કિંજલ અને સંકેત હજી કઈ સમજે એ પહેલાં તો ક્રિષ્ના કિંજલની માતાના શબ પર ઉભો થઈ કુદવા લાગ્યો, આંખો બંધ કરીને શબ પર ધડાધડ કૂદતા ક્રિષ્નાના ચહેરા પર કોઈ જ પ્રકારના ભાવ નહોતા, પણ એને આમ કુદતો જોઈ કિંજલની આંખો ચાર થઈ ગઈ, સંકેત પણ હતો ત્યાંથી ક્રિષ્ના તરફ દોડયો, ત્યાં બેઠેલા બધા જ અડધી રાત્રે બનેલી આ ઘટનાને જોઈ એકબીજાના મોઢા તાકી રહ્યા હતા, ને જોતજોતામાં જ શબ પર કૂદી રહેલા ક્રિષ્નાએ શબના નાકમાં ખોસેલા રૂના પુમડાં ખેંચી નાખ્યા, આ બધું જોઈ રહેલો સંકેત દોડતો ત્યાં પહોચ્યો અને એણે ક્રિષ્નાને ઉંચકીને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ ક્રિષ્નાનું વજન જાણે એકાએક વધી ગયું હોય એવું જણાઈ રહ્યું હતું, હંમેશા શાંત જણાતો ક્રિષ્ના ત્યારે જુનુની લાગી રહ્યો હતો.
"ક્રિષ્ના...ક્રિશું....બેટા એવું ન કરાય...નીચે ઉતર ચાલ તો” કહેતા સંકેતે મહાપરાણે ક્રિષ્નાને શબથી દૂર ખેંચ્યો, પણ હજી એ આંખો બંધ કરી હાથપગ ચલાવી રહ્યો હતો, કિંજલ પણ હવે સંકેત અને ક્રિષ્ના તરફ દોડી આવી, માતાના મૃત્યુનો આઘાત ઝીરવી ગયેલી કિંજલ એના નાનકડા ક્રિષ્નાનું આવું વર્તન જોઈ ડઘાઈ ગઈ હતી. એણે ક્રિષ્નાને છાતી સરસો વળગાડી દીધો, અત્યાર સુધી જુનુને ચડેલો ક્રિષ્ના એકાએક સાવ શાંત થઈ ગયો, કિંજલની બાથમાં જાણે એણે પડતું મૂકી દીધું હોય એમ એનું શરીર ઢીલું ઢબ થઈ ગયું, ઠંડુ બરફ જેવા ક્રિષ્નાના શરીરનો સ્પર્શ કિંજલને વધુ બેચેન કરી ગયો, એણે ક્રિષ્નાના ગાલ પર ટપલી મારતા કહ્યું
"ક્રિશું..…….ક્રિશુ બેટા...શુ થયું તને?" બોલતા બોલતા તો કિંજલ રડી પડી પણ ક્રિષ્ના તો જાણે ઘસઘસાટ ઊંઘતો હતો.
“જો ને સંકેત...આ ક્રિશુ.....એ કેમ ઉઠતો નથી.....એનું શરીર જો ને કેટલું ઠંડુ થઈ ગયું છે....સંકેત જો ને આપણા ક્રિશુને શુ થઈ ગયું છે” કિંજલ બાવરી બની હતી, સંકેતને પણ ક્રિષ્નાની ચિંતા સતાવી રહી હતી પણ એ કઈ કિંજલની જેમ ભાન ભૂલી શકે એમ નહોતો. એને તો કિંજલ અને ક્રિષ્ના બેઉને સાચવવાના હતા. ને એ દિવસે સંકેતને પુરુષ હોવાની કિંમત ચૂકવતો હોય એમ પોતે હિંમત રાખી કિંજલને સાંત્વના આપવાની હતી
સંકેતે ક્રિષ્નાને એના ખભે ઊંચક્યો અને ફરી એને રૂમમાં જઈને સુવડાવી દીધો, કિંજલને પણ એણે સાંત્વના આપતા કહ્યું
“કિંજલ...ચિંતા ન કર...નાનું બાળક છે એ..આખો દિવસ હાથ પગ ચલાવે એટલે રાત્રે ક્યારેક આમ ઊંઘમાં કરી બેસે આવું કઈક....”
“પણ એ ઉઠતો કેમ નથી સંકેત...મેં એને કેટલો ઢંઢોયો” કિંજલના મનમાં પારાવાર ચિંતા હતી “ઊંઘમાં છે એ કિંજલ.... સુવા દે એને નિરાંતે...ઉઠશે એટલે એકદમ ઠીક જ હશે આપણો ક્રિષ્ના" સંકેતે ફરી એકવાર સાંત્વના આપી કિંજલને અને એ બાદ તો ક્રિષ્નાના વ્યવહારથી હેબતાઈ ગયેલા બધા જ લોકોએ કિંજલને ક્રિષ્ના હજી નાનો છે એમ કહી કહીને જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ કિંજલના મનના એક ખૂણે ડર ઘર કરી ગયો હતો.
એ રાત્રે તો ક્રિષ્ના શાંતિથી સુઈ રહ્યો, સવારે માતાની અંતિમ વિધિ પતાવી જ્યારે કિંજલે ક્રિષ્નાને પોતાના ખોળામાં લીધો ત્યારે ક્રિષ્નાનું શરીર ધગધગતું હતું, ને આમ જ એ ત્રણ દિવસ સુધી તાવથી ભર્યો રહ્યો હતો, ડૉક્ટરના ધક્કા ખાધા પછી પણ તાવ જાણે ઉતરવાનું નામ જ નહોતો લઈ રહ્યો, એક તરફ માતાના જવાનું દુઃખ ને બીજી તરફ ક્રિષ્નાની આ હાલત, કિંજલ સમસમી ગઈ હતી, ને એમાંય ક્રિષ્ના જે રીતે એની માતાના શબ પર બેસી ગયેલો એ અંગે લોકો જે બિહામણી વાતો કરી રહ્યા હતા એ કિંજલને વધુ પરેશાન કરી રહી હતી.
કઈ કેટલીય બાધા આખડી રાખી ચુકી હતી કિંજલ ને આખરે ભગવાને જાણે એની વાત સાંભળી લીધી, ક્રિષ્નાનો તાવ ઉતર્યો ને ધીમે ધીમે એ એકદમ સ્વસ્થ થઈ ગયો પણ એક ઘટના ફરી ફરીને બનતી જ રહી, ક્રિષ્ના ઘણીવાર રાત્રે ઊંઘમાં ઉઠી રૂમમાં ચાલવા લાગતો. ને આ વાતને લઈને કિંજલ ખૂબ જ ચિંતામાં રહેતી “ચાલને સંકેત આપણે ડોકટર પાસે જઈએ ક્રિષ્નાને લઈને” એકવાર એને સંકેતને કહ્યું
“કિંજલ....નાના બાળકો આમ ચાલતા હોય ક્યારેક...હું ય નાનો હતો ત્યારે ક્યારેક ઊંઘમાં ચાલતો....મોટા થાય એટલે આદત સુધરી જાય... ઊંઘમાં બબડાટ કરે એમ બાળક ઊંઘમાં ચાલે ય ખરા....ક્રિશુ મોટો થશે એટલે બધું એકદમ ઠીક થઈ જશે....તું માઁ છે ને એની એટલે તને ચિંતા સતાવે એ હું સમજુ છું... પણ મારી વાત માન તું સમજે છે એટલી મોટી વાત નથી આ” કહી સંકેતે કિંજલને મનાવી લીધી, કિંજલે પણ એ પછી સંકેતની વાત પર વિચાર કર્યો જ હતો., નાના બાળકો ઊંઘમાં બબડાટ કરતા જ હોય...એમ ચાલવા ય લાગે...ને એમેય હજી તો ક્રિષ્નાના બે જ વર્ષનો છે.. મોટો થશે એટલે બધું ઠીક થઈ જશે...એમ વિચારી કિંજલે પણ પોતાનું મન મનાવી લીધું હતું.
કિંજલ ભૂતકાળની ગલીઓમાં ભટકી ગઈ હતી ત્યારે જ બેડરૂમના દરવાજો ઉઘડવાના અવાજે એ જાણે એ ગલીઓમાંથી સીધી વર્તમાનમાં પટકાઈ, એણે તરત બેડરૂમ તરફ નજર કરી
આળસ મરડતો ક્રિષ્ના રૂમની બહાર આવ્યો, ને સોફા પર બેઠેલા કિંજલ અને સંકેત તરફ જોઈ બગાસાં ખાતા ખાતા જ એણે કહ્યું
“આમ કેમ સુનમુન બેઠા છો તમે બન્ને?”
“એ તો તું....."કિંજલ કઈક બોલવા જતી હતી પણ સંકેતે એની વાત કાપતા કહ્યું
“એ તો અમે આજે વહેલા ઉઠી ગયા તો બસ વાતો કરતા હતા....”
"મમ્મી...પપ્પાનું તો ઠીક છે પણ તું સવાર સવારમાં વાતોએ કેમ લાગી ગઈ....મારે સ્કૂલ જવાનું છે...ટિફિન ન બનાવ્યું તે” ક્રિષ્ના ફરી એમ જ આળસ મરડીને બોલ્યો, ને કિંજલ બસ ટગર ટગર એને જોઈ રહી હતી, આ એ જ ક્રિષ્ના છે જે ગઈકાલે ગાર્ડનમાં બેહોશ હાલતમાં મળી આવ્યો હતો....જે પોતે કોઈનું ખૂન કર્યું છે એનું રટણ કરતો હતો...ને આજે એકદમ સ્વસ્થ....કિંજલનું મગજ ફરી ચકડોળે ચડ્યું, ને ત્યાં જ આળસ મરડી રહેલા ક્રિષ્નાનો હાથ અનાયાસે જ એના ચહેરા પર પડેલા ઉઝરડા પર ફર્યો ને એ સાથે જ એની ચીસ નીકળી ગઈ
“શુ થયું?” કિંજલથી પણ ચિંતામાં બોલાઈ ગયું પણ ત્યાં સુધી તો ક્રિષ્ના હોલ અને બેડરૂમ વચ્ચેના પેસેજમાં રહેલા વોશબેસીન પાસે લગાવેલા અરીસા સુધી પહોંચી ગયો હતો. એને પોતાની જાતને અરીસામાં નીરખી નીરખીને જોઈ, ચહેરા પર ઠેર ઠેર પડી ગયેલા ઉઝરડા પર ક્યાંક ક્યાંક લોહીના ટશિયા ફૂટી નીકળ્યા હતા ને એ જોઈ ક્રિષ્ના એકદમ બેચેન થઈ ઉઠતા બોલ્યો “આ બધું શુ થયું મને?”
“એ તો ગઈકાલે રાત્રે તું ગા....."કિંજલ જાણે એને હકીકત જણાવી દેવા માંગતી હતી પણ સંકેતે એની વાત કાપતા કહ્યું
“એ તો ગઈકાલે રાત્રે તું ગાદલા પરથી પડી ગયો હતો....કદાચ ત્યારે જ વાગ્યું હશે બેટા તને”
સંકેતે કહેતા તો કહી દીધું પણ એના અવાજમાં રહેલી ધ્રુજારી કિંજલ અને ક્રિષ્ના બેઉએ અનુભવી
“મને કેમ કઈ યાદ નથી આવતું મમ્મી" ક્રિષ્નાએ સીધો જ કિંજલનો હાથ પકડી લેતા સવાલ કર્યો
“એ તો તું ઊંઘમાં હતો ને બેટા એટલે” સંકેતે ફરી ઉતાવળે જવાબ આપ્યો પણ કિંજલનું મૌન જાણે ઘણું બધું કહી ગયું, ક્રિષ્નાએ તરત જ કિંજલ તરફ જોઈ ખૂબ જ ગંભીર અવાજે કહ્યું
“પપ્પા જૂઠું બોલી રહ્યા છે ને મમ્મી?”
ક્રિષ્નાનો સવાલ સાંભળી સંકેતનો જીવ ઊંચો થઈ ગયો, એ કિંજલને નકારો કરવાનો ઈશારો કરી રહ્યો હતો ને ત્યાં જ ક્રિષ્નાએ ફરી સવાલ કર્યો
“હું ગઈકાલે ઊંઘમાં ચાલતો ચાલતો ક્યાંક જતો રહ્યો હતો ને મમ્મી?”
(શુ જવાબ આપશે કિંજલ ક્રિષ્નાના સવાલનો? શુ કૃષ્ણ પોતાની ઊંઘમાં ચાલવાની ટેવની સાથે સાથે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે પણ જાણતો હશે? શુ થશે જ્યારે ક્રિષ્નાને ખબર પડશે કે એણે ઊંઘમાં કોઈનું ખૂન કરી નાખવાની વાત કરી હતી ? જાણવા માટે વાંચતા રહો “The Puppet”)