રાતના લગભગ અઢી વાગ્યા હશે ને સંકેત અને કિંજલ આમ તેમ જોતા ગાંડાની જેમ વડોદરાના રસ્તા પર દોડી રહ્યા હતા. એકલ દોકલ વાહનોની અવરજવર વચ્ચે બન્નેની ચિંતાતુર નજરો કોઈને શોધી રહી હતી એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. બાવરા બની બેઉ હવે રોડની વિરુદ્ધ દિશામાં આંખો ઝીણી કરી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકેત ખાસ્સો આગળ ચાલ્યો ગયો પણ એની નાસીપાસ નજરો એને મળેલી નિષ્ફળતાની ચાડી ખાઈ રહી હતી. એ ફરી કિંજલ તરફ દોડ્યો
“દેખાયો?” દૂરથી દોડીને આવેલા સંકેતે હાંફતા હાંફતા આમ તેમ ફાંફાં મારતા જ કિંજલને પૂછ્યું
“ના….આપણે આટલામાં બધે જ જોઈ લીધું સંકેત..એ ક્યાંય નથી…કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો હશે?” કિંજલનો અવાજ રડુ રડુ થઈ ગયો હતો
“તને મેં કહ્યું હતું કે રાત્રે થોડી થોડી વારે આપણે એની પર નજર રાખવી પડશે” સંકેત જરા ચિડાયો
“અરે હજી અડધા કલાક પહેલા તો મેં નજર કરી હતી…પછી ક્યારે આવું બન્યું મને ખ્યાલ જ ન આવ્યો” આખરે કિંજલની આંખો ભીંજાઈ ગઈ.
“બસ હવે રડ નહિ…એ તો સારું થયું કે મારી આંખ ખુલી ને મને ખ્યાલ આવ્યો કે એ તારી બાજુમાં નથી…બહુ દૂર નહિ ગયો હોય…હમણાં મળી જશે” સંકેતે કિંજલને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો
“કદાચ ગાર્ડન તરફ ગયો હોય?” એકાએક કિંજલ બોલી ઉઠી
“પણ આ સમયે તો ગાર્ડનનો ગેટ બંધ હશે ને વોચમેન પણ હશે ત્યાં” સંકેતે જરા વિચાર કરતા જવાબ આપ્યો
“આપણે જઈએ છે એ પાછલા રસ્તે ગયો હોય તો?” ફરી કિંજલે એનું મગજ ચલાવ્યું
“ચાલ જોઈ લઈએ એકવાર….”કહી સંકેતે કિંજલનો હાથ પકડ્યો ને બન્ને એમની સોસાયટીની બરાબર સામે જ આવેલા બાપોદ ગાર્ડન તરફ રીતસર દોડવા લાગ્યા. રોડ પર સુતેલા કુતરાઓ પણ સંકેત અને કિંજલને આમ દોડતા જોઈ ચમક્યા હોય એમ એમની ચમકતી આંખો એ બેઉ પર મંડાઈ ગઈ, પણ કિંજલ કે સંકેત બેમાંથી કોઈએ પણ એની પરવાહ કર્યા વગર જ ગાર્ડનના પાછલા રસ્તેથી ગાર્ડનમાં પ્રવેશ કર્યો.
સમી સાંજથી લઈને કે છેક ગાર્ડન બંધ થાય ત્યાં સુધી સતત ધબકતા રહેતા એ ગાર્ડનમાં હાલ તમરાઓના અવાજ સિવાય સંપૂર્ણ શાંતિ વર્તાઈ રહી હતી. સુસવાટા ભેર વાતા પવન સાથે લહેરાઈ રહેલા વૃક્ષોના પાંદડાનો અવાજ સાંભળી કિંજલે સંકેતનું બાવડું ફિટ પકડી લીધું, સંકેતે પણ એને હિંમત આપવા એના હાથ પર હાથ મૂકી દીધો. ને બેઉ ધીમા પગલે ગાર્ડનમાં આગળ વધ્યા. ચારેતરફ બગીચોને વચ્ચે તળાવથી શોભતી એ જગ્યા ભલભલાને આકર્ષી લે તેવી હતી પણ હાલ તો કિંજલ અને સંકેત પાસે એની એ સુંદરતા નિહાળવાનો જાણે સમય જ નહોતો. એમની આંખો આમતેમ ફરકી રહી હતી ને ડગલાં આગળ વધી રહ્યા હતા.
“અહીં નહિ મળે તો ક્યાં શોધીશું એને?” કિંજલે ઢીલા અવાજે પૂછ્યું, પણ સંકેત કઈક જવાબ આપે એ પહેલાં જ એની દૂર સુધી દોડી ગયેલી નજર એક જગ્યાએ સ્થિર થઈ ગઈ. સંકેત કઈ બોલ્યા વગર જ અડધી રાતના એ સમયે ઝળહળી રહેલી જરૂરિયાત પૂરતી જ સ્ટ્રીટ લાઈટના આછા અજવાળા તરફ દોડી ગયો, કિંજલ પણ એની પાછળ પાછળ ખેંચાઈ.
બાળકોના હીંચકા અને લપસણી સાથે સાથે બનાવેલા કેટલાક કસરતના સાધનોની સાવ નજીક જ આવીને સંકેત ઉભો રહી ગયો, ત્યાં જ ઢળી પડેલા એક વ્યક્તિના ચહેરા તરફ આશા ભરી નજરે ધારી ધારીને જોયા બાદ ફરી સંકેતનો ચહેરો તંગ થઈ ગયો, કિંજલ મીટ માંડી સંકેતને જોઈ રહી હતી
“કોઈ દારૂડિયો લાગે છે” કહી સંકેતે એ માણસ પરથી નજર ફેરવી ને ફરી કિંજલનો હાથ પકડી આગળની તરફ દોડવા લાગ્યો , ત્યાં જ અંધારામાં એ કઈક વસ્તુ સાથે અથડાઈ લથડીયું ખાઈ ગયો, કિંજલનો ફિટ પકડેલો હાથ પણ છૂટી ગયો પણ બેઉની નજર જ્યારે જમીન તરફ સ્થિર થઈ તો એમનો શ્વાસ અધ્ધર થઈ ગયો. પંદરેક વર્ષનો છોકરો બેભાન હાલતમાં ત્યાં ઊંધો પડેલો હતો, કિંજલ એને જોઈને જાણે સાવ અસ્વસ્થ થઈ ગઈ
“ક્રિશુ….ક્રિશુ બેટા…..બેટા તું ઠીક છે ને?” કિંજલે તરત જ એ છોકરાનું માથું પોતાના ખોળામાં લઈ લેતા કહ્યું, એની અત્યાર સુધીની રડુ રડુ થઈ ગયેલી આંખો હવે એ છોકરાને જોઈને વહેવા લાગી, એને લગભગ એ છોકરાને હલબલાવી નાખ્યો પણ એ છોકરો ભાનમાં ન આવ્યો
“જો ને સંકેત…આને શુ થઈ ગયું…આંખો કેમ નથી ખોલતો આપણો ક્રિશુ…ક્રિશુ …આંખો ખોલને બેટા” કિંજલે રડતા રડતા જ પહેલા સંકેત તરફ ને એ પછી ફરી પેલા છોકરા તરફ જોતા કહ્યું
“ક્રિષ્ના…ક્રિષ્ના…બેટા…આંખો ખોલ…ચાલ ઘરે જઈએ….ચાલ ઉભો થા તો…જો તો તારી મમ્મી કેટલી ચિંતા કરે છે” સંકેત પણ ઉભડક પગે પેલા છોકરા પાસે બેસી એના ગાલ પર ટપલી મારતો બોલી ઉઠ્યો, ને ત્યાં જ એને એ છોકરાના ગાલ પર પડેલા ઉઝરડા મહેસુસ થયા, એણે તરત પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો ને ટોર્ચ ચાલુ કરી ક્રિષ્ના તરફ ધર્યો, ને એ પછી તો બેઉ પતિ પત્ની જાણે વધુ ઢીલા પડી ગયા
“સંકેત…આ …આને આ ચહેરા પર આટલા બધા ઉઝરડા કેમ છે?…ને આ એનું ટીશર્ટ ફાટેલું…એના હાથ પર પણ આ લોહીના ટશિયા ફુટેલા છે” કિંજલ તો ક્રિષ્નાના થોડા ઘવાયેલા શરીરને જોઈ બાવરી બની ગઈ
“ખબર નહિ….ખબર નહિ શુ થયું હશે…એના ઘૂંટણ પણ છોલાયા છે જો ને…એનો બરમુડો ય ફાટ્યો છે…” સંકેતે ટોર્ચ લાઈટ હવે ક્રિષ્નાના પગ તરફ ફેરવતા કહ્યું,
બન્ને પતિ પત્ની ચિંતામાં અડધા અડધા થઈ રહ્યા હતા ત્યાં જ ક્રિષ્નાની આંખો ધીમે ધીમે ફરકી ને થોડીવાર બાદ એને આંખો ઉઘાડી, એ જોઈ કિંજલના જાણે જીવમાં જીવ આવ્યો.
“ક્રિશુ…બેટા…બેટા…તું ઠીક છે ને?...આ બધું શુ થયું છે તને…..આ આટલું બધું કઈ રીતે વાગ્યું તને….કોને કરી તારી આવી હાલત બેટા?” કિંજલે એકસાથે ઘણા બધા સવાલ કર્યા પણ એકપણ સવાલનો જવાબ આપ્યા વગર ક્રિષ્ના સીધો એને લપાઈ ગયો, એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું ને ડર એના ચહેરાને ઘેરી વડ્યો હતો, એની આવી હાલત જોઈ કિંજલે પ્રશ્નાર્થ નજરે સંકેત તરફ જોયું, ને સંકેતે આંખનો પલકારો કરી કિંજલને ક્રિષ્નાના શરીરના ઘા અંગે પૂછવાનું ટાડવાનો ઈશારો કર્યો ને એ બાદ ક્રિષ્નાના માથે હાથ ફેરવતા કહ્યું, “ક્રિષ્ના..બેટા…કેમ આટલો ગભરાઈ ગયો…મમ્મી પપ્પા છે ને તારી પાસે….ચાલ હવે ઘરે જઈએ બેટા?”
પણ ક્રિષ્નાના કાને એ શબ્દો પડ્યા જ ન હોય એમ એ હજી કિંજલને લપાઈને બેસી રહ્યો હતો, માઁનો જીવ એના લાડકાને આમ જોઈ કપાઈ રહ્યો હતો પણ તેમ છતાં કિંજલે હિંમત કરીને ક્રિષ્નાને પોતાનાથી જરા અળગો કરતા કહ્યું
“શુ થયું બેટા…..કેમ આટલો ડરી ગયો….થાય આવું તો…નાના બાળકો કરે આવું ક્યારેક …ચાલ હવે તો મમ્મી પપ્પા આવી ગયા છે ને અહીં…ચાલ તને ઉભો કરું..ઘરે જઈએ” કહી કિંજલે એને ઉભો કરવાનો પ્રયત્ન કર્યો પણ એ પહેલાં જ ક્રિષ્નાએ ફરી એકવાર કિંજલને લપાઈ જતા કહ્યું
“મમ્મી…મમ્મી…મેં છે ને….મેં….”ક્રિષ્નાનો અવાજ ધ્રુજી રહ્યો હતો
“હા બેટા…તે…તે શું બેટા…”કિંજલે પણ એના શબ્દોને સમજવાનો પ્રયત્ન કર્યો
“મેં છે ને…અહીં…અહીં આ ગાર્ડનમાં…આ ગાર્ડનમાં મેં છે ને એક માણસને મારી નાખ્યો…મેં એને ચાકુ મારી દીધું..મેં…મ…મેં એનું ખૂન કરી નાખ્યું મમ્મી….”
ક્રિષ્નાએ ધ્રૂજતા અવાજે કહ્યું તો ખરા પણ એના શબ્દોથી સંકેત અને કિંજલના પગ નીચેથી તો જાણે જમીન જ ખસી ગઈ, બન્ને ફાટી આંખે ઘડીક ક્રિષ્ના તરફ તો ઘડીક એકબીજા તરફ જોઈ રહ્યા
(કોણ છે આ ક્રિષ્ના? આમ અડધી રાત્રે શુ કરી રહ્યો હતો બગીચામાં? ક્યાં કારણે પડી ગયા હશે એના શરીર પર ઉઝરડા? કોનું ખૂન કર્યું હશે ક્રિષ્નાએ? શું ચાલી રહયું છે સંકેત, કિંજલ અને ક્રિષ્નાના જીવનમાં? જાણવા માટે વાંચતા રહો “The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો)