Padchhayo - 21 in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 21

Featured Books
Categories
Share

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 21

💖 પ્રકરણ ૨૧: સરહદ પર ખીલેલું પ્રણયપુષ્પ

લદ્દાખની સફેદ બરફીલી ચાદરથી ઢંકાયેલી પહાડીઓ પર સૂર્યના પીળા કિરણો જ્યારે સવારે પથરાતા, ત્યારે તે સમન્વયથી આખું દ્રશ્ય સોનેરી લાગતું, પણ ત્યાંની હવા હંમેશા કઠોર અને હાડ થીજવતી રહેતી. કેપ્ટન વિસ્મય માટે હવે આ પહાડો માત્ર એક ફરજનું સ્થળ કે કુદરતની સુંદર રચના પૂરતું સીમિત નહોતું; આ જગ્યા હવે તેનું ઘર બની ગઈ હતી. તેમાં પણ 'વીરતા પુરસ્કાર' મળ્યા બાદ તેની જવાબદારીઓ અનેકગણી વધી હતી અને સૈન્યમાં તેનું પદ તેમજ કદ પણ. તેની બહાદુરીના કિસ્સાઓ હવે સરહદના દરેક મોરચે ગુંજતા હતા અને એક સેલિબ્રિટી જેવી તેની ખ્યાતિ ફેલાઈ હતી. પરંતુ, કુદરતે વિસ્મયના જીવનની ડાયરીમાં એક એવું પાનું લખવાનું નક્કી કર્યું હતું, જેની તેણે ખુદ કલ્પના પણ નહોતી કરી.

લદ્દાખની એ સાંજ સામાન્ય સાંજ જેવી જ શાંત હતી, પણ પહાડોની શાંતિ ક્યારેક છળામણી હોય છે. વિસ્મય સરકારી ગાડી લઈને ડ્રાઈવર સાથે રૂટિન પેટ્રોલિંગ પર હતો. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને બરફીલા પહાડો પર કેસરીયો રંગ છવાઈ રહ્યો હતો. વિસ્મય ડ્રાઈવરની બાજુની સીટ પર બેસીને નકશાનું નિરીક્ષણ કરી રહ્યો હતો.

અચાનક, ઉપરની ટેકરી પરથી એક નાનકડી શિલા ગબડી અને સીધી રસ્તાની વચ્ચે આવી પડી. ગાડીના ડ્રાઈવર નાયક રામસિંહનું ધ્યાન છેલ્લી ઘડીએ ગયું. શિલાથી ગાડી બચાવવાના અતિશય પ્રયત્નમાં તેણે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું. ગાડી પહાડી રસ્તા પર ફંગોળાઈ અને ધડાકાભેર એક વિશાળ ચટ્ટાન સાથે અથડાઈ. ગાડી જ્યારે બેકાબૂ થઈ ત્યારે વિસ્મયે રામસિંહને મદદ કરવા સ્ટીયરિંગ પકડવાની કોશિશ કરી હતી, પણ અથડામણનો ઝટકો એટલો પ્રચંડ હતો કે વિસ્મયની બાજુનો દરવાજો ખૂલી જતાં તે સીધો બહાર ફેકાઈ ગયો. નસીબજોગે, તે બરફના નરમ ઢગલા પર પડ્યો, જેને કારણે તેને શરીરે થોડા ઘસરડા અને છોલાવા સિવાય કોઈ ગંભીર ઈજા ન થઈ. પરંતુ રામસિંહ ગાડીના કાચ અને સ્ટીયરિંગ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

વિસ્મય કણસતા ઊભો થયો અને દોડીને ગાડી પાસે પહોંચ્યો. રામસિંહ લોહીલુહાણ હાલતમાં બેભાન હતો. "રામસિંહ! રામસિંહ, આંખો ખોલ!" વિસ્મયે બૂમ પાડી, પણ કોઈ જવાબ ન મળ્યો. પળવારનો પણ વિલંબ કર્યા વગર, વિસ્મયે પોતાની પીડા કે ઈજાઓની પરવા કર્યા વગર રામસિંહને બહાર કાઢ્યો અને પાછળની સીટ પર સુવડાવ્યો. પોતે ડ્રાઈવિંગ સીટ સંભાળી અને લોહીલુહાણ થયેલા હાથે સ્ટીયરિંગ ફેરવી ગાડીને સૈન્ય હોસ્પિટલ (Military Hospital) તરફ ભગાવી મૂકી.

હોસ્પિટલના લોખંડી દરવાજા કર્કશ અવાજ સાથે ખુલ્યા અને વિસ્મયે આખી હોસ્પિટલ ગજવતા બૂમ પાડી, "કેઝ્યુઆલ્ટી! ઈમરજન્સી! જલ્દી મદદ મોકલો!"

આ આર્તનાદ સાંભળતા જ અંદરના કોરિડોરમાંથી સફેદ એપ્રન અને ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલી એક યુવતી દોડી આવી. તેની આંખોમાં ગભરાટનો અંશ સુધ્ધાં નહોતો, તેના બદલે ત્યાં ગજબની એકાગ્રતા અને સ્થિરતા હતી. એ હતી ડોક્ટર નિરાલી. પરિસ્થિતિને ક્ષણવારમાં પામી જવાની અને ગમે તેવા કપરા સંજોગોમાં મક્કમ નિર્ણય લેવાની તેનામાં અદભૂત આવડત હતી. તે માત્ર પોતે જ શાંત નહોતી રહેતી, પણ સામેવાળી વ્યક્તિને પણ પોતાની સ્થિરતાથી સંભાળી લેવામાં પાવરધી હતી.

વિસ્મયની હાંફળીફાંફળી હાલત જોઈને તેણે શાંત પણ મક્કમ અવાજે કહ્યું, "શાંત પડો ઓફિસર! પહેલા તેમને સ્ટ્રેચર પર સુવડાવો." નિરાલીનો અવાજ મધુર હતો, પણ તેમાં રહેલી સત્તા વિસ્મયને શાંત કરી ગઈ. વિસ્મય હજુ પણ અસ્વસ્થ હતો, તેના અવાજમાં ચિંતા અને આગ્રહ ભળેલા હતા, "ડોક્ટર, આ મારો શ્રેષ્ઠ જવાન છે. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્લીઝ, ગમે તેમ કરીને તેને બચાવો, તેને કંઈ જ ન થવું જોઈએ. તેની સત્વરે સારવાર શરૂ કરો!"

ત્યારે ડૉ. નિરાલીએ વિસ્મયની આંખોમાં સીધું અને ઊંડાણપૂર્વક જોઈને કહ્યું, "ઓફિસર, અત્યારે સારવારની જરૂર તો તમને પણ છે!"

વિસ્મયે પોતાના જખમોની પરવા કર્યા વગર ઉતાવળે કહ્યું, "મારી ચિંતા ના કરશો, હું એકદમ ઠીક છું. તમે બસ મારા આ સાથીની સારવાર કરો, પ્લીઝ!"

ડૉ. નિરાલીએ તેની વાત કાપતા ગંભીરતાથી કહ્યું, "તમારા શરીર પર ઠેર-ઠેર દેખાતા લોહીના ડાઘ, આ ફાટી ગયેલી વર્દી અને તેની નીચે છુપાયેલા જખમ ચીસો પાડીને કહી રહ્યા છે કે તમારે પણ સારવારની જરૂર છે. તમે તમારું કામ ઈજાગ્રસ્તને અહીં સુધી પહોંચાડીને પૂરું કર્યું છે, હવે મને મારું કામ હોસ્પિટલમાં કરવા દો." તેણે તરત જ બાજુમાં ઉભેલી નર્સને આદેશ આપ્યો, "સિસ્ટર, ઝડપથી આ ઓફિસરના શરીર પર થયેલા જખમ ચકાસી જરૂરી ડ્રેસિંગ કરો." આટલું કહી, વિસ્મયના જવાબની રાહ જોયા વગર જ તેણે મક્કમ ડગલે ઓપરેશન થિયેટર તરફ પ્રયાણ કર્યું.

તેના ગયા પછી જ્યારે નર્સે આવીને વિસ્મયના ઘા સાફ કરી મલમ-પટ્ટી શરૂ કરી, ત્યારે વિસ્મયને ખરી વાસ્તવિકતાનું ભાન થયું. જીવ બચાવવાની ઉતાવળમાં તેને ખબર જ નહોતી રહી કે તે પોતે પણ અંશતઃ ઘાયલ થયો હતો. ડૉ. નિરાલીની પારખુ નજર હવે તેને સમજાઈ રહી હતી. વિસ્મય ઓપરેશન થિયેટરની બહાર બેસી રહ્યો. હોસ્પિટલની એ સુમસામ રાત્રે તેને પહેલીવાર એવો અહેસાસ થયો કે સફેદ કોટમાં સજ્જ આ સ્ત્રી પણ એક સૈનિક જ છે, જે કોઈ શસ્ત્ર વગર જિંદગીની લડાઈ લડી રહી છે. તેની બહાદુરી બંદૂકની ગોળીઓમાં નહીં, પણ તેની કાતર, સોય અને અડગ આત્મવિશ્વાસમાં હતી.

રામસિંહની સારવારના બહાને વિસ્મય અને નિરાલીની મુલાકાતો વધવા લાગી. એક દિવસ રામસિંહને વોર્ડમાં શિફ્ટ કર્યા પછી વિસ્મય નિરાલીને મળવા તેની કેબિનમાં ગયો. "ડોક્ટર, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. તમે મારા જવાનને નવજીવન આપ્યું છે."

નિરાલીએ હળવું સ્મિત કર્યું, "આભારની જરૂર નથી, કેપ્ટન વિસ્મય. આ મારી ફરજ છે. પણ હા, જો ખરેખર કંઈક કરવું હોય તો હવે તમારા પોતાના જખમોનું ધ્યાન રાખજો. આર્મી ઓફિસર છો એટલે લાપરવા રહેવું એ બહાદુરી નથી."

વિસ્મય નિરાલીની આ સ્પષ્ટવક્તા શૈલી પર મનોમન વારી ગયો. તેણે જોયું કે નિરાલી જેટલી સખ્ત ડ્યુટી પર હતી, એટલી જ કોમળ તે તેના સ્વભાવમાં હતી. તે રાત્રે વિસ્મયે તેની ડાયરીમાં લખ્યું: "પહાડોમાં રસ્તા બનાવવા સહેલા છે, પણ કોઈના હૃદય સુધી પહોંચવાનો રસ્તો આજે મને જડ્યો હોય તેવું લાગે છે."