હોસ્પિટલની બહાર હથીયારથી સજ્જ થઈને સોએક લોકોનું ટોળુ આવીને ઉભું રહ્યું હતું. એ બધાની વચ્ચે એક સફેદ કલરની એમ્બેસેડર આવી અને હળવેકથી બ્રેક લાગી. વિનય આ બધું બારીમાંથી જોઈ રહ્યો હતો. એટલામાં એક કમ્પાઉન્ડર એકદમ દોડીને આવ્યો અને રૂમમાં આવીને અંદરથી બારણું બંધ કર્યું. જ્યોર્જ, શ્રેયા અને બાકી બધા સ્તબ્ધ થઈ ગયા. જીદની આંખોમાં હળવી અસર દેખાણી. વિનય બીજું બધું ભૂલીને તેના તરફ જોવા લાગ્યો. તે બારી છોડી જીદના બેડ પાસે આવ્યો. જીદનો હાથ પકડ્યો તેના હાથને પોતાના બંને હાથ વચ્ચે રાખીને દબોચ્યો. જીદની આંખોમાં હર્ષના આંસુ આવ્યા. તેના ચેહરા પર એક સુંદર મુસ્કાન છવાઈ ગઈ. હવે તેની નજર આજુબાજુના લોકો પર પડી. ત્યાં મોઢું ધોઈને ધોળો જ્યોર્જ અને તેની બાજુમાં શ્રેયા તેમજ રોમિયો ઊભા હતા. જીદે હવે દરવાજા તરફ જોયું. ત્યાં બારણું બંધ કરીને સફેદ કપડામાં એક કમ્પાઉન્ડર ઉભો હતો. તે જોર જોરથી શ્વાસ લઈ રહ્યો હતો. જીદની નજર અટકતા વિનયે પણ તેની સામે જોયું. પછી તે ઉભો થયો અને કમ્પાઉન્ડરના ખંભા પર હાથ મૂકીને બોલ્યો.
“ કેમ! શું થયું?”
“અ... આ.. આદમ.” બોલતા તેના મોંઢા કપાળે પરસેવો છૂટવા લાગ્યો.
વિનય એકદમથી બારી તરફ દોડ્યો. નીચે કોઈ જ ન હતું. તે કઈ સમજ્યો નહીં એ જ સમયે બારણું ખટક્યું. બે ત્રણ ટકોરા વાગ્યાં. કમ્પાઉન્ડરે બારણું ન ખોલ્યું એટલે બહારથી ડોકટર બોલ્યા.
“કમલેશ! બારણું ખોલ.”
ડોકટરનો અવાજ સાંભળીને તેને બારણું ખોલ્યું. ડોકટર અંદર આવ્યો. પાછળથી બીજો એક માણસ આવ્યો. તે વિદેશી જેવો લાગી રહ્યો હતો. ડોકટરે ખાલી હાં માં માથું ધુણાવ્યું. તે માણસ જીદ તરફ ચાલવા લાગ્યો. એકદમ વિનય તેની પાસે આવ્યો અને બોલ્યો. “કોણ છે?”
તે માણસ કંઇજ બોલ્યાં વગર જીદને ચડી રહેલો બાટલો કાઢીને તેને ઊભી કરવા લાગ્યો. વિનય તેને રોકવા માટે ડોક્ટરના પગ પાસેથી એક નાનકડી છરી લઈને વચ્ચે ઊભો રહ્યો. એકદમથી જ્યોર્જ આ માણસના પગમાં પડ્યો અને વિનયને કહ્યું. “નીચે આદમ છે.”
તેની વાત સાંભળી પેલા માણસે જ્યોર્જને જોરથી લાત મારી અને જ્યોર્જ ભોંય તળિયે પછડાયો.
એક પછી એક લગભગ ત્રીસેક માણસો આવ્યા અને બધાને પોતાની સાથે ખસેડી ગયા. નીચે ડોકટરની ઓફિસની આગળથી કેટલાંય માણસો લાઇનમાં બંને બાજુએ ઊભા હતા. બારણું ખોલીને વિનય, જ્યોર્જ અને જીદને અંદર ધકેલ્યા. જીદના પગ પાસે એક કચરા પેટી હતી. તેમાં કેટલીક દવાઓ પણ હતી. જે કદાચ બગડી ગઈ હશે. ત્યાં એ ઓફિસના બારણાં સામેની દીવાલ તરફ ખુરશી કરીને એક માણસ બેઠો હતો. તેને રાખોડી કલરનું શુટ પહેર્યું હતું. તેને કેટલુંય સોનું પહેર્યું હતું. ડોક્ટરના ટેબલ પર ત્રણ બંદૂક પડી હતી. ઓફિસમાં રાહુલ પણ બેઠો હતો. એકદમથી ઉભો થઈને જ્યોર્જનું ગળું પકડીને બોલ્યો. “તે અદિતને માર્યો? હું તને જીવતો નય છોડુ.”
રાહુલની વાત સાંભળી ખુરશી ફરી અને તે માણસે હાથ ટેબલ પર પછાડ્યો. એક કાળો અને સોનાનાં દાતવાળો રાક્ષસ જેવો ચેહરો બધાની સામે આવ્યો. તેના મોંઢા પર કપાળથી નેણ અને છેક નાક સુધી વાગ્યાનું નિશાન હતું. તેના અડધા સફેદવાળ તેની ઉંમર દર્શાવી રહ્યાં હતાં કે, તેનો ડર. એ કેહવું મુશ્કેલ હતું. તેના મોંઢામાંથી શબ્દો તીરની જેમ નીકળ્યાં.
“અદિતને મેં જ માર્યો હતો.”
તેની વાત સાંભળી રાહુલે જ્યોર્જને ધક્કો મારીને છોડ્યો. “કેમ?” થોડી ક્રોધિત નજરે “તમે તમારા ભાઈને માર્યો!” આદમ એકડમથી ઊંચા અવાજે બોલ્યો. “એ મારો ભાઈ નથી, મારો તો કોઈ જ ભાઈ નથી. હા! મારે એક બહેન હતી... (થોડું રાક્ષસી હસ્યો) હતી.”
તેની વાત સાંભળી વિનય અને જીદ એક બીજા સામે આંખો ફાડીને જોવા લાગ્યા.
તે બંનેને એકબીજા સામે જોતા જોઈ આદમ હસવા લાગ્યો. “હા... હા... હા..” તેનું હાસ્ય ખુબજ ભયંકર હતું. હાસ્ય રોકતો આદમ ખૂબ જ ભયંકર લાગી રહ્યો હતો. તેને પોતાના હાથ પાસે રહેલી ત્રણ બંદૂકમાંથી એક ઉઠાવી. થોડીકવારમાં બારણું ખુલ્યું, ડોકટર હાથ જોડીને અંદર આવ્યો. “માફ કરી દો.” તે રડતા કકરતા બોલ્યો. એજ ક્ષણે બંદૂકમાંથી ગોળી છૂટયાંનો અવાજ આવ્યો. બારણાં પર અને બાજુમાં ઊભેલા વિનય અને જ્યોર્જ ઉપર પણ લોહીના છાંટા ઉડ્યા. એ જોઈ જીદના મોંઢામાંથી એક મોટી ચીસ નીકળી પડી.
આદમે તેના તરફ બંદૂક તાકી અને જોરથી બોલ્યો. “ચૂપ.” પછી તેને રાહુલ સામે જોયું અને બોલ્યો. “તું હવનની તૈયારી માટે પંડિત શુદ્ધિનાથનને લઈ આવ.” રાહુલે હામાં માથું ધુણાવ્યું.
વિનય તો વિચારમાં જ ખોવાઈ ગયો. એક સમયે નાના યુદ્ધોમાંથી પણ નાસ્તો ફરતો ભોલો આજે આટલો મોટો હેવાન બની ગયો? વિનય બોલ્યો. “તારે શું જોય છે?”
તેની વાત સાંભળી રાહુલે એકદમથી તેની કોલર પકડી અને બોલ્યો. “તારે નય તમે કે.”
રાહુલને ફરી જવાનો આદેશ આપ્યો. પછી ભયંકર હથિયાર જેવો આદમ એટલી જ ભયંકર રીતે બોલ્યો. “આ છોકરી.”
“શા માટે? મંદિર સોનું, પૈસા, પાવર?”
તેની વાત સાંભળી આદમ ગુચવાયો. એકદમથી ખુરશી પરથી ઉભો થયો અને વિનયના સર્ટની કોલર પકડી બોલ્યો. “તને આ બધી વાતની કેવી રીતે ખબર પડી?”
“તું આદમ નથી.” વિનય બોલ્યો.
તેની વાત સાંભળી આદમ હસ્યો અને બોલ્યો. “હા! હું આદમખોર છું. આદમને પણ ખાઈ જનાર.”
***
આદમ હવે તેની ભોલામાંથી આદમ થવાની વાત કરે છે.
“હું અને સુર્યાંશ ઝંગીમલના સૈનિકો સાથે લડી રહ્યાં હતાં. એ ખરા યુદ્ધ સમયે કોણ કોને મારી રહ્યું હતું એ સમજવું પણ મુશ્કેલ હતું. એ સમયે મેં જોયું કે સુર્યાંશ સેનાપતિ સાથે લડી રહ્યો હતો અને તેની પાછળ એક ઘોડે સવાર તેના પર વાર કરવા જઈ રહ્યો હતો. એકદમ દોડીને મેં તેના પર વાર કર્યો અને તેને મારીને ઘોડા પર બેસીને આજુબાજુના સૈનિકો પર તુટી પડયો. એ જ સમયે સેનાપતિના વારથી પડીને સુર્યાંશ જમીન ગ્રસ્ત થયો અને તેની તલવાર છૂટીને મારા પર આવી. પાછળથી થયેલા વારથી હું બે શુદ્ધ થઈને ઘોડી પરથી પડ્યો. એવા સમયે મને એક મલ્લે બચાવ્યો અને ત્યાંથી દૂર લઈ ગયો. ભાન આવતા જાણ થઈ કે એ ઘા સુર્યાંશની તલવારનો હતો. હજું મલ્લનો આભાર જ માનતો હતો કે કોઈએ તેને મારી નાખ્યો. હું તેની પાછળ ક્યાંય સુધી ભાગ્યો પણ એ મારા હાથ ન લાગ્યો.
હું આવ્યો એ સમયે યુદ્ધ પૂરું થયું અને ચંદ્રહાટ્ટી વિજય થયું. બધામાં ખુશીનો માહોલ હતો. હું પણ તેમાં જોડાયો પણ એટલામાં બીજા લોકો જોર જોરથી કેહવા લાગ્યા ભોલો યુદ્ધ છોડીને નાસી ગયો હતો અને હવે તે જસનમાં સામીલ થયો છે. કોઈએ મારી એક ન સાંભળી અને મને હાંકી કાઢ્યો. રાજકુમાર અને સુર્યાંશ પણ મને કાયર સમજવાં લાગ્યાં. એ વાતથી હું ખૂબ નિરાશ થયો. તેઓએ મને સૈન્યમાંથી પણ બે દખલ કર્યો.
સમય જતાં મે એ પણ જતું કર્યું, પરંતુ લોકો તે વાત ભૂલવા તૈયાર ન હતાં. મારી બા ને આખા ચંદ્રહાટ્ટીમાં દિકરીવાળાઓએ નાસી છૂટેલા દિકરાના સગપણ માટે મનાઈ કરી દીધી. રાજ્ય માટે કેટલું કર્યું પણ રાજ્યએ મને ભાગેડુ જ જાહેર કર્યો.
એક દિવસ પ્રધાન મારી પાસે આવ્યો અને તેણે મને તેઓની યોજના જણાવી. તેમણે કહ્યું દ્યુત ખાડીમાં અઢળક સોનું છે. જો હું તેમની યોજનામાં ભળી જવ તો તેઓ મને રાજ્યનો સૌથી અમીર માણસ બનાવવાનું વચન આપ્યું. સૈન્યમાં રહીને પણ મેં હંમેશાં દુઃખ જ જોયું રાજા ગ્રહરીપૂ હોય કે પછી ઝંગીમલ મારે તો કશો લાભ ન હતો. એટલે મેં તેમની સાથે ભળવું સ્વીકાર્યું.
તેઓના કેહવાથી જ મારું સગપણ પણ નક્કી થયું અને તેમણે જ મને મદનપાલના લગ્નની પણ જાણ કરી. જેથી તેમને એક યોજના ઘડી. જ્યાં સુધી સુર્યાંશ ઝંગીમલના રાજ્યમાં રેહશે, ત્યાં સુધીમાં તો તેઓ દ્યુતખાડીને કબ્જે કરી સોનું પોતાના હસ્તક કરી લેશે. મારા લગ્ન માટે પણ તેઓએ જ મને સુર્યાંશ સાથે એ દિવસે તેમની સાથે જાન લઈને ભળી જવા કહ્યું. જેથી, હું વધુ સમય સુર્યાંશને ગુચવી રાખું. પછી હું પણ અમીર થઈ જવાનો હતો, પાછું લગ્ન પણ થવા જઈ રહ્યા હતા.
પરંતુ ત્યાં બધું જ ઉંધુ બફાયું. ત્યાંથી નીકળીને મને પણ એ જાણ થઈ કે તે લોકો એ ફક્ત મારો ઉપયોગ કરી ખાડી તેમના હસ્તક કરવાનું જ ષડયંત્ર રચ્યું હતું. મારું જીવન વ્યર્થ નિવડ્યું. જેનું એક માત્ર કારણ મારા લગ્નમાં હસ્તો સુર્યાંશ જ હતો. ન તો લગ્ન થયા કે ન અમીર થવાનું સપનું પૂરું થયું. તેઓની વચ્ચે રહેલા એક માણસે મને બધું જ જણાવ્યું કે, તેઓ કદાચ હવે મને રાજ્યમાં પરત પણ ફરવા નય દે.
તે બધું જ છોડીને હું જંગલમાં એક સુમસાન રસ્તે બેઠો હતો. એ સમયે પ્રધાનનો દિકરો જે પણ ષડયંત્રમાં સામેલ હતો. તે સિપાહીઓને લઈને કોઈના વસ્ત્રોની અંતિમ યાત્રા લઈ નીકળી રહ્યો હતો. હું ઉભો થયો અને જાણ્યું કે કેવી રીતે પરમે આદમને હરાવ્યો અને વલ્લભરાજના મૃત્યુંના બદલામાં તેને નિઃવસ્ત્ર કરીને જેગવી બાળ્યો. તે જ સમયે મને પણ સુર્યાંશ સાથે બદલો લેવાની ભાવના જાગી અને મેં પ્રધાનના પુત્રને યોજના કહી સંભળાવીને આદમના વસ્ત્રો ધારણ કર્યાં.
બસ પછી તો એક પછી એકને મારતો ગયો. છેલ્લે પ્રધાન અને તેના પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા અને રાજ્યને અંગ્રેજોને સોંપ્યું. બદલામાં મેં અંગ્રજો પાસે દ્યુતખાડી મારા હસ્તક કરવાની માંગણી કરી. ત્યારથી અત્યાર સુધી તેને મેં બધાથી છુપી જ રાખી હતી. પરંતુ હવે તો તેમાં સોનું જ ખૂટી રહ્યું તો છુપી રાખીને પણ શું કામ છે.
એવા વિકટ સમયે મને જાણ થઈ કે, ચંદ્રતાલા મંદિરમાં અઢળક સોનું છુપાવેલું છે. (લોભમાં બોલતા ભોલાનો ચેહરો ખુબજ ભયંકર સ્વરૂપ લઇ રહ્યો હતો.) તે મંદિરની નીચે ખુબજ સોનું છે. પરંતુ તેનો દ્વાર બંધ છે. બસ ત્યારથી જ હું આ સોનાના બધા જ રહસ્યો જાણવા લાગ્યો. જેમાં એ દ્વાર ખોલવા માટે મહા ચંદ્રયજ્ઞ કરીને રાઉભાનવંશી લોહીની જરૂર છે. મને કેટલાંય વર્ષો સુધી એ વાત ખૂંચતી હતી કે, ચંદ્રવંશી સાથેની લડાઇમાં મેં પણ મારી બહેનને ખોઈ છે. પણ ના એ ખોટું હતું એ જીવતી હતી. એ વાતની જાણ મારી બા એ મરતા પેહલા કરી અને ચાલી ગઈ. પરંતુ તેને મને એતો કહ્યું જ નય કે, મારી લાડકી બહેન છે ક્યાં?
મેં તેને શોધવા આખું પશ્ચિમબંગાળ ખોળાવી નાખ્યું પણ હાથ કઈ ન લાગ્યું. ત્યારબાદ મને હજું થોડાક મહિના પહેલા જ જાણ થઈ કે, મારી લાડકી બહેન વર્ષો પહેલાં ગુજરાતમાં એક બાળકી લઈને પોહચી હતી. એ સાંભળી મને ખુબ દુઃખ થયું કે, એ બાળકી એની નહીં. પરંતુ રાજકુમાર મદનપાલની હતી. જેના આખા પરિવારને મેં તડપાવીને માર્યા એની જ દીકરી માટે મારી બેહને આખી જીંદગી કાઢી. ખુશી ત્યારે મળી જ્યારે એ વાતની જાણ થઈ કે, એજ દીકરીથી મને મંદિરમાં રહેલું અઢળક સોનું મળશે. એ વાત મને પંડિતે જણાવી.
“તારી જેવા દેશદ્રોહીના લીધે જ બહારથી આવેલા અંગ્રેજો દેશમાં બસો વર્ષ સુધી રાજ કર્યું.” આદમની વાતને અટકાવતો વિનય બોલ્યો.
આ બધું સાંભળી રહેલી જીદ હળવેથી આંસુ ભરેલી આંખો ઉચકાવી બોલી. “મારી મમ્મી ક્યાં છે?”
“હા... હા.... હા.” આદમ એક રાક્ષશી હાસ્ય હસ્યો.
***