તેને ખબર નહોતી.
"અમને તમારી યાદ આવશે," શ્રીમતી લેન ધ્રુજી ઉઠી, અને એક ક્ષણ માટે મારું હૃદય મને ઠપકો આપતું હતું, કારણ કે મેં તેમના નરમ વૃદ્ધ ચહેરા પર આંસુ જોયા.
"આભાર," મેં થોડી કડકાઈથી કહ્યું, મારી પોતાની લાગણીઓ સામે તાકીને કહ્યું હતું. "ડિક, ગાડી ચલાવો."
દરવાજા સુધી પહોંચતા સુધી હું ઘોડાના કાન તરફ જોતી રહી. મારા ભાઈ માયક્રોફ્ટે એસ્ટેટના લૉનને "સાફ" કરવા માટે માણસો રાખ્યા હતા, અને હું મારા જંગલી ગુલાબના છોડ કાપી નાખેલા જોવા માંગતી ન હતી.
"ગુડબાય, મિસ ઈનોલા, અને શુભકામનાઓ," લોજ-કીપરએ અમારા માટે દરવાજા ખોલતા કહ્યું.
"આભાર, કૂપર."
ઘોડો કાઈનફોર્ડમાં ચાલતો હતો ત્યારે મેં નિસાસો નાખ્યો અને મારી નજર ફેરવવા લાગી. મેં કસાઈની દુકાન, કરિયાણાની દુકાન, કાળા બીમવાળા, સફેદ ચૂનાનાં છાપરાવાળા કોટેજ, જાહેર ઘર, પોસ્ટ અને ટેલિગ્રાફ ઓફિસ, પોલીસ-સ્ટેશન, નાની બારીઓ સાથેના ટ્યુડર કોટેજ, ધર્મશાળા, લુહાર, વિકારેજ, શેવાળવાળી સ્લેટ છત સાથે ગ્રેનાઈટ ચેપલ, કબ્રસ્તાનમાં આ તરફ અને પેલી તરફ નમેલા કબરના પથ્થરો-
અમે લગભગ પસાર થઈ ગયાં તે પછી મેં અચાનક કહ્યું, જાણે કે મને તે જ ક્ષણે તેનો વિચાર આવ્યો હોય, "ડિક, ઊભા રહો. હું મારા પિતાને વિદાય આપવા માંગુ છું."
તેણે ઘોડાને રોકી દીધો. "તે શું હતું, મિસ ઈનોલા?"
ડિક સાથે વ્યવહાર કરતી વખતે, સંપૂર્ણ અને સરળ ખુલાસાઓ જરૂરી હતા. "હું મારા પિતાની કબરની મુલાકાત લેવાની ઇચ્છા કરું છું," મેં તેને શાંતિથી એક સમયે એક શબ્દ બોલીને કહ્યું, "અને ચેપલમાં તેમના માટે પ્રાર્થના કરવી છે."
બિચારા પિતાજી, તેમને આવી પ્રાર્થનાની ઇચ્છા ન હોત. લોજિસ્ટ અને અનબિલિવર તરીકે, મમ્મીએ મને એકવાર કહ્યું હતું, તેણે અંતિમ સંસ્કારની ઇચ્છા નહોતી; તેમની વિનંતી અગ્નિદાહ માટેની હતી, પરંતુ તેમના અવસાન પછી, તેની ઇચ્છાને એ ડરથી દફનાવી દેવામાં આવી હતી કે કાઈનફોર્ડ ક્યારેય આ કૌભાંડમાંથી પાછું નહીં ફરી શકે.
તેની ધીમી, ચિંતિત રીતે ડિકે કહ્યું, "મિસ, હું તમને ફક્ત રેલ્વે સ્ટેશન પર લઈ જવા માટે છું."
"પુષ્કળ સમય છે. જ્યારે તમે મારી રાહ જોતા હો ત્યારે તમે પબ્લિક હાઉસમાં જઈ શકો છો."
"ઓહ! આયે." તેણે ઘોડો પાછો ફેરવ્યો, અને ચેપલના દરવાજા તરફ દોર્યો. તે તેના શિષ્ટાચારને યાદ કરે તે પહેલાં અમે એક ક્ષણ માટે બેઠા, પરંતુ તે પછી તેણે લગામ સુરક્ષિત કરી, નીચે ઉતર્યા, અને મને ઉતરવામાં મદદ કરવા માટે મારી બાજુમાં આવ્યાં.
"આભાર," મેં તેને કહ્યું, જ્યારે મેં મારા મોજાવાળાં હાથને તેની ગંદી હથેળીઓમાંથી પાછો ખેંચી લીધો. "દસ મિનિટમાં મારા માટે પાછા આવો."
બકવાસ; હું જાણતી હતી કે તે પબ્લિક હાઉસમાં અડધો કલાક કે તેથી વધુ હશે.
"હા, મિસ." તે તેની ટોપીને સ્પર્શ્યો.
તે ત્યાંથી નીકળી ગયો, અને સ્કર્ટના ઘેરની વચ્ચે મેં ચેપલમાં પ્રવેશ કર્યો.
જેમ મેં અપેક્ષા કરી હતી અને આશા રાખી હતી, મને તે ખાલી લાગ્યું. ખાલી બાકડાઓ તરફ નજર કર્યા પછી, મેં હાંસી ઉડાવી, મારી છત્રીને ગરીબો માટેના કપડાંના બોક્સમાં ફેંકી દીધી, મારા સ્કર્ટને મારા ઘૂંટણની ઉપર સરકાવ્યા, અને પાછલા દરવાજા તરફ ધસી ગઈ.
અને બહાર સૂર્યથી પ્રકાશિત કબ્રસ્તાનમાં.
હું હેડસ્ટોન્સ વચ્ચેથી પસાર થતાં અને વળી જતા રસ્તા વચ્ચે હું દોડી, કોઈ પણ સાક્ષી જે ગામની શેરીમાં પસાર થઈ રહ્યો છે તેની અને મારી વચ્ચે ફક્ત ચેપલ આડું આવતું હતું. જ્યારે હું ચેપલના મેદાનના છેડે રહેલા વૃક્ષોની હરોળ તરફ પહોંચી, ત્યારે મેં સીધી છલાંગ લગાવી, જમણે વળી, થોડી આગળ દોડી, અને હા, ખરેખર, હા! ત્યાં મારી સાયકલ મારી રાહ જોતી હતી, વૃક્ષોની હરોળમાં છુપાયેલી હતી, જ્યાં મેં તેને ગઈકાલે છોડી હતી. અથવા તેના બદલે, ગઇકાલે રાત્રે. થોડાં કલાકોમાં, લગભગ પૂર્ણ ચંદ્રના પ્રકાશથી.
સાયકલ પર બે કન્ટેનર, આગળ એક ટોપલી અને પાછળ એક બોક્સ લગાવવામાં આવ્યા હતા, બંને સેન્ડવીચ, અથાણાં, સખત બાફેલા ઇંડા, પાણીનો ફ્લાસ્ક, અકસ્માતના કિસ્સામાં પાટો બાંધવા માટેની પટ્ટી, ટાયર રિપેર કીટ, નિકરબોકર્સ, મારા આરામદાયક જૂના કાળા બૂટ, ટૂથબ્રશ, અને આવું ઘણું બધું હતું.
મારા પર પણ બે કન્ટેનર લગાવેલા હતા, જે ટૌપ સૂટ નીચે છુપાયેલા હતા, એક આગળ અને એક પાછળ. આગળનો એક ખૂબ જ અનોખો બસ્ટ એન્હાન્સર હતો જે મેં મમ્મીના કપડામાંથી ચોરી કરેલી સામગ્રીમાંથી ગુપ્ત રીતે હાથથી સીવ્યો હતો. પાછળના કન્ટેનર માટે, મેં આ પ્રકારનો ડ્રેસ ઇમ્પ્રુવર બનાવ્યો હતો.
ઘર છોડતી વખતે, મારી માતાએ શા માટે બસ્ટલ પહેર્યો હતો, છતાં તેના અંદરનું ઘોડાના વાળનું મટીરીયલ પાછું મુકી દીધું હતું?
જવાબ મને સ્પષ્ટ લાગતો હતો: ડ્રેસ ઇમ્પ્રુવરની જગ્યાએ ભાગી જવા માટે જરૂરી સામાન છુપાવવા માટે.
અને હું, સપાટ છાતીથી આશીર્વાદિત હોવાથી, તેના ઉદાહરણને એક ડગલું આગળ લઈ ગઈ હતી. મારા વિવિધ અને યોગ્ય રેગ્યુલેટર, એન્હાન્સર અને ઇમ્પ્રુવર ફર્ન્ડેલ હોલમાં રહ્યા - ખરેખર, મારી ચીમની તેનાથી ભરેલી હતી. મારા શરીર પર મેં કાપડના કન્ટેનરનો સામાન પહેર્યો હતો, જે વાસ્તવમાં નોટોના બંડલની આસપાસ લપેટાયેલી બિનઉલ્લેખિત વસ્તુઓથી ભરેલો હતો. વધુમાં, મેં કાળજીપૂર્વક પસંદ કરેલો ફાજલ ડ્રેસ વાળીને મારા પેટીકોટની વચ્ચે મારી પીઠ પર સુરક્ષિત કર્યો હતો, જ્યાં તે મારી પીઠને સંપૂર્ણ રીતે ભરી દેતો હતો. મારા સૂટના ખિસ્સામાં મારો રૂમાલ, સાબુ, કાંસકો અને હેરબ્રશ, મારી કિંમતી સાઇફરની પુસ્તિકા, સુગંધિત મીઠુ, ઉર્જા ટકાવી રાખતી કેન્ડી... ખરેખર, મેં સ્ટીમર ટ્રંક જેટલી જરૂરી વસ્તુઓ લીધી હતી.
મારી સાયકલ પર કૂદીને, મારા પેટીકોટ અને સ્કર્ટને મારા પગની ઘૂંટીઓ પર નમ્રતાપૂર્વક ઢાંકીને, હું પેડલ ચલાવીને ગઈ.
એક સારા સાયકલ ચલાવનારને રસ્તાની જરૂર નથી. હું હાલમાં ખેતરની ગલીઓ અને ગોચર જમીનોને અનુસરીશ. જમીન લોખંડની જેમ સખત હતી; હું કોઈ નિશાન છોડીશ નહીં.
આવતીકાલ સુધીમાં, મેં કલ્પના કરી હતી, મારો ભાઈ મહાન ડિટેક્ટીવ શેરલોક હોમ્સ ગુમ થયેલી બહેન તેમજ ગુમ થયેલી માતાને શોધવાનો પ્રયાસ કરશે.
તે અપેક્ષા રાખશે કે હું તેનાથી દૂર ભાગી જઈશ. તેથી, હું તેવું નહીં કરું. હું તેની પાસે ભાગી જઈશ.
તે લંડનમાં રહેતો હતો. માયક્રોફ્ટ પણ લંડનમાં રહેતો હતો. તે કારણે, અને કારણ કે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી ખતરનાક શહેર હતું, તે પૃથ્વી પરનું છેલ્લું સ્થાન હતું જ્યાં બંનેમાંથી કોઈ પણ મારી પાસેથી ત્યાં આવવાનાં સાહસની અપેક્ષા રાખશે.
તેથી, હું ત્યાં જઈશ.
તેઓ અપેક્ષા રાખશે કે હું છોકરાનો વેશ ધારણ કરીશ. સંભવતઃ તેઓએ મારા નિકરબોકર્સ વિશે સાંભળ્યું હશે, અને ગમે તે હોય, શેક્સપિયર અને અન્ય સાહિત્યિક કૃતિઓમાં, ભાગેડુ છોકરીઓ હંમેશા છોકરાઓનો વેશ ધારણ કરતી હતી.
તેથી, હું તેવું નહીં કરું.
હું મારી જાતને એવી વસ્તુ તરીકે વેશ ધારણ કરીશ જે મારા ભાઈઓ છેલ્લે વિચારશે કે હું તેવું કરીશ, કારણ કે તેઓ મને એક સાદા બાળકના સ્વરૂપમાં મળ્યા હતા અને ફ્રોકમાં, કે જે ફ્રોક મારા ઘૂંટણને ભાગ્યે જ ઢાંકતો હતો.
હું મારી જાતને એક પુખ્ત સ્ત્રીનો વેશ ધારણ કરાવીશ. અને પછી હું મારી માતાને શોધવાનું શરૂ કરીશ.