ભારતીય સંસ્કૃતિ એ જ્ઞાન, ત્યાગ અને અધ્યાત્મના પાયા પર રચાયેલી એક ભવ્ય અને પ્રાચીન ઇમારત છે, અને 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' એ ઇમારત પર શોભતો સુવર્ણ કળશ છે. વેદોનો સાર અને ઉપનિષદોનું પણ ઉપનિષદ ગણાતી ગીતા, માત્ર હિન્દુ ધર્મનો ગ્રંથ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટેનો જીવન જીવવાનો દસ્તાવેજ છે. મહાભારતના 'ભીષ્મ પર્વ'નો એક અવિભાજ્ય ભાગ હોવા છતાં, ગીતા પોતાનું એક સ્વતંત્ર અને સાર્વભૌમ અસ્તિત્વ ધરાવે છે.
સામાન્ય રીતે દુનિયાના મોટાભાગના ધર્મગ્રંથો શાંતિપૂર્ણ આશ્રમોમાં, ગુફાઓમાં કે નદી કિનારે એકાંતમાં લખાયા છે. પરંતુ ગીતાનું સર્જન એક અનોખી ઘટના છે. કુરુક્ષેત્રના રણમેદાનમાં, જ્યારે બંને પક્ષે અઢાર અક્ષૌહિણી સેના સામસામે ઊભી હતી, શંખનાદ ફૂંકાઈ ચૂક્યા હતા અને વાતાવરણમાં યુદ્ધનો કોલાહલ હતો, ત્યારે આ દિવ્ય જ્ઞાનનો જન્મ થયો હતો. આ ભૌગોલિક સ્થાન અને પરિસ્થિતિ જ સૂચવે છે કે ગીતા એ પલાયનવાદ કે નિવૃત્તિનો ગ્રંથ નથી, પરંતુ જીવનસંઘર્ષની વચ્ચે રહીને કર્તવ્ય બજાવવાનો 'પ્રવૃત્તિ'નો ગ્રંથ છે.
ગીતાના સર્જન પાછળનું નિમિત્ત મહાયોદ્ધા અર્જુનનો મોહ અને વિષાદ હતો. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુને પોતાના રથને બે સેનાઓની વચ્ચે ઊભો રાખ્યો અને સામે પક્ષે પોતાના જ ગુરુઓ, પિતામહ, ભાઈઓ અને સ્વજનોને જોયા, ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેને વિચાર આવ્યો કે "શું રાજ્ય કે સુખ મેળવવા માટે પોતાના જ સ્વજનોનું લોહી વહેવડાવવું યોગ્ય છે?" આ ક્ષણે અર્જુન એક યોદ્ધા મટીને માત્ર એક લાગણીશીલ માનવી બની ગયો. તેના હાથમાંથી ધનુષ્ય 'ગાંડીવ' સરી પડ્યું અને તે હતાશાના ગર્તમાં ધકેલાઈ ગયો. આ અર્જુન માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ તે આપણી અંદર રહેલા એ પ્રત્યેક મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે જે જીવનમાં નિર્ણયો લેતી વખતે ડગમગી જાય છે. જ્યારે કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે સંઘર્ષ થાય છે, ત્યારે ઉદ્ભવતા વિષાદને દૂર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી જે જ્ઞાનગંગા વહી, તેણે માત્ર અર્જુનનો જ નહીં, પણ યુગો સુધી માનવજાતનો ઉદ્ધાર કર્યો.
શ્રીમદ્ ભગવદ્ ગીતાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઈશ્વર કે સત્ય સુધી પહોંચવા માટે કોઈ એક જ માર્ગનો આગ્રહ રાખતી નથી. મનુષ્યની પ્રકૃતિ અલગ-અલગ હોય છે – કોઈ બૌદ્ધિક હોય, કોઈ લાગણીશીલ હોય, તો કોઈ કર્મઠ હોય. ગીતા આ બધા માટે અલગ અલગ માર્ગો સૂચવે છે, જેનો અદ્ભુત સમન્વય આ ગ્રંથમાં જોવા મળે છે
“ફળની આશા છોડીને તું કર્મ કરતો જા,
જીવનના કુરુક્ષેત્રમાં તું આગળ વધતો જા.”
જે લોકો સ્વભાવે પ્રવૃત્તિશીલ છે, તેમના માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. ગીતા શીખવે છે કે કર્મ કરવું એ જ જીવન છે. પરંતુ કર્મ કેવી રીતે કરવું? સ્વાર્થ વગર અને ફળની આસક્તિ વગર. સમાજસેવા, રાષ્ટ્રસેવા કે પોતાના વ્યવસાયને જ ઈશ્વરની પૂજા માનીને કરવું એ કર્મયોગ છે. જે લોકો લાગણીપ્રધાન છે, તેમના માટે ભક્તિયોગ છે. આ માર્ગમાં તર્ક કે બુદ્ધિ કરતાં પ્રેમ અને સમર્પણનું મહત્વ વધુ છે. શ્રીકૃષ્ણ કહે છે કે "પત્રં પુષ્પં ફલં તોયં..." એટલે કે શુદ્ધ ભાવથી ચડાવેલું પાંદડું કે પાણી પણ મને સ્વીકાર્ય છે. ભક્તિ એ ઈશ્વર સાથેના પ્રેમનો સંબંધ છે.જે લોકો બૌદ્ધિક અને તાર્કિક છે, તેમના માટે જ્ઞાનયોગ છે. આત્મા અને પરમાત્માનું તત્વજ્ઞાન, સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવો, અને "હું કોણ છું?" ની શોધ કરવી એટલે જ્ઞાનયોગ. આ માર્ગ અઘરો છે પણ મુક્તિ તરફ લઈ જાય છે.મનને નિયંત્રિત કરી, એકાગ્રતા સાધીને અંતરાત્મામાં લીન થવાની પ્રક્રિયા એટલે રાજયોગ. છઠ્ઠા અધ્યાયમાં શ્રીકૃષ્ણ મનને વશ કરવાના ઉપાયો અને ધ્યાનની પદ્ધતિઓ સમજાવે છે.આમ, ગીતા એક 'સર્વસમાવેશક' ગ્રંથ છે જે દરેક પ્રકારના સાધકને આવકારે છે.
ગીતાને સાચા અર્થમાં 'વૈશ્વિક ગ્રંથ' કહી શકાય. બાઈબલ પછી વિશ્વની સૌથી વધુ ભાષાઓમાં જેનો અનુવાદ થયો છે, તેવું એકમાત્ર પુસ્તક ગીતા છે. આ ગ્રંથને આપણે એટલા માટે માનવમાત્રનો ગ્રંથ: કહી શકીએ કારણ કે ગીતામાં ક્યાંય 'હિન્દુ' શબ્દનો પ્રયોગ થયો નથી. તેમાં 'માનવ', 'નર', 'પાર્થ' કે 'દેહી' જેવા શબ્દો વપરાયા છે. શ્રીકૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે તે પૃથ્વીના કોઈપણ ખૂણે વસતા અને કોઈપણ ધર્મ પાળતા મનુષ્યને લાગુ પડે છે. આની સાથે સાથે આ ગ્રંથ સમસ્યાઓનું સમાધાન આપે છે. પછી ભલે તે અમેરિકાનો વૈજ્ઞાનિક હોય કે ભારતના ગામડાનો ખેડૂત. જ્યારે તે જીવનમાં નિરાશ થાય છે, ત્યારે ગીતા તેને ઊભા થવાનું બળ પૂરું પાડે છે. તે કોઈ સંપ્રદાયનો પ્રચાર નથી કરતી, પણ 'જીવન જીવવાની કળા' શીખવે છે.આથી જ કહી શકાય કે….
“જેને ગીતા સમજાય ગઈ, તેને જીવન જીવવાની રીત સમજાઈ ગઈ.”
મહાત્મા ગાંધી ગીતાને પોતાની 'માતા' કહી છે. તેમણે કહ્યું હતું કે, "જ્યારે જ્યારે મને મુશ્કેલીઓ ઘેરી વળે છે અને આશાનું કોઈ કિરણ દેખાતું નથી, ત્યારે હું ગીતાના શરણમાં જાઉં છું. ગીતા મારો 'આધ્યાત્મિક શબ્દકોશ' છે."તો વિનોબા ભાવે કહેતા કે "ગીતા મારી શ્વાસ-ઉચ્છવાસ છે. હું તર્કથી જે વાત નથી સ્વીકારી શકતો, તે ગીતા કહે તો શ્રદ્ધાથી સ્વીકારી લઉં છું." લોકમાન્ય તિતિલકે 'ગીતારહસ્ય' લખ્યું અને સાબિત કર્યું કે ગીતા સંન્યાસ નહીં પણ 'કર્મયોગ' શીખવે છે. મહાન વૈજ્ઞાનિ આલ્બર્ટ આઈન્સ્ટાઈને સ્વીકાર્યું હતું કે, "જ્યારે હું ભગવદ્ ગીતા વાંચું છું ત્યારે મને થાય છે કે ઈશ્વરે આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે કર્યું હશે, બાકી બધું તો ગૌણ લાગે છે." તો અમેરિકન તત્વચિંતક થોરો લખે છે, "હું રોજ સવારે મારી બુદ્ધિને ભગવદ્ ગીતાના નિર્મળ જળથી સ્નાન કરાવું છું, જેની ભવ્યતા સામે આધુનિક જગત અને સાહિત્ય તુચ્છ લાગે છે."આમ ગીતાના જ્ઞાનની અસર માત્ર ભારતીય ઋષિમુનિઓ પર જ નહીં, પરંતુ વિશ્વના આધુનિક વિચારકો અને વૈજ્ઞાનિકો પર પણ પડી છે.
ગીતાના ૭૦૦ શ્લોકોનો સાર કાઢવો એ સાગરમાંથી મોતી વીણવા જેવું કઠિન કામ છે, છતાં તેના મુખ્ય સિદ્ધાંતો આ મુજબ તારવી શકાય
નિષ્કામ કર્મયોગ: ગીતાનો સૌથી પ્રખ્યાત મંત્ર છે - "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન". શ્રીકૃષ્ણ કહે છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, ફળમાં નહીં. આનો અર્થ એ નથી કે ફળની આશા વગર કામ કરવું એટલે આયોજન વગર કામ કરવું. પણ તેનો અર્થ એ છે કે પરિણામની એટલી બધી ચિંતા ન કરવી કે જેનાથી વર્તમાનનું કર્મ બગડે. ફળની આસક્તિ છોડવાથી મન ભયમુક્ત બને છે અને કાર્ય શ્રેષ્ઠ થાય છે.
આત્માની અમરતા: મૃત્યુનો ભય માણસને સૌથી વધુ સતાવે છે. ગીતા કહે છે કે આત્મા અજર અને અમર છે. જેમ આપણે જૂના વસ્ત્રો બદલીને નવા પહેરીએ છીએ, તેમ આત્મા જીર્ણ શરીર તજીને નવું શરીર ધારણ કરે છે. "નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ..." – આ જ્ઞાન મૃત્યુના ભયને દૂર કરે છે.
સ્થિતપ્રજ્ઞતા: ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે. સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય અને માન-અપમાન – આ બધા દ્વંદ્વોમાં જેની બુદ્ધિ સ્થિર રહે છે, તે જ સાચો જ્ઞાની છે. પરિસ્થિતિ આપણા હાથમાં નથી, પણ મનઃસ્થિતિ આપણા હાથમાં છે.
સ્વધર્મનું પાલન: ગીતા કહે છે કે બીજાનું અનુકરણ કરીને સફળ થવા કરતાં, પોતાના સ્વભાવ અને ક્ષમતા મુજબનું કાર્ય (સ્વધર્મ) કરવું શ્રેષ્ઠ છે, ભલે તેમાં નિષ્ફળતા મળે. "પરધર્મો ભયાવહ:" – બીજાનો ધર્મ ભય પમાડનારો છે.
આજે ૨૧મી સદીમાં, જ્યારે ભૌતિક સુખ-સગવડો વધી છે પણ મનની શાંતિ ઘટી છે, ત્યારે ગીતાનું મહત્વ અનેકગણું વધી ગયું છે.આધુનિક વ્યવસ્થાપનની આજે મોટી વ્યાવસાયિક સંસ્થાઓ અને શિક્ષણધામોમાં ગીતાના 'વ્યવસ્થાપન સૂત્રો' ભણાવવામાં આવે છે. નેતૃત્વકળા, નિર્ણયશક્તિ, તણાવ પ્રબંધન અને સંઘભાવના (સહકાર્ય) જેવા વિષયો ગીતામાં બખૂબી સમજાવવામાં આવ્યા છે. સ્થિતપ્રજ્ઞનો સિદ્ધાંત એક આદર્શ વ્યવસ્થાપક બનવા માટેની ચાવી છે.
માનસિક સ્વાસ્થ્ય: આજના યુગમાં હતાશા અને વ્યગ્રતા એ વૈશ્વિક સમસ્યાઓ બની ગઈ છે. ગીતાનો પ્રથમ અધ્યાય 'વિષાદ યોગ' એ એક પ્રકારની માનસિક ગ્લાનિનું જ વર્ણન છે અને બાકીના ૧૭ અધ્યાય તેનું સચોટ સમુપદેશન ( કાઉન્સિલિંગ ) છે. ગીતા વિશ્વનું શ્રેષ્ઠ મનોચિકિત્સક પુસ્તક છે જે મનુષ્યને આત્મવિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરાવે છે.
નૈતિક મૂલ્યોનું જતન: ભ્રષ્ટાચાર અને અનૈતિકતાના આ દોરમાં ગીતા 'દૈવી અને આસુરી સંપત્તિ'ના વર્ણન દ્વારા મનુષ્યને સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
વૈજ્ઞાનિક અને લોકશાહી અભિગમ: ગીતા અંધશ્રદ્ધા ફેલાવતી નથી. ઉપદેશના અંતે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે – "યથેચ્છસિ તથા કુરુ" (તને જે યોગ્ય લાગે તે પ્રમાણે તું કર). ભગવાન અહીં શિષ્યની બુદ્ધિસ્વાતંત્ર્યનો સ્વીકાર કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર પૂજાઘરમાં રેશમી વસ્ત્રમાં વીંટાળીને ફૂલ ચડાવવા માટેનો ગ્રંથ નથી, પણ તેને હૃદયમાં ઉતારીને જીવનમાં આચરણમાં મૂકવાનો ગ્રંથ છે. તે આપણને જીવનથી ભાગી જવાનું નહીં, પણ જાગી જવાનું શીખવે છે.આપણે આપણા જીવનરૂપી રથના સારથી અહંકારને બનાવીએ છીએ એટલે અકસ્માત સર્જાય છે, પણ જો જીવનની લગામ શ્રીકૃષ્ણરૂપી 'વિવેક' અને 'જ્ઞાન'ના હાથમાં સોંપીએ તો સફળતા નિશ્ચિત છે. ગીતાના અંતિમ શ્લોકમાં સંજય જે કહે છે તે જ આ ગ્રંથનો નિચોડ છે:
"યત્ર યોગેશ્વર: કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર: |
તત્ર શ્રીર્વિજયો ભૂતિધ્રુવા નીતિર્મતિર્મમ ||"
અર્થાત, જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ (દ્રષ્ટિ/જ્ઞાન) છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન (પુરુષાર્થ/કર્મ) છે, ત્યાં જ શ્રી, વિજય, ઐશ્વર્ય અને અચળ નીતિ રહેલા છે. જ્ઞાન અને કર્મના સમન્વયથી જ વ્યક્તિ અને રાષ્ટ્રનો ઉદ્ધાર શક્ય છે. આવો, આપણે સૌ સંકલ્પ લઈએ કે ગીતાના આ અમર સંદેશને જીવનમાં ઉતારીશું અને એક શ્રેષ્ઠ માનવ બનીશું.