“તારું મગજ તો ઠેકાણે છે ને કિંજલ” સંકેતના અવાજમાં હવે ગુસ્સો ભળી ગયો હતો, એણે ફરી એ જ ગુસ્સામાં કહ્યું
“આવી મૂર્ખામી ન કરાય…”
“પણ સંકેત જ્યારથી આપણે ક્રિષ્નાને ડોકટર નિકુશ પાસે લઈ ગયા છે…એમની દવા આપી રહ્યા છે…ત્યારથી ક્રિષ્નાની આ ઊંઘમાં ચાલવાની આદત સાવ નહિવત થઈ ગઈ હતી એ તો તને ય ખબર જ છે ને…તો પછી આજે આમ… અચાનક….ને એના એ શબ્દો…મને ડર લાગી રહ્યો છે સંકેત ક્રિષ્નાના એ શબ્દોથી….આપણે ડોકટર નિકુશને વાત કરીશું તો એ કદાચ કઈક સોલ્યુશન આપી શકે…” કિંજલનો ચિંતાતુર અવાજ સાવ ઢીલો પડતો જતો હતો, પણ સંકેત વધુ ઉશ્કેરાઈ ગયો
“શુ કહીશ તું ડોકટર ને?...કે મારો દીકરો કોઈનું ખૂન કરીને આવ્યો છે એવું રટણ કરી રહ્યો છે? દરેક વાતનું સોલ્યુશન કઈ તારા એ ડોકટર નિકુશ પાસે નથી મળવાનું એ વાત સમજી લે...જો કિંજલ, ભૂલેચૂકે પણ આ વાત આપણા બે સિવાય કોઈને ખબર પડી તો ક્રિષ્નાનું જીવવું પણ હરામ થઈ જશે…” ગુસ્સે ભરાયેલા સંકેતના અવાજમાં ય ક્રિષ્ના પ્રત્યેનો પ્રેમ છલકાઈ રહ્યો હતો
“પણ નિકુશ તો ભરોસાપાત્ર છે…ને એમેય એ ક્રિશુનો ડોકટર છે…એક સારો મનોચિકિત્સક છે…ને એના દર્દીઓની માહિતીની ગોપનીયતા જળવાય એનું એ ધ્યાન રાખતો જ હોય ને” કિંજલની દલીલો હજી જેમની તેમ હતી
“ને કદાચ તારા એ ડોકટર નિકુશે આ અંગે પોલીસને જાણ કરી દીધી તો શુ થશે એ વિચાર્યું છે તે….જવાબ આપવો અઘરો પડી જશે એનો અંદાજો પણ છે કે નહીં તને….આપણે ક્રિશુને ડોકટર નિકુશની આપેલી દવા આપવામાં ચુકી ગયા કદાચ એટલે આજે એ આમ વર્તયો હોય એવું ય બને ને…ને એમેય ક્રિશુ હજી નાનો છે…તું એની માઁ છે…એ જન્મ્યો ત્યારથી એને ઓળખે છે…તને લાગે છે કે આપણો ક્રિશુ કોઈને મારી શકે?....એ ફક્ત એનો વહેમ માત્ર હશે કિંજલ…સવાર પડશે એટલે ક્રિશુ એકદમ નોર્મલ થઈ જશે…જોજે તું…..” સંકેત હજી ચિડાયેલો જ હતો
“પણ એકવાર નિકુશ સાથે વાત કરી લેવામાં શુ વાંધો…..”કિંજલ આગળ કઈ બોલે એ પહેલાં જ સંકેતે ફરી ચિડાઈને કહ્યું
“બંધ કર તારું આ તારા સો કોલ્ડ ફ્રેન્ડ અને ડોકટર નિકુશનું રટણ”
“મારા ફ્રેન્ડ…મારા નિકુશ….શુ બોલી રહ્યો છે તું સંકેત એનું તને ભાન પણ છે?..એના કારણે આપણા ક્રિષ્નાની તબિયતમાં કેટલો સુધારો છે એ તને નથી દેખાતો?” કિંજલ પણ જરા ચિડાઈ
“હા હું સમજુ છું કે ડોકટર નિકુશના કારણે જ ક્રિષ્નાની હાલતમાં પહેલા કરતા ઘણો સુધારો છે પણ દરેક વાત એને જણાવવી હું જરૂરી નથી સમજતો…ને આ વાત તું પણ જેટલી જલ્દી સમજી જાય એટલું સારું…ક્રિષ્ના જે બોલી રહ્યો હતો એ ફક્ત એનો વહેમ માત્ર હતું બસ બીજું કંઈ નહીં…હવે પ્લીઝ સુઈ જા” સંકેત હવે જરા શાંત પડ્યો, કિંજલ બસ સંકેતને બોલતા જોઈ રહી. એ વિશ્વાસ કરી લેવા માંગતી હતી સંકેતની વાતો પર પણ કોણ જાણે કેમ એનું મન રહી રહીને ક્રિષ્નાના એ શબ્દો પર જઈ અટકી જતું હતું.
કિંજલના મૌનને જાણે એ એની વાત સમજી ગઈ છે એમ ધારી સંકેત એ પછી સુઈ ગયો પણ કિંજલ હજી ફાટી આંખે ઘડીક છતને તો ઘડીક એની પડખે સુતા ક્રિષ્નાને તાકી રહી હતી. એના વ્હાલસોયાના માથે હાથ ફેરવતી કિંજલની આંખો ભીંજાઈ ઉઠી ને એ આંસુઓને કારણે ધૂંધળી થઈ ગયેલી એની નજર સામે એનો ભૂતકાળ તરવરી ઉઠ્યો
******************
માતાપિતાએ પોતાના માટે પસંદ કરેલા સંકેત સાથે લગ્ન કરીને કિંજલ ખરેખર ખૂબ જ ખુશ હતી. બન્ને વચ્ચે પ્રેમના ફણગા ફૂટ્યા ને એ બાદ તો એ પ્રેમનો નાનકડો છોડ ઘટાદાર વૃક્ષ બની ગયું
ને એ પ્રેમમાં ને પ્રેમમાં લગ્નજીવનના બે વર્ષ વીતી ગયા એનો ય બેમાંથી એકેયને ખ્યાલ ન આવ્યો. પણ એ પ્રેમ ત્યારે બમણો થઈ ગયો જ્યારે કિંજલને ખબર પડી કે એ ગર્ભવતી છે….કેટલો ખુશ થઈ ગયો હતો સંકેત એ ખબરથી…એની ચહેરો કેટલો ખીલી ઉઠેલો એ આજે ય કિંજલને બરાબર યાદ છે…ને ખીલી પણ કેમ ન ઉઠે, બન્નેના પ્રેમની નિશાની કિંજલના ગર્ભમાં શ્વાસ લઈ રહી હતી.
ગર્ભવતી કિંજલને સંકેત જીવની જેમ સાચવતો. નવ મહિના ખડે પગે રહ્યો હતો એ કિંજલ માટે, એ હંમેશા કિંજલ સાથે જ રહેવા માંગતો અને એટલે જ એને સિમંત વિધિ બાદ કિંજલને પિયર પણ નહોતી જવા દીધી, સંકેત સતત કિંજલને કઈક ને કઈક વાંચીને સંભળાવ્યા કરતો, એની સાથે અઢળક વાતો કરતો, એને ભાવતી વસ્તુ હાજર કરી દીધો, એના હાથે જમાડતો, ને આ બધું જોઈ કિંજલ ખરેખર પોતાને અને એના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નસીબદાર સમજતી , કિંજલને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો ત્યારે પણ સંકેત એની સાથે ને સાથે જ રહ્યો હતો, ઓપરેશન થિયેટરમાં સતત એને હિંમત આપતો સંકેત જે રીતે પોતાના આંસુ છુપાવી લેતો એ કિંજલે એની નજરે જોયું હતું ને જ્યારે અપાર પીડા સહન કર્યા બાદ કિંજલે બાળકને જન્મ આપ્યો ત્યારે સંકેત અને કિંજલ બેઉની આંખોમાં હરખના આંસુઓ ઉભરાઈ આવેલા.
સંકેતે જ્યારે પહેલીવાર એના બાળક પોતાના ખોળામાં લીધુ તો એને નીરખીને હરખાઈ ગયેલા સંકેતનો ચહેરો જોઈ કિંજલના ચહેરા પર પણ સ્મિત રેલાઈ ગયું હતું. ને એ પછી તો દિવસો વીત્યા ને મહિનાઓ પણ, વાને જરા શ્યામ પણ લાંબા અને વાંકડિયા વાળ ધરાવતો ક્રિષ્ના અદ્દલ કાન્હા જેવો જ લાગતો અને એટલે જ કિંજલ અને સંકેતે એનું નામ ક્રિષ્ના રાખેલું, નાનપણથી જ ક્રિષ્ના સ્વભાવે શાંત, બહુ કજિયા કરવા કે રડવું જાણે એ શીખ્યો જ નહોતો. ને એટલે જ કિંજલ અને સંકેતે બીજા માતાપિતાની જેમ ભાગ્યે જ રાત્રે ઉજાગરા કર્યા હશે.
એકમેક માટેનો પ્રેમ અને એ પ્રેમના ફળ રૂપે ક્રિષ્નાને મેળવી લીધા બાદ જાણે એમનો પરિવાર પૂર્ણ થઈ ગયો હતો, કિંજલ ક્યારેક એકલી બેઠી હોય તો ક્રિષ્નાને નીરખ્યા કરતી, ને એવી જ રીતે એક દિવસ કિંજલ સુતેલા ક્રિષ્નાને નીરખી રહી હતી, આઠેક મહિનાનો ક્રિષ્ના ઘસઘસાટ ઊંઘતો હતો ને એકાએક એ બેઠો થઈ ગયો, કિંજલ એને થાબડીને ફરી સુવડાવી દેવા માંગતી હતી એટલે એણે ક્રિષ્ના તરફ હાથ લંબાવ્યો પણ એને જોયું તો ક્રિષ્ના બેઠા બેઠા જ ઊંઘતો હતો…ઘડીક આંખો ખોલતો…હસતો..ને ફરી આંખો મીંચી દેતો…આમ તો નાના બાળકોમાં આવી ઘટના બનવી સાવ સામાન્ય હતી પણ કોણ જાણે કેમ કિંજલ એ ઘટનાને સામાન્ય રીતે નહોતી લઈ શકી. એણે તરત ક્રિષ્નાને પોતાની છાતી સરસો ચાંપી દીધેલો, ઘડીભર ક્રિષ્ના એમ જ એના ખોળામાં પડ્યો રહ્યો ને એ બાદ જોર જોરથી રડવા લાગ્યો ત્યારે કિંજલને રીતસરની ફાળ પડેલી.
કિંજલે એ જ ઘડીએ ફોન કરીને સંકેતને ઓફિસથી ઘરે બોલાવી લીધેલો, સંકેત જ્યારે ઘરે આવ્યો ત્યારે ક્રિષ્ના તો રમવામાં મશગુલ હતો પણ કિંજલના ચહેરો ચિંતામાં હતો, એક માઁ તરીકે ક્રિષ્ના સાથે કઈક અજુગતું બન્યું છે એનો અણસાર કિંજલને આવી ગયેલો પણ એ દિવસે ય એ વાત સંકેતને સમજાવવામાં એ અસમર્થ રહેલી.
“કિંજલ રિલેક્સ…નાના બાળકો ઊંઘમાં આવી હરક્ત કરતા હોય…એમાં આટલી ચિંતા કરવાની જરૂર નથી…સમજી શકું છું કે તને ક્રિષ્નાની ચિંતા છે…પણ હાલ તું નાહક જ પરેશાન થઈ રહી છે” કહી સંકેતે ક્રિષ્નાને સાંત્વના આપી હતી, પણ એ પછી ય ઘણીવાર ક્રિષ્ના આમ ઊંઘમાં જ બેસી જતો. ને દર વખતે કિંજલ ચિંતામાં મુકાઈ જતી ને સંકેત એને સાંત્વના આપી શાંત કરી લેતો, પણ હદ તો ત્યારે થઈ જ્યારે કિંજલની માતાનું અવસાન થયું, એ દિવસે..એ દિવસે જે બન્યું એ પછી જાણે કિંજલના મનમાં એક બીક પેસી ગયેલી. આજે ય એ દ્રશ્ય કિંજલને ધ્રુજાવી ગયું
***********
છતને તાકતી કિંજલ વિચારોના વમળોમાં અટવાયેલી હતી ત્યાં જ એના કાને એક સળવળાટ સંભળાયો, રૂમમાં ચારેતરફ ફેલાયેલા એ અંધારાને ચીરતી કિંજલની આંખો સીધી ક્રિષ્ના પર સ્થિર થઈ, એ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, ને એ જોઈ કિંજલને હાશકારો થયો પણ ત્યાં જ એની નજર બેડરૂમના સહેજ ઉઘડેલા દરવાજામાંથી ધીમે રહીને બહારની તરફ સરકતા સંકેત પર પડી.
કિંજલ જાગે છે એ વાતથી અજાણ સંકેત સવારના ચાર વાગ્યાની આસપાસ દબાતા પગલે બેડરૂમમાંથી બહાર આવ્યો, કિંજલ પણ સંકેતને આમ જતા જોઈ એની પાછળ પાછળ બહાર આવી, સંકેત હજી દબાતા પગલે જ ઘરના મુખ્ય દરવાજા તરફ આગળ વધી રહ્યો હતો, એણે ધીમે રહીને દરવાજો ઉઘાડયો અને જેવો એ બહાર નીકળવા ગયો કે તરત કિંજલે જરા ઊંચા અવાજે પૂછ્યું
“ક્યાં જાય છે આટલી વહેલી સવારે?”
(ક્યાં જઈ રહ્યો હશે સંકેત આમ દબાતા પગલે? ભૂતકાળમાં એવું તો શું બન્યું હશે ક્રિષ્ના સાથે? ક્યાં છે એ ગાર્ડનનો વોચમેન? શુ ખરેખર ક્રિષ્નાએ એનું ખૂન કરી નાખ્યું છે? કોણ છે ડૉક્ટર નિકુશ? જાણવા માટે વાંચતા રહો “the puppet (વેલકમ ટુ ધ મર્ડર શો)