Vishwna Khatarnak Serier Killer - 2 in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 2

Featured Books
Categories
Share

વિશ્વનાં ખતરનાક સિરીયલ કિલર - 2

સદીઓ પહેલા પણ સિરીયલ કિલરોનો ખૌફ હતો
જમાનો આધુનિક થતો ગયો છે તેમ તેમ ગુનાખોરીએ પણ આધુનિકતા ધારણ કરી છે અને ગુનેગારો બદલતા જમાનાની સાથોસાથ તેમની જાતને પણ બદલતા રહ્યાં છે.જો કે સિરીયલ કિલરની વાત કરીએ તો એ આજના જમાનાની સમસ્યા નથી સિરીયલ કિલરની જમાતોએ તો લાંબા સમયથી સભ્ય જગતને હંફાવવાનું કામ કર્યુ છે.આજે જે સિરીયલ કિલર્સ સક્રિય છે તેઓ સાંઇઠનાં દાયકાથી એજન્સીઓનાં માથાનો દુખાવો બની રહ્યાં છે જેમના સુધી કાયદાનાં લાંબા હાથ ટુંકા પડ્યા છે.જો કે આ સિરીયલ કિલર્સ પણ આજનાં જમાનાનાં છે પણ ઘણાં સિરીયલ કિલરોએ આપણાં પુર્વજોને પણ એટલા જ હેરાન પરેશાન કરી નાંખ્યા હતા.આ સિરીયલ કિલરોની કામગિરી પણ આજના સમયનાં સિરીયલ કિલરો કરતા ઓછી ક્રુરતાપુર્ણ ન હતી.
લિઉ પેંગલી પહેલી સદીમાં ચીનનાં જિડોંગનો પ્રિન્સ હતો.તેના કાકા જિંગ તે સમયનાં શક્તિશાળી અને લોકપ્રિય શાસક હતા.તે જયારે શાસન ચલાવતા હતા ત્યારે લોકો પોતાની સમસ્યાઓનાં ઉકેલ માટે પેંગલી પાસે આવતા હતા જે ત્યારે તરૂણ હતો.તે ત્યારે શાસનનાં કાર્યોમાં પણ રસ લેતો હતો અને તે કારણે તેના હાથ નીચે એક જુથ કામ કરતું હતું જેમાં મોટાભાગે તો ગુલામો સામેલ હતા પણ આ ગુલામો પેંગલીની તમામ આજ્ઞાઓ કોઇપણ વિરોધ કર્યા વિના માનતા હતા અને તેનો લાભ પેંગલી પોતાની રીતે ઉઠાવતો હતો તે ત્યારે જિડોંગનાં રાજક્ષેત્રમાં તેનાં ગુલામોની ટુકડી સાથે રાતનાં સમયે ત્રાટકતો હતો અને ત્યાં તે કત્લેઆમ મચાવી દેતો હતો.આ કારણે ચીનનાં ઇતિહાસમાં પેંગલીની આ ટુકડીને સૌથી હિંસક સમુદાયોમાં સ્થાન અપાય છે.આ કારણે જ ત્યારે લોકોમાં તેનો ભય પ્રસરી ગયો હતો અને લોકો રાત પડતાની સાથે જ ભયનાં માર્યા સંતાઇ જતા હતા.પેંગલી આમ તો માનસિક રીતે માંદો હતો તે પરપીડનવૃત્તિ ધરાવતો હતો તેને લોકો તરફડતા હોય તે જોવું ગમતું હતું તે તેના ગુલામો દ્વારા લોકોને માર મરાવતો હતો.તે તેના ગુલામોને સ્ત્રીઓ પર બળાત્કાર કરવાની આજ્ઞા આપતો હતો તેને મહિલાઓને નાસતા ભાગતા રડતા જોવાની મજા આવતી હતી.તેને લોકોને લોહિયાળ હાલતમાં જોવામાં અનેરો આનંદ મળતો હતો.તેના આ કૃત્યોને કારણે તે સમયે લોકોનાં મૃતદેહોનો ખડકલો થતો હતો.જો કે તેનો આ ત્રાસ જ્યારે મર્યાદા વટાવી ગયો ત્યારે તેના કાકાની અદાલતમાં જ તેને એક આરોપી તરીકે રજુ કરાયો હતો.તે રાજઘરાનાની સાથે સંબંધ ધરાવતો હોવાને કારણે ત્યારે તેનાં આ કૃત્યોની સામે આંખ મિંચામણી થઇ શકે તેમ ન હતી આથી તેને તરત જ દેહાંત દંડની સજા અપાઇ હતી.જો કે તેના કાકાને તેના પર દયા આવી હતી અને તેને મોતની સજા આપવાને બદલે તડીપાર કરવાનું ઠેરવાયું હતું.તેને ત્યારે આજનાં હુબેઇ પ્રાંતમાં મોકલી દેવાયો હતો જો કે ત્યાં તેની સાથે શું થયું તેની કોઇને કશી ખબર પડી ન હતી અને આમ તેનો કરૂણ અંત આવ્યો હતો.
જે સમયમાં જિસસનો જન્મ થયો હતો તે સમયગાળા દરમિયાન જ લોકુસ્તા એક સામાન્ય ખેડુત પરિવારમાં જન્મી હતી.ઇતિહાસમાં તે પહેલી મહિલા સિરીયલ કિલર હોવાનું નોંધાયું છે.તે ખેડુત પરિવારમાં જન્મી હોવાને કારણે તે જંગલોનો સારો અનુભવ ધરાવતી હતી અને તેને ઔષધો અને ઉકાળાઓ અંગે પણ સારી એવી સમજ હતી અને તેના આ જ્ઞાનને કારણે તે તે સમયમાં ધીરે ધીરે લોકપ્રિય બની હતી અને તેણે લોકોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.જો કે તેની એક ખતરનાક આદત એ હતી કે તે ઝેર બનાવતી હતી અને તેનું પરિક્ષણ તે ત્યા તેની આસપાસ રહેલા બાળકો પર કરતી હતી.તે જે બાળકો પર આ અખતરા કરતી હતી તેમાંથી ઘણાં બાળકો મોતને ભેટ્યા હતા.આમ તો આ કારણે મોતને ભેટેલા બાળકોની સંખ્યા અંગે ઇતિહાસકારો એકમત નથી પણ એટલું તો ચોક્કસ નોંધાયું છે કે તેણે કરેલા અખતરાને કારણે પાંચ બાળકો તો ચોક્કસ મોતને ભેટ્યા હતા.આ મોત તેના હાથે થયા હતા પણ તે ત્યારે એના હાથ નીચે કેટલાક લોકોને ટ્રેનિંગ આપતી હતી તેમને પણ ઝેરનાં અખતરા માટે પ્રોત્સાહન આપતી હતી.આ લોકોનાં અખતરાને કારણે ઘણાં બાળકો મોતને ભેટ્યા હતા.તેની આ પ્રવૃત્તિઓને કારણે તેના પર વિવાદાસ્પદ મનાતા સમ્રાટ નીરોની નજર પડી હતી.નીરોનાં કાળ દરમિયાન ઇસ ૬૦ની આસપાસનાં ગાળામાં નીરોએ તેને પોતાની પાસે બોલાવી હતી અને તેને તેના ઝેરનાં અખતરા કરવાની પુરી પરવાનગી આપી હતી.તેણે ત્યારે અન્યોને પોતાની હાથ નીચે કામે રાખ્યા હતા અને તેમને ઝેરનું પરિક્ષણ કરવાની ટ્રેનિંગ આપી હતી અને નીરોને જે લોકો પસંદ ન હતાં તેમને તે મોતને ઘાટ ઉતારતી હતી.જોકે નીરો મરાયા બાદ તેના સ્થાને રાજગાદી પર આવેલા શાસક ગાબ્લાએ તેને મોતની સજા આપી હતી અને આમ વિશ્વની પહેલી મહિલા સિરીયલ કિલર તેણે જે કુકર્મો કર્યા હતા તેનાં પરિણામ ભોગવીને એ જ રીતે કરૂણ અંતને પામી હતી.
૧૨૬૩માં આયરલેન્ડમાં જન્મેલ એલિસ કિટલર પ્રથમ વ્યક્તિ હતી જે મેલીવિદ્યા અજમાવતી હતી અને તેના કારણે લોકો મોતને ઘાટ ઉતર્યા હોવાને મામલે તેને આકરા રોષનો સામનો કરવો પડ્યો હતો જો કે આયરલેન્ડમાં તેને આ કૃત્ય માટે મોતની સજા મળે તે પહેલા તે ત્યાંથી નાસી છુટી હતી.એલિસ બહુ મક્કાર ઓરત હતી અને તેની ધનલાલસાને કારણે તેણે ઘણાં લગ્નો કર્યા હતાં.જ્યારે પણ તે લગ્ન કરતી તેના થોડા સમય બાદ તેનો પતિ મોટાભાગે બહુ રહસ્યાત્મક સંજોગોમાં મરણ પામતો હતો.આવું એકવાર નહિ પણ ત્રણ ત્રણવાર થયું હતું.જો કે ત્રણેય વખતે તેને ખાસ્સી સંપત્તિ મળી હતી અને તેણે જ્યારે જહોન લે પોર સાથે ચોથા લગ્ન કર્યા ત્યારે તેને કશુંક અજુગતું થતું હોવાની ગંધ આવી હતી.૧૩૨૦નાં ગાળામાં તે કોઇ વિચિત્ર બિમારીમાં જ સપડાઇ ગયો હતો અને તેની હાલત મરણતોલ થઇ હતી જો કે તે પહેલા તેણે પોતાનાં કમોત અંગે શંકા જાહેર કરી હતી.જો કે તે ડાકણ હોવા અંગે તેણે કોઇ શંકા કરી ન હતી.તેનાં અન્ય મહિલા સાથે લગ્ન થયા હતા અને તે મહિલાને એલિસે ઝેર આપીને મોતને ઘાટ ઉતારી હોવાનું તે માનતો હતો.તેની આ વાત તો સાચી હતી પણ ત્યારબાદ સ્થિતિ ઘણી વણસી જવા પામી હતી અને ૧૩૨૪માં તે મોતને ભેટ્યો હતો પણ તેના સંતાનોએ તેમની સંપત્તિ માટે તેની સામે લડત આદરી હતી.ત્યારે એલિસ ડાકણ હોવાની વાત પ્રસરી હતી જો કે તેને કોઇ ભયંકર સજા થાય તે પહેલા તે આયરલેન્ડમાંથી છુમંતર થઇ ગઇ હતી અને તેના ગયા બાદ તેના નોકર પેટ્રોનેલા ડી મેથને લોકોએ જીવતો સળગાવી દીધો હતો.લોકોને એવી શંકા હતી કે એલિસની મેલિવિદ્યાની કામગિરીમાં તે તેને સહકાર આપતો હતો.જો કે લોકોએ ૧૩૨૫ બાદ એલિસનું નામ સાંભળ્યું ન હતું.તેનું શું થયું તે અંગે કોઇ માહિતી નથી પણ તે આયરલેન્ડમાંથી તો નાસી છુટી હતી અને ત્યારબાદ તેણે કેવા પ્રકારે જીવન વિતાવ્યું તે એક રહસ્ય જ છે પણ મેલિવિદ્યા દ્વારા લોકોને મોતને ઘાટ ઉતારવાનાં મામલે તે કુખ્યાત થનાર પહેલી મહિલા સિરીયલ કિલર બની હતી.
ફ્રાંસનાં ઇતિહાસમાં ગિલીસ ડે રેઇસનું નામ એક નામાંકિત જમીનદાર તરીકે પ્રખ્યાત છે.તે બ્રિટનીમાં નાઇટ અને લોર્ડનો રૂત્બો ધરાવતો હતો અને આ પરિવાર ત્યારે બહુ શક્તિશાળી પરિવાર મનાતો હતો.પંદરમી સદી દરમિયાન સૈન્ય પર ખાસ્સો પ્રભાવ ધરાવતો હતો.એક અભિયાનમાં તો તેણે પ્રખ્યાત જહોન ઓફ આર્કને પણ સહયોગ આપ્યો હતો.તે ત્યારે ફ્રાંસમાં એક શક્તિશાળી અને સાહસી વ્યક્તિ તરીકે સ્થાન ધરાવતો હતો અને તેનું નામ એક સાહસિક યોદ્ધા તરીકે પંકાયેલું હતું જે યુદ્ધમાં હંમેશા વિજય મેળવતો હોવાની લોકોમાં ધારણા હતી.જો કે તેની આ તમામ પ્રસિદ્ધિ ત્યારે ધુળમાં મળી હતી જ્યારે તેના પર બળાત્કાર, અત્યાચાર અને હત્યાઓનો આરોપ લાગ્યો હતો.તેના પર એવો આરોપ હતો કે તેણે તેના સૈન્ય અભિયાનો દરમિયાન સમગ્ર ફ્રાંસમાં તેણે ૧૪૦ કરતા વધારે બાળકોની હત્યા કરી હતી.૧૪૩૩નું વર્ષ તેના માટે વધારે કલંકિત પુરવાર થયું હતું આ સમયગાળામાં તેણે સૈન્ય અભિયાનોમાં જવાનું બંધ કરી દીધું હતું અને તેણે ઐયાશીમાં જીવન વિતાવવું શરૂ કર્યું હતું.જોકે આ ઐયાસી માટે તેને પોતાની જમીનો વેચવી શરૂ કરી હતી.તેની આ પ્રકારની પ્રવૃત્તિઓ તેના નાના ભાઇ રેને ડી લા સુઝને પસંદ ન હતી.આખરે ૧૪૩૫માં તેનાં પર કિંગ ચાર્લ્સ સાતમાએ તેના પર આકરા પ્રતિબંધો લાદ્યા હતા અને ૧૪૪૦માં તેની પ્રવૃત્તિઓનો અંત આવી ગયો હતો.ત્યારે તેણે જ્યાં લી ફેરોન નામનાં એક પાદરી પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેણે સેન્ટ એટિન્ને ડી મેર મોર્ટે નામનાં કિલ્લા પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની આ હરકત પ્રસાશનને પસંદ પડી ન હતી.તેને સપ્ટેમ્બર મહિનામાં પકડી લેવાયો હતો અને તેને બ્રિટની લાવવામાં આવ્યો હતો જ્યાં તેના પર હત્યા અને અન્ય આરોપ હેઠળ કામ ચલાવવામાં આવ્યું હતું.ઓક્ટોબર ૧૪૪૦માં તેના પર બાળકોની હત્યાનો મુકદ્દમો ચાલ્યો હતો અને ૨૬મી ઓક્ટોબરે તેને અને તેના બે નોકરોને મોતની સજા અપાઇ હતી.
૧૫૩૫માં જર્મનીમાં એક ખેડુત પરિવારમાં જન્મેલ પીટર સ્ટમ્પ એના સમયમાં ભારે કુખ્યાત થયો હતો કારણકે તેના પર સિરીયલ કિલિંગ ઉપરાંત વરૂમાનવ અને આદમખોર હોવાનાં પણ આરોપ લાગ્યા હતા.તે જ્યારે મોતને ભેટ્યો ત્યારે તેના વિસ્તારમાં તે બેડબર્ગનો વરૂમાનવ તરીકે કુખ્યાત બન્યો હતો.તેના પર આ આરોપો સિદ્ધ થયા બાદ તેને જીવતો સળગાવી દેવાયો હતો.તેને આ સજા ૧૫૮૯માં અપાઇ હતી.૧૫૮૦ માં તેના પર સંખ્યાબંધ મહિલાઓ અને બાળકોની હત્યાનાં મામલે ખટલો ચાલ્યો હતો.જ્યારે તેને આ અંગે પુછપરછ કરાઇ ત્યારે તેણે કબૂલ કર્યુ હતું કે તે માત્ર બાર વર્ષનો હતો ત્યારથીજ બ્લેક મેજિકમાં તેન રસ પડ્યો હતો.તેણે દાવો કર્યો હતો કે ખુદ શેતાને તેને એવો પટ્ટો આપ્યો હતો જે પહેર્યા બાદ તે વરૂમાં રૂપાંતરિત થઇ જતો હતો.તેણે આ રૂપનો ઉપયોગ બાળકોની હત્યા કરવામાં કર્યો હતો તે તેમને મારીને તેમનું માંસ પણ ખાતો હતો.આ હત્યાકાંડ સોળમી સદીમાં થયો હતો.જો કે તે વરૂ માનવ હતો કે નહિ તે તો ખાતરીપુર્વક કહી શકાય નહિ પણ તેણે ચૌદ જેટલા બાળકોની હત્યા કરીને તેમનું ભક્ષણ કર્યાની તેણે કબૂલાત કરી હતી.તેના પર બે ગર્ભવતી મહિલાઓને મારીને તેમનાં ગર્ભમાં રહેલા ભૃણનો ઉપયોગ જાદુ કરવા માટે કર્યાનો પણ આરોપ હતો.કહેવાય છે કે તેણે જે ચૌદ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા અને તેમનું માંસ ખાધુ હતું તેમા તેના પોતાનો પુત્ર પણ સામેલ હતો.તેને તેની સગી પુત્રી સાથે અવૈદ્ય સંબંધો હતા અને તે તેની પુત્રીને જ તેની વાસનાનો શિકાર બનાવતો હતો.જો કે એવું પણ કહેવાય છે કે તેની એ પુત્રી પણ તેને તેના આ કૃત્યોમાં સાથ આપતી હતી.૩૧ ઓક્ટોબર ૧૫૮૯નાં રોજ પીટર સ્ટમ્પ, તેની પુત્રી અને તેની રખાત ત્રણેયને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.જો કે તેણે જે કૃત્યો કર્યા હતા તેને ધ્યાનમાં રાખીને તેને જે રીતે મોતની સજા અપાઇ હતી કહેવાય છે કે ઇતિહાસમાં એટલી ક્રુરતાપુર્વક કોઇને પણ મોતની સજા અપાઇ ન હતી.તેને એક વ્હીલ પર બાંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની તળે જ તેને ચગદવામાં આવ્યો હતો તેની ચામડી તેના શરીર પરથી ઉતરડી લેવાઇ હતી અને તેના અંગોને કુહાડા વડે કાપવામાં આવ્યા હતા અને આટલું કર્યા બાદ તેનું મસ્તક કાપી નાંખવામાં આવ્યું હતું.તેની પુત્રી અને તેની રખાતને ફાંસીની સજા અપાઇ હતી.આટલી સજા ઓછી હોય તેમ સ્ટમ્પનું માથુ શહેરની વચ્ચોવચ ચોકમાં એક થાંભલા પર લટકાવાયું હતું જેથી બીજો કોઇ આ પ્રકારનાં કૃત્યો કરતા વિચાર કરે.
જર્મનીમાં સ્ટમ્પ વરૂમાનવ તરીકે કુખ્યાત બન્યો હતો તેમ ગિલીઝ ગાર્નિયર ફ્રાંસનાં ડોલે શહેરમાં વેરવુલ્ફ ઓફ ડોલેનાં નામે કુખ્યાત બન્યો હતો.આમ તો તે સન્યાસી હતો અને ફ્રાંસનાં ડોલે શહેરનાં છેવાડાનાં વિસ્તારમાં રહેતો હતો.૧૫૬૦થી ૭૦નાં ગાળામાં તેનાં કૃત્યોને કારણે તે કુખ્યાત બન્યો હતો.જો કે તેણે લગ્ન કર્યા હતા અને તેની પત્નીને તે શહેરનાં છેવાડાનાં હિસ્સામાં રહેવા માટે લઇ ગયો હતો.જો કે તેની પાસે એવી કોઇ આવડત ન હતી કે તે બે લોકો માટે પણ ખાવાનું અન્ન લાવી શકે.આ કારણે તેણે બાળકોનું અપહરણ કરીને તેમને મારીને તેમનું માંસ ખાવાનું શરૂ કર્યુ હતું.જ્યારે તેના પર મુકદ્દમો ચાલ્યો ત્યારે તેણે જ આ વાતો કબૂલ કરી હતી.૧૫૭૩માં તે શહેરનાં અનેક બાળકોની મોતનો આરોપી ઠર્યો હતો.તેના પર આરોપ હતો કે તેણે એ બાળકોને મોતને ઘાટ ઉતારીને તેમનું ભક્ષણ કર્યુ હતું.તેણે જે કબૂલાત કરી હતી તે મુજબ જ્યારે તે એક દિવસે જંગલમાં તેણે જે બાળકને મોતને ઘાટ ઉતાર્યું હતું તેનું માંસ આરોગતો હતો ત્યારે એક આત્મા ત્યાં પ્રગટ થઇ હતી અને તેને એક મલમ આપ્યો હતો અને કહ્યું હતું કે તે મલમ લગાડતા જ તે વરૂમાં બદલાઇ જશે.આ કારણે તેના માટે શિકાર કરવો સરળ થઇ ગયો હતો.તેણે નવથી બાર વર્ષની વચ્ચેનાં ચાર બાળકોનો પીછો કરીને તેમનું અપહરણ કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હતી.તેણે એ તમામ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમનું માંસ ખાધુ હતું એટલું જ નહિ તેમાંથી તે વધેલું માંસ તેની પત્ની માટે પણ લઇ જતો હતો.તેણે શહેરની બહાર અન્ય પણ કેટલાક બાળકો પર હુમલા કર્યા હતા પણ અન્ય લોકો ત્યાં આવી ચઢતા તે બચી ગયા હતા.આ ટ્રાયલ બાદ તેને મેલીવિદ્યાનો આરોપી ઠેરવાયો હતો અને તેને જીવતો સળગાવી દેવાની સજા કરાઇ હતી.તેને તેના કૃત્યો બદલ ૧૮ જાન્યુઆરી ૧૫૭૩માં જીવતો સળગાવાયો હતો.
જોર્ન પેટરસ્સનનો જન્મ ૧૫૫૫માં આઇસલેન્ડમાં થયો હતો.તેણે તેના સમયમાં ખાસ્સી જમીન એકત્ર કરી હતી.આ માટે તેણે લોકોને છેતર્યા હતા.આ કામગિરીનો આરંભ તે જ્યારે માત્ર પંદર વર્ષનો હતો ત્યારે જ કર્યો હતો.૧૫૭૦માં તેણે તેના એક પૈસાદાર પડોશી ઓર્મુરને મદદ કરવાનો આરંભ કર્યો હતો.કેટલાક વર્ષ બાદ ઓર્મુર મૃત્યુ પામ્યો હતો અને તેણે તેની તમામ જાયદાદ અને જમીન તેના પુત્ર ગુઓમુંડુરને નામે કરી હતી તે સમયે તેને જોર્ન સાથે મિત્રતા હતી જે ત્યારે તેના પિતાની મોત બાદ તેને મદદરૂપ થતો હતો.તેણે કેટલીક જમીન તેને પણ આપી હતી.ત્યારબાદ જોર્ને પોર્દિસ ઓલાફ્ડોટ્ટીર સાથે લગ્ન કર્યા હતા અને તેને લઇને પણ તે એ જમીનો પર જ રહેવા ગયો હતો.જો કે આ તો ખુની ખેલનો આરંભ માત્ર હતો જે ત્યારબાદ આઇસલેન્ડનાં ઇતિહાસમાં ખુની ખેલ તરીકે સ્થાન પામ્યો હતો.કહેવાય છે કે જોર્ને ત્યારે નવથી અઢાર જેટલા લોકોની હત્યા કરી હતી.આમાંથી મોટાભાગનાં લોકો પ્રવાસીઓ હતા જે ત્યાં માત્ર ફરવા માટે આવ્યા હતા.તો કેટલાક લોકો એ પણ હતા જે તેના ખેતરમાં કામ માટે આવ્યા હતા અને તેનો શિકાર બની ગયા હતા.કેટલાક કહે છે કે તેણે આ લોકોને મારવા માટે ફરસાનો ઉપયોગ કર્યો હતો તો કેટલાક કહે છે કે તેણે એ લોકોને ડુબાડીને માર્યા હતા.જો કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની જમીનોમાં વધારો થતો ગયો અને તેની જીવનશૈલી પણ બહુ વૈભવી થવા માંડી હતી તેની પાસે તે સમયે વિવિધ જાતિનાં ઉમદા ઘોડાઓ હતા અને લોકોને એ સમજાતું ન હતું કે તેની પાસે આટલી સંપત્તિ આવી કઇ રીતે અને તે કારણે જ તેની પ્રવૃત્તિઓ પર લોકોને શંકા ઉપજી હતી.તે સમયે તેનાં વિસ્તારમાં તે સૌથી શક્તિશાળી હતો.જો કે આ બધાનો અંત ૧૫૯૬માં આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી અને તેણે નવ જેટલી હત્યાઓની વાત કબૂલી હતી પણ જ્યારે તેના ઘરની આસપાસની તપાસ કરાઇ ત્યારે ત્યાં તેણે જે કબૂલ કરી હતી તે કરતા વધારે લોકોનાં મૃતદેહો દટાયેલી હાલતમાં મળ્યા હતાં.જો કે તેણે ત્યારે અધિકારીઓને એમ કહીને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમાંનાં કેટલાય લોકો તો તે ત્યાં આવ્યો તે પહેલા જ ત્યાં દાટવામાં આવ્યા હતા જો કે કોઇએ તેની વાત પર વિશ્વાસ કર્યો ન હતો.આખરે તેને ૧૫૯૬માં ફાંસીની સજા અપાઇ હતી ત્યારે તેની પત્ની જે ગર્ભવતી તેેને તેના પુત્રની સાથે તેને ફાંસીનાં માંચડે લટકતો જોવાની ફરજ પાડવામાં આવી હતી.
અઢારમી સદીનાં વચગાળાનાં સમયમાં લ્યુઇસ હચીસન સ્કોટલેન્ડમાંથી જમૈકા ખાતે સ્થળાંતરિત થયો હતો અને તે જમૈકાની હિસ્ટ્રીનો પહેલો સિરીયલ કિલર બન્યો હતો.૧૭૬૦માં તે સ્કોટલેન્ડમાંથી જમૈકા ખાતે આવ્યો હતો.ત્યારે તે એડિનબર્ગ કેસલ તરીકે જાણીતા સ્થળની દેખરેખ માટે આવ્યો હતો.આમ તો આ મકાનની માલિકીનાં તેની પાસે કાયદેસરનાં દસ્તાવેજો હતાં.તેની પાસે ત્યારે મોટી સંખ્યામાં પાલતું પ્રાણીઓ હતા જેમાંથી મોટાભાગનાં તેણે પાસેનાં વિસ્તારોમાં રહેતા લોકો પાસેથી ચોર્યા હતાં.એડિનબર્ગ કેસલ ત્યારે જમૈકાનાં અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં એક મનાતું હતું જ્યાં પહોંચવા માટે લોકોને ખાસ્સી જહેમત ઉઠાવવી પડતી હતી.જો કે તેમ છતાં લોકો સેન્ટ એનની ખાડીમાં થઇને ત્યાં પહોંચતા ત્યારે હચીસન તેમનાં માટે આશ્ચર્ય સર્જવા તૈયાર રહેતો હતો.ત્યારે લોકો તેને મેડ ડોકટરનાં નામે ઓળખતા હતા.આ સનકીએ જહોન કેલેન્ડર નામનાં સૈનિકની હત્યા કરી નાંખી હતી કારણકે તેણે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.જો કે આ મામલે તેને તેનો એસ્ટેટ છોડવો પડ્યો હતો અને તે ત્યાંથી ભાગીને ઓલ્ડ હાર્બરની શીપમાં ભરાઇ ગયો હતો પણ બ્રિટીશ સેનાએ તેના સૈનિકની હત્યાનો બદલો લેવા માટે તેની શોધ ચલાવી હતી અને તેને ખુબ જ ટુંક સમયમાં જ શોધી કાઢ્યો હતો.તે ત્યાંથી ફરાર થવામાં સફળ થાય તે પહેલા જ તેને હાર્બરમાંથી જ ઝડપી લેવામાં આવ્યો હતો.ત્યાંથી તેને સીધો જેલમાં મોકલાયો હતો.તેની ધરપકપડ બાદ તેના ઘરની તલાશ લેવામાં આવી હતી.જો કે તેણે કેટલા લોકોને તેના શિકાર બનાવ્યા હતા તેનો સાચો આંકડો તો બહાર આવી શક્યો નથી તેના એસ્ટેટમાંથી તંત્રને તેતાલિસ ઘડિયાલો અને અસંખ્ય કપડા મળી આવ્યા હતા.તેને જમૈકાનાં સ્પેનિશ ટાઉન સ્કવેરમાં આખરે ફાંસીનાં માંચડે ચડાવી દેવાયો હતો.
ઓગણીસમી સદીમાં જુઆન સેવેરિનો માલારી એ ફિલિપાઇન્સનાં ચર્ચમાં એક ઉંચી રેન્ક પર પહોંચેલો પાદરી હતો.આ પહેલા કોઇપણ સ્થાનિક ફિલિપાઇન નાગરિક આટલા ઉંચા હોદ્દા પર પહોંચ્યો ન હતો.જો કે પાદરી તરીકે તેની કામગિરી જેટલી પ્રસંશાપાત્ર રહી ન હતી તેના કરતા કયાંય વધારે તેના ખુની કારનામા ચર્ચાસ્પદ બન્યા હતા તેના નામે ઓછામાં ઓછા સત્તાવન લોકોને મોતને ઘાટ ઉતારવાનો આરોપ લગાવાય છે.૧૮૧૮ થી ૧૮૨૬ની વચ્ચેનાં ગાળામાં તેણે પાંપાંગાનાં મલાંગમાં આવેલા ચર્ચની આસપાસનાં વિસ્તારમાં તેણે રીતસરનો આતંક મચાવી દીધો હતો.તેને ૧૮૨૬માં મલાંગનાં સેન બાર્ટોલોમ ચર્ચમાં પાદરી તરીકે નિમવામાં આવ્યો હતો તે પહેલો ફિલિપિન નાગરિક હતો જે આ પદ માટે પસંદ કરાયો હતો.આ સમયગાળા દરમિયાન તેને એવું લાગતું હતું કે તેની માતા પર કોઇ શ્રાપ લાગેલો છે અને તે જો અન્ય લોકોનો જીવ લેશે તો તેની માતાની બિમારી ઠીક થઇ જશે.જો કે આ વાતને પુરવાર કરી શકે તેવો કોઇ પુરાવો તો નથી પણ એ હકીકત છે કે આ વાત ખુદ મલારીએ કબૂલ કરી હતી.ત્યારબાદ જ તેણે પોતાનો ખુની સિલસિલો ચાલુ કર્યો હતો અને એ ગાળામાં લગભગ સત્તાવન જેટલા લોકોનાં મૃતદેહ એ વિસ્તારમાં મળી આવ્યા હતાં.જેટલા લોકો મૃત હાલતમાં મળ્યા હતા તે અલગ અલગ વિસ્તારોમાં મળ્યા હતા અને તેમનાં મોતનું કારણ પણ અલગ અલગ જ લાગતું હતું.આ કારણે તંત્રને ક્યારેય એ વાત સમજમાં આવી ન હતી કે આ હત્યાકાંડ પાછળ કોઇ એક વ્યક્તિ જવાબદાર છે.તેમને તો લાગતું હતું કે આ મોત માટે અલગ અલગ લોકો જવાબદાર છે.આ ઉપરાંત તેઓ અન્ય કારણોને પણ જવાબદાર માનતા હતા.૧૮૨૬માં મલારી પોતે બિમાર પડ્યો હતો અને તેની સારવાર માટે અન્ય પાદરી તેના ઘેર આવ્યો આ પાદરી તેના ઘેર આવ્યો ત્યારે તેને ત્યાં લોહીથી લથપથ ઘણાં કપડા મળ્યા હતા અને તે વિસ્તારમાં મરનારા લોકોની વસ્તુઓ પણ ત્યાં નજરે પડી હતી.આ પાદરીને ત્યારે કશુંક અજુગતું હોવાની શંકા પડી હતી અને તેણે ઓથોરિટીને આ વિશે જાણ કરી જેમણે મલારીનાં ઘરની તપાસ કરી હતી.ત્યારબાદ તેની ધરપકડ કરાઇ હતી.તેને ચૌદ વર્ષ જેલમાં રખાયો હતો અને તંત્રને એ સમજાતું ન હતું કે તેની સાથે શું કરવું જોઇએ કેટલાક તબીબ માનતા હતા કે તે માનસિક રીતે બિમાર છે એટલે તેને પાગલખાનામાં મોકલી દેવો જોઇએ જો કે ૧૮૪૦માં સરકારે તેને ફાંસી આપી દીધી હતી.
જહોન લીચનો જન્મ આમ તો આયરલેન્ડમાં ૧૮૧૨માં થયો હતો પણ તેના માત્ર ત્રીસ વર્ષની ઉંમરનાં ગાળામાં જ તે ઓસ્ટ્રેલિયાનો સૌથી ખતરનાક સિરીયલ કિલર બની ગયો હતો.પહેલા તો તેને ઓસ્ટ્રેલિયા સજા ભોગવવા માટે મોકલાયો હતો જ્યાં તેણે ખેતરમાં કામ કરવાની કામગિરી ચાલુ કરી હતી.બેરિમા જિલ્લામાં તે કામ કરતો હતો તે દરમિયાન ૧૮૩૬માં તેના પર તેના એક સાથીદારની હત્યાનો આરોપ લગાવાયો હતો પણ ત્યારે તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ત્યાં છુટથી હરતો ફરતો થઇ ગયો હતો.તે ત્યારે ખેતરોમાં કામ કરતી ગુનાહિત ટોળકીનો સભ્ય બન્યો હતો અને ૧૮૪૧નાં ઉનાળા દરમિયાન તેણે બે વાર બેરિમા અને કેમડેન વચ્ચેનાં રોડ પર તેણે ત્યાં ફરવા આવેલા લોકોની હત્યાની કામગિરીમાં સંડોવાયો હોવાની વાત બહાર આવી હતી.ત્યારે તે લોહી ભાળી ગયો હતો અને તેણે ત્યારબાદ મોટાપાયે ખુનામરકી કરવાનો વિચાર કર્યો હતો તે બેરિમા જિલ્લામાં જહોન મુલિગન નામનાં ખેડુતનાં ખેતરમાં કામ કરવા ગયો હતો અને ત્યારબાદ તેણે એ ખેતરો પર કબજો કરવા માટે મુલિગનનાં સંપુર્ણ પરિવારનો જ ખાત્મો બોલાવી દીધો હતો.તેણે ત્યારબાદ જહોન ડનલેવીનાં નામે કામગિરી કરવા માંડ્યો હતો.તેણે ત્યારબાદ કિર્ન્સ લેન્ડરગન નામની વ્યક્તિની હત્યા કરી હતી અને આ હત્યાનાં આરોપમાં તેને પકડવામાં આવ્યો હતો અને તેના પર ગુનો પુરવાર થયો હતો.એપ્રિલ ૧૮૪૨માં તેના પર અન્ય દસ જેટલી હત્યાઓમાં સંડોવાયો હોવાનો આરોપ મુકાયો હતો.આ ગુનાઓની સજા રૂપે તેને આખરે ફાંસી આપવામાં આવી હતી.