Chakor Titodi in Gujarati Science by Jagruti Vakil books and stories PDF | ચકોર ટીટોડી

Featured Books
Categories
Share

ચકોર ટીટોડી

ચકોર ટીટોડી 
   એક વાત દરિયા સાથે જોડાયેલી છે,એ જાણીતી છે કે એક વાર દરિયાના કાંઠે મૂકેલા ઈંડા ભરતીના સમયમાં દરિયો તાણી જાય છે અને બધી ટીટોડી ભેગી મળી ને દરિયાને એક એક કાંકરી નાખી ને બુરે છે.અને દરિયાએ હારીને એના ઈંડા પાછા આપે છે.. અહીંયા ટીટોડી માતૃપ્રેમ સાથે આપણે શીખવે છે કોઈ પણ સંજોગમાં હાર ન માનવી જોઈએ, અન્યાય માટે સતત લડતા રહેવું જોઈએ ભલે ગમે એવડું જોખમ સામે હોય, અને તમારી જીત અવશ્ય થાય છે.

       લુપ્ત થવાના આરે આવીને ઊભી હોય તેવી પ્રજાતિ માટે 21 મેના રોજ રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ (National Endangered Species Day)ની ઉજવણી થાય છે. જે પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં હોય, તેમના રક્ષણની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં 2006માં આ અભિયાન શરૂ થયું હતું. જેમાં જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની સુરક્ષા અને ઇકોલોજીકલ સંતુલનને ફરીથી સ્થપિત કરવા માટે વિવિધ કડક પગલા લેવામાં આવી રહ્યા છે. વન્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ સાથે પ્રાણીઓને સંવર્ધન માટેની જરૂરિયાત પણ છે. લુપ્ત થવાના આરે ઉભેલી પ્રજાતિઓની ઇકોસિસ્ટમની ગુણવત્તા સુધારવા માટે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે.

              ગુજરાતમાં 20 જેટલી પ્રજાતિ લુપ્ત થવાનો ભય હોવાનો એક સર્વે છે. એમાં ત્રણ પ્રકારની માછલી, ગીધ, ઘૂડખર, ગરુડ, કાચબા જેવા જીવોનો સમાવેશ થાય છે, આપણે ત્યાં જે ટીટોડી જોવા મળે છે એ ભયના આરે નથી, પણ વિદેશથી શિયાળો ગાળવા ગુજરાતમાં આવતી ટીટોડી લુપ્ત થવાના આરે છે. ધ નેશનલ એન્ડેન્જર્ડ સ્પીસીસ એકટ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાકૃતિક વસવાટને બચાવવા સંરક્ષણના પ્રયત્નો પર ભાર મૂકે છે.

            ઉનાળાની બપોર હોય કે શિયાળાની સવાર હોય કે પછી અડધી રાતનો સમય હોય, આપણી આસપાસ એક એવો અવાજ આવે, જે આપણી આસપાસ ગુંજ્યા કરતો હોય. આ અવાજની જાણે આપણને ટેવ પડી ગઈ છે. ઘરમાં બાળક હોય ને ટ્રી..ટીંટીંઈં... અવાજ કરનાર ટીટોડી એવું અદ્દભુત પક્ષી છે, જેને આપણે વગડા, શહેરમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ.

         આપણી આજુબાજુ બે પ્રકારની ટીટોડી જોવા મળે છે. એક, લાલ ગાલવાળી ટીટોડી, જેને અંગ્રેજીમાં red wattled lapwing કહે છે અને બીજી પીળા ગાલવાળી ટીટોડી, જેને અંગ્રેજીમાં yellow wattled lapwing કહે છે. yellow wattled lapwing નું બીજું ગુજરાતી નામ છે, વગડાની ટીટોડી, કારણ કે પીળી ટીટોડી વગડામાં જ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં બહુ ઓછી હોય અથવા ન પણ હોય. આ બંને ટીટોડીને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એની ચાંચની આજુબાજુનો કલર લાલ અને પીળો હશે.

       હવે સોશિયેબલ ટીટોડી કે જે લુપ્ત થવાના આરે છે, સોશિયેબલ લેપવિંગનું ગુજરાતી નામ છે મળતાવડી ટીટોડી. આ ટીટોડીનું નિવાસ મોટા ભાગે અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબેજાન, જ્યોર્જિયા, ઈરાન, લેબેનોન, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને યુએઈ છે. આપણે ત્યાં શિયાળો હોય ત્યારે આ દેશોમાં ગરમી પડે છે, એટલે આ મળતાવડી ટીટોડી શિયાળામાં ભારત-પાકિસ્તાન, શ્રીલંકા પહોંચી જાય છે. આમ તો ગુજરાતમાં આ સોશિયેબલ ટીટોડી આવતી નથી, પણ 2018માં લગભગ 120 જેટલી પહેલીવાર નળસરોવરમાં આવી. આખા વિશ્વમાં મળતાવડી ટીટોડીની સંખ્યા માત્ર 1100 જ છે. એમાંથી 120 ગુજરાતમાં આવી હતી. એટલે કુલ વસતિના એક ટકા તો આપણે ત્યાં હતી. આ ટીટોડી આછા રાખોડી રંગની હોય અને એની આંખના ઉપરના ભાગે કાળી-સફેદ પટ્ટી હોય.

        આમ તો જોકે આ ટીટોડીનો શિકાર થતો નથી, એટલે લુપ્ત થવા પાછળ આ કારણ ન હોઈ શકે, પણ લેપવિંગ રિસર્ચ સોસાયટીના અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે આ ટીટોડીનું પ્રજનન ઘટી ગયું છે અને બચ્ચાં પણ નથી જન્મતાં, એટલે તેનો જન્મદર એકાએક સાવ ઘટી ગયો છે અને આ જ સૌથી મોટું કારણ છે કે મળતાવડી ટીટોડીની સંખ્યા વિશ્વમાં માત્ર 1100 જ બચી છે. કોમન ટીટોડી દેખાય છે, એમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પ્રજનન દર ઘટી શકે છે અને ખરાબ પરિણામ જોવા પડી શકે છે.

    આપણે ત્યાં વગડાઉ ટીટોડી ભારતના મોટા ભાગમાં વિસ્તારોમાં જોવા મળે છે. તે ખુલ્લા નીચાણવાળા,સુકા પ્રદેશો અને ઉજ્જડ વિસ્તારોમાં જોવા મળે છે. વગડાઉ ટીટોડી સામાન્ય ટીટોડી કરતાં પણ વધારે સુકા રહેઠાણમાં જોવા મળે છે. તે પડતર જમીન હોય કે લણી લીધેલાં ખેતરો હોય ત્યાં પણ વસવાટ કરે છે. સામાન્ય રીતે ભેજવાળી ધરતી હોય અથવા તો નજીકમાં તળાવડી કે ખાબોચિયું હોય તો વધારે પસંદ કરે છે. વગડાઉ ટીટોડી નર- માદા સરખાં દેખાતા હોય છે, પરંતુ નર તેની થોડીક લાંબી પાંખોના કારણે અલગ પડે છે. વગડાઉ ટીટોડીનો અવાજ સામાન્ય ટીટોડી કરતાં થોડો વધુ તીણો હોય છે. પરંતુ એટલો બધો કર્કશ હોતો નથી તે ટી…વીચ…ટી…વીચ… એવી બોલી બોલે છે.

     વગડાઉ ટીટોડીને માથે કાળો તાજ હોય છે તેના માથાની અને પીઠની વચ્ચે ગરદન ઉપર હલકા બદામીથી સફેદ રંગની સાંકડી પટ્ટી હોય છે! આ ટીટોડીને ચાંચ પાસે લાલને બદલે પીળી ખુલ્લી ચામડી હોય છે. તેનું ગળું, છાતી અને શરીરનો ઉપરનો ભાગ ભુરાશ પડતા ખાખી રંગનો હોય છે. તેના પેટનો અને પૂંછડીનો રંગ સફેદ હોય છે.! તેમાં વચ્ચે કાળા રંગના પટ્ટા હોય છે. માદા કરતાં નરની પાંખો લાંબી હોય છે. તે ઉડાન ભરે છે. તે વખતે કાળી પાંખોમાં સફેદ પટ્ટો હોય છે. આમ આ ટીટોડી ગરદન ઉપર સફેદ રંગની સાંકડી પટ્ટી અને ચહેરા પર પીળા રંગના વાલ્ટસથી તે અલગ તરી આવે છે. તેને પીળા ગાલવાળી ટીટોડી પણ કહેવામાં આવે છે. તેની ચાંચ આગળથી કાળા રંગની હોય છે, પરંતુ પગ પીળા રંગના હોય છે!

      ટીટોડી જેવું ચકોર પક્ષી બીજુ કોઈ નથી, જે ખુલ્લા પટમાં એકાદ માસ જેવું રખોલું કરી ઇંડામાંથી બચ્ચા ઉછેરે છે, જે પોતાની ચતુરાઈથી રસ્તો બદલાવી જમીન પર કુતરા,શિયાળ,ભૂંડ,શકરો સાપ વિગેરે પક્ષી,પશુ,માણસથી ઇંડા કે પોતાના બચ્ચાનુ હંમેશા રક્ષણ કરે છે. ટીટોડી, ઘોડો, અને કૂતરો રાત દિવસ જાગતા જીવો છે.એવું કહેવાય છે કે આભને ટેકો દે તેવો જીવ ટીટોડી છે એટલેજ ટીટોડી રાતના સમયે પોતાના પગ ઉપર રાખે છે આકાશ તરફ,રખે કદાચ ને આકાશ પડે તો ટેકો દેવા થાય!!