શ્રીમતી લેન દ્વારા મને વિનંતી કરાયેલ ચા પીધા પછી, મેં સૂકા નીકરબોકર્સ પહેર્યા અને મારો પત્ર ગામમાં પહોંચાડવા માટે જવા લાગી.
"પણ વરસાદ પડે છે તો તમે પલળી જશો, ડિક પત્ર પહોંચાડી દેશે," શ્રીમતી લેને કહ્યું, ફરીથી તેના એપ્રોનમાં હાથ વીંટાળતા વીંટાળતા.
ડિક તેનો મોટો દીકરો હતો, જે એસ્ટેટની આસપાસ નાના-મોટા કામ કરતો હતો, જ્યારે રેજિનાલ્ડ, જે તેનાથી થોડો વધુ બુદ્ધિશાળી કોલી કૂતરો હતો, તેની દેખરેખ રાખતો હતો. શ્રીમતી લેનને એમ કહેવાને બદલે કે મને આ મહત્વપૂર્ણ કામ માટે ડિક પર વિશ્વાસ નથી, મેં કહ્યું, "હું ત્યાં હોઉં ત્યારે હું થોડી પૂછપરછ કરીશ. હું સાયકલ લઈ જઈશ."
આ કોઈ જૂની હાઈ-વ્હીલ બોન-શેકર નહોતી, પરંતુ ન્યુમેટિક ટાયરવાળી એક અદ્યતન "વામન" સાયકલ હતી, જે સંપૂર્ણપણે સલામત હતી.
ઝરમર વરસાદમાં સાયકલ ચલાવીને, હું લોજ પર એક ક્ષણ માટે રોકાઈ - ફર્ન્ડેલ એક હોલ માટે નાનું છે, ખરેખર તો ફક્ત એક પથ્થરનું ઘર છે જેની છાતી ફૂલેલી છે, પરંતુ તેમાં એક ડ્રાઇવ, એક દરવાજો અને તેથી એક લોજ (પ્રવેશદ્વાર પાસે રહેલી નાની ઓરડી) હોવો જરૂરી છે.
"કૂપર," મેં લોજ-કીપરને પૂછ્યું, "શું તમે મારા માટે દરવાજો ખોલશો? અને હા, શું તમને યાદ છે કે ગઈકાલે મારી માતા માટે દરવાજો ખોલ્યો હતો?"
જેના પર, આવા પ્રશ્ન પર તેના આશ્ચર્યને છુપાવ્યા વિના, તેણે નકારાત્મક જવાબ આપ્યો. લેડી યુડોરિયા હોમ્સ અહીંથી પસાર થયા ન હતા.
તેણે મને બહાર જવા દીધા પછી, હું કાઈનફોર્ડ ગામ સુધી ટૂંકા અંતરે સાયકલ ચલાવીને ગઈ.
પોસ્ટ ઑફિસમાં મેં મારા ટેલિગ્રામ મોકલ્યા. પછી મેં મારી નોંધ પોલીસ સ્ટેશનમાં મૂકી, અને મારા રાઉન્ડ શરૂ કરતા પહેલા અધિકારી સાથે વાત કરી. હું વિકારેજ, શાકભાજીની દુકાન, બેકરી, મીઠાઈની દુકાન, કસાઈની દુકાન, માછલી વેચનાર વગેરે જગ્યાએ રોકાઈ, શક્ય તેટલી ગુપ્ત રીતે મારી માતાની પૂછપરછ કરી. કોઈએ તેણીને જોઈ ન હતી. આ બધા લોકોમાંથી વિકારની પત્નીએ મારી સામે આઇબ્રો ઉંચી કરી. મને લાગ્યું કે તે મારા નીકરબોકર્સને કારણે હશે. જાહેરમાં સાયકલ ચલાવવા માટે, મારે "રેશનલ" - વોટરપ્રૂફ સ્કર્ટથી ઢંકાયેલા બ્લૂમર્સ - અથવા ખરેખર કોઈપણ પ્રકારનો લાંબો સ્કર્ટ પહેરવો જોઈતો હતો, મારા પગની ઘૂંટીઓ છુપાવવા માટે પૂરતી લંબાઈ ધરાવતો. મને ખબર હતી કે લોકો મારી માતાની અશ્લીલ ભાગો જેવા કે કોલસાના ડબ્બા, તેના પિયાનો નો પાછળનો ભાગ અને મારી જેવાને યોગ્ય રીતે ઢાંકવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરતા હતા.
હું આઘાતજનક બાળક હતી.
મેં ક્યારેય મારા અપમાન પર પ્રશ્ન કર્યો નહીં, કારણ કે આમ કરવું એ એવી બાબતોનો ઉલ્લેખ કરવા જેવું હતું જેના વિશે એક "સરસ" છોકરી અજાણ રહે છે. જોકે, મેં જોયું હતું કે મોટાભાગની પરિણીત સ્ત્રીઓ દર એક કે બે વર્ષે ઘરમાં ગાયબ થઈ જતી હતી, ઘણા મહિનાઓ પછી એક નવા બાળક સાથે બહાર આવતી હતી, આવું કદાચ એક ડઝનની સંખ્યા સુધી થતું હતું, જ્યાં સુધી તેઓ વૃદ્ધ ન થઈ જાય અથવા મૃત્યુ પામી ન જાય. સરખામણીમાં, મારી માતાએ ફક્ત મારા બે મોટા ભાઈઓને જ જન્મ આપ્યો હતો. કોઈક રીતે આ મારા મોડા આગમન એ એક સજ્જન બુદ્ધિશાળી તર્કશાસ્ત્રી અને તેની સારી રીતે ઉછરેલી કલાત્મક પત્ની માટે વધુ શરમજનક બનાવ્યું.
જ્યારે હું ફરીથી કાઈનફોર્ડની આસપાસ સાયકલ લઇને ફરતી હતી ત્યારે આઇબ્રો ઊંચી કરનારાઓએ તેમના માથા એકસાથે હલાવીને બબડાટ કર્યો, આ વખતે હું ધર્મશાળા, લુહાર, તમાકુના કારીગરો અને પબ્લિક હાઉસમાં પૂછપરછ કરતી હતી, જ્યાં "ઉચ્ચ" સ્ત્રીઓ ભાગ્યે જ પગ મૂકે છે.
મને કંઈ સમજાતું નહોતું.
અને મારા શ્રેષ્ઠ સ્મિત અને શિષ્ટાચાર હોવા છતાં, જ્યારે હું ફર્ન્ડેલ હોલમાં નાખુશ સ્થિતિમાં પાછી ફરી ત્યારે મને લગભગ ઉત્સાહિત ગપસપ, અનુમાન અને અફવાનો અવાજ સંભળાતો હતો.
"કોઈએ તેણીને જોઈ નથી," મેં શ્રીમતી લેનના મૌન, પ્રશ્નાર્થ નજરનો જવાબ આપ્યો, "અથવા કોઈને ખ્યાલ નથી કે તે ક્યાં હશે."
ફરીથી તેણીની લંચની ઓફરને બાજુ પર રાખીને - જોકે હવે ચાનો સમય થઈ ગયો હતો - હું ઉપરના માળે મારી માતાના રૂમમાં ગઈ અને હૉલવેના દરવાજાની બહાર ઊભી રહી, વિચારતી રહી. મમ્મીએ તેનો દરવાજો બંધ રાખ્યો હતો. શ્રીમતી લેનને મુશ્કેલીથી બચાવવા માટે હોય તેવું લાગ્યું કારણ કે લેન અને શ્રીમતી લેન એકમાત્ર ઘર-નોકરો હતા ઍટલે મમ્મીએ કાયમ તેનો રૂમ જાતે જ સાફ કર્યો હતો. તેણીએ ભાગ્યે જ કોઈને અંદર આવવા દીધા હતા, પરંતુ સંજોગોવશાત-
મેં આગળ વધવાનું નક્કી કર્યું.
દરવાજાના નોબ પર મારો હાથ મૂકીને વિચાર આવ્યો, મને સંપૂર્ણપણે અપેક્ષા હતી કે લેન પાસેથી ચાવી મેળવવા માટે મારે કંઇક યુક્તિ અજમાવવી પડશે.
પરંતુ મારી મુઠ્ઠીમાં દરવાજાનો નોબ ગોળ ફેરવાયો.
દરવાજો ખુલ્યો.
અને મને એ ક્ષણે ખબર પડી ગઈ, જો મને પહેલાં ખબર ન હોત, તો બધું બદલાઈ ગયું હોત.
મારી માતાના બેઠક ખંડની શાંતિમાં મારી આસપાસ જોતાં, મને ચેપલ(એક પ્રકારનો નાનો રૂમ કે જ્યાં પ્રાર્થના કરવામાં આવે છે.) માં હોય તેના કરતાં વધુ આધ્યાત્મિક વાતાવરણ લાગ્યું. મેં પિતાના તર્કશાસ્ત્રના પુસ્તકો અને માલ્થસ અને ડાર્વિન વાંચ્યા હતા; મારા માતાપિતાની જેમ હું તર્કસંગત અને વૈજ્ઞાનિક વિચારો ધરાવતી હતી પણ મમ્મીના રૂમમાં હોવાથી મને એવું લાગ્યું કે હું વિશ્વાસ કરવા માંગુ છું. કંઈકમાં. આત્મા, કદાચ, અથવા ભાવનામાં.
મમ્મીએ આ રૂમને કલાત્મક ભાવનાનું અભયારણ્ય બનાવ્યું હતું. જાપાની કમળ-પેટર્નવાળા રેશમના પેનલથી બારીઓને શણગારેલી હતી, વાંસ જેવા કોતરેલા મેપલ લાકડાના પાતળા ફર્નિચર પર પ્રકાશ આવવા દેવા માટે તે પાછળ રખાયેલા હતા, જે પાર્લરમાં રહેલા ઘેરા મહોગનીથી ખૂબ જ અલગ હતા. નીચે બધું લાકડું વાર્નિશ કરેલું હતું, બારીઓ પર ભારે વરસાદ પડતો હતો, અને દિવાલો પર પૂર્વજોના ઓઇલ પેઇન્ટિંગ દેખાતા હતા, પરંતુ અહીં મારી માતાના રૂમમાં એક બાજુ લાકડું સફેદ રંગથી રંગાયેલું હતું, અને પેસ્ટલ રંગોની દિવાલો પર સો જેટલા નાજુક વૉટરકલરના ચિત્રો લટકાવવામાં આવ્યા હતા: મમ્મીના હવાદાર, પ્રેમાળ રીતે વિગતવાર ફૂલોના ચિત્રો, દરેક ચિત્ર લેખન કાગળની શીટ કરતાં મોટું ન હતું, હળવા ફ્રેમ કરેલા.
એક ક્ષણ માટે મને લાગ્યું કે મમ્મી અહીં આ રૂમમાં છે, પહેલાથી અહીં જ હતી.
કાશ એવું હોત.
હળવેથી, જાણે હું તેને ખલેલ પહોંચાડી રહી હોય તેમ, હું બાજુના રૂમમાં, તેના સ્ટુડિયોમાં ગઈ: એક સાદો ઓરડો જેમાં પ્રકાશ માટે ખુલ્લી બારીઓ અને સફાઈ માટે ખુલ્લી ઓકના લાકડાની ફ્લોર હતી. ઘોડી, નમેલું આર્ટ ટેબલ, કાગળ અને બીજા પુરવઠા રાખેલી છાજલીઓ તરફ નજર કરતી વખતે, મેં લાકડાના બોક્સને જોયું અને ભવાં ચડાવ્યા.
મમ્મી જ્યાં પણ ગઈ હોય, તેણીએ તેની વોટરકલર કીટ પોતાની સાથે લીધી ન હતી.
પણ મેં ધાર્યું હતું કે-
હું કેટલી મૂર્ખ છું. મારે અહીં પહેલા જોવું જોઈતું હતું. તે ફૂલોનો અભ્યાસ કરવા માટે બિલકુલ બહાર ગઈ નહોતી. તે ગઈ હતી - ક્યાંક, ક્યાંક, ક્યાંક, મને ખબર નહોતી, અને મેં એવું વિચાર્યું જ શા માટે કે હું તેને મારી જાતે શોધી શકીશ?
હું મૂર્ખ હતી, મૂર્ખ હતી, મૂર્ખ હતી.