Rajvadu in Gujarati Horror Stories by Hardik Galiya books and stories PDF | રજવાડું

Featured Books
Categories
Share

રજવાડું

કચ્છનું સફેદ રણ... જાણે પૃથ્વીએ વૈરાગ્ય ધારણ કરીને ઓઢેલી શ્વેત ચાદર. ક્ષિતિજ સુધી વિસ્તરેલા આ શૂન્યતાના સમંદરમાં, જ્યાં સૂર્ય પણ દઝાડતો નહીં પણ ડામ દેતો હોય તેમ તપતો હતો, ત્યાં કાળના પ્રહરી સમાન એક હવેલી અડીખમ ઊભી હતી—'રજવાડું'.

     મુંબઈથી નીકળેલા યુવાન આર્કિટેક્ટ આરવની જીપ જ્યારે ભુજથી આગળ રણના કાચા રસ્તે ચડી, ત્યારે વાતાવરણમાં એક ભારેખમ મૌન પથરાઈ ગયું હતું. જીપીએસ કામ કરતું બંધ થઈ ગયું હતું. રસ્તો પૂછવા માટે આરવે જીપ એક નાના, જર્જરિત ઝૂંપડા પાસે ઉભી રાખી. ઝૂંપડાની બહાર લીમડાના સુકાઈ ગયેલા ઝાડ નીચે એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી.

     તેનો દેખાવ વિચિત્ર હતો. ચામડી પર કરચલીઓનું જાળું હતું, આંખોમાં મોતિયાની સફેદી હતી અને ગળામાં કાળા દોરા સાથે અનેક તાવીજ બાંધેલા હતા. ગામલોકો તેને 'ડાકણ' કહેતા, પણ તે તો આ વેરાન પ્રદેશની ચોકીદાર હતી.

      આરવે નીચે ઉતરીને પૂછ્યું, "માજી, આ 'રજવાડું' હવેલીનો રસ્તો કઈ તરફ જાય છે? 

     'રજવાડું' શબ્દ સાંભળતા જ ડોશીના હાથમાં રહેલી માળા અટકી ગઈ. તેણે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની નિસ્તેજ આંખો આરવના ચહેરા પર સ્થિર થઈ. એક ક્ષણ માટે આરવને લાગ્યું કે આ ડોશી તેને જોઈ નથી રહી, પણ તેની આરપાર જોઈ રહી છે.

     "પાછો આવ્યો?" ડોશીનો અવાજ ફાટેલા વાંસ જેવો કર્કશ પણ ભેદી હતો.
 
     "મેં કીધું હતું ને... લોહી લોહીને ખેંચશે. પથ્થરો સાદ પાડશે."

     "તમે કોની વાત કરો છો? હું તો પહેલીવાર આવ્યો છું. હું આર્કિટેક્ટ છું..."ગભરાયેલા અવાજમાં બોલ્યો.

      ડોશી વિચિત્ર રીતે હસી. 

     એ હાસ્યમાં ખુશી નહોતી, એક પ્રકારની કરુણતા હતી. તે પોતાની લાકડીના ટેકે ઊભી થઈ અને પોતાના કમરપટ્ટામાંથી એક જૂની, કાટ ખાધેલી, પિત્તળની ભારે ચાવી કાઢી. તેણે એ ચાવી આરવના હાથમાં મૂકી. ચાવી મૂકતી વખતે તેનો ખરબચડો હાથ આરવના હાથને સ્પર્શ્યો અને આરવને એક ઝટકો લાગ્યો—જાણે કરંટ પસાર થયો હોય!

     "લે, સંભાળ તારી અમાનત," ડોશીએ કહ્યું. 

     "વર્ષોથી આ લોખંડનો ભાર મારા જીવ પર હતો. માલિકો તો ઘણા આવ્યા ને ગયા, પણ આ તાળું કોઈનાથી નથી ખૂલ્યું. આ ચાવી એના જ હાથમાં શોભે જેનું લોહી એ ઈંટોમાં ભળેલું હોય."

     "પણ માજી, આ હવેલી વિશે લોકો કહે છે કે..." આરવ કંઈક પૂછવા જતો હતો.
ડોશીએ તેને અટકાવ્યો. તેની આંખોમાં હવે ભય હતો.
 
     "ત્યાં કોઈ નથી, અને છતાંય ત્યાં 'કોઈક' છે. જે અધૂરું મૂકીને ગયો છે, એ જ પૂરું કરી શકશે. જા, દીકરા... "

     ડોશી ઝૂંપડાથી થોડે દૂર ગયા બાદ, રસ્તામાં એક નાનકડું, પુરાણું શિવ મંદિર આવ્યું. રણની બળબળતી લૂમાં આરવને ગળું સુકાતું લાગ્યું, તેથી પાણીની આશાએ તેણે મંદિર પાસે જીપ ઊભી રાખી.

     મંદિરના ઓટલે બેઠેલા વૃદ્ધ પૂજારીના કપાળ પર ભસ્મનું ત્રિપુન્ડ હતું અને આંખોમાં સાધુ જેવી ગંભીરતા હતી. આરવે પાણી માંગ્યું અને પૂજારીએ માટીના ઘડામાંથી શીતળ પાણી ભરી આપ્યું.

     પાણી પીતા આરવને જોઈ પૂજારીએ પૂછ્યું, "ક્યાં જઈ રહ્યો છે, દીકરા?"

     "પેલું સામે દેખાય એ 'રજવાડું' હવેલીએ. હું આર્કિટેક્ટ છું, ત્યાંના જીર્ણોદ્ધાર માટે..."

     'જીર્ણોદ્ધાર' શબ્દ સાંભળતા જ પૂજારીના હાથમાંથી પાણીનો લોટો છટકી ગયો. તેમના ચહેરા પરનો સૌમ્ય ભાવ અચાનક ભયમાં ફેરવાઈ ગયો. તેમણે આરવને રોકવા કે સમજાવવા કોઈ દલીલ ન કરી, જાણે તેઓ જાણતા હતા કે હવે બહુ મોડું થઈ ગયું છે. સામે ઉભેલો યુવાન માત્ર મુસાફર નથી, પણ કોઈ જૂનો શિકાર છે. તેમણે ધ્રૂજતા હાથે આરવના માથે હાથ મૂક્યો અને આંખો બંધ કરી દીધી. વાતાવરણમાં એકાએક ભારેખમ મૌન છવાઈ ગયું અને પૂજારીના મુખેથી ગંભીર નાદ ગુંજી ઉઠ્યો:

          આત્માનં સતતં રક્ષેત્, કવચેનાનેન શંકર: ।
          વારમેકં વા જપેદ્યસ્તુ, સ દિવ્યં કવચં લભેત્ ॥

     આરવ કંઈ બોલે તે પહેલાં પૂજારીનો અવાજ વધુ ઘેરો અને સ્પષ્ટ બન્યો, જાણે તેઓ આરવની આસપાસ એક સુરક્ષા ચક્ર રચી રહ્યા હોય:

          ૐ મૃત્યુંજયાય રુદ્રાય, નીલકંઠાય શંભવે ।
          અમૃતેશાય શર્વાય, મહાદેવાય તે નમઃ ॥

     છેલ્લે, પૂજારીએ આંખો ખોલી. તેમની આંખોમાં આરવ માટે અપાર કરુણા હતી. તેમણે માત્ર એટલું જ કહ્યું,
 
     "બેટા, ત્યાં પથ્થરોનો ઉદ્ધાર ભલે થાય, પણ અતૃપ્ત આત્માની શાંતિ નથી મળતી. જ્યારે ભય તારી સામે આવીને ઊભો રહે, ત્યારે આટલું બોલજે..."

           પ્રભો પાહિ આપન્નમામીશ શંભો ॥

     " મહાદેવ સદાય રક્ષણ કરે" આટલું કહી પૂજારી પાછા શિવલિંગના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. 
     
     આરવનું તાર્કિક મન ક્ષણભર માટે ડગમગી ગયું, આ મંત્રોચ્ચારથી તેના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. પણ તેણે મન મક્કમ કર્યું અને જીપ ફરી ચાલુ કરી. થોડે દૂર ગયા પછી 'રજવાડું' હવેલી સ્પષ્ટ દેખાવા લાગી. પૂજારીના મંત્રો હજુ તેના કાનમાં ગુંજતા હતા. તે હવેલીના વિશાળ દરવાજા પાસે પહોંચ્યો. ડોશીએ આપેલી પેલી પિત્તળની ચાવી તેના હાથમાં ધ્રૂજવા લાગી. આરવે કાંપતા હાથે તાળામાં ચાવી નાખી.

ખટાક!

     વર્ષોથી બંધ તાળું એક જ ઝાટકે ખૂલી ગયું. દરવાજાના તોતિંગ મજાગરા કણસ્યા, જાણે કોઈ વૃદ્ધ છાતીમાંથી ઊંડો નિસાસો નીકળ્યો હોય. અંદર પગ મૂકતાં જ, સદીઓથી કેદ થયેલી હવાની એક શીતળ લહેરખી આરવને વીંટળાઈ વળી. બહાર રણનો ધગધગતો તાપ હતો, પણ અંદર એક ભેદી ઠંડક હતી—જેવી કોઈ કબ્રસ્તાનમાં હોય. આરવ મુખ્ય ખંડ (ચોક) માં દાખલ થયો. સામે જ એક વિશાળ આંગણું હતું, જેની મધ્યમાં સુકાયેલો તુલસી ક્યારો હતો. ઉપરની છત ખુલ્લી હતી, જ્યાંથી સૂર્યના કિરણો ધૂળના રજકણો સાથે નૃત્ય કરતા નીચે ઉતરી રહ્યા હતા. આસપાસ ઉભેલા સાગના લાકડાના મજબૂત થાંભલાઓ પર ઝીણી કોતરણી હતી, જેમાં હાથી, ઘોડા અને અપ્સરાઓની આકૃતિઓ ધૂળના થર નીચે ઢંકાયેલી હોવા છતાં જીવંત લાગતી હતી.ઉપરની છત પરથી લટકતું એક વિશાળ બેલ્જિયમ કાચનું ઝુમ્મર હવે કરોળિયાના જાળાનું ઘર બની ગયું હતું, પણ તેનો રાજસી ઠાઠ હજુય અકબંધ હતો. ખૂણામાં પડેલા રાજવી અસબાબ પર સફેદ ચાદરો ઢાંકેલી હતી, જે અંધારામાં કોઈ બેઠેલા પ્રેત જેવી ભાસતી હતી. વાતાવરણમાં જૂના લાકડા, ભીની માટી અને... આશ્ચર્યજનક રીતે, સુકાયેલા ગુલાબ અને મોઘા અત્તરની એક બહુ જ આછી સુગંધ ભળેલી હતી. જાણે હમણાં જ કોઈ અહીંથી પસાર થયું હોય!
આરવ આગળ વધ્યો. તેના બૂટના અવાજથી આખી હવેલીમાં પડઘા પડ્યા. તે લાકડાની સીડીઓ પાસે આવ્યો. સીડીની દિવાલ પર પૂર્વજોના મોટા તૈલચિત્રો લટકતા હતા. ધૂળને કારણે ચહેરા ઝાંખા હતા, પણ આરવને લાગ્યું કે એ ચિત્રોની આંખો તેની સાથે-સાથે ફરી રહી છે. તેણે દરવાજો હડસેલ્યો. સામે એક મોટો ઝરૂખો હતો, જેમાંથી રણની ચાંદી જેવી રેતી દેખાતી હતી. ઓરડાના ખૂણામાં એક ઈઝલ (ચિત્ર દોરવાનું સ્ટેન્ડ) પડ્યું હતું અને તેના પર ધૂળથી ઢંકાયેલું એક અધૂરું ચિત્ર હતું.

     આરવે ધૂળ ખંખેરીને જોયું તો તેમાં એક સ્ત્રીની માત્ર આંખો દોરેલી હતી! પણ એ આંખોમાં એટલી ગહેરાઈ હતી કે આરવ થીજી ગયો. તેને થયું કે આ આંખો તેણે ક્યાંક જોઈ છે... ક્યાંક બહુ નજીકથી અનુભવી છે. અચાનક તેના માથામાં સખત દુખાવો ઉપડ્યો અને આંખો સામે કોઈક ધૂંધળા દ્રશ્યો તરવરવા લાગ્યા—
     ઘોડાઓના ડાબલાનો અવાજ,

     ઝાંઝરનો રણકાર અને એક વાક્ય... 

     "હું તમારી પ્રતીક્ષા કરીશ, અનંત કાળ સુધી..."
 
     "કોણ છે ત્યાં?" પાછળથી આવેલા અવાજે આરવને વર્તમાનમાં ખેંચી લીધો.

      આરવ ચમક્યો. તેણે પાછળ ફરીને જોયું. દરવાજા પર એક યુવતી ઉભી હતી. સાદો સુતરાઉ ડ્રેસ, હાથમાં પૂજાની થાળી અને ચહેરા પર નિર્દોષતા.

     "હું... હું આરવ છું. આર્કિટેક્ટ," આરવ થોથવાયો. પેલી યુવતી થોડીવાર તેને તાકી રહી. તેની આંખો... અરે! આ તો એ જ આંખો હતી જે પેલા અધૂરા ચિત્રમાં હતી. આરવનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું.

     "હું વૃંદા," તેણે કહ્યું. "અહીં બાજુના મંદિરમાં પૂજારીની દીકરી છું. અમે જ આ હવેલીની દેખરેખ રાખીએ છીએ." તેની નજર આરવ પરથી હટતી નહોતી. જાણે તે પણ આરવમાં કંઈક શોધી રહી હતી.

     દિવસો વીતતા ગયા તેમ આરવ અને વૃંદા વચ્ચે એક મૌન સંવાદ રચાતો ગયો. આરવ જ્યારે હવેલીની ડિઝાઈન કરતો, ત્યારે વૃંદા તેને જમવાનું કે પાણી આપવા આવતી. એક સાંજે સૂર્યાસ્ત સમયે, બંને પેલા ઝરૂખામાં બેઠા હતા.

     વૃંદા જવા માટે ઊભી થઈ બહારના રસ્તા તરફ આગળ વધી 

     અચાનક આરવ ઊભો થયો અને ચિત્ર તરફ આગળ વધ્યો અને બોલ્યો "વૃંદા..... " 

     વાતાવરણમાં હવે એક અલગ જ ભાર હતો. સંધ્યાના કેસરી રંગો ઓગળીને રાત્રિના ઘેરા અંધકારમાં વિલીન થઈ ગયા હતા. પૂનમનો ચાંદ પેલા ઝરોખામાંથી સીધો ઓરડામાં પ્રવેશી રહ્યો હતો, જાણે સદીઓ જૂના સાક્ષી તરીકે હાજર હોય. આરવની નજર પેલા અધૂરા કેનવાસ પર ચોંટી ગઈ હતી. તેનું મન કહેતું હતું કે 'આ માત્ર એક જૂનું ચિત્ર છે', પણ તેની આંગળીઓ સળવળી રહી હતી. જાણે તેના ટેરવાંઓમાં વર્ષો જૂની કોઈ કળા સજીવન થઈ રહી હોય. તેને ખબર નહોતી કે કેમ, પણ તે ધ્રૂજતા ડગલે ઈઝલ તરફ આગળ વધ્યો. ત્યાં પડેલી સુકાયેલી પીંછી અને જૂના રંગોની પેટી જોઈને તેને એક અજબ પ્રકારની ઓળખ ખાતર થઈ.

     વૃંદા હજુ પણ ત્યાં જ ઊભી હતી, શ્વાસ રોકીને. તે જાણતી હતી કે શું થવાનું છે.
આરવે પીંછી હાથમાં લીધી. જેવી તેની આંગળીઓ લાકડાની પીંછીને સ્પર્શી, કે તરત જ તેના શરીરમાં એક વીજળીનો ઝાટકો લાગ્યો. વર્તમાન સમયનો પડદો ચીરાઈ ગયો અને ભૂતકાળ ધસમસતો તેની આંખો સામે આવી ગયો.

     હવે તે આરવ નહોતો, તેના કાનમાં રણશિંગા ફૂંકાવાનો અવાજ ગુંજવા લાગ્યો. ઘોડાઓના ડાબલાનો અવાજ ધરતી ધ્રુજાવી રહ્યો હતો. તેની સામે આર્કિટેક્ટના સાધનો નહીં, પણ યુદ્ધના હથિયારો પડ્યા હતા. અને સામે ઊભેલી સ્ત્રી... એ વૃંદા નહીં, રાધા હતી!

    એક દ્રશ્ય તેની નજર સામે તરવરી ઉઠ્યું:

    એક યુવાન યોદ્ધા ઘોડા પર સવાર થતા પહેલાં રાધાને કહી રહ્યો હતો, "આ ચિત્ર આપણી સાક્ષી છે, રાધા. યુદ્ધના મેદાનમાં ભલે લોહી રેડાય, પણ મારું હૃદય અહીં આ રંગોમાં ધબકતું રહેશે. હું પાછો આવીશ... આ ભવમાં નહીં તો પરભવમાં, પણ આ ચિત્ર પૂરું કરવા હું આવીશ!"

     આરવની આંખોમાં આંસુ ધસી આવ્યા. આ આંસુ દુઃખના નહોતા, પણ સ્મૃતિના હતા.

     "માધવ..." તેના અંતરાત્મામાંથી અવાજ આવ્યો. "હું માધવ છું!"

     તેણે પીંછી રંગમાં બોળી. નવાઈની વાત એ હતી કે વર્ષો જૂના સુકાયેલા રંગો પણ, જાણે માલિકનો સ્પર્શ પામીને ભીના અને તાજા થઈ ગયા હતા. આરવનો હાથ હવે ધ્રૂજતો નહોતો. તે વાયુવેગે કેનવાસ પર ફરવા લાગ્યો. આ કોઈ આર્કિટેક્ટનો હાથ નહોતો, આ એક સિદ્ધહસ્ત ચિત્રકારનો હાથ હતો.

     વૃંદા તેને જોઈ રહી હતી. તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. સદીઓથી જે ક્ષણની રાહ જોવાતી હતી, તે આખરે આવી ગઈ હતી,ઓરડામાં એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ. માત્ર પીંછીનો કેનવાસ પર ચાલવાનો સરસરાટ સંભળાતો હતો. એક પછી એક રેખાઓ જોડાતી ગઈ. અધૂરી આંખોની નીચે નાક, ગુલાબી હોઠ, ગાલ પરનો તલ અને કપાળ પરની બિંદી... બધું જ આબેહૂબ ઊપસી આવ્યું. જ્યારે છેલ્લો લિસોટો મરાયો, ત્યારે ચંદ્રનો પ્રકાશ સીધો ચિત્ર પર પડ્યો.

ચિત્ર પૂરું થઈ ગયું હતું.

     એમાં દોરેલી સ્ત્રી બીજું કોઈ નહીં, પણ સાક્ષાત વૃંદા જ હતી! ફરક એટલો જ હતો કે ચિત્રમાં રહેલી સ્ત્રીના ચહેરા પર વિરહની વેદના નહીં, પણ મિલનનો આનંદ હતો.
આરવે પીંછી નીચે મૂકી. તેના ખભા પરનો ભાર ઉતરી ગયો હોય તેમ તે હાંફી રહ્યો હતો. તેણે ધીમેથી પાછળ ફરીને જોયું.

વૃંદા ત્યાં નોહતી...

     "વૃંદા!" આરવના ગળામાંથી નીકળેલી ચીસ ખાલી હવેલીના ગુંબજો સાથે અથડાઈને પાછી ફરી. ત્યાં કોઈ નહોતું. માત્ર હવામાં ઓગળતી જતી મોગરાની તીવ્ર સુગંધ અને દૂર... બહુ દૂર રણના વિસ્તારમાં શમી જતો ઝાંઝરનો ધીમો અવાજ હતો.

     આરવ પાગલની જેમ ઓરડાની બહાર દોડ્યો. તે સીડીઓ ઉતરીને સીધો પેલા શિવ મંદિર તરફ ભાગ્યો. તેના શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. મંદિરમાં સંધ્યા આરતી પૂર્ણ થઈ ચૂકી હતી. પેલો વૃદ્ધ પૂજારી શિવલિંગ પર જળ ચડાવી રહ્યો હતો.

     "મહારાજ! વૃંદા... વૃંદા ક્યાં ગઈ? એ અચાનક ગાયબ થઈ ગઈ!" આરવે હાંફતા હાથે પૂજારીનો ખભો પકડ્યો.

    પૂજારીએ ધીમેથી પાછળ ફરીને જોયું. તેમની આંખોમાં હવે ભય નહોતો, પણ એક પરમ શાંતિ હતી. તેમણે આરવના માથે હાથ મૂક્યો.

     "કોણ વૃંદા, બેટા?" પૂજારીએ શાંત અવાજે પૂછ્યું.

     "તમારી દીકરી! જે મારી સાથે હવેલીમાં હતી..."

      પૂજારીના ચહેરા પર એક વેદનામય સ્મિત ફરકી ગયું. તેમણે આંગળી ચીંધીને મંદિરના ખૂણામાં પડેલી એક જૂની તસવીર બતાવી. જેના પર સુકાયેલા હાર ચડાવેલા હતા. આરવે ધ્રૂજતા પગે નજીક જઈને જોયું. તસવીર એ જ છોકરીની હતી—વૃંદાની. નીચે તારીખ લખેલી હતી: સ્વર્ગવાસ - ૧૯૭૦.

     આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. "પણ... પણ એ તો હમણાં મારી સાથે હતી. એ જીવતી હતી!"

    "ના માધવ..." પૂજારીએ આરવને તેના પૂર્વજન્મના નામથી બોલાવ્યો. 
    "એ જીવતી નહોતી, એ તો માત્ર 'પ્રતીક્ષા' હતી. રાધાનો આત્મા સદીઓથી એ અધૂરા ચિત્રમાં કેદ હતો. એને મુક્તિ જોઈતી હતી, અને એ મુક્તિ માત્ર તારા—એટલે કે માધવના હાથે જ મળી શકે તેમ હતી. જ્યાં સુધી ચિત્ર અધૂરું હતું, ત્યાં સુધી તેનો આત્મા આ પૃથ્વી પર ભટકવા મજબૂર હતો."

     આરવને ડોશીના શબ્દો યાદ આવ્યા—'લોહી લોહીને ખેંચશે.'

     તે પાછો દોડતો હવેલીમાં ગયો. તે એ જ ખંડમાં આવ્યો જ્યાં ઈઝલ પર પેલું ચિત્ર હતું. ચાંદનીના પ્રકાશમાં હવે તે ચિત્ર દિવ્ય લાગતું હતું. ચિત્રમાં રહેલી રાધા (વૃંદા)ની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, બસ એક કૃતજ્ઞતા હતી. આરવને લાગ્યું કે જાણે ચિત્રમાંથી કોઈ કહી રહ્યું છે: "વચન પૂરું કરવા બદલ આભાર, માધવ. હવે હું મુક્ત છું."
અચાનક, રણમાંથી ફૂંકાતા પવનની દિશા બદલાઈ ગઈ. હવેલીમાં જે ભારેખમ અને ડરામણું વાતાવરણ હતું, તે એક પળમાં અલોપ થઈ ગયું. પેલી ભેદી ઠંડક ગાયબ થઈ ગઈ અને વાતાવરણમાં એક પવિત્ર શાંતિ પ્રસરી ગઈ.

    બીજે દિવસે સવારે, જ્યારે મુંબઈની ઓફિસમાંથી ફોન આવ્યો કે પ્રોજેક્ટનું શું થયું, ત્યારે આરવે માત્ર એટલું જ કહ્યું, "આ હવેલી હોટેલ નહીં બને."

     આરવે 'રજવાડું'ને તેની મૂળ સ્થિતિમાં જ સાચવી રાખ્યું. તેણે રિનોવેશન તો કર્યું, પણ તેને આધુનિક બનાવવા નહીં, પરંતુ તેના ઈતિહાસને અમર કરવા. પેલો ઓરડો, જેમાં રાધાનું ચિત્ર હતું, તેને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો—માત્ર એક દીવો ત્યાં અખંડ બળતો રહેતો.

     લોકો કહે છે કે હવે પૂનમની રાતે, કચ્છના સફેદ રણમાં, જ્યારે ચાંદની હવેલીના ઝરૂખાને અડકે છે, ત્યારે ત્યાં કોઈ અતૃપ્ત આત્માનો ભય નથી લાગતો, પણ ઝાંઝરનો એક મીઠો રણકાર સંભળાય છે... જાણે સદીઓ પછી બે પ્રેમીઓનું મિલન થયું હોય.
     આરવ હવે અવારનવાર ત્યાં જાય છે, આર્કિટેક્ટ તરીકે નહીં, પણ એ જ 'માધવ' તરીકે... પોતાની રાધાની સ્મૃતિમાં ઓગળવા માટે.