કિંજલે તરત જ ક્રિષ્નાને પોતાની છાતી સરસી ચાંપી દીધો, પણ હજી ક્રિષ્ના એમ જ ધ્રુજી રહ્યો હતો
“મમ્મા…મમ્મા…મેં એને મારી નાખ્યો…મારાથી એનું ખૂન થઈ ગયું” હજી ક્રિષ્નાના મોઢે એ જ રટણ ચાલુ હતું એટલે સંકેતે તરત જ આસપાસ નજર કરી ને એ બાદ ક્રિષ્ના તરફ જોઈ મોઢા પર આંગળી મુકતા કહ્યું
“શશશશ….એકદમ ચૂપ થઈ જા બેટા…તે કોઈને નથી માર્યા”..
“ના ડેડી….મેં મારી નાખ્યો એને…મેં મારા આ હાથે જ મારી નાખ્યો એને” ક્રિષ્ના એના બન્ને હાથની આંગળીઓ ખુલ્લી કરી એને જોતા બોલી ઉઠ્યો
“કોની વાત કરે છે બેટા તું….કોને મારી નાખ્યો તે?” કિંજલે ચિંતાતુર અવાજે પૂછ્યું પણ એ સાથે સંકેત જરા ચિડાઈને બોલી ઉઠ્યો
“ગાંડી થઈ છે તું કિંજલ…કેમ આવા સવાલ પૂછે છે…ક્રિશુએ કોઈને નથી માર્યા….તને તો ખબર જ છે ને એની પરિસ્થિતિ પછી આવા ફાલતુ સવાલ શા માટે પૂછે છે…..આવું કઈ પહેલીવાર થોડું બન્યું છે”
“પણ સંકેત….”કિંજલ કઈ બોલવા જતી હતી ત્યાં જ ક્રિષ્ના દૂર ક્ષિતિજમાં તાકતો હોય એમ બોલી ઉઠ્યો
“હું ઘરેથી નીકળ્યો ને તો મારે ગાર્ડનમાં આવવું હતું…પણ પેલા…પેલા વોચમેને મને ન આવવા દીધો
..મેં ઘણીવાર કહ્યું એને પણ એ ન માન્યો…ને મને ગુસ્સો આવી ગયો…મારાથી એના પર હાથ ઉપડી ગયો મમ્મા” બોલતા બોલતા ક્રિષ્ના થોડો આટક્યો પણ એની વાત સાંભળીને ફરી એકવાર કિંજલ અને સંકેત સુન્ન થઈ ગયા, પણ એ તરફ ધ્યાન આપ્યા વગર હિબકે ચડી ગયેલા ક્રિષ્નાએ એક ઊંડો શ્વાસ લીધો ને પછી પોતાની વાત આગળ વધારતા કહ્યું
“એને પણ મારા પર હાથ ઉપાડ્યો…અમે મારામારી પર ઉતરી આવ્યા…ને એ જ ઝપાઝપીમાં મેં એને મારી નાખ્યો મમ્મા…ડેડી મેં એને મારી નાખ્યો” બોલતા બોલતા ફરી ક્રિષ્ના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો પણ સંકેતે જરા ઊંચા અવાજે કહ્યું
“ક્રિશુ…બસ હવે શાંત થઈ જા….એવું કંઈ જ નથી થયું…ચાલ હવે ઘરે ચાલ”
સંકેતે ક્રિષ્નાનું બાવડું પકડી એને ઉભો કરવાનો પ્રયત્ન કર્યો પણ છોલાઈ ગયેલા ઘુંટણમાં ખેંચાણને લીધે ક્રિષ્નાની પીડાથી ચીસ નીકળી ગઈ.
“એ નહિ ચાલી શકે સંકેત” કિંજલે ક્રિષ્નાને સહારો આપતા કહ્યું
“ઠીક છે…તમે બન્ને પાછલા ગેટ સુધી પહોંચો…હું ઘરે જઈને ગાડી લઈ આવું” કહેતો સંકેત ફલાંગો ભરતો ગાર્ડનની બહાર તરફ ચાલવા લાગ્યો, મેઇન ગેટથી બહાર નીકળેલા સંકેતે ગેટ પાસે આમતેમ નજર કરી, એની આંખો કોઈને શોધી રહી હતી પણ એ પછી એ ઘર તરફ આગળ વધ્યો.
થોડી જ વારમાં સંકેત ગાડી લઈને ગાર્ડનના મેઇન ગેટ પાસેથી પસાર થયો, આ વખતે પણ ગેટ પર વોચમેનની ગેરહાજરી જાણે એને ખટકી રહી હતી, એકવાર ક્રિષ્નાના શબ્દો એના કાનમાં ગુંજી ઉઠ્યા ને એના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. પણ એને તરત જ પોતાના વિચારોને ખંખેરી નાખ્યા.
સંકેત ગાડી લઈને પાછલા ગેટ સુધી પહોંચ્યો ત્યારે કિંજલ ક્રિષ્નાને સહારો આપતી ધીમે ધીમે એની તરફ આવી રહી હતી, ક્રિષ્નાના ચહેરા પર પડી ગયેલા લીસોટા અને એમાંથી ફૂટી નીકળેલા લોહીના ટશિયા આછા પ્રકાશમાં પણ સંકેત સ્પષ્ટપણે જોઈ શકતો હતો, એના ઘૂંટણના ભાગેથી ફાટેલો બરમુડો અને એમાંથી વહીને જામી ગયેલું એનું લોહી ક્રિષ્નાને કઈ હદે પીડા આપી રહ્યું છે એ એના ચહેરા પરથી દેખાઈ રહ્યું હતું. સંકેતે પણ ક્રિષ્ના તરફ હાથ લંબાવી એને સાચવીને ગાડીની પાછલી સીટ પર બેસાડ્યો, ચિંતાતુર ચહેરે કિંજલ આગળની સીટ પર બેઠી. ઘર તરફના નજીવા રસ્તામાં ય વારે વારે કિંજલ પાછલી સીટ પર સુતેલા ક્રિષ્નાને જોઈ રહી હતી. ને આખરે ગાડી ઘરના પાર્કિંગ એરિયામાં દાખલ થઈ.
કિંજલ અને સંકેતે સહારો આપી ક્રિષ્નાને ગાડીમાંથી બહાર કાઢ્યો અને ઘરમાં દોરી ગયા. ક્રિષ્નાને સોફા પર બેસાડી કિંજલ દોડતી ફર્સ્ટ એઇડ બોક્સ લઈ આવી. પોતાના દીકરાના ઘા સાફ કરતી એક માઁનું હ્ર્દય કેવું કપાઈ જાય એ ક્રિષ્નાનો ચહેરો જોઈ સમજાઈ રહ્યું હતું. કિંજલે ક્રિષ્નાના હાથમાં એક દવાની ગોળી મૂકી ને એ જોઈ ક્રિષ્નાનું મોઢું બગડ્યું, દવા ન પીવાનો નકારો એના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો
“ડાહ્યો દીકરો છે ને મારો…ચાલ દવા પી લે તો..”ફરી એકવાર માઁનો વ્હાલસોયો હાથ ક્રિષ્નાના માથે ફર્યો ને ક્રિષ્નાને દવા લઈ લીધી.
“ચાલ બેટા…હવે રૂમમાં ચાલ…કપડાં બદલી લે અને સુઈ જા” ક્રિષ્નાના માથે હાથ ફેરવી ખૂબ જ વ્હાલથી કિંજલે કહ્યું ને એ બાદ ક્રિષ્ના ઉભો થઇ કિંજલનો હાથ પકડી ધીમે ધીમે એની રૂમ તરફ ચાલવા લાગ્યો, સંકેત પણ એમની પાછળ દોરાયો,કિંજલે ક્રિષ્નાને ટીશર્ટ અને બરમુડો આપ્યા ને સંકેતે એ કપડાં ક્રિષ્નાને સાચવીને પહેરાવ્યા, એ પછી ક્રિષ્ના બેડ પર લંબાયો અને કિંજલ એના ઓશિકા પાસે બેઠી બેઠી એના માથે હાથ ફેરવતી રહી, એના કાનમાં હજી જાણે ક્રિષ્નાના શબ્દો ગુંજી રહ્યા હતા, મનમાં હજારો સવાલ હતા પણ ક્રિષ્નાનો એ નિર્દોષ ચહેરો જોઈ એની આંખો ભરાઈ આવી. ઘરે આવીને જાણે સાવ શાંત થઈ ગયો હોય એમ ક્રિષ્ના થોડી જ વારમાં ઘસઘસાટ સુઈ ગયો. સંકેત પણ આંખો બંધ કરીને ક્રિષ્નાની બાજુમાં સૂતો હતો. પણ કિંજલનું મગજ હવે બમણી ઝડપે દોડી રહ્યું હતું. એનાથી ન રહેવાયુ એટલે એણે સંકેત તરફ જોતા કહ્યું
“સંકેત…મને ડર લાગે છે”
“કઈ વાતનો ડર…”સંકેતે ઝાટકા સાથે પોતાની આંખો ખોલતા કહ્યું
“ક્રિશું….ગાર્ડનમાં જે બોલી રહ્યો હતો એ….ક્યાંક એ વાત સાચી…..”કિંજલ આગળના શબ્દો ન બોલી શકી પણ એને જવાબ આપતા સંકેતે તરત જ કહ્યું
“કિંજલ…એ ક્રિશુનો વહેમ માત્ર હશે….તને ખબર તો છે એને ઊંઘમાં ચાલવાની આદત છે….ને એ હજી નાનો છે…કોઈ સપનું જોયું હશે એવું પણ બને ને” સંકેતે સમજાવટના સુરમાં કહ્યું
“પણ સંકેત એના ફાટેલા કપડાં…એના શરીર પર પહોંચેલી ઇજા…એ…એનું પણ તો કંઈક કારણ હશે ને….ને પેલો વોચમેન…..એ વોચમેન હતો ત્યાં?...જોયો હતો એને તે ત્યાં” કિંજલે એકસાથે ઘણા સવાલ કર્યા, પણ એના સવાલ સાથે જ સંકેતની આંખ સામે ગાર્ડનના ગેટ પર વોચમેનની ગેરહાજરી ઉપસી આવી, પણ ગભરાયેલી કિંજલને એણે આ વાત ન કહેવાનો નિર્ણય કરી એક ઊંડો શ્વાસ લેતા કહ્યું
“એ વોચમેન ત્યાં જ હતો કિંજલ….તું નાહક જ આટલી ઉપાધિ કરી રહી છે…..”
“પણ ક્રિશુના ફાટેલા કપડાં…એના ઘા…એ બધું….એ બધું કઈ રીતે થયું હશે સંકેત….” બોલતા બોલતા કિંજલ રડી પડી
“બની શકે કે એ ઊંઘમાં ચાલતો હોય ને પડી ગયો હોય…ને એટલે જ એને આ ઘા પડ્યા હોય….બસ હવે બહુ ન વિચારીશ…સુઈ જા” સંકેત જેમ બને એમ વાતને જલ્દી પતાવી દેવા માંગતો હતો. સંકેતે કરેલી દલીલ બાદ કિંજલ કઈ ન બોલી, એ બસ ક્રિષ્ના તરફ જોઈ રહી. એને સુતેલા ક્રિષ્નાનો હાથ પોતાના હાથ પકડી લીધો, સંકેત કિંજલને જોઈ રહ્યો હતો
“હવે સુઈ જા…ક્રિષ્ના એકદમ ઠીક છે…” સંકેતે એટલું કહ્યું ને એ બાદ એને રૂમની લાઈટની સ્વીચ બંધ કરી દીધી, ક્ષણવારમાં જ રૂમમાં અંધકાર છવાઈ ગયો, પણ કિંજલની આંખોમાં હજી ડર દેખાઈ રહ્યો હતો. કઈક વિચાર્યા બાદ એણે જરાક ઊંચા અવાજે કહ્યું
“સંકેત…મને લાગે છે આપણે ક્રિષ્નાના ડોક્ટરને આ વિશે વાત કરવી જોઈએ” કિંજલના શબ્દો સાંભળતા જ સંકેત બેઠો થઈ ગયો
“તારું મગજ તો ઠેકાણે છે ને કિંજલ” સંકેતના અવાજમાં હવે ગુસ્સો ભળી ગયો હતો
(શુ થયું હશે ક્રિષ્ના સાથે? શુ કરશે હવે કિંજલ અને સંકેત?કોણ હશે ક્રિષ્નાના ડોકટર? શા માટે ભડકી ઉઠ્યો સંકેત? શુ ખરેખર ક્રિષ્નાએ વોચમેનનું ખૂન કરી નાખ્યું હશે? જાણવા માટે વાંચતા રહો “The Puppet( વેલકમ ટુ ધ મર્ડર શો)