ક્ષત્રિય વીર દેવસિંહજી પીઠાજી સરવૈયા
આ ગાથા આઝાદી પૂર્વેના એ સમયની છે, જ્યારે રજવાડાઓનું શાસન હતું અને અંગ્રેજ સરકાર તેમનું રક્ષણ કરતી અને બદલામાં ખંડણી ઉઘરાવતી હતી. રાજાઓ માત્ર નામના શાસક હતા, જ્યારે વાસ્તવિક સત્તા અંગ્રેજોના હાથમાં હતી. એ સમયના ગુજરાત અને સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ પણ આજથી ભિન્ન હતી. આવા સમયમાં, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વડલી ગામના ક્ષત્રિય સરવૈયા કુળમાં દેવસિંહજીનો જન્મ થયો. આ વર્ષ હતું ૧૮૭૫. તેમના પિતા પીઠાજી (પથુજી) હતા. સરવૈયા અટકનું મૂળ તપાસીએ તો આ પરિવાર જુનાગઢના શક્તિશાળી રા' વંશ સાથે જોડાયેલો છે.
દેવસિંહજી ગામમાં સરકાર દ્વારા નિયુક્ત પહાયત (એક પ્રકારના સ્થાનિક વહીવટદાર) તરીકે રહેતા હતા. તેમની બેઠક ગામના કૂવાની પાસે એક પીપળાના વૃક્ષ નીચે રહેતી. ત્યાં હંમેશા ત્રણ ખાટલા અને પાણીનું માટલું રહેતું. તેમને દેશી રમત બુકીનો શોખ હતો અને તેઓ ગાંજો તથા જરદો પણ પીતા હતા, જેના કારણે તેમના મિત્રોની રોજ ત્યાં બેઠક જામતી. દેવસિંહજીના પરિવારમાં તેમના પત્ની હિરૂબા અને બે પુત્રો હામાજી અને માલાજી હતા.
આજુબાજુના ગામોમાં દેવસિંહજીનો ડર હતો અને જ્યારે તેમનો ગુસ્સો ભભૂકતો ત્યારે તેઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા. પરંતુ દીકરીઓના સન્માનની વાત આવે ત્યારે તેઓ અત્યંત સૌમ્ય અને સજ્જન બની જતા. ગામના તહેવારો, પ્રસંગો અને કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા. ગામની કોઈપણ સમસ્યાને તેઓ પોતાની સમસ્યા ગણીને સૌથી પહેલાં આગળ આવતા. વ્યાજખોરો, ઢોરને હેરાન કરનારાઓ અને છેતરપિંડી કરનારાઓ સાથે તેમને ઘણીવાર બોલાચાલી થતી. ગામના અગ્રણી હોવાના કારણે તેમના દુશ્મનોની સંખ્યા પણ ઓછી નહોતી. આજુબાજુના ગામના લોકો તેમને કાંટાની જેમ ખટકતા હતા, ખાસ કરીને લોઠપુરના મકવાણાઓ સાથે તેમની અવારનવાર તકરાર થતી રહેતી.
આ દુશ્મનીનું પરિણામ ભયાનક આવ્યું. મકવાણાઓએ દેવસિંહજીને દગો દેવાનું કાવતરું ઘડ્યું. એક મોડી રાત્રે, વડલીના કેટલાક માણસોને ફોડીને તેઓ દેવસિંહજીના ઘર સુધી પહોંચ્યા. ગાઢ નિંદ્રામાં સૂતેલા દેવસિંહજીની ગરદન અને છાતી પર કુહાડીના ત્રણ ઘા મારીને તેઓ ભાગી ગયા. આ ઘા એટલા ગંભીર હતા કે દેવસિંહજીએ થોડી જ ક્ષણોમાં પ્રાણ ત્યજી દીધા. ઘરના મોભીના મૃત્યુ પછી તેમના પત્ની હિરૂબા પર મોટી જવાબદારી આવી પડી. તેમનો પુત્ર હામાજી ત્યારે માત્ર આઠ વર્ષનો હતો. જમીનોની યોગ્ય દેખરેખ ન થતાં સરકારમાં તેની હરાજી થઈ ગઈ. દેવું વધવા લાગ્યું અને આખરે ઘર પણ ગીરવે મૂકવું પડ્યું. સમય જતાં હિરૂબાએ પણ આ દુનિયા છોડી દીધી.
આજે પણ, સરવૈયા પરિવારના શૂરવીર દેવસિંહજી સરવૈયાની ખાંભી સીદીની વડલી ગામમાં તેમની વીરતાની સાક્ષી બનીને ઊભી છે.
ક્ષત્રિય સુરાપુરા દેવસિંહજી પાંચુભા સરવૈયા
વર્ષો પહેલાં, પાણખાણ ગામમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો, જેનું નામ દેવસિંહજી હતું. બાળપણથી જ તેમનામાં વીરતાના ગુણો વિકસવા લાગ્યા હતા. તેઓ હથિયારો ચલાવવામાં અને ઘોડેસવારી કરવામાં અત્યંત નિપુણ હતા. જેમ જેમ યુવાની આવી, તેમ તેમ તેઓ એક બળવાન યોદ્ધા તરીકે ઓળખાવા લાગ્યા. તેમના હાથમાં હંમેશાં પોતાના રક્ષણ માટે ભાલો અથવા તલવાર રહેતી. તેઓ પોતાના સમાજ, કુટુંબ અને ગામ માટે લડવા અને જરૂર પડે તો પોતાના પ્રાણ ન્યોછાવર કરવા માટે હંમેશાં તત્પર રહેતા. અંગ્રેજોના અત્યાચારો સામે તેઓ સિંહની ગર્જના સાથે ઊભા રહેતા અને ગામનું રક્ષણ કરતા.
તે સમયમાં લોકો પૈસાના વ્યવહારથી અજાણ હતા. રૂપિયા શું હોય તેની સમજણ પણ નહોતી. જીવન જરૂરિયાતની વસ્તુઓ સાટા પદ્ધતિથી મેળવવામાં આવતી હતી, જેમાં પશુઓને ધન ગણવામાં આવતું હતું.
એક દિવસ સવારના શાંત અને સુંદર વાતાવરણમાં, જ્યારે પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો હતો અને ઢોરોના ઘુઘરાનો અવાજ સંભળાઈ રહ્યો હતો, ત્યારે ગામના પશુઓ ચરવા માટે ગામની ભાગોળેથી ગોચર તરફ નીકળ્યા. ધીમે ધીમે ચરતાં પશુઓ ગામની સીમા વટાવી ગયા. એ જ સમયે, ઘોડેસવાર લૂંટારાઓની નજર આ પશુધણ પર પડી. તેમના મનમાં ધણ લૂંટી જવાની લાલચ જાગી. ગોવાળ એકલો અને નિઃસહાય હતો. લૂંટારાઓએ તેને ધમકાવ્યો અને માર મારીને પશુધણને સીમાડા તરફ હાંકી ગયા.
આ તરફ, ગામમાં દેવસિંહજી અને તેમના સાથીદારો ખેતીનું કામ પતાવીને ઘરે પહોંચ્યા હતા. એટલામાં જ એક દુઃખદ ભરેલો સાદ સંભળાયો, "એ.. બાપુ... એ.. બાપુ... લૂંટારાઓ ધણ વાળી જાય છે, આપણી ગાયો લઈ જાય છે." આ સાંભળતા જ દેવસિંહજી અને તેમના સાથીદારો ભાલા અને તલવાર જેવાં હથિયારો લઈને ઘોડા પર સવાર થઈ ગયા. તેમણે લૂંટારાઓનો પીછો કર્યો અને તેમને પકડી પાડ્યા. પછી ભયંકર યુદ્ધ થયું. દેવસિંહજી અને તેમના સાથીઓએ પોતાની બહાદુરીથી લૂંટારાઓને હરાવ્યા અને પશુધણને બચાવી લીધું. પરંતુ આ ધીંગાણામાં દેવસિંહજી વીરગતિ પામ્યા. આવા મહાન અને વીર પુરુષને કોટિ કોટિ વંદન. આજે પણ જાફરાબાદના વડલી ગામના પાદરમાં વીર ક્ષત્રિય દેવસિંહજી સરવૈયાનું સ્મારક મોજૂદ છે, જે તેમની બહાદુરીની ગાથા કહે છે.
સંદર્ભ: રૂડુબા સરવૈયા, માંધાભાઇ પરમાર