Radha in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | રાધા

The Author
Featured Books
Categories
Share

રાધા

ગામની ભાગોળે આવેલી નાની, પણ લીલીછમ વાડી રાધા માટે માત્ર જમીનનો ટુકડો નહોતી, એ તો તેનું હૃદય હતું. વાડીના એક ખૂણે નાનું કાચું પાકું ઘર હતું, જેની ભીંતો પર વર્ષો જૂના રંગોની છાપ હજીયે તાજી હતી. ઘરની પાછળ એક મોટો વડલો હતો, જેની ઘટામાં આખો દિવસ પંખીઓનો કલરવ ગુંજતો રહેતો.

વાડીમાં બે ગાયો અને ત્રણ ભેંસો હતી, જે રાધા માટે પરિવારના સભ્ય જેવી હતી. સવારે વહેલા ઊઠીને તે પોતે જ તેમને નીરણ નાખતી અને તેમના આખા દિવસની કાળજી લેતી. ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો મધુર અવાજ વાતાવરણમાં મીઠાશ ભરતો હતો. વાડીના એક છેડે નાનો કુવો હતો, જેનું મીઠું પાણી ખેતરને લીલુંછમ રાખતું હતું. ચોમાસામાં તો પાસેની નાની નદી પણ છલકાઈ જતી અને વાડીની ફરતે જાણે ચાંદીની રેખા બની જતી.

વાડીની આસપાસ બીજા થોડા ખેડૂતોના ઘરો હતા. રાધાને બધા સાથે સારા સંબંધો હતા. સાંજે કામકાજ પતાવીને ગામની સ્ત્રીઓ ભેગી થતી અને સુખ-દુઃખની વાતો કરતી. ગીતા તેની બાળપણની સખી હતી. બંને ક્યારેક સાથે મળીને ખેતરમાં કામ કરતી તો ક્યારેક નદી કિનારે બેસીને જૂની યાદો વાગોળતી.

અમિત જ્યારે ગામડે આવતો ત્યારે આ વાડીમાં તેને રમવાનું ખૂબ ગમતું હતું. તે ગાયોની પાછળ દોડતો, કુવામાંથી પાણી કાઢવામાં રાધાને મદદ કરતો અને વડના ઝાડ પર ચઢીને આખો દિવસ ગાળતો. રાધાને યાદ હતું કે કેવી રીતે અમિત નાનો હતો ત્યારે ભેંસોને જોઈને ડરી જતો હતો અને તે તેને હિંમત આપતી હતી.

હવે જ્યારે અમિતે ગામડાના જીવનને નકાર્યું ત્યારે રાધાને આ બધું વધુ યાદ આવતું હતું. તેને લાગતું હતું કે જાણે તેનો એક ભાગ આ વાડી, આ પશુઓ અને આસપાસના લોકોમાં જ વસેલો છે અને અમિતના જવાથી એ ભાગ ક્યાંક દૂર થઈ રહ્યો છે.

તેના મનમાં એક વિચિત્ર ગૂંચવાડો ચાલતો હતો. એક તરફ દીકરાનું ભવિષ્ય હતું તો બીજી તરફ વર્ષોથી જીવેલું પોતાનું જીવન. આ બે વિરોધાભાસી લાગણીઓ વચ્ચે તે પીસાઈ રહી હતી. ત્યારે તેના મનમાં આ શબ્દો ગુંજવા લાગ્યા:

પોતાના જ મનને

મનાવતા મનાવતા

કેટલી અનબન થઈ ગઈ છે

પોતાની જ સાથે.....

કેટલાય દિવસો સુધી પોતાના મન સાથે ચાલેલી આ અનબન બાદ રાધા એક નિર્ણય પર આવી પહોંચી હતી. એક સવારે અમિત તેની પાસે આવ્યો અને ફરીથી શહેર જવા માટેની વાત કરવા લાગ્યો.

"મા, તું ક્યારે સમજીશ? મારે ત્યાં કામ છે, મિત્રો છે. અહીં મારું મન નથી લાગતું." અમિતના અવાજમાં થોડો કંટાળો હતો.

રાધાએ શાંતિથી તેના દીકરા સામે જોયું. તેની આંખોમાં સ્નેહ અને સમજણનો ભાવ હતો. "દીકરા," તેણે ધીમેથી કહ્યું, "હું તારી વાત સમજું છું. તારું ભણતર ત્યાં થયું છે, તારા સપનાં ત્યાં છે. તું જા, બેટા. તારી ખુશીમાં જ મારી ખુશી છે."

અમિતને પોતાની કાને વિશ્વાસ ન થયો. તેની માએ આટલી સરળતાથી કેવી રીતે હા પાડી દીધી? તે તો જાણતો હતો કે રાધાને આ વાડી અને ગામ છોડવું કેટલું મુશ્કેલ છે.

"પણ મા, તું એકલી અહીં શું કરીશ? તું પણ મારી સાથે શહેરમાં ચાલ." અમિતે કહ્યું.

રાધાએ હળવું સ્મિત કર્યું. "ના, દીકરા. મારું મૂળ તો અહીં છે. આ વાડી મારા પતિની યાદગીરી છે. આ ગાયો, આ ભેંસો, આ ખેતર... આ બધું જ મારો પરિવાર છે. આ ગામના લોકો મારા પોતાના છે. હું આ મોડ છોડીને નહીં આવી શકું."

તેણે થોડીવાર થોભીને ઉમેર્યું, "હા, તું જરૂર આવતો રહેજે. જ્યારે પણ તને સમય મળે, તારું સ્વાગત છે. આ ઘર તારું જ છે."

અમિતે પોતાની માના હાથ પકડ્યા. તેને સમજાયું કે તેની માનો લગાવ આ જગ્યા સાથે કેટલો ઊંડો છે. તેણે ક્યારેય તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન જ નહોતો કર્યો.

"ઠીક છે, મા. હું આવતો રહીશ." અમિતે કહ્યું. તેના અવાજમાં હવે પહેલાં જેવો આગ્રહ નહોતો.

અમિત શહેર જવા માટે તૈયાર થયો. રાધાએ તેને પ્રેમથી જમાડ્યો અને આશીર્વાદ આપ્યા. જ્યારે તે બસ સ્ટેન્ડ જવા નીકળ્યો ત્યારે રાધા વાડીના દરવાજા સુધી તેને વળાવવા ગઈ. અમિતે પાછું ફરીને જોયું તો રાધાના ચહેરા પર સ્નેહ અને થોડી વિદાયની વેદના હતી.

અમિતના ગયા પછી રાધા ફરીથી પોતાની વાડીમાં પાછી આવી. તેણે ગાયોને પંપાળી, ખેતરમાં ફરી અને કુવાના ઠંડા પાણીને સ્પર્શ કર્યો. તેને શાંતિનો અનુભવ થયો. તેણે પોતાના મનને મનાવી લીધું હતું. તેના દીકરાની ખુશી તેના માટે સર્વોપરી હતી અને પોતાનું જીવન તેણે આ વાડી અને ગામમાં જ વિતાવવાનું નક્કી કર્યું હતું. શહેર આવવાની વાત હવે માત્ર એક આમંત્રણ બનીને રહી ગઈ હતી, જેનો સ્વીકાર કરવો કે નહીં તે રાધાની મરજી પર નિર્ભર હતો. પરંતુ તેના હૃદયે તો આ ગામડાની માટીને જ પોતાનું ઘર માની લીધું હતું.


 સમાપ્ત