Sanatan Dharmni Vaato - 16 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 16 - ઇતિહાસના સત્ય વચ્ચેનો સંઘર્ષ

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 16 - ઇતિહાસના સત્ય વચ્ચેનો સંઘર્ષ

ભારતવર્ષનો ઇતિહાસ હજારો વર્ષોની સંસ્કૃતિ અને મૂલ્યોથી ભરેલો છે, જેના પાયામાં રામાયણ અને મહાભારત જેવા બે મહાન મહાકાવ્યો રહેલા છે. આપણી પેઢીએ આ મહાકાવ્યોને માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં, પણ જીવન જીવવાની જડીબુટ્ટી તરીકે સ્વીકાર્યા છે. જોકે, વર્તમાન સમયમાં જ્યારે માહિતીના સ્ત્રોતો સીમિત છે અને ટેલિવિઝનની સીરિયલોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે આપણી સમજણમાં કેટલીક એવી વાતો વણાઈ ગઈ છે, જે હકીકતમાં મૂળ ગ્રંથોમાં ક્યાંય જોવા મળતી નથી. પ્રસિદ્ધ લેખિકા અને સંશોધક અમી ગણાત્રાએ તેમના ઊંડા અભ્યાસ દ્વારા આ વિષય પર ગંભીર અને તાર્કિક પ્રકાશ પાડ્યો છે. તેમના મતે, આપણે જેને સાચું માનીએ છીએ તે ઘણીવાર પૌરાણિક વાસ્તવિકતા કરતાં મનોરંજન માટે ઉભી કરવામાં આવેલી નાટ્યાત્મકતા વધુ હોય છે.

રામાયણ અને મહાભારતના પાત્રોને આપણે ઘણીવાર માત્ર કાળા અથવા સફેદ રંગમાં જોવાની ભૂલ કરીએ છીએ, જ્યારે વાસ્તવમાં આ પાત્રો અનેક ગ્રે શેડ્સ ધરાવતા હતા. ઉદાહરણ તરીકે, ભગવાન રામ અને કૃષ્ણ બંને વિષ્ણુના અવતાર હોવા છતાં તેમની કાર્યપદ્ધતિમાં જમીન-આસમાનનો તફાવત હતો. રામનો યુગ મર્યાદાઓ અને નિયમોના ચુસ્ત પાલનનો હતો, જ્યાં આદર્શવાદ સર્વોપરી હતો. જ્યારે કૃષ્ણનો યુગ વધુ જટિલ અને રાજકીય કાવાદાવાઓથી ભરેલો હતો, જ્યાં ધર્મને બચાવવા માટે રણનીતિનો ઉપયોગ કરવો અનિવાર્ય હતો. અમી ગણાત્રા જણાવે છેકે, કૃષ્ણની યોગેશ્વરતા એ વાતમાં છેકે, તેમણે ક્યારેય પોતાના અંગત સ્વાર્થ માટે શક્તિનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ સમાજમાં ન્યાયની સ્થાપના માટે અસત્ય અને અધર્મ સામે લડવાની પ્રેરણા આપી હતી. આ તફાવત માત્ર યુગનો જ નહીં, પણ તે સમયની સામાજિક જરૂરિયાતોનો પણ હતો.

ટીવી સીરિયલોએ ઇતિહાસ સાથે જે સૌથી મોટા છેડા કર્યા છે, તેમાં લક્ષ્મણ રેખાનો પ્રસંગ અગ્રણી છે. આપણને સૌને યાદ છેકે, લક્ષ્મણજીએ વનવાસ દરમિયાન કુટિરની બહાર એક રેખા દોરી હતી, જે ઓળંગવાને કારણે સીતાજીનું હરણ થયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એછેકે, વાલ્મીકિ રામાયણના મૂળ શ્લોકોમાં ક્યાંય પણ આવી ભૌતિક રેખા દોરવાનો ઉલ્લેખ નથી. સીતાજી રાવણને ભિક્ષા આપવા માટે ચોક્કસપણે કુટિરની બહાર આવ્યા હતા, પરંતુ રેખા ઓળંગવાની વાત પાછળથી જોડવામાં આવેલી એક કથા છે જેણે નાટકોમાં વધુ લોકપ્રિયતા મેળવી છે.

તેવી જ રીતે, હનુમાનજીના હાથમાં રહેલી ગદાની છબી પણ ખૂબ પ્રચલિત છે. જોકે, મૂળ રામાયણમાં હનુમાનજીની તાકાત તેમની બુદ્ધિ, અપ્રતિમ વેગ અને તેમનું અદમ્ય મનોબળ હતું. યુદ્ધમાં તેમણે મોટાભાગે પથ્થરો અને વૃક્ષોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ગદા તેમનું કાયમી કે અનિવાર્ય શસ્ત્ર હતું તેવું વર્ણન મૂળ ગ્રંથોમાં તેટલા જોરશોરથી કરવામાં આવ્યું નથી જેટલું આજે આપણે જોઈએ છીએ.

મહાભારતની વાત કરીએ તો, દ્રૌપદી અને દુર્યોધન વચ્ચેનો વિવાદ ઇતિહાસનો સૌથી મોટો વળાંક માનવામાં આવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, ઇન્દ્રપ્રસ્થના મહેલમાં જ્યારે દુર્યોધન પાણીના કુંડમાં પડ્યો ત્યારે અટારીમાં બેઠેલી દ્રૌપદીએ હસીને તેને અંધનો પુત્ર અંધ કહ્યો હતો. અમી ગણાત્રા આ વાતનું સજ્જડ પ્રમાણ સાથે ખંડન કરે છે. વ્યાસ રચિત મૂળ મહાભારતમાં આવું કોઈ જ વાક્ય દ્રૌપદીએ ક્યારેય ઉચ્ચાર્યું નથી.

હકીકતમાં, તે સમયે દ્રૌપદી ત્યાં હાજર પણ નહોતી. આ ઘટના તો દુર્યોધનના મનમાં રહેલી ઈર્ષ્યા અને પાંડવોની સમૃદ્ધિ સામેની તેની અસહનશીલતાનું પરિણામ હતી, જેને ટીવી સીરિયલોએ સ્ત્રીના અહંકાર સાથે જોડીને દ્રૌપદીના અત્યંત જ્ઞાની અને ગંભીર વ્યક્તિત્વને અન્યાય કર્યો છે. દ્રૌપદી એક એવી સ્ત્રી હતી જે ધર્મશાસ્ત્રોની જાણકાર હતી, અને તેના પાત્રને માત્ર એક ઉગ્ર વાક્યના આધારે મૂલવવું એ મોટી ભૂલ છે.

તેવી જ રીતે, કર્ણ અને શકુની જેવા પાત્રોને સમજવામાં પણ આપણે લોકવાયકાઓનો ભોગ બન્યા છીએ. શકુનીને હંમેશા લંગડાતો અને કપટી બતાવવામાં આવે છે, પરંતુ મૂળ ગ્રંથો મુજબ તે શારીરિક રીતે અત્યંત સક્ષમ અને ચતુર યોદ્ધા હતો. તેનો લંગડાપો એક પ્રકારની ખોટી છબી હતી જે તેણે કૌરવોને ગુમરાહ કરવા અને પાંડવોને હરાવવા માટે ઉભી કરી હતી. બીજી તરફ, કર્ણને હંમેશા એક લાચાર અને પીડિત પાત્ર તરીકે રજૂ કરવામાં આવે છે. અમી ગણાત્રા સ્પષ્ટ કરે છેકે, કર્ણ દાનવીર ચોક્કસ હતો, પરંતુ તે દુર્યોધનને પાંડવો વિરુદ્ધ ઉશ્કેરવામાં સૌથી આગળ હતો. તે કોઈ અત્યંત ગરીબ પરિવારમાં નહોતો ઉછર્યો, તેના પિતા અધિરથ એક પ્રતિષ્ઠિત સૂત હતા. કર્ણની દાનવીરતા તેના અહંકાર અને અર્જુન પ્રત્યેની તેની તીવ્ર ઈર્ષ્યા સાથે જોડાયેલી હતી. તેને માત્ર બિચારો ગણવો એ તેના દ્વારા કરવામાં આવેલા અધર્મો પર પડદો પાડવા જેવું છે.

એવી જ રીતે કુંભકર્ણનું પાત્ર પણ આપણી નજરમાં માત્ર ખાવા અને ઊંઘવા પૂરતું સીમિત છે. વાસ્તવિકતામાં કુંભકર્ણ એક મહાન વિદ્વાન અને નીતિવાન યોદ્ધા હતો. તે રાવણને તેની ભૂલ માટે જાહેરમાં ટોકતો હતો અને સીતા માતાને પાછા સોંપી દેવાની સલાહ આપતો હતો. તેની છ મહિનાની ઊંઘ પાછળ તેની શારીરિક જરૂરિયાત અને બ્રહ્માજી દ્વારા મળેલા વરદાન-શ્રાપનું એક અટપટું મિશ્રણ હતું. યુદ્ધના મેદાનમાં જ્યારે તે ઉતર્યો ત્યારે તે ભાઈ પ્રત્યેની વફાદારીને કારણે ઉતર્યો હતો, રાવણના કૃત્યોને ટેકો આપવા માટે નહીં. આ બધી વિગતો આપણને એ શીખવે છેકે, સનાતન ગ્રંથોમાં કોઈ પણ પાત્ર સંપૂર્ણપણે સપાટ નથી, પણ દરેક પાત્રની પાછળ એક મજબૂત મનોવિજ્ઞાન અને ઉદ્દેશ્ય રહેલો છે.

નિષ્કર્ષમાં, અમી ગણાત્રાનો આ અભ્યાસ આજના યુગમાં વધુ સુસંગત બને છે. સોશિયલ મીડિયા અને માહિતીના વિસ્ફોટના યુગમાં જ્યારે આપણી આસપાસ અનેક અધૂરી માહિતીઓ ભરેલી છે, ત્યારે આપણા પવિત્ર ઇતિહાસના મૂળ સ્ત્રોત તરફ પાછા ફરવાની તાતી જરૂર છે. રામાયણ અને મહાભારત માત્ર જૂની વાર્તાઓ નથી, પણ તે જીવનના સૌથી મોટા સંઘર્ષોમાં રસ્તો બતાવતા દીવાદાંડી સમાન છે. કોઈ પણ માહિતીને ચકાસ્યા વગર સ્વીકારવી એ આપણી સંસ્કૃતિ પ્રત્યેનો અન્યાય છે. ધર્મ એટલે માત્ર પૂજા કે વિધિ નથી, પણ મુશ્કેલ પરિસ્થિતિમાં વિવેકબુદ્ધિથી લીધેલો સાચો નિર્ણય છે, જે આપણે આ મહાકાવ્યોના સાચા અને સચોટ અભ્યાસ દ્વારા જ શીખી શકીએ છીએ.