Golgoti's bicycle in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | ગલગોટી ની સાયકલ

The Author
Featured Books
Categories
Share

ગલગોટી ની સાયકલ

આજથી લગભગ ૪૨ વર્ષ પહેલાંની વાત છે. હું, એટલે કે ગલગોટી, ત્રીજા ધોરણમાં ભણતી હતી. મારા માટે શાળા એ માત્ર ભણવાનું સ્થળ નહોતું, પણ નવા નવા મિત્રો અને રમતોનું મેદાન હતું. તે દિવસ મને હજી યાદ છે. અમારી સ્કૂલમાં મોટા ધોરણની એક વિદ્યાર્થિની, જે કદાચ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હશે, તે તેની ચમકતી નવી સાયકલ લઈને આવી હતી.

​એ સાયકલ જોતા જ મારી આંખો પહોળી થઈ ગઈ. તેનો લીલો રંગ અને ચમકતી ધાતુ જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગઈ. આખો દિવસ મારા મનમાં એ સાયકલ જ ફર્યા કરતી હતી. શાળા પૂરી થઈ અને હું ઘરે પહોંચી, ત્યારે સીધી મારી બા પાસે ગઈ.

​“બા, મારે પણ સાયકલ જોઈએ છે,” મેં એક જ શ્વાસે કહી દીધું.

​બાએ મને હળવેથી સમજાવી, “બેટા, તું હજી ત્રીજા ધોરણમાં જ છે. સાયકલ ચલાવવા માટે તું બહુ નાની છો. પછી જોઈશું.”

​પણ મારા મનમાં તો સાયકલની ધૂન સવાર થઈ ગઈ હતી. “ના, મારે તો અત્યારે જ જોઈએ છે. મારે પણ લીલી સાયકલ જોઈએ છે!” હું રીસાઈ ગઈ.

​બાએ મારી સામે જોઈને હસતા હસતા કહ્યું, “સારું, તારા બાપુજી આવે એટલે તેમને કહેજે. તે નક્કી તને સાયકલ લઈ આપશે. ચાલ, હવે જમી લે.”

​મને ભૂખ લાગી હતી, પણ મનમાં સાયકલનો વિચાર હતો એટલે હું જમવા પણ તૈયાર નહોતી. બાને ખબર હતી કે મારા બાપુજીને મોડું થશે. તેથી તેમણે પ્રેમથી મને કહ્યું, “ગલગોટી બેટા, અત્યારે જમી લે. પછી તારા બાપુજી આવે એટલે તેમની સાથે વાત કરજે.” મેં બાની વાત માની લીધી અને તેમના હાથે જમી. પણ મનમાં તો બસ બાપુજીના આવવાની રાહ હતી.

​જમીને હું ઘરની બહાર ગેટ પાસે પહોંચી અને બાપુજીની રાહ જોવા લાગી. બાએ મને સમજાવ્યું હતું કે ગેટની બહાર જતી નહીં. હું ફઈબાના ઓટલા પર બેસીને રસ્તા તરફ નજર રાખી રહી હતી. અડધી કલાક થઈ, પણ બાપુજી ન આવ્યા. એટલામાં મારી બહેન સુરેખા મને બોલાવવા આવી.

​“ચાલ, આઠ વાગ્યા. બા તને બોલાવે છે,” સુરેખાએ કહ્યું.

​મેં બંને ખભા ઊંચા કરીને કહ્યું, “ના, હું નહીં આવું. હું તો બાપુજીની રાહ જોઈશ.”

​અમારો અવાજ સાંભળીને ફઈબા બહાર આવ્યા. “કેમ કારી? ઘરે કેમ નથી જતી? તારા બાપુને આવતા મોડું થશે. જા, જઈને સુઈ જા.”

​ફઈબાના મોઢે ‘કારી’ શબ્દ સાંભળી મને ખોટું ન લાગ્યું, પણ ઘરે જતા રહેવાનું કીધું તે મને જરા પણ ગમ્યું નહીં. સુરેખાની જીદ અને ઊંઘને કારણે હું તેની સાથે ઘરે ગઈ.

​બા વાટ જોઈને જ બેઠી હતી. મને થયું કે બા હમણાં પાછી મને ખીજાશે, પણ હું દોડી અને બાને વળગી પડી અને રોવા લાગી. બાએ મને તેડી અને હિંડોળા પર સુવડાવી. મારા પગને પોતાના ખોળામાં રાખી, પોતે હિંચકા નાખતા નાખતા બોલી, “રાતના તારા બાપુજી આવશે એટલે હું એને કહીશ. અત્યારે તું સુઈ જા.” થોડીક વાર હિંચકા બાએ નાખ્યા, ત્યાં ગલગોટી સૂઈ ગઈ.

​બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી, ત્યારે બાપુજીનું નામ લીધું. “બાપુજી ક્યાં છે?” મેં પૂછ્યું.

​“તારા બાપુ તો કામે ગયા. અત્યાર સુધી હોય? કેટલા વાગ્યા છે કંઈ ખબર છે? ૯:૩૦ થયા છે! ચાલ, હવે ઉભી થઈને બ્રશ કર,” બાએ કહ્યું.

​હું ફરી રીસાઈ ગઈ, “બા, તે મને કેમ ના ઉઠાડી? મારે તો બાપુજી સાથે સાયકલની વાત કરવી હતી.”

​બાએ હસીને કહ્યું, “અરે, હું તો સાવ ભૂલી ગઈ! ચાલ, આજે રાતે હું તારા બાપુજીને ચોક્કસ કહીશ.”

​પછી બા મને તેડીને વોશબેસિન પાસે લઈ ગયા. અને બોલી, “ચાલ હવે આ બ્રશ પકડ.” અને કોલગેટ લગાવતા કહ્યું, “તું બ્રશ કર, હું તારા માટે બોનવીટા બનાવી દઉં.”

​મેં મન વગર બ્રશ કર્યું. બાએ મને નાસ્તો કરાવ્યો અને સમજાવી, “આજે રાતે વાત કરીશું. હવે તું જલ્દી તૈયાર થઈ જા. માસી તને અને સુરેખાને શાળાએ લઈ જવા આવશે.”

​શાળાએ પહોંચતા જ મારી નજર ફરી એ જ લીલી ચમકતી સાયકલ પર પડી. સુરેખાએ કહ્યું, “જો, આની સાયકલ કેટલી સરસ છે! મને તો ચલાવતા પણ નથી આવડતું.”

​હું ઉત્સાહમાં બોલી, “મારે પણ આવી જ સાયકલ જોઈએ છે. બસ, બાપુજીને કહું એટલે આવી જશે!”

​સુરેખા બોલી, “ચાલ હવે ક્લાસ ભેગી થા. ક્લાસમાં તોફાન કરતી નહીં, સમજી ગઈ?”

​મેં માથું ધુણાવીને કહ્યું, “હા, ભલે.” પછી હું મારા ક્લાસમાં જતી રહી.

​સ્કૂલ છૂટી કે તરત જ હું ઘરે ગઈ અને બાને પૂછ્યું, “બા, આજે તો બાપુજી વહેલા આવશે ને?”

​બાએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, “હું આજે તારા બાપુજીને કહી જ દઈશ કે મારી દીકરી માટે કાલે જ સાયકલ લઈને આવે.”

​રાત્રે ૯ વાગે બાપુજી આવ્યા. મને ઊંઘ આવતી હતી, પણ હું જાગતી જ રહી. હું દાદરા પર બેસી અને બાપુજીની વાટ જોઈ રહી હતી. બાપુજીએ આવીને જોયું કે હું દાદરા પર બેઠી બેઠી બાપુજીની વાટ જોઉં છું. બાપુજી મારી પાસે આવ્યા અને મને તેડીને અંદર લઈ ગયા. બાપુજીએ મને ખોળામાં બેસાડી અને કોળિયો ખવડાવતા પૂછ્યું, “કેમ મારી દીકરી આજે આટલી રીસાયેલી છે?”


​મેં ધીમેથી કહ્યું, “બાપુજી, મારે સાયકલ જોઈએ છે. નાની, લીલા રંગની.”

​બાપુજીએ હસીને કહ્યું, “ભલે, હું તારા માટે સાયકલ લઈ આવીશ.”

​“ક્યારે લાવશો?” મેં આતુરતાથી પૂછ્યું.

​“આવતા બે દિવસમાં લઈ આવીશ,” બાપુજીએ વચન આપ્યું. “પણ યાદ રાખજે, તારા ભાઈ-બહેનને પણ તારે સાયકલ આપવી પડશે.” મેં તરત જ હા પાડી દીધી.

​પહેલો દિવસ પસાર થયો, અને સાયકલ ન આવી. બીજો દિવસ પણ પૂરો થયો, પણ સાયકલનું નામ નહીં. મારા મનમાં થયું કે કદાચ બાપુજી ભૂલી ગયા હશે.

​તે દિવસે રાત્રે હું જમ્યા વગર જ સૂઈ ગઈ. બા સમજી ગઈ કે હવે આ બહુ રિસાઈ ગઈ છે, કંઈક કરવું પડશે. તે દિવસે રાતના બાપુજીને કહ્યું કે, “તમે કાલ સવારે જઈ અને સાયકલ લઈ આવજો. કેટલા દિવસ થયા તે સાયકલની વાટ જોઈ રહી છે.”

​બાપુજીએ કહ્યું, “હું સવારે વહેલો નહીં જાઉં. મારે થોડું ઓફિસમાં કામ છે, હું બપોર પછી જઈશ.”

​ત્રીજા દિવસે સવારે હું ઊઠી તે પહેલાં જ બાપુજી ગાડીમાં સાયકલ લઈને આવી ગયા હતા. તેમણે મને તેડી અને બહાર લઈ ગયા અને કહ્યું, “ચાલ, આજે તને જાદુ બતાવું.” હું વિચારવા લાગી, આ એમ્બેસેડર ગાડીમાં શું જાદુ હશે?

​બાપુજીએ દેવાનંદ કાકાને કહ્યું, “ડેકી ખોલ.” અને જેવી ડેકી ખુલી, તેમાંથી એક નવીનકોર લીલા રંગની સાયકલ બહાર આવી. હું ખુશ થઈને બાપુજીને ગળે વળગી પડી. “મારી સાયકલ! બાપુજી તમે મારી સાયકલ લઈ આવ્યા!” જુઓ બધા મારી નવી સાયકલ અને ગલગોટી આનંદમાં કૂદકા મારવા લાગે છે. અને પછી તે બહાર બા પાસે દોડી અને તેને ભેટી પડે છે અને કહે છે, “જો બા, મારી સાયકલ!”

​બા હસતાં હસતાં બોલ્યા, “હા, તારા બાપુજી જાદુ કરીને સાયકલ લઈ આવ્યા.”

​કાકાએ સાયકલ બહાર કાઢી. તે એકદમ નવી અને ચમકતી હતી. બસ, તે દિવસથી હું સવાર-સાંજ આખો દિવસ સાયકલ ચલાવવા લાગી.

​અને ફળિયાના જેટલા છોકરાઓ હતા, નાના-મોટા, તે મારી આસપાસ વીંટળાઈ ગયા. અને મને મસ્કો મારવા લાગ્યા અને કહેવા લાગ્યા, “વાહ, તારી સાયકલ તો એકદમ નવીનકોર અને ચમકદાર છે. શું તું અમને એક ચક્કર મારવા આપીશ?” ગલગોટી હોશિયાર હતી. તેણે કીધું કે, “હા ચોક્કસ, મારવા તો આપીશ, પણ ધોકો મારવો પડશે સાયકલને તમારે.” ગલગોટીના નાના-મોટા દોસ્તારો બધાય ખુશી ખુશી સાયકલથી રમવા લાગ્યા.

​એક દિવસ હું રોડ પર સાયકલ લઈને નીકળી પડી. હું એટલી મગ્ન હતી કે સામેથી આવતા એક મોટા ખટારાને મેં જોયો જ નહીં. ખટારાવાળાએ સમયસૂચકતા વાપરીને ખટારો ઊભો રાખી દીધો. હું બરાબર ખટારાની સામે બ્રેક મારીને ઊભી રહી ગઈ.

​ખટારાવાળાએ ગુસ્સાથી કહ્યું, “અલી, મરવું છે કે શું? રોડ પર સાયકલ ચલાવાય?”

​મેં પણ ગુસ્સામાં જવાબ આપ્યો, “તમારે સામેથી ખટારો લઈને ના આવવું જોઈએ! હું અહીંયા સાયકલ ચલાવું છું.”

​અમારી ઓળખાણવાળા દુકાનવાળા ભાઈ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે રાત્રે અમારા ઘરે આવીને બા અને બાપુજીને આ વાત કરી.

​બાપુજીએ ગુસ્સામાં બાને કહ્યું, “આજથી ગલગોટીનું સાયકલ ચલાવવાનું બંધ કરી દે. જો એક્સિડેન્ટ થઈ જાત તો?”

​બાએ કહ્યું, “હા, એ તો માનતી જ નથી. આખો દિવસ સાયકલ પર જ ફરે છે.”

​મને દુકાનવાળા ભાઈ પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં સુરેખાને કહ્યું, “હું તો સાયકલ લઈને જ જઈશ. એણે મારી સાયકલ ચલાવવાનું બંધ કરાવી દીધું છે.” બાપુજીએ મારી વાત સાંભળી લીધી અને મને સમજાવી. “બેટા, તે ભાઈ તારા સારા માટે કહેતા હતા. જો તારું એક્સિડેન્ટ થઈ જાત તો? હવે સાયકલ લઈને રોડ પર ના જતી.”

​બીજા દિવસે હું બાએ મંગાવેલી વસ્તુઓ લેવા દુકાનવાળા ભાઈ પાસે ગઈ. તેમણે મને ચીડવતા કહ્યું, “કેમ, હવે તારે સાયકલ ચલાવવાનું બંધ થઈ ગયું?”

​તેમની વાત સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ. સામાન લઈને ઘરે ગઈ અને બાના હાથમાં આપીને કહ્યું, “બા, હું હમણાં આવું છું.” પછી બહાર જઈને નાના નાના પથ્થરો વીણવા લાગી. સુરેખાએ મને રોકી, પણ હું માની નહીં. હું પથ્થર લઈને દુકાનવાળાની સામે ગઈ અને કહ્યું, “કેમ તમે બાપુજીને કહી દીધું? તે મને સાયકલ નથી ચલાવવા દેતા!” એમ કહીને મેં પથ્થર માર્યા.

​એટલામાં બા ત્યાં આવી ગયા અને મને રોકી. દુકાનવાળા ભાઈએ બાને કહ્યું, “બેન, તમે એને ખીજાતા નહીં અને મારતા નહીં. તે હજી નાની છે. એને માટે ‘એક્સિડન્ટ’ જેવા શબ્દને સમજવામાં વાર છે.”

​બા મને ઘરે લઈ આવ્યા અને સમજાવી, પણ મને કાંઈ સમજાતું નહોતું. છતાં ગળે ન ઉતરતું હોવા છતાં મેં બાની વાત માની તો લીધી, પણ આ બધું માત્ર એટલા માટે કે બાએ કહ્યું હતું. પછી મેં ઘણા વર્ષ સુધી સાયકલ ચલાવી જ નહીં. ત્યારબાદ હું બાર વરસની થઈ ત્યારે મારી સૌથી મોટા બહેનની જે સાયકલ હતી તે તેમના લગ્ન બાદ મને ચલાવવા મળી.

​મારા મનમાં તો એ તોફાન અને પહેલી સાયકલની યાદો કાયમ માટે છપાઈ ગઈ હતી.

મારી પ્રિય લીલા કલરની સાયકલ.

ગલગોટી .

DHAMAK