Dhanji - The last line of a picture in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | ધનજી-એક ચિત્ર નો છેલ્લો લીટો

The Author
Featured Books
Categories
Share

ધનજી-એક ચિત્ર નો છેલ્લો લીટો

ધનજી – એક ચિત્રનો છેલ્લો લીટો

જ્યાં કોઈ પાટિયું ન હોય ને, ત્યાંય જીવતર પોતાનું નામ લખી જાય હોં ભાઈ. એવી જ જિંદગી હતી આપડા ધનજીની.

ગીર પંથકના એક નાનકડા ગામડાનો માણસ, સાદા સીધા ઘરમાં જન્મેલો – ધીમી ધીમી આંખો, શાંત સ્વભાવ અને અંદરખાને જાણે કલાનો દરિયો હિલોળા મારતો હોય એવો. નાનપણથી જ એને સર્જન કરવાની લાગણી હતી – જાણે કલ્પનાના પંખી જેવી ઊડી જતી.

ગામલોકો એને પ્રેમથી “ધનલો” કહી બોલાવે. ને એની ભેર તો રવજી હારે એવી જાણે કોઈ જૂના લોકગીતની જુગલબંધી.

રવજી એટલે ગામના પટેલનો દીકરો. પૈસે ટકામાં રમતો, હસતો માણસ – કોઈ પણ કામમાં તરત ઉપાય શોધી કાઢે એવો. ધનલો અને રવજીની દોસ્તી એવી કે ગામલોકો કહે, “આ બે ભેગા થાય એટલે ધમાલ જ થાય.”

એમણે એકબીજાને હાવભાવથી ચીડવતા: – “ધનલા, તું તો ચટપટો લાડુ!” – “એલા રવજી! તારી ઘરવાળી રાંધે ખીચડી, ખીચડીમાં નાખે મસાલો, ને તું તો મારે પાદુ!”

એ હસતું રમતું નાનપણ ક્યારે ઓગળી ગયું, ખબર જ ન પડી…

સમયના વૃક્ષ નીચે બંને જુવાનીમાં પોતપોતાની રીતે જીવવા લાગ્યા. રવજી શહેરમાં જઈને વ્યવસાયમાં આગળ વધ્યો, અને ધનજીએ નોકરી કરતા કરતા પણ પોતાનો શોખ નહિ છોડ્યો – ચિત્ર દોરવાનો અને કાવ્ય લખવાનો.

નવરાશની પળોમાં એ રંગો સાથે વાતો કરતો અને કાગળ પર મનના વિચારો ઉતારતો. એની પાસે જાણે કલાનો ખજાનો હતો – પણ તેને સમજવા વાળું કોઈ નહોતું.

એક દિવસ, જૂના બજારમાં બન્ને મિત્ર ફરી રહ્યા હતા. ત્યાં એક ભિખારી જેવો તાંત્રિક મળ્યો. એણે રવજી સામે જોઈને કહ્યું:

“એલા ઓલ્યા, મારી આંખમાં આંખ નાખીને બોલ તો ખરો – શું આપીશ તું મને?”

રવજીએ મોઢું બગાડ્યું અને થોડાક પૈસા આપ્યા.

ત્યાંથી ચાલતા થયા. ધનજીએ જોયું કે રવજી તો જાણે પેલા ભિખારીના વશમાં આવી ગયો હતો. ધનજીએ વેળાએ એને રોક્યો અને તાંત્રિકને કહ્યું:

“તારા મિત્રએ તને બચાવી લીધો, નહિંતર આજે તું ક્યાં હોત એ તો ભગવાન જાણે.”

પછી તાંત્રિકે એક તમાચો મારીને ચેતવણી આપી:

“હવે કોઈ ભીખ માંગે તો પ્રેમથી આપજે, ના હોય તો પ્રેમથી ના પાડી આપજે… નહિંતર યાદ રાખજે કે હું બેઠો છું.”

તે દિવસથી રવજીના દિલમાં ધનજીની કિંમત વધી ગઈ. ભલે ધનજીએ કદી ધન ન કમાયું હોય, પણ એની અંદર છુપાયેલી સંપત્તિ ક્યારેય ઓછી નહોતી.

વર્ષો વીતી ગયા.

રવજી આજે પણ વ્યવસાયમાં આગળ વધી રહ્યો હતો – ઢગલાબંધ ધન કમાવતો ગયો. પણ ધનજી પાસે હવે માત્ર સમય જ બચ્યો હતો – એક નાનકડો ઓરડો જેમાં એની ચિત્રકળા, રંગો, બ્રશ અને અધૂરી વાર્તાઓ સચવાઈ બેઠી હતી. દેહ નબળો પડતો ગયો હતો, હાથ ધ્રૂજતા, પગ ધીમા પડતા…

પણ આંખોમાં આજે પણ રંગો હતા. શબ્દો હતા.

એ હવે એકલો જ રહેતો હતો.

એક દિવસ રવજી ઘણા વર્ષો પછી શહેરમાંથી ગામડામાં આવ્યો – ધનજીને મળવા. ધનજીએ જાણ્યું કે રવજી આવવાનો છે, એટલે એને પોતાનો સમગ્ર કળાસંગ્રહ આપવાનું નક્કી કર્યું – ચિત્રો, લખાણો, વાર્તાઓ… બધું.

એ દિવસ એના ઓરડામાં કોઈ અલૌકિક શાંતિ હતી…

ગોખલાની ભીંતે સચવાયેલા રંગો,

વાર્તાઓ અધૂરી, ને તૂટેલા સંગો.

હાથ ધ્રૂજતા પણ કલ્પના તોફાની,

જીવતર ગયું પૂરું, ના મળી રાણી.

કેનવાસ ખાલી, રાહ જુએ લીટીની,

શબ્દો તરસ્યા, એક નવી પ્રીતની.

જતો રહ્યો કલાકાર, મૂકી નિશાની,

એક સૂનો ઓરડો, ને યાદો પુરાણી.

સાંજ સુધી રવજી ન આવ્યો. ધનજીની આંખો બારણાની પડછાયામાં ચોંટેલી રહી…

અને પછી…

એણે ખાલી કેનવાસ ખેંચ્યો. એક નાનકડો કાગળ ઉપાડ્યો. હૃદયની ઊંડાણમાંથી ઉગેલો અવાજ એણે શબ્દોમાં ઓગાળ્યો:

“કોઈ દા’ડો ન મળે

કલાના ધનકુબેરોને

સમય ને શ્વાસ જાય ખર્ચાઈ

ત્યારે આ દોલત જડે છે…

પણ કરમ તો જુઓ

કલાકાર રે’ બેનામ ઓળખાણ વગરનો

આ જીવતર મૂકીને વયો જાય છે…

દુનિયા છેલ્લે એટલું જ કહે છે –

એક ગરીબ કલાકાર હતો… જતો રહ્યો…”

પછી એ કાગળ રંગીન બ્રશની બાજુમાં મૂકી. એક ઊંડો શ્વાસ લીધો.

અને એ ચાલ્યો ગયો…

રવજી થોડો મોડો આવ્યો. ઘર ખુલ્લું હતું. ઘરમાં શાંતિ છવાયેલી હતી. ઓરડાના ખૂણામાં ટેબલ પર રંગીન બ્રશ પડેલા હતા. ધનજી શાંતિથી સૂતો લાગતો હતો… શ્વાસ વગરનો.

એના ઓરડાની દીવાલ પર લખેલું હતું –

“હું કોઈ નથી,

પણ કંઈક છાપ તો છોડતો જાવ છું.”

રવજીએ આંખો પલટીને ઘરની બહાર નીકળ્યો. પાછા ફરીને જોયું – એ ખાલી ઓરડો હવે એના માટે મંદિર જેવો બની ગયો હતો.

અને આમ, એક ગરીબ કલાકાર પોતાની અધૂરી ઓળખ અને કલાનું અમૂલ્ય વારસું છોડી, દુનિયા સામે એક સૂનામણી છાપ મૂકી ગયો – એક ખાલી ઓરડો અને ભીની આંખો પાછળ મૂકી…

 સમાપ્ત

DHAMAK 

The story book, ☘️