને હિન્દુત્વના રહસ્યો

યુટ્યુબ પર રિયા ઉપ્રેતીના પોડકાસ્ટ રિયાલિટી પર તાજેતરમાં પ્રસારિત થયેલો એક એપિસોડ અત્યારે ભારે ચર્ચામાં છે. એપિસોડમાં લેખક અક્ષત ગુપ્તાએ કૈલાશ પર્વત, પુનર્જન્મ, અને હિન્દુત્વની વ્યાખ્યા જેવા અનેક ગહન વિષયો પર પોતાના સંશોધન અંગે ચર્ચા કરી અનેક ખુલાસા કર્યા છે. જે સાંભળીને ખુદ હોસ્ટ રિયા ઉપ્રેતીને પણ લાગ્યું છેકે, આ તેમના પોડકાસ્ટિંગ કરિયરનો પુનર્જન્મ છે. એપિસોડનું શીર્ષક ઇવન નાસા ગોટ શોક્ડ : કૈલાશ, અઘોરી, એલિયન્સ/યતી એન્ડ રી-બર્થ જ દર્શાવે છેકે, આ વાતચીત કેટલી વિસ્મયજનક છે. પોડકાસ્ટમાં અક્ષત ગુપ્તાએ અનેક એવી વાતોનો ઉલ્લેખ કર્યો જે ઇતિહાસ, વિજ્ઞાન અને આધ્યાત્મનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે.

લેખક અક્ષત ગુપ્તાએ કૈલાશ પર્વતને લગતા ચોંકાવનારા ભૌગોલિક તથ્યો પર ધ્યાન દોર્યું છે. જે તેને માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પણ પૃથ્વીના એક મહત્ત્વપૂર્ણ ઊર્જા કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે. તેમણે જણાવ્યું છેકે, જે પર્વત પર કોઈ ચડી શક્યું નથી, તે પૃથ્વીના ઉત્તર ધ્રુવથી બરાબર ૬૬૬૬ કિલોમીટર દૂર સ્થિત છે. આ જ રીતે, દક્ષિણ ધ્રુવથી પણ તે બરાબર ૬૬૬૬ ગુણ્યા બે કિલોમીટર એટલે કે, ૧૩,૩૩૨ કિલોમીટર દૂર છે. આ આંકડાઓનો સંયોગ એક માત્ર ઇત્તફાક નથી લાગતો. આ આંકડો, ૬૬૬૬, એક ગહન રહસ્ય તરફ ઈશારો કરે છે, જેના પર વિજ્ઞાન પણ હજી સુધી મૌન છે. આ ભૌગોલિક તથ્યો જ દર્શાવે છે કે આ પર્વત કુદરતી રીતે નહીં, પરંતુ કોઈ ચોક્કસ ભૂ-આયોજન હેઠળ સ્થિત છે.

ઉપરાંત, અક્ષત ગુપ્તાએ દાવો કર્યો છેકે, કૈલાશ પર્વતની અંદર એક હિડન સિટી છુપાયેલું છે. આ શહેરનું નામ જ્ઞાનગંજ તરીકે ઓળખાય છે, જે સિદ્ધ યોગીઓ અને આધ્યાત્મિક ગુરુઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. જ્ઞાનગંજએ જ્ઞાનનું એવું કેન્દ્ર છે જે ફક્ત આધ્યાત્મિક રીતે ઉન્નત લોકો માટે સુલભ છે.

અક્ષત ગુપ્તાએ વધુ રહસ્યો ખોલતા જણાવ્યું હતું કે, કૈલાશની બાજુમાં જ આવેલું રાક્ષસ તાલ (રાવણ તાલ) અને માનસરોવરની વાત પણ રસપ્રદ છે. રાક્ષસ તાલનું પાણી ખારું છે અને તેમાં આખો દિવસ લહેરો ઉછળે છે, જે સમુદ્ર જેવું વાતાવરણ બનાવે છે. જ્યારે તેની બાજુમાં જ આવેલા માનસરોવરનું પાણી મીઠું અને શાંત છે. આ વિરોધાભાસ પ્રકૃતિના અદભુત સંતુલનને દર્શાવે છે, જે વૈજ્ઞાનિકો માટે પણ એક કોયડો છે. ઘણા લોકો માને છેકે, આ પર્વત ભગવાન શિવનું નિવાસસ્થાન છે અને તેની રહસ્યમય ઊર્જાને કારણે જ ત્યાં અનેક અજાણી ઘટનાઓ બને છે, જેના કારણે નાસા પણ તેના રહસ્યો પર વિચાર કરવા મજબૂર થઈ જાય છે. પૌરાણિક કથાઓ મુજબ અહીં અઘોરી અને યતિ (યેતી) જેવા અલૌકિક જીવોની હાજરી પણ અનુભવાય છે, જે આ પર્વતની રહસ્યમયતાને વધુ વધારે છે.

વાતચીત દરમિયાન, અક્ષત ગુપ્તાએ પુનર્જન્મના એક વાસ્તવિક અને દસ્તાવેજી કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે વિજ્ઞાનની દુનિયાને પણ વિચારતી કરી દીધી. આ કેસ શાંતિ દેવીનો હતો. એક બાળકી, શાંતિ દેવીએ પોતાના પુનર્જન્મની વિગતો આપી હતી, જેના આધારે રાજેશના મર્ડરનો કેસ ફરી ખૂલ્યો હતો. બાળકીની સાક્ષી પર, તે ગુનેગારોને સજા થઈ હતી. આ ઘટના એ સાબિતી છેકે, ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલ પુનર્જન્મની વિભાવના માત્ર કલ્પના નથી, પરંતુ એક વાસ્તવિકતા છે.

સૌથી મહત્વની વાત એ છેકે, આ ઘટના પર માત્ર સામાન્ય લોકોએ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકોએ પણ ગહન સંશોધન કર્યું હતું. તેમણે જે રિપોર્ટ તૈયાર કર્યો, તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, હા, આ પુનર્જન્મનો એક વાસ્તવિક કેસ છે. આ કેસ એટલો મજબૂત હતો કે ખુદ મહાત્મા ગાંધીજીએ પણ શાંતિ દેવીને મળીને આ વાતની ખાતરી કરી હતી. આ ઘટના ભારતીય આધ્યાત્મિકતા અને પશ્ચિમી સંશોધન વચ્ચેના સંઘર્ષમાં ભારતીય જ્ઞાનની જીત સમાન હતી. ગુપ્તાએ આ કેસ દ્વારા સંદેશ આપ્યો હતો કે, આપણું પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનથી પણ આગળ છે.

આ એપિસોડનો સૌથી ઊંડો ભાગ હિન્દુત્વની ફિલોસોફી પર હતો. અક્ષત ગુપ્તાએ ધર્મની પરંપરાગત વ્યાખ્યાઓને પડકારીને એક સાર્વત્રિક દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે એક કવિતા દ્વારા પોતાની વાત રજૂ કરી, જેમાં હિન્દુત્વની વ્યાખ્યા વિરોધાભાસોને સ્વીકારવા પર ભાર મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે,

હું શ્વેત (સફેદ/શુદ્ધ) પણ છું અને શુદ્ધ પણ છું.

જો તમે મારા વિરુદ્ધ થશો, તો યુદ્ધ પણ હું જ છું.

ઇતિહાસમાં વહાવેલું આંસુ અને લોહી પણ હું છું.

અને હવે જે કહીને મળશે, તે સુકૂન (શાંતિ) પણ હું છું.

આ ધરતીનું હું કેન્દ્રબિંદુ છું, પ્રણામ હું હિન્દુ.

ગુપ્તાના મતે, હિન્દુ એ છે જે શ્વેત અને પવિત્રતાની સાથે સાથે વિરુદ્ધતા (યુદ્ધ, રક્ત, આંસુ)ને પણ પોતાની અંદર સ્વીકારે છે. તે માત્ર એકરૂપતા નથી, પરંતુ વિરોધાભાસમાં સંતુલન છે. તેમણે સવાલ ઉઠાવ્યો છેકે જ્યારે શ્રી રામ, શ્રી કૃષ્ણ કે શિવજી આ દુનિયામાં આવ્યા હતા, ત્યારે શું તેઓ પોતાને હિન્દુ માનતા હતા? આ બાબતે તેમણે તર્ક આપ્યો છેકે, એક સમયે આપણે જે પણ મનુષ્યો જોઈએ છીએ, તે બધા એક હિન્દુ હતા. આ વ્યાખ્યા, જે હિન્દુત્વને એક સાંસ્કૃતિક અને સર્વસમાવેશક જીવનશૈલી તરીકે જુએ છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે હિન્દુ કોણ છે અને બહારની દુનિયાને હિન્દુનો કયો રૂપ દેખાશે, તે સામેની વ્યક્તિના હાથમાં વધારે છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છેકે, તમે જેવો રૂપ બતાવશો, અમે તમને તેવો રૂપ બતાવીશું. આ દૃષ્ટિકોણ હિન્દુત્વની સહિષ્ણુતા અને આત્મરક્ષણની શક્તિ બંનેને દર્શાવે છે.

અક્ષત ગુપ્તા સાથેની લગભગ એક કલાકની વાતચીત, જેનું શીર્ષક ભલે કૈલાશ, એલિઅન્સ અને પુનર્જન્મ જેવી રહસ્યમય વાતો પર હોય, પરંતુ તેનો મુખ્ય સંદેશ ભારતીય જ્ઞાન પરંપરાની ઊંડાઈ અને તેની વૈશ્વિક સુસંગતતા પર ભાર મૂકે છે. રિયા ઉપ્રેતીએ પણ સ્વીકાર્યું કે તેઓએ જે સવાલો લખ્યા હતા, તેનાથી આ વાતચીત ઘણી આગળ વધી ગઈ. આ એપિસોડ માત્ર મનોરંજન નથી, પરંતુ એક આત્મ-મંથન અને સંશોધન માટેનો એક મંચ છે, જે આપણને આપણા ઇતિહાસ, ધર્મ અને બ્રહ્માંડના રહસ્યો પર ફરીથી વિચારવા માટે પ્રેરિત કરે છે.