જૂનાગઢના ઇતિહાસમાં એક એવી સત્ય ઘટના અંકિત છે, જે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને ક્ષત્રિય ટેકના અનોખા સમન્વયને દર્શાવે છે. આ વાત છે રા' કવાટ અને તેમના ભાણેજ ઉગાવાળાની. બંને મામા-ભાણેજ રાણી સેનામાં શૂરવીર યોદ્ધા તરીકે જાણીતા હતા અને અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. પરંતુ, સમય જતાં તેમના સંબંધોમાં તણાવ આવ્યો.
એક દિવસ વાતચીત દરમિયાન ઉગાવાળાએ રા' કવાટને કહી દીધું કે આ રાજ્ય તેમની અને મામાની સહિયારી તાકાતથી ચાલે છે, બાકી એકલા મામા કંઈ કરી શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે જુનાગઢના વખાણ તેમના લીધે થાય છે, બાકી તેમની કોઈ ખાસ તાકાત નથી કે આખો સોરઠ દેશ તેમને ઓળખે. ઉગાવાળાએ પડકાર ફેંક્યો કે સાચો મરદ તો એ કહેવાય જે એકલે હાથે તાળી પાડી શકે. સૈનિકો અને લશ્કર તો સત્તાના જોરે જીતે, પણ જે એકલો જીતે તેને જ સાચો વીર માનવો જોઈએ. તેમણે રા' કવાટના પરાક્રમોને જુનાગઢની આણ ગણાવ્યા અને કહ્યું કે તેમના એકલાના બળથી કંઈ ના થાય.
ઉગાવાળાના આ અપમાનજનક શબ્દોથી રા' કવાટ વ્યથિત થયા. ઉગાવાળા ગુસ્સામાં ત્યાથી ચાલ્યા ગયા અને ચારણનો હાથ પકડીને કહ્યું કે જ્યાં સુધી તેઓ એક હાથે તાળી પાડીને નહીં બતાવે ત્યાં સુધી જુનાગઢનું પાણી તેમના માટે હરામ છે. રા' કવાટે તેમને મનાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ઉગાવાળા પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
સમય પસાર થતો ગયો અને શીયળબેટના રાજવી અનંતસેન ચાવડાએ જુનાગઢ પર આક્રમણ કરવાની યોજના બનાવી. તેમણે રા' કવાટને સોમનાથ બંદરે ભોજન માટે આમંત્રણ આપ્યું અને ત્યાં કપટ કરીને તેમને લાકડાના પાંજરામાં કેદ કરી લીધા અને શીયળબેટ લઈ ગયા. સંકટના સમયે રા' કવાટને તેમના ભાણેજ ઉગાવાળાની યાદ આવી. તેમણે ગુપ્ત સંદેશો મોકલીને મદદ માટે વિનંતી કરી.
ચારણ જ્યારે ઉગાવાળા પાસે સંદેશો લઈને પહોંચ્યો ત્યારે તેણે કહ્યું, "હે કવિરાજ ઉગાજી, આજે હું તમારાં ગુણગાન ગાવા નથી આવ્યો. મામાનો સંદેશો છે કે તમે કહેતા હતા કે એક હાથે તાળી પાડીને બતાવશો, તો આજ એ કપરી તાળી પાડવાનો સમય છે, માટે પાડી દેખાડો." જૂની વાતો ભૂલીને ઉગાવાળાને પોતાના મામા પ્રત્યે સહાનુભૂતિ થઈ. તેમણે પોતાના ૫૦૦ રાસલા સાથે શીયળબેટ પર ચડાઈ કરી. તલવારના જોરે ભયંકર યુદ્ધ થયું અને ઉગાવાળાએ એકલા હાથે લડીને રા' કવાટ અને બીજા રાજાઓને મુક્ત કરાવ્યા, જાણે એક હાથે તાળી પાડી હોય તેમ તેમણે અશક્ય કાર્ય કરી બતાવ્યું. પરંતુ, કમનસીબે પીંજરું તોડતી વખતે ઉગાવાળાનું પાટું રા' કવાટને વાગી ગયું. રા' કવાટે આને ઉગાવાળાનું અપમાન સમજ્યું, જો કે તે ભૂલથી વાગ્યું હતું. ઉગાવાળાએ કહ્યું કે જો તેમને એવું લાગતું હોય તો તેઓ મેદાનમાં મળવા તૈયાર છે અને પછી તળાજા તરફ પ્રયાણ કર્યું. થોડા સમય પછી એક સૈનિક તળાજા આવ્યો અને ઉગાવાળાને સંદેશો આપ્યો કે તેમના મામા તેમની સાથે યુદ્ધ કરવા માટે જુનાગઢથી ફોજ લઈને નીકળ્યા છે. ઉગાવાળા આ સાંભળીને ખુશ થયા અને બોલ્યા કે ઉગાવાળાનો હાથ આખો મુલક જાણે છે.
મામા અને ભાણેજ વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં રા' કવાટ ઉગાવાળાના હાથમાં આવી ગયા, પરંતુ તેમણે ઉગાવાળાને મારવાની ના પાડી. ભાણેજને જીવતો છોડી દેવાનું કહ્યું એટલે ઉગાવાળાએ પોતાની તલવાર નીચે નાખી દીધી. પરંતુ, પાછળથી બે ભાગેલા સૈનિકોએ ઉગાવાળા પર ઘા કર્યો અને તેઓ જમીન પર પડી ગયા. આ જોઈને રા' કવાટે બદલો લેવા માટે ઉગાવાળા પર ઘા કર્યો અને ઉગાવાળાનું પ્રાણ પંખીડું ઊડી ગયું. પછી રા' કવાટને ઉગાવાળાના ઉપકાર યાદ આવ્યા અને તેમણે લાશને ભેટીને ખૂબ રુદન કર્યું, પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું.
ઉગાવાળાના પુત્ર શેલાઇત વાળાએ વડલી અને ચિત્રાસરની વચ્ચેની સીમમાં તેમના પિતાનો પાળિયો ઊભો કરાવ્યો. એક દિવસ ઉગાવાળાના બહેન પોતાના ભાઈને યાદ કરીને તે પાળિયા પાસે આવ્યા. ત્યાં બે-ત્રણ પાળિયા જોઈને તેમને ખબર ન પડી કે કયો પાળિયો તેમના ભાઈનો છે. તેમણે મનમાં સંકલ્પ કર્યો કે જો આમાં તેમના વીર ઉગાનો પાળિયો હશે તો તે જરા નમશે, તો તેઓ તેને સિંદૂર ચડાવશે અને જુહાર કરશે. તેમણે ભાવભીના હૃદયે પ્રાર્થના કરી, "હે વીર ઉગા, આમાં તારો પાળિયો હોય તો જરા નમ તો હું તને સિંદૂર ચડાવું ને જુહારું પણ જરાક નમી જા વીર..." અને લોકવાયકા પ્રમાણે ઉગાવાળાનો પાળિયો નમ્યો અને બેને કંકુમ તિલક કર્યું.
"પાળીયા અપરંપાર ઊગો ઓળખાય નહી,
નમ મોભી સરદાર વ્હાલા વીરને ઓળખું"
હાલમાં પણ આ નમેલો પાળિયો વડલીની સીમમાં જોવા મળે છે, જે આ સત્ય ઘટનાનો સાક્ષી છે. જો કે તે સમયે ત્યાં ઘણા પાળિયા હશે, પરંતુ સમયના વહેણમાં ઘણા લુપ્ત થઈ ગયા, પરંતુ વીર ઉગાવાળાનો પાળિયો આજે પણ અડીખમ ઊભો છે અને પોતાના ભાઈ પ્રત્યે બહેનના પ્રેમને સાચવીને નમેલો જોવા મળે છે. ગામના સરપંચ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે.