Padchhayo - 19 in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 19

Featured Books
Categories
Share

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 19

🎖️ પ્રકરણ ૧૯: રણમેદાનનો રક્ષક અને રચનાકાર

લદ્દાખની એ હાડ થીજવતી ઠંડી હવે વિસ્મય માટે ટેવાઈ ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી તેના જીવનનો એકમાત્ર મંત્ર હતો—'દેશસેવા'. તેની ઇજનેરી બુદ્ધિ અને સૈન્ય પ્રત્યેના સમર્પણે તેને સેનાના ઉચ્ચ અધિકારીઓની નજરમાં એક તેજસ્વી ઓફિસર તરીકે સ્થાપિત કરી દીધો હતો. વિસ્મય હવે માત્ર પુલો બનાવનારો એન્જિનિયર નહોતો, પણ વ્યૂહાત્મક અભિગમ સાથે કામગીરી પૂર્ણ કરનારો, મહત્વના રસ્તાઓ કંડારનારો અને એક કુશળ યોદ્ધા પણ હતો. તેના પરિવાર માટે તે ગૌરવનું પ્રતીક બની ગયો હતો, પણ વિધાતાના ગર્ભમાં હજી એક એવો અધ્યાય બાકી હતો જે તેની બુદ્ધિ અને બહાદુરીની આખરી કસોટી કરવાનો હતો.

એક સુમસામ અને હાડ થીજવતી ઠંડી કાળી રાત્રે, જ્યારે આખું સૈન્ય મથક બરફની ચાદર નીચે પોઢી રહ્યું હતું, ત્યારે અંધારી રાત્રિના ભયાનક સન્નાટાને ચીરતા તીવ્ર અવાજ સાથે વિસ્મયના કંટ્રોલ રૂમમાં રેડિયો સિગ્નલ ગુંજી ઉઠ્યા. એ કરકશ અવાજમાં છુપાયેલી ગંભીરતા કોઈપણ સૈનિકના લોહીમાં ધબકારા વધારી દે તેવી હતી. સામે છેડે તેના ઉપરી અધિકારી કર્નલ રાઘવનો અવાજ અત્યંત ચિંતાતુર હતો:

"લેફ્ટનન્ટ વિસ્મય, રિપોર્ટ ઈમીજીએટલી! આપણી છાવણીથી ૩૦ કિલોમીટર દૂર પશ્ચિમ સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. તેમણે ગામોને જોડતા મુખ્ય સપ્લાય રસ્તા પર શક્તિશાળી બોમ્બ ધડાકા કરીને પહાડી રસ્તાનો મોટો હિસ્સો તોડી પાડ્યો છે. એટલું જ નહીં, આગળના ગામોમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરીને અનેકને જખમી કર્યા છે અને કેટલાકને બંદી બનાવી ત્યાં પોતાનો કબજો જમાવી દીધો છે. આપણી ઇન્ફન્ટ્રી અને કમાન્ડોઝની ટુકડી ત્યાં પહોંચવા તૈયાર છે, પણ ત્યાં પહોંચવાનો એકમાત્ર રસ્તો સદંતર તૂટી જવાને કારણે સેનાની ગાડીઓ આગળ વધી શકતી નથી. જો આપણે ઝડપથી ત્યાં ન પહોંચ્યા, તો દુશ્મન નિર્દોષ ગ્રામવાસીઓને નિશાન બનાવશે. વિસ્મય, તારી ટીમને લઈને અત્યારે જ રવાના થા! ગમે તે રીતે, ગમે તે ભોગે રસ્તો ચાલુ કર! અત્યારે આખી સેનાનો વિશ્વાસ અને નિર્દોષોની જીવનની આશ માત્ર તારી ટીમ પર રહેલી છે."

વિસ્મયે પૂરી સજ્જતા અને અડગ વિશ્વાસ સાથે વળતો જવાબ આપ્યો: "ડોન્ટ વરી સર! હું અત્યારે જ મારી ટીમ સાથે નીકળું છું. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હશે, પણ હું તમામ પ્રયત્નો કરીને સત્વરે રસ્તો ચાલુ કરી જ દઈશ. આ મારો દેશને વાયદો છે!"

વિસ્મયે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની ખાસ ટીમ—જેને તે પ્રેમથી 'ઈજનેરી યોદ્ધા' કહેતો હતો—તેમને એલર્ટ કર્યા. આમ તો પ્રોટોકોલ મુજબ પહેલા સ્થળ પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવવો પડે અને પછી જરૂરિયાત મુજબ સાધન-સામગ્રી મંગાવવી પડે, પરંતુ વિસ્મય જાણતો હતો કે આજે સમયની કિંમત લોહી કરતા પણ વધુ છે. જો તે ખાલી હાથે ત્યાં જાય અને પછી મશીનરી મંગાવે, તો ત્યાં સુધીમાં દુશ્મન પોતાનું કામ કરી ચુક્યો હોય.

તેણે પોતાની સૂઝબૂઝથી જોખમ લીધું. ટ્રકોમાં પથ્થરો, મેટલ, માટી અને ભારે મશીનરી જેવી કે જેસીબી (JCB), ક્રેન અને વાઇબ્રેટરી રોલર્સ સાથે આખો કાફલો અંધારામાં જ રવાના થયો. પહાડી રસ્તાઓ પર રાત્રિના સમયે આટલી મોટી મશીનરી લઈને નીકળવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું હતું, પણ વિસ્મયના મનમાં પિતાનો એ શબ્દ હથોડાની જેમ ગુંજતો હતો: "એન્જિનિયરિંગ એ માત્ર બાંધકામ નથી, એ મુશ્કેલીમાં રસ્તો શોધવાની કળા છે."

ઘટનાસ્થળે પહોંચતા જ વિસ્મયની નજર સામે જે દ્રશ્ય હતું તે હૃદય કંપાવી દે તેવું હતું. શક્તિશાળી બોમ્બ ધડાકાને કારણે પહાડની વચ્ચેથી પસાર થતો આખો રસ્તો છિન્ન-ભિન્ન થઈ ગયો હતો. રસ્તાની લંબાઈમાં ઠેર-ઠેર મોટા મોટા ગાબડાં પડ્યા હતા અને પહાડ ઉપરથી વિરાટ શિલાઓ તૂટી પડવાને કારણે આખો માર્ગ પુરાઈ ગયો હતો. રસ્તાની એક તરફની આખી ધાર નદીમાં ધસી પડી હતી, જેને કારણે ત્યાં માત્ર ખાઈ જ બાકી રહી હતી.

આ ખાડાઓને પૂર્યા વગર અને શિલાઓને હટાવ્યા વગર સેનાની એક પણ ગાડી આગળ વધી શકે તેમ નહોતી. સામે છેડેથી ગામડાઓમાંથી સતત આવતા ગોળીબારના અવાજો અને લાચાર લોકોની ચીસો રાત્રિના સન્નાટામાં ગુંજી રહી હતી. આ અવાજો વિસ્મયના હૃદયમાં એક અજીબ ઉન્માદ અને આક્રોશ જગાવી રહ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે પહાડને થોડો વધારે કોતરીને ગાડી પસાર થઈ શકે તેટલો નવો માર્ગ તૈયાર કરવાનો હતો અને સાથે જ રસ્તા પર પડેલી શિલાઓને હટાવી સપાટીને પરિવહન માટે ખુલ્લી કરવાની હતી.

વિસ્મયે ટોર્ચના તેજ અજવાળે ખાડાઓ અને માર્ગનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. તેની પાસે પરંપરાગત પુલ બનાવવાનો કે લાંબો સમય વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેણે પૂરા જોશથી પોતાની ટીમને બૂમ પાડી:

"ઈજનેરી યોદ્ધાઓ, તૈયાર થઈ જાઓ! આપણી પાસે પ્લાન બદલવાનો સમય નથી, આપણે સીધું પુરાણ શરૂ કરવાનું છે. જે મોટી શિલાઓ પહાડ પરથી ધસી આવી છે, તેને તોડનારા મશીનો (Breakers) લગાવો અને તે પથ્થરોને તોડીને ઝડપથી પેલા ઊંડા ખાડાઓમાં નાખો. જરૂર પડે તો પહાડની સાઈડને કોતરીને રસ્તો પહોળો કરી નાખો! કુદરતી પથ્થરોની વચ્ચે રહેલા પોલાણમાં મેટલ અને માટીનું મિશ્રણ ભરીને તેને તાત્કાલિક લેવલ કરો અને તેના પર રોલર ચલાવીને મહત્તમ કોમ્પેક્શન (Compaction) લાવો!"

વિસ્મય પોતે પણ મશીનરીની સાથે મેદાનમાં ઉતર્યો. એક તરફ જેસીબી (JCB) પહાડની માટી ખોદી રહ્યું હતું, તો બીજી તરફ ક્રેન દ્વારા પથ્થરો ગોઠવવામાં આવી રહ્યા હતા. વિસ્મયની સૂચના મુજબ, જવાનોએ લેબર અને મશીનરીની મદદથી  પહાડની બાજુને કોતરીને સેનાની ટ્રકો અને નાના વાહનો પસાર થઈ શકે તેટલી જગ્યા બનાવી લીધી. ખાડાઓમાં પથ્થરો નાખ્યા બાદ, તેના પર મેટલ અને માટીનું સ્તર બિછાવવામાં આવ્યું.

કાતિલ પવન અને દુશ્મનના જોખમ વચ્ચે, 'ઈજનેરી યોદ્ધાઓ' એ જીવના જોખમે રોલર ફેરવવાનું શરૂ કર્યું. વિસ્મય દરેક મિનિટે રસ્તાની મજબૂતી તપાસતો હતો. તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું: આ રસ્તો એટલો મજબૂત હોવો જોઈએ કે પાછળ આવી રહેલા વાહનોનાં  વજન પણ તે સહન કરી શકે.

બરાબર ત્રણ કલાકના સંઘર્ષ પછી, પરસેવે રેબઝેબ થયેલા વિસ્મયે આખરે તૈયાર થયેલા રસ્તાની ચકાસણી કરી કર્નલ સામે વિજયી અંગૂઠો બતાવ્યો. સેનાનો માર્ગ હવે મોકળો હતો.

કર્નલે જોયું કે જે કાર્ય અશક્ય લાગતું હતું, તે વિસ્મયે પોતાની અતૂટ જિદ્દ અને બુદ્ધિથી કરી બતાવ્યું હતું. પથ્થર, મેટલ અને માટીનું એ ‘કોમ્પેક્શન’ એટલું મજબૂત હતું કે સેનાની ભારેખમ ટ્રકો અને ટેન્કોનું વજન પણ તે સહન કરી શકે તેમ હતું.

"ગો... ગો... ગો!" કર્નલનો પ્રચંડ આદેશ છૂટ્યો. વિસ્મયના બનાવેલા એ કામચલાઉ છતાં અજેય રસ્તા પરથી ભારતીય સેનાના કાફલાએ ગર્જના કરી. ચારેબાજુ ગગનચુંબી પહાડો અને વચ્ચે ધસમસતી વિશાળ નદી; આ જ પહાડોની પાછળ પેલું અસરગ્રસ્ત ગામ હતું. આતંકવાદીઓએ અત્યંત ચાલાકીથી આ એકમાત્ર રસ્તાને નુકસાન પહોંચાડી સેનાને રોકી રાખવાનું કાવતરું ઘડ્યું હતું, પણ વિસ્મયની ઇજનેરી સૂઝબૂઝે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. સેનાના કમાન્ડો એ સાંકડા પર્વતીય માર્ગ પરથી વાયુવેગે પસાર થઈ ગામ સુધી પહોંચ્યા. ત્યાં આતંકવાદીઓ સાથે સીધી બાથ ભીડી, તેમને ઠાર કર્યા અને બંદીવાન નાગરિકોને લોખંડી પકડમાંથી મુક્ત કરાવ્યા.

જ્યારે બીજી બાજુ, કાફલાની છેલ્લી ટ્રક પસાર થઈ ગયા બાદ વિસ્મય પેલા રસ્તાના કિનારે નિરાંતે બેસી ગયો. તે અત્યાર સુધી અદ્ધર શ્વાસે બેઠો હતો, તેનું મન સતત વિચારોમાં હતું કે સેના ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી વિજયી થાય. તેનું શરીર કલાકોની સખત મહેનત અને હાડ થીજવતી ઠંડીથી થાકેલું હતું, પણ મન પોતાની ફરજમાં મળેલી સફળતાના ઉલ્લાસથી ગુંજતું હતું. આજે તેણે સાબિત કરી દીધું હતું કે રણમેદાનમાં શસ્ત્રો જેટલી જ તાકાત એક એન્જિનિયરની 'કલમ' અને 'કૌશલ્ય'માં હોય છે. વિસ્મયના આ સાહસે તેને સેનામાં સાચા અર્થમાં 'ધ રિયલ આર્કિટેક્ટ ઓફ લદ્દાખ' બનાવી દીધો.

પરંતુ તેની ફરજ હજી પૂરી થઈ નહોતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. વિસ્મયે જરા પણ મોડું કર્યા વગર પોતાની ટીમની મદદથી એ વીર જવાનોને સાવચેતીપૂર્વક ગાડીમાં બેસાડ્યા અને પોતે આગળ રહીને ગાડી સેનાની હોસ્પિટલ તરફ ભગાવી દીધી. તેની માટે આ માત્ર પથ્થરોનો રસ્તો નહોતો, પણ જિંદગીઓ બચાવવાનો સેતુ હતો.