અચાનક સાંભળાયેલા કિંજલના અવાજથી સંકેતના પગ દરવાજા પાસે જ જકડાઈ ગયા,એણે પાછું વળીને કિંજલ સામે જોયું તો એની આંખોમાં હજી એ પ્રશ્ન ડોકાઈ રહ્યો હતો
“એ...એ તો...ઊંઘ નહોતી...નહોતી આવતી....તો જરાક બહાર....”સંકેતે કિંજલ સામે જોવાનું ટાળતા કહ્યું પણ એ પહેલાં જ કિંજલ બોલી ઉઠી
“જૂઠું બોલે છે તું સંકેત” કિંજલના અવાજની મક્કમતા સંકેતને વધુ અસ્વસ્થ કરી ગઈ પણ એ કઈ જવાબ આપે એ પહેલાં જ કિંજલે એની નજીક આવી એનો હાથ પકડી લેતા કહ્યું
“તારા હાથ ધ્રુજી રહ્યા છે સંકેત...એનો સીધો અર્થ છે કે તું જૂઠું બોલી રહ્યો છે”
સંકેત કઈ બોલ્યા વગર બસ નીચું જોઈ ગયો એટલે ફરી કિંજલે કહ્યું
“બગીચામાં જાય છે ને?” કિંજલના સવાલથી જાણે સંકેતની ચોરી પકડાઈ ગઈ હોય એમ એની આંખો ફાટી ગઈ
“ખાતરી કરવા કે ક્યાંક ક્રિશું જે કહે છે એ સાચું તો નથી ને?”
ફરી એકવાર કિંજલે ધારદાર સવાલ કર્યો ને આ વખતે સંકેતે વાતને છુપાવવાને બદલે થોડી ગંભીરતાથી કહ્યું
“કિંજલ...હું તને અને ક્રિશુને લેવા આવ્યો ત્યારે ગાર્ડનનો વોચમેન એની જગ્યાએ નહોતો” એ સાંભળી કિંજલનો જીવ રીતસરનો ઊંચો થઈ ગયો
“પણ તે તો કહ્યું હતું કે તે એને જોયો....….”કિંજલ આગળ કઈ પૂછે એ પહેલાં જ સંકેતે કહ્યું
“હું જૂઠું બોલ્યો હતો...તને ચિંતા ન થાય એટલે પણ હવે તારી જેમ મને પણ ડર લાગે છે કિંજલ.. ક્યાંક...ક્યાંક આપણા ક્રિષ્નાએ કહ્યું એમ સાચે એના હાથમાં ચાકુ હોય અને એણે એ વોચમેનના પેટમાં ખોસી દીધું હોય તો....તો એ ચાકુ ત્યાં જ પડ્યું હોવું જોઈએ ને...હું...હું બસ એ શોધી લાવવા માંગુ છું....છુપાવી દેવા માંગુ છું એને....હું મારા ક્રિષ્નાને કઈ થવા નહિ દઉં..કઈ નહિ થવા દઉં એને...હું એનો વાળ પણ વાંકો નહિ થવા દઉં” બોલતા બોલતા તો સંકેત લાગણીશીલ થઈ ગયો
"સંકેત.....”લાગણીમાં વહીને બાવરા બની ગયેલા સંકેતને સાચવવા કિંજલે એનું બાવડું પકડયું પણ સંકેતે એ જ લાગણીના આવેગમાં આવીને પોતાનું બાવડું છોડાવી લેતા કહ્યું
“કિંજલ મને જવા દે....હું મારા ક્રિશુને કઈ નહિ થવા દઉં” ને એમ બોલતા બોલતા તો સંકેત સડસડાટ કરતો ઘરની બહાર નીકળી ગયો, કિંજલ પણ એની પાછળ દોડી જવા માંગતી હતી પણ ઘરમાં સુતેલા ક્રિષ્નાનો વિચાર આવતા જ એ બસ દરવાજે ઉભી ઉભી સંકેત પાછો ફરે એની રાહ જોવા લાગી. પણ સંકેત તો લગભગ દોડતો એના રસ્તે આગળ વધી રહ્યો હતો.
ગાર્ડન સુધી પહોંચ્યો ત્યાં સુધી તો સંકેત રીતસરનો હાંફવા લાગ્યો હતો પણ એની પરવાહ કર્યા વગર એ ગાર્ડનના મુખ્ય દરવાજેથી ગાર્ડનમાં દાખલ થયો, એણે આમતેમ નજર ફેરવી પણ એને વોચમેન ક્યાંય ન દેખાયો, સંકેતની ચિંતા બમણી થઈ ગઈ પણ તો ય એ ઉતાવળે પગલે ક્રિષ્ના જ્યાંથી મળી આવ્યો હતો એ તરફ દોડવા લાગ્યો.
ગાંડાની જેમ ફાંફાં મારતો સંકેત એ ચાકુને શોધવા મથી રહ્યો હતો, એની આંખો ચકળવકળ થતી ચારેબાજુ ફરી રહી હતી. પણ એને ત્યાં એવું કોઈ હથિયાર ન મળ્યું, ખરેખર ક્રિષ્ના પાસે કોઈ હથિયાર હતું પણ કે કેમ...એને કોઈનું ખૂન કર્યું છે કે નહીં...એ વાત પર ઝાઝો વિચાર કર્યા વગર બસ હાલ સંકેત ક્રિષ્ના કોઈ મુસીબતમાં ન ફસાય એ માટેના પ્રયત્ન કરી રહ્યો હતો ને ત્યાં જ એને ક્રિષ્નાને શોધતી વખતે ગાર્ડનમાં સુતેલી અવસ્થામાં મળેલ વ્યક્તિ યાદ આવ્યો....ક્યાંક ક્રિષ્ના ક્રિષ્નાએ એને જ તો...ક્યાંક એ વોચમેન જ તો નહીં હોય ને… બસ એ વિચારે જ સંકેતના ધબકારા વધારી દીધા. વહેલી સવારની ઠંડક જાણે પળમાં છું થઈ ગઈ હોય ને ઉકળાટ જમ્યો હોય એમ સંકેતના ચહેરા પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા
એણે દૂરથી જ નજર કરી, એ માણસ હજી ત્યાં એ જ દિશામાં સૂતેલો હતો, અત્યાર સુધી ઉતાવળા ચાલતા સંકેતના પગલાં કોણ જાણે કેમ એ માણસ તરફ વધતા ધીમા થઈ ગયા હતા. પણ એનું મગજ બમણી ગતિએ ચાલી રહ્યું હતું. ને આખરે સંકેત એ વ્યક્તિ સુધી પહોંચ્યો..એને ઘૂંટણિયે બેસીને પહેલા તો એ વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસ્યા...ને એની આંગળી પર ફેંકાઈ રહેલા એ વ્યક્તિ ના ઉચ્છવાસના અહેસાસથી સંકેતને જરા હાશકારો થયો..એ વ્યક્તિ જીવે છે એ વાત જાણે સંકેતને જરા હળવો કરી ગઈ.
વહેલી સવારે ગાર્ડનમાં ચાલવા આવતા લોકો થોડી જ વારમાં ભેગા થવા લાગશે એનો અણસાર આવતા જ સંકેતે મોઢા પર જામી ગયેલો પરસેવો લૂછી નાખ્યો ને બને એટલી ઝડપે ગાર્ડનના મુખ્ય ગેટ તરફ ચાલવા લાગ્યો, સવારના સમયે શિફ્ટ ચેન્જ થતા નવો વોચમેન ગેટ પર આવી પહોંચે એ પહેલાં સંકેત ત્યાંથી નીકળી જવા માંગતો હતો. ને આખરે એ એમાં સફળ પણ થયો.
સંકેત ઘરે પહોચ્યો ત્યારે માથા પર અઢળક ચિંતાઓની રેખા સાથે કિંજલ એની જ કાગડોળે રાહ જોતી દરવાજે ઉભી હતી. સંકેતે હજી તો ઘરમાં ય પગ નહોતો મુક્યો ત્યાં કિંજલે પૂછ્યું
"મળ્યું કઈ?"
સંકેતે કઈ બોલવાને બદલે ફક્ત નકારમાં માથું ધુણાવ્યું, ને ચહેરા પર થાક સાથે એ સોફા પર જઈ પટકાયો, પણ કિંજલને હજી જાણે ચેન નહોતું પડી રહ્યું
"સંકેત....તે બધે બરાબર જોયું તો ખરા ને?”
“હા કિંજલ....ક્યાંય કઈ જ નહોતું. મેં ખાતરી કરી લીધી છે... આ નક્કી ક્રિષ્નાનો વહેમ જ હશે...કા તો કોઈ ખરાબ સપનું....બસ" સંકેત તરત જ નિષ્કર્ષ પર પહોંચી ગયો
“અને પેલો વોચમેન...એ હતો એની જગ્યાએ?” કિંજલ ફરી સવાલ લઈને વચ્ચે કૂદી પડી, પણ એના એ સવાલ બાદ જે રીતે સંકેતે ત્રાંસી આંખે એની તરફ જોયું એ પરથી એ સમજી ગઈ કે વોચમેન ત્યાં નહોતો, કિંજલ વધુ કોઈ સવાલ પૂછે એ પહેલાં જ સંકેતે કહ્યું
"ક્યાંક ગયો હશે આમ તેમ....હવે આ વાતને અહીં જ પુરી કરી દે કિંજલ”
ને એ બાદ કિંજલ કે સંકેત કોઈ કઈ ન બોલ્યું, બસ બન્ને સૂર્યદેવના આગમનની રાહ જોતા સોફા પર જ માથું ટેકવીને બેસી રહ્યા. જે રીતે ઘરનું વાતાવરણ તંગ થયું હતું ફરી એકવાર કિંજલ સામે એ ભૂતકાળ ખડો થઈ ગયો જે એના મનને ચીરી નાખે એવો હતો
માતાપિતાની એકની એક દીકરી કિંજલ પરણીને સાસરે આવી તો ય એના માતાપિતાની દરકાર લેવાનું ભૂલી નહોતી, પણ ક્રિષ્નાના જન્મ બાદ કિંજલ ઇચ્છવા છતાં પણ એના માતાપિતાને એટલો સમય ન આપી શકતી, ગામમાં જ સાસરિયું ને ગામમાં જ પિયરીયું હોવા છતાં ઘણા દિવસ સુધી એના માતાપિતાને કિંજલ મળવા ન જઈ શકતી અલબત્ત ફોન પર સતત એમની સાથે સંપર્કમાં રહેતી. ને એક દિવસ એની માતા અચાનક બીમાર પડ્યા, દવાખાનામાં દાખલ કરાયા ત્યારે પણ દોઢ વર્ષના ક્રિષ્ના સાથે કિંજલ અને સંકેત ખડેપગે એમની સાથે રહ્યા હતા પણ આખરે ઉંમર એનું કામ કરી ગઈ ને કિંજલની માતાનું સંધ્યા સમયે અવસાન થયું. એક દીકરીના માથેથી માઁનો હાથ છીનવાઈ જાય ત્યારે એ કેવી તે ભાંગી પડે એ કિંજલની રડી રડીને ફૂલી ગયેલી આંખો પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું, સાંજના સમયે માતાનું અવસાન થયું એ પછી શબને આખી રાત ઘરે જ રાખીને સવારે અગ્નિદાહ આપવાનો સૌ મોટેરાઓએ નિર્ણય લીધો, જરૂરી વિધિ અને એના પિતા બેઉને સાચવવાની જવાબદારીએ કિંજલને એ હતી એ કરતા થોડી વધુ મજબૂત બનાવી દીધી હતી.
નાનકડા ક્રિષ્નાને રૂમમાં સુવડાવી અન્ય સર્ગાવહાલાં સાથે જ્યારે કિંજલ માતાના શબની સામે બેઠી હતી ત્યારે એના ચહેરા પર જે સુનકાર છવાયેલો હતો એ ખરેખર ડર લાગે એવો હતો, ઘણા લોકો ઘરમાં હોવા છતાં ય બસ મૌનની ચાદર પથરાયેલી હતી ને ત્યાં જ રાતના લગભગ અઢી-ત્રણ વાગે ક્રિષ્ના જે રૂમમાં સૂતો હતો એ રૂમનો દરવાજો ઉઘડયો, એના પગમાં પહેરાવેલા કડાની ઘૂઘરીના રણકારે ઘરમાં પથરાયેલા મૌનને ચીરી નાખ્યું.
કિંજલની આંખો પણ એ રણકારની દિશામાં મંડાઈ ગઈ, મોટેભાગે પલંગ પરથી જાતે ઉતરવાને બદલે કિંજલને મમ્મી મમ્મી કરીને બુમો પાડતો ક્રિષ્ના આજે પહેલીવાર જાતે જ પલંગ પરથી ઉતરીને ચાલવા લાગ્યો હતો.
ઊંઘમાંથી ઉઠેલાં ક્રિષ્નાને પોતાની તરફ બોલાવવા કિંજલે હાથ લંબાવ્યા, અધખુલ્લી આંખે ક્રિષ્ના બધા બેઠા હતા એ તરફ ચાલવા લાગ્યો, હમણાં એનો નાનકડો ક્રિષ્ના એની પાસે આવી એને લપાઈ જશે એમ વિચારતી કિંજલ હજી એના હાથ લંબાવી બેઠી હતી પણ ક્રિષ્ના તો યંત્રવત ચાલતો ચાલતો સીધો જ કિંજલની માતાના શબ પર જઈ બેસી ગયો, ને સાવ આવડા અમથા છોકરાનું આવુ વર્તન ત્યાં બેઠેલા સૌ કોઈ ફાટી આંખે જોઈ રહ્યા
(શા માટે એ દોઢ વર્ષના ક્રિષ્નાએ કર્યું હશે આવું વર્તન? શુ ખરેખર ક્રિષ્નાને ફક્ત ઊંઘમાં ચાલવાની બીમારી છે કે કંઈક બીજું? ક્યાં ગયો એ વોચમેન? શુ ખરેખર ક્રિષ્નાએ કરી નાખ્યું છે એનું ખૂન? જાણવા માટે વાંચતા રહો "the puppet")