ક્રિમિનોલોજીનો ઇતિહાસ જોઇએ તો જણાય છે કે ઘણાં સિરિયલ કિલરો પોતાની ખૌફનાક લોહિયાળ રમતા રહ્યાં હતા એટલું જ નહિ પોલીસ સાથે પણ તેઓએ ઉંદર બિલાડીની રમત બહું કુશળતાપુર્વક રમી હતી.કેટલાકે પોતાનાં કૃત્યો બાદ ખુલ્લેઆમ પત્રો લખીને પોલીસને ટોણાં માર્યા હતા તો કેટલાકે ગુનાનાં સ્થળ પર જ કેટલાક ક્લુ તેમનાં માટે છોડ્યા હતા અને એ પડકાર ફેંક્યો હતો કે તેમનામાં જો આવડત હોય તો તેમને પકડી બતાવે.કેટલાકે તો ખુન કર્યા બાદ પોલીસને જાતે તેમણે કયા સ્થળ પર મૃતદેહો છુપાવ્યા હતા તેનો નક્શો દોરીને આપ્યો હતો તો કેટલાકે જાતે ગુનો કર્યા બાદ પોલીસને ફોન કરીને ગુનાની જાણકારી આપી હતી.તેમને આમ કરીને જાણે કે એક પ્રકારનો પાશવી આનંદ મળતો હતો આ ગુનેગારો એટલા ખતરનાક હતા કે તેમને લોકોને ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતારવાનું તો ગમતું જ હતું પણ સાથોસાથ તંત્રને તેમનાં કૃત્યો સામે મજબૂર થતાં જોવાનો પણ એટલો જ આનંદ આવતો હતો.તેમાંથી કેટલાક તો એવા છે જેઓ આજસુધી પકડાયા નથી.
કેન્સાસનાં વિચિતા વિસ્તારમાં સિરિયલ કિલર ડેનિસ રાડેરે ૧૯૭૪ થી ૧૯૯૧ની સાલ દરમિયાન દસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેના નામની સામે બીટીકે લગાડવામાં આવતું હતું જે તેની ખુની પ્રવૃત્તિને દર્શાવતું હતું એટલે કે બી એટલે બાઇન્ડ, ટોર્ચર એન્ડ કિલ....આ તેની મોડસ ઓપરેન્ડી હતી.તેની આ ખુની પ્રવૃત્તિઓને કારણે લોકોમાં એટલો ભય પ્રસરી ગયો હતો કે તે ગાળા દરમિયાન ઘરની સુરક્ષામાં વપરાતા સાધનોનાં વેચાણમાં મબલખ વધારો થયો હતો.વક્રતાની વાત એ હતી કે રાડેર પોતે એવી કંપનીમાં કામ કરતો હતો જે આ પ્રકારની એલાર્મ સિક્યુરિટી સિસ્ટમ લોકોનાં ઘરમાં ઇન્સ્ટોલ કરવાનું કામ કરતી હતી.તે આ કંપનીમાં ૧૯૭૪ થી ૧૯૮૮ સુધી કામ કરતો હતો.આ હત્યારો ત્રણ દાયકા સુધી પોલીસની પકડથી દુર રહ્યો હતો તે પોલીસને ટોણો મારતા પત્રો લખતો હતો અને તેમાં કહેતો હતો કે ગુડલક હંટિગ...તે પોલીસને જાતે જ પત્રો લખીને એ બાબતની માહિતી આપતો હતો કે તેણે ખુન કર્યા બાદ કઇ જગાએ મૃતદેહને સંતાડ્યો હતો.જો કે તેની આ સંતાકુકડીની રમતનો અંત આખરે ૨૦૦૫માં આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી.તેને પકડાવવામાં એ ફલોપી ડિસ્કે મહત્વની ભૂમિકા ભજવી હતી જે તેણે પોલીસને મોકલી હતી પોલીસે તેના પરથી જ તેણે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો તેનો પત્તો લગાવ્યો હતો.તેની આ ખુની પ્રવૃત્તિ બદલ તેને કેન્સાસની જેલમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી.
બીટીકે કિલરની જેમ જ ઉત્તર કેલિફોર્નિયામાં ૧૯૬૮ થી ૧૯૬૯ દરમિયાન પોલીસને જે સિરિયલ કિલરે સૌથી વધારે હેરાન કર્યા હતા તેને ઇતિહાસમાં જોડિયાક કિલર તરીકે ઓળખવામાં આવે છે અને એ કિલર એટલો હોશિયાર હતો કે તે આજસુધી પોલીસની પકડમાં આવ્યો નથી.આ સિરિયલ કિલર એટલો ખતરનાક હતો કે હત્યા બાદ અખબારોને કોડેડ મેસેજ મોકલતો હતો અને તેમ છતાં તેનો કોઇ પત્તો લગાવી શકાયો ન હતો.તે હંમેશા તેના સંદેશામાં જણાવતો હતો કે હું જોડિયાક છું અને મે તમારા માટે છેલ્લા જે સંદેશ છોડ્યો હતો તે તો સમજમાં આવ્યો જ હશે ... મારૂ નામ છે....અને ત્યારબાદ તે સંખ્યાબંધ અક્ષરો અને સિમ્બોલ પત્રમાં લખતો હતો અને વક્રતાની વાત છે કે તેના એ કોડેડ મેસેજ ક્યારેય તોડી શકાયા ન હતા.એક અન્ય પત્રમાં તેણે લખ્યું હતું કે મને લોકોની હત્યા કરવાનું ખુબ જ પસંદ છે કારણકે મને તેમાં મજા આવે છે.આ રમત મને જંગલમાં હિંસક પ્રાણીઓનો શિકાર કરવા કરતા પણ વધારે આનંદદાયક લાગે છે કારણકે આ તમામ પ્રાણીઓમાં માનવી જ સૌથી વધારે ખતરનાક પ્રાણી છે.તે હત્યા બાદ પોલીસને એવી ઝીણી ઝીણી વિગતો આપતો હતો જે માત્ર એક ખુની જ આપી શકે તેમ હોય છે અને તે આ પત્રમાં એ પણ સંકેત આપતો હતો કે તેણે જે ખુન કર્યુ છે તે તેનું આખરી ખુન નથી તે આગળ પણ આ કાર્યને અંજામ આપતો રહેશે...જોડિયાક કિલર પર પુસ્તક લખનાર લેખક માર્ક હેવિટે જણાવ્યું હતું કે અમેરિકાનાં ગુનાઓનાં ઇતિહાસમાં જોડિયાક એક પહેલી જ બનીને રહી ગયો હતો.તે અમેરિકાનો જેક ધ રિપર હતો અને લોકોએ આ કેસો પર અન્ય કોઇપણ કેસ કરતા વધારે વિચાર કર્યો હતો પણ તે ખુની કાયદાનાં લાંબા હાથની પકડથી દુર જ રહ્યો હતો.
સિરિયલ કિલર ડેવિડ બર્કોવિત્ઝે ન્યુયોર્કમાં ૧૯૭૬ થી ૧૯૭૭ દરમિયાન છ લોકોની હત્યા કરી હતી.તેને લોકોએ સન ઓફ સેમ નામ આપ્યું હતું.તેણે પોતાનાં ગુનાની કબૂલાત કરતી વખતે એક વિચિત્ર વાત કરી હતી કે તેને આ તમામ હત્યા કરવાનો આદેશ તેના પાડોશીનાં એક કુતરાએ આપ્યો હતો.તેણે પોઇન્ટ ૪૪ની રિવોલ્વર વડે તમામ હત્યાઓ કરી હતી.એનવાયપીડીનાં અધિકારી તિમોથી ડે ડોડે આ ખુનીને પકડવા માટે ખાસ્સી મહેનત કરી હતી જે તેને પકડવા માટે બનાવાયેલ હોમિસાઇડ સ્કવોડનો હિસ્સો હતાં.તેમને બર્કોવિત્ઝે એક પત્ર મોકલ્યો હતો જે કાચાપોચાને હચમચાવી દે તેવો હતો તેમાં તેણે તેની સગીર વયની પુત્રી મેલિસા પર હુમલો કરવાની ધમકી આપી હતી.એક ડોક્યુમેન્ટ્રીમાં મેલિસાએ જણાવ્યું હતું કે ત્યારે મારી વય ખુબ જ નાની હતી અને હું એ ધમકીની ગંભીરતાને સમજી શકું એટલી સમજદાર ન હતી.જો કે તેના પિતાએ ત્યારબાદ ઘરમાં એક રેડિયો ઇન્સ્ટોલ કર્યો હતો અને તેમનાં વિસ્તારમાં પોલીસની કુમક અને તેમની પહેરેદારી વધારે મજબૂત કરી દેવાઇ હતી.જો કે બર્કોવિત્ઝે છેલ્લે જે હત્યા કરી હતી તે વિસ્તારની નજીક જ તેણે તેની કાર પાર્ક કરી હતી અને તેની જે પાર્કિગ ટિકિટ હતી તેના પરથી તેની ધરપકડ કરાઇ હતી.૧૯૭૭ બાદ તેને કાયમ માટે જેલમાં ધકેલી દેવાયો હતો.
ગુનાઓનાં ઇતિહાસમાં જે કેટલાક ગુનેગારો અમર થઇ ગયા છે તેમ કહેવું ખોટું નથી અને એ ગુનેગારોની યાદીમાં જો ટોચે કોઇનું નામ હોય તો તે નામ છે જેક ધ રિપરનું.આ હત્યારો એક સદી કરતા વધારે સમયથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આ હત્યારો પણ ક્યારેય પોલીસનાં હત્થે ચડ્યો ન હતો.૧૮૮૮નાં સમયગાળામાં આ હત્યારાએ લંડનને હચમચાવી નાંખ્યું હતું ખાસ કરીને વ્હાઇટ ચેપલની શેરીઓમાં તો તેનો રીતસરનો ખૌફ ઉભો થયો હતો.આ જ વિસ્તારમાં પાંચ જેટલી મહિલાઓની ક્રુરતાપુર્વક હત્યાઓ કરાઇ હતી.તે તે જે મહિલાને મોતને ઘાટ ઉતારતો હતો તેનું ગળું ધારદાર હથિયાર વડે કાપી નાંખતો હતો અને તેનાં પેટમાં પણ ભયંકર ઘા કરતો હતો.જ્યારે આ હત્યાઓનો સિલસિલો ચાલુ થયો ત્યારબાદ તે સેન્ટ્રલ ન્યુઝ એજન્સીને પત્ર લખતો હતો અને તે હંમેશા ડીયર બોસ, કરીને જ લખાણનો આરંભ કરતો હતો.તે પત્રમાં પોલિસને ધમકી આપતો હતો કે હવે પછી તે જે મહિલાને મોતને ઘાટ ઉતારશે તેનાં કાન પણ કાપી નાંખશે.આ પત્ર મળ્યાનાં ત્રણ દિવસ બાદ જ એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો જેના કાન કાપી નાંખવામાં આવ્યા હતા.એક અન્ય પત્ર એજન્સીને મળ્યો હતો જેમાં લખાયું હતું ફ્રોમ હેલ...આ પત્ર તેણે વ્હાઇટ ચેપલ વિઝિલન્ટ કમિટીનાં ચેરમેનનાં લીડરને મોકલ્યો હતો.આ પત્રમાં તેણે જે વાત કરી હતી તે કંપાવી દે તેવી હતી તેમાં તેણે લખ્યું હતું કે તે તેના આગામી શિકારની અરધી કિડનીને ફ્રાય કરીને ખાઇ જશે.તેણે ત્યારબાદ જે પત્ર મોકલ્યો હતો તેમાં એક પાર્સલ હતું જેમાં તેણે એ મહિલાની અરધી કિડની મોકલી હતી જે તેણે આલ્કોહોલમાં ડુબાડીને રાખી હતી.આ હત્યાઓની તપાસ સ્કોટલેન્ડ યાર્ડને સોંપાઇ હતી પણ જેક ધ રિપર તેમનાં હાથમાં પણ આવ્યો ન હતો એ કોણ હતો તેની જાણ આજસુધી કોઇને થવા પામી નથી.લંડનનાં ગુનાઓનાં ઇતિહાસનું આ એક વણઉકલ્યું પ્રકરણ છે.
૧૯૪૫ થી ૧૯૪૬ દરમિયાન શિકાગોમાં ત્રણ મહિલાઓ ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતારાયેલી હાલતમાં મળી આવી હતી.આ હત્યાઓની ખાસ વાત એ હતી કે આ મહિલાઓની હત્યા કરનાર ખુનીએ એ મહિલાની જ લિપસ્ટીકનો ઉપયોગ કરીને દિવાલ પર એક સંદેશો લખ્યો હતો જેમાં કહેવાયું હતું ફોર હેવન્સ...સેક કેચ મી બિફોર આઇ કિલ મોર....આઇ કેનનોટ કન્ટ્રોલ માયસેલ્ફ..તેણે એ દિવાલ પર તેનું નામ લખ્યું હતું લિપસ્ટીક કિલર..આ હત્યા બાદ તો પોલીસ તેને પકડવા માટે દિનરાત લાગી ગઇ હતી તેનો અંતિમ શિકાર છ વર્ષની સુઝેન ડેગ્નાન હતી જેને તેણે તેના ઘરમાંથી ઉઠાવી હતી.તેની ક્ષતવિક્ષત લાશ એઝવોટર વિસ્તારમાં મળી આવી હતી.તેને જ્યારે આ હત્યારાએ ઉઠાવી ત્યારે તેણે તેને છોડવા માટે ૨૦,૦૦૦ ડોલરની રકમની માંગ કરી હતી.તેણે એ સાથે એ પણ ધમકી આપી હતી કે એફબીઆઈનો સંપર્ક કરશો નહી.જો કે ત્યારબાદ સત્તર વર્ષનાં વિલિયમ હેરિન્સની એક એપાર્ટમેન્ટમાં જબરજસ્તી ઘુસવા બદલ ધરપકડ કરાઇ હતી અને કોર્ટમાં સરકારી વકીલે કહ્યું હતું કે તેમની પાસે ક્રાઇમ સીન પરથી તેના ફિંગર પ્રિન્ટ મળ્યા હતા અને તેણે જે પત્રો લખ્યા હતા તેના આધારે જ હસ્તાક્ષર નિષ્ણાંતોએ પણ જણાવ્યું હતું કે તે જ લિપસ્ટીક કિલર છે.જો કે તેની સગીર વયને ધ્યાનમાં રાખીને તેને મૃત્યુદંડ અપાયો ન હતો પણ તેને આજીવન કારાવાસની સજા કરાઇ હતી.તેણે કોર્ટમાં બયાન આપતા કહ્યું હતું કે તે જ્યારે પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને તેને ટ્રુથ સિરમ અપાયું હતું.તે જેલમાં જ ૨૦૧૨માં મોતને ભેટ્યો હતો.
૧૯૯૦નાં પ્રારંભિક સમયગાળામાં કિથ હન્ટર જેસ્પરસને આઠ મહિલાઓને મોતને ઘાટ ઉતારી હતી.આ સિરિયલ કિલર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રક ચલાવવાનું કામ કરતો હતો.જો કે આ હત્યાઓ કર્યા બાદ પણ જ્યારે તેને જોઇએ તેટલું એટેન્શન ન મળ્યું ત્યારે તેણે પોલીસને ટોન્ટ મારવાનુું શરૂ કર્યુ હતું અને તે માટે તેણે લોકલ ન્યુઝ મીડિયાની મદદ લીધી હતી.તેણે ઓરેગોનિયનને પત્ર લખવાની શરૂઆત કરી હતી જેમાં તેણે કરેલી હત્યાની વિગતો આપી હતી અને તે પત્રમાં હંમેશા સ્માઇલી ફેસનું ચિત્ર દોરતો હતો.આ કારણે જ તેને હેપ્પી ફેસ કિલર નામ અપાયું હતું.આ હત્યાઓ કર્યા બાદ પણ તે ખાસ્સો સમય સુધી પોલીસની પકડમાં આવ્યો ન હતો.જો કે આખરે ૧૯૯૫માં તેની ગર્લફ્રેન્ડે જ તેનો ભાંડો ફોડ્યો હતો અને તેણે તેની હત્યાઓનાં પુરાવાઓ પોલીસને આપ્યા હતા.જેસ્પરસને કેલિફોર્નિયા, ફ્લોરિડા, નેબ્રાસ્કા, ઓરેગોન, વોશિંગ્ટન અને વ્યોમિંગમાં આઠ જેટલી મહિલાઓને મોતને ઘાટ ઉતારી હોવાની વાત કબૂલી હતી.જો કે તેણે જેલમાં કહ્યું હતું કે તેણે લગભગ ૧૮૫ જેટલી મહિલાઓને મોતને ઘાટ ઉતારી હતી.
૧૯૧૮ થી ૧૯૯૧૯નાં ગાળા દરમિયાન ન્યુઓર્લિયન્સમાં એક્સમેન નામનાં સિરિયલ કિલરે છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને છ જેટલા લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.ઇટાલિયન ગ્રોસરી સ્ટોરનાં માલિક અને તેની પત્નીને તેણે સૌપ્રથમ શિકાર બનાવ્યા હતા.આ લોકો તેમનાં ઘરમાં જ તેમની પથારીમાં ગળું રહેસાયેલી હાલતમાં મળ્યા હતા જેમનાં માથા કુહાડી વડે ક્ષત વિક્ષત કરાયા હતા.આ હત્યારાએ માત્ર પાશવી આનંદ માટે જ તેમની હત્યા કરી હતી કારણકે તેમનાં ઘરમાંથી કે તેમનાં શરીર પરથી કોઇ કિંમતી વસ્તુ ગુમ થઇ ન હતી.એ વિસ્તારનાં અખબાર ધ ટાઇમ્સ પિકાયુનને એક પત્ર મળ્યો હતો જેમાં આ હત્યારાએ વિચિત્ર પ્રકારની માંગ કરી હતી તેણે પત્રમાં જણાવ્યું હતું કે મંગળવારની રાતે તમામ ઘરોમાં જાઝ મ્યુઝિક મોટા અવાજમાં સંભળાવું જોઇએ તે જ એ વિસ્તારનાં લોકોનાં હિતમાં છે.જો કોઇએ એ રાતે જાઝ મ્યુઝિક ન વગાડ્યું તો કુહાડી માટે તત્પર રહેજો..કહેવાય છે કે તે રાત્રે ન્યુઓર્લિયન્સની શેરીઓ જાઝ મ્યુઝિકથી ગાજી ઉઠી હતી અને તે રાત્રે કોઇને કશું જ થયું ન હતું.જો કે ઓક્ટોબર ૧૯૧૯ બાદ આ હત્યાઓ થવાની બંધ થઇ ગઇ હતી પણ આ હત્યારો પોલિસનાં હાથમાં ક્યારેય આવ્યો ન હતો.
અમેરિકાનાં ઇતિહાસમાં ટેડ બંડીને સૌથી ખતરનાક સિરિયલ કિલર માનવામાં આવે છે.૧૯૭૪ થી ૭૮ દરમિયાન તેણે ત્રીસ જેટલી મહિલાઓને મોતને ઘાટ ઉતારી હતી.આ ખુની ખેલ તેણે સાત રાજ્યોમાં ખેલ્યો હતો.તે હત્યાઓ કર્યે જતો હતો પણ પોલિસને તેના વિશે કશી ગંધ આવતી ન હતી.જો કે આખરે તેની ગર્લફ્રેન્ડ એલિઝાબેથ કલોફિરે પોલીસને તેની પ્રવૃત્તિઓ અંગે માહિતગાર હતી જેની ફોક્સવેગનની સીટમાં તેને કુહાડી મળી હતી.ધ સ્ટ્રેન્ઝર બીસાઇડ મીનાં લેખક એન્ન રૂલે સુસાઇડ હોટલાઇન માટે સાથે કામ કર્યુ હતું અને તેણે જ વોન્ટેડ પોસ્ટરમાં તેની ઓળખ કરી હતી.જો કે પોલિસે ત્યારબાદ પણ ખાસ કોઇ કામગિરી કરી ન હતી.અદાલતમાં પણ બંડીએ અધિકારીઓને ગોળગોળ ફેરવવાનું જ કામ કર્યું હતું.તેણે અદાલતમાં તેનાં બચાવ માટે કોઇ વકીલ રોક્યો ન હતો પણ જાતે જ તેનો બચાવ કર્યો હતો અને એણે એ અધિકારીઓની પુછપરછ કરી હતી જેણે તેના કેસમાં તપાસ કરી હતી અને તેણે તેમની તપાસમાં રહેલા છિંડાનો પોતાનાં બચાવ માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે તેની રમત ખાસ કામ લાગી ન હતી અને તેને ફ્લોરિડાની જેલમાં ૧૯૮૯માં મોતની સજા અપાઇ હતી.
૨૦૦૩ થી ૨૦૧૬નાં સમયગાળા દરમિયાન ટોડ કોહલહેપ્પે દક્ષિણ કેરોલિનામાં સાત લોકોની હત્યા કરી હતી.જો કે આખરે તેના આ ખુની ખેલનો અંત તેનાં જ એક બચી ગયેલી શિકાર કાલા બ્રાઉનને કારણે આવ્યો હતો જે સ્ટોરેજ કન્ટેનરમાં સાંકળોથી ઝકડાયેલી હાલતમાં મળી આવી હતી જેણે તેના બોયફ્રેન્ડને તેના હાથે મરતા જોયો હતો.જો કે કોહલહેપ્પે કબૂલ કર્યુ હતું કે તેના શિકારની સંખ્યા ઘણી વધારે છે.તેણે સ્પાર્ટનબર્ગ હેરાલ્ડ જર્નલને આઠ પાનાનો પત્ર મોકલ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે હાં તેના શિકારની સંખ્યા સાત કરતા વધારે હતી મે આ વિષે તપાસકર્તાઓ અને એફબીઆઇને પણ જણાવ્યું હતું જો કે તેમણે તેનો વિશ્વાસ કર્યો ન હતો.તે ઉમેરે છે કે આ તબક્કે તો હું ચોક્કસ સંખ્યા કે લોકેશન અંગે વધારે માહિતી આપી શકું તેમ નથી.એફબીઆઇનાં સ્પેશિયલ એજન્ટ જહોન ડગ્લાસે એક ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે મને તેની વાતમાં વિશ્વાસ હતો કારણકે તેણે જે માહિતી આપી હતી તે ચોક્કસ હતી જો કે તેને તેની કુશળતા અને તેની હિંસકતા અંગે વાત કરવાની વધારે મજા પડતી હતી.જો કે તેણે ભલે તંત્રને કહ્યું હોય કે તેણે વધારે હત્યાઓ કરી હતી પણ તેણે તે અંગે ખાસ માહિતી આપી ન હતી.
જોસેફ ડી એન્જેલો એવો સિરિયલ કિલર છે જેને ગોલ્ડન સ્ટેટ કિલર, ઇસ્ટ એરિયા રેપિસ્ટ, ઓરિજિનલ નાઇટ સ્ક્રોલર, વિશાલિયા રેનસેકર અને ડાયમંડ નોટ કિલરનાં નામે ઓળખવામાં આવતો હતો.તેણે ૧૯૭૪ થી ૧૯૮૬નાં ગાળા દરમિયાન ઓછામાં ઓછી તેર હત્યાઓ કરી હતી આ ઉપરાંત તેના પર પચાસ જેટલા બળાત્કાર અને ૧૨૦ કરતા વધારે ઘરોમાં તોડફોડનાં આરોપ પણ મુકાયા હતા.એક દાયકા બાદ એફબીઆઇ તેને પકડવામાં સફળ થઇ હતી.જોસેફ ડી એન્જેલો એક પુર્વ પોલિસ કર્મચારી હતો અને એક ડીએનએ એવિડન્સનાં કારણે તે પકડમાં આવ્યો હતો.જો કે જ્યારે તે પકડમાં આવ્યો ત્યારે તેની વય ૭૨ વર્ષની હતી તેને પોલીસ સાથે રમત રમવામાં મજા આવતી હતી.જ્યારે પણ તે કોઇનાં પર હુમલો કરતો ત્યારે તે પોતાનાં શિકારને ફોન કરતો હતો જેમાં તેનાં ઉંડા શ્વાસ સંભળાતા અને તે તેમને ધમકી આપતો હતો.એક ફોન કોલ એફબીઆઇએ જાહેર કર્યો હતો જેમાં તે કહેતો હતો ગોઇંગ ટુ કિલ યુ... ગોઇંગ ટુ કિલ યુ...ગોઇંગ ટુ કિલ યૂ....૧૯૭૭માં તેણે સેક્રેમેન્ટોનાં શેરિફની ઓફિસમાં ફોન કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે હું જ ઇસ્ટ સાઇડનો રેપિસ્ટ છું અને મે મારો શિકાર પસંદ કરી લીધો છે તમે મારૂ કશું જ બગાડી શકશો નહિ...આખરે તે ૨૦૧૮માં જ્યારે પોલિસની પકડમાં આવ્યો ત્યારે બચેલી વ્યક્તિઓ, પીડિતો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો...