વર્ષો પહેલાની વાત છે.બરડા ડુંગર વિસ્તારમાં એક
નાનું ગામ હતું. તે ડુંગરાળ વિસ્તારમાં તાડીનાં કેટલાય
ઝાડ હતા. ગામનું નામ ભાણવડ હતું. એ વિસ્તારમાં
વરસાદ ઓછો પડતો હોય છે, પણ એક નાની નદી
બાજુમાં હતી. જ્યારે પણ ત્યાં વરસાદ આવે, ત્યારે
નદીમાં મોટું પૂર અચાનક આવી જાય અને નાનકડી નદી
એક મોટી નદીમાં પરિવર્તિત થઈ જાય અને નદી બંને
કાંઠે વહેવા માંડે.
ભાણવડ ગામ સુંદર હતું. તેમાં કેટલાય નાના, ગ્રામિણ
ઢબના ઘર હતા.વરસાદ થાય પછી એ બાજુ થોડું લીલુંછમ થાય, નાની નદી મલકાય અને સુંદર દૃશ્ય દેખાય. ગામની સાવ નજીક, પાદરને અડીને, નદી વળાંકમાં જતી હતી. ઘટાદાર વડનાં ઝાડની પાસે અડીને નદી વહેતી હતી. ત્યાં નદીને પડખે બે-ત્રણ તાડીના અને બાવળનાં ઝાડ હતા. નદી પાર કરવા માટે એક લાકડાનો, જર્જરિત પુલ હતો.
નાનકડા ગામમાં હાઈસ્કૂલ નહોતી. હાઈસ્કૂલમાં ભણવું હોય, તો ગામથી 10 કિમી દૂર એક હાઈસ્કૂલ હતી, ત્યાં ભણવા જવું પડતું.ભાણવડ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ત્રણ દીકરીઓ હતી. બે મોટી દીકરીઓ પરણી ગઈ હતી અને ત્રીજી સાવ નાની હતી.
એનું નામ પ્રભા હતું. પ્રભા ભણવામાં ખૂબ હોશિયાર, સુંદર અને સુશીલ હતી. બહુ જ ડાહી હતી. બધાને મદદરૂપ થાય તેવો તેનો સ્વભાવ હતો. તેને ભણવાનો બહુ જ શોખ હતો, એટલે તે ગામથી 10 કિમી દૂર હાઈસ્કૂલમાં ભણવા જતી. એની સાથે ગામની બીજી બે-ત્રણ છોકરીઓ પણ તેના સાથે જતી.ગામડામાં વાહનની સુવિધા ન હોવાથી, એક ગાડાવાળો ભાઈ રોજ છોકરીઓને લઈ જતો અને મૂકી જતો.
ગામમાં કોઈને પણ પત્ર લખવો હોય કે કાંઈ લખાણ કરવું હોય, તો બધા પ્રભાને જ કહેતા.પ્રભાનું ઘર ખૂબ સુંદર હતું. ઘરમાં બે ઓરડા, એક રસોઈઘર, એક મોટો ઓરડો અને ઓરડાની સામે મોટું ફળિયું હતું.ફળિયાના એક બાજુએ બધી જાતનાં ફૂલછોડ, લીંબુ, ટામેટાં, મરચાં વગેરે ઉગાડેલા હતા. ફળિયાની બીજી તરફ ગાય અને બે બળદ માટે નાનો વાડો હતો.
પ્રભાનું ઘર પાદરથી નજીક હતું. ગામની બહાર જવાનો એકમાત્ર રસ્તો પાદરેથી થઈ નદીની વચ્ચેથી નીકળતો હતો.નદી વચ્ચેનો પુલ બહુ નીચો અને સાકડો હતો.વરસાદ આવે ત્યારે ગામના લોકો નદી પાર કરી શકતા નહીં, કારણ કે નદીમાં અચાનક પૂર આવે અને નદી બે કાંઠે વહેવા લાગે.કોઈને પણ ગમે તેટલું મહત્વનું કામ હોય, તે નદી પાર કરીને જઈ ન શકે.
સરપંચે શહેરમાં ચિઠ્ઠી લખી અને મોકલી હતી, પણ હજી સુધી ચિઠ્ઠીનો કોઈ ઉત્તર આવ્યો ન હતો.ગામના વડીલ અને સરપંચ કહેતા હતા કે, "આ વખતે જો ચિઠ્ઠીનો ઉત્તર ન આવે, તો આખા ગામના બધાં ભેગા થઈને થોડા-થોડા પૈસા ભેગા કરી, આ પુલ સરખો કરી નાખીશું, જેથી ચોમાસાં ટાણે ગામના લોકોને હેરાન થવું ન પડે."
ચોમાસું નજીક આવી ગયું.પ્રભા રોજ સ્કૂલે ગાડામાં જતી. હજી બરડા ડુંગરના વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો નહતો, એટલે પ્રભાને સ્કૂલે આવવા-જવામાં વાંધો આવતો નહતો.ગાડું આરામથી નદીની અંદરથી નીકળી જતું હતું.
એક દિવસ પ્રભા સ્કૂલે ગઈ.સવારે તળકો હતો, પણ સાંજ થતા એકદમ અંધકાર જેવું વાતાવરણ થઈ ગયું.ગાડાવાળો પ્રભાને કહે, "આજે હાલો જટ! નીકળી જઈએ. મને એવું લાગે છે કે નદીમાં પૂર આવશે, તો આપણે નદી વટાવી શકીશું નહીં. ડુંગરાળ વિસ્તાર છે અને વરસાદ કહો, મારું કામ! અંધારામાં બહુ ઓછું દેખાય."
નદી પાસે પહોંચતાં ગાડાવાળો કહે, "નદી ટપી નહીં શકીએ હો, બેન પ્રભા!"
પ્રભા નદીનો કિનારો જુએ છે, "ના ભાઈ, હજી એટલું પાણી નથી! આપણે નીકળી જઈશું, વાંધો નહીં આવે!"
ગાડાવાળાના બળદ પાણીમાં ઉતરતા નથી.ગાડાવાળો બળદોને ચાબખા મારે છે.બળદ ગાડું હજી તો અડધે લગી પણ પહોંચ્યું નહોતું કે ત્યાં પૂર આવી ગયું!પુલ ઉપરથી બળદગાડું નદીમાં ઉંધું પડી જાય છે. પૂર તેને પલટાવીને વહાવી લઈ જાય છે!
સામા કાંઠે ઉભેલા ગામના ચાર-પાંચ જણા આ દૃશ્ય જોઈ રહ્યા હતા.તેઓ તરત જ પ્રભાના મા-બાપને ખબર કરે છે.
પણ સાંજના સાડાસાત થઈ ગયા હતા અને અંધકારમાં કંઈ જ દેખાતું નહોતું.ગામના સરપંચ મા-બાપને ધીરજ આપતા કહે, "દિવસ થાય એટલે તપાસ ચાલુ કરીશું."
આખી રાત ગામના લોકોને નિંદર નહોતી આવતી.ક્યારે સવાર થાય, તેની વાટ જોતા બેઠા હતા.
જેમ જ સવાર થઈ, ગામના લોકો શોધવા નીકળી પડ્યા.નદી બે કાંઠે વહેતી હતી. કેટલાય તાડીનાં ઝાડ અને બાવળનાં ઝાડ તણાઈ ગયા હતા.
રાતના પૂરનું ભયંકર દૃશ્ય સવારે દેખાય છે.
સરપંચ ગામની ચારેકોર નદીની ધાર પાસે ગામના માણસોને મોકલી આપે છે.બધાં શોધવા લાગે છે.
નદીના એક કિનારે પડેલા તાડીનાં ઝાડની નીચે, બાવળ પાસે એક છોકરીનો હાથ દેખાય છે!
એક છોકરો સરપંચ પાસે દોડતો જાય છે."સરપંચ દાદા, જુઓ! મને અહીં કંઈક દેખાય છે!"
સરપંચ બાવળ પાસે જઈ અને જુએ છે,તો પ્રભાનો મૃતદેહ પાણીમાં, તાડીનાં ઝાડની નીચે દબાયેલો મળ્યો!
બાવળના ઝાડની ફરતે એક કાળોતરો નાગ વિંટાયેલો હતો!
નાગ જાણે કે કાળ બનીને આવ્યો હોય એવું સરપંચને લાગ્યું!
નાગ પ્રભાના દેહ પરથી સરકીને વિલય પામ્યો.
તરત જ ચાર-પાંચ જણા તાડીનાં ઝાડને આંધીને, પ્રભાના દેહને પાણીમાંથી બહાર કાઢે છે.
પ્રભાના મૃત્યુથી ગામના બધાં લોકોને દુઃખ થાય છે.
ગામની એક મોટી ઉંમરની વૃદ્ધ ડોશી બોલે છે
,"દર વર્ષે આ નદી બે-ત્રણ જણાને ભરખી જાય છે!"
છતાં સરકાર કંઈ કરતી નથી......
ગામના લોકો પ્રભાના મૃત્યુને ઘણાં સમય સુધી
ભૂલી શકતા નથી.
. . સમાપન.
'Dhamak ,
The story book ☘️