પવન ૨૦૪ કિલોમીટર પ્રતિ કલાકની ઘાતક ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વાતાવરણમાં વરસાદી માહોલ હોવા છતાં, ધરતી તરસતી હતી; વરસાદનું નામનિશાન નહોતું. પવનની ગતિ સતત અને સખત વધતી જતી હતી. ઘરના છાપરાં, કાચાં મકાનો અને જર્જરિત ઝૂંપડાં કાગળની હોડીની જેમ હવામાં ફંગોળાઈ રહ્યાં હતાં. ગગનચુંબી ઇમારતો પણ ત્યાં સુધી જ સલામત હતી, જ્યાં સુધી પવનની મહાકાય અદ્રશ્ય દીવાલો તેને પોતાની ઝપટમાં નહોતી લેતી. શહેરના લગભગ તમામ નાગરિકો સુરક્ષિત 'આશ્રયગૃહો' માં ખસી ગયા હતા, છતાં ત્યાં પણ મોતનો ભય દરેકના ચહેરા પર સ્પષ્ટ વંચાતો હતો.
હવામાન વિભાગની ચેતવણી સ્પષ્ટ હતી: "આ તો માત્ર શરૂઆત છે." પૃથ્વી પર મનુષ્ય દ્વારા થયેલો જંગલોનો વિનાશ, બેફામ સ્થપાયેલાં ઔદ્યોગિક નગરો અને ઔદ્યોગિક વિસ્તારોએ કુદરતનું સંતુલન ખોરવી નાખ્યું હતું, જેના પરિણામે આબોહવામાં ભયજનક પરિવર્તન આવ્યું હતું. આશ્રયગૃહમાં ભયના સન્નાટા વચ્ચે અચાનક એક બાળકના રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. બહાર ચાલી રહેલા વિનાશના તાંડવ વચ્ચે, આ રુદન જીવનની એક નવી આશા સમાન હતું. કેનેબરા સ્ટેટના આ આશ્રયગૃહમાં એક બાળકીનો જન્મ થયો હતો. બહાર વાવાઝોડાની ગર્જના હતી, તેથી માતા-પિતાએ બાળકીનું નામ આપ્યું— 'સ્ટોર્મ'.
અહીં આકાશમાંથી એક નહીં, પણ અનેક વાવાઝોડાં કોઈ સીડીની જેમ જમીન પર ઉતરી રહ્યાં હતાં અને એકબીજા સાથે ટકરાઈ રહ્યાં હતાં. આવા પ્રતિકૂળ સંજોગોમાં સ્ટોર્મનો ઉછેર થયો. જેમ જેમ તે મોટી થતી ગઈ, તેની માતાએ તેને કુદરતી આપત્તિઓ સામે લડવાનું શિક્ષણ આપ્યું. આ બાળપણના સંસ્કારોએ તેને હવામાન વિભાગ સુધી પહોંચાડી. તે એક તેજસ્વી વૈજ્ઞાનિક બની, પણ તેના મગજમાં એક જ સવાલ ઘૂમરાતો હતો: "વાવાઝોડાની બહાર વિનાશ છે, પણ તેના કેન્દ્રમાં શું હશે? ત્યાં શાંતિ હશે કે શૂન્યવકાશ?"
વર્ષો વીત્યાં અને ફરી એકવાર પ્રકૃતિ કોપાયમાન થઈ. હવામાન વિભાગે 'તાત્કાલિક ચેતવણી' જાહેર કરી અને તમામ વૈજ્ઞાનિકોને ભૂગર્ભ કાર્યાલયમાં કામ કરવા આદેશ આપ્યો. પરંતુ સ્ટોર્મ માટે આ ડર નહીં, પણ તક હતી. તેને તેના સાથીદાર જેકબની મજાક યાદ આવી: "વાવાઝોડાનું સત્ય જાણવું હોય, તો તેની અંદર ઉતરવું પડે." સ્ટોર્મે નિર્ણય કરી લીધો. જેકબ અને અન્ય સાથીઓના વિરોધ છતાં, તે જરૂરી સાધનો, સંવેદનશીલ યંત્રો અને કેમેરા સાથે એકલી નીકળી પડી. તેનું પહેલું સાહસ નિષ્ફળ રહ્યું; તેની કાર વાવાઝોડાના પ્રચંડ બળ સામે ટકી ન શકી અને ફંગોળાઈ ગઈ. તે માંડ માંડ બચી. પરંતુ હાર માને તે સ્ટોર્મ નહીં!
તેનો સાથી જ્હોન તેને મદદ કરવા આવી પહોંચ્યો. વાહનો નકામાં હતાં, તેથી બંનેએ જીવ સટોસટનું જોખમ ખેડ્યું. તેઓ એક સૂકી ભૂગર્ભ પાણીની સુરંગ વાટે વાવાઝોડાના માર્ગની નીચે પહોંચ્યા. જ્યારે વાવાઝોડું બરાબર તેમની ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સ્ટોર્મે કમરે દોરડું બાંધ્યું અને સુરંગના ઢાંકણામાંથી બહાર નીકળી સીધી વાવાઝોડાના મુખમાં ઝંપલાવ્યું.
બહારનું દ્રશ્ય અકલ્પનીય હતું. વાવાઝોડાની બરાબર વચ્ચે પહોંચતાં જ, ભયાનક પવન શાંત થઈ ગયો હતો. ત્યાં ગુરુત્વાકર્ષણના નિયમો જાણે બદલાઈ ગયા હતા. સ્ટોર્મ જમીન પરથી ઉંચકાઈ અને હવામાં તરવા લાગી. તેણે પોતાની કમરે બાંધેલું સુરક્ષા દોરડું છોડી દીધું અને કુદરતના આ રૌદ્ર સ્વરૂપ સાથે એકાકાર થઈ ગઈ. કલાકો સુધી તે વાવાઝોડાના ગર્ભમાં રહી. તેણે જોયું કે કેવી રીતે ગરમ અને ઠંડી હના પ્રવાહો એકબીજા સાથે ભળીને ઊર્જા ઉત્પન્ન કરે છે. તેણે વાવાઝોડાંઓના ટકરાવ અને વિલયની પ્રક્રિયા તેના કેમેરા અને યંત્રોમાં કેદ કરી લીધી. આ એવી માહિતી હતી જે આજ સુધી કોઈ મનુષ્ય મેળવી શક્યો નહોતો.
જેમ જેમ વાવાઝોડાની શક્તિ ક્ષીણ થતી ગઈ, તેમ તેમ સ્ટોર્મ ધીરે ધીરે નીચે તરફ આવતી ગઈ. જ્યારે વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ ગયું, ત્યારે કોઈ મહાનાયકની જેમ સ્ટોર્મ ધીરેથી ભીની જમીન પર ઉતરી. તેની આસપાસ કાટમાળ હતો, પણ તેના ચહેરા પર એક અનોખી ચમક હતી. તે થાકેલી હતી, પણ હારેલી નહીં.
તે ઓફિસ પાછી ફરી ત્યારે તેની પાસે માત્ર અનુભવ નહીં, પણ ભવિષ્ય હતું. તેણે એકત્ર કરેલી માહિતીના આધારે વૈજ્ઞાનિકોએ વાવાઝોડાની વર્તણૂક સમજવા માટેના નવા સમીકરણો બનાવ્યા. સ્ટોર્મના આ સંશોધનથી દુનિયાભરમાં ક્રાંતિ આવી ગઈ. હવે વાવાઝોડું ક્યાં ત્રાટકશે તેની ૧૦૦% સચોટ માહિતી ૪૮ કલાક પહેલાં મળવી શક્ય બની અને તેની માહિતીના આધારે એવું મટીરિયલ શોધાયું જે ૨૦૦ કિમીની ઝડપના પવનને પણ ખમી શકે. સરકારે એક ભવ્ય સમારોહમાં સ્ટોર્મને "સાહસિક વૈજ્ઞાનિક" અને "ભવિષ્યની રક્ષક" નો ખિતાબ એનાયત કર્યો. તેની શોધને "સદીની મહાન શોધ" તરીકે બિરદાવવામાં આવી. સ્ટોર્મ માત્ર વાવાઝોડામાં જન્મી નહોતી, તેણે વાવાઝોડાને જીતી લીધું હતું. તે સાબિત કરી ચૂકી હતી કે વિનાશની વચ્ચે પણ સર્જનની શક્યતા રહેલી